Kunwaro Jeth - Part 12 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 12

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 12

બીજા દિવસે સવારે સુરજપર ગામમાં શરણાઈઓ અને ઢોલના ધબકારા શરૂ થઈ ગયા. જગાભાઈ વરરાજાના ઠાઠમાં તૈયાર થયા હતા. માથે સોનેરી સાફો, કમરે કટાર અને ગળામાં મોતીનો હાર. મૂછોને આજે ખાસ લીંબુનો રસ લગાવીને એવી કડક કરી હતી કે પવન વાય તોય મૂછનો વળ હેઠો ન નમે! ગીતા અને કવિતા લાજ કાઢીને જાનેયાઓ સાથે ચાલતી હતી, મનોમન રાજી થતી હતી કે ગઈકાલે જેઠને બરાબરના ખંજવાળ્યા.

જાન ધામધૂમથી મોતીપુરા ગામમાં ગિજુભાઈના આંગણે પહોંચી. ગિજુભાઈએ સામૈયું કર્યું અને વરરાજાને વટથી મંડપ તરફ દોરી ગયા. સોનલ પણ પાટોળામાં સજ્જ થઈને ચોરીમાં આવીને બેસી ગઈ. એની આંખોમાં જગાભાઈ માટે એક ખાસ સન્માન હતું, કારણ કે જગાભાઈએ પોતાની બુદ્ધિથી એક લાખ રૂપિયા કમાઈને બતાવ્યા હતા.

ગોરબાપાએ મંત્રોચ્ચાર શરૂ કર્યા, "મંગલમ્ ભગવાન વિષ્ણુ..." અને હસ્તમેળાપની ઘડી આવી. બરાબર એ જ સમયે જગાભાઈએ ગોરબાપાના કાનમાં ધીમેથી કંઈક કહ્યું અને ખિસ્સામાંથી એક કડકડીતી નોટ ગોરબાપાના હાથમાં સરકાવી દીધી.

ગોરબાપાએ અચાનક માઇક હાથમાં લીધું અને મોટી ઘોષણા કરી, "સાવધાન! આ પંથકનો એક જૂનો સામાજિક નિયમ છે કે જ્યારે ઘરના મોટા ભાઈના લગ્ન થાય, ત્યારે એમનાથી નાના ભાઈઓ અને એમની પત્નીઓએ આખી જાન સામે ઊભા થઈને વરરાજાના વખાણ કરતા લોકગીતો ગાવા પડે! જો નાના ભાઈઓ ગીત ન ગાય, તો આ હસ્તમેળાપ અધૂરો ગણાશે અને કન્યા ચોરીમાંથી ઊભી થઈ જશે!"

આ સાંભળીને ભગો અને દિલો સ્તબ્ધ થઈ ગયા! ગીતા અને કવિતાના તો હોશ જ ઊડી ગયા. આવો કોઈ નિયમ આખા પંથકમાં ક્યારેય હતો જ નહીં! આ તો કુંવારા જેઠે ગોરબાપાને સેટ કરી દીધા હતા.

ગિજુભાઈએ પણ કીધું, "હા ભાઈ, જો રીત-રિવાજ હોય તો પૂરો કરવો જ પડે. ભગાભાઈ, દિલાભાઈ, ચાલુ કરો ગીત!"

જગાભાઈએ ચોરીમાંથી જ ગીતા અને કવિતા સામે જોઈને મૂછ પર હાથ ફેરવ્યો, જાણે કહી રહ્યા હોય— 'ખંજવાળનો બદલો વ્યાજ સાથે ચૂકવવો પડશે વહુબેટા!'

ભગા અને દિલા પાસે કોઈ રસ્તો નહોતો. આખી જાન અને મોતીપુરા ગામના લોકો એમની સામે જોઈ રહ્યા હતા. ભગાએ ગીતાને કોણી મારી, "ગાવા માંડો નહીતર મોટાભાઈ લગન નહિ કરે ને આપણી આબરૂ જશે!"

ગીતા અને કવિતાએ નારાજ થઈને, મોંઢું બગાડીને માઇક હાથમાં લીધું. ભગો અને દિલો પાછળ ધોણિયા (કોરસ) તરીકે ઊભા રહ્યાં. જગાભાઈએ ફરમાઈશ કરી, "ગીત એવું હોવું જોઈએ જેમાં મારા વખાણ હોય!"

ગીતાએ ધ્રુજતા અને કડવા અવાજે ગાવાનું શરૂ કર્યું:

જેઠજી અમારા સુરજપરના શાન,

મૂછ વળે તો પવન પણ થાય હેરાન!

ટ્રેક્ટર હાંકે ને ખેતર કરે ખાલી,

એવા જેઠજી પર ગામ ગાય તાળી!

કમરે કટાર, ગળામાં મોતીનો હાર,

જેઠજી અમારા સાચા રાજા દરબાર!

પેંડા ચાવીને ચોરીમાં બેઠા,

હા જગાજી ....જી જગાજી.....હો જગાજી....

પાછળથી ભગા અને દિલાએ બેય હાથ ઊંચા કરીને ઝીલ્યું,

"હા જેઠજી હા.. હા જગાજી હો જગાજી.....જીયો જીયો જગાજી..."

આખું મંડપ હસી-હસીને લોથપોથ થઈ ગયું. ગીતા અને કવિતાની આંખોમાં આબરૂ જવાના લીધે પાણી આવી ગયા હતા, પણ જગાભાઈ ખાટલેથી સીધા ચોરીમાં બેઠા બેઠા પેંડા ચાવતા વિજયી સ્મિત વેરતા હતા. સોનલ પણ આ દ્રશ્ય જોઈને મનોમન હસતી હતી કે મારા વર આખા ઘરને કેવા નચાવે છે!

ગીત પૂરું થયું એટલે ગોરબાપાએ કીધું, "શાબાશ! હવે હસ્તમેળાપ પાકો!" અને જગાભાઈના લગન વિધિવત સંપન્ન થયા. જગાભાઈ હવે 'કુંવારા જેઠ' માંથી 'પરણેલા જેઠ' બની ગયા હતા.

પણ વાર્તા અહીં પૂરી નહોતી થતી. લગન પતાવીને જ્યારે જાન પાછી સુરજપર આવી અને સોનલે ઘરમાં ગૃહપ્રવેશ કર્યો, ત્યારે એણે ડેલાના ઊંબરા પર જ પગ મૂકીને આખા ઘર સામે એક એવી નવી શરત મૂકી દીધી, જે સાંભળીને જગાભાઈના પોતાના હોશ ઊડી ગયા!

નવી જેઠાણી સોનલે એવી કઈ શરત મૂકી? અને શું જગાભાઈ હવે પોતાની જ પત્નીના સકંજામાં ફસાવાના હતા?

જુઓ આગળનો ભાગ - ભાગ ૧૩!