હોસ્ટેલમાં આવ્યા બાદ મારી આખી દુનિયા બદલાઈ ગઈ હતી. ઘરે ટીવીમાં દૂરદર્શન સિવાય કંઈ જોવાનું નહતું જ્યારે હોસ્ટેલમાં કેબલ ચેનલ આવી ગયેલી. વરસમાં ફક્ત એકવાર સહકુટુંબ ફિલ્મ જોવા જવા ટેવાયેલી છોકરી રોજ ફિલ્મો જોતી થઈ ગઈ હતી. હોસ્ટેલમાં મારાથી નાની, મોટી અને મારા જેવડી એમ દરેક ઉંમરની છોકરીઓ હતી. સારી, સાદી, ચાંપલી, ચાલું, માથાફરેલ, શાણી, મણીબેન, પુસ્તકિયો કીડો, ભૂખડી બારસ, સુકલકડી, ટૂનટૂન...બાપ રે કેટકેટલા પ્રકારની છોકરીઓ હતી. ઢગલો વાતો હતી. નવી નવી જાણકારી હતી. મજાક અને મસ્તી હતી. ત્યાં જ મને મારી સહેલી સલોની મળી હતી જેની સાથે પછી હું મારી દરેક વાત વહેંચતા શીખી હતી.
હોસ્ટેલમાં મને સૌથી વધારે એક વાત ગમી હોય તો એ હતી ત્યાંથી મળેલી વાચન સામગ્રી. નવલકથાઓના પુસ્તકોની સફર મેં પહેલી જ વાર કરી હતી. પ્રણય કથાઓ, નાયક અને નાયિકાઓના પ્રેમપ્રચુર વર્ણન પુસ્તક બંધ કર્યા બાદ પણ મારા મનમાં ફરતા રહેતાં. વાર્તાઓમાં ક્યારેક પ્રણય પીડા આપતો તો ક્યારેક અદભુત આંનદનું કારણ બનતો. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મિલનના વર્ણનો વાંચીને મારા હ્રદયમાં પણ એક આકૃતિ આકાર લેવા લાગી હતી. હું એક કાલ્પનિક પાત્ર રચી એના પ્રેમમાં પડી ચૂકી હતી. પહેલા એ કાલ્પનિક પાત્ર કોઈક નવલકથાનો નાયક રહેતો. પછીથી બધી નવલકથાઓના નાયકોના મને ગમેલા ગુણ એ કાલ્પનિક પાત્રમાં ઉમેરાતા રહેલા અને છેલ્લે એક નવું જ પાત્ર ઉપસી આવેલું. હું ખરેખર એના પ્રેમમાં પડી ચૂકી હતી અને એવા પુરુષનું મિલન એ જ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું.
મને મારો પ્રિયતમ મળી ગયો હતો. એ ભલે મારી કલ્પનાઓમાં જ જીવતો હતો પણ એની સાથે પછી હું સ્ત્રી સહજ છૂટછાટ લેતા શીખી હતી. હું એને અઢળક ચુંબનો કરતી થયેલી અને એ મને, મારા એક એક અંગને એનો સ્પર્શ ગમતો હતો. મને ખબર જ નહોતી પડી કે ક્યારે અને કેવી રીતે એ થયું હતું પણ એણે મને એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવ્યો હતો.
એ સ્ત્રી મારામાં જીવંત હતી. છેક કેદારે મારી સાથે પરણવાની ના કહી ત્યાં સુધી હું એને મારામાં અનુભવી શકતી હતી. માંડવામાં આલોક સાથે ફેરા ફરવા મેં પગ મૂકેલો ત્યારે અને કેદારે મારી તરફ હાથ લંબાવી મને મદદ કરવા પ્રયાસ કરેલો ત્યારે પણ એ સ્ત્રી મારામાં જીવતી હતી. એ મને મારો હાથ લાંબો કરી કેદારનો હાથ પકડી લેવા ઇજન આપી રહી હતી પણ હું શું કરતી? કેદારે એનો હાથ મારી તરફ ફક્ત મદદની ભાવનાથી લંબાવ્યો હતો પ્રેમ તો એ કોઈ બીજીને કરતો હતો અને એ વાત મારામાં રહેલી પ્રેમિકાને સ્વિકાર્ય ન હતી. હું આલોક સાથે બંધાઈ રહી હતી અને એ બિચારી ગુંગળાઈ રહી હતી પણ હું શું કરતી? મારા હાથમાં ફક્ત એને ચાહવાનું હતું, પામવાનું નહીં. બીજી કોઈ પણ અડચણ વચ્ચે આવત તો હું લડી જાત પણ અહીં તો કેદાર સાથે જ લડવાનું હતું. એણે જે સ્ત્રીમાં પોતાનો પ્રણય ભાળ્યો હતો એમાંથી એને વિચલિત કરવાનું શક્ય ન હતું. હું કદાચ કોઈ રીતે કેદારને સમજાવી પણ લઉં કે એ સ્ત્રી, અનુજા તારે લાયક નથી તો કેદારના દિલને ધક્કો લાગત. એ કદાચ અનુજાને ભૂલી જાત પણ પછી એ મને ચાહી શકત ખરો? હાલ દિલ તૂટવાની જે પીડા હું ભોગવી રહી હતી એ જ પીડા પછી કેદાર ભોગવતો હોત. મારે એને એવી કોઈ પીડા નહોતી આપવી. એણે એના મનમાં કોઈ બીજી સ્ત્રીની તસવીર સજાવી રાખી હતી એ તસવીરને મિટાવીને ત્યાં હું મારી તસવીર કેમની રાખી લઉં એ મને નહોતું સમજાઈ રહ્યું.
કેદારના દિલમાં પ્રણયની જે મૂર્તિ હતી એને બદલવી તો દૂરની વાત હતી, હું મારા દિલમાં સ્થાપિત મૂર્તિને પણ ક્યાં બદલી શકતી હતી! મેં પ્રયત્ન કર્યો હતો કે એ મૂર્તિમાં હું આલોકને જોઉં, મારા પ્રિયતમ વિશે જ્યારે પણ વિચારું ત્યારે ત્યાં કેદાર નહીં આલોક દેખાય પણ એ શક્ય નહોતું બનતું. હું મારા મન સાથે બળજબરી કરી રહી હતી અને એમાં જ ક્યાંક મારામાંની સ્ત્રી મરી પરવારી હતી. આલોકને જોતાં જ મારી બધી લાગણીઓ બુઠ્ઠી થઈ જતી હતી. હું પ્રયત્ન કરું તો પણ કોઈ પરિણામ નહોતું મળી રહ્યું અને પછી મેં માની લીધું હતું કે મારામાંની એ સ્ત્રી ફરી ક્યારેય બેઠી નહીં થાય. આલોકને હું બાકીની બધી વાતે ખુશ રાખીશ પણ પલંગ પર એને રાજી રાખવાનું મારાથી નહીં થાય. હું પોતે પણ આજીવન એ આનંદથી વંચિત રહી જવાની હતી પણ મને એનો કોઈ અફસોસ નહોતો.
મારું એવું માનવું હતું કે શારીરિક સુખને પ્રેમ સાથે સીધી લેવાદેવા છે, તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હો એની સાથે સંબંધ બાંધતા તમને જે આનંદ મળે એ બીજા કોઈ પાસેથી શક્ય જ નથી. જો કે મારે મારી આ માન્યતા બદલવી પડી હતી. શારીરિક સુખ અને પ્રેમને કોઈ લેવાદેવા નથી. તમને જે વ્યક્તિ પ્રત્યે પ્રેમ ના હોય એની સાથે સંબંધ બાંધીને મજા આવે એવું શક્ય છે એ વાતની ખાતરી મને ત્યારે થઈ હતી જ્યારે લવ મારા જીવનમાં આવેલો...
******
અહીં એક વાત મારે કહેવી પડે કે આલોક માણસ તરીકે ખૂબ સારો હતો. એણે એના સુખી લગ્નજીવનનું જે સપનું જોયું હશે એમાં હું ફીટ થતી હતી કે નહીં એ મને નથી ખબર પણ એણે ક્યારેય મને એવું લાગવા નથી દીધું.
મારા હાથની રસોઈ એ વખાણ કરીને ખાતો. ક્યારેક નાના બાળકની જેમ જીદ કરતો કે આજે ફલાણું બનાવ જ બનાવ. હું એની ડિમાન્ડ પૂરી કરું એટલે રાજી રાજી થઈ જતો. ક્યારેક એ મારા માટે કોઈ એને ગમતી સાડી કે ડ્રેસ કાઢી રાખતો અને ઈચ્છા કરતો કે હું એ જ કપડાં પહેરું. હું એ પહેરીને તૈયાર થતી અને એ મારા સેંકડો ફોટા ખેંચી સોશ્યલ મીડિયામાં મૂકતો. હું એને પૂછતી પણ ખરી કે આમ બીજાને મારા ફોટા દેખાડી તને શું મજા આવે છે ત્યારે એ હસીને કહેતો મને મારા ભાઈબંધો અને અમુક કહેવાતા દોસ્તોને બાળવાની મજા આવે છે. એમનેય સાલાઓને ખબર હોવી જોઈએ કે આલોકના જીવનમાં કેવી સુંદર સ્ત્રી છે. મારી રંગીન રાતોની કલ્પના કરીને એ સાલા બળી મરે એની મને મજા આવે છે. તને ખબર છે એમાંના કેટલાય લોકોએ તને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે, કેટલાયે મેસેજ કર્યા છે. તું સોશ્યલ મિડીયા પર એક્ટિવ નથી એ જાણી કેટલાય રોજ નિઃસાસો નાંખે છે.
મને એની વાતો સાંભળી હસવું આવતું ક્યારેક દુખ પણ થતું. હું એને પૂછતી પણ ખરી કે તું કોઈ બીજી સુંદરીના ફોટા જોઈ ખુશ નથી થતો? એ તરત જ હસીને કહેતો, બીજી સ્ત્રીઓના ફોટા જોઈને દીલને ટાઢક જરૂર મળે છે. ખાસ કરીને એમનાં વિડીયો. ટિકટોક આવ્યું ત્યારની વસતિ જે ચાળે ચઢી છે વાત ના પૂછો. ફેસબુક અને ઇન્સ્ટા રીલ્સ પર નાની નાની છોકરીઓથી લઈને મોટી મોટી આન્ટીઓ સુધીની મહિલાઓ જે ચેનચાળા કરે છે એ જોવાની સાલી મજા તો આવે છે.
“તને એમાંથી કોઈ ગમી હોય એવી ખરી? તે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી?” એક દિવસ મેં બસ અમસ્તા જ પૂછ્યું હતું.
એ મારી સામે થોડી વાર તાકી રહ્યો હતો પછી કહે, “ટ્રાય કરું છું પણ મેળ નથી પડતો. આજની છોકરીઓને સાદા અને સરળ માણસો નથી ગમતા એમને તો ફિલ્મી હીરો જોઈએ છે. ભલે એ સિગારેટ ફૂંકે, દારુ પીવે, બીજી છોકરીઓ સાથે ફરે એ બધું ચાલે પણ માણસ સીધો હોય, ઈમાનદાર હોય એ ના ચાલે. હા, તમારી પાસે ઢગલો રૂપિયા હોય અને તમે એનું પ્રદર્શન કરી શકો તો બાકીની એકેય ખૂબી ના હોય તો પણ ચાલે. અહીંયા તો સાલું મારી પાસે એવું કશું જ નથી.”
“અચ્છા એટલે કે મારી પાસે પહેલેથી જ એક રૂપાળી પત્ની છે અને મારે હવે બીજી એકેયની જરૂર નથી એ દેખાડવા જ તું મારા ફોટા પોસ્ટ કરે છે એમ જ ને?”
“ના સાવ એવું નથી. અમુક ચાલાક સ્ત્રીઓ સમજી જાય છે કે મારી જરૂર આ ફોટામાં દેખાય છે એવી રૂપાળી ઢીંગલી નહીં પણ સાચુકલી સ્ત્રીની છે. એકવાર એક જાડી અને ભદ્દી સ્ત્રી સાથે મારે દોસ્તી થયેલી. મેસેન્જરમાં અમે કેટલીય વાતો કરેલી. એ એટલી બિન્દાસ્ત હતી. ખુલ્લે આમ ગમ્મે તેવા ટૉપિક પર ચર્ચા કરવા તૈયાર થઈ જતી. મને એ પસંદ આવેલી એને હું. એની ઈચ્છા એક રૂપાળા પુરુષને બોય ફ્રેન્ડ બનાવવાની હતી અને મારે એના જેવી નોટિ સ્ત્રીની કંપની જોઈતી હતી.”
“પછી શું થયું? વાત આગળ વધી?”
“આ બધી પત્નીને કહેવાની વાતો છે? હાલ તો બધું જાણી લઈશ અને પછી ક્યારે રિસાઇને પિયર ચાલી જઈશ?” એ હસી પડેલો.
“હું એમાં શા માટે રિસાઈ જાઉં? તને પણ તારી ગમતી કે તને ગમે એવી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનો હક છે.”
“આવી બધી વાતો સાંભળવામાં સારી લાગે, જ્યારે કોઈ બીજા વિશે વાત કરતા હોઈએ ત્યારે મજાની લાગે પણ જેવી એ ચર્ચા તમારા અંગત જીવન પર આવે તરત જ વાતાવરણ ગંભીર થઈ જાય.”
“તો તું મને હજી સમજી જ નથી શક્યો આલોક. તને ખરેખર કોઈ સ્ત્રી સાથે પ્રેમ થઈ જાય તો હું તારા રસ્તામાં ક્યારેય નહીં આવું.” મેં ગંભીર થઈને એનો હાથ પકડી કહેલું.
“પ્રેમ થઈ જાય તો ને? મારે પ્રેમ નથી કરવો મારે મજા કરવી છે.” એણે મને એની નજીક ખેંચી હતી, એનો હાથ મારી છાતી પર ફરી રહ્યો હતો. “મને હાલ સુધી જે એક છોકરી ગમી હતી એની છાતી એકદમ સપાટ હતી. એનો ઊભાર સહેજે વિકાસ નહોતો પામ્યો. હું એના સાથળ પાછળ પાગલ હતો. એના નિતંબ, એની જાંગો એને પાછળથી જોતાં જ હું ઉત્તેજિત થઈ જતો.”
“તને સ્ત્રીને બેડરૂમમાં લઈ જવા સિવાય બીજો કોઈ વિચાર આવે છે?” મેં કંટાળીને એનો હાથ મારા શરીર પરથી દૂર હટાવતા કહેલું.
“તને પુરુષ સાથે ચાંપલાશ ભરી વાતો કર્યા સિવાય બીજો કોઈ વિચાર આવે છે?” એ હસ્યો હતો. મને લાગેલું કે એ મારી પર હસી રહ્યો હતો.
અમારી વચ્ચે વાતો થતી હતી. પતિપત્ની નહીં પણ દોસ્તની જેમ અમે લગભગ દરેક વાતે, દરેક મુદ્દે ચર્ચા કરી શકતા પણ એનો અંત હંમેશા આવો જ રહેતો. આલોક છેલ્લે મને એક એવો સવાલ પૂછી લેતો જેનો જવાબ હું નહોતી આપી શકતી અને અમારી ચર્ચા ત્યાં જ અધૂરી રહી જતી. મારી પાસે જવાબ હતો જ ક્યાં? પ્રેમ અને જરૂરિયાત એ બંને વચ્ચે હું ક્યાંક અટવાઈ ગઈ હતી. શુધ્ધ પ્રેમ હોય ત્યાં શારીરિક જરૂરિયાત કેટલી આવશ્યક હશે એ હું નહોતી જાણતી. ‘પવિત્ર પ્રેમ’ નામનો એક શબ્દ એ રીતે મારા મનમાં હાવી થઈ ગયો હતો કે એમાં સહેજ પણ દોષ લાગે એવું કશું સ્વીકારવા મારું મન રાજી જ નહતું થતું. કદાચ આલોક પ્રત્યે મારો પ્રેમ નહોતો જાગી શકતો એનું કારણ પણ એ જ હતું. એનો પ્રેમ હાથ પકડવાથી શરૂ થતો અને પથારીમાં અંત પામતો. મને એનું હાથ પકડવું ગમતું હતું પણ જ્યાં વાત પથારી સુધી લાંબી થતી મારા મુડની પથારી ફરી જતી. ક્યાંક મનમાં ઊંડે ઊંડે થતું કે આલોકને મારા શરીર સિવાય બીજા કશામાં રસ નથી. હું એમ વિચારવાનો પ્રયત્ન કરતી કે ભલે ને એને મારા શરીરમાં રસ રહ્યો, શરીર પણ તો મારું જ છે, પછી એવું વિચારવું પણ મને નહોંતુ ગમતું.
મારા માટે માનવ જીવનમાં પ્રેમ સૌથી આવશ્યક વસ્તું હતો અને એ પ્રેમ એટલે પાછો પવિત્ર પ્રેમ. એવો પ્રેમ જે માનવીના હ્રદયથી શરૂ થાય અને છેલ્લે હાથ પકડી એને ભેટવા સુધી આગળ વધે. એનાથી આગળ બીજું બધું વહી જવાય તો થઈ જાય, બંનેની ઈચ્છા હોય અને એક વહેણમાં તણાઇ જઈ શારીરિક સંબંધ બંધાઈ જાય તો બંધાઈ જાય પણ ફક્ત શારીરક સંબંધ બાંધવાને ઇરાદે કરેલો પ્રેમ મને સ્વિકાર્ય નહોતો. એ મને બિલકુલ સ્વિકાર્ય ન હતો. આલોક સાથે કદાચ એટલે જ હું દોસ્તીના માર્ગે આગળ વધી હતી પણ પ્રેમ જેવું કશુંય અનુભવાતું જ નહતું. જ્યાં પ્રેમ ના હોય ત્યાં આગળ કશું વિચારવા પણ હું તૈયાર નહતી. હું જાણતી હતી કે ખામી મારા વિચારોમાં છે. જેવું હું વિચારું છું એવું બીજા લોકો નથી વિચારી શકતા પણ હું શું કરતી? મારા વિચારો ખોટા છે એવું સાબિત પણ ક્યાં થયું હતું...
મારા આ વિચારોને એક જબરદસ્ત ધક્કો મારવા જ કદાચ નિયતિએ લવને મોકલ્યો હતો. પ્રેમ વધારે જરૂરી કે શારીરિક જરૂરિયાત કે બંને... એ બધા વિચારોમાંથી મને મુક્ત કરવા જ એ છોકરો મારા જીવનમાં આવેલો.
લવ. પોણા છ ફૂટ ઊંચો, ફ્રેંચ કટ દાઢી અને ગોલ્ડન સ્પાઇક વાળી હેર સ્ટાઈલ રાખતો હસમુખો કોલેજિયન યુવાન. એ મારાથી ત્રણ ચાર વરસ નાનો હશે કદાચ, મેં એની જન્મ તારીખ નથી પૂછી. જે બિલ્ડિંગમાં મારો ફ્લેટ આવેલો હતો એની જ બાજુવાળી બિલ્ડિંગમાં એ એના બીજા કેટલાક મિત્રો સાથે ભાડે રહેતો હતો. મારી અને એની એક રૂમની બાલ્કની સામસામે પડતી હતી. હું જ્યારે મારી બાલ્કનીમાં ઊભી કપડાં સુકવતી હોઉં કે છોડમાં પાણી રેડી રહી હોઉં ત્યારે એ પણ ત્યાં આવી ચઢતો હતો. મને જોતાં જ એ એક સુંદર સ્મિત સાથે “હેલો” કહેતો. મને એ છોકરો ગમતો હતો. ખાસ તો એનો હસમુખો અને વાતોડિયો સ્વભાવ. એની સાથે બે ઘડી વાતો કરી હું હસી લેતી હતી બાકી તો આલોક ઑફિસ જવા ચાલ્યો જાય પછી એ પાછો આવે ત્યાં સુધી મારે કોઈ સાથે ભાગ્યે જ વાત થતી.
નવલકથાઓ વાંચવાનું હવે મેં છોડી દીધું હતું. ફિલ્મ કે ટીવી સિરિયલ ચાલું કરીને હું બેસતી ખરા પણ એની વાર્તામાં કવચિત જ હું મારું ધ્યાન પરોવી શકતી. વાંચતાં વાંચતાં કે ટીવી જોતાં જોતાં હું અચાનક કોઈ બીજા જ વિચારે ચઢી જતી અને વાર્તામાં શું બની ગયું એ પછી યાદ જ ના રહેતું. હું શું વિચારે ચઢી ગયેલી એ પણ યાદ નહોતું રહેતું. મગજમાં જાણે એક બ્લેક હૉલ, એક શૂન્યવકાશ આકાર લઈ રહ્યો હતો. એ શૂન્યવકાશ મારો બધો જ ફાલતું સમય, મારા વિચાર, મારી એકલતા, મારા અધૂરા સપનાં અને અધૂરી ઇચ્છાઓને ઓહિયા કરી જતો. મને એનાથી પણ કોઈ ફરિયાદ નહોતી. જિંદગીમાં હવે કોઈ ફરિયાદ ન હતી. મેં એ વિશે વિચારવાનું જ છોડી દીધું હતું. ક્યારેક કેદારનો ચહેરો નજર સામે તરવરી ઊઠતો અને દિલમાં ભયંકર પીડા ઉઠતી, આંખો ભરાઈ આવતી પણ એ બધું થોડીક મિનિટો જ ટકતું પછી તરત હું પેલા શૂન્યવકાશ કે બ્લેક હૉલમાં ચાલી જતી અને એમાં ખોવાઈ જતી. વિચારશૂન્ય અવસ્થા જ જીવનની બેસ્ટ અવસ્થા છે કદાચ!
અમારા લગ્નને છ વરસ પૂરા થવા આવેલા અને હજી અમારે કોઈ સંતાન નહોતું. ડોક્ટરે કહેલું કે તમે બંને નોર્મલ છો કોઈ તકલીફ નથી. ગમે ત્યારે તમારા ઘરમાં ગુડ ન્યૂઝ આવી શકે છે પ્રયત્ન કરતા રહો. અમે પ્રયત્ન કરી રહ્યાં હતાં પણ પ્રયત્ન ફળતા નહતા. આલોકનો મારામાંથી રસ ઓછો થઈ ગયો હતો. એ ચાર પાંચ દિવસે કે ક્યારેક તો અઠવાડિયે એકાદ વખત જ મારી પાસે આવતો હતો. હવે એની સાથે મને સંબંધ બાંધતી વખતે પીડા નહોતી થતી, કશું જ નહોતું થતું. એણે પણ એ વિષય પર મારી સાથે મગજમારી કરવાનું બંધ કર્યું હતું. એની ઈચ્છા થાય ત્યારે એ આવી જતો અને એનું કામ પતાવી પડખું બદલી સૂઈ જતો. અમને બંનેને એ વ્યવસ્થા ફાવી ગઈ હતી. જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું અને ત્યાં જ લવ એક ક્યૂટ ડેવિલ બનીને અમારી જિંદગીમાં પ્રવેશ્યો હતો.
એક બપોરે હું ટીવીમાં જૂની હિન્દી ફિલ્મ ચલાવી જોઈ રહી હતી ત્યાં મારા ફ્લેટની બેલ વાગી હતી. મેં બારણું ખોલ્યું તો સામે જ લવ ઊભો હતો. મારી સામે એનું જાદુઇ સ્મિત રેલાવતા એણે કહેલું કે, “તમારે ત્યાં મહેમાનને અંદર આવવાનું કહેવાનો રિવાઝ નથી?”
મેં હસીને એને આવકાર આપેલો. ઘરમાં આવતા જ એ સોફા પર પલાંઠી વાળીને ગોઠવાઈ ગયો હતો અને મને કહે, “કશુંક ખાવાનું મળશે, પ્લીઝ? મને ટીવી જોતાં જોતાં ખાવાની આદત છે અને હાલ ભૂખ પણ લાગી છે.”
મને ખબર નહીં કેમ પણ એ છોકરાનું આવી રીતે ઘરમાં આવી ચઢવું ગમ્યું હતું. એ કદાચ એટલે કે એ રોજ મારી સાથે કેટલીક રમૂજી વાતો કરતો હતો, કે પછી એ મને હંમેશા ‘મેમ, મેમ’ કહી ખૂબ રિસ્પેક્ટ આપતો હતો એટલે કે પછી મને એમ હતું કે એ મારાથી નાનો છે એટલે અમારી વચ્ચે થોડીક વાતો, મજાક મસ્તી થાય તો એમાં કંઈ ખોટું નથી.
હું એને માટે શક્કરપારા અને ગાંઠિયા લઈ પાછી ફરી ત્યારે એણે ચેનલ બદલી કાઢી હતી. “ઓહ સોરી મેમ મેં તમને પૂછ્યા વગર ચેનલ બદલી કાઢી પણ હું તમારા જેવી સુંદર સ્ત્રી પાસે બેસીને જૂના જમાનાની બોરિંગ ફિલ્મ નથી જોઈ શકતો. તમારા જેવી યંગ લેડીએ હાલની લેટેસ્ટ ફિલ્મ્સ જ જોવી જોઈએ.” એણે મારા હાથમાંથી પ્લેટ લઈ ખાવાનું ચાલું કર્યું.
“તમે લેશો?” એણે વિવેક કરેલો અને મેં ના કહી હતી. હું એ બેઠો હતો એની સામેના સોફા પર બેઠી અને પછી એનું મારા ઘરે આવવાનું કારણ પૂછ્યું.
“કેવો જમાનો આવ્યો છે? આજે માણસ માણસને કામ વગર મળવા ના જઈ શકે?”
“ના ના. મારો એવો મતલબ નહોતો. પણ તમે અચાનક આમ મારા ઘરે આવી ગયા એટલે,”
“અચાનક તમારે ઘરે આવી ગયો એટલે શું, હેં? હું કંઈ તમારા ઘરે ચોરી કરવા આવ્યો છું? તમને હું શકલ પરથી ચોર લાગું છું?”
“મેં એવું ક્યાં કહ્યું?”
“અરે હા તમે એવું નથી કહ્યું, થેન્ક ગોડ! હું અહીંયા શિફ્ટ થયો એ પહેલા જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાં આવી જ રીતે એકવાર એક લેડીના ઘરમાં ઘૂસી ગયેલો. અમે લોકો એક ફિલ્મ જોઈ રહ્યાં હતાં અને એ જ વખતે એનો મિસ્ટર ઘરે આવી ગયેલો. બાપ રે એણે એટલો હંગામો કરેલો. મને કહે કે હું એની મિસીસનો બોયફ્રેન્ડ છું, બોલો? માંડ માંડ પછી મેં એને સમજાવેલો. તમારા પતિ પણ મી. શક્કું હોય તો પહેલા જ કહી દેજો હું બાજુવાળા શિલ્પામેમને ત્યાં ચાલ્યો જઈશ. એ મેમને ત્યાં કોઈ જ બબાલ નથી.”
એની બોલવાની સ્ટાઈલ પર મને હસવું આવતું હતું. એની બોલીમાં અમદાવાદી છાંટ હતી, લહેકો હતો.
“એટલે તમે ગમ્મે ત્યારે ગમ્મે તેના ફ્લેટમાં ઘૂસી જઈ નાસ્તો માંગો છો, એમ જ ને?” મેં પણ એની જ સ્ટાઇલમાં મજાક કરતા કહેલું.
“યેસ હવે તમે મને બરાબર ઓળખી ગયા. જો કે હું ગમ્મે તેના ફ્લેટ પર નથી જતો ગમે તેના ફ્લેટમાં જ જાઉં છું, મતલબ કે આ ઓફર ફક્ત સુંદર સ્ત્રીઓ સુધી જ સીમિત છે અને તમે આ બિલ્ડિંગની સૌથી સુંદર સ્ત્રી છો.”
“તમે આમ મસ્કા મારવાનું બંધ કરશો હવે?”
“બિલકુલ બંધ હો.” એ નાના બાળકની જેમ હોઠ પર આંગળી મૂકી, ચૂપ થઈ ફિલ્મ જોવા લાગ્યો હતો.
‘બેડ મોમ્સ ક્રિસમસ’ કરીને એણે એક અંગ્રેજી ફિલ્મ ચલાવી હતી. ફિલ્મ સારી હતી. ફિલ્મથી પણ વધારે મજેદાર લવની વાતો હતી. એ બપોર ક્યારે પૂરી થઈ ગઈ એનો અંદાજ જ નહોતો આવ્યો. ફિલ્મ પૂરી થઈ પછી એ ચાલ્યો ગયો હતો. થોડીક વાર રહીને એનો મારા વોટ્સેપ પર મેસેજ આવેલો, “હમણાં એક મહિના સુધી મારે વેકેશન છે અને હું સાવ નવરો છું. મારા રૂમ પર ટીવી નથી એટલે જો તમને વાંધો ના હોય તો હું બપોરે તમારે ત્યાં ફિલ્મ જોવા અને નાસ્તો કરવા આવતો રહું?” મને એમાં કંઈ વાંધા જેવું નહોતું લાગ્યું. મેં એને જવાબી મેસેજમાં લખેલું કે હા, એ ઈચ્છે ત્યારે મારે ત્યાં આવી શકે છે.
એ પછી બે દિવસ એ નહોતો આવ્યો. ત્રીજે દિવસે આવ્યો તો સાથે દાળવડા લઈ આવેલો. મને કહે, આને જલદી પ્લેટમાં કાઢી લો પેપર બધું તેલ પી જશે. મારી પાસે હા, ના કરવાનો સમય જ નહોતો. હું દાળવડાને એક પ્લેટમાં કાઢી બહાર લઈ આવી ત્યાં સુધી એણે એક ફિલ્મ શોધી લીધી હતી. એ કોઈ સ્પેનિશ ફિલ્મનું હિન્દી ડબિંગ હતું. ફિલ્મની વાર્તા સારી હતી. વચ્ચે બે વખત ગરમાગરમ ચુંબનના દ્રશ્ય આવેલા પણ અંગ્રેજી ફિલ્મમાં આવું બધું તો આવે એમ માની મેં એ સીન જોઈ લીધેલાં.
“તમે તમારા બોયફ્રેન્ડને આવી ગરમાગરમ કિસ કેટલી વાર કરી હતી?” એણે દાળવડા સાથે એક લીલું મરચું મોઢામાં મૂકી એ જાણે તીખું લાગ્યું હોય એમ શીશકારા બોલાવતા સહેજ હસીને પૂછ્યું હતું.
“શટઅપ મારે કોઈ બોયફ્રેન્ડ નથી.”
“ઓફકોર્સ હવે તમે પરણી ગયા છો પણ ભૂતકાળમાં તો હશે ને કોઈ?”
મારી નજર આગળથી કેદાર પસાર થઈ ગયો, એના પછી અમુક યુવાનો યાદ આવ્યા જેમણે મારી આસપાસ કેટલાય આંટા માર્યા હતાં અને મેં જેમને રિજેક્ટ કરેલા. “ના. મારા જીવનમાં ક્યારેય કોઈ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ આવ્યો જ નહીં.”
“આઈ કાન્ટ બિલિવ કે તમારા જેવી ગોરજીયસ લેડીને એકેય બોય ફ્રેન્ડ ના હોય. હું તમારી સાથે કૉલેજમાં ભણતો હોત તો ભણવાનું બાજુએ રહી જાત અને મારું સૌથી પહેલું મિશન તમને પટાવવાનું હોત.”
એની વાત પર મારે ગુસ્સે થવું જોઈતું હતું કદાચ, પણ મને હસવું આવ્યું હતું. આવી ગયું હતું. “હું ગર્લ્સ કૉલેજમાં ભણી છું. માસ્ટર્સ પણ ત્યાંથી જ કરેલું.
“યહી માર ખા ગયા ના ઈન્ડિયા! તમને જરાય શરમ નથી આવતી. તમારા જેવી સુંદર છોકરીઓને એકલી છોકરીઓ જ હોય એવી કોલેજમાં ભણવું જ શું કામ જોઈએ. એ ક્રાઇમ છે. મારા જેવા કેટલા બધા એવા છોકરા હશે જેમની કલ્પનામાં તમારા જેવી જ કોઈ છોકરી ફીટ બેસતી હશે. જેણે નક્કી કર્યું હોય કે બસ આવી કોઈ સ્ત્રી મળી જાય ને એટલે મારા આ જનમની શોધ પૂરી થઈ જાય,”
એ બોલી રહ્યો હતો અને હું જાણે કોઈ લપસણી પર બેઠી હતી. ખૂબ ઊંચાઈએ, છેક આકાશને અડી જાય, જ્યાંથી કોઈ મને કે હું બીજા કોઈને ના જોઈ શકું એટલી ઊંચાઈએ આવેલી લસરપટ્ટી પર હું બેઠી તો હતી પણ ત્યાંથી હું નીચે નહોતી સરકી શકતી. કશું જ અટવાયું નહોતું, રસ્તામાં કોઈ અડચણ નહોતી, મારું મન નહોતું એવુંય ન હતું અને તોય હું ત્યાં ઊભી રહી ગઈ હતી. પછી સાવ અચાનક જ હું એ ઊંચી લપસણી પરથી સરકવા લાગી હતી. મારા મનમાં રહેલો પેલો શૂન્યાવકાશ એની મેળે જ ઓગળવા લાગ્યો હતો. હું મારામાં પાછી ફરી હતી. હું આત્મજા છું, આત્મજા છું, મેં એક પુરુષની કલ્પના કરી હતી, એ કલ્પનાના પુરુષ જેવો જ કોઈ મને મળી જાય તો એને હું પ્રેમ કરીશ, એને હું ચુંબનો કરીશ, એની સાથે પ્રણાયક્રીડાની તમામ સીમા ઓળંગી જઈશ એવું મેં નક્કી કર્યું હતું. મારી એ કલ્પનામાં ફીટ બેસી શકે એવા પુરુષની શોધ કરવા મેં શું કર્યું હતું? એક બોટલમાં ચિઠ્ઠી મૂકીને એને નદીમાં વહાવી દીધી હતી અને પછી રાહ જોઈ રહી હતી કે મારી એ ચિઠ્ઠી વાંચીને કોઈ આવી ચઢશે! આને મૂર્ખતાની હદ ના કહેવાય તો બીજું શું કહેવાય? મેં મારા એ પ્રિયપાત્રની શોધ કેમ નહોતી કરી? ભગવાન પર, નસીબ પર કે પછી પ્રેમ પર, તે શેની ઉપર આટલો બધો ભરોસો મૂક્યો હતો આત્મજા?
“આજે લગભગ દરેક યુવાન એટલું તો સમજી જ ચૂક્યો છે કે યુવાનીના આવેશમાં પ્રેમ તો કોઈ પણ સારી છોકરી સાથે થઈ જાય એમાં નવાઈ નથી. સેકસ કરવાની ઈચ્છા પણ થઈ જાય અને મોકો મળે તો એ કરી લેવામાં અમને કોઈ વાંધો નથી અને એની નવાઈ પણ નથી. નવાઈ તો છે એકવાર, બસ એકવાર એ છોકરીને કીસ કરવાની જે વરસોથી તમારી કલ્પનામાં હોય. જે ચેહરો આંખો બંધ કરતા જ તમારા મનમાં ઝળકી જતો હોય અને તમારો એક એક બોડી પાર્ટ ટાઈટ કરી જતો હોય. જેને જોતાં જ સીધુ હગ કરી લેવાનું મન થાય એ પછી જે થવાનું હોય એ થઈ જાય, હૂ કેર્સ. “
એ થોડીક વાર અટક્યો હતો અને પછી મારી સામે જોઈ કહે, “તમે મોટી ભૂલ કરી છે મેમ! તમે એક એવી સ્ત્રી છો જે કેટલાય પુરુષોની સ્વપ્નસુંદરી હશે અને એ તમામ પુરુષોને તમને રિઝવવાની એક પણ તક આપ્યા વગર જ તમે માબાપે જે બતાવ્યો એની જોડે લગ્ન કરી લીધા એ દુનિયા ભરના પ્રેમીઓનું અપમાન છે. હું તમને ક્યારેય માફ નહીં કરું.”
છેલ્લું વાક્ય એણે એવું મોઢું બનાવીને કહેલું કે હું હસી પડી હતી.
“બસ આ જ બાકી રહી જતું હતું, હસી લો અમારી પીડા પર! જોઈએ તો થોડું મીઠું મરચું પણ ભભરાવી લો.”
હું ફરીથી હસી પડી હતી. મને મજા આવી રહી હતી. લવની વાત સાંભળી મારા મનમાં રહેલી પેલી વરસો જૂની પ્રેમ કરવાની ઈચ્છા સાવ ખોટી નહતી એ વાતને સમર્થન મળ્યું હતું ઉપરાંત એક વિચાર આવેલો કે કેદાર સિવાય કોઈ પણ એવું હોય શકે છે જેને જોતાં જ હું એના પ્રેમમાં પડી જાઉં!
“અચ્છા એટલે કે તમારી કલ્પનામાં પણ કોઈ સુંદરી છે ખરી એમ જ ને?”
“હા, હા બિલકુલ છે ને.” એણે એની જીભ પર હોઠ ફેરવતા કહ્યું હતું.
“કોણ છે એ? એના જેવી કોઈ મળી ખરી?” છેલ્લો સવાલ પૂછતી વખતે મને એનો જવાબ જાણવાની એટલી ઉત્કંઠા હતી કે ના પૂછો વાત. મારી કલ્પના કેદારમાં પૂરી થયેલી પણ કેદારની સ્વપ્નસુંદરી કોઈક બીજી યુવતી હતી એ જાણી હું મનથી ભાંગી પડી હતી. પેલું પોલો કોહેલોનું વાક્ય, ‘તમે દિલથી કંઇક ચાહો ત્યારે સમગ્ર સૃષ્ટિ તમને એના સુધી પહોંચાડવામાં સહભાગી થાય છે!’ મને ખોટું લાગ્યું હતું. આજે લવની વાત સાંભળી મારા વિચારો પર મને ફેરવિચારણા કરવાની ઈચ્છા થઈ હતી.
“હા.”
એક શબ્દમાં જવાબ આપી એ ચૂપ થઈ ગયો હતો. લુચ્ચો એક નંબરનો. એ સારી રીતે જાણતો હોવો જોઈએ કે હું હવે એની પ્રેમિકા વિશે જાણવા ઉતાવળી થઈ રહી છું અને એટલે જ એ મને તડપાવી રહ્યો હતો.
“શું હા પણ? મારે એના વિશે બધુ જ જાણવું છે.”
“મારી અંગત વાતો હું તમને શા માટે કહું?” એણે સહેજ સ્મિત સાથે કહ્યું અને હું થોડીક છોભીલી પડી ગઈ. એની વાતેય સાચી હતી.
“અરે તમે આમ ઉદાસ ના થઈ જાઓ. હું તમને મુરઝાયેલા નથી જોઈ શકતો.” એ ઊભો થઈને હું જે સોફામાં બેઠી હતી એની સામે આવીને ઊભો રહ્યો હતો.
“હું તમને બધું જ જણાવીશ પણ તમારે મને એક પ્રોમિસ આપવું પડશે. મારી વાત સાંભળ્યા બાદ તમે જરાય ગુસ્સે નહીં થાઓ અને આપણી આ દોસ્તી આવી ને આવી જ ચાલું રહેશે, બોલો મંજૂર છે?”
મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે એ શું કહેવા માંગતો હતો, શું કરવા માંગતો હતો. એણે એના બે હાથ મારા સોફાના હાથ પર મૂક્યા હતા, એ નીચે ઝૂક્યો હતો અને બરાબર મારા ચહેરાની સામે જ એનો ચહેરો ગોઠવી કહ્યું હતું, “કહી દઉં એનું નામ?”
એક પળ મને લાગ્યું કે એ ક્યાંક મારું જ નામ કહેશે. હું ઇચ્છતી હતી કે એ મારું નામ દે, કદાચ નહોતી ઇચ્છતી.