Preet Na Kario Koi, Chapter: 2.7 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.7

Featured Books
  • ఎవరు....? - 9

    Part - 9 విజయవాడ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో…..కొండ...

  • యంత్రం వెనుక మనసు - 11

    అంతలో ఆర్య అక్కడికి వచ్చి, "ఏంటి షీలా.. అలా నిల్చుని ఏం ఆలోచ...

  • వెన్నెల పూలు - 24

    వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజ...

  • వెన్నెల పూలు - 23

    వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజ...

  • వెన్నెల పూలు - 22

    వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజ...

Categories
Share

પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.7

સાંજે આલોક ઘરે આવશે એવો શું કરશે? મારા પર ગુસ્સો કરશે? એને ગુસ્સે થવાનો હક છે. મને મારશે તો? એને મને મારવાનો હક છે. એ હવે વાતે વાતે લવનું નામ લઈ મને હેરાન કર્યા કરવાનો... હશે એણે જે કરવાનું ધાર્યું હશે એમ એ કરી લેશે. કાશ હું પણ મારા મનનું ધાર્યું કરી શકતી!
   મને જમવાની જરાય ઈચ્છા ન હતી. કોઈ કામ કરવાનું કે જ્યાં બેઠી હતી ત્યાંથી ઊભા થવાનું પણ મન નહોતું. હું જીવતી હતી પણ જીવંત ન હતી. મારા અંદરની ચેતના મરી ગઈ હતી. કેટલા કલાક હું એમ જ વિચારશૂન્ય દશામાં બેઠી રહી હોઈશ એ મને યાદ નથી પણ આલોકનો ફૉન આવતા મારે જવાબ આપવા જાગવું પડ્યું હતું.
   “હા બોલો.”
   “સૂઈ ગઈ હતી? અવાજ કેમ એવો લાગે છે.”
   વાહ આલોકને મારા અવાજ પરથી મારી અવસ્થા વિશે ખ્યાલ આવે છે. “હા.”
    “ઓકે સાંભળ મમ્મીપપ્પા થોડાં દિવસ જાત્રાએ જઈ રહ્યાં છે અને ભાઈ ભાભીને પણ કોઈ કામસર બહાર જવું પડ્યું છે. મમ્મી કહે છે કે એ લોકો પાછા આવે ત્યાં સુધી આપણે જુના ઘરમાં જઈને રહીએ. એ લોકો પાછા આવે ત્યાં સુધી એ ઘર બંધ રાખવું,”
    “આપણે ક્યારે જવાનું છે?” આલોક લાંબુ લાંબુ કહે રાખે એ પહેલા જ મેં મુદ્દાની વાત પૂછી.
   “આજે સાંજે જ નીકળી જઈએ. હું આવું ત્યાં સુધી તું આપણાં કપડાં પેક કરી રાખજે. મમ્મી પપ્પાની આવતી કાલ સવારની ટ્રેન છે.”
   “જી.”
   ફૉન મુકાઇ ગયો. એક વાર થયું કે ખરેખર મમ્મી પપ્પાને જાત્રાએ જવાનું હશે કે આલોકને મારા પર હવે શંકા છે, એની ગેરહાજરીમાં હું લવને ઘરે ના બોલાવી લઉં એટલે એ મને આ ફ્લેટમાંથી દૂર લઈ જઈ રહ્યો છે? જે પણ હોય મને એનાથી કોઈ ફેર નહોતો પડતો. મારે અમારા કપડાં પેક કરવાના હતાં. મેં એ માટે એક મોટી બેગ શોધવાનું કામ હાથમાં લીધું.
   મારા લગ્ન વખતે મને પિયર તરફથી બે બેગ મળી હતી. એમાંની એક આટલા વરસોમાં ભાગ્યે જ વપરાઈ હતી. મેં એ બેગ કબાટ પરથી ઉતારીને ખોલી.
    લગ્ન સમયે મને મારા જાણીતા લોકો તરફથી મળેલી કેટલીક ભેંટ સોગાદ એ બેગમાં ભરેલી હતી. સાડી, ડ્રેસ મટિરિયલ, બે શો પીસ અને એક ડાયરી. બીજું બધુ તો ઠીક પણ એ ડાયરીએ મારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. એ ડાયરી મને મારી સખી સલોનીએ આપેલી. લગ્નની આગલી રાત્રે એણે મને આ ડાયરી આપી હતી અને એમાં મને મારી અધૂરી ઈચ્છાઓ લખવાનું કહ્યું હતું. મેં મુરખે એને ત્યારે વચન આપ્યું હતું કે આ ડાયરીમાં હું મારી અધૂરી ઈચ્છાઓ નહીં પણ જીવનની સુવાસ ભરીશ. એના પાને પાને એવી ઘટનાઓ લખીશ જેને હું ફરી ને ફરી જીવવા માંગતી હોઉં.
   મને હસવું આવી ગયું હતું. મારા જીવનમાં એવું કંઈ છે ખરું જેને હું ફરી અનુભવ કરવાનું ઈચ્છું. મેં બેગમાંની બધી વસ્તુઓ કબાટમાં ગોઠવી અને બેગમાં મારા તથા આલોકના કપડાં ગોઠવવા લાગી. આખી બેગ ભરાઈ ગઈ હતી. કપડાને થોડા દબાવવા પડ્યા પછી એ માંડ બંધ થયેલી. હજી પેલી ડાયરી પલંગ પર પડી મારી સામે જોઈ રહી હતી.
   એમાં કશુંક લખું? પણ શું? કવિતા કે વાર્તા? ના. મેં એ ડાયરી ઉઠાવી અને એને આલોકના બીજા કેટલાક ચોપડા પડ્યા હતાં ત્યાં એમની વચ્ચે એને મૂકી દીધી. અચાનક થયું કે ના એની જગ્યા ત્યાં નથી. મેં એને ત્યાંથી લઈ મારા પર્સમાં મૂકી અને બાકીની નાની નાની વસ્તુઓ યાદ કરીને ભેગી કરવા લાગી ગઈ.
   સાંજે આલોક આવ્યો ત્યારે બિલકુલ નોર્મલ હોય એમ વર્તી રહ્યો હતો પણ એ નોર્મલ ન હતો એવું એની બોડીલેન્ગવેજ કહી રહી હતી. એની આંખો, એનું વિલાય ગયેલું સ્મિત, એના કડવાશ ભર્યા ટૂંકા વાક્યો અને મારી સામે નજર ના મિલાવવાના પ્રયત્નો જણાવી રહ્યાં હતાં કે એ આજે સામાન્ય ન હતો. એ દુખી હતો. અંદરથી તૂટેલો, અકળાયેલો હતો અને તોય એ એક સભ્ય પુરુષની જેમ વર્તી રહ્યો હતો.
   મને થતું હતું કે જો હું એક પુરુષ હોત અને મારી પત્ની આવી રીતે કોઈ પરપુરુષ સાથે પકડાઈ હોત તો હું એને સૌથી પહેલા તો બે લાફા મારત. એ મારી સાથે ખુશ ન હતી તો મને એ જણાવ્યું કેમ નહીં એની સજા રૂપે. બીજા મર્દ સાથે એને સારું લાગતું હોય અને મારાથી એ ઉબકી ગઈ હોય તો પછી હું એને છોડી દેત. હું એને ચાહતી હોત તોય છોડી દેત.
   આલોકનો મૂડ ગઈ કાલે એ ઓફિસથી ઘરે આવ્યો ત્યારનો ખરાબ હતો. સવારે પણ એ મારી સાથે કડવાશથી વાત કરી રહ્યો હતો અને પછી ઓફિસ જવા નીકળી ગયો હતો. અચાનક એને કંઇક યાદ આવ્યું હતું અને કલાક રહીને એ ઘરે પાછો ફરેલો, આજે એણે બેલ નહોતી મારી, એણે એની પાસે હોય એ બીજી ચાવીથી દરવાજો ખોલ્યો હતો અને એ જેવો અંદર આવ્યો એવો જ એણે લવને મારી સાથે બળજબરી કરતો જોયો હતો. એણે લવને માર્યો, એને ગાળો આપી બધું બરાબર હતું. મેં કહેલું કે એને જવા દે વાંક એના એકલાનો નથી અને ત્યારે આલોકનો ગુસ્સો ચાલ્યો ગયો હતો. એ જાણે સાવ નિસહાય થઈ ગયો હતો. એણે કેટલી પીડા સાથે મને કહેલું કે કમસે કમ જૂઠ જ બોલી લેવું હતું. હું શું જૂઠ બોલત અને શા માટે જૂઠ બોલત? મારે એને દુખી નથી કરવો, આઝાદ કરવો છે આ જીવનભરની પીડામાંથી. આ એક છલનામાંથી કે અમે પરફેક્ટ કપલ છીએ. અમે સાથે છીએ એ સાચું, અમે દુખી નથી એય સાચું પણ અમે સુખીય નથી. અમે સાથે સાથે ગુંગળાઇ રહ્યાં છીએ અને ક્યારેક તો એને એ સ્વીકારવું રહ્યું ને.
    હું અને આલોક અમારા જૂના ઘરમાં આવી ગયા હતાં. એ જ ઘર જ્યાં હું પરણીને આવેલી. ઘરમાં મમ્મી પપ્પાની હાજરીમાં સારું લાગેલું. રાતના મોડે સુધી સામાન અને નાસ્તો પેક થતો રહેલો. હું મારા સાસુને બનતી મદદ કરી રહી હતી. એમનું મારા પ્રત્યેનું વલણ સાવ ઠંડુ લાગતું હતું. વાતે વાતે એ મારી અને મારી જેઠાણીની તુલના કરી જેઠાણી બધા કામમાં કેવી પાવરધી છે એમ કહી રહ્યાં હતાં. મને એ નહોતું સમજાઈ રહ્યું કે એમને મારા પ્રત્યે વાંધો શું છે?
   હું સુવા માટે મારા ઓરડામાં જઈ રહી હતી ત્યારે પપ્પાનો અવાજ મારા કાને પડેલો. એ આલોકને કહી રહ્યા હતા, “આત્મજાને એકવાર કોઈ સારા ડૉક્ટરને બતાવી જો. એનામાં કોઈ ખામી હોય તો ઈલાજ થાય.”
    હવે મને સમજાયું, મમ્મીનું વલણ કેમ ઊખડેલું ઊખડેલું હતું. આલોક કેમ અહીં આવવાનું નામ નહોતો લેતો. મારા સાસુ સસરાને દાદા-દાદી બનવું હતું અને મને હજી એકેય વાર દિવસો નહોતા રહ્યાં!
   લગ્નની શરૂઆતમાં આલોક ધ્યાન રાખતો હતો. એ મને નિયમિત પિલ્સ ગળાવતો. છ મહિના બાદ એણે પિલ્સ બંધ કરાવી હતી. દર મહિને હું મારા માટે સેનિટરી પેડ્સ ખરીદતી અને એ જોયા કરતો. પૂછતો નહીં બસ જોયા કરતો. મારા સાસુ સસરા અને બીજા પણ કેટલા લોકો એવા હશે જે મારો ખોળો ભરાય એની રાહ જોઈ રહ્યાં હતાં. આલોકના મમ્મી પપ્પા દાદા-દાદી બની ચૂક્યા હતાં. ત્રણ ત્રણ વાર એમને એ સુખ નસીબ થયું હતું પણ એટલાથી એમને સંતોષ નહતો. એમને હવે આલોકના છોકરાના દાદા-દાદી બનવું હતું. આલોકનો વંશ આગળ વધતો જોવો હતો. મને મારી મમ્મીએ પણ એક વાર પૂછેલું કે તને હજી દિવસો કેમ નથી રહ્યાં અને મેં કહેલું કે મને નથી ખબર. મને સાચે જ ખબર નહોતી. હજી ખબર નથી. આલોકે ક્યારેય એ વિષયે મારી સાથે વાત નથી કરી. અમારા લગ્નને આટલા વરસો વીત્યાં છતાં અમારે છોકરું કેમ નથી એ હું નહોતી જાણતી.
   મને એમ કે અમારી વચ્ચે મનમેળ નથી એટલે હું ગર્ભ ધારણ નથી કરી રહી. આલોકનું બીજ મારા અંડકોશને ફલિત નથી કરી શકતું કે પછી મારા અંડકોશ પણ મારા જેવા જ અડિયલ છે જે કોઈ ગમતો સાથ મળે ત્યારે જ ફલિત થવાની રાહ જોઈ રહ્યાં છે! કારણ ભલે ગમે તે હોય મને ગર્ભ નહોતો રહ્યો. હું લોકોની નજરમાં વાંઝણી કહેવાઉં એને માટે હજી કદાચ થોડો સમય બાકી હતો. લગ્નના કેટલા વરસ સુધી બાળક ના થાય તો સ્ત્રીને વાંઝણી જાહેર કરી દેવાય એનો કોઈ નિશ્ચિત સમય હોય છે ખરો? મને ખ્યાલ નથી. સમાજે કોઈ ગાળો નક્કી કર્યો હશે તો હું હજી એને પાર નહોતી કરી ગઈ પણ હા એની નજીક જરૂર પહોંચી ગઈ હતી. જે લોકો પહેલા હસીને પૂછતાં હતાં કે ગુડ ન્યૂઝ ક્યારે આપો છો એ હવે એ જ સવાલ મોઢું કટાણું કરીને પૂછતાં હતાં. એ સવાલનો મારે એકલીએ જ નહીં આલોકે પણ સામનો કરવો પડતો હતો.
   એ રાત્રે બેડરૂમમાં જતાં જ મેં આલોકને કહ્યું હતું, “મેં તને હજી બાપ નથી બનાવ્યો.”
   “શી જરૂર છે એની?” એણે કહેલું અને પછી એ હસ્યો હતો, મને સંભળાય એમ બબડ્યો હતો, “મૂરખ બનાવ્યો એ ઓછું છે.”
   “તે દિવસે બપોરે તું ઘરે આવી ગયેલો અને તે જે કંઈ જોયેલું એ વિશે પછી આપણે કોઈ વાત નથી થઈ.” મને સમજાઈ નહોંતુ રહ્યું કે આલોક ખરેખર સંત પુરુષ હતો કે પછી એ મારી સાથે કોઈ ગેમ રમી રહ્યો હતો. પોતાની પત્નીને કોઈ બીજા મર્દ સાથે જોયા છતાં એણે મને કંઈ જ પૂછ્યું ન હતું.
    એ જવાબ આપ્યા વગર પડખું ફરીને સૂઈ ગયો હતો અને હું એના એ મૌનને મારા સીનામાં દબાવી તરફડી રહેલી. મેં એને મૂરખ બનાવ્યો? ક્યારે? કદાચ શરૂઆતથી જ. મારા એને પ્રેમ કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા એની હું ક્યાં ના કહું છું પણ એમાં મારો શો વાંક? એમ વિચાર કરવાથી કે ઈચ્છા કરવાથી કોઈના પ્રેમમાં પડી જવાતું હોત હું હજાર વાર તારા ને તારા જ પ્રેમમાં પડી હોત આલોક. મેં કેદારને ક્યારનોય મારા અંતરમાંથી, મારા મનમાંથી ફગાવી મેલ્યો હોત પણ હું એમ નથી કરી શકતી. એને ભૂલવાનો પ્રયત્ન કરવા જાઉં એમ તો એને વધારે યાદ કરી બેસું છું હું શું કરું? મને તારા પ્રત્યે હમદર્દી છે, તારી પરિસ્થતિ વિશે વિચારું છું ને ગમગીન થઈ જાઉં છું પણ હું કેમ કરી તારા પ્રત્યેની મારી હમદર્દીને પ્રેમમાં બદલી કાઢું એ મને નથી આવડી રહ્યું. તું મને માફ કરી દે એમ હું નહીં કહું. તું મને સજા આપ તો હું ભોગવી લઈશ પણ એક શરતે જો મને સજા આપીને તને શાંતિ મળે. તું ખરાબ માણસ નથી. પોતાની પત્ની પર જુલમ ગુજારી આનંદ મેળવનાર પુરુષ તું નથી એ હું જાણું છું. તું દુખી છે, હું પણ દુખી છું અને જે એક રસ્તો મને દેખાય છે આપણા બંનેના સુખી થવાનો એ કહે છે કે હું તને છોડી દઉં...તું મને છોડી દે. આપણે બંને અલગ થઈ જઈએ. એ કેવી રીતે શક્ય બનશે એ હું નથી જાણતી. હું મરી જાઉં તો લોકો તને દોષ આપશે, હું તને છોડીને ક્યાંક ચાલી જાઉં તો સમાજ તારી પર હસશે, હું તને છૂટ્ટા છેડા આપવાનું કહું તો એ વાત આપણાં ઘરનું કોઈ સ્વીકારી નહીં શકે, હવે તું જ કહે હું શું કરું? કેવી રીતે હું તારા બળતા દીલને થોડીક શાતા આપી શકું? આ કુદરત પણ કેટલી નિષ્ઠુર છે એ માનવીને એની ઈચ્છા પ્રમાણે મૃત્યું કેમ નથી આપી દેતી!
                            ******
    માનવ નામનું પ્રાણી ખબર નહીં શેના પર આટલું કૂદે છે, અભિમાન કરે છે! એનો ના તો જનમ લેવા પર કોઈ કાબૂ છે ના મૃત્યું પર. એ ઈચ્છે ત્યારે આ દુનિયામાં નથી આવી શકતો, એનું પૃથ્વી પર અવતરણ કુદરત નક્કી કરે છે. માનવ જાતે કોને ત્યાં ને કેવા સંજોગોમાં એનો જનમ થશે એ નક્કી નથી કરી શકતો. એવું જ મૃત્યુનું પણ... માનવ ગમે એટલું કહે એને માંગ્યું મોત નથી મળતું. જીવનથી એ ભલે ગમે એટલો હારી જાય, થાકી જાય એને ત્યાં સુધી મરવાની રજા નથી મળતી જ્યાં સુધી એનો વખત અહીંયા પૂરો ના થાય.
   મારે હવે પ્રેમ, ફરજ અને સુખ વચ્ચે પિસાવું ન હતું. કેદાર મારો પ્રેમ હતો, છે, એને આ જનમમાં મેળવવાનું શક્ય નથી. આલોક મારો પતિ છે એના પ્રત્યેની ફરજ નિભાવતા હવે હું થાકી છું, ગમ્મે એટલા પ્રયત્ન કરવા છતાં હું એને રાજી નથી રાખી શકતી. લવ મારા જીવનનું સુખ બનીને આવ્યો. ભલે એક જ વાર પણ એણે મને અહેસાસ કરાવ્યો કે ચરમસીમાનાં આનંદ પર એકલા પુરુષોનો જ એકાધિકાર નથી. એ પત્ની પર ખાલી ફરજના ભાગ રૂપે થોપી દેવાની ક્રિયા નથી. એ આનંદ અદભુત છે એ સાચું પણ એના વગર જિંદગી જીવી શકાય છે એય સાચું.
    આલોક સાથે જીવવામાં સામાજિક પ્રતિષ્ઠા, એક પત્ની તરીકેનું માન, સન્માન મળે છે પણ મારી અંદરની પેલી સ્ત્રી કરમાઈ જાય છે. એને ઠઠારો કરેલી અને આખો વખત ચહેરા પર સ્મિત મઢી રાખતી ઢીંગલી જેવું જીવન નથી જીવવું. કેદાર સાથે પ્રેમ છે. છેક આત્મા તક સ્પર્શી જાય એવી શાંતિ છે પણ આ દુનિયામાં માનવને જીવવા માટે એકલો પ્રેમ પૂરતો નથી. એ મને આવી હાલતમાં ક્યારેય નહીં અપનાવે અને કદાચ અપનાવે તોય આખી દુનિયા અમારી પર થું થું કરે એ અપમાન અમે કેટલો સમય સહી શકવાના? અમારા પોતાના લોકો જ અમારા નામનું નાહી નાંખે એવું સહજીવન મળે તોય શું. લવ સાથે જે થયું, મેં જે કર્યું એનો મને કોઈ પસ્તાવો નથી પણ હવે ફરીથી હું એ રસ્તે નહીં જઈ શકું. પ્રેમ સિવાય ખાલી શારીરિક અકર્ષણને વશ થઈ કોઇની સાથે સંબંધ બાંધવો એને આ દુનિયા નથી સ્વીકારતી. તમને ઈચ્છા થાય કે આજે ઘરે નથી જમવું અને તમે બહાર હોટેલમાં જઈને જમી આવો એ ચાલે. જીવનમાં તમને સારું અને ટેસ્ટી ખાવાનું મળવું જરૂરી છે એ વાત માનનારા કેટલાય મળી આવશે પણ તમે એમ કહો કે મને મારા જીવનસાથી સાથે મજા નથી આવી રહી મારા જીવનની અમુક ક્ષણો હું મને ગમતી વ્યક્તિ સાથે વ્યતીત કરવા ઈચ્છું છું તો તમે તરત જ વ્યભિચારી કહેવાઓ. આ દુનિયા જીભના ટેસ્ટને જેટલું મહત્વ આપે છે એનાથી પા ભાગનું પણ એની જાતિય જરૂરિયાતને નથી આપતી. આખો સમાજ બદલવાની મારી શક્તિ નથી અને છાનેછપને પ્રેમ કરવું મને ગમતું નથી.
   આ દુનિયામાં ખરેખર સુખી કોણ થઈ શકે?- જેને આ બધું એક જ વ્યક્તિમાં મળી જાય! એ શક્ય છે ખરું? કદાચ નથી અને એટલે જ માનવી એની પાસે બધું હોવા છતાં આજીવન ભાગતો રહે છે. એના જીવને ક્યાંય સાચી શાંતિ નથી મળતી. આજે જો આલોક, કેદાર અને લવ એ ત્રણેય અલગ અલગ ને બદલે એક જ વ્યક્તિ બની જાય તો... એક સ્ત્રી ત્રણ પુરુષો સાથે પરણે તો ચોક્કસ એ દુખી જ થવાની પણ એ ત્રણેના ગુણ કોઈ એકમાં જ આવી મળે તો...એવું શક્ય નથી. એવું ક્યારેય શક્ય નથી બનતું અને એટલે જ તો બધાને પહેલાથી શીખવવામાં આવે છે કે જીવનમાં બાંધછોડ કરો.
    દરેક વાતે બાંધછોડ કરો. જે મળ્યું એ સ્વીકારી લો અને જે ના મળ્યું એ નસીબમાં નહોતું એમ માનીને ભૂલી જાઓ. દુનિયાના મોટા ભાગના લોકો આજ આ રીતે જ જીવી રહ્યા છે. થોડુંક મેળવવાના બદલામા કેટલુંય ગુમાવીને, તમાચો મારીને ગાલ લાલ રાખવાની આદત કેળવીને, સમાજ આગળ અમે કેટલા સુખી છીએ એનું પ્રદર્શન કરીને છેવટે એકાંતમાં આંસુ સારવાની બધાને આદત પડી ગઈ છે. આનો ઉકેલ શું આવી શકે એ હું નથી જાણતી પણ મને આવી રીતે જીવવાનું મંજૂર નથી. ત્રણ પુરુષો વહેંચાઈને મારું સ્ત્રીત્વ જ મિટાવી દેવું એના કરતા સારું છે હું આ જીવન જ મિટાવી દઉં. ફરીથી પૃથ્વી પર અવતાર લઈને પાછી આવું અને જ્યારે ફરી મારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી આશા રાખું છું કે સમાજ બદલાઈ ગયો હશે. થોડોક સુધારો તો આવ્યો જ હશે. સ્ત્રી પણ એક માણસ છે અને એને પણ એનું પ્રેમી પાત્ર પસંદ કરવાનો, એનો વર પસંદ કરવાનો અને કોની સાથે એને રાત ગુજરાવી ગમશે એ બધું નક્કી કરવાનો હક છે એવું વિચારનાર વર્ગ વધ્યો હશે. એક એવી દુનિયા જ્યાં બધાં એકબીજાની જરૂરિયાત સમજતા હશે અને એકમેક વિશે બધું જ જાણવા છતાં આંખોમાં આંખો મિલાવી વાત કરી શકતા હશે.
    મેં નક્કી કરેલું કે હવે મારે મરી જવું છે. મારે એવું મોત જોઈતું હતું જે લોકોને કુદરતી લાગે. રાતના આત્મજા સૂઈ ગઈ હતી અને ઊંઘમાં જ હ્રદય બંધ થઈ ગયું. એટેક આવી ગયો. મારો અકસ્માત થઈ જાય કે પછી હું કોઈ એવી ગંભીર માંદગીમાં પટકાઈ જાઉં કે ફરી બેઠી જ ના થાઉં. બસ, આવું જ કશુંક હવે આગળ બનશે અને આ આત્મજા એના અદભુત વિચારો સાથે આ દુનિયાને અલવિદા કહી જશે.
    આ એક નિર્ણય લઈ લીધા બાદ મને સારું લાગતું હતું. મન હળવું થયેલું. મને રહી રહીને કેદારની ચિંતા સતાવતી હતી. એનો મારી રાહ જોવાનો સમય ક્યારનોય સમાપ્ત થઈ ગયો એટલી એને જાણ થાય એ જરૂરી હતું. એને જ્યારે ખ્યાલ આવશે કે એણે કેવડી મોટી ભૂલ કરી છે ત્યારે એને દુખ થશે પણ એ પછી સમય સાથે હળવું થતું જશે. એ આખી જિંદગી એની પ્રેમિકાની રાહ જોયા કરે અને છેવટ લગી કોઈ મળે જ નહીં, રોજ નવી નવી યુવતીમાં એ એનો પ્રેમ શોધ્યા કરે અને છેલ્લે નિસાસો નાંખવો પડે એના કરતાં એક્વારનું દુખ સહન કરી લેવું સારું છે.
   મારા હાથમાં પાછી એ ડાયરી આવી ગઈ હતી. સલોનીએ આપેલી ભેંટ હું વાપરું નહીં ત્યાં સુધી મારો કેડો નહીં જ મૂકે. મેં એમાં મારા મનની એ બધી વાત, જે મારે કેદારને જણાવવી હતી, લખી નાંખવાનું નક્કી કર્યું હતું. એક દિવસ આલોક ઑફિસ જવા નીકળ્યો ને મેં એ ડાયરીમાં લખવાનું ચાલું કર્યું હતું.
                           ******
    મારે સીધું કેદારને સંબોધીને નહીં પણ મારા એ પ્રિયતમને સંબોધીને લખવાનું હતું જેને મેં દુનિયામાં સૌથી વધારે ચાહ્યો હતો. સૌથી વધારે ઝંખ્યો હતો. જેનું સ્મરણ કરતા જ ગમ્મે તેવી પરિસ્થિતિમાં પણ મારા ચહેરા પર એક સ્મિત ખીલી જતું હતું. જેના નામનું રટણ કરતા મારા શ્વાસ થાકતા ન હતાં એનું જ નામ છુપાવીને લખવાનું હતું અને મને વિશ્વાસ હતો કે કેદાર જ્યારે પણ મારી ડાયરી વાંચશે એ સમજી જશે કે આ બધું એને માટે જ લખાયું હતું.
   મેં ડાયરીના પ્રથમ પાને સૌથી પહેલા મીરાબાઈની એક મને ખૂબ ગમતી અને મારી પરિસ્થિતિનો ચિતાર આપતી પંક્તિ લખી હતી.
    બીજે પાને મારા મનનાં માણીગરને સંબોધીને લખેલું કે, હું જાણું છું એક ને એક દિવસ આ ડાયરી તારા હાથમાં જરૂર આવશે. આજ સુધી તું મારા દિલનો અવાજ સાંભળતો આવ્યો છે, મને સપનામાં જોતો આવ્યો છે, હકીકતે હું કોણ છું, કેવી છું એ જાણવાની તારી ઉત્કંઠા એની ચરમસીમાએ છે એ મને સમજાય છે. ચાલ આજે હું આત્મજા એ બધા જ રહસ્યો પરથી પડદો ઉઠાવી લઉં.
    તને ખબર છે પ્રેમ એટલે શું? તને ચોક્કસ ખબર હશે. મને નથી ખબર. મારા માટે તો પ્રેમ એટલે તું અને તું જ, એ સિવાય બીજું કંઈ મારી સમજમાં નથી આવતું. મેં તને જોયા વગર જ ચાહ્યો છે, હર પળ તારી જ સાથે વાતો કરી છે, તને યાદ કરીને મેં ગીતો ગાયા છે, મન ભરીને નાચી છું. ક્યારેક વરસતા વરસાદમાં ભીંજાતા મેં તને સાદ દીધો હતો તો ક્યારેક શિયાળાનો કૂણો તડકો મેં તને ખોબમાં ભરીને મોકલાવ્યો હતો. એ દરેક ક્ષણે તું મારી સાથે જ હતો. આપણી વચ્ચે જાણે એવું કોઈ અદ્રશ્ય આવરણ હતું જેથી આપણે એકબીજાને જોઈ નહોતા શકતા પણ એકમેકની હાજરી અનુભવી શકતા હતાં.
    મેં તારી સાથે મારો પ્રેમ જ નહીં ગુસ્સો પણ વહેંચ્યો છે, મારા સ્મિતની સાથે મારા આંસુનો સ્વાદ પણ તે ચાખ્યા વગર અનુભવ્યો હશે. તે પણ ક્યારેક વિચાર્યું હતું ને કે હું મારી પ્રેયસીને મારી બાહોમાં ભરી લઉં, તારું એ આલિંગન મારા સુધી પહોંચ્યું હતું. સાંજે છત પર ઊભી હું આકાશમાં દેખાતો શુક્રનો તારો જોઈ રહી હોઉં ત્યારે જ પવનની એક લહેરખી આવીને એવી રીતે મને અડી જતી જાણે તું મને સ્પર્શી ગયો હોય.
   રાતના આકાશમાં ચંદ્રમાને જોઈ મેં કલ્પના કરી હતી કે મારી સાથે જ તું પણ એને જોઈ રહ્યો છે. તે પણ એવી જ કલ્પના કરી હતી ને, એવું અનુભવ્યું હતું ને?
    કાશ હું આ બધું જ તને તારી સામે બેસીને કહી શકી હોત. મને કોઈ વસવસો નથી કે કોઈ દુખ નથી. મેં તને ચાહ્યો હતો. તારી કલ્પના કરી હતી. મારી એ કલ્પના સાચી થઈ ગઈ અને તું મારા સપનામાંથી બેઠો થઈને મારી દુનિયામાં આવ્યો એ વાત જ મારા જીવનભરની ખુશી છે. હવે એથી વધારે મારે બીજું કશું જ નથી જોઈતું.
   મેં તને જોયો હતો. જ્યારે તું પહેલી વાર મારા જીવનમાં આવેલો ત્યારે મારા આંગણાની બોગનવેલે એના ફૂલો વરસાવી તારું સ્વાગત કર્યું હતું. હું દૂર ઊભી એ બધું જોઈ રહી હતી...કેટલું સુંદર હતું એ બધું.
   મારા લગ્ન તારી સાથે ના થઈ શક્યા એ વાત આ દુનિયા માટે સાચી છે પણ મારા મતે તો તું ત્યાં જ હાજર હતો. મારી સાથે તે જ ફેરા ફરેલા. તે જ મારા સેંથામાં સિંદૂર પૂરેલું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવેલું. જે બધું હકીકતમાં થઈ રહ્યું હતું એ મારા શરીર સાથે થઈ રહ્યું હતું પણ મારા મનમાં તો એ બધું જ તારી સાથે થઈ રહ્યું હતું.
   હજી મેં લખવાની શરૂઆત જ કરી હતી ને આલોક ઘરે આવી જતાં મારે ડાયરી બંધ કરી દેવી પડેલી. એ મારે માટે કોઈક દેશી દવાનો પાઉડર લઈ આવ્યો હતો અને કહેલું કે આ દેશી ઉપાય છે. જેને કોઈ તકલીફ ના હોય અને તોય છોકરા ના થતાં હોય એ એક અઠવાડિયું આ પાઉડર રોજ બે વખત લે એટલે એને તરત ગર્ભ રહી જાય છે. એની ઑફિસમાં જે પટાવાળો છે એની પત્ની અને એના ગામના બીજા પણ કેટલાયે આ પાઉડરથી લગ્નના વરસો બાદ સંતાન મેળવ્યું હતું.
   મારે આલોકની વાત ના માનવાનો કોઈ સવાલ જ નહતો. એ જે કહે તે કરવા હું તૈયાર હતી. એણે મને એ દવા પીવાની કહ્યું અને હું એક ગ્લાસ પાણી સાથે એ ઘટઘટાવી ગઈ હતી. એ દવા ખૂબ જ કડવી હતી. બધું ગળી લીધા બાદ પણ મારી જીભ પરથી એ કડવાશ હટવાનું નામ જ નહોતી લઈ રહી.
   એ સાંજે અમે જમવા બેઠા ત્યારે મારાથી કશું ખાઈ શકાયું નહતું. પેટમાં જાણે ભરાવો થઈ ગયો હતો. અંકુરે કહેલું કે દવાએ એની અસર ચાલું કરી દીધી છે. થોડાંક દિવસ તકલીફ પડશે પણ પછી બધું ઠીક થઈ જશે. મેં ડોકું ઘુણાવી એની વાતમાં સહમતી આપી હતી.
    રાતના પેટમાં દુખાવા સાથે જબરદસ્ત એસિડિટી થઈ ગયેલી. બે વાર ઊઠીને ઊલટી કરી પછી થોડી શાંતિ થયેલી. મોડી રાતે મારી આંખ મીંચાઈ ત્યારે આલોક ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.
    બીજે દિવસે સવારે નાસ્તાના ટેબલ પર આલોકે મને બીજી પડીકી આપી હતી. મારે પૂછવું હતું કે આ શું છે? એ મને જરાય માફક નથી આવી રહ્યું. પેટમાં એસિડિટી કરે છે પણ હું ચૂપ રહેલી અને દવા પી લીધેલી. મનમાં એમ કે અહીં સાજા થવાની ઈચ્છા પણ કોને છે. મોત આવી જાય તો ભયો ભયો આત્મહત્યા કરવાના પાપમાંથી બચી જવાશે.
   આલોક ઘરની બહાર ગયો અને મેં ઘરકામ હાથમાં લીધું. પેટમાં ફરી ભરાવો થઈ આવેલો. મને હતું કે ઊલટી થયાં બાદ જ રાહત મળશે. મેં પરાણે કામમાં મન લગાડેલું. બપોરનું જમવાની જરાય ઈચ્છા ન હતી. પાછલી રાતથી મેં અનાજનો એક દાણો પણ પેટમાં નાંખ્યો ન હતો અને તોય મારું પેટ ભરેલું હતું.
   નવરી પડતાં જ મેં ફરી ડાયરી હાથમાં લીધી હતી. આ વખતે એમાં મારા લગ્ન પછીની પરિસ્થિતિનું વર્ણન કરેલું. મારા લગ્ન જો મારા પ્રિયતમ સાથે થયાં હોત તો મારી સુહાગરાત કેવી હોત એનું કાવ્યાત્મક વર્ણન કરી છેલ્લે એક લીટીમાં હકીકતમાં એ રાત કેવી ભયંકર હતી એ લખ્યું હતું. બધું જ પ્રતીકાત્મક હતું પણ મને ખબર હતી કે કેદાર બધું સમજી જશે.
   એ ડાયરીના પાને પાને પછી હું મારા સપનાં આલેખતી ગયેલી, જાગતી આંખોના સપનાં જે પૂરા થાય એવી કોઈ શક્યતા નહતી. વચ્ચે વચ્ચે ક્યારેક મારી સાચી જિંદગી વિશે પણ થોડુંક આવી જતું હતું જેને હું બને એટલું ટાળવાનો પ્રયત્ન કરી રહી હતી.
   એ સાંજે પણ આલોકે ઘરે આવતા જ મને એક પડીકી આપી હતી અને હું એને પી ગયેલી. બધું જ એનું એ રિપીટ થયેલું. ફરક એટલો કે આ વખતે મને ઊલટી થયાં બાદ ઠંડી ચઢી ગઈ હતી, આખા શરીરે ધ્રુજારી આવી રહેલી અને પેટમાં લાહ્ય બળી રહી હતી.
   હવે એ મારો રોજનો ક્રમ બની ગયો હતો. આલોક ઓફિસે જાય એટલે હું ઘરકામ પરવારી મારી ડાયરી લખવા બેસી જતી. મારું બાળપણ. મારું શાળાકીય જીવન, કોલેજના દિવસો કેટલું બધું મારે એને કહેવાનું હતું. આટલા બધા વરસોની જિંદગીને ભલા આટલી નાની એક ડાયરીમાં કેવી રીતે ભરી શકાય, પણ હું પ્રયત્ન કરી રહી હતી. એ દરેક વખતે જો કેદાર મારી સાથે હોત તો જિંદગી કેવી હોત એનું હું વર્ણન કરી રહી હતી. જાગતી આંખે જોયેલાં સપનાં ડાયરીમાં ભરી રહી હતી.
   થોડા દિવસ બાદ મારી તબિયત લથડી હતી. મને ચક્કર આવી રહ્યાં હતાં અને શરીરમાં જાણે જીવ જ નહતો. મને સખત ઠંડી લાગી રહી હતી અને હું ધ્રુજી રહી હતી. એ દિવસે મારાથી કોઈ કામ ના થઈ શક્યું. હું આખો દિવસ પલંગ પર બસ પડી રહેલી. આલોકે ઘરકામ કરવા એક સગાને ત્યાંથી નોકર બોલાવી લીધો હતો.
    એ સાંજે આલોક વહેલો ઘરે આવી ગયો હતો અને ફૉન પર કેદાર સાથે વાત કરી રહ્યો હતો. કેદાર પણ અહીંયા જ હતો. અમારા જ શહેરમાં. એનું ઘર અમારા ઘરથી થોડાંક જ અંતરે હતું અને મને થયું કે કાશ એક વાર એ આવે અને હું એને જોઈ શકું. અમારા લગ્ન બાદ હું એને એકેય વખત નહોતી મળી. એ ક્યારેય અમારા ફ્લેટ ઉપર કે કોઈ સમાજિક પ્રસંગે જોવા જ નહોતો મળ્યો. જો કે હું પણ બહુ ઓછી વાર ઘરની બહાર નીકળી હતી. અંકુરે એકવાર કહેલું કે કેદાર ભ્રમણ કર્યા કરે છે. એ એના લગ્નની તડજોડમાં લાગેલો છે. મને કેદારના લગ્ન વિશે જાણીને દુખ થયેલું અને હું મનથી થોડીક વધારે ભાંગી પડી હતી.
   મને યાદ આવ્યું કે મારે મારી ડાયરીમાં હજી કેટલુંક લખવાનું બાકી હતું. હું ડાયરી લઈને જ પલંગ પર આડી પડી ગઈ હતી. બે ઓશિકાનો પીઠને ટેકો આપી, ખોળામાં ડાયરી મૂકી મેં આગળ લખવાની શરૂઆત કરી હતી. આ વખતે મેં કેદારની માફી માંગી હતી. એમાં લવ સાથેની મુલાકાતનું વર્ણન કર્યું હતું. મારે બધું સારું જ લખવું હતું. મેં મારી જાતને વચન આપેલું કે આ ડાયરીમાં હું મારા જીવનની ઉત્તમ પળો વિશે જ લખીશ પણ આ વખતે એ શક્ય નહોતું બન્યું.
   મારું મગજ, મારું મન મારા વશમાં ન હતું અને મેં મારા પતિ વિશે કેટલુંક લખી નાંખેલું. લવ સાથે મેં જે કંઈ કર્યું હતું એમાં મારી ભૂલ ન હતી એવું દેખાડવાનો મારો આશય નહતો પણ મને ત્યારે લવની જરૂર કેમ પડેલી એ મેં લખ્યું હતું.
    મારા માસિકમાં આવવાના હજી દસ દિવસ બાકી હતાં અને તોય મને લોહી પડવાનું ચાલું થઈ ગયું હતું...