Satya ae j Ishwar chhe - 38 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 38

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 38

૩૮. મજૂરી - ઇશ્વરની ઉપાસના

‘બ્રહ્માએ યજ્ઞની ફરજ બતાવી પ્રજાને ઉત્પન્ન કરી અને તેને કહ્યું,’ “યજ્ઞથી તમે આબાદ થશો. તે તમારી સર્વ કામનાઓ પૂર્ણ કરવાવાળો થાઓ.” ‘જે આ યજ્ઞ કર્યા વગર ખાય છે તે ચોરીનું ખાય છે,’ એવું ગીતા કહે છે. ‘તારો રોટલો પરસેવો પાડી મહેનત કરીને કમાજે’ એમ બાઇબલ કહે છે. યજ્ઞો ઘણા પ્રકારના કોઇ શકે. સૌ કોઇ પોતાનો રોટલો મેળવવાના પૂરતી જ મજૂરી કરે ને તેથી વધારે તો સૌ કોઇને પૂરતો ખોરાક અને પૂરતી નવરાશ મળે. પછી વધારે પડતી વસ્તુની બૂમ નહીં રહે, રોગ ને બીમારી નહીં રહે. આવી મજૂરી ચારે કોર જોવામાં આવે છે તેવું દુઃખ પણ નહીં રહે. આવી મજૂરી ઉત્ત્મ પ્રકારનો યજ્ઞ બને. પોતાના શરીર મારફતે અગર મન મારફતે માણસો બેશક બીજાં ઘણાં કામો કરતાં રહેશે પણ એ બધી સર્વના ભલાને માટે પ્રેમથી કરેલી મજૂરી અથવા સેવા હશે. પછી કોઇ તવંગર ને કોઇ ગરીબ, કોઇ ઊંચા ને કોઇ નીચા, કોઇ સ્પર્શ્ય ને કોઇ અસ્પર્શ્ય જોવાના નહીં મળે.

હરિજન, ૨૯-૫-’૩૫

સંભવ છે કે આ ન પહોંચી શકાય એવો આદર્શ હોય. પણ તેથી આપણે તેને માટે મથવાનું છોડી દેવાનું ન હોય. આપણી હસ્તીનોજે કાનૂન છે તે યજ્ઞના આખાય કાનૂનનો પૂરેપૂરો અમલ ભલે આપણે ન કરી શકતા હોઇએ તોપણ આપણો રોજનો રોટલો કમાવા પૂરતી અંગમહેનત કરીએ તોયે આપણે આદર્શની દિશામાં લાંબી મજલ કાપી હશે.

હરિજન, ૨૯-૬-’૩૫

આપણે એટલું કરીએ તો આપણી જરૂરિયાતો ઓછામાં ઓછી થઇ જાય, અને આપણો આહાર સાદો થાય. પછી જિંદગીને ખાતર ખાનપાન હશે, ખાનપાનને ખાતર આપણી જદગી નહીં હોય. જેને આ વાતની સચ્ચાઇ વિશે શંકા હોય તેણે પોતાના રોટલા માટે અંગમહેનત કરી જોવી એટલે તેને પોતાની મજૂરીથી પેદા થયેલી ચીજોમાંથી પાર વગરનો સ્વાદ મળશે. તેની તંદુરસ્તી આબાદ રહેશે, અને તેને ભાન થશે કે પોતે જે અનેક ચીજો લેતો હતો તે વધારે પડતી ને નકામી હતી.

બુદ્ધિની મહેનતથી માણસો પોતાનો રોટલો રળી શકે કે નહીં ? ના. શરીરની જરૂરિયાતો શરીરે પૂરી પાડવી જોઇએ. ‘જે રાજાના હકનું છે તે રાજાને આપી દેવું’ એ વચન અહીં પણ લાગું પડે છે. કેવળ મનની ્‌એટલે કે બુદ્ધિની મજૂરી આત્માને અર્થે હોય અને તેની સાર્થકતા ને સમાધાન તેમાં જ છે. એવી મજૂરીના વળતરની માગણી કરવાની હોય નહીં. આદર્શ રાજ્યમાં દાકતરો, વકીલો અને એવા જ બીજા બુદ્ધિની મજૂરી કરવાવાળા પોતાના સ્વાર્થને માટે નહીં પણ કેવળ સમાજના લાભ માટે કામ કરશે.

રોટલો મેળવવાને માટે અંગમહેનત કરવાના કાનૂનના અમલથી સમાજની રચનામાં ખળભળાટ વગરની મૂગી ક્રાન્તિ થશે. પછી માણસોને વિજયની સાર્થકતાનો અનુભવ જીવવાને માટે આકરી રહીફાઇને બદલે પરસ્પર સેવા કરવાની હરીફાઇ કરવામાં મળશે. પશુના જીવનના કાનૂનને બદલે માણસના જીવનના કાનૂનનો અમલ શરૂ થશે.

હરિજન, ૨૯-૬-’૩૫

રોટલો રળવાને અંગમહેનત કરવાના ધર્મનો સ્વેચ્છાથી સ્પષ્ટ સ્વીકાર કરવો એ જ ગામડામાં પાછા ફરવાની વાતનો અર્થ છે.

હરિજન, ૨૯-૬-’૩૫

જે પારકાની સેવા કરે છે તેના હ્યદયમાં ઇશ્વર પોતાની મેળે, પોતાની ગરજે આવીને વાસ કરે છે. તેથી જ અનુભવજ્ઞાન જેણે મેળવેલું તે નરસિંહ મહેતાએ ગાયું કેે :

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે.

નવજીવન, ૨૦-૯-’૨૫

અને પીડિત કોણ છે ? અંત્યજ અને કંગાળ. એ બેની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. અંત્યજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા ? જેઓ કંગાળને અર્થે રેંટિયો ચલાવવા જેટલું પણ શરીર ચલાવતાં આળસ કરે, અનેક બહાનાં કાઢે, તે સેવાનો મર્મ જાણતા જ નથી. જે માણસ કંગાળની સામે બેઠો રેંટિયો ચલાવે છે ને તેને રેંટિયો ચલાવવાને સારુ નોતરે છે, તે ઇશ્વરની અનન્ય સેવા કરે છ.

‘જે મને પત્ર, પુષ્પ, પાણી ઇત્યાદિ ભક્તિપૂર્વક આપે છે તે મારો સેવક છે’ એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ઘેર વધારે વસે છે, એ તો આપણે નિરંતર સિદ્ધ થતું જોઇએ છીએ. તેથી કંગાળને અર્થે કાંતવું એ મહાપ્રાર્થના છે, એ મહાયજ્ઞ છે, એ મહાસેવા છે.

નવજીવન, ૨૦-૯-’૨૫

પ્ર૦ - ઇશ્વરભજનમાં સમય ગાળનાર એટલો જ સમય ગરીબોની સેવામાં આપે, તો ભજન કરતાં એ સારું ન ગણાય ?

આમ ગરીબની સેવા કરનારને જુદી ઇશ્વરની ભક્તિ કરવાની જરૂર રહે ખરી ?

ઉ૦ - આવા પ્રશ્નમાં મને આળસની ને નાસ્તિકતાની ગંધ આવે છે. મોટા મોટા કર્મયોગી કદી ભજન કે ભકિત કરવાનું છોડતા નથી. બીજાની પારમાર્થિક સેવાનું કર્મ એ જ શક્તિ છે ને એવું કર્મ કરનારને ભજનની જરૂર નથી, એમ સિદ્ધાંત તરીકે કહી શકાય. પણ વાસ્તવમાં એવા પારમાર્થિક કર્મમાં ભજન વગેરેથી મદદથી થાય છે અને ઇશ્વરનું સ્મરણ તાજું રહે છે.

હરિજનબંધુ, ૧૩-૧૦-’૪૬

ઇશ્વરને નામે કરેલું અને એને અર્પણ કરેલું એકે કામ નાનું કે હલકું નથી. એવીરીતે થયેલું બધું કામ એક જ કોટિનું બની જાય છે. ઇશ્વરને નામે અને કેવળ ઇશ્વરના પ્રતિનિધિ તરીકે એની આપેલી સંપત્તિનો ઉપયોગ કરતો રાજા અને ઇશ્વરની સેવાને અર્થે કામ કરનાર ભંંગી બંને સરખા મોટા છે.

નવજીવન, ૨૮-૧૧-’૨૬

ઇશ્વરને નામે જે કામ થાય છે ને તેને અર્પણ કરવામાં આવે છે તે નાનું નથી. એવી રીતે કરવામાં આવેલાં બધાં કામોનું પુણ્ય સરખું હોય છે. જે ભંગી ઇશ્વરની સેવાને અર્થે પોતાનું કર્મ કરે છે તેની પાત્રતા ઇશ્વરને નામે કેવળ ટ્રસ્ટી રહીને રાજ ચલાવવામાં પોતાની શક્તિ ને આવડત વાપરનાર રાજાની પાત્રતાના જેવી જ છે.

યંગ ઇન્ડિયા, ૨૫-૧૧-’૨૬

ગરીબોને જે જાતની મજૂરી કરવી પડે છે તે દિવસમાં એકાદ કલાક પણ આપણે સૌ કરીએ અને એ રીતે તેમની સાથે અને તેમની મારફતે આખી માવનજાત સાથે આત્મીયતા કેળવીએ તેના કરતાં વધારે ઉદાર ભાવવાળું અથવા વધારે રાષ્ટ્રીય ભાવનાવાળું બીજું કંઇ હું કલ્પી શકતો નથી. ગરીબો કરે છે તેવી જ મજૂરી ગરીબીને માટે ઇશ્વરને નામે કરવાના કરતાં વધારે ચડતા પ્રકારની ઇશ્વરની પૂજા હું કલ્પી શકતો નથી.

યંગ ઇન્ડિયા, ૨૦-૧૦-’૨૧

શ્રમધર્મ વિશે દીધેલો ભાર વધારે પડતો છે એમ કદી કહેવાય જ નહીં. હું તો ગીતાની જ ભાષાની અનુવાદ કરું છું. ભગવાને જ કહ્યું છે ને કે ‘જો હું અંતદ્રિય રહીને કર્મમાં મચ્યો ન રહું તો લોકો મારે જ રસ્તે ચાલે ને તેમને ખોટો દાખલો બેસે’ ?

હરિજનબંધુ, ૩-૧૧-’૩૫

એક પણ સશક્ત પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખોરાક વગરનાં રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ આવવી જોઇએ.

યંગ ઇન્ડિયા, ૬-૧૦-’૨૧

પ્રેમ અથવા અહિંસામાં સેવાનું મૂળ ન હોય ત્યાં સુધી તે થઇ ન શકે. સાચા પ્રેમને કોઇ સીમાં નથી. સમૃદ્ધના જેવો છે ને માણસના અંતરમાં તેની એવી ભરતી ચડે છે કે તે બધીયે મર્યાદાઓ ને સરહદો ઓળંગી ફેલાતો ફેલાતો આખીયે સૃષ્ટિને વ્યાપી વળે છે. વળી, આવી સેવા રોટલો મેળવવાને માટેની મજૂરી કે જેને ગીતામાં યજ્ઞ કહીને ઓળખવામાં આવી છે તેના વગર અશકય છે. પુરુષ અથવા સ્ત્રી સેવાને અર્થે મજૂરી કરે પછી જ તેને જીવનનો અધિકાર પ્રાપ્ત થાય.

યંગ ઇન્ડિયા, ૨૦-૯-’૨૮