Dubata suraje lavyu prabhat - 13 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 13

( ગયા ભાગમાં આપણે જોયું કે સ્વર્ણિમ અને શૈલજા શુભાંગીની ની અસલિયત સામે લાવવા જડબેસલાક યોજના ઘડે છે. યોજના મુજબ શૈલજા ગાડું લઈ વેશ્યાલયની સ્ત્રીઓ ને છોડાવી લેવાની હતી અને છેવટે આખા ગામ સામે જ લગ્નના દિવસે જ શુભાંગીની નો પર્દાફાશ કરવાનો હતો. યોજના મુજબ લગ્નના દિવસે જ વહેલી સવારે શૈલજા ગાડું લઈ વેશ્યાલય તરફ નીકળી જાય છે પણ અચાનક રસ્તામાં ગાડાવાળો માર્ગ બદલી લે છે!! શૈલજાના અનેક સવાલો અને પ્રયત્નો છતાં ગાડું રોકાતું નથી અને છેવટે ગાડું એક સુમસામ જગ્યાએ આવી ઉભું રહે છે! શૈલજા દાળમાં કઈ કાળું લાગતા ભાગવા પ્રયાસ કરે છે પણ ત્યાંજ કોણ જાણે ક્યાંથી શુભાંગીની આવેલી હોય છે!! તે શૈલજા પર એક પછી એક ઘા ઝીંકે છે પછી ગાડાવાળો અને શુભાંગીની મળી શૈલજાને એક અત્યંત અંધારી જેમાં પ્રકાશનું કિરણ પણ ના પ્રવેશે એવી કોઠરીમાં બંધ કરી દે છે! અને બીજી બાજુ શુભાંગીની ના આદેશથી રમા વેશ્યાલયમાં બધું ઠેકાણે પાડી દેવાની હોય છે. શૈલજાને પૂરી શુભાંગીની ત્યાંથી નીકળી જાય છે હવે આગળ....)

શૈલજાને પૂરી શુભાંગીની ભાગતી ભાગતી સીધી કર્ણપુરી તરફ નીકળે છે એના હાથ ફરી પાપથી લાલ હતા. કર્ણપુરી પહોંચી નાટયાત્મક રીતે લગ્નની બધી તૈયારીમાં લાગી જાય છે. આજે મંદિરમાં લગ્ન નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન હતું. ફરીવાર માં શકામ્બરી ને અદ્ભુત રીતે શણગારાયા હતા. મંદિરમાં સવારથી ભીડ જામી હતી. દર્શનાર્થે પડાપડી થઈ રહી હતી. છેવટે દસ વાગે નવચંડીની શરૂઆત થઈ ગઈ. શંખ ફૂંકાઈ ગયો. ઢોલ નગારા વાગી ઉઠયા. આમાં શુભાંગીની ને પોતાનો વિજયનાદ સંભળાઈ રહ્યો હતો. મંત્રોચ્ચારથી મંદીર ગુંજી ઉઠયું. એ સાથે જ માં શુંભાંગીની ની પાલખી પણ આવી પહોંચી. લોકો પગે લાગવા ઘસારો કરવા લાગ્યા! આજે તો શુભાંગીની ઓર વધુ જાજરમાન થઈને આવી હતી.. નિત્યા સવારથી શૈલજાને શોધી રહી હતી પણ તેને મળી રહી નહોતી. શુભાંગીની સ્વયં યજ્ઞમાં આહુતિ આપી રહી હતી. તેના મતે એ પોતાની વિજયની આહુતીઓ આપી રહી હતી. બધા લોકો ખુશ હતા પણ સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે શૈલજા ક્યાં? કેમકે મંદિરના બધા વહીવટમાં સૌથી વધુ એનો જ ફાળો રહેતો. પણ શૈલજા ક્યાં છે એ તો માત્ર શુભાંગીની જ જાણતી હતી... તે મનમાં વિચારતી હતી કે બે બદામની શૈલજા મારો.. મારો માં શુભાંગીની દેવીનો ફોડ પાડવાની હતી આખા ગામ વચ્ચે! હવે સડશે પેલી કોઠરીમાં મરતા સુધી .. બીજી તરફ સ્વર્ણિમને પણ ચિંતા થતી હતી કે શૈલજા કાકી હમણાં સુધી તો આવી જવા જોઈતા હતા. એ આવે પછી પેલા હકીમને પણ લેવા જવાનું છે જેણે શુભાંગીની ને મહા પ્રસાદી માં ભેળવવા ઝેર આપ્યું હતું. હજી કેમ નઈ આવ્યા હોય! આખું નગર મંદીરના ચોગાનમાં બેઠું હતું. સૌ અત્યંત ખુશ હતા.. શુભાંગીની બધી બાજુથી સુરક્ષિત હોવાથી નીશ્ચીંત હતી, અને આનંદમાં હતી. ચંડી, પાઠ અને શક્રાદયના પાઠ ગવાઈ રહ્યા હતા. નિષ્ઠા અત્યંત ખુશ હતી લગ્ન સાંજે હતા પણ તે ખૂબ આનંદિત હતી. છેવટે બધી વિધિ પત્યા બાદ શ્રીફળ હોમવામાં આવ્યું ત્યારે આખું મંદીર ધૂણીથી ભરાઈ ગયું. અને મા શકામ્બરી અને શુભાંગીની દેવીનો જયજયકાર થઈ ઉઠયો.

ત્યારબાદની વિધિમાં માં શુભાંગીની નવ કુમારીકાઓ ને ગોરણી તરીકે ગણી સોભાગ અને ભોજન પીરસવાના હતા. એટલે તાળીઓ નાં સંકેતથી ગોરણીઓ ને બોલાવવામાં આવી. એક પછી એક યુવતીઓ આવવા લાગી.. પણ આ શું! શુભાંગીની દરેક ગોરણીને જોઈ આભી બની ગઈ. એ ગોરણીઓ બીજી કોઈ નહીં પણ વેશ્યાલયમાં કેદ પેલી છોકરીઓ હતી!! અને નવમી ગોરણી તો સ્વયં રમા જ હતી!!! શુભાંગીની તો પહેલા ડઘાઈ જ ગઈ એ સમજી જ ના શકી આ બધું શું થઈ રહ્યું છે! રમાને તો મેં આ બધીઓ ને સંભાળવા કહ્યું હતું એ એમને અહીં કેમ લઈ આવી!!

"શું થયું અમને ઓળખ્યા નહીં માં શુભાંગીની.. અરે માફ કરજો.. શુભાંગીની નઈ રાણી દેવી! " રુચિકાએ કહ્યું. "ના હું તમને નથી જાણતી! કોણ છો તમે? પહેલા તો નથી જોઈ કર્ણપુરીમાં!" શુભાંગીની એ અજાણ બનતા કહ્યું. "પણ અમે તમને બરાબર ઓળખીએ છીએ રાણી દેવી..!" રમાએ આગળ આવી કહ્યું. શુભાંગીની અવાક બની ગઈ! તે સમજી નહોતી શકતી કે રમા કેમ આવું કરી રહી છે! તે ઢોંગ કરતા બોલી, "આ શું રાણી દેવી, રાણી દેવી લગાવી રાખ્યું છે!! મારું નામ શુભાંગીની છે, શુભાંગીની! સમજી" "પણ અમારા કોઠાઘરમાં તો સૌ તમને રાણી દેવી તરીકે જ ઓળખે છે નઈ છોકરીઓ!" રમાએ શુભાંગીની સામે કહ્યું. " હા રાણી દેવી તો દર અમાસે આવતા કોઠાઘરનો હિસાબ કરવા! બધી છોકરીઓ બોલી ઊઠી!" આ વાત પવન વેગે મંદિરમાં ફેલાઈ ગઈ!! શુભાંગીની રાતી પીળી થઈ ગઈ. " ઓ છોકરીઓ, તમે શું બોલો છો કઈ ભાનબાન છે તમને! હું દેવી છું! શુભાંગીની દેવી!" શુભાંગીની એ અકળાઈને કહ્યું. "અરે રાણી દેવી, શું કામ આટલા બધા વચ્ચે ખોટું બોલો છો. તમે જ તો ચલાવતા હતા એ કોઠાઘર! યાદ નથી હું પોતે જ રાખતી હતી હિસાબો!.. એટલે હું અને મનુભાઇ!" રમાએ કહ્યું. મનુભાઇનું નામ સાંભળી ચકચાર મચી ગયો કેમ કે એ તો પહેલાય આવા કામમાં જણાઈ ચૂક્યો હતો.. "આ બધું તું શું બોલે છે રમા!! હું હમણાં જ સિદ્ધ કરી દઉં છું કે તું અને આ બધી છોકરીઓ ચરિત્રહીન છો! મારી પાસે એક એક ના ફોટા અને દ્રશ્યો છે!" શુભાંગીની એ જોરથી કહ્યું. "અરે રાણી! એ બધી તો છે જ કોઠાઓ! એમના ચરિત્ર ને સાબિત કરવાની શું જરૂર! એ તો બધા જાણે જ છે ને! વાત તો તારા ચરિત્રની થઈ રહી છે! એને સાબિત કરીએ ને!" રમાએ વાંકી નજરથી જોઈ શુભાંગીની ને કહ્યું. આ સાંભળી આખા મંદિરમાં ઉહાપોહ મચી ગયો! લોકો રમાને ગુસ્સાથી જોવા લાગ્યા. આ શું બોલે છે તું?? ! આ અમારી મા છે! એ એવું ના કરી શકે! વગેરે વગેરે ચર્ચાઓ થવા લાગી.. એટલામાં રમાએ બૂમ પાડી બધાને શાંત કર્યા.. "તમને મારા પર વિશ્વાસ નથીને! તો એ તો વિચારો આ તમારી શુભાંગીની દેવી પાસે ક્યાંથી આવ્યા આ છોકરીઓના અભદ્ર ફોટા! એમને કઈ રીતે ખબર કે તે વેશ્યાઓ છે!? અને બીજું લો આ ફોટા" કહી રમાએ નીચે ચોગાનમાં ફોટા વેર્યા! એ ફોટામાં શુભાંગીની રક્તાંબરમાં નઈ પણ કઈ જુદા જ વસ્ત્રો માં હતી અને આજુબાજુ કોઠાઘરના દ્રશ્યો પણ હતા. અમુક ફોટામાં પુરુષો પણ હતા..!

એટલામાં શુભાંગીની રમાની નજીક જઈ ધીમેથી બોલી, "રમા તું આ બધું શું કરી રહી છે.. શું કામ કરી રહી છે!" "અરે મારી વહાલી રાણી, પૈસા.. પૈસા માટે તો હું પોતાને ય વેચી દઉં તો તું તો શું ચીજ છે! આખી જિંદગી તારી બહુ ગુલામી કરી હવે મને પણ થોડો મોકો આપ!!" કહી રમા હસીને આગળ ગઈ... "તો જોયું ને તમે સૌએ હવે તો છે ને મારા પર વિશ્વાસ! જોઈ તમારી દેવી શુભાંગીની ની છબી! અરે આ તો કઈ નથી અમુક વાર તો રાણી દેવી પોતે પણ... રમા હસતાં હસતાં બોલી.. સાથે બધી છોકરીઓ પણ બોલી 'હા અમુક વાર તો તેઓ પણ અમારી જેમ....' એટલામાં જ શુભાંગીની જોરથી તાડૂકી!

" બસ.. નગરજનો આ બધું મિથ્યા છે! મને ફસાવવાનો પ્રયત્ન છે.. બનાવટી ફોટા છે આ બધા.. શુભાંગીની અત્યંત જોરથી બોલી રહી હતી.. અને આ રમાને તો હું હમણાં જ બતાવું છું... કહી આગળ જઈ રમાનું ગળું દબાવી દીધું.. રમા છટપટી રહી હતી..સૌ શુભાંગીની નું આ રૂપ જોઇ દંગ રહી ગયા!! નિત્યા પણ ડઘાઈ ગઈ.... શુભાંગીની રમાના કાનમાં બોલી જોઈ લે બેવફાઈ નું પરિણામ.. આજે તું ઉપર પહોંચી જઈશ પછી વાત તો હું ગમે તેમ દબાવી જ દઈશ.. કહી જોરથી રમાનું ગળું દબાવા લાગી.. રમાનો શ્વાસ રોકાઈ રહ્યો હતો.. એટલામાં જ શુભાંગીનીના ગળા પાસે કઈક ભોંકાંયું.. તે રમાને લઈ પાછળ ફરી અને જોયું તો એના ગળા પાસે ત્રિશૂલ હતું અને સામે જોયું તો કોઇ ઊભું હતું.. સામે ઉભેલી વ્યક્તિને જોઈ શુભાંગીની ડઘાઈ ગઈ.. હાથમાં અત્યંત ભયાનક અને વિશાળ ત્રિશૂલ હતું. ઉપરથી નીચે સુધી શરીરે કાળો રંગ હતો. મેશથી પણ કાળો! માત્ર આંખો અને દાંત જ સફેદ દેખાઈ રહ્યા હતા.. આંખો પણ અત્યંત ક્રોધીત અને લાલચોળ હતી.. વાળ માથાથી પગ સુધી લાંબા હતા પણ જાણે વર્ષોથી ઓળયાં જ ના હોય એવા વેર વિખેર હતાં.. વાળમાંથી પણ લોહી ઝરતું હોય એવું લાગતું હતું... હોઠ પણ જાણે લોહીના ભરેલા હોય એવા લાલ ચોળ હતા.. ત્રિશૂલમાંથી પણ લોહી ઝરતું હતું.. વસ્ત્ર તરીકે માત્ર નાની કાળી ભૂખરી ઓઢણી હતી.. ગળામાં કોઈ સોનાના આભૂષણ નઈ પરંતુ ખોપરીઓની હારમાળાઓ હતી!!.. અને એ સ્ત્રીના બીજા હાથમાં જે હતું એ જોઈ શુભાંગીની બેભાન જેવી થઈ ગઈ.. પેલા ગાડાવાળાને કે જેની મદદથી એણે શૈલજાને બંધ કરી હતી.. શુભાંગીની એ કોટડીમાથી બહાર આવી એ ગાડા વાળાને પણ લાગ જોઇ મારી નાખ્યો હતો જેથી એનું રાઝ કોઈ કાળે કોઈ જાણી ન શકે!! એજ ગાડાવાળાંનું માથું પેલી સામે ઉભેલી સ્ત્રીના હાથમાં હતું. તેણે તેને વાળથી પકડેલું હતું. એ જોઇ શુભાંગીની આભી બની ગઈ.. હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં માથું, શરીર પર ખોપરીઓ.. મેશથીય કાળું શરીર...વગેરે જોઈ સૌ ચોંકી ઉઠયા..

શુભાંગીની આ જોઈ એટલી ગભરાઈ ગઈ કે તેની પકડ ઢીલી પડતાં રમા તરત છટકી ગઈ.. શુભાંગીની એ જ્યારથી પેલા ગાડાવાળાંનું માથું જોયું ત્યારથી એ ધ્રુજી રહી હતી.. કોણ છે તું.. તેણે પૂછ્યું.. મને ના ઓળખી.. મારા જેવું સ્વરુપ બીજું કોનું છે! પેલી સ્ત્રીએ સ્વયં ગુસ્સામાં કહ્યું... 'અરે આતો સ્વયંભૂ માં ભદ્રકાળી છે!!' એક જણે કહ્યું અને વાત પવન વેગે ફેલાઈ ગઈ.. અને મા ભદ્રકાળીની જય.. માં ભદ્રકાળીની જય.. શરૂ થઈ ગઈ.. શુભાંગીની હજી પણ માનવા તૈયાર નહોતી કે આ ભદ્રકાળી હોય શકે.. તેના મતે ભગવાન જણાતી જેવું કાંઈ હોતું જ નથી..એણે કેટલીય વાર જયજયકાર શાંત કરવા પ્રયત્ન કર્યા પણ આજેતો સાક્ષાત માં ભદ્રકાળી આવ્યા હોવાથી એક પણ જણે તેની વાત સાંભળી નઈ.. પછી છેવટે માં કાળીએ હાથ ઊંચો કરી સૌને આશિષ આપ્યા... શુભાંગીની આમ તો ડરી હતી પણ છતાંય હિમ્મત કરી બોલી.." સાચું બોલ કોણ છે તું!... "હું સાચું જ કહું છું સાવિત્રી... અને મારે એને સાબિત કરવાની જરૂર નથી આ જયજયકાર જ મારા અસ્તિત્વ નો પુરાવો છે!" માં કાળીએ ગુસ્સામાં કહ્યું.. સાવિત્રી શબ્દ સાંભળતા જ શુભાંગીની ચમકી ગઈ.. વાસ્તવમાં સાવિત્રી શુભાંગીની નું ખૂબ જૂનું અને સાચું નામ હતું... જે આખા ગામમાં કોઈને જ ખબર નહોતી માત્ર મનુભાઇ જાણતા હતા... "કોણ સાવિત્રી..? હું શુભાંગીની દેવી છું..તમે કોણ છો અને અહીં ક્યાંથી આવ્યા છો!"શુભાંગીની બોલી.. " મારાથી શું છૂપું છે! હું જાણું છું તું જ સાવિત્રી છે.. અને તારા પાપોનો ઘડો હવે ભરાઈને ફુટી ચૂક્યો છે...અને તારા પાપ નો નવતર નમૂનો જો મારા હાથમાં જ લઈને આવી છું.. તેજ માર્યો ને પેલા ગાડાવાળાને!" કહી માં કાળીએ પેલું માથું બતાવ્યું.. "કયો.. કયો.. ગાડાવાળો હું કોઈને નથી જાણતી! આ કોણ છે!" શુભાંગીની બોલી.. હવે એને પણ થોડો થોડો વિશ્વાસ થઈ રહ્યો હતો કે આ મા ભદ્રકાળી છે... "આ એજ ગાડાવાળો છે જેને તે આજે સવારે મારી નાખ્યો.. શૈલજાને પૂરી દીધા પછી.." ભદ્રકાળીએ ગુસ્સામાં કહ્યું.. તેની આંખો વધુ કોપાયમાન થઈ.. હવે શુભાંગીની ને સાચે ડર લાગી રહ્યો હતો કે આ બધું કોઈ વ્યક્તિ કઈ રીતે જાણી શકે મેં શૈલજાને મારી અને પૂરી અને ગાડાવાળાને માર્યો ત્યારે કોઈ હતું જ નઈ ત્યાં!!! તો પછી આ ભયાનક સ્ત્રી આટલું બધું કઈ રીતે જાણી શકે! "પહેલા મહેશ તારો રાઝ જાણી ગયો તો એને મારી નાખ્યો અને.. અને.. આજે મારી શૈલજા જાણી ગઈ તારા રહસ્યો તો એને પણ..." કહી ભદ્રકાળીએ ત્રિશૂલ શુભાંગીની તરફ ગુસ્સાથી ઉગામ્યુ.

આખા મંદીરમાં સૂન્કાર વ્યાપી ગયો હતો.. સૌની નજર ભદ્રકાળી અને શુભાંગીની પર હતી.. શુભાંગીની ત્રિશૂલ રોકવા ગઈ તો ભદ્રકાળીએ તેને હડસેલતા નીચે ફસડાઈ પડી.. " જ્યારે જ્યારે મારા ભક્તો પર સંકટ આવે છે ત્યારે ત્યારે હું આવું છું.. અને આજે તો ખાસ મારી.. મારી શૈલજા પર આવ્યું! જે કામ એ ના કરી શકી એ હું આજે હું કરીશ! આ મારી ખોપરીઓની હારમાળા જો એમાં એક જ માથું ખૂટે છે એમાં આજે તારું માથું જડી દઈશ..! કહી જોરથી ભદ્રકાળી એ ત્રિશૂલ ઉગામ્યું.. શુભાંગીની નીચે ફસાડાયેલી હતી જેવું ત્રિશૂલ નજીક આવ્યું એવી બે હાથ જોડી જોરથી બુમ પાડી "માં.. તમે તો કાળી છો.. મહા કાળી છો.. કલ્યાણી છો.. મને જવા દો... હાથ જોડીને કરગરવા લાગી.." "માફી.. માફી મનુષ્યોને હોય છે તારા જેવી ડાકણોને નઈ! આજે તું નઈ જીવે.. કહી ફરી મારવા જતી હતી ત્યાં.. ફરી શુભાંગીની રડવા લાગી.." માં અટકી જાઓ... ક્રોધ ના કરો.." ભદ્રકાળીની આંખો રાતી ચોળ હતી.. છેવટે એ અટકી.. અને છતાં ગુસ્સાથી બોલી, " બોલ શૈલજા ક્યાં છે?! મને તો ખબર છે પણ આખા ગામ સામે બોલ! તારા એક એક પાપનો ખુલાસો કર, બેઠા બેઠા જ જો ઉભી થઈ છે તો.. મને વાર નઈ લાગે તને ઉપર લઈ જતા.." કહી ભદ્રકાળીએ ત્રિશૂલ શુભાંગીની પાસે ધરી રાખ્યું.. શુભાંગીની અત્યંત ડરી ગઈ હતી.. " ના માં ના, હું કહું છું.. કહું છું.. હા મેં જ શૈલજાને એક અંધારી કોઠરીમાં બંધ કરી છે! અહીં થી દૂર.. કેમ કે આખા ગામ સામે મારો ભાંડો ફોડવાની હતી.. અને એટલે મેં એની યોજના નિષ્ફળ કરવા ગાડાવાળા સાથે મળી એને પૂરી દીધી.. અને પછી બહાર આવી ગાડાવાળા ને પણ ગળું કાપી.. મારી નાખ્યો જેથી કઈ આંચ ના આવે અને કોઈને કાંઈ ખબર ન પડે .. "આટલું બોલી શુભાંગીની અટકી ગઈ..અને બધા લોકો ચકિત થઈ ગયા! પછી તો કાળી વધારે ગુસ્સે થઈ મેં શું કહ્યું એ સાંભળ્યું નહીં તે તારા એક એક પાપનો ખુલાસો કર નઈ તો મારા હાથમાં તારું માથું હશે! શુભાંગીની કરગરતી બોલવા લાગી.. ના ના.. હું સ્વીકારું છું.." હા હું કોઈ માં નથી! કે નથી મારી પાસે કોઈ શક્તિ.. મેં કોઇ ચમત્કાર નથી કર્યા! બધું જ છળ પ્રપંચ થી કર્યું છે! હા મેં જ પહેલા નગરમાં સાધ્વી હોવાનો ઢોંગ કર્યો હતો અને પછી ધીમે ધીમે લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો! પછી મે જ માંની એક મુર્તિ જમીન મા દબાવી અને મેં જ ત્યાં ખનન કરાવડાવ્યું.. પછી અહીંના લોકોની કમજોરી અંધશ્રધ્ધા છે એ હું જાણી ગઈ હતી એટલે પછી ધીરે ધીરે મેં એનો લાભ લઈ એમના જ પૈસે પહેલા દેરી બનાવડાવી... કાળી ની આંખો એના એક એક પાપ સાથે વધારે લાલ બનતી હતી.. શુભાંગીની એટલી ભય માં હતી કે આગળ બોલી, પછી મે જ આખા ગામમાં આગ લગાવડાવી અને દેરીને કઈ થવા ના દીધું.. અને અમે ત્યારે નગર છોડી ને જતા હતા લોકો અમને રોકે એટલે જ અમે આમ કર્યું...આ સાંભળીને તો લોકો અત્યંત ગુસ્સે ભરાયા પણ ભદ્રકાળીની બીકે કઈ બોલ્યા નઈ! સ્વર્ણિમને નિષ્ઠાએ પહેલા આવું જણાવ્યું તો હતું પણ આની પાછળ આવા કાવાદાવા હતા એ નહોતો જાણતો.. "અને તારી એ આગથી કેટલા લોકો નું નુકસાન થયું મોત થયું તને ખબર પણ છે!" કાળી ક્રોધે ભરાઈને બોલી.. પછી શુભાંગીની આગળ બોલી.. પછી મેં લાલ વસ્ત્રો ધારણ કર્યા.. ભવ્ય મંદિર ગામવાળાઓના પૈસે જ બનાવડાવ્યું.. પછી અપંગને સાજો કર્યો જે પહેલેથી સાજો જ હતો!! પછી અનેક એવા કામ કરી લોકોના મન જીત્યા.. વૈભવી સાથે મનુભાઈએ જે કર્યું એ મને ખબર જ હતી પણ એને હું કઈ કહી ના શકી! એટલામાં સ્વર્ણિમ હિંમત કરી આગળ આવ્યો અને આ બિચારી ભોળી ભલી યુવતીઓ ને લાલચ આપી એમની શી દશા કરી તે! એમના ચરિત્ર હણી લીધા.. વેશ્યાઘરમાં એમને બંધ કરી લીધા કાયમ માટે!! "સ્વર્ણિમ ગુસ્સાથી બોલ્યો.. સૌના હોશ ઉડી ગયા.. નિત્યા અને નિષ્ઠા પણ ચકિત થઈ ગઈ.. સ્વર્ણિમ તમે પહેલેથી જાણતા હતા આ બધું! નિષ્ઠાએ પૂછ્યું.." હા, "સ્વર્ણિમે કહ્યું..

" હા હું સ્વીકારું છું. મેં જ એમને પૂરી હતી.. શુભાંગીની કાળકા થી એટલી તે ડરી ગઈ હતી કે હવે કઈ છુપાવા માગતી નહોતી.. મેજ આખા ગામના ભોજનમાં ઝેર ભેળવ્યું હતું જેથી શૈલજા પર આરોપ આવી જાય અને તે બદનામ થઈ જાય કેમ કે એ જાણી ગઈ હતી.. " "શું જાણી ગઈ હતી એ.. બોલ સાવિત્રી!!" ભદ્રકાળીએ ગુસ્સામાં કહ્યું.. "કે.. કે.. મેં જ મહેશભાઈ ને.. મહેશભાઇને મહાગીની પર મારી નાખ્યા હતા અને એ શૈલજા જાણી ગઈ હતી.. અને પછી એના કડા પરથી મને ખબર પડી ગઈ કે એ જાણે છે! અને એટલે જ આજે એ જે કરવાની હતી એ નિષ્ફળ કરવા મેં એને પૂરી દીધી.. પણ કોણ જાણે ક્યાંથી આ રમા અંત સમયમાં ફરી ગઈ અને આખી બાજી બગાડી નાખી.. શુભાંગીની ગુસ્સાથી બોલી ગઈ! અને સૌ નગર જનો દંગ રહી ગયા. હવે સૌ એની સચ્ચાઈ જાણી ચૂક્યા હતા.. પછી એ આગળ બોલી, "શૈલજાના દીકરાને પણ મેં જન્મતાની સાથે જ મારી.. મારી.. નાખ્યો. કેમ કે મેં શૈલજાને દીકરી થશે અથવા મૃત બાળક થશે એવી વાત આખા મંદિરમાં કરી હતી... પણ શૈલજાને દીકરો જન્મ્યો હતો એટલે.. એટલે મેં એને જન્મતાની સાથે જ... શુભાંગીની અટકી ગઈ.

અચાનક ભદ્રકાળીના હાથમાંથી ત્રિશૂલ ધ્રુન્જવા લાગ્યું. અને નીચે પડી ગયું!અચાનક ભદ્રકાળીની લાલ આંખોમાંથી પાણી ઝરવા લાગ્યું.. તે ઘૂંટણિએ બેસી ગઈ. "મા.. મા.. મારું બાળક.. મારું.. મારું ... સંતાન.. ત.. તે એને પણ મારી.. મારી.. નાખ્યું શુભાંગીની!! અચાનક શુભાંગીની ની નજર ભદ્રકાળી પર પડી.." શૈલજા!! તું!! તો તું ભદ્રકાળી નહીં પણ શૈલજા છે!! શુભાંગીનીની આંખો પહોળી થઈ ગઈ.. અચાનક શુભાંગીની પેલું નીચે પડેલું ત્રિશૂલ લઈ ઊભી થઈ ગઈ! "તો તે મને ડરાવવા.. ડરાવવા આવું કર્યું!!" શૈલજાને ભાન થતાં એ ચમકી! ઉભી થઈ.. "હા, હું કોઇ ભદ્રકાળી નઈ પરંતુ શૈલજા જ છું! એજ શૈલજા જેને તું સવારે પેલી ભેંકાર અને ખંડેર કોઠરીમાં પૂરીને આવી હતી! બધાં નગરજનો અવાક બની ગયા! ખુદ સ્વર્ણિમ, નિત્યા, નિષ્ઠા અને રમા પણ ચોંકી ગયા! " મમ્મી! આ તું હતી!..આવા વેશમાં"નિત્યા બોલી ઊઠી.. "હા, આ ડાકણ રાક્ષસી માટે મારે આવો મહા કાળી નો જ વેશ લેવો પડેને!!" શૈલજાએ કહ્યું.. "પણ તમને તો આ શુભાંગીની એ પેલા કોઠરીમાં પુરી દીધા હતા પછી અહીં કેવી રીતે પહોંચ્યા?" રમાએ શૈલજાને પૂછ્યું.. "આ ડાકણ મારી અને સ્વર્ણિમની યોજાના ને નિષ્ફળ કરી શકે રમા, પણ માં શકામ્બરીની નહીં! એનો વિનાશતો આજે નક્કી જ હતો એક રીતે નહીં તો બીજી રીતે! અંત સમયમાં જ તારી મતિ ભ્રષ્ટ થવી, તને પૈસાની લાલચ મળવી! તારું આ છોકરીઓ ને લઈને અહીં આવવુ! મારું કોઠરીમાંથી બહાર આવવું, બધું આ પાખન્ડીના વિનાશ માટે જ નિમિત્ત હતું.. "પણ, તમે બહાર કઈ રીતે આવ્યા કાકી એ તો કહો!" સ્વર્ણિમે પૂછ્યું... શુભાંગીની પણ એજ જાણવા આતુર હતી.."બેટા એ પણ કઈ ચમત્કારથી કમ નથી..

તને યાદ છે તારા કાકાના મોત સમયે હું મહાગીની પર એક બાળકી ને મૂકવા ગઈ હતી? અને એના દ્વારા જ અનાયાસે હું મહાગીની પર પહોંચી હતી અને આ ઢોંગણનો અસલી રંગ જોયો હતો! બસ આજે એ જ બાળકીએ મને બહાર કાઢી પેલી અંધારી કોઠરીમાંથી.. હકીકતમાં શુભાંગીની મને પૂરી એટલું તો જલ્દી નીકળી કે ઉતાવળમાં ત્યાં જ બહાર ચાવી એની કેડ માંથી પડી ગઈ! શુભાંગીની એ જોયું તો કેડમાં સાચે ચાવી નહોતી! અને પેલી બાળકીએ મને એનાથી જ બહાર કાઢી.. મેં બહાર આવી જોયું તો પેલો ગાડાવાળો મરેલો પડ્યો હતો! ગર્દન અલગ હતી! હું સમજી ગઈ કે આ કોનું કામ છે! પછી એ બાળકી મને થોડે આગળ આંગળી પકડી લઈ ગઈ .. રસ્તામાં મહાકાળીનું મંદિર આવ્યું અને એ અટકી ગઈ મેં અંદર જઈ દર્શન કર્યા અને માથું નમાવ્યું અને પાછું જોયું તો એ હતી જ નઈ! કોણ જાણે ક્યાં ભાગી ગઇ! તે દિવસની જેમ જ એક્દમ ગાયબ થઈ ગઈ! પછી મને ભાન થયું કે આજે તો શુભાંગીની નો પર્દાફાશ કરવાનો હતો પણ મને લાગ્યું કે હવે એ નઈ બને કેમકે હવે વેશ્યાઘર નઈ પહોંચાય.. એટલામાં મને મા ભદ્રકાળીની મૂર્તિ જોઈ અને વિચાર આવ્યો કે ઝેરનું મારણ ઝેર એમ અંધશ્રદ્ધા નું મારણ અંધશ્રદ્ધા!! .. અને મેં ત્યાં મૂકેલો શણગાર ઉઠાવી લીધો.. માના વાળ પણ ત્યાં પડ્યા હતા તે પહેરી લીધા.. આખા શરીરે ત્યાં પડેલી મેષ અને ભસ્મ લગાવી દીધી.. આંખો અને હોઠ લાલચોળ કરી લીધા.. મારે કરવું તો નહોતું જોઇતું પણ આજે એની જરૂર હોવાથી મેં મારું મંગળસૂત્ર માં મહા કાળીની મૂર્તિમાં પહેરાવી દીધું અને એમના ગળાની ખોપરીઓની માળા મેં પહેરી લીધી.. પણ મેં મૂર્તિ માં જોયું તો માના હાથમાં રાક્ષસ નું મોઢું પણ પકડેલું હતું એટલે મને વિચાર આવ્યો કે લોકોનો વિશ્વાસ મજબૂત કરવા મારે પણ આવું કાંઈક કરવું પડે જેથી આ ડાકણ શુભાંગીની વધુ ડરી જાય એટલે મેં પાછા જઈ પેલા ગાડાવાળાનું કપાયેલું માથું લઈ લીધું અને ત્રિશૂલ પણ રાતુંચોળ કરી દીધું અને પછી એજ ગાડાવાળાનું ગાડુ મને દોડાવતા આવડતું નહોતું છતાં જેમતેમ દોડાવી કર્ણપુરી આવી!

અને પછી જે અંધશ્રધા શુભાંગીની એ નગરજનોમાં બેસાડી હતી એનો જ મેં એની વિરુદ્ગ ઉપયોગ કરી એને ડરાવી કે હું પોતે મહાકાળી છું બધી વાતો કબુલાવી... શુભાંગીની ની આંખો પહોળી થઈ ગઈ. તું આટલી મોટી રમત રમી ગઈ શૈલજા! અને મને ખબર જ ના પડી! તે મહાકાળી બનીને પણ વારંવાર શૈલજાનો ઉલ્લેખ કર્યો એટલે મને રતિભાર પણ શંકા ના ગઈ.. પણ હવે તું જીવતી નઈ બચે.. કહી શુભાંગીની એ ત્રિશૂલ શૈલજા પર જોરથી મારવા જતી હતી ત્યાં જ પાછળથી કોઈએ એના માથામાં જોરથી ઘા કર્યો અને ત્રિશૂલ છટકી ગયું એ બીજું કોઈ નહીં પણ નિષ્ઠા જ હતી જોતજોતામાં સ્વર્ણિમ, નિત્યા અને બધા લોકો અંદર આવી પહોંચ્યા! અને શૈલજાને બચાવવા ઉભા થઈ ગયા! "નિષ્ઠા તે મને માર્યું એ પણ આ શૈલજા માટે.. તારી મા પર ઘા કર્યો!" શુભાંગીની માથા પર હાથ ઘસતા બોલી.. "ચૂપ.. એકદમ ચૂપ.. તને તો મારી મા કહેવાય મને શરમ આવે છે.. કહી નિષ્ઠાએ જોરદાર લાફો ઝીંકી દીધો.. આટલા પાપ, આટલી હત્યાઓ.. આટલા કુકર્મો!! શૈલજા કાકી સાચું જ કહે છે તું ડાકણ છે ડાકણ! " જો શુભાંગીની જે ગામવાળા તારો જયજયકાર કરતા થાકતા નહોતા એજ આજે તારી વિરુદ્ધ ઊભા છે! એક પણ વ્યક્તિ તારી સાથે નથી.. ખુદ તારી દીકરી પણ નહીં!" શૈલજાએ કહ્યું.. તો શૈલજા બેન હવે આનું શું કરવું છે! એકે વ્યક્તિએ પૂછ્યું! એમાં કરવાનું શું તોડી નાખો હાથ પગ માથું.. બીજાએ જવાબ આપ્યો..

"ના હું જાણું છું એનો અંત ક્યાં કરવાનો છે! આમતો મરેલાની અંતિમ યાત્રા નીકળે છે આપણે જીવતાની કાઢશું! અને એ પણ એની જ પ્રિય પાલખી માં! જેમાં એ વર્ષોથી આવતી રહી છે!" શૈલજાએ કહ્યું.. અને શૈલજાની વાત પ્રમાણે શુભાંગીની ને પરાણે પાલખીમાં બેસાડવામાં આવી.. પણ શૈલજા બેન એ તો કહો કે જવાનું ક્યાં છે!? " મારી પાછળ આવો" શૈલજાએ કહ્યું.. આજે પણ શૈલજા શુભાંગીનીની પાલખી આગળ ચાલતી હતી પણ અંતિમ વખત .. પણ આ તેની શોભાયાત્રા નઈ અંતિમ યાત્રા હતી! છેવટે સૌ મહાગીની પહોચ્યા! બરાબર ત્યાં જ જ્યાં મહેશભાઈનો અંત આવ્યો હતો.. પછી એને પાલખીમાંથી બહાર કાઢવામાં આવી.. એને બરાબર એ જ રીતે ઊભી રાખવામાં આવી પછી શૈલજાએ એવું જ ખંજર જેવું ત્રિશૂલ બતાવ્યું અને એની સામે ધર્યું.. શુભાંગીની કઈ યાદ આવ્યું? .. શુભાંગીની ને પેલી અમાવાસ્યાની રાતની એક એક પળ આંખો સમક્ષ આવતી હતી... "દયા દયા... ક્ષમા ક્ષમા... માફ કરો.. મને માફ કરો.... મને જવા દો.. જવા દો.." શુભાંગીની કરગરી રહી હતી.. યાદ કર શુભાંગીની મહેશભાઈ પણ આમજ આજીજીઓ કરતાં હતાં પણ તે એમની એક ના સાંભળી.. આખી જિંદગી લોકો સાથે રમતી રહી તું... તારી મોત જ સૌની માફી છે જો જીવતી રહીશ તો અપમાન અને લાંછનોથી પળ પળ મરીશ.. તારી પીડાનો અંત નઈ થાય! શૈલજા આટલું બોલી રહી હતી ત્યાં તો કોઈએ આવી શુભાંગીનીને ધક્કો મારી દીધો અને એ જોરથી એક છેલ્લી બુમ પાડી મહાગીનીની ખીણમાં પડી ગઈ! શૈલજાએ જોયું તો પાછળ નયના બેન હતા મહેશભાઈ નાં પત્ની!! "અરે નયનાબહેન આ શું કર્યું તમે! હું એને તડપાવતી હતી પછી તો સૌ ક્ષમા કરી જ દેતને એને!" શૈલજા બોલી... "ના શૈલજા જે થયું એ યોગ્ય જ થયું હવે એની મોત જ એની માફી છે નહીં તો એની પીડાનો અંત ના આવત!" નયના બહેને કહ્યું.. પછી બધા કર્ણપુરી વાસીઓ પણ કહેવા લાગ્યા જે થયું એ બરાબર જ થયું શૈલજા એ ડાકણની આજ સજા હતી જે એને મળી.. હવે અંત થઈ ચૂક્યો છે.. હવે લગ્ન કરવા યોગ્ય છે સાંજે!! "હા હવે નવા અધ્યાયની શરૂઆત આ મંગળ કાર્યથી જ કરીએ.. નિષ્ઠા અત્યંત હરખાઈ ગઈ..સ્વર્ણિમ મૂંઝાઈ ગયો અને નિત્યાને શોધવા લાગ્યો પણ નિત્યા ક્યાય દેખાઈ નહીં!! એતો ક્યાંય ચાલી ગઈ હતી..નિત્યા પોતાને ગુનેગાર માનતી હતી.. મેં આટલો આંધળો વિશ્વાસ કઈ રીતે કર્યો એ ઢોંગણ પર! સ્વર્ણિમે મને કેટલી સમજાવેલી અને હું કઈ સમજી જ ના શકી.. હું એને હજીય એટલો જ પ્રેમ કરું છું! શું એ પણ મને કરતો હશે! ખેર, હવે આ બધું વિચારવાનો કોઈ અર્થ નથી તેના લગ્ન આજે નિષ્ઠા જોડે થઈ જશે! હું એમને કોઈ બીજા સાથે નઈ જોઈ શકું.. એટલે આવતા જન્મમાં જ એમને મળીશ એમ વિચારતી એ આત્મહત્યા કરવા જઈ રહી હતી.. છેવટે સ્વર્ણિમ નિત્યાને શોધી થાક્યો અને શૈલજાને વાત કરી.. શૈલજાને વાત સાંભળી ખૂબ નવાઈ લાગી બંને મંદિરમાં હતાં.. તો હવે તે શું નિર્ણય લીધો સ્વર્ણિમ! શૈલજાએ પૂછ્યું.. "કાકી પ્રેમ તો હું નિત્યાને જ સાચો કરું છું.. અને મને ખબર છે એ પણ હજી મને એટલું જ ચાહે છે. પરંતુ બીજી બાજુ મને નિષ્ઠાનો વિચાર આવે છે કે એમાં એ બિચારીનો શું વાંક! એતો મારી સાથે સંસારના સ્વપ્નો સેવીને બેઠી છે.. એને હું કેમ કરીને તોડી શકું! અને એ પણ તો સત્ય છે કે આજે આપણે જે કાંઈ કરી શક્યા છે શુભાંગીની નો અંત આવ્યો છે એમાં નિષ્ઠાનો પણ અજાણતાં પણ ઘણો ફાળો છે.. એના લીધે મારા કાકાને ન્યાય મળ્યો છે.. હું એને દુખી નઈ કરી શકું.. એટલે મેં નિષ્ઠા સાથે લગ્ન કરી લેવાનો નિર્ણય કર્યો છે અમારામાંથી કોઈ તો ખુશ રહેશે ને! હે મા શકામ્બરી મને આશીર્વાદ આપો.."સ્વર્ણિમે શૈલજાની આંખોમાં જોઈ આ બધું કહ્યું.. શૈલજા સ્વર્ણિમની આંખોમાં જોઈ રહી.. એક અલગ વિશ્વાસ અને ચમક હતા.. "મને ગર્વ છે તારા પર બેટા! તારો નિર્ણય યોગ્ય છે.. માં શકામ્બરી તને શક્તિ આપે!" કહી શૈલજા જતી રહી.. અને સ્વર્ણિમ માં શકામ્બરી સામે જોઈ રહ્યો..

રાત્રે ઢોલ નગારા શરૂ થઈ ગયા.. આજે તો આખું કર્ણપુરી પ્રકાશ અને રોષનીથી ભરાઈ ગયું હતું.. શુભાંગીની ના નાશથી સૌ ઉત્સાહમાં હતા સૌ લગ્નને પોતાનો પ્રસંગ સમજી માણી રહ્યા હતા.. સ્વર્ણિમ પણ બગીમાં બેસી વિવાહ મંડપ તરફ જઈ રહ્યો હતો શૈલજા કન્યાપક્ષે હતી.. નયના બેન તથા અન્ય સ્વર્ણિમના મિત્રો અને બીજા લોકો નાચતા કૂદતા આવતા હતા.. લગ્ન મંદિરના પરિસરમાં જ યોજાયું હતું પહેલા લગ્ન શુભાંગીની ના મહેલમાં હતું પણ પછી શુભ શરૂઆત એ ડાકણના ઘરેથી ના કરવી એવો નિર્ણય લીધો.. સૌ આવી પહોંચ્યા.. સ્વર્ણિમને લગ્ન મંડપમાં બેસાડવામાં આવ્યો.. છેવટે કન્યા આગમનનો આદેશ અપાતા નિષ્ઠા હાજર થઈ પણ આ શું એતો એકદમ સાદા વસ્ત્રોમાં હતી અને પાછળ નિત્યા પાનેતરમાં હતી!! સૌ આ જોઈ ચકિત થઈ ગયા.. શૈલજા અને સ્વર્ણિમ પણ નવાઈથી જોતા રહ્યા! લોકોમાં વાતોનો દોર શરૂ થઈ ગયો.. સ્વર્ણિમ પણ ઉભો થઈ ગયો. "અરે નિત્યા બેટા તું આવા વસ્ત્રોમાં! આજે તો નિષ્ઠાના લગ્ન છે ને!" નયના બહેને પૂછ્યું.. "ના આજે મારા નઈ પણ સ્વર્ણિમ અને નિત્યાના લગ્ન છે.." નિષ્ઠાએ જણાવ્યું.. આ સાંભળી સૌ દંગ રહી ગયા.. "હા મેં બરાબર જ કીધું મારા નઈ નિત્યાના અને સ્વર્ણિમના લગ્ન છે.. સ્વર્ણિમ તમારા માટે મને જે માન હતું એ આજે ઓર વધી ગયું.. મેં તમારી અને શૈલજા કાકીની બધી વાતો સાંભળી લીધી હતી કેમ કે એજ વખતે હું નિયમ મુજબ લગ્ન પહેલાં દર્શન કરવા આવી હતી અને બધું જણાઈ ગયું. હું નિત્યા નો સ્વભાવ જાણું છું મને ખાતરી હતી કે એ કોઈ ગમે તેવું જ ભયાનક પગલું ભરશે એટલે હું સીધી નદીએ દોડી આ મેડમ તો તૈયારી મા જ હતા એતો મેં સમયસર પહોંચી અને એને રોકી લીધી.. " નિષ્ઠા એ કહ્યું.. શૈલજાની અને સ્વર્ણિમની આંખો પહોળી થઈ ગઈ.." નિત્યા કોઈ આવું પગલું ભરે! એને કાયરતા કહેવાય.. અને મારી આટલી બહાદુર નિત્યા કઈ રીતે આટલી કાયર થઈ ગઈ! " શૈલજાએ કહ્યું.. " મમ્મી હું ડરી ગઈ હતી.. સ્વર્ણિમની કોઈ બીજા સાથેની કલ્પના જ મને મારી નાંખત.. રોજ રોજ મરવા કરતાં એક જ ઝાટકે ખેલ ખતમ કરી દેવો ને!! " નિત્યાએ કહ્યું.." ખબરદાર જો ફરી આવી વાત કરીછે તો! " સ્વર્ણિમે ગુસ્સાથી કહ્યું.." સ્વર્ણિમ, તમે ખરેખર ખૂબ સારા છો! તમે નિત્યાને ચાહતા હોવા છતાં મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા જેથી મારું મન ના તૂટે, તો હું કેવી રીતે સ્વાર્થી બની જાત! તમારા બંનેના સુખનો ભોગ કઈ રીતે લઈ લેત! એટલે મેં આ નિર્ણય લીધો તમે બંને એકબીજા વગર અધૂરા છો! હું તો કોણ જાણે ક્યાંથી વચ્ચે આવી ગઈ હતી. "નિષ્ઠા બોલી!બધાએ તેના ત્યાગને તાળીઓ દ્વારા વધાવી લીધો..સ્વર્ણિમ અને નિત્યા એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા.. પછી ધૂમધામથી લગ્ન શરૂ થયા! મંગળ ફેરા ફરાયા..સૌએ પુષ્પ વર્ષા કરી.. નિષ્ઠાએ આંખોના આંસુઓ સ્મિત થી છુપાવી લીધા જેને માત્ર શૈલજા કળી શકી.. બધી જ વિધિઓ સંપન્ન થઈ અને અંતે માં શકામ્બરીનો જયઘોષ થયો.. સ્વર્ણિમ અને નિત્યાએ શૈલજાના આશીષ લીધા.. અને શૈલજાએ કહ્યું, "મારી નિત્યાનું ધ્યાન રાખજે સ્વર્ણિમ!" અને બંનેના માથે હાથ ફેરવ્યો.. અને અચાનક કોણ જાણે ક્યાંથી શૈલજા એકદમ માથે હાથ રાખવાં માંડી અને એકદમ નીચે ફસડાઇ પડી.. "મમ્મી.. મમ્મી તને શું થાય છે..!! તું આમ કેમ પડી ગઈ... શૈલજાનો શ્વાસ ચઢતો હતો.. હું હમણાં જ ડોક્ટર ને બોલાવું છું કહી સ્વર્ણિમ ઉભો થવા ગયો અને શૈલજાએ એનો હાથ પકડી લીધો," હવે એનો કઈ ફાયદો ય નથી અને જરૂર ય નથી બેટા! શુભાંગીની એ મને પેલી કોઠરીમાં પુરી ત્યારે જોરથી એક ઝેરનું ઇંજેક્શન જેવી સોય મારી હતી.. શૈલજા હાંફી રહી હતી.. એ ઇંજેક્શન ની અસર ગમે ત્યારે થવાની જ હતી! પણ એનો અંત કરવા કદાચ માં શકામ્બરી એ મને થોડી ક્ષણો વધારે આપી હશે.. જય... જયમાં.. માં શ્કઆ... શકામ્બરી! " કહી શૈલજાએ વિદાય લઈ લીધી..સૌની આંખો ભીની થઈ ગઈ.. અને આ ડૂબતો સૂરજ કર્ણપુરીના જીવનમાં નવું પ્રભાત લાવતો ગયો..

હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી

(આ સફરમાં અમારો સાથ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર)