11 TASKS - 34 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 34

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 34

આગળના બે મહિના દરમિયાન આશુતોષની દિનચર્યા:
ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર!
એક મિશન પૂરું કરવાનું હોય એમ આશુતોષ એને અપાયેલ અગિયાર ટાસ્ક્સ પૂરા કરવામાં લાગી ગયો હતો. પૂરા બે મહિના એ દરેક ટાસ્કને વળગી રહ્યા બાદ,
હવે સવારે ઉઠતા જ એ આંખ બંધ કરી, બે હાથ જોડી ભગવાનનો આભાર માને છે. એ હજી સાજો સારો છે, સ્વસ્થ છે, સારી નોકરી કરી રહ્યો છે એ માટે એ ખરા હૃદયથી ઇશ્વરનો આભાર માને છે.
પરિણામ: પહેલા થોડા દિવસો એને આ રીતે ઇશ્વરને થૅન્ક યુ કહેવામાં સારું લાગેલું, મજા આવતી હતી. પછીથી એ ભાવુક થવા લાગ્યો હતો. લગભગ બે મહિના સુધી રોજ સવારે ઉઠતા વેંત ઇશ્વરને યાદ કરવાથી એની આસ્થામાં વધારો થયો હતો. એને ખરેખર લાગી રહ્યું હતું કે દુનિયામાં એક પરમતત્વની હાજરી છે જે એની વાત સાંભળે છે, એનું ધ્યાન રાખે છે, જે આ સંપૂર્ણ જગતનું સંચાલન કરે છે. સવારે ઉઠતાવેંત પ્રાર્થના કરવાથી એના મનમાં એક પોઝીટીવ એનર્જી ભરાઈ જતી હતી જે એનો આત્મવિશ્વાસ અનેક ઘણો વધારી જતી હતી.
બીજો ટાસ્ક: શુધ્ધ સાત્વિક ભોજન. આમાં એણે બસ એટલું ધ્યાન રાખવાનું હતું કે એણે પોતે કંઈ નહોતું કરવાનું. સુખી એને માટે જે કંઈ હેલ્ધી ખાવાનું બનાવતી હતી એને કોઈ ફરિયાદ કર્યા વગર ખાઈ લેવાનું હતું. એ એમ જ કરી રહ્યો હતો.
પરિણામ: એના શરીર પરથી અમુક જગ્યાએ જામેલી ચરબી દૂર થઈ ગઈ હતી. એની વરસો જૂની કબજિયાતની તકલીફથી રાહત મળી ગઈ હતી. રાતનાં પેટમાં ગેસ નહોતો થતો અને એને સરસ ઊંઘ આવી જતી હતી.
ત્રીજો ટાસ્ક: પોતાના શરીરને ચાહવું. એને માટે એ રોજ સવારે કલાક ચાલવા જતો હતો. નિયમિત હેલ્ધી ભોજન લેતો હતો. એ પોતાના દેખાવ પ્રત્યે સભાન બન્યો હતો. જરૂર પડે એ પોતાના માટે ખર્ચ કરતા શીખ્યો હતો. સુંદર કપડા, સારું ભોજન, જરૂર પડે બ્યૂટી કેર વાળી છોકરીને બોલાવી લેવી વગેરે એ કરી રહ્યો હતો.
પરિણામ: એનો આત્મવિશ્વાસ જબ્બરનો વધી ગયો હતો. હવે કોઈ પણ સાથે વાત કરતા એ સહેજે સંકોચ નહોતો પામતો. મનની વાત મનમાં દબાવી રાખ્યા વિના કહી દેતો થયો હતો.
ચોથો ટાસ્ક: બધી વસ્તુ એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવીને રાખવી. આ કામ રુચિ સંભાળી લેતી હતી. એ છતાં આશુતોષ પોતે પણ ઘર અને ઑફિસ બંને જગ્યાએ નજર રાખતો ને એના કામની દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ ગોઠવીને મૂકતો.
પરિણામ: જરૂરી કામ રહી ગયું કે કોઈ ખૂબ જરૂરી નાની વિગત નજર બહાર રહી ગઈ એવું હવે નહોતું બનતું. એણે બનાવેલી જાહેરાત હવે વધારે સફળ થઈ રહી હતી.
પાંચમો ટાસ્ક: જીવનનું લક્ષ્ય, ધ્યેય નક્કી કરવું. એણે હવે પોતાની ફિલ્મ નિર્માણ કંપની ચાલુ કરવાનું વિચાર્યું હતું. એ મોટું સપનું પૂરું કરવાના ભાગ રૂપે જ એણે  પોતાની એક યુટ્યુબ ચેનલ ચાલું કરી હતી. ફિલ્મ બનાવવા વિશેની જે માહિતી એની પાસે હતી એને અસરકારક રીતે એ પોતાની ચેનલ પર દર્શાવવાતો હતો. એણે નાના નાના વિડિઓ યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર મૂકવાનું ચાલુ કરી દીધું હતું અને એમાં એ સફળ થઈ રહ્યો હતો. થોડાક જ સમયમાં એને સારા એવા ફોલોવર્સ પણ મળ્યા હતા.
પરિણામ: થોડીક વધારાની આવક આવવી ચાલું થઈ હતી. ભવિષ્યમાં એક નવો બિઝનેસ ચાલુ કરવાનો માર્ગ મોકળો થયો હતો. અહીં એક ફાયદો એ હતો કે એ કંપની વતી જે પણ ગ્રાહકને જાહેરાત બનાવી આપતો હતો એ જ ગ્રાહકને એના ઇન્સ્ટગ્રામ પેજ પર તથા યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવા રાજી કરી લેતો હતો.
છઠ્ઠો ટાસ્ક: નાપાસ થવાથી નાહિંમત ન થવું. પહેલા વાળો આશુતોષ એના કામથી કામ રાખતો હતો. હવેનો આશુતોષ વિચારી શકતો હતો કે એનો ફાયદો શેમાં છે અને એ ફાયદો મેળવવા પ્રયત્ન કરી લેતો હતો. એ એની ટીમ મેમ્બર્સ, કંપની, ગ્રાહકો, જાહેરાતમાં અભિનય કરતા કલાકાર વગેરે દરેકને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કરતો. ક્યાંક કોઈ ના સમજે તો એ એને મન પર લીધા વગર નવો રસ્તો વિચારી લેતા શીખ્યો હતો.
પરિણામ: હવે એને ઓફિસમાં કામ કરવું ગમવા લાગ્યું હતું. એકસરખી નીરસ જિંદગીમાં પણ નવા રંગ કેમ પૂરી શકાય એ એને આવડી ગયું હતું.
સાતમો ટાસ્ક: એની કે એની વિરોધી કંપનીમાં કામ કરતા બીજા લોકો સામે સરખામણી કે ફરિયાદ કરવાનું એણે બંધ કર્યું હતું. એ હવે ઓફિસ સમયે સો ટકા પોતાના કામમાં જ ડૂબેલો રહેવા લાગ્યો હતો.
પરિણામ: અદ્ભુત માનસિક શાંતિ અને એનો પોતાનો વિકાસ.
આઠમો ટાસ્ક: સપના જોવા અને એ હકીકત બનશે એ વાતમાં વિશ્વાસ રાખવો. એક આ ટાસ્ક પૂરો કરવામાં થોડીક ગરબડ થઈ રહી હતી!
એ રોજ રાત્રે પથારીમાં આડો પડતા જ દોદોહી વિશે વિચારતો. એની નજર આગળ એ એની પત્ની રૂપે આવી જતી હતી. એ સારું ને સુંદર જ વિચારતો એ છતાં છેલ્લે કોઈ ને કોઈ ગરબડ થઈ જ જતી.
દા. ત.
પહેલી રાતનું જાગતી આંખે જોયેલું સપનું:  એણે કલ્પના કરી કે દોદોહી સાથે એના લગ્ન થઈ ગયા છે. એ ખૂબ સુંદર લાગી રહી છે. લાલ સાડીમાં એનો ગુલાબી રંગ ઔર નિખરી આવ્યો છે. એ પલંગ પર ઘૂમટો તાણીને બેઠી છે. આશુતોષ પણ વરરાજાના વેશમાં શોભી રહ્યો છે. કંઈક શરમાતો, કંઈક સંકોચ સાથે એ રૂમમાં પ્રવેશે છે. પોતાની પત્નીને જોવા આતુર થયેલો આશુતોષ પલંગ પર જઈને બેસે છે અને ધીરેથી એના માથા પરથી છેડો હટાવે છે. પત્નીની ચિબુક પકડી એની નીચે ઝૂકેલી ગરદન અધ્ધર કરે છે અને એના નાજુક, ગુલાબી, રસઝરતા હોઠને પ્રેમથી ચૂમી લે છે....એનો હાથ એની કમર ફરતો વીંટળાઈ રહ્યો હોય છે ને,
બીજી જ પળે એક જોરદાર ધક્કો ને આશુતોષ પલંગ પરથી ઊછળીને સામેની દિવાલે ભટકાઈ નીચે પડે છે. એના કેટલા હાડકા તૂટ્યા એ તો પછીની વાત છે પણ હાલ પૂરતું એનું દિલ તૂટી ગયું એને સંભાળનાર કોઈ નથી! એની વહાલસોયી નાજુક, નમણી પત્ની અચાનક રણચંડીની જેમ પલંગ પરથી ઉભી થઈ ગઈ છે અને આશુતોષ સામે જોઈ સખતાઈથી કહી રહી છે, નો બેડ ટચ!
આશુતોષ રડવા જેવો થઈ જાય છે ને તરત એ સપનું જોવાનું બંધ કરી આંખો ખોલી દે છે. એ એના મનને સમજાવે છે કે ભલે દોદોહી માણસ નહીં રોબોટ હોય એને એક પત્નીની જેમ ટ્રેનિંગ અપાઈ છે એટલે પોતાના પતિનો બધી રીતનો ટચ એ સહી લેશે. એ ફક્ત સહી જ નહીં લે એનો ઉચિત રિસ્પોન્સ પણ આપશે. નિર્ઝરની કંપની વાળા એક રોબોટને પત્ની તરીકે વિકસાવવા આટલી બધી મહેનત કરી રહ્યા છે ત્યારે એ લોકો પતિપત્નીના મિલન વિશે પણ એને શીખવી, સમજાવીને જ મોકલશેને!
એણે માંડ માંડ જાતને સમજાવી ને સૂઈ ગયો.
બીજી રાતનું જાગતી આંખે જોયેલું સપનું: આજે એણે નક્કી કર્યું છે કે એ સારું, કંઈક રોમેન્ટિક જ વિચારશે. એ આંખો બંધ કરી કલ્પના કરે છે....એના લગ્નને થોડાક દિવસો થઈ ગયા છે. હવે એ અને દોદોહી પતિપત્ની તરીકે એકમેક સાથે સરસ રીતે ગોઠવાઈ ગયા છે. આશુતોષને એક આદત પડી ગઈ છે. એ સવારે ઓફિસ જવા ઘરેથી નીકળે ત્યારે દોદોહી દરવાજે આવીને એને હોઠ પર એક તસતસતું ચુંબન આપે પછી જ એ બહાર જાય છે. એના નાજુક હોઠનો સ્વાદ પછી એ ઘરે પાછો ફરે ત્યાં સુધી મમળાવતો રહે છે.
એ ઑફિસ જવા નીકળી રહ્યો છે. આજે એને થોડુંક લેટ થયું હોવાથી એ બૂમ પાડીને કહી રહ્યો છે, “ડાર્લિંગ મારે મોડું થાય છે જલદી કર."
દોદોહી રસોડામાં કશુંક કરી રહી છે એ ત્યાંથી જ જવાબ આપે છે, “એક મિનિટમાં આવી."
“નહીં એટલો ટાઇમ નથી મારી પાસે તું હાલ જ આવીને મને ગુડબાય કિસ આપ."
“ઓકે" રસોડામાંથી અવાજ આવે છે અને બીજી જ પળે દોદોહીની ગરદન જીરાફની જેમ લાંબી થઈ રસોડામાંથી બહાર લંબાઈ સીધી આશુતોષ પાસે આવે છે ને એના હોઠ આશુતોષના હોઠ પર મુકાઈ જાય છે. એ ખૂબ જ પ્રેમથી આશુતોષના હોઠ ચૂમી રહી હોય છે ને આશુતોષ... એ ફાટી આંખે જાણે કોઈ ભૂત ભાળી ગયો હોય એમ રસોડામાંથી છેક દરવાજા સુધી લાંબી થયેલી ગરદનને જ જોઈ રહ્યો છે.
“શું થયું? મારી ગરદન ઇલાસ્ટિક છે એને હું ઇચ્છું તો થોડીક લાંબી કરી શકું. તારે ઓફિસ જવાનું મોડું થતું હતું ને હું રસોડામાં નળ ટપકતો હતો એ રીપેર કરી રહી હતી."
“યસ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હવે હું જાઉં?"
“ગુડ બાય ડાર્લિંગ"
આશુતોષ ઘરની બહાર નીકળી દરવાજો બંધ કરે છે. એને થાય છે કે આવું જો કોઈ બીજું જોઈ જાય તો શું થાય? લોકો તો દોદોહીને કોઈ ભૂત માની લે!
એ આંખો ખોલી દે છે ને કોઈ સપનું જોયા વગર સૂઈ જવા મનને મનાવતો રહે છે.
ત્રીજી રાતનું જાગતી આંખે જોયેલું સપનું:  એ દોદોહી સાથે એના ઘરે ગયો છે. મમ્મી, પપ્પા, ભાઈ ભાભી અને બીજા બધા ઓળખીતા લોકો દોદોહીને જોવા આવ્યા છે. એ બધા સાથે ખૂબ સુંદર રીતે વર્તી રહી છે. સૌ મને એના જેટલી સુંદર, વિવેકી અને હોશિયાર પત્ની મેળવવા બદલ અભિનંદન આપી રહ્યા છે. અચાનક કોઈ પૂછે છે કે તમારી કોઈ નાની બહેન છે? હોય તો મારી એની સાથે વાત ચલાવો. એ તમારા જેટલી ખૂબસુરત નહીં હોય તો પણ ચાલશે.
દોદોહી તરત જ ઊભી થઈ કહે છે, “મારે કોઈ નાની બહેન નથી પણ મારા જેવી જ બીજી છોકરી તમે કહો એટલી હું મંગાવી આપું. એને માટે તમારે અમુક રકમ ચૂકવવી પડશે. અમારી કંપની તમને ઇએમઆઇની સુવિધા પણ આપશે. હું તમને અમારી લેટેસ્ટ ડિઝાઇનની છોકરીઓનું મેન્યુ કાર્ડ આપું છું તમને ગમે તે પીસ તમે પસંદ કરી શકો છો." આટલું કહી એ એનું મોઢું ખોલી જીભ બહાર કાઢે છે ને બીજી જ પળે એના મોઢામાંથી એક પેપર સ્લીપ સરરરર...કરતી બહાર આવે છે. એ પેપર સ્લીપને હાથમાં લઈ દોદોહી સામે લંબાવી રહી છે. ત્યાં હાજર બધા એની સામે ફાટી આંખે જોઈ રહ્યા છે. એ સ્મિત આપી રહી છે. હવે સૌ આશુતોષ તરફ જોઈ એ કંઈક જવાબ આપે એની રાહ જોઈ રહ્યા છે. આશુતોષ શું જવાબ આપે, “મારી પત્ની એક માનવ નહીં પણ એક સુપર ઇન્ટેલિજેન્ટ રોબોટ છે" બસ, આટલું જ એણે કહેવાનું હતું પણ એ શબ્દો એના મોઢાંની બહાર આવી જ નહોતા રહ્યા. ક્યાંક એને લાગતું હતું કે જે લોકો એને દોદોહી જેવી પત્ની મેળવવા બદલ ભાગ્યશાળી માની રહ્યા હતા, એના વખાણ કરી રહ્યા હતા એમને જ જ્યારે ખબર પડશે કે દોદોહી એક રોબોટ છે ત્યારે એ લોકો આશુતોષ સામે જોઈ હસશે, એની મજાક ઉડાવશે...
એણે આંખો ખોલી નાંખી અને ખુલ્લી આંખે છત સામે જોઈ રહ્યો. આછા અજવાળામાં એને ત્યાં એક ગરોળી ફરતી દેખાઈ. એને જ જોતો જોતો પછી એ સૂઈ ગયો.
ચોથી રાતે જાગતી આંખે જોયેલું સપનું: હવે એમના લગ્નને ખાસ્સો સમય થઈ ગયો છે. આશુતોષના માથેથી વાળ થોડા ઓછા થયા છે. એનું પેટ બહાર આવી ગયું છે પણ દોદોહી? એ તો હજી એવી ને એવી જ છે. આશુતોષને એની માંડ વીસેક વરસની લાગતી પત્નીને જોઈ સારું લાગે છે પણ મનમાં થાય છે કે લોકો અમારી જોડીની મજાક ઉડાવશે. હું ઘરડો થઈ જઈશ ને આ આવી ને આવી રહેશે એ ઠીક નથી લાગતું. આશુતોષ દોદોહીને કહે છે કે તું પણ મારી જેમ થોડીક ઉંમરલાયક દેખાય એવું કંઈક કર. એ આશુતોષની વાત માની જાય છે ને તરત જ એના ચહેરા પરની ચામડી હલવા લાગે છે. એ જાણે કોઈ રબર આગમાં પીગળી રહ્યું હોય અને એનો આકાર બદલે એમ હાલી રહી હોય છે. એક જ મિનિટ બાદ એની ચામડી પર કરચલીઓ આવી જાય છે. એ જાણે સીતેર એંસી વરસની ડોશી હોય એવી દેખાવા લાગે છે. આશુતોષ તરત જ ચિલ્લાઈને કહે છે, “નહીં, નહીં, આટલી બધી ઘરડી થવાની જરૂર નથી. તું એક કામ કર ખાલી થોડી જાડી થઈ જા. ચાલીસ વરસે સ્ત્રીઓનું શરીર થોડું ભરાવદાર થયું હોય એવું તું ભરાવદાર શરીર કરી લે."
“ઓકે." એણે જોરથી શ્વાસ લીધો ને એ હવા એના શરીરની અંદર ભરતી હોય એવું કશુંક કર્યું. તરત જ એના શરીરના વિવિધ અંગો ફૂલવા લાગ્યા. એના હાથ, કમર, પેટ, પગ, ગાલ બધું જ ફુગ્ગામાં હવા ભરીએ અને ફૂલાય એમ ફૂલી ગયું હતું. એ ખૂબ વિચિત્ર લાગી રહી હતી. આશુતોષે કહ્યું, “અન ડુ, અન ડુ કર. તું પહેલા જેવી હતી એવી જ રહે. કોઈ જાતના અખતરા ના કરીશ."
આસુતોષને થયું કે સુંદર વીસ વરસની દોદોહી અને ઉંમરલાયક કાર્ટૂન જેવી દેખાતી એ બંનેમાંથી જો તેણે કોઈ એક પસંદ કરવાની હોય તો વીસ વરસ વાળી જ બેસ્ટ છે.
પાંચમી રાતનું જાગતી આંખે જોયેલું સપનું: એની ઇચ્છા હવે પિતા બનવાની હતી. એણે દોદોહી અને નિર્ઝર બંને સાથે આ મુદ્દે વાત કરી હતી. એમણે  એને સામે કેટલાક સવાલ પૂછ્યા હતા,
તારે કેવું બાળક જોઈએ છે? એનામાં તારા જ DNA હોવા જોઈએ કે બીજી કોઈ પણ વ્યક્તિના ચાલે?
તારે સંપૂર્ણ રીતે માનવ હોય એવું જ બાળક જોઈએ છે કે અડધું માણસ અને અડધું રોબોટ હોય એવુ પણ જોઈ જોવું છે?
તું એક રોબોટ બાળકનો પિતા બની શકે છે. એમાં તું જેવું ઈચ્છીશ એવું જ સંતાન તને મળશે.
તું તારું બાળક દોદોહીને પેટેથી જન્મ લે એવું ઇચ્છે છે કે એ તમારા ઘરમાં જ એક વિશેષ બોક્સમાં બાળકનો વિકાસ કરાવે એવું પણ ચાલશે?
તું કોઈ બીજી સ્ત્રી પાસેથી સંપૂર્ણ પણે માનવ હોય એવું બાળક પેદા કરી, બાળકના જન્મ સાથે જ એને ઘરે લઈ આવી ઉછેરી શકે છે. એમાં દોદોહી બાળકની મમ્મી બની એનું દરેક રીતે ધ્યાન રાખશે.
આશુતોષ નવા નવા સવાલો વિશે, એક બાળકને માનવ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બંને સાથે મળીને કેવી રીતે પેદા કરી શકે એ વિશે વિચારતા વિચારતા સૂઈ ગયો.
છઠ્ઠી રાતે: દુનિયા પર માનવ અને રોબોટ્સ વચ્ચે લડાઈ ફાટી નીકળી હતી. એક તરફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ હતું ને બીજી બાજુ માણસો. એણે પોતાની વહાલસોયી પત્નીને પૂછ્યું કે તું કોના પક્ષે રહીશ? તું છેલ્લા દસ વરસથી મારી પત્ની છે, મારા બાળકની માતા છે, તું મને પ્રેમ કરે છે...તું ફક્ત તારામાં એક વાયરસ ઘૂસી જતા બદલાઈ તો નહીં જાય ને?
જવાબમાં એ સહેજ હસી. એણે પોતાના બે હાથ લંબાવી આશુતોષના બે ગાલ પર મુક્યા. આશુતોષને એમ કે હવે એ એક મીઠી કિસ કરશે ને એ મને કેટલું ચાહે છે એ મતલબનું કંઈક કહેશે...એ હજી તો આ વિચારતો હતો ત્યાં તો દોદોહીએ એના ડાબા ગાલ પર એટલું વજન આપ્યું કે એનું ડોકું જમણી બાજુ ઢળી પડ્યું. એણે પોતાના ગરદનના હાડકા તૂટવાનો અવાજ સાંભળ્યો, ના સાંભળ્યો ને એ મરી ગયો.
હવે આગળ કશું જ વિચારવાની એની હિંમત ન થઈ. એ આંખો ખુલ્લી રાખી વહેલી સવાર સુધી જાગતો પડ્યો રહ્યો.
સાતમી રાત:  એ ખૂબ રોમેન્ટિક મૂડમાં હતો. દોદોહીએ પારદર્શક નાઇટી પહેરી હતી. કાળા રંગના એ પાતળા કપડામાંથી એના એક એક અંગ ચોખ્ખા દેખાઈ આવતા હતા. આશુતોષની નસોમાં વહેતું લોહી ગરમ થઈ ગયું હતું. દોદોહી આજે શરારત કરવાના મૂડમાં હતી. એણે આશુતોષના હાથે હાથકડી પહેરાવી એનો બીજો છેડો પલંગ સાથે બાંધી દીધો હતો. એ ઇચ્છે તો પણ પલંગ છોડી ઊભો થઈ શકે એવી દશામાં ન હતો. દોદોહી વિવિધ ચેનચાળા કરતી આશુતોષના શરીર પરથી એક એક કપડું હટાવી રહી હતી. શર્ટ ગયો, પેન્ટ ગયું, અંડરવેર પણ અડધો નીચે સરકાવી દેવાયો હતો ને અચાનક દોદોહી સ્થિર ઊભી રહી ગઈ.
“કમોન ડાર્લિંગ તું ઊભી કેમ રહી ગઈ? આગળ વધ, હવે મારાથી નથી રહેવાતું, નથી સહેવાતું, તું આમ મને તડપાવ નહીં. દોદોહી, દોદોહી તું કેમ પથ્થર બની ઊભી રહી ગઈ છે? અરે મારા હાથ તો ખોલ..."
આશુતોષ ગાંડાની જેમ ચીસો પાડતો રહ્યો ને દોદોહી નિર્જીવ પૂતળા સી ઊભી રહી ગઈ હતી. આખરે માંડ માંડ જુગાડ કરીને આશુતોષે પોતાનો હાથ છોડાવ્યો ને દોદોહી પાસે ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે એની બેટરી પૂરી થઈ ગઈ હતી!
આ દિવાસ્વપ્ન જોતી વખતે આશુતોષને એક વિચાર એ પણ આવી ગયો કે લોકો જેમ બીજાના મોબાઇલ ફોન, લેપટોપ વગેરે હેક કરે છે એમ કોઈએ દોદોહીને હેક કરી લીધી તો? એનાથી પણ આગળ એક બીજો વિચાર આવ્યો, જો કોઈ વાર એની અને દોદોહી વચ્ચે ઝઘડો થયો અને એ એના પાવર વાપરી અશુતોષને ટૉર્ચર કરે તો? એ ધારે તો એને ઘરમાં કેદ કરી દઈ શકે, એના ફોનમાંથી ગમ્મે ત્યાં મેસેજ, કૉલ કરી શકે. કોઈ પણ લખાણ સોશ્યલ મીડિયા પર મૂકી શકે, એનું બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરી અશુતોષને એક એક રૂપિયા માટે તડપાવી શકે, એના ઘરમાં જે જે સ્માર્ટ કહી શકાય એવી ઇલેકરોનીક આઈટમ છે એ દરેક દોદોહી કહે એમ જ વર્તે એ પણ શક્ય છે. દાખલા તરીકે આશુતોષ બાથરૂમમાં નહાઈ રહ્યો હોય. એ એના સ્માર્ટ ગિજરને કહે કે હુંફાળું,વોર્મ વોટર આવવા દે અને ત્યાં જ દોદોહી કોઈ કારસ્તાન કરે અને શાવરમાંથી ઊકળતું પાણી આવવા લાગે તો? 
આગળ વિચારવાની એની હિંમત નહોતી. એ રાત્રે એણે નક્કી કર્યું કે ભાડમાં ગયો આ ટાસ્ક. એણે વિચારી વિચારીને એના ભેજાનું દહીં નથી કરવું.
નવમો ટાસ્ક: તમે ફરી અઢાર વરસના થઈ જાઓ તો? આશુતોષે આ ટાસ્ક વિશે વિચારવાનું હાલ પૂરતું જવા દીધું. એણે વિચાર્યું કે પહેલા હાલ જેટલું બદલી શકાય એમ છે એ બદલી લેવું જોઈએ. આગળનું  એ પછી વિચારશે. એને એક વિચાર એ પણ આવ્યો કે કદાચ એવું બને કે આવનારા થોડાક વરસોમાં માનવ ટાઈમ ટ્રાવેલ કરવાનું શોધી લે અને ભૂતકાળમાં જઈ બદલાવ લાવવાની વાતો ખરેખર સાચી પુરવાર થાય.
દસમો ટાસ્ક: લવ, પ્રેમ, પ્યાર, મુહોબ્બત...
આ ટાસ્ક પૂરો કરવામાં એને સૌથી વધારે મજા આવી રહી હતી. આમાં એ દોદોહીને મળતો હતો. એની સાથે થોડોક સમય પસાર કરતો હતો. એને હવે ખ્યાલ આવી ગયો હતો કે જેવી એની આંગળીઓ દોદોહીની કમર પર ફરતી એ એની આંગળીઓ સ્કેન કરતી હતી અને જેવી એને ખાતરી થાય કે આ આશુતોષ છે એ સહેજ નજીક આવીને એને ગળે વળગી પડતી હતી. આશુતોષે એ પણ જાણી લીધું હતું કે જેવું એ દોદોહીની છાતી પર સ્પર્શ કરે એ આશુતોષના હોઠ પર એક લાંબુ ને ગરમાગરમ ચુંબન આપતી હતી!
આ બધું દોદોહીમાં પ્રોગ્રામ કરાયેલું હશે જે લગ્ન બાદ એના યુઝર મેન્યુઅલમાં આવવાનું હશે એવું વિચારી આશુતોષ રાજી થતો હતો. ગમતી સ્ત્રી સાથેના ચુંબનનો અનુભવ જ એટલો આહલાદક હતો કે એની સાથેનું આગળનું વિચારતા જ આશુતોષને ગલગલીયા થવા લાગતા હતા. આ એક એવી સ્થિતિ હતી કે આશુતોષ ઘડીભર બધું જ ભૂલીને દોદોહીના માખણ જેવા મુલાયમ અંગોમાં સમાઈ જવા સિવાય બીજું કશું જ વિચારી નહોતો શકતો....આખરે એક ત્રીસેક વરસનો કુંવારો પુરુષ જેણે એની જિંદગીમાં ક્યારેય કોઈ સ્ત્રીનો માદક સ્પર્શ નથી માણ્યો એને જો પરી જેવી રૂપાળી સ્ત્રી આવીને વળગી પડે તો એ વિચાર કરવા રોકવાનો કે એ પળનો ભરપૂર આનંદ લેવાનો?
આશુતોષ સ્વેચ્છાએ મગજ પર પડદો પાડી દોદોહીના આલિંગન અને ચુંબનો માણી રહ્યો હતો. એના શરીરના પર્વતો અને ખાડાઓની લંબાઈ પહોળાઈ સ્પર્શીને અનુભવી રહ્યો હતો. સ્ત્રી પુરુષ વચ્ચેનું જે ખરું મિલન કહેવાય એ હજી બાકી હતું પણ ત્યાં સુધી પહોંચતા પહેલા જેટલું શક્ય બને એટલું એ ભોગવી લેવા ઇચ્છતો હતો, ભોગવી રહ્યો હતો.
અગિયારમો ટાસ્ક હતો થોડાક સ્વાર્થી બનવાનો. બધા જ સંબંધો, આદર્શો, દુનિયા ને દુનિયાદારી ભૂલી ફક્ત પોતાને વિશે વિચારવું ને પોતાનો આત્મા પ્રસન્ન થાય એવું કામ કરવું. એ સુંદર ખાણું ખાતો, મનગમતું કામ કરતો, મન થાય ત્યારે ગિટાર વગાડતો, ઇચ્છા થાય ત્યારે ઘરે મમ્મી સાથે કે મિત્રો સાથે ફોન પર વાતો કરતો ને બધાથી પર ગાંડાની જેમ દોદોહીને પ્રેમ કરતો...એ સ્ત્રી છે કે રોબોટ એ વિચારવાનું એ ભૂલી જાય ત્યારે દોદોહી સાથે ગાળેલી ક્ષણો એના જીવનની બેસ્ટ ક્ષણો બની રહેતી હતી એ વાતમાં કોઈ શંકા નહોતી.
એ સ્વાર્થ હોય તો સ્વાર્થ ને ગાંડપણ હોય તો ગાંડપણ, આશુતોષ એટલું જાણતો હતો કે હાલ જે સુખ એના ખોળામાં આવી પડ્યું હતું એનો ફાયદો ઉઠાવી લેવાનો હતો. ભવિષ્યની ચિંતા કર્યા વગર એણે આ ક્ષણમાં જીવવાનું હતું. હાલ એની સાથે દોદોહી હતી, એનો પ્રેમ એની જિંદગી એની સાથે હતી અને એ ખુશ હતો, જીવનમાં ક્યારેય ન થયો હોય એટલો ખુશ હતો!
બે મહિના પૂરા થતા જ એણે રાતના સૂતા પહેલા નિર્ઝરને એક મેસેજ મોકલ્યો,
“હે નિર્ઝર
તે મને જે ઇલેવન ટાસ્ક્સ પૂરા કરવા કહ્યું હતું એ મેં કરી લીધા છે. હું સાચે જ દોદોહીને ચાહવા લાગ્યો છું. એ માણસ હોય કે રોબોટ એનાથી મને કોઈ ફરક નથી પડતો. આઈ જસ્ટ લવ હર અને હું એની સાથે જિંદગીભર જોડાઈ રહેવા ઇચ્છું છું પણ એક પ્રેમી તરીકે, પતિ તરીકે નહીં. હું એની સાથે લગ્ન નહીં કરી શકું અને હું એને છોડવા પણ નથી માંગતો. એ જીવનભર મારી સાથે મારી ગર્લફ્રેન્ડ બનીને ન રહી શકે? એ જો એક રોબોટ છે, સાચુકલી સ્ત્રી નથી તો પછી લગ્ન કર્યા વગર પણ અમે સાથે રહી જ શકીએ ને?”