Kunwaro Jeth - Part 13 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 13

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 13


નાથુજીના ઘરના આંગણે કંકુ પગલાં પાડવા માટે તાસક તૈયાર હતી. ગીતા અને કવિતા મોંઢા બગાડીને આરતીનો થાળ લઈને ઊભી હતી, કારણ કે મંડપમાં એમની જે ફજેતી થઈ હતી એનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો.

જગાભાઈએ મૂછ પર જોરદાર વળ દીધો અને સોનલ સામે જોઈને બોલ્યા, "લ્યો સોનલ! પધારો તમારા રાજમાં. આજથી આ ડેલાના અસલી જેઠાણી તમે જ છો."

પણ સોનલે કંકુના થાળમાં પગ મૂકતા પહેલાં પોતાનો હાથ ઊંચો કર્યો, "જરા ઊભા રહો, જગાજી! જમીનદારની દીકરી ઊંબરો ઓળંગે એના પહેલાં ઘરના નિયમો પાકા કરવા પડે. મેં કાલે જ તમારા બ્લોગ 'કુંવારા જેઠની કલમે' ના બધા ભાગ ફરીથી વાંચ્યા."

જગાભાઈ હસ્યા, "અરે એ તો હવે વાયરલ થઈ ગયો છે સોનલજી! એ તો આપણી કલમનો પાવર છે."

"એ જ તો મુસીબત છે!" સોનલે કડક અવાજે કીધું, "તમે વાર્તાઓમાં લખ્યું હતું કે હું આવીને આ ઘરની ચાવીઓ સંભાળીશ અને તમારી બધી પંચાતો બંધ કરાવીશ. એટલે હું મારી સાથે ઘરનો નવો લેખિત કાયદો લઈને આવી છું." સોનલે પોતાના પર્સમાંથી એક કાગળ કાઢ્યો, જે આબેહૂબ કોઈ સરકારી નોટિસ જેવો લાગતો હતો!

સોનલે મોટેથી વાંચવાનું શરૂ કર્યું, "નિયમ નંબર ૧: આજથી જગાજી સવારે અગિયાર વાગ્યે નહિ, પણ વહેલા છ વાગ્યે જાગશે અને ભગા-દિલા સાથે સીમમાં આંટો મારવા જશે!

નિયમ નંબર ૨: ચોરે બેસીને આખો દિવસ માવા ઘસવા પર કડક પ્રતિબંધ! એના બદલે જે ડિજિટલ માર્કેટિંગ અને વાર્તાઓ લખીને તમે એક લાખ કમાયા, એ લેખન કાર્ય રોજ બપોરે બે કલાક ફરજિયાત કરવું પડશે, જેથી ઘરની આવક ચાલુ રહે! અને નિયમ નંબર ૩: ઘરમાં ગીતા અને કવિતા પોતાની મરજીથી રસોડું સંભાળશે, એમના પર કોઈ હુકમ નહિ ચાલે!"

આ સાંભળીને ગીતા અને કવિતાના ચહેરા પર એકાએક રોશની આવી ગઈ! બંને એકબીજા સામે જોઈને તાળીઓ આપવા લાગી. ગીતા બોલી, "વાહ જેઠાણી વાહ! તમે તો આવતાની સાથે જ મોટા જેઠની બધી હવા કાઢી નાખી!"

જગાભાઈ તો સાવ આબા જ બની ગયા. એમણે વિચાર્યું હતું કે જમીનદારની બહેનને લાવીને વહુઓ પર રાજ કરશે, પણ આ સોનલ તો વહુઓની જ પક્ષકાર નીકળી અને પોતાના જ બ્લોગના શબ્દો પોતાના પર જ હથિયાર બનાવીને વાપરી દીધા!

નાથુજી હસી પડ્યા, "હા ભાઈ હા! વહુ ભણેલી છે એટલે કાયદા પાકા લાવ્યા. જગા, હવે તારો વટ ગયો, છ વાગ્યે તૈયાર થઈ જજે સીમમાં જવા!"

જગાભાઈએ લાચાર થઈને સોનલ સામે જોયું, "અરે પણ સોનલજી, આ સવારે છ વાગ્યે જાગવાનું અને માવા બંધ કરવાનું જરા..."

"કોઈ જરા-તરા નહિ, જગાજી! આ મારી પહેલી અને છેલ્લી શરત છે, મંજૂર હોય તો જ કંકુ પગલાં થાય," સોનલે ચશ્મા સરખા કરતા કીધું.

જગાભાઈ સમજી ગયા કે હવે ખોપડી દોડાવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે આ જેઠાણી એમની પણ ગુરુ નીકળી હતી. એમણે હસતા હસતા કીધું, "નિયમ મંજૂર છે, મારા સોશિયલ જેઠાણી સાહેબ! હવે ગૃહપ્રવેશ કરો."

સોનલે હસીને કંકુના પગલાં પાડ્યા અને ઘરમાં પ્રવેશી. ગીતા અને કવિતાએ જેઠની ખેંચેલી પંચાતનો અંત હવે ખુદ જેઠાણીના હાથે જ થઈ ગયો હતો. જગાભાઈનું કુંવારાપણું પણ ગયું અને સાથે ચોરે બેસવાની આઝાદી પણ ગઈ!

સાંજે જગાભાઈ ઓસરીમાં ખાટલે એકલા બેઠા હતા, મોઢામાં માવો નહોતો એટલે હાથ સૂના લાગતા હતા. ગીતા અને કવિતા રસોડામાંથી ચાના કપ લઈને આવી.

ગીતાએ ચાનો કપ આપતા કીધું, "લ્યો મોટા જેઠજી, ચા પી લ્યો! અને હા, કાલે સવારે છ વાગ્યે સીમમાં જવાનું છે એટલે એલાર્મ ગોઠવી દેજો, નહીતર જેઠાણીસાહેબ નવો નિયમ નંબર ૪ બહાર પાડશે!"

જગાભાઈએ ચાની ચુસ્કી લીધી, પોતાની મૂછ પર છેલ્લો હળવો વળ દીધો અને બોલ્યા, "વહુઓ, આ જગો ભલે હારી ગયો, પણ મારી આ વાર્તાનો છેલ્લો ભાગ જ્યારે હું ઇન્ટરનેટ પર મૂકીશ ને, ત્યારે આખું પંથક તાળીઓ પાડશે કે— કુંવારા જેઠને સીધા કરવા માટે ખુદ વિધાતાએ સોનલ નામનું સોશિયલ પ્રૂફ મોકલ્યું હતું!"

આખું ઘર હસી પડ્યું અને સુરજપર ગામના આ ડેલામાં 'કુંવારા જેઠ' ની રમુજી પંચાત હવે એક સુખી અને શિસ્તબદ્ધ પરિવારના રંગમાં બદલાઈ ગઈ... કુંવારા જેઠ હવે પરણેલા જેઠ બની ચૂક્યા હતા પણ ............. લગ્ન જીવન ના પડકારો અને સાંસારિક જીવન કેવું રહેશે તે જોઈશું નવા ભાગ માં ..........

ક્રમશ....