Patanni Prabhuta - 38 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 38

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 38

૩૮. હૃદયનો પુનર્જન્મ

જ્યારે રાણી વિખરાટ પાછી ગઈ ત્યારે તેની ગૂંગળામણનો કાંઈ પાર રહ્યો નહોતો. પ્રસન્ન આગળ પણ તેનું કાંઈ ચાલ્યું નહિ. હવે શું ? હવે કયાં અપમાનો, કઈ અધમતાનો સ્વાદ ચાખવાનો રહ્યો ? પાછા આવતાં મહામહેનતે તેણે શાંતિ રાખી અને વિજ્યપાળ વગેરેના સવાલનો જવાબ દીધો મેં પ્રસન્નને સમજાવી છે. એકબે દિવસમાં કાંઈક જવાબ આવશે.’

દિવસ ગયા અને જવાબ જોઈએ એવો સારો નહિ આવ્યો. જ્યાં રાણી એકાંતમાં ગઈ કે તેણે માથે હાથ મૂકીને રડવા માંડ્યું; તેનું હૈયું ભરાઈ આવ્યું.

એટલામાં જયદેવકુમાર આવ્યો અને તેણે પૂછ્યું : 'બા ! ત્યાં જઈને શું કરી આવ્યાં ? હવે પાટણ ક્યારે જઈશું "

મીનળદેવીની આંખમાં આંસુઓ ફરીથી આવ્યાં. સ્નેહથી પુત્રને છાતીએ ચાંપતાં નિરાધાર રાણી બોલી : 'જઈશું. જઈશું. આકળો નહિ થા. હવે થોડી વાર છે. તું જા. નિરાંતે સૂ. સવારના ઘોડે બેસી આવ્યો, તે થાકી ગયો હશે.'

‘હા,' કહી જયદેવ ગયો.

રાણી પાછી વિચારમાં, વિમાસણમાં બેઠી. ચારે તરફથી દિશાઓ તૂટી પડતી હતી; તેને કચડવા માંગતી હતી. અત્યાર સુધી તે હિંમત હારી નહોતી; હવે હિંમત ક્યાંથી લાવવી ? તેની આંખ આગળ, તેણે પાટણનું નામ સાંભળ્યું ત્યારથી તે આજ સુધીના બધા બનાવો આવીને ઊભા રહ્યા. આવી સ્થિતિ કેમ આવી ? તે આવી

ત્યારે બધો દેશ રાજી થયો; જયદેવકુમાર આવ્યો ત્યારે બધો દેશ ગાંડો થઈ ગયો; તે છતાં અત્યારે આ સ્થિતિ કેમ આવી ? સવાલ હૃદયભેદક હતો.

સ્વાભિમાન અને મોટાઈ દૂર હડસેલી રાણી વિચાર કરવા બેઠી. શા માટે ? શાં પાપો નડતાં ચાલ્યાં આવતાં હતાં ? સત્તા માટે, મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ચંદ્રપુર છોડી આટલે દૂર પાટણના નરપતિને વરવા તે આવી હતી. તેને ઇતિહાસમાં કીર્તિ મેળવવી હતી. પોતાનું નામ મનુષ્યહ્રદયના અમર શિલાલેખોમાં કોતરાવી મૂકવું હતું. તેને નામની રાણી નહિ, પણ ખરેખર વિજયવતી રાણી થવાની આશા હતી. આ તૃષ્ણા માટે ઘણું ઘણું વેઠવું, છતાં અત્યારે તેમાંનું કાંઈ મળ્યું નહિ. શા માટે મુંજાલ જેવો બુદ્ધિશાળી મુત્સદ્દી મંત્રી તેની તહેનાતમાં હાજરાહજૂર રહેતો, છતાં આ પરિણામ આવ્યું ? શું તે અવિશ્વાસી હતી તેમાં ? શું તે જૈન મતને પ્રાધાન્ય આપવા મથતી હતી. તેમાં ? શું શહેરમાં જુદા જુદા પક્ષો હતા તેમાં ? શું દેવપ્રસાદ દુશ્મન હતો તેમાં ? લોકો આટલા દૂર છતાં તે મહારથીને કેમ આટલું માન આપતા હતા ? આજે તેના છોકરાને ઈશ્વર માની, તેઓ તેનો હુકમ પાળવા કેમ તૈયાર રહે છે ? દેવપ્રસાદમાં જે શક્તિ હતી, તે શું તેનામાં હતી ? આનું કારણ શું ? રાણી વિચારમાં વધારે ઊંડી ઊતરી. મુંજાલ આટલો મગરૂર હતો છતાં લોકો તેના તરફ કેમ આટલી પ્રીતિ ધરાવતા હતા ? વિચારમાં ને વિચારમાં રાણી ગાંડા જેવી થઈ ગઈ અને સાંજે જ્યારે મોરારપાળ આવ્યો, ત્યારે તેની શુદ્ધિ ઠેકાણે આવી.

'કેમ ! બા ! શું થયું ? કાંઈ ફાવ્યાં ?'

રાણીએ ડોકું ધુણાવ્યું.

'હું શું કહેતો હતો ? તમારી ભત્રીજી તો જબરી છે.’

'એ તો ઠીક, બેસ મોરારપાળ ! હવે મને કાંઈ સલાહ આપ, હું તો ગૂંચવાઈ ગઈ છું. મને કાંઈ સૂઝતું નથી.’

'હું શું કહું ? હું તો, બા ! પાટણનું તોફાન જોઈ દિગ્મૂઢ જ થઈ ગયો. હવે મને સમજ પડી કે ગુજરાતમાં કેમ પાટણ બધાં શહેરો પર સરદારી કરે છે.'

'કેમ કરે છે?'

'કારણ કે દરેક પટણીના મનમાં મોટા યોદ્ધાઓની હિંમત, ગૌરવ અને સ્વાતંત્ર્ય સમાયેલાં છે, મેં ઘણાં શહેરો જોયાં, પણ આ તો અનુપમ છે.'

'મોરાર ! તું પણ દાઝ્યા પર ડામ દે છે ? પાટણ મારું હતું ત્યારે તો કોઈએ કંઈ કહ્યું નહિ; હવે બધા ડાહ્યા થયા છે.'

'ના, બા ! હું તેથી નથી કહેતો. હું તો મુશ્કેલીઓ શી શી છે, તે જણાવું છું.'

'કેવી રીતે ? સ્પષ્ટ કહે. મારું તો મગજ ગૂંચવાઈ ગયું છે.'

'પટ્ટણીઓને સમજાવવા હોય તો કોઈ તેમને રુચે એવો માણસ મોકલાવવો જોઈએ; તો કાંઈ કામ સરે,' મોરારે કહ્યું.

'પણ તે ક્યાંથી લાવવો ?' ચિડાઈને રાણીએ કહ્યું, જે છો તે તમેના તમે છો

'હું બે દહાડા પર ખપ લાગતઃ આજે હું નકામો છું. વિશ્વપાલનો હિસાબ નથી અને શાન્તુશેઠને કોઈ પૂછતું નથી; તો વિનયનું કોઈ માનશે ?'

'એ તો બધું હું જાણું છું; કાંઈ નવું નહિ કહેવાનો હોય તો બસ કર.'

'બા ! બીજું હું શું કહું ? તમે હુકમ આપો, તો હું પાટણને ઘેરો ઘાલું.'

'ના, ના, એમાં તો વાત વધી પડે; અને જરા હાર ખાઈએ તો પછી ક્યાં જઈને પડીએ '

‘એ બધાનો મેં વિચાર કર્યો છે,' મોરારે ડોકું ધુણાવી કહ્યું : ‘અને બા ! એક બીજો પણ મને ડર લાગે છે.”

'તે શો?'

‘આ ચંદ્રાવતીના લશ્કરનો કાંઈ ભરોસો નહિ, કેટલાક માણસોમાં જરા ગભરાટ પેદા થયો લાગે છે; અને આમ દશપંદર દહાડા આપણે બેસી રહીશું તો ઘણા ભાગી જશે. આમ પડી રહેવાથી તેમનો ઉત્સાહ છેક ઓછો થઈ ગયો છે. પેલો જતિ હોત તો ઘણો કામ લાગત.’

રાણીના હૃદયમાં વધારે ગભરાટ થયો. આ તો છેલ્લી બાજી હાથમાંથી જવા બેઠી.

‘બા! ગભરાશો નહિ,’ મોરારે રાણીનું ઊતરી ગયેલું મોઢું જોઈ કહ્યું;

'વિજયપાળ બાહોશ છે એટલે હજુ વખત છે; પણ મંડલેશ્વર ગયા એટલે બધા જૈનોને તો એમ લાગે છે કે હવે ત્રણે જગ જીતી ગયા; પણ –'

'પણ શું ?'

પણ એનો દીકરો એનાથી જબરો છે. મંડલેશ્વર તો એકલો યોદ્ધો હતો. પણ આનામાં તો એના મામાના વીશ વસા છે.'

મુંજાલનું નામ સાંભળતાં જાણે આખા શરીરમાં ઝણકાર થયો હોય, એમ રાણીને લાગ્યું. તેના કપાળ પર કરચલીઓ પડી. મોરાર કાંઈક સમજ્યો : 'બા ! દુઃખ લાગે તો ક્ષમા કરજો, પણ મારી સલાહ આપ માગો છો ત્યારે આપું છું. ભાણેજને સમજાવવા મામાને કેમ નથી મોકલતાં ?”

મોરાર !' ગૌરવનો ડોળ કરી રાણીએ કહ્યું : 'એ વાત જવા દો. જીવીશ તો રાણી તરીકે; નહિ તો મરીશ. પણ દ્રોહીઓના મોઢા સામે નહિ જોઉં.'

'જેવી બાની મરજી.' કહી મો૨ા૨ મૂંગો રહ્યો.

થોડી વાર રાણી છાનીમાની બેસી રહી. તે ફરીથી નિરાશામાં ડૂબી. મોરારે એક વળી નવી વાત કહી હતી; એક નવી ફિકર ઊભી કરી હતી. ‘શું આ લશ્કર બધું વીખરાઈ જશે ? પછી શું ?' તેને એક વિચાર આવ્યો : મો૨ા૨ ! ત્યારે ખરું પૂછો તો આપણી સાથે કોઈ મંડલેશ્વર કે કોઈ શહેર તો છે જ નહિ.'

'ચંદ્રાવતી સિવાય –'

'હા, હા, મોરાર ! તારા પર પૂરેપૂરો વિશ્વાસ મૂકું ? તું દગો તો નહિ દે?'

'બા ! જે કહેવું હોય તે સુખેથી કહો.'

'માલવરાજ અહીંયાંથી કેટલે દૂર છે ?' રાણીએ ધીમેથી પૂછ્યું.

ઘોડા પર ચાર દિવસ થાય.'

'ઠીક. ખપ પડે તે પણ કામ લાગશે.' મોરાર કેટલા પાણીમાં છે, તેનું માપ કહાડવા રાણીએ આ સૂચના કરી, પણ તે સૂચનાનો અર્થ સમજતાં મોરાની ભૂકુટિ ચઢી; તે ટટાર થઈને ઊભો.

'બા ! તમારી સેવામાં જીવવા અને તેમાં જ મરવા માગું છું; પણ હું ગૂર્જર છું. માલવા જોડે અણઘટતા સંબંધની વાત થશે કે હું નહિ ઊભો રહું.'

રાણીએ કચવાટમાં હોઠ કરડ્યા. દરેકેદરેક સામંત ટેકીલો અને દેશાભિમાની હતો.

'ના, ના. હું તે ક્યાં વાત કરું છું ?' વાત ઉડાવતાં તેણે કહ્યું : ‘ઠીક ! હવે કાલે વાત.'

મોરારે રજા લીધી. રાણીને આખી રાત ઊંઘ નહિ આવી. દરેકેદરેક યોજના નકામી દેખાઈ. ચંદ્રાવતીનું લશ્કર વીખરાઈ જશે અને ત્રિભુવન પાટણ બંધ રાખશે તો થશે શું ? મોરારની વાત પરથી એમ પણ લાગ્યું, કે જો તે માળવાના લશ્કરની સહાય માગવા તૈયાર થાય તો એક પણ ગુજરાતી તેની મદદમાં ઊભો રહે એમ નહોતું. ‘હાથમાંથી રાજ જાય, એ તો ન ખમાય; પણ આ તો હીણું દેખાશે અને રાજ જશે.' રાણીને પથારીમાં આળોટતાં આળોટતાં પોતાના પર તિરસ્કાર આવ્યો. રાજ્ય હતું, મંત્રીઓ હતા, થોડીઘણી પણ સત્તા હતી; ત્યારે તે છોડી વધારે સત્તા પાછળ તે શું કામ ગઈ ? લોકોમાં વિશ્વાસ રાખવાને બદલે શા માટે અવિશ્વાસ રાખ્યો ? મંડલેશ્વરને રીઝવવાને બદલે શા માટે છંછેડ્યો ? અત્યારે મૂઓ મૂઓ મંડલેશ્વર પણ શું પોતાનું વેર લેતો હતો ?'

રાણીના ગૂંચવાઈ ગયેલા મન આગળ એક મૂર્તિ ખડી થઈ. રૂપમાં, બુદ્ધિમાં, ઇચ્છારાક્તિમાં, ઈશ્વરસમાન લાગતી મૂર્તિ છેલ્લાં પંદર વર્ષની પીડાના પડદામાં થઈ તેને ઠપકો દેતી હતી. તેની મોટી આંખોમાં રહેલાં અકલ્પ તેજો તેને મૂર્ખાઈ કરતાં અટકાવતાં હતાં. તેનું અપ્રતિમ વાક્ચાતુર્ય પ્રેમનાં, શિખામણનાં, ઠપકાનાં, ક્રોધનાં વચનો બોલી, તેને નાચ નચાવતું હતું. તે મૂર્તિને નિહાળી રાણી તેમાં તલ્લીન થઈ ગઈ; તેનું હાસ્ય, તેના શબ્દો તે ફરીથી અનુભવવા લાગી. તે પળની પીડાઓ વિસારી, મીનળ જાણે રાણી મટી, સ્ત્રી થઈ ગઈ હોય એવું લાગ્યું. તેના હૃદય પર તે મૂર્તિનો કાબૂ નિશ્ચય લાગ્યો.

તેણે મનમાં બોલવા માંડ્યું, કે આ મૂર્ખાઈ છે. આ મૂર્તિ એક નજીવા મંત્રીની છે. તે મંત્રી દ્રોહી છે. તે દ્રોહીને તેણે કેદ કર્યો છે.' હૃદયે આ શબ્દો ગણકાર્યા નહિ. વર્ષો પહેલાં પૂરાં થઈ ગયેલાં નાટકોના પડદા ઉપાડી હૃદય તે મૂર્તિને પ્રભુ ગાવા લાગ્યું – ગાતું હતું. તે કહેવા લાગ્યું; સોળ વર્ષના સમયનો વિનાશ કરી મન ચંદ્રપુરનો નિર્દોષ આનંદ અનુભવવા લાગ્યું; બાપના દરબારમાં મહાલેલાં સુખો ફરી મહાલવા લાગ્યું; તે સ્વચ્છંદ, આકાંક્ષી મન કુમાર અવસ્થામાં હતું; કોઈ સ્વામી માટે તલસતું હતું; તેણે દૂર દેશથી વેપારને અર્થે દરબારમાં આવેલા એક નરરત્નને નીરખ્યો, નવા, મોહક ઉમળકાને આધીન થઈ તેના ચરણ આગળ પ્રણિપાત કર્યો. તે પળના આહ્લાદો, પછી અનુભવેલા પ્રસંગોનાં અવર્ણનીય સુખો તાજાં થયાં. મન તે નરરત્નની વિદાયે રહ્યું, તેને મળવા ખાતર તેણે મેઘધનુષ્યના રંગે રંગેલી, દૂર આવેલી ભૂમિ તરફ પ્રયાણ આરંભ્યું; તે ભૂમિના નરપતિને વરી, ને નરરત્નની સમીપ હોવાનું સ્વીકાર્યું. મને જૂના આહલાદો તાજા કરતાં એક અાવી સરેલી પળના અનુભવોનો ફરી અનુભવ કરાવ્યો; તેના હૃદયની આસપાસ કાંઈ વીંટાયું તેના મોઢા –

રાણી ઝબકીને જાગી, બેઠી થઈ ગઈ. તેનું શરીર ધ્રૂજતું હતું. છાતી ઊછળી રહી હતી. આંખો બાવરી બની ગઈ હતી; તેના મોઢા પર નવોઢાનું પ્રાણહારક તેજ પ્રસરી રહ્યું હતું.

તેણે હાથ લંબાવ્યાઃ મુંજાલ ! મુંજાલ !' હ્રદયના ઊંડાણમાંથી અવાજ આવ્યો. મીનળ ઊભી થઈ ગઈ, જાગી. તેને ખરી દુનિયાનું ભાન આવ્યું. મુંજાલ કેદમાં છે, પોતે નિરાધાર અવસ્થામાં છે તે યાદ આવ્યું. તે પોતાની તરફ ધિક્કારથી જોવા લાગી, પોતાનું સતીત્વ યાદ આવ્યું. ‘કર્ણદેવ ! પ્રભુ ! સ્વામી !' તે મનમાં બોલી; તે પાસે પડેલા બીજા ઢોલિયા તરફ ફરી, અને જયદેવનું મોઢું જોયું; તેની રેખાઓ તપાસી તે મોઢામાં, તે રેખામાં કાંઈક અપરિચિતતા; કાંઈક કઢંગાપણું દેખાયું. તરત તેના મન આગળ ત્રિભુવનનું મોઢું આવ્યું. તેના મુખની રેખાઓ જોઈ; તે રેખાઓ જોઈ, હ્રદય કેમ ભીનું થયું હતું ? તે રેખાઓમાં કયા બીજા નરરત્નની મુખરેખાઓ દેખાતી હતી ? ના, ના, પ્રભુ ! શું કરવા બેઠો છો ?' તેના મનમાંના વિચારોને નિષ્ફળ પ્રયત્નો વડે પાછા વાળતાં તેણે કહ્યું. તે ફરીથી બેસી ગઈ; માથું ફાટતું હતું; હમણાં ગાંડા થઈ જવાશે, એમ લાગતું હતું. શા માટે મન મુંજાલ નું હતું, આંખો તેનું મુખ જોતી હતી, કાન તેના શબ્દો સાંભળતા હતા ? મુંજાલના બાળપણની સખી અને ગુજરાતની રાણી શું એક હતાં ? ‘ના. ના,' રાણીએ ઘાંટો પાડીને કહ્યું. હૃદયમાં પ્રતિશબ્દ માત્ર 'હા'ના જ થયા કર્યા.

સવાર પડી ત્યારે સૂર્યનાં કિરણોએ ગઈ કાલે સાંજે જે મીનળદેવી અંધકારને સોંપી હતી, તે પાછી તેમને મળી નહિ; તેને બદલે રાણી મટી સ્ત્રી બનેલી, અભિમાની, આકાંક્ષી જોગમાયાને બદલે હૃદયમાં, ભાવમાં નમ્ર બનેલી મીનળ દેખાઈ. તેના મોઢા પરથી સત્તાની, ચિંતાની કઠોર રેખાઓ જઈ સ્નેહની, દુઃખની મૃદુતા આવી હતી; સ્વરૂપવાન નહિ છતાંયે તેના પર છવાઈ રહેતું બુદ્ધિનું તેજ મોહક થયું હતું. તેત્રીશ વર્ષે પણ પહેલી વીશીનો ગભરાટ આવ્યો હતો. તેની દૃઢતા જતી રહી હતી; આંસુઓએ પોતાનો અધિકાર – બેસાડ્યો હતો.

સવારે સમર આવ્યો, ત્યારે રાતે રડ્યા કર્યું હતું તેનાં ચિહ્નો તેના મોઢા પર સ્પષ્ટ દેખાતાં હતાં. ઘરડો નોકર થોડો વખત ઊભો રહ્યો અને ડોકું ધુણાવ્યું: 'બા! ફિકર નહિ કરો : સોમનાથ બધાં સારાં વાનાં કરશે.'

‘સમર ! પ્રભુ જે કરે તે ખરું.' બા ! હું તો ગરીબ માણસ છું : મારામાં કાંઈ અક્કલ નથી. પણ મારી સલાહ માનશો ?'

'શું ? જે કહેવું હોય તે જરૂર કહે. તારા જેવા નિમકહલાલ માણસો ક્યાં છે આજકાલ ?'

'બા ! ત્યારે આવી ઘડીએ મુંજાલ મહેતાને કેમ નથી પૂછતાં ? એ રસ્તો બતાવશે.'

મીનળદેવીને જાણે ઘા વાગ્યા હોય તેમ લાગ્યું. ‘બધા ‘મુંજાલ’ ‘મુંજાલ' કરી રહ્યા છે. આ શું ? તેનું હૃદય ધબકી ઊઠ્યું. 'સમર ! હું તે જ વિચાર કરું છું, પણ તે મદદ નહિ કરે,

મુંજાલ મહેતો ગમે તેવો પણ એવો નથી,' સમરે ખાતરી આપી.

એટલામાં યદેવકુમાર આવ્યો અને વાત અધૂરી રહી.

'બા ! બા ! તમે કેમ રડો છો ?'

મીનળને આ છોકરા પર કાંઈક અણગમો આવ્યો : અણજાણતાં તેના મોઢાની રેખા તરફ નજર ગઈ. તેને કમકમાં આવ્યાં. પ્રયત્ન કરી છોકરાને પાસે લીધો : કાંઈ નહિ. દીકરા ! તું મોટો રાજા થશે ત્યારે તારી માને સંભારીશ કે?'

'બા ! બા ! જ્યસિંહ મહારાજની જ્યાં આણ ફરશે, ત્યાં મીનળદેવીની પૂજા થશે. આમ ગભરાઓ છો શું?' અજાણતાં ઇતિહાસને હુકમ કરતો હોય તેમ બાળભૂપ બોલ્યો.

તારા મોંમાં ગોળ, બાપ !' કહી રાણીએ તેને આઘો કર્યો; આજે જાઓ ફરવા. સમર ! મહારાજને કોઈ સાથે મોકલ.'

'હું તો અહીંયાં ફરતાં થાકી ગયો, મારે પાટણ જવું છે,' હોઠ પર હોઠ ચઢાવતાં જયદેવે કહ્યું અને તે ત્યાંથી સમરને લઈ બહાર ગયો.'

રાણીને હજુ અભિમાન રહ્યું હતું. મુંજાલ પાસે જઈને મદદ માંગવી ?સ્વમાન મૂકી તેને પગે પડવું ?' આમ ઘડભાંજ કરતાં સાંજ પડી, ત્યારે વિજયપાળ આવ્યો. બીજી બધી વાતો કરી તેણે મુદ્દાની વાતો કહેવા માંડી.

'બા ! કેટલાક સામંતો કાલે રાતના માણસો લઈ ભાગી ગયા અને ઘણુંખરું વલ્લભને મળ્યા. હવે કાંઈ કરવું જોઈએ. તમે કહો તો પાટણને ઘેરીએ, નહિ તો પાછા વલ્લભ સાથે લઢીએ. પણ આમ નવરા નવરા તો બધા ચાલ્યા જશે.'

'હું કાલે તમને કહીશ. કાલ સાંજ પહેલાં મારો નિશ્ચય થઈ જરો,' પોતાનું ગૌરવ જાળવવા છેલ્લો પ્રયત્ન કરતાં રાણીએ કહ્યું.

'ઠીક,' કહી વિજયપાળ ગયો.

રાણીએ જોયું કે નિર્ણય કરવામાં વિલંબ થઈ શકે એમ નથી. એટલે બને એટલી શાંતિથી ઉપાયો ગણવા બેઠી. તેનો જુસ્સો ઘણો નરમ પડી ગયો હતો, તેથી તે વધારે ડહાપણથી વિચાર કરી શકી. પાટણને ઘેરો ઘાલવાથી કે માલવરાજને મળી જવાથી વખત છે ને વિજય મળે; પણ હાર ખાતાં તો જયદેવકુમારની ગાદી પણ જાય. એ સિવાય બીજો કયો રસ્તો ?' પ્રસન્નના બોલ સાંભર્યા; રેવાતટ પર જઈને રહો.' ત્યારે શું આ તેને જ માટે આટલું તોફાન ? રેવાતટે જવું ? ચંદ્રપુર જવું ? ના, ના, ના; જો તેને ગયે જયદેવ સુખી થતો હોય તો શા માટે મરવું નહિ ? કર્ણદેવ પાછળ સતી થવું ? હા,' એ ઉપાય રુચ્યો. પોતાની લાજ, પોતાના કુળની ગાદી અગ્નિદેવતા રાખશે.

પણ જીવતાં નહિ રહેવાય ? કોની પાછળ મરવું ? જેની વફાદાર સ્ત્રી રહેતાં પણ તે હૃદયમાં વસી શક્યો નહિ તેની પાછળ ?' તરત મુંજાલ યાદ આવ્યો; મોરારપાળ, સમર અને પોતાના હ્રદયની સલાહ યાદ આવી. મરતાં શા સારુ આ છેલ્લો ઉપાય નહિ લેવો ?' મીનળદેવીને સ્વાર્થ હતો. તેની આકાંક્ષા મોટી હતી.

તેને જીવવાની અને રાજ કરવાની હોંશ હતી. આ બધું સંતોષાય એવો ઉપાય શા માટે જવા દેવો ? તેમાં ગઈ કાલ રાતનું તેનું હૃદય મુંજાલને જોવા તલસી રહ્યું. તેને મળવા ગાંડું બની રહ્યું હતું.

એકદમ મીનળદેવી ઊભી થઈ ગઈ અને બૂમ પાડી : 'સમર !' સમર આવ્યો; તેણે રાણીમાં એકાએક ફેરફાર જોયો અને ચિકત થયો, ‘સમર ! મુંજાલ મહેતાને મારી પાસે મોકલ.

સમર હરખાયો; 'જેવી બાની મરજી,' કહી તે ચાલ્યો ગયો.