Patanni Prabhuta - 35 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 35

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 35

૩૫. પટ્ટણીઓનો ક્રોધ

જ્યારે ત્રિભુવન અને પ્રસન્ન રાજગઢ તરફ ગયાં ત્યારે તેમનાં મન થોડાંક પ્રફુલ્લિત થયાં હતાં; અને પ્રસન્નની મશ્કરીઓ સાંભળીને હસવા જેટલો ત્રિભુવન પીગળ્યો હતો. જ્યારે તેઓ ગઢમાં પાછાં આવ્યાં ત્યારે કલ્યાણમલ્લે સૂચવ્યું, કે બેત્રણ જણ કાંઈ ખબર લઈને આવ્યા છે. ત્રિભુવને તેઓને પોતાની પાસે બોલાવ્યા. પહેલો સૈનિક પાટણની એક ટુકડીનો હતો અને સાંજે વિખરાટના લશ્કરના થોડા માણસો જોડે ઝપાઝપી થઈ હતી તે કહેવા આવ્યો હતો. બીજો માણસ માલવરાજ ગુર્જરરાષ્ટ્રમાં પેઠો, તેની ખબર કરવા આવ્યો હતો. ત્રીજો માણસ મહામુશ્કેલીએ આવ્યો હોય તેમ લાગ્યું.

‘મહારાજ ! બાપુ ! મને શું ઓળખતા નથી ? હું –'

‘કોણ ! રામસિંહ !' કહી ત્રિભુવન આગળ આવ્યો; કેમ છે ? શું નવાજૂની ?

'બાપુ, વલ્લભ –'

'હા, બાપુ ! મને વલ્લભસેન મહારાજે મોકલ્યો છે. ક્યાં છે તે ?”

'અન્નદાતા ! તે મેરળનું લશ્કર લઈ વિખરાટથી થોડે દૂર આવી લાગ્યા હશે. મને ખબર કરવા આગળ મોકલ્યો છે.'

'શાબાશ ! હવે તારી ફોઈબાને કહીએ કે લેતાં જાઓ.' પ્રસન્ન તરફ ફરીને કહ્યું : બાપુનું પુણ્ય હજી તપે છે. બાપુ –'

‘પણ, મહારાજ ! બીજી એક વાત કહેવાની છે.' ગભરાતાં ગભરાતાં રામસિંહે કહ્યું.

'શું ?' મનમાં ફાળ પડતાં ત્રિભુવને તેના તરફ ફરીને કહ્યું. રામસિંહ વધારે ગભરાયો; શું કહેવું તે તેને સૂઝ્યું નહિ.

'હું ગંભીરમલ્લની જોડે હતો.’

'હા, મંડુકેશ્વરમાં ! પછી બાપુ ત્યાં વખતસર આવી લાગ્યા હશે. ક્યાં છે? ગભરાય છે શું ? તારી આંખમાં પાણી શાનાં આવે છે. બોલ ?' રામસિંહને જેમ જેમ ગભરાતો જોયો તેમ તેમ વધારે આકળા પડીને ત્રિભુવને પૂછ્યું.

રામસિહે રડી દીધું. 'મહારાજ ! ક્ષમા કરો. મારાથી નથી રહેવાતું. મંડલેશ્વર મહારાજ... સ્વધામ ગયા.'

ત્રિભુવનના મોં પર જે કઠોરતા, ઉગ્રતા ગઈ કાલે આવી ગઈ હતી, તે પાછી આવી ગઈ. પોતાની લાગણીઓ કબજામાં રાખી તેણે પૂછ્યું : 'ક્યાં ? ક્યારે?'

'મહારાજ ! કાલે રાત્રે સરસ્વતીમાં.'

'સરસ્વતીમાં ? ત્યારે હંસાબા ક્યાં ?'

રામસિંહે મંડલેશ્વર એમને મળ્યા ત્યાંથી તે નિરાશ વલ્લભ મેરળ પાછો આવી રામસિંહે મંડલે ત્યાં સુધીનો ઇતિહાસ ટૂંકમાં કહ્યો. ત્રિભુવને તે સાંભળ્યો. એટલામાં જે જે માણસો – લીલો, ઉદો વગેરે – ગઢમાં જ હમણાં રહેતા હતા, તેઓ પણ ત્યાં આવી લાગ્યા; બધા શોકમાં કકળી ઊઠ્યા. પ્રસને લીલાને ત્રિભુવનની સાથે રહેવાનું કહ્યું. વાત સાંભળી રહી થોડી વાર ત્રિભુવન મૂંગો રહ્યો. તેની આંખમાં આંસુ નહોતાં; તેના મોઢા પર શોક નહોતો – તેનું મોઢું શબસમાન જડ થઈ ગયું હતું, માત્ર તેની બે આંખો અંગારાની માફક ચળકી રહી હતી.

'ઉદા ! કઠોર અવાજે તેણે કહ્યું; ‘ગામમાં દાંડી પિટાવો અને ખબર કહાવો, અને પંડિતો, શાસ્ત્રીઓ, સામંતો અને મહાજનના શેઠને એકદમ બોલાવવા મોકલો, કહી ત્રિભુવન ત્યાંથી ચાલી ગયો. કોઈએ તેની પાછળ જવાની હિંમત કરી નહિ, માત્ર એક પ્રસન્ન ગઈ. ત્યારે ત્રિભુવનના ગુસ્સાનો ઘણો ડર લાગ્યો. છતાં તેને આશ્વાસન આપવું તેને જરૂરનું લાગ્યું. અંદરના ખંડમાં જઈ ત્રિભુવને, કોઈ ત્યાં છે કે નહિ તે જોયા વિના ગાદી પર પડતું નાંખ્યું.

પ્રસન્ન એક પળ ગૂંચવાઈને ઊભી રહી. આટલાં વર્ષ ભેગાં બેસતાં મસ્તીતોફાન કરતાં તે બે નિર્દોષ ગોઠિયાં અવિચારથી કરે તેમ કરતાં. છેલ્લા બે દિવસથી તેમના સંબંધમાં કાંઈક ફેર થયો હતો. શો સંબંધ હવે થશે, તેનું જ્ઞાન તેને આવ્યું હતું. આ જ્ઞાને પ્રસન્નની માનસિક સ્થિતિમાં ઘણો ફેરફાર કર્યો હતો. ત્રિભુવનને સ્પર્શ કરવો, ઊર્મિઓથી ઘસડાઈ જઈ તેના હાથને પોતાના હાથમાં દાબવો, એ કોઈક ભગીરથ કામ હોય, મોટામાં મોટું સુખ કે લહાવો હોય, એમ તેને લાગ્યું. તેને લાગ્યું. તેને માટે એ અજબ રીતે આજે તલસી; તે મેળવતાં અજબ રીતે શરમાઈ. આવી સ્થિતિમાં પહેલાંના જેવી છૂટથી તેની સાથે વર્તવું એને અશક્ય લાગ્યું. આવે વખતે સ્ત્રીઓને સહેલાઈથી પ્રાપ્ત થતા જ્ઞાનથી તેને લાગ્યું કે ત્રિભુવન ચઢી ગયો હતો, તેની લાગણીઓ એટલી ઊકળી ગઈ હતી કે સાધારણ રસ્તે તેનો પ્રવાહ નીકળી શકતો નહોતો, એક ઠેકાણે જમા થઈ તેને સૂમ અને વિકરાળ બનાવી દેતો હતો. આ સ્થિતિ ઘણી ખરાબ છે અને તેમાંથી ત્રિભુવનને બચાવવાનું કામ તે જ કરી શકે એમ છે, એમ તેને ભાસ્યું, લજ્જા, મર્યાદા, એ બધાંને તેણે જતાં કર્યાં અને તે ત્રિભુવન પડ્યો હતો તેની પાસે બેસી ગઈ, અને તેના હાથ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. ત્રિભુવને તેના હાથ જોરથી તરછોડી નાખ્યા, ને તેની વિકરાળ આંખોથી પ્રસન્ન સામે જોઈ રહ્યો. પ્રસન્ન જરા પણ ડરી નહિ. 'ત્રિભુવન !'

'તું અહીંથી આઘી જા. મારે કોઈનું કામ નથી,' કહી ત્રિભુવન સૂતો હતો તે જરા બેઠો થયો. પ્રસન્ન વધારે પાસે બેઠી, અને તેનો હાથ લીધો; અને બીજે હાથે તેનું માથું પોતાના ખોળામાં લેવાનો પ્રયત્ન કર્યો.

'જાય છે કે નહિ ?' કહી ત્રિભુવને ધક્કો મારી પ્રસન્નને ત્યાંથી દૂર ધકેલી, અને બેઠો; અત્યારે પણ મજાક ?'

પ્રસન્નને વાગ્યું છતાં તે ઊઠી, પાસે આવી. બેઠી, અને ત્રિભુવનના ખભા પર હાય મૂક્યો : ‘તમે શું કરવા માંગો છો, તે તો કહો 'ત્રિભુવન વધારે ઊકળ્યો, અને જુસ્સામાં હાથની મુઠ્ઠી વાળી ઊંચી ઉગામી. તેણે પ્રેમાળ પ્રસન્નની અમીભરી, આંસુભરી આંખો જોઈ, હાથ પાછો નીચે નોંખી દીધો.

'પ્રસન્ન ! પ્રસન્ન ! મને શું કામ અત્યારે ચીડવે છે ! તું જોતી નથી ! બાપ ગયા, મા ગઈ; સંસારમાં હું એકલો છું,' તેણે કહ્યું. અટકી રહેલી ઊર્મિઓનો પ્રવાહ એકદમ નીકળ્યો. ત્રિભુવનની સખ્તાઈ ગઈ. તે ઘાંટો પાડી રડી પડ્યો; ધ્રુસકાંએ તેનું આખું શરીર હલાવી નાંખ્યું; મારા બાપુ ! બાપુ !'

એક શબ્દ બોલ્યા વિના પ્રસન્ને તેને હાથમાં લીધો. અને તે નાનો બાળક હોય તેમ તેના માથા પર અને કપાળ પર હાથ ફેરવવા લાગી. દુઃખના પ્રાબલ્યથી દબાયેલો ત્રિભુવન તાબે થયો. સ્ત્રીજાતિમાં ગમે તે ઉંમરે માતાપણાના અંશો રહેલા હોય છે; તે અંશો જ તેનામાં સહિષ્ણુતા; ક્ષમા અને સ્નેહ પ્રેરે છે; દુઃખ ઓછું કરાવવાની શક્તિ આણે છે; અને તેના જ વડે તેનો દિગ્વિજય આટલો સહેલો થઈ પડે છે.

જેવી શહેરમાં ખબર થઈ કે જતિએ રુદ્રમહાલય બાળી મંડલેશ્વરને બાળવાનો પ્રયત્ન કર્યો, અને તેમાંથી છૂટી, તરીને નાસતાં પણ જતિની દગલબાજીથી તે મૂવો, તેવો લોકોમાં ખળભળાટ થઈ રહ્યો. વિલાપના સ્વરો ચારે દિશામાંથી ઊઠવા લાગ્યા. બહાદુર પટ્ટણીઓ શૌર્યભક્તો હતા; અને ગમે તેવો મંડલેશ્વર પણ શૌર્યની મૂર્તિ હતો. તેનો સ્વભાવ, તેની કીર્તિ, તેનું બાહુબળ, તેના લગ્નના અને મૃત્યુના પ્રસંગો ગમે તેવા રસ વગરના માણસનું હૃદય પણ પ્રશંસાથી, ભક્તિથી ભરપૂર કરે એવા હતા. આખા ગામમાં, જાણે આજે જ બધાનો પૂજ્ય પિતા મરી ગયો હોય, એવી ગ્લાનિ પ્રસરી રહી; અને રાણીની સામે તેમજ ચંદ્રાવતીની સામે વેર લેવામાં સંકલ્પો બધાના મનમાં થવા લાગ્યા.

સવારના પહોરમાં ઉદાએ તેડું મોકલી દરેક ન્યાતના આગેવાનો અને પ્રતિષ્ઠિત શેઠો અને સામંતોને બોલાવ્યા હતા. બધા શોકગ્રસ્ત થઈ તેમ જ ખુન્નસે ભરાઈને દરબારમાં આવ્યા. જ્યારે બધા ભરાઈ રહ્યા ત્યારે ખેંગાર મંડલેશ્વર ત્રિભુવનને બોલાવી લાવ્યા. ત્રિભુવન ઘણો નરમ થયેલો લાગતો હતો; માત્ર તેની આંખમાં જ લોહીતરસ્યું તેજ ચમકતું હતું. તે આવ્યો એટલે બધાએ ઊભા થઈ આવકાર દીધો. પછી બધા બેઠા અને ત્રિભુવને બોલવા માંડ્યું. તેનો અવાજ શાંત અને ધીમો હતો.

'બંધુઓ ! ગુજરાતની ગાદીને કેવી રીતે કલંકિત કરવામાં આવી છે, તે તમે બધાએ જાણ્યું હશે. મેં તમને બધાને બોલાવ્યા, તેનું એક જ કારણ છે. મારાં મા ને બાપને મારી નાંખનારા માટે પુત્ર તરીકે મારો એક જ ધર્મ છે, અને તે ધર્મ મારી તરવા૨ બજાવશે; પણ તમે બધા તેમાં રાજી છો ? અત્યાર સુધી પરદેશીઓ ન પેસે તે માટે આપણે લડતા હતા; હવે હું રાજદ્રોહી થયો છું, તમે થવા ખુશી છો ? મારે મન મીનળદેવીને એક જ રસ્તો રહ્યો – ચંદ્રપુર પાછાં જવાનો. જો તે જાય, તો જયદેવ કુમાર સોલંકીઓની ગાદીએ આવશે. નહિ તો મારા જીવતાં પાટણમાં મીનળદેવીને પેસવા દેવાનો નથી. જો તમારો વિચાર એ પ્રમાણે ન થાય તો હું અહીંયાંથી જતો રહીશ. મારું લશ્કર પડ્યું છે, તે મારી વાટ જુએ છે અને તેમના માલિકનું વેર લેવા તલસે છે. તમે બધા ગામના ઘરડા છો; વિચાર કરી જુઓ. તમારા મંડલેશ્વરનું વેર લેશો કે છાનામાના બેસી રહેશો ?'

બધા એકમેકની સામે જોવા બેઠા. ત્રિભુવન સમજ્યો હું જાઉં છું. તમે બધા વિચાર કરી મને કહાવજો, પછી હું આવીશ.' એ કહી તે ત્યાંથી અંદરના ખંડમાં ગયો. ત્યાં રાજકુટુંબનાં કેટલાંક બૈરાંઓ, કર્ણદેવની જૂની બે રાણીઓ કે જેઓનો ધંધો નિરાંતે ખાઈપી રાજખટપટની મજાહ જોવાનો હતો, તેઓ ઊભાં હતાં. ગમે તે સોલંકી આવે, પણ તેમને નિરાંત હતી. તેમાં પ્રસન્ન દેખાઈ નહિ; એટલે ત્રિભુવન ત્યાંથી આગળ ગયો. પ્રસન્ન ઝડપથી પોતાનાં કપડાં અને ઘરેણાંનો ઢગલો કરતી હતી.

'શું કરે છે અત્યારે ?'

'પાટણની બહાર જવાની તૈયારી,' પ્રસન્ને જવાબ આપ્યો.

ત્રિભુવન પાસે આવ્યો. તેની સખ્તાઈ જરા પીંગળી. પ્રસનનો હાથ લીધો અને કૃતજ્ઞતા સહિત દાબ્યો. અજાણે પ્રસન્નનો હાથ ત્રિભુવનની કેડને વીંટાયો. થોડી વાર મૂંગાં મૂંગાં તે આમ ઊભાં રહ્યાં.

ત્યાં આગેવાનોમાં થોડી વાર સુધી ઘણી સખ્ત ચર્ચા ચાલી. તેમાં બધા એકબે વાત પર તો નિશ્ચિત હતા. એક તો દેવપ્રસાદનું મૃત્યુ પણ ઘણું કા૨મું હતું, પાટણના ગૌરવને ઘણું અપમાનકારક હતું, અને તેને માટે કાંઈક કરવું જોઈએ. બીજું મીનળદેવી પર કોઈને ખાસ ભાવ હોય એમ લાગતું નહિ. પંડિતો અને શાસ્ત્રીઓમાં તો લીલો – ગજાનન પંડિત સિવાય બધા જૈન રાણીની વિરુદ્ધ હતા; સામંતો પણ ઘણાખરા ક્યાં તો મંડલેશ્વરને લીધે, કે ચંદ્રાવતીની સત્તા પસંદ નહોતી તેથી રાણીની સામે હતા. શેઠોમાં પહેલાં જરા મતભેદ લાગ્યો; પણ થોડી ચર્ચા પછી બધાને લાગ્યું. કે જ્યાં સુધી મીનળદેવી છે ત્યાં સુધી પાટણને પળ વાર શાંતિ મળવાની નથી. આ બધા કારણથી તેઓ એક નિર્ણય પર આવ્યા, અને ખેંગાર અને લીલો ત્રિભુવન પાસે ગયા.

‘મહારાજ !' ખેંગારે કહ્યું, પધારો. અમે નિર્ણય કર્યો છે.'

'શો ?’

તમારી પડખે આખું પાટણ ગામ છે. જ્યાં તમે ત્યાં અમે બધા. ચાલો.' ત્રિભુવનને નિરાંત વળી. તે ત્યાંથી બહાર આવ્યો. પ્રસન્ન ઘરેણાં-લૂગડાં ભેગાં કરવાં છોડી પાછળ આવી.

થોડી વારે લોકો વીખરાયા. ત્રિભુવનને એક હાથે બધી સત્તા કરી અને મોરારપાળને રાણી પાસે જવાને સમજાવવા ઉદાને મોકલ્યો. મોરારપાળે ત્રિભુવનનો સંદેશો લઈ જવાનું સ્વીકાર્યું; કારણ કે પાટણમાં રહેવાનું તેને અકારું થઈ પડ્યું હતું.

ત્રિભુવને બીજો સંદેશો વલ્લભને મોકલ્યો કે પાટણ હવે તેના હાથમાં છે; માટે લશ્કર તૈયાર રાખી વલ્લભે ત્યાં જ બેસી રહેવું.

-----------------------