Patanni Prabhuta - 15 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 15

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 15

૧૫. તમે કોણ છો ?

રાણીએ જે દેખાવ જોયો, તે કેમ બનવા પામ્યો એ જોઈએ ત્રિભુવનપાળ મોંઢેરી દરવાજાના રસ્તા પર, પોતાના રસાલા સાથે મંડલેશ્વરની વાટ જોતો ઊભો રહ્યો. શા માટે તે રાજગઢ પાછા ગયા, મુંજાલ જોડે શી વાતો કરી, એ જાણવા તેનું મન ઉત્કંઠિત થયું હતું; પણ નાનપણથી જ તેને હુકમ પ્રમાણે અમલ કરવાની ટેવ પડી હતી, એટલે દરવાજા બંધ થયા ત્યાં સુધી તે થોભ્યો.

પછી ધીમે ધીમે તે રાજગઢ તરફ જવા લાગ્યો. ચૌટામાં ધમાચકડી થઈ રહી હતી. દુકાનો બંધ કરવી કે કેમ તેનો વેપારીઓ ભેગા મળી વિચાર કરી રહ્યા હતા. કેટલાક મોટેથી રાજ્યની સ્થિતિની વાત કરતા હતા. ત્રિભુવને પોતાના એકબે માણસ પાસે ખબર કઢાવી ત્યારે તેને માલૂમ પડયું, કે મંડલેશ્વર રાજગઢમાં આવી, કોટ કુદાવી બહાર નીકળી ગયા હતા. તરત તે દોડતે ઘોડે ત્યાં ગયો. ત્યાં બસેપાંચસે લોકો ભેગા મળી વાતો કરી રહ્યા હતા, અને કયે ઠેકાણેથી દેવપ્રસાદ ગયો, તે એકબીજાને દેખાડતા હતા. ત્રિભુવનને જોઈ ઘણાખરા શાંત પડી ગયા, અને આંગળી વડે તેને ઓળખાવવા લાગ્યા. ત્રિભુવન ચાંપાનેરી દરવાજે ગયો, અને દરવાનને તે ઉઘાડવા કહ્યું. દરવાને ના પાડી. નિરાશ થઈ, ત્રિભુવને કોટની ઊંચાઈ જોઈ, પોતાના ઘોડા તરફ જોયું અને નિસાસો નાખ્યો. પાટણનો કોટ કુદાવવો, એ તો એના બાપ જ કરી શકે. ત્યાંથી ઝપાટાબંધ તે રાજગઢ આવ્યો અને પાછલો રસ્તો ઉઘાડી છે, એટલે તે અંદર આવ્યો. પહેરેગીરોએ તેને રોક્યો.

'મારે મીનળબાને મળવું છે. મને ઓળખતા નથી ? હું મંડલેશ્વરનો પુત્ર ત્રિભુવનપાળ. જાઓ, હું ઊભો છું. કોઈ જઈને કહી આવે.'

'એક પહેરેગીર મીનળદેવીને સંદેશો કહેવા ગયો. ત્રિભુવન ઘોડા પરથી ઊતરી ઊભો. એક જ વસ્તુ કરવાની તેની નજરે દેખાઈ. બહાર જઈ તેના પિતાને મળવું એ બળથી થાય એમ હતું નહિ; એટલે કળથી કરવા તેણે નિશ્ચય કર્યો.

આનંદસૂરિ નીચે ઊતર્યો – 'બા મળી શકે એમ નથી. શું કામ છે ?

‘તેનું તમારે શું કામ છે ? કેમ નહિ મળે ? મને ઘણું જરૂરનું કામ છે. મારાથી થોભાય એમ નથી.' ત્રિભુવને ઉતાવળા થઈ કહ્યું.

'મળવું હોય તો થોભવું પડશે,' કહી જાતે ચાલ્યો ગયો.

અધીરાઈમાં અકળાતો ત્રિભુવન ઊભો રહ્યો તેને ઉપર જવાનું મન થયું. દરેક પળ જતી, તે ઘણી કીમતી હતી.

એટલામાં સામી બાજુના ઓટલા પરથી જ્યદેવને જતો જોયો. ત્રિભુવન એકદમ એ તરફ દોડ્યો.

‘કાકા – જયદેવકુમાર – મહારાજ !'

ગૌરવથી ચાલતો બાલ ગુર્જરેશ ઊભો રહ્યો. જરા ભ્રૂકુટિ ચડાવી. તે અટક્યો અને ત્રિભુવન તરફ જોયું.

'કાકા ! મને પાટણની બહાર જવાની રજા આપો. દરવાજા બંધ થઈ ગયા છે, અને કાકી કામમાં છે; કોઈને મળતાં નથી.. આટલાં વર્ષો પાટણ બહાર કાઢ્યાથી જયદેવ ત્રિભુવનના સંસર્ગમાં ઘણો થોડો આવ્યો હતો. તેને વિષે તેને માહિતી પણ ઘણી થોડી હતી. તેમાં પરમ દિવસે રાત્રે સામળ બારોટ પાસે મીનળબાની મગદૂર પૂછતાં આ છોકરાને સાંભળ્યો હતો. તે સિવાય એ કોણ છે તથા કાકા કહેવાની કેમ હિંમત કરે છે તેની ચોક્કસ ખબર નહોતી.

'કોણ છે તું ?' આ ઉંમરે પણ સત્તાદર્શક અવાજે જયદેવે પૂછ્યું.

‘મને ઓળખતા નથી ? શી દૈવની ખૂબી ! હું મંડલેશ્વરનો છોકરો ત્રિભુવનપાળ. જયદેવ ! જયદેવ ! મારા બાપની સાથે મારે જવું છે. મને દરવાજા બહાર જવા દે,' એવો હુકમ આપો.'

જયદેવે એની માની તાલીમ લીધી હતી અને તે ઉપરાંત મીનળ જેટલી હિંમતવાળી હતી, તેટલો આ અંદરથી ડરતો હતો. તેણે ત્રિભુવનનું રૂપ, તેની શૌર્યદર્શક છટા જોઈ અને એનામાં કાંઈક દ્વેષબુદ્ધિ આવી; દેવપ્રસાદ સામે જે ઝેર મીનળને હતું, તે કાંઈક એનામાં આવ્યું; સામળ બારોટ આગળ ત્રિભુવને બોલેલા બોલ તેને યાદ આવ્યા; તે લાડમાં ફાટેલો હતો; ખુશામતે તેને સત્તાનો શોખીન બનાવ્યો હતો.

'તું પરમ દહાડે કહેતો હતો, કે મીનળદેવીની શી મગદૂર છે ? લે લેતો જા.' તિરસ્કારથી તેણે જોયું.

'જયદેવ ! આ તમને શોભે ? હું પણ ભીમદેવના કુળનો છું અને યાચના કરું છું.' સમજાવવાનો પ્રયત્ન કરતાં ત્રિભુવને કહ્યું.

'તારો બાપ તો બળિયાનો બળિયો કહેવડાવે છે, અને તું ભીખ માંગે છે ?' મશ્કરી કરતાં ગુજરાતનો બાલરાજા બોલ્યો. ત્રિભુવને મહામહેનતે મિજાજ શાંત કર્યો. તેની આંખો જરા સખત થઈ.

‘મહારાજ ! મોટાઓની વાત મોટા જાણે, મને તો માત્ર પાટણની બહાર જવું છે.'

'કેમ, બહારવટું લેવું છે ?' જરા હસતાં અવિચારી કુંવરે પૂછ્યું. જયદેવ મહારાજ ! સોલંકીઓને બહારવટું લેતાં વા૨ છે. હું અરજ કરું છું; કારણ કે તમે રાજા છો; હું સામંત છું. પણ તેથી એમ નહિ ધારશો કે તમારા શકુનોને સાંખવા આવ્યો છું,' ગૌરવથી ત્રિભુવને કહ્યું.

‘આ અરજ કરવા આવ્યો છે ! ઊભો રહે. બા શું કહેશે તે જોઈશું. હમણાં તો કલ્યાણમલ્લ, આને પકડી રાખો.’

ત્રિભુવનની આંખો ચમકી ઊઠી. તેનું સૌંદર્ય જ્વલંત થઈ રહ્યું. તેણે સખ્તાઈથી કહ્યું : ‘હું જોઉં છું, કે મને જીવતો પકડવાની કોણ હિંમત કરે છે ?' કહી ત્રિભુવન તરવારની મૂઠ પર હાથ મૂકી આગળ કોણ આવે છે, તેની વાટ જોતો ઊભો. તે જાણી જોઈને શાંત રહ્યો. રાજા આગળ તરવાર કાઢતાં પોતાનું કામ નહિ સરે, એમ તેની ખાતરી હતી.

કલ્યાણમલ્લ જરા આઘો માનભેર ઊભો રહ્યો. આસપાસ ફરતા સૈનિકો આવી લાગ્યા. ભીમદેવના પ્રપૌત્રને પકડવાની કોઈએ હિંમત કરી નહિ.

'એમ ? એટલી બડાશ કરે છે ? ઊભો રહે. હું જ પકડું છું.' કહી જયદેવે પોતાની તરવાર કાઢી. તે અભિમાની હતો. ખુશામતિયા સામંતોના અભિપ્રાય પ્રમાણે તે પોતાની જાતને મહારથી માનવા લાગ્યો હતો. પોતાના કટ્ટા દુશ્મનના છોકરાને પોતાના હાથે કેદ પકડવો, એ ઘણું સંતોષકારક તેને લાગ્યું. એક ડગલું આગળ વધી, તેણે તરવાર ઉગામી.

‘કલ્યાણમલ્લ !' – પણ એ શબ્દ પૂરો નીકળે, તે પહેલાં ઉપરથી કોઈ ન જાણે એમ એક તીર આવ્યું, જે જયદેવને જમણે હાથે વાગ્યું. તે ક્યાંથી આવ્યું તે કોઈએ બરાબર જોયું નહિ, પણ બધાએ પાછળ જોયું. ત્રિભુવને પણ પાછળ જોયું. જયદેવના હાથમાંથી તરવાર પડી ગઈ. હાથ પર લોહીની શેર ફૂટવા માંડી; રાજાનો ક્રોધ વધ્યો. આમતેમ જોયા વગર તેણે બરાડો માર્યો.

‘આ હરામખોરને પકડો છો કે નહિ ! પકડો, મારો.'

સૈનિકો અત્યાર સુધી જોઈ રહ્યા હતા, પણ હવે મીનળદેવીના ક્રોધનો ધાક બધાને લાગ્યો. તેમના રાજાને ઘાયલ થવા દીધા ?' તેઓ આગળ આવ્યા. ત્રિભુવને જોયું કે બાજી બગડી ગઈ. તેણે તરત તરવાર કાઢી, અને ઘેરાયેલા વાઘ માફક ચારે તરફ જોવા લાગ્યો. એક સૈનિકે જયદેવને પાટો બાંધવા માંડયો.

કલ્યાણમલ્લે ત્રિભુવનને કહ્યું : 'બાપુ ! પકડાઈ જાઓ. પછી બાને સમજાવીશું.'

'પકડાઈ જાઉં ? મહારાજ ! સોલંકીઓ પકડાતા નથી; બીજાને પટકે છે. જોઉં છું, મને કોણ પકડવા આવે છે ?'

'પકડો, પકડો જોયા શું કરો છો ?' ઘાથી પીડાતા જયદેવે ફરી બૂમ મારી. સૈનિકો વધારે વાર થોભી શક્યા નહિ; તેઓ આગળ આવ્યા. આ ઘડીએ ઉપરથી મીનળે આ દેખાવ જોયો, અને તેને ગયા પ્રકરણમાં લખેલી દૈવી કે રાક્ષસી પ્રેરણા થઈ.

'હંસા ! આમ આવ. કાંઈક બતાવું.' રાણીના અવાજમાં ફત્તેહની ધ્રુજારી હતી; આમ આવ.'

'જો, જો; આ પેલા છોકરાને ઓળખે છે ? આ નહિ, પેલો; હાથમાં તરવાર લઈ ઊભો છે તે; જેને સૈનિકો પકડવા જાય છે તે, આ રહ્યો

હંસાએ થોડી પળ જોયું, ઊંઘમાંથી જાગતી હોય તેમ પૂછ્યું, “કોણ છે ? તેનું શું ?' બેદરકારીથી હંસાએ કહ્યું.

‘શું ? શું ? તું ઓળખતી નથી ? ના, કોણ છે એ?' આંખો વકાસી હંસા બોલી; કોસ –'

‘કોણ શું ? તારો છોકરો' મીનળદેવીએ કહ્યું.

'હેં !' આંખો ફાડી ગાંડા જેવી હંસા બોલી; મારો ત્રિભુવન ! તમે કહેતાં હતાં, કે તે તો બાળપણમાં મરી ગયો . ગભરાટમાં કંઈ ન સમજ પડતાં હંસા બોલી.

'નથી મરી ગયો. એ જીવતો છે. તારા ધણી સાથે હતો. જો, આ સૈનિકો સાથે એણે લડવા માંડ્યું. હંસા ! તારો છોકરો જિવાડવો છે ? હમણાં આ સૈનિકો એને પૂરો કરશે. જો એકબે ઘા પણ આ લાગ્યા; આ કરશે. બચાવવો છે ? તો વચન આપ. મંડલેશ્વર પાસે તું જા ને તેને પાટણ પર આવતો અટકાવ, બે દહાડા પણ રોકી રાખ કેમ ? શું કહે છે ?' મીનળે ઉતાવળથી કહ્યું.

હંસાની આંખમાંથી આંસુની ધારા ચાલી. તે ગૂંચવાઈ, 'મારો દીકરો ? મારો દેવ જેવો ત્રિભુવન ? પંદર વર્ષે મળ્યો તે મરતો જોવા ! મીનળદેવી ! એને બચાવો; અહીંયાંથી બૂમ પાડો.’

‘શા માટે ? વચન આપ. વખત નથી, આ હમણાં ગયો.' ક્રૂરતાથી રાણીએ કહ્યું.

'શું કૈસરી સમો લડે છે ! મારો ત્રિભુવન !' છાતી પર હાથ દાબતાં હંસા બોલી.

‘તારો ત્રિભુવન આ ગયો. દશ પળમાં હમણાં ભોંયે પડશે. જો, બીજા માણસો આવ્યા, માન, વચન આપ.'

હંસાએ ગાંડાની માફક આમતેમ જોયું, તેની આંખમાંથી આંસુ વહ્યાં. ઊછળતી છાતી તેણે હાથ વતી દાબી રાખી. તેણે દીકરા સામે જોયું; તેનું દૈવી મુખારવિંદ વીરતાનાં સોનેરી કિરણોએ છવાતું જોયું. તે સિંહની માફક સામે ધસતો, એટલે સૈનિકોને પણ બચાવમાં શસ્ત્ર વાપર્યા વગર છૂટકો નહિ થતો.

'બોલ, બોલ, હંસા ! આ બીજી બે પળ નહિ જીવે.'

'રાક્ષસી ! ચાંડાલિની ! લે મારો જીવ, પણ મારો છોકરો બચાવ મારું કુળ સંહારવા તું બેઠી છે.'

'વચન ? તારા ધણીના સમ ?'

'હા, હા, અરેરે ! એ બિચારાને – હાય હાય ! રાણી ! બચાવ !' કહી હંસાએ ચીસ પાડી.

રાણીએ વચન લીધું, અને દોડતી આગલા ઓરડામાં આવી. ત્યાંની બારીઓ ઉંઘાડી હતી. તેમાંથી તેણે નીચે જોયું અને બૂમ પાડી. 'કલ્યાણ ! કલ્યાણ ! સબૂર, ઊભા રહો. સબૂર !' મીનળદેવીનો અવાજ ગાજી રહ્યો. તોફાનમાં પણ એ અવાજ સંભળાયો. રાણીને બધાએ જોઈ, અને અટક્યા. ત્રિભુવનને ઘા પડયા હતા. તેની શક્તિ ઓછી થતી જતી હતી. આંખોમાં અંધારાં આવવાની તૈયારી થઈ હતી. માત્ર ઝનૂનથી તે લડતો. તેમાં એકદમ બધા અટકી પડયા. બધાએ ઊંચું જોયું એવું પણ તલવાર થોભાવી, પળ બે પળ ઊભો રહ્યો.

તેની આંખ આગળ જાણે પડદો પડતો હોય એવું લાગ્યું. એકદમ એક સ્ત્રી આવી. તેણે કાંઈક ઓળખી : મીનળકાકી !' બૂમ પાડવા ગયો, પણ ગળું સુકાઇ ગયું હતું.

પાછળ બીજી સ્ત્રી આવી. ત્રિભુવને કોઈ દિવસ તેને જોઈ ન હતી, છતાં પરિચિત લાગી. તે આટલી બધી સુક્કી કેમ હતી? તે જીવતી હતી કે શબ હતું. તે વિચાર કરવાની તૈયારી કરતો હતો, પણ બધું ફરતું હોય એમ લાગ્યું. તે સ્ત્રી પાસે આવી એકદમ ત્રિભુવનને બાઝી પડી.

ત્રિભુવનનું ઝનૂન ઊતરવા માંડ્યું હતું; અંગેઅંગ જાણે કળતું હોય એમ લાગ્યું. આ સ્ત્રી કોણ હતી ? તેને કાંઈક શાંતિ વળી. આ નવી સ્ત્રીએ તેને ચુંબન કર્યું, તેના વાળ ઊંચા કર્યાં.

ત્રિભુવનને હસવું આવ્યું, એને તો હજુ લડવું છે, આ લાડ શા માટે ? એટલામાં પાસેથી એક બીજી છોકરી આવી. 'આ કોણ ? ઓળખતો હતો. – ક્યાં જોઈ હતી ? બીજી સ્ત્રી તરફ તે ફર્યો. તે તેનો હાથ પોતાના ખભા પર મૂકી તેને ચલાવતી હતી, ‘ત્રિભુવન સોલંકીને તે વળી બૈરીની મદદની જરૂર પડે ?" ત્રિભુવન હસ્યો. આ બધા કેમ ફરે છે ? અંધારા જેવું કેમ લાગે છે ? આ સ્ત્રી શું કહે છે ? 'મારા દીકરા !'

ત્રિભુવન જરા ફરી હસ્યો. તેની મા તો મરી ગઈ હતી. મુંજાલમામાએ મારી નાખી હતી. ‘તમે કોણ છો?' ત્રિભુવને પૂછવા પ્રયત્ન કર્યો.

‘હું – હંસા –' જેવો કાંઈ સ્વર આવ્યો. ત્રિભુવનના મગજમાં અંધકાર વધવા લાગ્યો. આટલું બધું અંધારું શા માટે ? તેત્રે નવી સ્ત્રી પર હાથ ટેકવ્યા. તેને લાગ્યું કે ભોંય સરે છે – સરી ગઈ અંધકાર થઈ રહ્યો.

ત્રિભુવને ફરી આંખ ઉઘાડી જોયું ત્યારે એક ઓરડા જેવું જણાયું. તેને પથારીમાં સુવાડ્યો હતો. તેના દુખતા દિલ પર હાથ નાખી પેલી નવી પણ પિરિચત લાગતી સ્ત્રી બેઠી હતી. ત્રિભુવનને લાગ્યું, કે આ સ્ત્રીને પહેલાં સ્વપ્નમાં જોઈ હતી.

ઘીમેથી ત્રિભુવને કહ્યું, ‘બા !' સ્ત્રી ચમકી. તેણે ત્રિભુવન સામે જોયું. તેની આંખમાંથી અશ્રુની રાતત ધારા વહેતી હતી, તે ફરીથી ત્રિભુવનને બાઝી પડી, ત્રિભુવન પાછો બેભાન થઈ ગયો.

પાછળ મીનળદેવી આવીને ઊભી રહી, અને નિશ્ચળ અવાજે કહ્યું : 'હંસા ! આમ તો તું અહીંયાંની અહીંયાં જ પડી રહેશે. વખત જાય છે. હવે તું જા.'

‘અઢળક દોલત તમારી પાસે છે, છતાં મારી રાંકડીની કોડી પણ થોડી વાર રહેવા દેતાં નથી ?' હંસાએ કચવાઈને કહ્યું.

સખ્ત શાંતિથી મીનળદેવીએ જોયા કર્યું. 'તે કેમ ચાલશે ? મંડલેશ્વર મેરળ પહોંચી પણ ગયા હશે; બધી તૈયારી કરાવી છ; જતિ આનંદસૂરિ તારી જોડે આવશે. ચાલ, ઊઠ,'

‘એક પળ, રાણી ! એક પળ, કી હંસાએ રાણીની સામે એવા દયામણાપણાથી જોયું, કે મીનળનું હૈયું પણ પીગળ્યું. 'ઠીક; હું પાલખી તૈયાર કરાવું છું. તું તૈયાર થા.' કઈ ઈશ્વરી સત્તાની અચળ ભાવહીનતાથી મીનળદેવી ચાલી ગઈ.

હંસાના મગજની સ્થિતિ કલ્પી શકાય એવી નહોતી. પંદર વર્ષ થયાં તેના જીવનનાં એકેએક ઝરણાં સુકાઈ ગયાં હતાં. ધણીથી તથા બાળકથી વિખૂટી કોમળ હૃદયની હંસાએ એકાંતમાં અશ્રુપાતથી પોતાના મોંઘા મનોરથોને તિલાંજલિ અર્પી હતી. જે બહાર ફરે, સગાંસ્નેહીનો સદાનો સંગ કરી રહ્યો હોય, તે ભાગ્યે જ સમજે, કે કારાગૃહનો એકાંતવાસ કેટલો ભયંકર હોય છે. દિવસો પર દિવસો વીતે, પણ ભયાનક એકાંત એકલતા; તેના તે જ વિચારોની ત્રાસજનક સોબત; બહારની દુનિયા બીજા ગ્રહ જેટલી દૂર; સંસારના અનુભવો બીજા અવતાર જેટલા અસ્પર્શ. આ દુઃખમાં, વિયોગમાં હંસાએ આટલાં વર્ષો વિતાવ્યાં. મનની લાગણીઓ મારી આશાઓ સંહારી. આજે એક પળમાં પતિને મળવાની આશા ઊભી થઈ. મરેલે મને તે નહિ સ્વીકારી. બીજી પળે જે પુત્રને મરેલો ધાર્યો હતો તેને જોયો; તેને બચાવવા નહિ સ્વીકારેલી પતિને મળવાની આશા, પાછી સ્વીકારી. હંસા વિચાર કરી શકતી નહિ; એક એક ઊર્મિને વશ થઈ બધું કરતી. પુત્રને જોયો; તેનું રૂપ, તેનું શૌર્ય જોઈ હૃદય ઠાર્યું; તેને પણ છોડવો, એ હૃદયભેદક લાગ્યું. મીનળદેવી ભાવિ જેવી નિશ્વળ હતી અને નાનપણથી હંસા કોમળ સ્વભાવની, બીજાની ઇચ્છાને તાબે થવાની હોંશવાળી હતી. જરા પ્રસંગ સખ્ત આવતાં સુંવાળી લતા જેમ નીચું માથું નમાવી ઝપાટો સહન કરતી; છતાં અત્યારે તાબે થવું તેને કઠણ લાગ્યું. ત્રિભુવન બેભાન થઈ પડ્યો હતો; તેનું કોમળ મુખ કરમાઈ ગયું હતું; તેને મૂકી જવું ? વારંવાર તેણે દીકરાનું મુખ ચૂમ્યું.

પાછળ એક પછડાયો પડ્યો. હંસાએ એકદમ ચમકીને ઊંચું જોયું : પંદરસોળ વર્ષની એક બાળા સામે ઊભી હતી.

‘તમે ત્રિભુવનનાં મા થાઓ ?”

'હા, બહેન ! તું કોણ છે ?”

'હું મીનળદેવીની ભત્રીજી થાઉં છું.'

'એમ ?' કહી હંસા જરા ધ્રૂજી, અને ત્રિભુવન સામે જોયું.

જરાય ગભરાશો નહિ; ફોઈબા કરતાં ત્રિભુવનની હું વધારે છું.' હંસાએ ઊંચું જોયું. છોકરીના મુખ પર નિર્દોષતા સ્પષ્ટ દેખાતી હતી.

‘તારું નામ શું ?'

'પ્રસન્ન.'

'બહેન ! મારા પર તો દૈવ કોપ્યો છે. હું જાઉં છું. પણ આને અહીંયાં કોણ જોશે ?'

'જરાય ગભરાશો નહિ. હું છું ત્યાં સુધી ત્રિભુવનને જરા પણ આંચ નહિ આવવા દઉં.'

'સારું, મને કાંઈક નિરાંત રહેશે.' હંસાની આંખમાં વધારે આંસુ આવ્યાં. મારા નમાયા છોકરાના કોડ પૂરશે.'

પ્રસન્ને છેડા વડે આંસુ લૂછ્યાં. ‘તમારો આશીર્વાદ.' જેટલું મને દુઃખ પડ્યું છે, તેટલું તને સુખ મળજો,' કહી હંસાએ ઓવારણાં લીધાં અને ફરીથી ત્રિભુવનને ચુંબન કર્યું.

'હંસા ! ચાલે છે કે ' બહારથી મીનળદેવીનો અવાજ આવ્યો.

'હા, આવી, કહી ફરીથી હ્રદયને દબાવી નિરાશાના અવતાર સમી હંસા ત્યાંથી ગઈ. તેનું ભરેલું હૈયું ફરી સજીવન થઈ અગ્નિદાહની ભયંકર વેદના વેઠતું હતું.