Dubata suraje lavyu prabhat - 11 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 11

(ગયા ભાગમાં આપણે જોયું કે સ્વર્ણિમ અને શૈલજા અમાસે શુભાંગીની નો પીછો કરી વેશ્યાલયનું રાઝ જાણી જાય છે. શૈલજાને વેશ્યાલયમાં પ્રવેશવામાં નિષ્ફળતા મળે છે એટલે સ્વર્ણિમ વેશ્યાલયમાં ગ્રાહક બનીને જાય છે અને વેશ્યાલયની સંચાલક રમા તેને રૂમ નંબર 5 માં જવાનું કહે છે. સ્વર્ણિમ જેવો જાય છે ત્યાં એને અંદર એક યુવતી શર્ટ પકડી ખેંચી લે છે હવે આગળ...)

એ યુવતીએ સ્વર્ણિમને શર્ટ પકડી અંદર ખેંચી બારણું બંધ કરી દીધું. અંદર પહોંચી સ્વર્ણિમએનો ચહેરો જોતા એ અવાક બની ગયો!! સ્વર્ણિમે પહેલા તો એને દૂર હડસેલી દીધી. " રુચિકા તું અહીં!! આવી જગ્યાએ શું કરે છે!" સ્વર્ણિમે આશ્ચર્યથી પૂછ્યું. " કોણ રુચિકા? મારું નામ રૂપા છે રૂપા!" પેલી યુવતીએ ખચકાતા સ્વરે કહ્યું. "તમે જે કામ માટે આવ્યા છો એ પૂરું કરો અને જાઓ અહીંથી.. " રૂપાએ કહ્યું. "મને મૂર્ખ ના બનાવ.. હું જાણું છું તું રુચિકા જ છે.. મારી આંખો ધોકો ના ખાઈ શકે..." સ્વર્ણિમે કહ્યું. "જો હું કોઇ રુચિકા નથી કહ્યું ને મારું નામ રૂપા છે રૂપા! તમે તમારું કામ કરીને ચાલતી પકડો!" પેલી યુવતીએ નીચું જોઈ કહ્યુ. અને પલંગ પર જઈ સુઈ ગઈ... " હોય ના હોય તું રુચિકા જ છે.." સ્વર્ણિમે ફરી એજ સ્વરે કહ્યું..

"અરે કીધું ને સ્વર્ણિમ હું રૂપા જ છું" પેલી યુવતીએ ગુસ્સાથી કહ્યું.. પછી ભાન થતાં કે પોતે સ્વર્ણિમ બોલી ગઈ છે એ વાત બદલવા ગઈ તમે તમારું કામ કરી જાઓ અહીંથી કે હું મનું ભાઈને બોલાવું! એવું કહી એ બૂમ પાડવા જતી હતી કે સ્વર્ણિમે એનું મોં જોરથી દાબી દીધું અને ધમકી પણ આપી કે હવે કઈ પણ કરીશ તો... સ્વર્ણિમનું આ રૂપ જોઈ રુચિકા અત્યંત ગભરાઈ ગઈ... અને પછી સ્વર્ણિમે એને છોડી.

"હા હું જ છું રુચિકા.. એજ રુચિકા જે તારી સાથે શહેરમાં ભણતી હતી અને તને ભાઈ જેવો માનતી હતી.." સ્વર્ણિમ સાંભળી રહ્યો. "પણ તું તો કેટલી હોશિયાર અને દેખાવડી હતી અને આજે આવી જગ્યાએ શું કરે છે!!" સ્વર્ણિમે પૂછ્યું. "અરે મને પહેલેથીજ ફિલ્મોમાં જવાનો અને અભિનય કરવાનો કેટલો શોખ હતો એતો તને ખબર જ છે!" હવે સ્વર્ણિમ અને રુચિકા પલંગ પર બેઠા સ્વર્ણિમ થોડો દૂર બેઠો. રુચિકા આગળ બોલી, " એ અભિનયના શોખનું જ આ પરિણામ છે.. મને મુંબઈ લઈ જવાની લાલચ આપી મનુભાઇ અને આ રમા અહીં લઈ આવ્યા પછી મારા મોડેલિંગને બહાને એવા બિભત્સ ફોટા અને વીડીઓ લીધા અને હું મૂરખ! એની જાળ સમજી ના શકી! પછી મને અહીં કેદ કરી લીધી. મારા બધાજ ઓળખ પત્રો પણ જપ્ત કરી લીધા. અને મને પેલા ફોટા અને વીડીયો એ ક્યાય મોં બતાવા લાયકના રાખી.. અને હું અહીં કેદ થઈ ગઈ…

પછી મને એમ કે મારા મા બાપ ને ખંડણી માટે કહેશે પણ એ લોકોએ એવું ના કર્યું.. મને એક દિવસ એક ઓરડીમાં લઈ ગયા અને ત્યાં એક સ્ત્રી હતી.. સૌ એને રાણીમાં રાણીમાં કરતા હતા.. એણે આવી મારી કાયા નું નિરીક્ષણ કરી લીધું. જોઈ ખૂબ ખુશ થઈ ગઈ.. " જો છોકરી હવે અહીંથી ભાગવું તારે માટે શક્ય નથી! આજથી આજ તારું ઘર છે. હું તારું નામ રૂપા રાખું છું... એટલે હવે હું જેમ કહું એમ જ તારે કરવાનું છે. અહીં અનેક પુરુષો આવશે એમની ઈચ્છાઓ પૂરી કરવા.. તારે દરેક સાથે સારી રીતે વર્તવાનું છે. અને એ લોકો જે કે એમ જ કરવાનું છે.. તારી બધી લાજ શરમ ઊંચી મૂકી દેજે આજથી! કોઈની પણ ફરિયાદ આવવી ના જોઇએ તારા વિશે! અહીંથી જે કપડા અપાય એ જ પહેરવાના છે કોઇ પણ આનાકાની કરવાની નથી! સમજી ગઈ!" એણે મારી કાયા પર હાથ ફેરવતા કહ્યું. હું ખૂબ ડરી ગઈ અને પછી ત્યાં થી જતી રહી.. એકાદ વાર ભાગવા પ્રયત્નો કર્યા પણ પકડાયા પછી મને ઢોર માર માર્યો અને જુલમો વધારી દીધો. એટલે પછી મેં આશા છોડી દીધી અને પછી અહીંજ અનેક પુરુષોની વાસના.... "

"બસ કર રુચિકા બસ કર.. હું આગળ નઈ સાંભળી શકું.. "સ્વર્ણિમે તેને અટકાવી.. " પણ સ્વર્ણિમ તું અહીં શું કરે છે! તું તો ડેવલોપમેન્ટનું ભણવા ગયો હતો ને? " રુચિકાએ કહ્યું. " હા અને ભણવાનું પૂરુ ય કરીને કર્ણપુરીમાં નોકરી પણ કરું છું! " સ્વર્ણિમે કહ્યું. " તો પછી આજે અહી .. તું તો સારા અને સંસ્કારી ઘરનો છે પછી આવી જગ્યાએ..!" રુચિકાએ કહ્યું. "અરે હું કાઈ એવા આશયથી અહીં નથી આવ્યો રુચિકા.. મારે અહીં બીજું કામ હતું.." સ્વર્ણિમે કહ્યું. "અહીં બીજું શું કામ હોય સ્વર્ણિમ!" રુચિકાએ પૂછ્યું. "એ બધું હું તને અત્યારે નહીં કહી શકું.! બસ એટલું જાણીલે કે એ કોઈ રાણીમાં નહીં પણ શુભાંગીની છે.." સ્વર્ણિમે કહ્યું. "શું!? એટલે શુભાંગીની દેવી કે જેમને લોકો સાક્ષાત મા ગણે છે.. મેં એમને જોયા નથી પણ ઘણું સાંભળ્યું છે એમના અને એમના ચમત્કારો વિશે!" રુચિકાએ કહ્યું.. સ્વર્ણિમ મનમાં વિચારવા લાગ્યા એ ડાકણ વિશે લોકો કેટલા ભ્રમમાં છે! એ આગળ બોલવા જતો હતો ત્યાં જ બહારથી દરવાજો ખખડાવાનો અવાજ આવ્યો! બહારથી રમા બોલી રહી હતી.. "સાહેબ, એક કલાક પુરો થવા આવ્યો છે... વધારે વાર લગાડશો તો ચાર્જ ચડશે! રમા હસતા હસતા બોલી.. રમા જતી રહી પછી સ્વર્ણિમે કહ્યું કે રુચિકા તારો કોઈ નંબર હોય તો આપ.. હું પછીથી વાત કરીશ.." "તને લાગે છે કે આ લોકો મને કોઈ ફોન કે કઈ સાધન આપે! અહીંથી બહાર સુદ્ધા નથી જવા દેતા કોઇને પણ.. જ્યારથી અહીં આવી ત્યારથી એકપણ વાર બહાર પગ નથી મૂક્યો મેં.. મમ્મી પપ્પાને પણ નથી મળી! " રુચિકા રડી પડી. "રડ નહીં રુચિકા, હું જલ્દીથી કઈક કરીશ.. હું તને કોઈને કોઈ રીતે મળવા આવતો રહીશ. તું ધીરજ રાખજે.. અને હા કોઈને પણ ખબર ના પડવી જોઈએ કે આપણા વચ્ચે ભાઈ બહેન જેવો સંબંધ છે નહીંતો મારું અહીં આવવું મુશ્કેલ થઈ જશે!" સ્વર્ણિમ બોલી ગયા પછી રુચિકાએ હકારમાં માથું હલાવ્યું.. સ્વર્ણિમ દરવાજો ખોલી ફરી જાણે નશામાં હોય એવો ડોળ કરીને બહાર નીકળી ગયો. બહાર નીકળી તેને ચેન પડયું. અંદરના વાતાવરણ, દારૂની વાસ અને માહોલ થી એ ગૂંગળાઈ ગયો હતો.. છેવટે તેણે આ બધું શૈલજાને કહેવાનું વિચાર્યું. શૈલજા તો વાત જાણી આભી બની ગઈ! "મને એમ કે બધી સ્ત્રીઓ ત્યાં પૈસા માટે સ્વેચ્છાએ કામ કરે છે પણ એ બધાને તો આ ડાકણે જબરજસ્તી ગોંધી રાખી છે. એ પણ એમના શરમજનક ફોટા અને વીડિયોને આધારે...! હજી શું કરવાનું બાકી રાખ્યું છે આ મહામાયાએ.." શૈલજા નિસાસો નાખતા બોલી. "એટલું જ નહીં કાકી, એણે વરસોથી એમાંથી એકયને બહાર પણ નથી જવા દીધી. ખાવા, પીવા રહેવાનું બધું જ ત્યાં!!" સ્વર્ણિમ બોલ્યો. "પણ હવે આગળ શું કરીશું! આપણે આમ જાણીને હાથ પર હાથ ધરીને ના બેસી શકીએ બેટા! મારેય એક દીકરી છે.. કોઈની દીકરીની આવી હાલત આપણે કેમ કરીને જોઈ શકીએ!" શૈલજા બોલી. "પણ આપણે એમાં શું કરી શકીએ કાકી? એ લોકો આટલા વર્ષોથી ત્યાં છે.." સ્વર્ણિમે કહ્યું.. "બેટા જ્યારે કોઈનો સાથ મળે ને તો બધા રસ્તા ખૂલે છે અત્યાર સુધી કોઈને જાણ નહોતી પણ હવે આપણને ખબર છે! આપણે તેમની મદદ કરીશું.. જે થાય એ પણ આપણે મદદ કરીશું.. પણ એ માટે આપણે ત્યાં બધાને સમજવા પડશે કે કોઈ પોતાની મરજીથી તો નથીને ત્યાં! સૌનો મત જાણવો પડશે! " શૈલજાએ મક્કમતાથી કહ્યું. " પણ કાકી તમે અંદર કેવી રીતે જશો? તમને તો રમા ઓળખી જશે અને ભૂલથી ય શુભાંગીની પાસે વાત ગઈ તો ખેલ ખતમ! " સ્વર્ણિમે ચિંતામાં કહ્યું. " હા બેટા આ વાત સાચી છે, એટલે હું નઈ પણ તું જ ત્યાં જઈશ અને હું જેમ જેમ કહું એમ કરજે.. " શૈલજાએ કહ્યું.

"ના કાકી ! મને ત્યાં જવું બિલકુલ પસંદ નથી! મને ત્યાં એક એક મિનિટ કાઢવી અઘરી પડે છે.. ત્યાંનું વાતાવરણ પણ.." સ્વર્ણિમ ખચકાતા બોલ્યો. "મને ખબર છે બેટા પણ મારું જવું શક્ય નથી એટલે તો તારે જવાનું છે! કોઈએ તો કરવું પડશે ને! તારે તારી બહેન જેવી રુચિકાને બહાર નથી લાવવી?... તો હવે તું જ નિર્ણય લેજે બેટા!" કહી શૈલજા જવા લાગી."હું જઈશ, જરૂર જઈશ ભલે ગમે તે થાય.." સ્વર્ણિમ જુસ્સાથી બોલ્યો. તો ધ્યાનથી સાંભળ તારે ત્યાં જઈને શું કરવાનું છે.. બંને વચ્ચે વાત થઈ બંને છૂટા પડ્યા.. સ્વર્ણિમને ચિંતા હતી કે જોશમાં આવી શૈલજા કાકીને હા તો પાડી પણ ત્યાં જઈને મને બિલકુલ ચેન પડતું નથી મારે ખૂબ સાવધાન રહેવું પડશે. હવે ધીરે ધીરે સ્વર્ણિમે ત્યાં વેશ્યાલયમાં અવરજવર વધારી દીધી. રમા પણ ખૂબ હસતી , "શું સાહેબ તમને તો રૂપા નો ચસ્કો ચડી ગયો છે ને!, બે દિવસ પણ એના વગર રહી શકતા નથી.. કહો તો મહિનાનું બુકિંગ કરી દઉં તમારું!" રમા હસતાં અને પાનની પિચકારી નાખતા બોલી.. એ દિવસમાં દર કલાકે ગજરા બદલતી જેની સુગંધ બધે આવતી. તે શુભાંગીની ની અત્યંત વિશ્વાસુ હતી મનુભાઇ તો નામના હતા બાકી બધું આ રમા જ સાંભળતી.."આ બધી છોકરીઓ અહીંની જ છે કે બહારથી આવેલી છે?, તેઓ ક્યા રહે?.. વગેરે અનેક સવાલ સ્વર્ણિમ રમાને પૂછવા પ્રયત્ન કરતો પણ રમા ક્યારેય કોઈ જવાબ આપતી નહી.. માત્ર પૈસા લઈ એને તમે કેરી ખાવને સાહેબ, ગોટલીની ચિંતા ના કરો કહી વાત ફેરવી નાખતી. સ્વર્ણિમ દરેક વખતે રુચિકાને મળતો. તેણે રુચિકાને રમાની બધી હરકતો પર પણ નજર રાખવા કહ્યું હતું. રુચિકાંએ જણાવ્યું કે રમા રોજ રાણીદેવી જોડે એકવાર તો વાત કરે જ છે. રુચિકાએ બધા સાથે વાત કરી જે પણ જાણવા મળ્યું હોય એ પણ જણાવી દેતી. અને પછી સ્વર્ણિમ જતો રહેતો. સ્વર્ણિમ અને રુચિકા એવું નાટક કરતા કે રમાને શંકા ન જતી.. જોતજોતામાં સ્વર્ણિમે બધા વિશે માહિતી મેળવી લીધી.

હવે એને એક મોકાની તલાશ હતી અને એ લાલચુ રમાએ તેને સામેથી આપ્યો. સ્વર્ણિમ જાણી ગયો હતો રમાને પૈસાથી વધારે કશાથી પ્રેમ નથી.. એટલે એ એક દિવસ સવારમાં પહોંચી ગયો. રમા ત્યારે ત્યાં જ બેઠી હતી.."શું સાહેબ હમણાં અહીં ક્યાંથી ભૂલા પડ્યા ! સાંજનો સમય છે ને અહીંનો તો! જાઓ સાંજે આવજો! "રમાએ કહ્યું. " હા રમા બેન મારે રૂપાને હમણાં જ મળવું છે મને ચેન જ નથી પડતું એટલે આવી ગયો." સ્વર્ણિમે કહ્યું.. "એ જે હોય એ પણ સાંજે જ મળશે રૂપા! હમણાં તો નહીં જ.." રમાએ ઠોસમાં કહ્યું. પછી સ્વર્ણિમે પછી પૈસા કાઢયા.. એ જોઈ રમાનું મન બદલાયું પણ તેણે છતાં કીધું હું એક ફોન કરી લઉં પછી તમે જાઓ.. કહી રમાએ કોઈને ફોન કર્યો અને પછી પરવાનગી આપી દીધો. હકીકતમાં એણે શુભાંગીની ને ફોન કર્યો અને પૈસાની લાલચમાં બંને માની ગયા. પછી સ્વર્ણિમ રુચિકાના રૂમમાં જતો રહ્યો. રુચિકાએ યોજના પ્રમાણે બધાને ભેગા કરી લીધા હતા એના રૂમમાં! સ્વર્ણિમે બધી સ્ત્રીઓને મળી લીધું. બધી સ્ત્રીઓ અહીં વેશ્યાલયમાં મજબૂરીથી જ કામ કરી રહી હતી. સૌના બિભત્સ સબૂતો શુભાંગીની અને રમા પાસે હતા. સ્વર્ણિમ સૌને મળ્યો અને સૌને આશ્વાસન પણ આપ્યું કે તે અને શૈલજા તેમને જલ્દી મુકત કરાવશે. જોકે તેને ય ખબર હતી કે આ એટલું સરળ નહોતું પણ પેલી સ્ત્રીઓની હિંમત વધારવા આ જરૂરી હતું એટલે એણે કહી દીધું.

રમાને શંકા ગઇ કે રૂપા સ્વર્ણિમ સાથે છે પણ બીજી બધી કેમ દેખાતી નથી! એ તપાસ કરવા જતી હતી ત્યાંજ શુંભાંગીની નો ફોન આવ્યો અને એના મગજમાંથી પેલી વાત નીકળી ગઈ... છેવટે સ્વર્ણિમ સૌને મળી બહાર નીકળ્યો. બધી સ્ત્રીઓ ખૂબ ખુશ હતી પણ રમાને શક ના જાય એટલે એમણે મનમાં જ દબાવી રાખી.. સ્વર્ણિમ શૈલજાની સમજાવટ પ્રમાણે બધું કરી રહ્યો હતો. પણ હવેનું કામ અઘરું હતું. હવે એણે પેલા બધા સબૂત શોધવાના હતા જેનાં આધારે શુભાંગીની પેલી છોકરીઓને બ્લેકમેલ કરી રહી હતી. જે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું હતું. "કોણ જાણે એણે ક્યા રાખ્યા હશે એ નમુના કાકી?! કઈ રીતે શીધીશું?" સ્વર્ણિમે પૂછ્યું. "ધીરજ રાખ બેટા આટલે પહોંચ્યા છે તો આગળ પણ જવાશે. કોઈને કોઈ રસ્તો જરૂર મળશે!" શૈલજાએ કહ્યું..

***

થોડા દિવસો વીત્યા... શૈલજા અને સ્વર્ણિમ મંદિરમાં એકલા હતા. "કાકી પંદર દિવસ વીતી ગયા પણ હજી કશું મળ્યું નથી રોજ રોજ નિષ્ઠાના ઘરે જઈ પણ કઈ મળતું નથી.. ઉપરથી લગ્નનો દિવસ નજીક આવતો જાય છે." સ્વર્ણિમે કહ્યું. સ્વર્ણિમને નિષ્ઠા જોડે લગ્ન કરવાની જરાય ઇચ્છા નહોતી પણ તે દિવસે હવે નજીક આવી રહ્યો હતો અને હજી કશું હાથ લાગ્યું નહોતું.. "હે મા શકામ્બરી અમારી મદદ કરો માં.. એ ડાકણનો પર્દાફાશ કરવા માટે અને પેલી છોકરીઓને છોડાવા માટે એ સબૂતો મળવા ખૂબ અગત્યના છે! મદદ કરો માં.." કહી શૈલજાએ ઘંટ વગાડી પ્રાર્થના કરી.. એકવાર સ્વર્ણિમ લાગ જોઈને ધ્યાનકક્ષમાં પેસી ગયો એણે બારણું અંદરથી બંધ કરી દીધું.

સ્વર્ણિમ અને નિષ્ઠાના લગ્નની વિધિ શૈલજા અને તેના પતિ કરવાના હતા એટલે એ બહાને શૈલજા શુભાંગીની ને ઘેર આવી હતી. ધ્યાનકક્ષમાં માત્ર દિવાની જ રોશની હતી લાઇટો નહોતી. આ શુભાંગીની નગર સામે તો ડોળ કરે એ સમજાય પણ ઘરમાં આવો આધ્યાત્મિક કક્ષ કેમ બનાવ્યો હશે! નક્કી અહીં કઈ છે, બાકી એ અને રોજ અહીં ધ્યાન માટે આવે એ વાત ગળે ઉતરે એવી નથી.. તો પછી અહીં કેમ રોજ આવતી હશે! અનેક વિચારો સ્વર્ણિમના મગજમાં ચાલતા હતા. ઘરની બધી ચાવીઓ શુભાંગીની અને નિષ્ઠા પાસે જ રહેતી ભલે નિષ્ઠા પાસે ચાવી હતી પણ એ ક્યારેય જવાનું સાહસ કરતી નહી કેમ કે શુભાંગીની ની ત્યાં જવાની ચોખ્ખી ના હતી પણ સ્વર્ણિમે નિષ્ઠાના રૂમમાંથી ચાવીઓ લઈ અહીં પ્રવેશવાનું સાહસ કર્યું હતું. પણ આ સાહસ તેને ઘણું મોંઘુ પડી શકે તેમ હતું કેમ કે એ દિવસે અચાનક શુભાંગીની ધ્યાનકક્ષ તરફ આવી રહી હતી સ્વર્ણિમે દરવાજો અંદરથી ચાવીથી બંધ કર્યો હતો પણ શુભાંગીની પાસે ચાવી હતી એટલે દરવાજો ખુલી ગયો કાંઇક અવાજ આવતાં જ સ્વર્ણિમ ચમક્યો અને ગભરાયો પણ ધ્યાનકક્ષમાં ખૂબ અંધારું હતું એટલે એણે વિચાર કરીને પોતાને એક્દમ સ્થિર કરી દીધી અને થાંભલા પાછળ છુપાવી દીધી પણ એણે જોયું કે શુભાંગીની એ તરફ આવી જ નહીં પણ એતો ધ્યાનકક્ષની વિશાળ માં શકામ્બરીની મૂર્તિ પાસે ગઈ તેણે મુર્તિને સહેજ ધક્કો મારી પાછળ ખસેડી અને પાછળ ક્યાક ચાલી ગઈ. થોડી વાર સ્વર્ણિમને કઈ સમજાયું નહીં પણ તે બહાર ના નિકળ્યો. આટલું સાહસ કરીને અંદર આવ્યો છું કાંઈક તો જાણીને જ જઈશ.. બહાર નિષ્ઠા સ્વર્ણિમને આખા ઘરમાં શોધી રહી હતી અને બેચેન બની હતી..ત્યાં શૈલજાએ એને કહી દીધું કે એતો એના કાકીને ત્યાં પાછો ગયો છે એટલે નિષ્ઠા પણ બહાર જતી રહી.. શૈલજાને સ્વર્ણિમની ચિંતા થતી હતી ક્યારનો ગયો છે અંદર શું થયું હશે હજી કેમ નઈ આવ્યો હોય! હે માઁ શકામ્બરી એની રક્ષા કરજે.. થોડી વાર થઈ શુભાંગીની મૂર્તિ પાછળ થી નીકળી અને કશે જોયા વગર બહાર નીકળી ગઈ અને ચાવીથી બંધ કરી દીધું. પછી સ્વર્ણિમ થાંભલા પાછળથી નીકળ્યો અને એણે નિરાંતનો શ્વાસ લીધો.. એવું તો શું હશે મૂર્તિ પાછળ કે આ શુભાંગીની આટલી વાર ત્યાં રહી!

સ્વર્ણિમ મૂર્તિને પ્રણામ કરી પાછળ ગયો. ત્યાં થોડું અંધારું હતું. પણ ધ્યાનથી જોતા સ્વર્ણિમને કઈ દરવાજા જેવું દેખાયું. પણ એણે ખોલવાનો પ્રયત્ન કરતા કઈ ખુલ્યું નઈ છેવટે એણે ગુસ્સામાં આવી બારણાને લાત મારી તો બારણું ખૂલ્યું પણ અંદરથી બહાર નહીં પણ ઉપર થી નીચે!! એટલે બારણાનો ભાગ એની તરફ આવતા તે નીચે બેસી ગયો અને પછી નીચે સરક્તો અંદર ગયો. તેને ખૂબ નવાઈ લાગી કે આવું તો કઈ બારણું હોતું હશે કોઈ અંદર આવી પણ જાય તોય ખબર ના પડે કે અહીં બારણું હોઈ શકે! છેવટે સરક્તો સરક્તો અંદર ગયો. અંદર પણ અંધારું જ હતું. અરે આતો કઈ સ્ટોર રૂમ જેવું લાગે છે. સ્વર્ણિમ માં શકામ્બરીની મૂર્તિ પાસેથી દીવો લઈ આવ્યો હતો એ સળગાવ્યો તો સહેજ અજવાળું થયું. અરે આતો એક્દમ ખંડેર જેવો ભોંયરા જેવો રૂમ છે! અહીં શ્વાસ લેવોય મુશ્કેલ છે. પણ શુભાંગીની અહીં આવી હશે તો કાંઈક તો હશે જ! આટલા આલીશાન ઘરમાં આવી જગ્યા પણ હોય શકે! સ્વર્ણિમ વિચારમાં પડ્યો. એણે તપાસ શરૂ કરી દીધી થોડું ફમ્ફોસ્તા તેને થોડા કાગળીયા મળ્યા એણે જોયું તો એ મંદિરની જમીન ના હતા.. પછી બીજા ખાનામાં જુદા ટ્રસ્ટના હતા.. સ્વર્ણિમને નવાઈ લાગી આ બધા કાગળીયા અહીં શું કામ રાખ્યા હશે! પછી એણે વધુ જોયું પણ હવે કોઈ કાગળીયા નહોતા..અચાનક દીવો બંધ થઈ ગયો. અંધારું વધતા ભૂલથી થોડું કબાટ હલતા ઉપરથી એક ડાયરી અને બીજા કાગળીયા પડ્યા. એણે દીવો ફરી ચાલુ કર્યો. એણે જોયું તો એ કાગળીયાનું સરનામું તો વેશ્યાલયનું જ હતું. પણ કાગળીયા તો કોઈ પ્રૌઢ શિક્ષણ શાળાના બાંધકામના હતા!

સ્વર્ણિમ બધું સમજી ગયો કે આ કામ કોનું છે. પછી એણે ડાયરી ખોલી. તો એમાં કેટલાક નામ અને ઉંમરો તથા સામે પૈસાની નોંધ હતી. ધ્યાનથી વાંચતા એને ખબર પડી કે આતો પેલી સ્ત્રીઓના નામ છે!! રુચિકા વ્યાસ એ નામ પણ એણે જોયું સામે રૂપા લખેલું હતું અને કોઈ તારીખ મારી હતી. એટલે એને ખાતરી થઈ ગઈ કે આ એજ નામોની યાદી છે. તો પછી એમના સબૂત પણ અહીંજ ક્યાંક રાખ્યા હશે એ ડાકણે! તેણે આજુબાજુ નજર દોડાવી...તો બહાર શૈલજા માટે વાત સંભાળવી મુશ્કેલ બની હતી. નિષ્ઠા સ્વર્ણિમના ઘેર જઈ આવી પણ તે નહોતો એટલે ફરી શૈલજાને પૂછવા લાગી, "કાકી ક્યાં છે સ્વર્ણિમ? હું ઘરે ય જઈ આવી પણ ત્યાંય નથી., જોને બેટા અહીં જ કશે હશે!" કહી શૈલજાએ વાત દબાવી લીધી. તે વિચારવા લાગી કે સ્વર્ણિમને આટલું મોડું કેમ થયું હશે! થોડી વારમાં નિષ્ઠાને ચાવીઓ મળતી નહતી એટલે એણે આખા ઘરમાં શોધખોળ શરૂ કરી દીધી. બધા નોકારોને કામે લગાડી દીધા! શૈલજાની ચિંતા ઓર વધી કેમકે ચાવીઓ તો સ્વર્ણિમ પાસે હતી! સ્વર્ણિમે આખું કબાટ જોઈ લીધી પણ કાંઈ મળ્યું નહીં. વેશ્યાલયના કાગળીયા અને ડાયરીમાં નામો એ કામના હતા પણ એમાંથી કશું પણ પેલી છોકરીઓને છોડાવી શકે એવું નહોતું. સ્વર્ણિમ હવે બહાર નીકળવા જતો હતો ત્યાંજ એને વિચાર આવ્યો જો ધ્યાનકક્ષમાં આવી જગ્યાએ પાછળથી બારણું હોય શકે તો અહીં કઈ એવી જ જગ્યાએ બીજું કાંઇ પણ મળી શકે. એટલે એઅંદર પાછા જઈ કબાટની પાછળ ગયો. એની ધારણા સાચી હતી કબાટની પાછળ પણ ખાના હતા!!આવું કબાટ પહેલી વાર જોયું! જેમા બંને બાજુ ખાના અને દરા હતા. એણે એક પછી એક દરા ખોલ્યા અને સૌથી નીચેના દરામાંથી એક પરબિડીયુ નીકળ્યું. થોડું ભારે હતું. તેણે જોયું તો એમાં એજ હતું જે તેને જોઈતું હતું એક બે ફોટા જોયા પછી એણે આખો મીંચી દીધી. છી! કેટલી નીચ છે આ શુભાંગીની! એણે જોયું તો દરેક ફોટા પાછળ નામ લખેલા હતા. તે સબૂત મળતા ખુશ થઈ ગયો હજુ ઘણું પરબીડિયામાં હતું પણ એ જોવાનો હમણાં સમય નહોતો એટલે એણે સાચવીને પોતાની પાસે મૂકી લીધું. પછી બીજા કાગળીયા પણ અને ડાયરી પણ લઈ થેલીમાં મૂકી દીધા. અને બહાર આવ્યો

એને લાગ્યું જો હજી થોડી વાર પેલા ભોંયરામાં રહેત તો એ બેભાન જ થઈ જાત.. એણે બારણું નીચું કર્યું. ધ્યાનકક્ષમાં દીવો પાછો મૂક્યો અને મા શકામ્બરી ને પગે લાગ્યો હે મા તમારી મહેરબાનીથી જ આ શક્ય બન્યું છે આશીર્વાદ આપો! પછી બારીમાંથી જોયું કે કોઈ આવે છે કે નહીં અને પછી ચાવી નાખી બહાર આવ્યો. એ બહાર તરફ જતો હતો ત્યાં જ નિષ્ઠા સામે આવી! સ્વર્ણિમ તેને જોઇ જ ના હોય એ રીતે ચાલતો હતો પણ નિષ્ઠા એક્દમ સામે જ આવી ગઈ. "શું વાત છે સ્વર્ણિમ? ક્યાં હતો તું! આખા ઘરમાં શોધ્યો તને! તારા ઘરે પણ જઈ આવી ત્યાંય તું નહોતો." નિષ્ઠાએ સહસા બધું પૂછ્યું. સ્વર્ણિમ થોડો મૂંઝાઈ ગયો. "એતો હું કામે ગયો હતો હવે લગ્નના કેટલા કામ હોય તને તો ખબર જ છેને!" સ્વર્ણિમે કહ્યું. "અચ્છા, હશે પણ આ થેલીમાં શું છે, આ ડાયરી જેવું!" નિષ્ઠાએ આશ્ચર્યથી પૂછ્યું. સ્વર્ણિમ નિષ્ઠાના સવાલથી ચમક્યો! "અરે એમાં તો મહેમાનોની યાદી છે જેમને બોલવાના છે." સ્વર્ણિમે ખચકાતા સ્વરે કહ્યું. "તો લાવો હું પણ જરા જોઉં કહી નિષ્ઠાએ થેલી લઈ લીધી અને ડાયરી કાઢી ખોલવા લાગી.. ત્યાંજ અચાનક શૈલજા આવી અને નિષ્ઠાને કહ્યું,

"નિષ્ઠા જા જલ્દી નિત્યા આવી છે, તારાં લગ્નના કપડા પસંદ કરવાના છેને! કપડાવાળો પણ આવ્યો છે એણે તો જોવાનું પણ શરૂ કરી દીધું છે જા જલ્દી! "શૈલજાએ કહ્યું.. કપડાનું નામ સાંભળી નિષ્ઠા ગાંડી થઈ જશે એ શૈલજા જાણતી હતી એટલે જ એણે આવું કહ્યું અને એવું જ થયું નિષ્ઠા થેલી નીચે મૂકી સ્વર્ણિમ હું હમણાં આવી કહી સીધી નીચે દોડી ગઇ! સ્વર્ણિમ શૈલજાને કઈ કહેવા જતો હતો પણ એ પહેલાં જ શૈલજાએ તેને અટકાવ્યો અને રવાના થઈ જવા કહ્યું અને પોતે ચાવીઓ પાછી ઠેકાણે પાડી દીધી..

***

સ્વર્ણિમ અને શૈલજા મળેલા સબૂતથી ખુશ હતા પણ શુંભાંગીનીના પલટવારથી સાવ અજાણ હતા! લગ્નને આડે હવે ગણતરીના દિવસો બાકી હતા શું લગ્ન પહેલાં સ્વર્ણિમ અને શૈલજા લગ્ન પહેલાં પર્દાફાશ કરવામાં સફળ થશે કે....??

*****