Patanni Prabhuta - 17 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 17

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 17

૧૭. રાજગઢમાં રાત

રાત પડી. રાજગઢમાં બધું શાંત થઈ ગયું. શહેરમાં બહુ શાંત પ્રસરી ન હતી; કારણ કે ચંદ્રના પ્રકારામાં કોઈક ઓટલે ટોળું વળીને લોકો ગપાટા મારતા હતા. આખા વાતાવરણમાં કાંઈક ભય હોય, એવું બધાને ભાસતું હતું. શાનો ભય હતો, તે કોઈ ઉચ્ચારતું નહિ. પણ બધા ઘરેણાં અને પૈસા ઠેકાણે કરી ઘરમાં હથિયાર હોય તે ઘસવા મંડી ગયા હતા.

મધ્યરાત્રિનો સમય થયો, ત્યારે રાજગઢની પાછળ ત્રણ ઊંચા મજબૂત બુકાની બાંધેલા પુરુષો છાનામાના ઊભા હતા. થોડે દૂર ચાર મજબૂત ઘોડાઓ ઝડ સાથે બાંધ્યા હતા. ત્રણે જણ કોઈની વાટ જોતા હોય, તેમ લાગતું હતું. થોડી વારે એક ચોથો માણસ ઘોડા પર બેસી આવ્યો. તે શસ્ત્રથી સજ્જ થયેલો હતો અને બે આંખો સિવાય તેનું બધું મોઢું ઢાંકેલું હતું. તે ઘોડા પરથી ઊતર્યો અને ત્રણ જણ ઊભા હતા તેમની પાસે આવ્યો. તેઓએ એની સામે આતુરતાથી જોવું; નવો આવનાર જરા હસ્યો.

'થઈ ગયું. આપણે જઈશું કે તરત બારી ખોલશે.’

ચાલો ત્યારે, મહારાજ ! નકામો શા માટે વિલંબ કરીએ ? ત્રણમાંના એક જણે કહ્યું.

‘શા માટે ? ચાલો. રાયમલ્લજી ! તમે ઘોડા આગળ રહો; અમે ત્રણ જઈએ.' નવા આવનારે કહ્યું.

'ઠીક; મારેયે આવવાનું રાખ્યું હોત તો ઘણું સારું’ પાછળ રહ્યા, તેથી કચવાઈ રાયમલ્લે કહ્યું.

'કંઈ નહિ, હજુ ઘણો વખતે છે,' કહી નવો આવનાર ઝાડના છાંયડામાં થઈ રાજગઢના કોટ સરસો ગયો અને પાસેની નાની બારી ખોલવા પ્રયત્ન કર્યો. પણ બારી ઊઘડી નહિ.

'રત્નસિંહ ! કાંઈક ગરબડ થઈ લાગે છે, ડોસાએ કહ્યું.

'કેમ ?'

આ બારી ખુલ્લી રાખવાની કહી હતી, છતાં આ તો બંધ છે. હવે શું કરવું ?' નિશ અવાજે, દાંત પીસી ડોસાએ કહ્યું,

'ચાલો ! પાછા જઈએ.' રત્નસિંહે કહ્યું.

ડોસો વિકરાળતાથી તેના તરફ ફર્યો. 'શા માટે ? તને જીવ વહાલો હોય તો ચાલ્યો જા. કાં તો આપણે અત્યારે જોઈતી વસ્તુ ઉપાડી જઈએ કે મરવા પડીએ ! બાયલી છે ! હિંમતની કામ આમ થતાં હશે ?' સાપની માફક સુસવાટાથી બોલતાં ડોસાએ કહ્યું.

ગરીબ બાપડો રત્નસિંહ શર્મિદી થઈ પાછો હઠ્યો.

'ત્યારે કરીશું શું?' ત્રીજાએ પૂછ્યું.

રાજગઢ આટલો મોટો છે. કોઈ પણ બારીબારણું ઉઘાડું હશે,' કહી ઊંચી નજરે ડોસાએ કોટની આસપાસ ફરવા માંડ્યું. ક્યાં સુધી કાંઈ પણ માલૂમ પડ્યું નહિ; કોઈ કોઈ ઠેકાણે ઝરૂખો બહાર પડતો હતો. પણ ઝરૂખે ચઢવું અશક્ય હતું. અને બારીઓ બંધ હતી પણ દૃઢતાથી ડોસો આગળ વધ્યો. થોડેક દૂર જતાં રત્નસિંહે ડીસાનો હાથ ખેંચ્યો અને એક ગોખમાંથી લટકતું દોરડું બતાવ્યું ત્રણ દહાડા પર જે દોરડા વતી ત્રિભુવન ઉપર ચઢ્યો હતો, તે રાજાના મરણની ગરબડમાં પ્રસન્ન છોડવું ભૂલી ગઈ હતી. ડોસાની આંખમાં હર્ષ આવ્યો. તેણે ઊંચું જોયું, માથા ઉપર ફેંટો બરાબર દાબ્યો અને છલંગ મારી દોરડું પકડ્યું, અને સડસડાટ ગોખમાં જઈ ઊભો. પાછળ બીજા બે પણ ચઢીને આવ્યા. તેમની પાસે ઘર ફાડવાનાં ઓજારો તૈયાર હતાં, એટલે ઝપાટાબંધ બારણામાં બાકોરું પાડ્યું, અને આગળો ઉઘાડી બારણું ખોલ્યું. મૂંગા મૂંગા ત્રણે જણા ઝપાટાબંધ અંદર ગયા અને જે તરફ મીનળદેવીનો વાસ હતો, તે તરફ ચાલ્યા. આખા મહેલમાં બધા નિરાંતે ઊંઘતા હોય, એમ લાગ્યું.

બધી વાતની માહિતી હોય, તેમ ડોસો આગળ ચાલતો. થોડી વારે રાણી હંમેશાં જ્યાં સૂતી ત્યાં તેઓ આવ્યા. બહાર એક દાસી નિદ્રાવશ થઈ પથારી પર પડી હતી; બારણું અરધું ઉઘાડું હતું, ડોસાએ તે ધકેલ્યું. હર્ષના આવેશમાં તેનું હૃદય છલકાતું હતું. ઓરડામાં પેસતાં પહેલો જ ઢોલિયો જયદેવકુમારનો હતો, તે તરફ એ વળ્યો. મચ્છરદાની ઉપાડી અને ચમક્યો. તેમાં કોઈ નહોતું ! અંધારામાં પણ તેના ડોળામાંથી તણખા નીકળ્યા. તેણે આસપાસ જોયું પણ બધું તદ્દન શાંત હતું. થોડી વાર તે ઊભો રહ્યો. તેને ઓરડામાં અજબ શાંતિ લાગી. ધીમે પગલે તે બીજે ખૂણે ગયો, અને બીજો ઢોલિયો હતો ત્યાં ઊભો રહ્યો, કાન માંડ્યા, નીચા વળી જોયું, અને મચ્છરદાની ઊંચી કરી તેમાં પણ કોઈ નહોતું ! ડોસો ફર્યો. બીજા બે જણ પાછળ ઊભા હતા.

'રત્ના ! બન્ને નાસી ગયાં.'

'હેં!'

‘હા, આપણી વાત જણાઈ ગઈ. હવે અહીંયાંથી નાસી છૂટ્યા સિવાય રસ્તો નથી.' તેણે ધીમેથી કહ્યું. ‘ચાલો.' કહી બીજા બેને તેણે બારણા તરફ ધકેલ્યા બારણા આગળ તેઓ ગયા, તો બારણાં દેવાઈ ગયાં હતાં, જરા જોરથી ઉઘાડવા જતાં બહારથી દેવાઈ ગયેલાં લાગ્યાં. ડોસો બબડ્યો : 'માર્યા !' તે થોડી વાર વિચારમાં ઊભો રહ્યો; પાછળ બીજા બે જણાના હ્રદયના ધબકારા તેને સંભળાતા હતા. તે પાછો ફર્યો અને ઝપાટાબંધ બીજા બારણા તરફ ગયો અને તેને ધકેલ્યું; તે પણ બહારથી બંધ હતું.

'રત્ના ! બચ્ચા ! સપડાઈ ગયા !'

'બારીએથી જવાય એમ નથી ?' રત્નસિંહે કહ્યું.

'જેણે બારણાં બંધ કર્યા તેણે બારી ઉઘાડી રાખી હશે ?' કહી ડોસો બારીઓ તરફ ગયો. કોટ બહાર પડતી બારીઓ એટલી ઊંચી હતી, કે ત્યાંથી કોઈ રીતે બહાર જવાય એમ નહોતું. બીજી તરફની બારીઓ અંદરના ચોકમાં પડતી હતી; નીચે પાંચસાત પહેરેગીરો નાગી તરવારે પહેરો ભરતા હતા. એકના હાથમાં ધનુષ્ય અને બાણ તૈયાર હતાં.

બધી ગમથી ફસાયા. મહારાજ ! હવે શું કરીશું ?'

'જોઈએ હવે; આખી રાત બધી વિચાર કરવાનો છે. કાંઈ પણ રસ્તો જડશે,' કૃત્રિમ હિંમત ધરી ડોસાએ કહ્યું : 'રત્ના ! જા તો, આ બધાં બારણાં અંદરથી પણ દઈ દે.'

રત્નાએ તે પ્રમાણે કર્યું. થોડી વાર કોઈ બોલ્યું નહિ.

'જુઓ; એક રસ્તો છે. આ હીંચકાના ગજિયા મોભ સુધી જાય છે; ઉપર ચડી થોડીક વળીઓ કાપીએ તો ઉપર જવાનો રસ્તો મળે ખરો,' કહી ડોસો ઊઠ્યો; પણ હીંચકા આગળ જાય, તે પહેલાં ઊભો રહ્યો. છાપરા ઉપર થોડાક માણસો ચાલતા હોય, એવો સ્પષ્ટ અવાજ સંભળાયો.

'ચાલો, એ પણ પતી ગયું!' ડોસાએ કહ્યું.

બીજા બે જણ આગળ આવ્યા, ત્યારે મદનપાળજી ! હવે શું કરવું છે ?'

રત્નસિંહે પૂછ્યું, હું પણ તે જ વિચાર કરું છું.' બહારની જયોત્સ્નાના આભાસમાં ભયાનક લાગતા મદનપાળે કહ્યું.

જો પકડાયા તો મીનળદેવી હાથીને પગે કરવાની. નહિ તો બે રસ્તા છે.'

'શા ?' બીજા બન્ને બોલી ઊઠ્યા.

'એક તો એ, કે આ બારી વાટે ભૂસકો મારીએ, અને હેઠળ છે તેને હંકાવના પેલી બારી સુધી જઈએ. નહિ તો સવારે જે પકડવા આવે, તેની સાથે લડી. રસ્તો કાઢીએ.'

'પણ, કાકા ! એ તો બન્ને મોતના રસ્તા. એના કરતાં હું એક સાથે રસ્તો બતાવું. કાલે સવારે પકડવા આવે ત્યારે મીનળદેવીને પગે પડી માફી માંગીએ; વખત છે ને બચી પણ જઈએ. જોઈએ તો આપણા ગ્રાસ હાથ કરશે. પણ આપણે નમી જઈશું તો જીવતા જવા દેશે.'

'છોકરા ! મદનપાળ ચાવડો નમી જશે ? આંડો થયો છે ?'

ત્યારે મદનપાળજી !' રત્નસિંહે કહ્યું, અમે આ કાચી વયમાં આમ મરીએ ખરા કે ! તમારે તો છેલ્લો પાયો ચાલે છે.'

‘તમારી ડાચાકૂટ બહુ થઈ,' કચવાઈ, દાંતમાંથી અવાજ કાઢતાં મદનપાળું કહ્યું : ‘તમારા રસ્તા મારે નથી જોઈતા. હવે તો કેસિરયાં જ કરવાનાં. જરા ડગ્યા તો હું પહેલાં તમને ઠાર કરીશ, યાદ રાખજો.’

બન્ને જુવાનિયાઓ જરા ચમક્યા; ડોસાની આંખોમાં ભયંકર દૃઢતા દેખાતી હતી; ડોસો તેમને મારી નાંખે, એમાં કાંઈ પણ સંશય લાગ્યો નહિ; એટલે તેઓ છાના રહ્યા.

'હું મીનળદેવી પાસે ક્ષમા માગું ?' ખોખરે ઘાંટે મદનપાળ બબડ્યો : 'હું ? હું ભીમદેવ મહારાજનો સાળો. 'એ કોણ ? ઠીક. હવે એ જ રસ્તો છે. કાલે મારો હાથ બતાવું છું; અને રાણીને પણ કહું છું, કે જોઈ લે. છોકરાઓ !' કહી મદનપાળ ફર્યો, અને જોયું તો બીજા બન્ને જણ ઊંઘી ગયેલા જણાયા. ખરું જોતાં, એ બન્ને જાણી જોઈ ઢોંગ કરી સૂતા હતા; કારણ કે આવી સ્થિતિમાં મદનપાળ શું કરે, તે કાંઈ કહી શકાતું નહિ. આખી રાત તેઓ જાગતા જાગતા, સવારે શું થશે તેના વિચારમાં પડી રહ્યા; અને આખી રાત મદનપાળ આમથી તેમ અને તેમથી આમ ફર્યો, અને કાંઈ કાંઈ બબડ્યો. અરુણોદયનો વખત થયો, એટલે બહારના ઓરડામાં કાંઈ ખખડાટ થયો. મદનપાળે આવી બન્ને સૂતેલા છોકરાઓને લાત મારી.

---------------------------

।---------------------------।

ભીમદેવ + ઉદામતિ  મદનપાળ I

કર્ણદેવ + મીનળ I

જયદેવ

ઊઠો છોકરાઓ ! સૂતાં શ૨મ નથી આવતી ? હવે ખરી ક્ષત્રીવટ બતાવવાનો વખત આવ્યો છે.'

બન્ને જુવાનિયાઓ ઊઠવા.

'કાકા ! હજુ માનો. આપણને માફી મળશે, આવી મૂર્ખાઈ નહિ કરો,' કરગરતાં ભત્રીજાએ કહ્યું.

'ચંડાલ ! કૂતરા ! આના કરતાં તો તારી માએ પથ્થર જણ્યો હોત તો સારું. ચાલ, ઊઠ : નહિ તો પહેલાં તને જમને ઘેર પહોંચાડું છું.' કહી ડોસાએ તરવાર કાઢી. ધ્રૂજતે હાથે બન્ને છોકરાઓએ પણ તરવારો કાઢી અને થરથરતે હૃદયે બારણા આગળ ઊભા રહ્યા. મદનપાળ વિકરાળ દૃઢતાની પરિસીમાએ પહોંચ્યો હતો; જુસ્સામાં તેનું આખું અંગ કાંપતું હતું; સાવજની એકાગ્રતાથી તે બારણું ઊઘડે કે તૂટી પડવા તૈયાર ઊભો હતો.

બહારથી આગળો ઊપડ્યો, કોઈએ બારણું હચમચાવ્યું; અંદરથી બંધ જોઈ બહા૨થી બારણું ઉતારવાની તજવીજ ચાલી. મદનપાળની અધીરાઈ વધી. તે મરવા કે મારવા તલસી રહ્યો હતો. તેણે એકદમ આગળો ઉઘાડી નાખ્યો. બહારના દબાણથી એકદમ બારણું ઊઘડી ગયું. મદનપાળ બહાર કોણ છે, કેટલા માણસો છે, તે જોવા પણ ન રહ્યો. કાંક મશાલો જોઈ, કાંઈક તરવારો જોઈ, વિકરાળ વાઘની માફક તે કૂદ્યો. 'જય સોમનાથ !' કહી તેણે બૂમ પાડી.

વીસપચ્ચીસ સૈનિકોની ઉઘાડી તરવાર સામે મદનપાળ એકલે હાથે ઘૂમ્યો. પાછળ બે જુવાનિયાઓ કાયરની માફક ઊભા રહ્યા. મદનપાળમાં રાક્ષસી ઝનૂન ભરાયું હતું; તેને રોકવો, તેને ઘાયલ કરવો, એ કામ અશક્ય હતું. તે તરવારથી રસ્તો કાપતો ચાલ્યો; તેને શરીરે લોહીની ધારા વહેવા લાગી, તેને આંખે અંધારાં આવવા માંડ્યાં; તે દાદર સુધી પહોંચ્યો, દાદર ઊતર્યો. હેઠળ બીજા સૈનિકોએ તેનું સ્વાગત કરવા માંડ્યું. વિષ્ણુના સુદર્શનની ત્વરાથી તેની તરવાર તેના માથાની આસપાસ ફરતી. કોલાહલથી વધારે લોકો આવ્યા, ચોમેર મશાલો ચેતી રહી. મદનપાળ બારી તરફ દોડ્યો; દોડવા ગયો; દૈવયોગે પગ સર્યો. મદનપાળ પડ્યો; પંદર તરવારની અણીઓએ તેનું શરીર વીંધે નાંખ્યું.

તે ગયો, અને બધા ગભરાયા. રાણી શું કહેશે ? ઓટલા પર શાંતિચંદ્ર હાથમાં તરવાર સહિત ઊભો હતો. બજારમાં વાત ચાલી, કે મીનળદેવી અને જયદેવકુમા૨ રાત્રે પાટણ છોડી ચાલ્યાં ગયાં. સૈનિકોમાં ગભરાટ વધ્યો. મૂંગે મોઢે બધા ધ્રૂજવા લાગ્યા. શું થશે ?

શાંતિચંદ્રે રાગઢનાં બારણાંઓ પર ફરીથી સખ્ત પહેરો મુકાવ્યો