એક પળ મને લાગ્યું કે એ ક્યાંક મારું જ નામ કહેશે. હું ઇચ્છતી હતી કે એ મારું નામ દે, કદાચ નહોતી ઇચ્છતી. એ મારી સાવ નજીક હતો. એ હસી નહોતો રહ્યો, સહેજ પણ હસી નહોતો રહ્યો. એની આંખો મારી સામે જ તાકી રહી હતી અને હું બેચેન થઈ રહી હતી. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા, મારું આખું શરીર અજીબ બેચેની અનુભવી રહ્યું હતું. હું મારી જાતને શાંત પાડવા હવાતિયાં મારી રહી હતી અને એણે કહ્યું, “મિનલ.” મિનલ. આટલું કહીને એ પાછો સીધો ઊભો રહી ગયો હતો અને હું તરત પાછી નોર્મલ અવસ્થામાં આવી ગયેલી. મનમાં થોડુંક દુખ થયેલું કે આને પણ એનો પ્રેમ મળી ગયો, હું એક જ શા માટે બાકી રહી ગઈ? તરત જ મેં હસીને પૂછ્યું હતું, “વાહ તમે તો ખરા છુપા રૂસ્તમ નીકળ્યાં. આટલી બધી આડીઅવળી વાતો કરી અને મેઇન વાત જ છુપાવી રાખી હતી કેમ?” “ના. ના એવું કંઈ નથી.” એણે પરાણે હસીને કહેલું. “શું થયું?” મને લાગ્યું કે એ ઉદાસ થઈ ગયો હતો. મારે એની કહાની જાણવી હતી. કોઈ ખાસ કારણ નહોતું પણ તોય હું એના પ્રેમનું શું થયું કે આગળ એ શું કરવાનો છે એ જાણવા માંગતી હતી. “શી ઈઝ નો મોર! અમે મળ્યાં એના છ મહીના બાદ જ એ આ દુનિયા છોડી ગયેલી.” આટલું કહીને એ ઝડપથી નીકળી ગયો હતો. મને એની વાત સાંભળી આઘાત લાગેલો, આંચકો લાગ્યો હતો. હંમેશા હસતા અને હસાવતા રહેતા છોકરાના સ્મિત પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી અને હું એને જરાય અનુભવી નહોતી શકી. ક્યાંક થયું કે એ અને હું બંને એક જ રસ્તે ચાલી રહ્યાં હતાં. અમારી કલ્પનાનું પાત્ર અમારા જીવનમાં આવેલું ખરું અને પછી હંમેશા માટે અમારાથી દૂર થઈ ગયું હતું. અમારા હાથમાં હવે કંઈ જ નહોતું. અમે ના તો એ જૂની યાદોને ભૂલી શકતા હતાં, ના આગળ વધી શકતાં હતાં. એ સારી રીતે જાણવા છતાં કે હવે અમારું એનું એ જ પ્રેમીપાત્ર ફરી ક્યારેય પાછું નથી મળવાનું અમે આગળ વધવાને બદલે ત્યાં ને ત્યાં અટકી પડ્યાં હતાં. એ સાંજે આલોકને આવવાનો અડધો કલાક બાકી હતો એ પહેલા મેં લવને મેસેજ કર્યો હતો, “તું ઠીક તો છે ને?” “તરત જ એણે જવાબ આપ્યો હતો, “એકદમ ઠીક છું અને ગુલાબજાંબુ ખાઈ મજા કરી રહ્યો છું.” મેં ફૉન બાજુએ મૂક્યો ત્યાં જ એનો બીજો મેસેજ આવેલો, “તમારા માટે.” એણે એક ગુલાબજાંબુ ચમચીમાં લઈ એનો ફોટો મોકલ્યો હતો. મેં જવાબમાં “થેન્ક યું” કહી ફૉન બાજુએ મૂકી રસોઈની તૈયારી ચાલું કરી હતી. આલોકને પાઉંભાજી પ્રિય છે. છેલ્લા કેટલાય દિવસોથી એ વાતે વાતે પાઉંભાજી યાદ કરી રહ્યો હતો. મને ઈચ્છા થતી હતી કે બનાવી લઉં એની પાઉંભાજી અને પછી ખબર નહીં કેમ હું એ નહોતી બનાવતી. એ ના બનાવવા પાછળ કોઈ કારણ નહોતું. મને રોજ સાંજે રસોડામાં જતાં જ યાદ પણ આવતું હતું અને તોય હું પાઉંભાજી સિવાયની જ વાનગી બનાવી નાંખતી... આજે હું ખુશ હતી. ઘણી વધારે ખુશ. એ ખુશીનું કારણ લવ હતો. એની સાથેની વાતોએ મને જગાડી હતી. ક્યારનીય હું જાણે હું જ નહોતી રહી, વરસોથી હું જાણે શીતનિંદ્રામાં પોઢેલી હતી, આજે લવના આગમને મને એ નિંદ્રામાંથી જગાડી હતી. હું બેઠી થઈ ગઈ હતી અને ફરીથી મારા જીવનને જોઈ રહી હતી. મને જે આંનદ કે ખુશી મળી હતી એને હું આલોક સાથે વહેંચવા ઇચ્છતી હતી. મારે એને રાજી કરવો હતો. મેં ફ્રીઝ ખોલ્યું તો બટર ખલાસ થવા આવેલું. હું ઘરને લૉક કરી નીચે ગઈ અને નજીકના જ એક સ્ટોરમાંથી બટર અને પાઉં લઈ આવી હતી. એ આખી સાંજ મેં ટેસ્ટી પાઉંભાજી બનાવવામાં ગાળી હતી. મને એમ કે આલોક રાજી થશે... પણ એમ આપણે ધારીયે એવું થઈ જતું હોત તો ને! સાંજે આલોકને આવતા થોડું લેટ થયેલું. એ આવ્યો ત્યારનો એનો મૂડ ઑફ હતો. મેં એને પાણી આપ્યું ત્યારે એ મને ધારી ધારીને જોઈ રહ્યો હતો. મેં કહ્યું કે આજે તારી ભાવતી વાનગી બનાવી છે ફ્રેશ થઈ જા એટલે જમી લઈએ. અમે ડાયનિંગ ટેબલ પર ગોઠવાયા ત્યારે પણ આલોક વિચારોમાં ખોવાયેલો હતો. “શું થયું? તમારું જમવામાં પણ ધ્યાન નથી.” “કંઈ નથી થયું. મને શું થવાનું?” એણે ફરી મારી સામે જોયું અને પછી કહ્યું, “આજે સવારે તે આ ડ્રેસ નહોતો પહેર્યો ને?” ઓહ, આ માણસને એટલું યાદ રહે છે કે હું ક્યારે કયા કપડાં પહેરું છું? આશ્ચર્ય! જો કે એની વાત સાચી હતી. આજે મેં ઘરનું બધુ કામ પરવારી ગયા બાદ કપડાં બદલ્યા હતાં. મને હતું કે બપોરે લવ મારે ત્યાં આવશે અને એની હાજરીમાં મારે સારા દેખાવું હતું. સુંદર નહીં પણ સુઘડ. મને નથી ગમતું કે હું સાવ લઘરવગર કોઇની સામે જાઉં. એ લવ હોય કે કોઈ પણ બીજી વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ મને ખાતરી હોય કે કોઈ મારે ત્યાં આવવાનું છે ત્યારે હું જરાક વ્યવસ્થિત કપડામાં સજ્જ હોઉં એ મારી આદત હતી. મને થયું કે હું આલોકને કહું કે લવ અહીં આવે છે, બપોરે ટીવી જોવા, પછી હું ચૂપ રહી. “ફ્રીઝમાં બટર ખલાસ થવા આવેલું અને પાઉં પણ લેવાના હતાં એટલે હું નીચે માર્કેટ સુધી ગઈ હતી.” “હમણા બપોરના સમયે કોઈ આવેલું ઘરે?” “કોઈ આવવાનું હતું?” આલોકના સવાલના જવાબ આપવાનો મને કંટાળો આવી રહ્યો હતો. ઘણીવાર મને લાગતું કે એ મારા પર શંકા કરે છે. એ ઑફિસ ગયો હોય કે ક્યાંક બહાર ગયો તોય મેં એની ગેરહાજરીમાં ઘરે શું શું કર્યું એ વિશે જાણવું એને જરૂરી લાગતું. જ્યારે રૂટિન કરતા કંઇક અલગ થયું હોય ત્યારે તો એ સવાલ પર સવાલ કરીને મને પરેશાન કરી મૂકતો. આજે લવ ઘરે આવ્યો હતો. એની અગાઉ પણ આવેલો. મારે એ વાત એનાથી છુપાવવી હતી એવું નહતું. છુપાવવાનું કોઈ કારણ ન હતું અને એ જ સમયે મારે એ વાત એને કહેવી પણ નહતી. ના કહેવાનું પણ કોઈ કારણ નહોતું, બસ નહોતું કહેવું. “હા, એક કુરિયર આવવાનું હતું. મેં કહેલું કે ઓફિસના એડ્રેસ પર આવી શકે એમ ના હોય તો મારા ઘરે પહોંચાડી દે. કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ આવવાના હતા.” “એવું કશું નથી આવ્યું.” મારો પતિ સાથે બેસીને જમવાનો મૂડ પતી ગયો કે જમવાનું પતી ગયું એ વિચાર્યા વગર હું ઊભી થઈ અને રસોડામાં જઈ સફાઇ કરવા લાગી. આલોકે જમી લીધા બાદ એનો ફૉન જોયો અને પછી બેડરૂમમાં ચાલ્યો ગયો. આજે એ રોજ કરતા વહેલા સુવા જતો રહ્યો હતો. મને થયું કે મારે એની પાસે જઈને બેસવું જોઈએ. એ થોડોક પરેશાન લાગી રહ્યો હતો. મારી સાથે ઓફિસની તો કોઈ વાત એ નહીં કરે, મૂડમાં હશે તો મારા શરીર પર એના હાથ ફરવા લાગશે. છોને ફરતા પતિ છે મારો, એની ઈચ્છા પૂરી કરવા બીજે ક્યાં જવાનો બાપડો? મેં ઝડપથી બધું સમેટી લીધું. એંઠા વાસણ ભેગા કરીને ચોકડીમાં મૂક્યા અને પ્લેટફોર્મ પર પોતું ફેરવી લીધું. બચેલી ભાજી અને પાઉં ફ્રીજમાં મૂકી દીધાં અને સુવા જતાં પહેલા એકવાર મોબાઈલ પર નજર કરી. લવના ત્રણ મેસેજિસ આવેલા હતાં. મારે બેડરૂમમાં જવું હતું છતાં હું ડાયનિંગ ટેબલની ચેર પર બેસી લવના મેસેજિસ વાંચી રહી હતી... “ત્યારે હું મારી એન્ટ્રન્સ એક્જામની તૈયારી કરી રહ્યો હતો. હતો. હું જે જગ્યાએ ટ્યુશન માટે જતો હતો ત્યાં એ પણ આવતી હતી. મોનિકા. એને પહેલીવાર જોતા જ મને કંઇક થયું હતું. મારા દિલમાં નગારા વાગવા લાગેલા અને કાનમાં એક જૂનું રોમેન્ટિક ગીત સંભળાવા લાગ્યું હોય એવું નહોંતુ પણ એને જોતાં જ હું ખુશ થઈ જતો હતો. મને વારંવાર એને જ જોયા કરવાનું મન થતું હતું. એ આખો દિવસ અને એ પછીના બે દિવસ એને સતત તાકી રહ્યા બાદ મને સમજાયું હતું કે હું એના પ્રેમમાં પડી ચૂક્યો હતો. મેં એની સાથે વાત કરવાનો પ્રયાસ કરેલો અને મારા આશ્ચર્ય વચ્ચે એણે બીજી છોકરીઓ જેવા કોઈ જાતના નખરાં વગર મારી ફ્રેંડશિપ સ્વીકારી લીધી હતી. એ સમયે હું એટલો ખુશ થયેલો કે ના પૂછો વાત. એ સમય મારા જીવનનો બેસ્ટ સમય હતો.” “અમે રોજ ટ્યુશન બાદ પાર્કિંગમાં ઊભા રહી વાતો કરતા. એક દિવસ મેં એને મારી સાથે ફિલ્મ જોવા આવવા પૂછેલું અને એ માની ગયેલી. થિયેટરના અંધારામાં મેં એનો હાથ પકડેલો. એણે સામે મારી આંગળી દબાવી એ જોઈ હું ઔર ખીલ્યો હતો અને મેં એના ખભે હાથ વીંટાળી એને મારી નજીક ખેંચી હતી. એના મુલાયમ ગાલ પર પહેલી વખત મેં કિસ કરેલી અને મારા આખા શરીરમાં ઝણઝણાટી ફેલાઈ ગયેલી... સ્ત્રી અને પુરુષ વચ્ચેના કિસીંગ સિન્સ મેં ફિલ્મોમાં જોયા હતાં અને એ વખતે એને એન્જોય કરેલા પણ મોનિકાના ગાલ પરની કિસ કરવાનો અનુભવ એ બધાથી અલગ હતો. મને જોરદાર કીક લાગી હતી. થતું હતું કે એને એક ટાઇટ હગ કરી લઉં, એને કમરેથી પકડી ઝકડી લઉં અને પછી એના એક એક અંગને ચૂમી લઉં. મેં માંડ મારી જાત પર કાબૂ રાખેલો. મારે એને નારાજ નહોતી કરવી.” “ફિલ્મ પૂરી થયે અમે બહાર નીકળ્યાં અને હું એને એના ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એ બાઇક પાછળ મને વીંટળાઈને બેસી હતી. રસ્તામાં એણે કહેલું કે તે મને ગાલ પર કિસ કરી ત્યારે મને એમ કે નેક્સ્ટ સ્ટેપમાં તું હોઠ સુધી પહોંચી જઈશ પણ તે એવું ના કર્યું. હું તને પસંદ નથી કે પછી તું કોઈ બીજી સાથે રિલેશનશિપમાં છે? મને એવો જોરદાર આંચકો લાગેલો. મનમાં તો આવેલું કે હાલ જ બાઇક ઊભી રાખી એની સાથે મારી પહેલી લિપ ટુ લિપ કિસ સેલિબ્રેટ કરું પણ એ શક્ય નહતું. અમે પબ્લિક પ્લેસમાં હતાં અને એના ઘરની સાવ નજીક આવી ગયા હતાં. એ બાઇક પરથી નીચે ઉતરી એવું જ મેં એને “આઈ લવ યુ” કહ્યું હતું અને તાકીદ કરેલી કે મારાથી બચીને રહેજે હવે તારાથી દૂર રહેવું મારાથી શક્ય નહીં બને. એ શરમાઈને ચાલી ગયેલી અને હું બીજા દિવસે એને મળવાની રાહ જોતો ઘરે આવી ગયેલો. ઘરે આવ્યો એવી જ ખબર પડેલી કે કોરોનાને લીધે આખા દેશમાં એકવીસ દિવસનું લૉકડાઉન લાગું પડેલું અને અમારું ટ્યુશન, સ્કૂલ, ઘર બહાર જવાનું બધું જ બંધ થઈ ગયું હતું. બીજે દિવસે મેં મોનિકાને ફોન કરી મારા દિલનો હાલ જણાવેલો અને કહેલું કે તૈયાર રહેજે, હવે જે દિવસે મળ્યાં ત્યારે હું તને કિસ કર્યા વગર નહીં છોડું. દસ દિવસ અમારી વચ્ચે ફોન પર ગરમાગરમ વાતો ચાલેલી અને પછી એને કોરોના થઈ ગયેલો. એના ઘરમાં એ અને એના પપ્પા બંને બીમાર પડ્યાં હતાં. બંનેને હૉસ્પિટલ લઈ જવાયેલા અને પછી એમાંથી કોઈ પાછું ના ફર્યું. લવની પહેલી લવસ્ટોરીને ફકિંગ કોરોના ખાઈ ગયો.” લવના મેસેજિસ વાંચી મને એ છોકરા પર દયા આવી ગઈ. બિચારા સાથે કેટલું ખરાબ થયું હતું. મને યાદ હતું કે મારે આલોક પાસે બેડરૂમમાં જવાનું હતું. મેં વિચારેલું કે લવને બે શબ્દો આશ્વાસનના લખી દઉં પછી આલોક પાસે ચાલી જઈશ. મેં એને મેસેજ કરેલો, “ઓહ્, તારી વાત જાણી ખૂબ દુખ થયું. હું તારું દુખ સમજી શકું છું.” મેં મેસેજ મોકલ્યો અને તરત જ લવનો જવાબ આવેલો, “મને સારું લગાડવા પ્રયત્ન કરવાનું રહેવા દો મારું દુખ કોઈ સમજી નથી શકવાનું.” “એમ કેમ કોઈ તારું દુખ ના સમજી શકે હું સમજું છું અને આ હું તને ખાલી સારું લગાડવા નથી કહી રહી.” “તો શેને માટે કહી રહ્યાં છો?” “શેને માટે એટલે? મને તો એમ આપણે દોસ્ત છીએ. દોસ્તીના દાવે મને તારી ફિકર થાય છે.” “રહેવા દો આ બધી વાતો, હું તમને દોસ્ત નથી માનતો. આપણી વચ્ચે દોસ્તી ક્યારેય શક્ય નહીં બને.” “પણ કેમ? હું ઉંમરમાં તારાથી મોટી છું એટલે?” “ના. ભલા ઉંમરને અને દોસ્તીને શું લેવાદેવા.” “તો પછી?” “સાચું કહી દઉં?” એક પળ મને ડર લાગી ગયેલો. ખબર નહીં આ છોકરો મને શું કહી જાય... અને તોય મારે એનો સાથ ગુમાવવો નહોતો. એની સાથે વાતો કરવાની મને મજા આવતી હતી. આખો વખતના બંધિયાર વાતાવરણમાં એ એક શીતળ પવનની લહેરખી જેવો હતો અને મારે એની જરૂર હતી. “કહી દે.” “તમારા ચહેરામાં મને મારી મોનિકા દેખાય છે! જે દિવસે મેં તમને પહેલી વાર બાલ્કનીમાં કપડાં સુકવતા જોયેલાં એ દિવસે જ લાગેલું જાણે મને મારી મોનિકા પાછી મળી ગઈ.” “તમારી સાથે વાતો કરવાનું મને ગમે છે. તમને હસતા જોવાનું, જોઈ રહેવાનું મને ગમે છે. તમારી ગુસ્સે થવાની અદા પર મને વ્હાલ આવે છે. તમે મારી કેર કરો છો ત્યારે તમને હગ કરી લેવાનું મન થાય છે. તમને જોઈને મને મારી મોનિકા યાદ આવે છે.” હું શું કહેતી? શું કરતી? લવ સાચું કહી રહ્યો હતો કે મને છેતરી રહ્યો હતો એ વિચારવાની મારામાં શક્તિ નહોતી બચી. મને એનાથી કોઈ ફરક નહોતો પડતો. હાલ એ મારા મનમાં પડેલી પેલી દુખી પ્રેમિકાને પંપાળી રહ્યો હતો. મને સારું લાગી રહ્યું હતું. મારો પ્રિયતમ, મારો પ્રેમી મને આજદિન તક નહોતો મળ્યો, કેદાર મને ગમ્યો હતો પણ હું એને નહોતી ગમી, હું ઘાયલ હતી, ઉદાસ હતી, આલોક તરફ આગળ વધવાના સેંકડો અસફળ પ્રયાસ કરી લીધા બાદ હું સંપૂર્ણ રીતે તૂટી ચૂકી હતી ત્યાં આ લવને મારામાં એની પ્રેમિકા દેખાતી હતી... એવું થઈ શકે કે મનેય એનામાં મારો પ્રેમી મળી જાય? આ એક સામાન્ય સવાલ જ હતો પણ એ સવાલે મને ઢંઢોળી હતી. હું નખશિશ કાંપી રહી હતી. એક વખત હતો જ્યારે પ્રેમનો દરિયો મારામાં વહી રહ્યો હતો, એ દરિયાને આગળ વહીને ક્યાં જવાનું છે એનો માર્ગ ના મળતા એ મારી અંદર ને અંદર સુકાઈ રહ્યો હતો એને આવડો આ છોકરો એના વહેણનો માર્ગ દેખાડી રહ્યો હતો. મારી અંદરની પેલી પ્રેમિકા ફરી બેઠી થઈ હતી. અત્યારે આ જ ક્ષણે એ ઊભી થઈ ગઈ હતી અને નાચી રહી હતી. એણે ફરી પ્રેમનું ગીત ગાવાનું ચાલું કર્યું હતું અને આ વખતે મને મારી અંદરની એકેય સ્ત્રી, કે પત્ની કે પુત્રી રોકી નહોતી રહી. કોઈએ એક વાર પણ એવું નહોતું કહ્યું કે આત્મજા તું એક પરણિત સ્ત્રી છું અને આમ કોઈ અજાણ્યા સાથે આગળ વધવું એ પાપ છે. પાપ અને પુણ્યની પરિભાષા આમેય હું ક્યારેય સમજી નથી શકી. મારા માટે તો પ્રેમ એ જ પુણ્ય છે. કોઈકને પ્રેમ આપવો અને એનો પ્રેમ પામવો એમાં પાપ અને પુણ્ય વચ્ચે ક્યાંથી આવી જાય? દસેક મિનિટ સ્તબ્ધ બની બેસી રહ્યા બાદ મેં લવને ‘ગુડ નાઈટ’ લખી મોકલેલું અને એણે જવાબમાં કહ્યું હતું, “કાલે મળીએ.” હું ફોન મૂકીને બેડરૂમમાં ગઈ ત્યારે આલોક જાગતો હતો. એ ગુસ્સામાં હતો. એણે કોઈક વિચિત્ર નજરે મારી સામે જોયેલું. એને કદાચ મને કઈંક કહેવું હતું પણ કહી નહોતો શકતો. એને કદાચ મારી સાથે લડવું હતું, મને મારવી હતી પણ એ કંઈ જ નહોતો કરી શકતો. મને ઘણી વાર આલોક પર દયા આવી જતી હતી, એ ના ખૂલીને પ્રેમ કરી શકતો હતો, ના નફરત. ના કશું કહી શકતો હતો, ના છુપાવી શકતો હતો. દરેક વખતે એ કંઇક ધૂંધવાયેલી અવસ્થામાં ફર્યા કરતો, એવી જ અવસ્થામાં એ મારા આખા શરીર પર હાથ ફેરવતો, ખબર નહીં શું શોધ્યા કરતો, પ્રેમ કરતો, ચુંબનો કરતો, છેલ્લે એની બધી અકળામણ મારી અંદર ઠાલવી ઊંઘી જતો. એના નસકોરાં અને મારા ડૂસકાં એક સાથે તાલ મીલાવતા રહેતાં... રાતભર...
******
કહેવાય છે કે ચાતક નામનું પક્ષી આખું વરસ તરસ્યું રહી વરસાદની રાહ જોતું હોય છે. જેવો વરસાદ પડે એ વરસતા વરસાદના ટીંપા સીધા એની ચાંચમાં ઝીલી એની તરસ બુઝાવે છે. આજે હું ચાતક બની હતી અને લવ મારા માટે વર્ષાનું પાણી! તરસ હતી, ભયંકર તરસ હતી પણ એક હદ વટાવી ગયા બાદ માનવી જેમ એની પીડા, એનું દુખ ભૂલી જાય છે ને પછી ટેવાઇ જાય છે એમ જ હું મારી તરસ સાથે જીવવા ટેવાઇ ગઈ હતી. હું સાવ જ ભૂલી ગયેલી કે હું એક સ્ત્રી છું અને જેમ પેટને રોજ ભૂખ તરસ લાગે છે એમ શરીરને પણ લાગે છે. સ્ત્રીની પણ કેટલીક ઈચ્છાઓ હોય છે, મરજી હોય છે, વધારે નહીં પણ થોડાંક પ્રેમસભર સ્પર્શની ખેવના હોય છે... આજે લવ મને એવી રીતે અડ્યો હતો કે મારી બધી જ સુષુપ્ત ઈચ્છાઓ એક સામટી જાગી ઉઠી હતી. હું ભાન ભૂલી ગઈ હતી. એ થોડીક ક્ષણો પૂરતી હું જાણે હું નહોતી. સ્ત્રી અને પુરુષનું મિલન ફક્ત બાળકો પેદા કરવા માટે નથી થતું એ તો પરમ આનંદનો વિષય છે એ મેં આજે જ અનુભવ્યું હતું. લવ મારી બાજુમાં જ પડ્યો હાંફી રહ્યો હતો. એક અદભુત આનંદનો અમે બંનેએ અનુભવ કર્યો હતો અને ઊભરો આવી ગયા બાદ અમે બંને થાકીને લસ્ત થઈને પડ્યા હતાં. હું ખુશ હતી, લવ સાથે જે કંઈ થઈ ગયું કે મેં જાણી જોઈને થવા દીધું એનો મને કોઈ પસ્તાવો કે અફસોસ નહોતો અને તોય છેક છેલ્લી ઘડીએ હું ભાંગી પડી હતી. અચાનક જ હું... હું વિચારી રહી હતી કે આજે લવની જગ્યાએ કેદાર મારી સાથે હોત તો? તો આ આનંદ બેવડાઈ ગયો હોત. ચોક્કસ બેવડાઈ ગયો હોત. લવને મને તૈયાર કરવા મારા હોઠ સુધી પહોંચવું પડ્યું હતું જ્યારે કેદાર..., એને વિશે તો વિચાર કરતાં જ મનમાં અજીબ અજીબ સંવેદનનું તોફાન ઉઠે છે. જ્યાં સહેજ પણ પ્રેમ કે લગાવ વગર ફક્ત ફરજ કે શારીરિક આવેગ સમજી શારીરિક મિલન થાય છે ત્યાંથી સ્ત્રીઓને આનંદ મળવાની સંભાવના ઘટી જાય છે. સ્ત્રી માટે એ અનુભવ પીડાદાયક બની રહે એ પણ શક્ય છે. જ્યાં થોડોક પ્રેમ અને વધારે સમજણ વાપરી મિલન થાય ત્યાં બંને પક્ષે સરખો આનંદ મળે છે, પણ જ્યાં નકરો પ્રેમ જ પ્રેમ હોય ત્યાં, જ્યાં એકબીજા વિશે વિચારીનેય સ્ખલન થઈ શકતું હોય ત્યાં આ શારીરક મિલન કેટલો અદભુત આનંદ આપતું હશે. કેદારની યાદ આવી અને એ સાથે જ ઘડીભર પહેલા માણેલું સુખ તુચ્છ લાગ્યું. કદાચ મારા મનમાં જ કોઈ ગંભીર ક્ષતિ હતી. મને મારા એ કાલ્પનિક પ્રેમ સિવાય બીજું કશું જ દેખાતું ન હતું, અનુભવાતું ન હતું. “શું વિચારમાં પડી ગયા? આવું નહોતું કરવું જોઈતું, ભૂલ થઈ ગઈ એવો પસ્તાવો તો નથી થઈ રહ્યો ને?” લવે મારા હોઠ પર હળવું ચુંબન આપતા કહ્યું હતું. “ના. હું વિચારી રહી હતી કે જે કંઈ થયું એમાં ખરેખર મજા આવી. સેક્સ સ્ત્રીઓ માટે પણ આટલો આનંદદાયક હોય શકે છે એ મેં આજે જ જાણ્યું.” લવ હસ્યો હતો અને પછી એ એના કપડાં પહેરી ચાલ્યો ગયેલો. મેં એને પૂછેલું કે આજે ફિલ્મ નથી જોવી અને એણે નફ્ફટની જેમ હસીને કહેલું, હાલ તો એક આખી ફિલ્મ જોઈ હવે બાકીનું કાલે! એ દિવસે પછી સાંજ સુધી મારી અને લવ વચ્ચે વોટ્સેપ પર વાતો ચાલતી રહી હતી. આલોક ઘરે આવ્યો ત્યારે એનો મૂડ ખરાબ હતો. વાતે વાતે એ વડચકા ભરી રહ્યો હતો અને મેં એના પર ધ્યાન આપવાનું બંધ કર્યું હતું. રાત્રે હું આલોક પાસે સુવા માટે ગયેલી ત્યારે એ મારી નજીક આવી મને જોઈ રહ્યો હતો. એણે મારી નાઇટી હટાવી મારા અંગોનું નિરીક્ષણ કર્યું હતું. હું પણ એને જોઈ રહેલી. એના વર્તનમાં, એના મારી તરફ જોવામાં, એના મને સ્પર્શ કરવામાં પ્રેમનો એક છાંટો પણ ક્યાંય શોધ્યો ન જડે અને તોય એ મિલન વખતે કેટલીય વાર “આઈ લવ યુ” કહેતો હતો. એવું બની શકે ને એ મને નહીં પણ એની જાતને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. મારી સાથે આગળ વધતાં પહેલા એને પોતાની જાતને સમજાવવી પડતી હોય! પ્રેમ નથી તો નથી, એને મેળવવાનો પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી પણ પ્રેમ છે એવું નાટક શા માટે કરવું જોઈએ? એવું ખોટા પ્રેમનું નાટક કેટલો સમય ટકી શકે? બીજાને તો ઠીક પણ આમ પોતાની જાતને જ છેતરનાર છેલ્લે સિવાય દુખ બીજું શું પામી શકવાનો? આલોક પાસેથી પ્રેમની અપેક્ષા રાખવાનું તો મેં વરસો પહેલાં જ છોડી દીધું હતું પણ આજે તો એનામાં પેલી હવસ પણ ગેરહાજર હતી. મારા અંગો પર કોઈ રાનીપશુની જેમ તૂટી પડવાની એની હંમેશની ઈચ્છા પણ આજે નહોતી. મને થતું હતું કે જો એની ઈચ્છા નથી, આજે એણે નક્કી કર્યું છે કે સંબંધ નથી જ બાંધવો તો પછી મારા શરીર સાથે એ આ છેડછાડ શા માટે કરી રહ્યો છે? એ મારી નજીક આવી મારી છાતી પર ઝૂક્યો હતો, મારી નિપલ પર એની જીભ અડી જ હતી કે તરત જ એણે ગુસ્સે થઈને કહ્યું હતું, “આજે કેમ તારામાંથી ગંદી બદબો આવે છે? શું લગાડ્યું છે તે?” આલોકને જવાબ આપવાને બદલે હું હસી પડી હતી, હસી પડાયેલું. મને હસવું એટલે આવી રહ્યું હતું કે એક આ વાતે હું આલોક સાથે સહમત હતી. આજે મારા શરીરની ગંધ બદલાયેલી હતી. આજે આત્મજામાં લવ ભળેલો હતો. મને હસવું આવી ગયેલું, મારે નહોતું હસવું જોઈતું તોય હસી પડાયેલું કેમ કે આલોકે બિલકુલ એક જંગલી પ્રાણીની જેમ મારી ગંધ પારખી હતી. હું જાણે એની માલિકીની કોઈ વસ્તું છું અને આજે એના સિવાય કોઈ બીજું મને અડયું હતું એ વાત એનાથી સહન નહોતી થઈ રહી. કાશ એણે મને એક વસ્તુને બદલે એક સ્ત્રી માની હોત. કાશ એણે ક્યારેક મારી ખુશી કે મારી મરજી વિશે વિચાર્યું હોત... આલોક ગુસ્સે થઈ એની જગ્યાએ જઈ સૂઈ ગયો હતો. હું પલંગ પરની મારી હિસ્સાની જગ્યાએ કોકડું વાળીને પડી રહેલી. એ રાત્રે મારા સપનામાં હું ત્રણ પુરુષો સાથે હતી. એ ત્રણે મને એમની પાસે બોલાવી રહ્યા હતા. એ મને એમનો પ્રેમ આપવા તલપાપડ હતા અને હું નક્કી નહોતી કરી શકતી કે ક્યાં આગળ વધવું... સવારે ચા નાસ્તો રેડી કરી હું આલોકની રાહ જોઈ રહી હતી ત્યારે સવારના પહોરમાં એ કોઈ સાથે ફોન પર વાતે વળગ્યો હતો. એની ધીમા અવાજે અને ટૂંકા ટૂંકા વાક્યોમાં થતી ઘુસપુસ સમજવી મારા માટે અઘરી હતી પણ એણે એક નામ લીધું અને મારા કાન ચમક્યા હતા. “મારે તારું કામ છે તું ઘરે આવ કેદાર?” આલોકે કહ્યું હતું. હા મેં બરાબર જ સાંભળ્યું હતું. એણે કેદાર જ કહ્યું હતું. એ હવે મારા ઘરે આવશે? મારો વર એને બોલાવી રહ્યો હતો તો એ ચોક્કસ આવશે જ ને. હું એનો સામનો કરી શકીશ? “હા, હા એ મજામાં છે. ખુશ છે હવે, હા હું એનું ધ્યાન રાખું છું. લે તું જ એની સાથે વાત કરી લે.” આલોકે ફોન મારી તરફ લંબાવ્યો હતો અને મારું દિલ જે સ્પીડે ધબકવા લાગેલું. મને મારા ધબકારા સંભળાતા હતાં. મારું ગળું સુકાઈ ગયું હતું. હું ગુંગી થઈ ગયેલી. મારાથી કેદાર સાથે વાત નહીં થઈ શકે. આમ અચાનક અને એય ફોન પર તો બિલકુલ નહીં થઈ શકે. મેં તરત જ આલોક સામે જોઈ નકારમાં ડોકું ઘુણાવ્યું હતું અને એણે મોઢું બગાડી કેદારને કહ્યું હતું, “એ હાલ રસોડામાં છે પછી વાત કરાવીશ. ચાલ બાય.” “આ શું હતું આત્મજા? તે કેદાર સાથે વાત કેમ ના કરી? એણે તને ના પાડી હતી એ વાત હજી તું તારા મનમાં લઈને ફરે છે?” હું શું જવાબ આપત? એનો કહેલો એક એક શબ્દ સાચો હતો. એણે મને ના નહોતી કહેવાની. “ના, એવું કશું નથી પણ એ મારા જેઠ થાય અને એમની સાથે વાત કરતા મને સંકોચ થાય છે.” માંડ મન પર કાબૂ રાખી મેં મને આવડે એવો જવાબ આપ્યો હતો. “એમના લગ્નનું શું થયું? એમની પ્રેમિકા પછી માની કે નહીં?” “ક્યાંયથી મળે તો માને ને?” “મતલબ?” “મતલબ એ કે એની પ્રેમિકા આ વાસ્તવિક દુનિયામાં ક્યાંય છે જ નહીં. એ જે યુવતી એની કલ્પનામાં છે એને શોધી રહ્યો છે. ક્યાંકથી એને એક ચિઠ્ઠી મળી હતી એમાં લખેલું હતું કે હું તારી રાહ જોઈશ અને કેદાર એની રાહ જોનાર એ છોકરીને શોધી રહ્યો છે. કેટલાય શહેર, રાજ્યો એ રખડી ચૂક્યો છે, કેટલીય છોકરીઓ જોઈ ચૂક્યો છે પણ એને એ ક્યાંય મળી નથી.” “મને તો લાગે છે કે કોઈએ એ બિચારા ભોળા માણસ સાથે મજાક કરી હતી. આજે ઘરવાળો બહાર જાય ત્યાં તરત પાડોશી જોડે ચાલું થઈ જનારી સ્ત્રીઓનો જમાનો છે એમાં વળી શુધ્ધ પ્રેમ ને આ રાહ જોવાનું ક્યાં આવે?” આલોકનું છેલ્લું વાક્ય મારા માટે ચાબુકના વાર સમાન હતું. એણે અમસ્તું જ કહ્યું હતું કે સાચે જ મારી પર શંકા કરે છે એ કળવું મુશ્કેલ હતું પણ મને એની હવે એની ચિંતા નહતી. હાલ તો મારે કેદાર વિશે બધુ જ જાણવું હતું. “એમને એ ચિઠ્ઠી ક્યાંથી મળી હતી?” આલોકનો જવાબ સાંભળવા હું અધીરી થઈ હતી. મારો જીવ જાણે મારા કાનમાં આવીને ભરાયો હતો અને તડપી રહ્યો હતો. એને ખાલી એટલું સાંભળવું હતું કે કેદારને એ ચિઠ્ઠી દરિયા કિનારે આવીને પડેલી એક કાચની બોટલમાંથી મળી હતી. એણે જવાબ નહતો આપ્યો. હું એની સામે જ જોઈ રહી હતી, એ જાણતો હતો કે હું એના જવાબની પ્રતિક્ષા કરી રહી છું તોય એણે કશું જ નહોતું કહ્યું અને એ ઑફિસ જવા નીકળી ગયેલો. મારું મન આજે ફરી પાછું ઘાયલ થયું હતું. એક વાર પ્રેમ શું કરી લીધેલો મેં પ્રેમના નામે ડગલે ને પગલે ઠોકરો જ ખાધી હતી. મારા પ્રિતમ સાથે એક સ્મિતની આપલે કરવા જેટલુંય સુખ મારા નસીબમાં નહતું. મારે જાણવું હતું કે કેદારને એ ચિઠ્ઠી ક્યાંથી મળી હતી? કોણે એ લખી હતી અને આ અનુજા વળી કઈ બલા છે? મેં વરસો પહેલા કેદારને દરેક મીડિયામાં બ્લૉક કર્યો હતો અને પછી હું પોતે પણ ફરી ક્યારેય કોઈ સોશિયલ મીડિયા પર નહોતી ગઈ. આ નવા ઘરમાં આવ્યા બાદ આલોક અને પરિવારના લોકો સાથે મેસેજની આપલે કરી હાલચાલ પૂછી શકાય એટલા ખાતર જ વોટ્સેપ ચાલું રાખેલું. એમાં પણ કેદારનો નંબર મારા ફોનમાં નહોતો. આજે મને તીવ્રતાથી કેદાર વિશે, એના જીવન વિશે જાણવાની ઉત્કંઠા જાગી હતી. મેં મારા ફોનમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કર્યું હતું અને પછી મારું જૂનું એકાઉન્ટ શોધવા મથામણ કરેલી. મનમાં થતું હતું કે એક નવા નામે નવું એકાઉન્ટ બનાવી લઉં પણ રહી રહી ને થતું હતું કે કદાચ કેદારે મારા માટે કોઈ મેસેજ છોડ્યો હોય તો? મેં એને ફેસબુક મેસેન્જરમાં બ્લૉક નહોતો કર્યો કે કર્યો હતો? મને કશુંય યાદ નથી પણ મારે એ ચેક કરવું રહ્યું. હું મારો જૂનો પાસવર્ડ યાદ કરવા મથી રહી હતી. એક બે જૂના પાસવર્ડ મેં યાદ કરી જોયા હતાં પણ કામ બન્યું નહતું. મને તરત લવ યાદ આવી ગયો હતો. આજના છોકરાઓ માટે આ બધુ કામ કરવું સરળ હતું. એ મારી મદદ કરી શકશે, એન્જિનિયર થવાનો છે તો આટલું તો કરી જ શકે. મેં લવને મેસેજ કર્યો હતો કે હાલ જ મારા ઘરે આવી જા. સામે એણે લખેલું કે, “વાહ જી. ના હાય, ના હેલ્લો અને સીધું મારા ઘેર આવી જા! લાગે છે કે ગઈ કાલનો નશો હજી ઉતર્યો નથી.” મેં જવાબ આપવાને બદલે ફોન બંધ કર્યો હતો. પાંચ મિનિટ બાદ લવ મારા ઘરમાં હતો. કામવાળી હાલ જ એનું કામ પતાવી નીકળી ગઈ હતી અને લવે અંદર આવી દરવાજો અંદરથી બંધ કર્યો હતો. મારી સામે જોતો, સ્મિત વેરતો એ મને એની પાસે બોલાવી રહ્યો હતો અને હું એને મારો ફોન દેખાડી કહી રહી હતી, “તારે મારું એક કામ કરવાનું છે.” “પહેલા એક કિસ આપ ત્યાં સુધી મને કંઈ સંભળાવાનું નથી. હું બહેરો થઈ ગયો છું.” મને એના નાટક પર ચીડ ચઢી હતી છતાંય મેં એને મારી નજીક ખેંચી ખુરશી પર બેઠા બેઠા જ એક હળવી કિસ કરી હતી. “આવી સાવ સુકાયેલી નહીં બેબી રસથી તરબોળ કિસ આપ. એક કિસથી જ તન મન બધું ડોલન કરવા લાગી જવું જોઈએ.” “બસ હવે મજાક બંધ કર અને આ ફોન જો. મારું જૂનું ફેસબુક એકાઉન્ટ ઓપન નથી થઈ રહ્યું. મારે એમાં લૉગ ઇન કરવું છે અને એ ચેક યોર પાસવર્ડ કહી રહ્યું છે. હું મારો પાસવર્ડ ભૂલી ગઈ છું.” “અરે પણ ફરગોટ પાસસવર્ડ કરો ને મેડમ.” એણે મારો ફોન એના હાથમાં લીધો હતો અને ફટાફટ એમાં કામ કરવા લાગેલો. એણે મારું જૂનું એકાઉન્ટ શોધી એમ લૉગ ઇન કરી લીધું હતું. “થઈ ગયું.” “બતાવ મને.” “મારું ઈનામ?” એ મજાકના મૂડમાં હતો અને મેં એના હાથમાંથી મારો ફોન રીતસર ખેંચી લીધેલો. મારા જૂના ફેસબુક એકાઉન્ટમાં હજી મારો જૂનો, લગ્ન પહેલાંનો ફોટો હતો. મેં એમાં મેસેન્જર ખોલીને જોયું. સો ઉપર મેસેજ વાંચ્યા વગરના પડ્યા હતાં મેં એ બધાને સ્ક્રોલ કર્યા, કેદારનો કોઈ મેસેજ નહોતો. કદાચ કોઈ ભૂલ થતી હોય એમ માનીને મેં કેદારનું નામ સર્ચ કર્યું હતું. એ ક્યાંય ના મળ્યું. મેં બ્લૉક કરેલા લોકોનું લિસ્ટ ઓપન કર્યું અને કેદારને અનબ્લૉક કર્યો. મેસેન્જર પર એનો એકેય મેસેજ નહોતો. મેં ફરી ફેસબુક પર જઈ કેદારની પ્રોફાઇલ ખોલી. એના ડીપીમાં એનો હસતો ચહેરો જોઈ મનમાં શાંતિ વ્યાપી ગઈ. થયું કે જાણે આખી જિંદગીની દોડ બસ આટલે સુધીની જ હતી. હવે ક્યાંય જવાની જરૂર નથી. ક્યાંય પહોંચવાનું નથી. મને મારી મંજિલ મળી ગઈ હતી. “ઓ હેલો મેડમ હું અહીંયા બેઠો છું એ યાદ છે ને?” મેં નજર ઉઠાવી લવ સામે જોયું, એક ક્ષણ હું એને ઓળખી જ ના શકી. કોણ હતો આ લવ? હું એને જાણું છું? બીજી જ પળે યાદ આવ્યું કે એ મારો પાડોશી છે. “આમ જોયા શું કરો છું. હજી તમે મને સરખી કિસ નથી આપી. હું આ બધાનો બદલો લઈશ.” લવ કશુંક કહી રહ્યો હતો, એ ફરી મને ગઈ કાલ વાળા રોમાંચક વાતાવરણમાં ખેંચી જવા ઈચ્છતો હતો અને હું... હું એક જગ્યાએ સ્થિર થઈ ગઈ હતી. હવે અહીંથી ક્યાંય જવાનું મન નહતું. કોઈ આવેગ મને વિચલિત કરી શકે એમ નહતો. ના ભૂખ, ના તરસ, ના કોઈ બીજાનો પ્રેમ, મારે કશું જ નહોતું જોઈતું. મારા હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. હું કેદારની કવિતાઓ પર નજર ફેરવી રહી હતી. એનું વ્યાકરણ પાક્કું હતું, સંવેદનાઓ સાચી હતી પણ એ કેટલાક શબ્દો ખોટા પસંદ કરતો હતો. મારા માટે લખવું એ શ્વાસ લેવા જેવું હતું એમાં હું વ્યાકરણની તમા ક્યારેય નહોતી રાખતી. મનમાંથી જે લાગણી વહીને સીધી આગળીઓમાં ઉતરી આવતી એ જ શબ્દ રૂપે કાગળ પર આલેખાઈ જતી હતી જ્યારે કેદાર એ શબ્દોને વધારે રૂપાળા, વ્યાકરણના બંધારણમાં ફિટ થાય એમ ગોઠવીને મૂકતો હતો. એની ફેસબુક દીવાલ પર આંટો મારતા મારા હાથ એક જગ્યાએ આવી અટકી ગયા હતા. એક ક્ષણ પૂરતી હું જાણે મરી ગઈ હતી. આખી દુનિયા થંભી ગઈ હતી. “તમારું એકાઉન્ટ મળી ગયું ને બાકીનું હવે હું જાઉં પછી શોધી લેજો.” લવે આવું જ કશુંક કહ્યું હતું અને એ ઊભો થઈ મારી ખુરશી પાછળ આવી ગયો હતો. એણે નીચે ઝૂકી મારા ગળે, મારી પીઠ પર એના હોઠ ઘસવાનું ચાલું કર્યું હતું અને હું... હું મારી ચેતના ગુમાવી બેઠી હતી. મને કંઈ જ નહોતું થઈ રહ્યું. કેદારની એ પોસ્ટ પર એક ફોટો હતો. એમાં એક કાગળ હતો. એ કાગળ પર એક ટૂંકી નોંધ લખેલી હતી. મારી આંખો રડી રહી હતી ને હું હસી રહી હતી. હવે કોઈ જ શંકા નહોતી કે કેદાર જ મારો પ્રિયતમ છે અને એ ડોબો કોઈ અનુજાને નહીં પણ મને જ ચાહે છે. એ વરસોથી જેને તલાસી રહ્યો છે એ એની પ્રેમિકા હું જ છું. એ ચિઠ્ઠી એક વેળાએ મેં જ એને લખી હતી. મેં જ એને બોલાવ્યો હતો. મેં જ એની રાહ જોઈ હતી. એણે અજાણતા જ મને ના કહી હતી અને હું ઘવાઈ હતી. અમારા નસીબ પાંગળા કે એક ગલતફેમી અમને નડી ગઈ અને જે ચિઠ્ઠી અમારા મિલનનું કારણ બનવી જોઈતી હતી એણે જ અમને વરસો વિખૂટા રાખ્યા અને હવે ફરી... હવે ફરી શું? ફરી અમારું મિલન શક્ય છે? દિલમાં એક અસહ્ય પીડા ઉઠી હતી અને મેં મારી છાતી પર દબાયેલા લવના હાથને પાછા ધકેલ્યા હતા. “જો બોવ થયું તારું નાટક હોં હવે તું મને જબરદસ્તી કરવા ઉશ્કેરી રહી છે.” લવે મને ખેંચીને ખુરશીમાંથી ઊભી કરી હતી અને એના બંને હાથે મને મારી કમરથી પકડી ઝકડી રાખેલી. એના હોઠ મારા મારી છાતી પર, મારા ગળા પર ફરી રહ્યા હતા. એ ફરી મને ગઈ કાલ જેવું જ અલૌકિક ચુંબન કરવા પ્રયત્ન કરી રહ્યો હતો અને મને આજે કશું જ સ્પર્શી નહોતું રહ્યું. હું રડી રહી હતી. મને મારી નજર આગળ કેદાર સિવાય બીજું કંઈ જ દેખાઈ નહોતું રહ્યું. લવ મારા માટે એક બંધન રૂપ હતો જેને ફગાવીને મારે મારા કેદાર પાસે ચાલ્યાં જવું હતું. લવે મારા હોઠ પર કિસ કરવા મારા બે ખભા પકડી મને એની નજીક ખેંચી હતી અને એ જ વખતે મેં મારા બંને હાથે એને ધક્કો મારી બે ડગલાં પાછળ ધકેલ્યો હતો. એ ધૂંધવાયો હતો. હું એને કહી રહી હતી કે તું ચાલ્યો જા... હું ગુસ્સામાં, રડતાં રડતાં કહી રહી હતી. એ ડઘાઈ ગયો હતો અને એજ વખતે મારા ફ્લેટનું બારણું ખૂલ્યું હતું. આલોક અચાનક જ ક્યાંકથી આવી ચડયો હતો અને એણે જે કંઈ જોયું, જે કંઈ અવાજો સાંભળ્યા એના પરથી નક્કી કરી લીધું હતું કે લવ મારા પર બળજબરી કરવા પ્રયાસ કરી રહ્યો હતો. “સાલ્લા હરામી... તારી આટલી હિંમત?” આલોકે લવનો કોલર ઝાલી એને એક થપ્પડ મારી હતી. લવ પણ સામે ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. બંને એકબીજાને ગાળાગાળી કરી રહ્યા હતા ને મેં કહેલું, “એને જવા દે આલોક, છોડી દે એને. એણે જે કર્યું એ મારી સહમતીથી કરેલું. એનો કોઈ વાંક નથી.” આલોક અને લવ બંને સ્તબ્ધ થઈ મારી સામે જોઈ રહ્યા હતા. એમની લડાઈ અટકી ગઈ હતી. બંનેએ એકબીજાને છોડી દીધા હતા. લવ તરત જ ત્યાંથી નીકળી ગયેલો અને આલોક મારી સામે જોઈ રહ્યો હતો. અજીબ પીડા હતી એની આંખોમાં. “કમ સે કમ જૂઠ જ કહી દેવું હતું કે એ તારા પર બળજબરી કરી રહ્યો હતો.” આલોકે એક હારી ગયેલા યોધ્ધાની જેમ નિરાશ થઈને કહ્યું હતું. “મને એમાં ખોટું બોલવાની જરૂર નથી લાગતી. જે થયેલું મારી મરજીથી થયેલું. તારે મને સજા આપવી હોય તો આપ હું એનોય વિરોધ નહીં કરું.” આલોકનો હાથ ઉઠ્યો હતો. એ મારા ગાલ પર પડી જ જવાનો હતો કે અચાનક અટકી ગયો હતો. એ ઘરમાંથી નીકળી ગયો હતો. ******
આલોક ગુસ્સામાં ઓફિસ ગયો હતો. મને એ ગમ્યું ન હતું પણ હું શું કરતી? સંજોગ માનવને નાચ નચાવે અને માનવ બિચારો એ બેસુરા સંગીત પર તાલ મિલાવવા મથ્યા કરે. એની ઈચ્છાઓ, એના સપનાં પૂરા થશે એવી ગેરંટી અહીં કોઈ નથી આપતું અને તોય માનવ સપનાં જોવામાંથી ઊંચો નથી આવતો. નવી નવી ઈચ્છાઓ કરતા થાકતો નથી. જીવન કેટલું વિચિત્ર છે ને તોય આપણી જીવવાની લાલશા ક્યારેય ખલાસ નથી થતી. શું મેળવવા આપણે ભાગ્યા કરીએ છીએ, એ જોઈતું મળી જાય પછી શું? પછી જીવનની દોડ સમાપ્ત થઈ જતી હશે? મને મારી જિંદગીથી વધારે અપેક્ષા ન હતી. મેં બસ એક એવી વ્યક્તિની કલ્પના કરી હતી જેને હું ચાહી શકું. જે મને ચાહી શકે અને જીવનની બાકીની દોડ અમે સાથે સાથે પૂરી કરીએ. મેં કંઈ વધારે માંગી લીધું હતું? મારી કલ્પના મુજબની વ્યક્તિ આ દુનિયામાં હાજર હતી, મારી આસપાસ જ હતી અને તોય અમારા નસીબમાં એકબીજાનો સાથ ન હતો. આવું શા માટે થાય છે? કેદાર મને મળી ગયો હોત તો... હજી હું પ્રયત્ન કરી શકું છું. એને કહી શકું છું કે હું જ તારી અનુજા ઉર્ફે આત્મજા છું. અમારું મિલન ભલે ના થાય પણ એ બિચારાની જીવનભરની શોધ તો અટકી જશે. એનો પ્રેમ પરનો ભરોસો અકબંધ રહેશે અને એ પ્રેમ જ એને આગળનો પંથ કાપવામાં સહાય કરતો રહેશે. આમેય એણે વ્યક્ત થવાનો રસ્તો શોધી લીધો છે. એને કવિતા લખવાનો શોખ વળગ્યો છે અને એ સારું છે. એ એના મનની લાગણીઓને મનમાં જ ભરી રાખવાને બદલે કવિતા રૂપે કાગળ પર ઉતારી લે છે, મનને હળવું કરી લે છે, સારું છે. હું એને કહી દઉં, બધુ જ સાચેસાચું કહી દઉં?