Ran Ma khilyu Gulab - 22 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 22

રણમાં ખીલ્યું ગુલાબ - 22

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(22)

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે

મારેય પછી સહેજ મલકવાનુ હોય છે

ચાલુ ઓફિસે ભરચક્ક સ્ટાફની હાજરીમાં રીવાયત રાવલનો મોબાઇલ ફોન ટહુકી ઉઠ્યો. ખલેલ પહોંચવાના કારણે એક સાથે બત્રીસ માથાં ઊંચા થઇને રીવાયતની સામે અણગમાપૂર્વક જોઇ રહ્યા. ઓફિસમાં ફોન વાઇબ્રેટર મોડ પર રાખવાનો નિયમ હતો. પણ આજે રીવાયત ભૂલી ગઇ હતી.

અડધી જ રીંગમાં એણે કોલ રીસીવ કર્યો. નંબર અનસેવ્ડ હતો; એટલે અજાણ્યો હતો.

સામે છેડેથી એક પુરુષસ્વર નખરાળા અંદાઝમાં કહી રહ્યો હતો: “હાયે જાનેમન! ક્યા સૂરત પાઇ હૈ? ઐર નામ ભી ક્યા ખૂબ રખ્ખા હૈ! મૈં તો લૂટ ગયા, મર ગયા, કરુબાન હો ગયા.....”

રીવાયતનાં સંકોચનો પાર રહ્યો નહીં. એક તો સામેવાળો પુરુષ તદન લફંગા જેવી ભાષામાં વાત કરી રહ્યો હતો અને ઉપરથી એ પોતે એને ધમકાવી પણ શકતી ન હતી. બધાં સહકર્મચારીઓના કાન એની દિશામાં જ મંડાયેલા હતા.

રીવાયતને વિચાર આવ્યો: “લાવ, ફોન જ કાપી નાખું. પણ ત્યાં તો સામેથી સૂચના આવી, “ફોન કાટ મત દેના; વર્ના મૈં ફિર સે કરુંગા. બાર-બાર કરુંગા. સૌ બાર કરુંગા.”

રીવાયતે ધૂંધવાટ શમાવીને પૂછ્યું, “તુમ કૌન હો? કહાં સે બોલતે હો? તુમ્હારા નામ ક્યા હૈ?”

“અરે, બેબી! હું ગુજરાતી જ છું. તને એવું લાગ્યું ને કે હું યુ.પી. કે બિહારનો હોઇશ? ના, હું હિંદીભાષી નથી. પણ તારા જેવી ખૂબસુરત સ્ત્રીનું વર્ણન કરવા માટે હિંદી કે ઉર્દુમાં જ ઠીક પડે.”

ત્યાં સુધીમાં રીવાયત પોતાની જગ્યા પરથી ઊભી થઇને ઓફિસની બહાર આવેલી ખૂલ્લી ટેરેસમાં પહોંચી ગઇ હતી. હવે એ જે બોલવું હોય તે બોલી શકતી હતી. એણે પેલા નનામા ‘કોલર’ ને ખખડાવવાનું શરૂ કર્યું, “બદમાશ! હરામખોર! કોણ છે તું? જો હિંમત હોય તો મારી સામે આવીને વાત કર. આવી રીતે ચહેરો સંતાડીને......?”

“શાંત થઇ જા, પ્રિયે! એ ન ભૂલીશ કે તું તારા ભાવિ પતિની સાથે વાત કરી રહી છે. એક દિવસ આપણાં બા-કાયદા લગ્ન થશે. આપણી મધુરજની આવશે. તું બેડરૂમમાં ઘૂંઘટથી તારો ચહેરો ઢાંકીને બેઠી હોઇશ. ત્યારે હું ઓરડામાં આવીશ. બારણું બંધ કરીશ. અને પછી તને પૂછીશ......! શું પૂછીશ?”

“મને શી ખબર?”

“હું તને આ જ સવાલ પૂછીશ- આવી રીતે ચહેરો સંતાડીને શું બેઠી છે, મારી રાણી!? રૂખ સે જરા નકાબ ઉઠાઓ, મેરે હુઝૂર.....!”

“શટ અપ, યુ રાસ્કલ! હવે પછી જો મને ફોન કર્યો છે તો હું પોલીસમાં ફરિયાદ......” આટલું બોલતામાં તો રીવાયતનો અવાજ ત્રાડ બની ગયો. બરાબર એ જ સમયે ટેરેસના સામેના છેડેથી એનાં બોસ આવી રહેલા દેખાયા. ટેરેસની બંને તરફ ઓફિસો આવેલી હતી. આ તરફ પ્રોફેશનલ સ્ટાફ બેસતો હતો; પેલી તરફ મનેજમેન્ટ સ્ટાફ.

કંપનીના બોસ મિ. રાજ ચિનોય યુવાન હતા અને ચકોર નજર ધરાવતા હતા. એમના કાનમાં રીવાયતનાં છેલ્લા શબ્દો પડી ગયા. એમના મનમાં અવઢવ ચાલી. પોતાની ઓફિસમાં કામ કરતી છોકરીની અંગત વાતમાં પડવું કે નહીં? એમને લાગ્યું કે આ મામલો છોકરીની સલામતીનો કહેવાય; માટે પૂછવું જરૂરી છે.

એ રીવાયતની બાજુમાંથી પસાર થયા અને સહજ રીતે પૂછી રહ્યા, “એનીથિંગ રોંગ, મિસ.....?”

રીવાયત ક્ષુબ્ધ થઇ ગઇ. આટલી મોટી કંપનીના મેનેજીંગ ડિરેક્ટર એવું થોડું કહેવાય-“સર, કોઇ ટેલીફોનિક રોમીયો મને પરેશાન કરે છે!”

રીવાયતે ઝડપથી ચહેરા પર સ્મિત પહેરી લીધું, “નો, સર! નથિંગ સિગ્નિફિકન્ટ. ગુડ મોર્નિંગ સર! આઇ એમ ઓ.કે.”

“આર યુ સ્યોર?”

“યસ, સર.”

“ઠીક છે. તો તમારા ચહેરા પરથી પરસેવાના રેલા ઉતરે છે એ સાફ કરો. આખું શરીર ધ્રુજી રહ્યું છે એને કાબુમાં લો. અને.......યુ ગો બેક ટુ યોર વર્ક.”

રીવાયતે ફોન તો ક્યારનો યે કાપી નાખ્યો હતો. એ ઊતાવળે પગલે પોતાના સ્થાન પર જઇને કમ્પ્યુટરમાં ખોવાઇ ગઇ.

મન જરાક શાંત થયું એ પછી રીવાયતે એનાં સ્ક્રીન પર જે ફોન નંબર આવ્યો હતો એ નંબર પર ઓફિસના લેન્ડલાઇન નંબર પરથી ‘ડાયલ’ કર્યો. સામે બીજો જ કોઇ અવાજ હતો, “ બોલો.”

“ભાઇ, આ નંબર ક્યાંનો છે?” રીવાયતે પૂછ્યું. “આ તો પબ્લિક ફોન બુથ છે.” જવાબ મળ્યો.

“આ નંબર પરથી પાંચેક મિનિટ પહેલાં કોઇ લોફરે મને......”

“બહેન, છેલ્લી પાંચ મિનિટમાં તો અહીં બીજા ત્રણ ગ્રાહકો આવી ગયા. સોરી, હું તમને કંઇ મદદ કરી શકું તેમ નથી.”

“એવું કેવી રીતે ચાલે? તમારે સી.સી.ટી.વી. કેમેરા રાખવો જોઇએ.”

“છે જ મારે ત્યાં; પણ એના ફૂટેજ જોવા માટે તમારે પોલીસનો આદેશ લઇ આવવો પડે.”

રીવાયતે ફોન કાપી નાખ્યો. એ પોલીસના લફરામાં પડવા તૈયાર ન હતી. એવું કરવાથી વાત જાહેર થઇ જાય. એની પોતાની બદનામી થાય. લોકો તો એવું જ માને કે છોકરીનો જ વાંક હશે; એ સિવાય કોઇ આવો ફોન કરે જ શા માટે?

એ દિવસે ત્રણ વાર એ માણસના ફોન આવ્યા. દરેક વખતે એ જ ઘટનાક્રમ. ડર અને સંકોચના કારણે રીવાયત ઊભી થઇને ટેરેસમાં ચાલી જાય; પછી જોરથી ચિલ્લાઇને પેલાને ખખડાવે અને ત્યાં અચાનક કોઇ સ્ટાફ મેમ્બર પસાર થાય! દરેક વખતે એનાં બોસ ન હોય, પણ જે આવી ચડે એનો પ્રશ્ન તો બોસની જેવો જ હોય, “ શું થયું રીવાયત? એની પ્રોબ્લેમ? અમે કંઇ મદદ કરી શકીએ?”

રીવાયત ડરી ગઇ. એને બે વતાનો ભય સતાવી રહ્યો હતો. એક તો એ વાતનો કે જો આ બાબત જાહેર થઇ જશે તો બધાં એનાં ચારીત્ર્ય પર જ શંકા કરશે. એને બીજી વાત એ હતી કે એનાં બોસ. મિ.રાજ ચિનોય એક ગંભીર પ્રકૃતિના માણસ હતા. યુવાન હતા, અનમેરીડ હતા, પણ સાવ અરસિક હતા. આવી બાબતોમાં કડક પણ ખરા. એમના કાને જો આ વાત પહોંચે તો કદાચ એ રીવાયતને નોકરીમાંથી કાઢી પણ મૂકે.

પેલા મજનુને આવી-તેવી કોઇ વાતની પરવા જ ક્યાંથી હોય!એ તો રોજ ફોન ઉપર ફોન કરતો જ રહ્યો. એક વાર તો રીવાયત રડી પડી. ફોન ઉપર વિનવણી કરવા લાગી, “જુઓ, મિસ્ટર! તમે કોણ છો એ હું જાણતી નથી, પણ તમે સારા માણસ તો નથી જ. તમારી ગંદી વાતો સાંભળીને હું કંટાળી ગઇ છું. જો હું કોલ રીસીવ ન કરું તો આખો દિવસ તમે ફોન કરતા જ રહો છો. જો ફોન સ્વીચ ઓફ કરી દઉં તો મારા અગત્યના કોલ્સ પણ બંધ થઇ જાય છે. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું: “પ્લીઝ, મને હેરાન કરવાનું બંધ કરો; નહીતર મારી નોકરી ચાલી જશે.”

“તો શું વાંધો છે? મૈં હૂં ના! હું દર મહિને પાંત્રીસ હજાર પાડી લઉં છું. તારે મેરેજ પછી નોકરી કરવાની જરૂર નહીં પડે. તું શાંતીથી ઘરમાં બેસીને આપણાં અડધો ડઝન બાળકોનો રમાડ્યા કરજે. અને રાત્રે હું આવું ત્યારે સાતમાની તૈયારી.....”

હવે રીવાયતની ધીરજની અંતિમ હદ આવી ગઇ. એણે ચીસ જેવા આવાજમાં કહી દીધું, “નાલાયક! તું માણસ નથી, પણ રાક્ષસ છે. તારા કરતા તો પશુ પણ બહેતર હોય. ભગવાન તને એવો બદલો આપશે કે તું આવનારા સાત જન્મોમાં.....”

આટલું કહીને એણે ફોન કાપી નાખ્યો. એ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. એનાથી બોલાઇ ગયું, “હે ભગવાન! આના કરતાં તો મરી જવું સારું! હું આત્મહત્યા કરી લઉં એવો વિચાર.....”

એ જ ક્ષણે એનાં ખભા પર કોઇનો હાથ હળવેકથી મૂકાયો, “એનીથીંગ રોંગ, મિસ…?” પાછળ મિ.રાજ ચિનોય ઊભા હતા.

રીવાયત હવે જૂઠું બોલી શકવાની સ્થિતિમાં ન હતી, “યસ સર! કોઇ મજનુ મને દસેક દિવસથી ફોન કરીને પરેશાન કરે છે. આઇ ફીલ લાઇક કમિટીંગ સ્યુસાઇડ.”

“યુ ફોલો મી ટુ માય ચેમ્બર.”મિ. રાજ એને પોતાની આલીશાન ચેમ્બરમાં લઇ ગયા. પાણી આપ્યું. શાંત પાડી. પછી પૂછ્યું, “કોણ છે એ? શું કહે છે?”

“એ કોણ છે એની તો મને ખબર નથી, પણ....” રીવાયત નીચું જોઇ ગઇ, “એ ફોન પર મારી સુંદરતાના વખાણ.....”

“જેવા કે?”

“હું ખૂબ જ રૂપાળી છું. ડોલરના ફૂલ જેવો રંગ, માખણ જેવી સ્નિગ્ધ ત્વચા, નદિના પ્રવાહ જેવી મારી ચંચલતા, પૂનમના ચાંદ જેવો મારો ચહેરો, મારી માદક આંખો, શરાબના જામ જેવા નશીલા હોઠ....! સર, આ બધું હું નથી કહેતી, એ કહે છે.....”

મિ.રાજ ચિનોય જિંદગીમાં પહેલી વાર કોઇ યુવાન સ્ત્રીની સામે ધારી ધારીને જોઇ રહ્યા, “એ સાચું જ કહે છે, મિસ રીવાયત! હું તમારી આંખોમાં મહુડાનો પેલી ધારનો દારુ જોઇ શકું છું. તમારા દેહના વળાંકો મને પણ નદિના વહેણની યાદ અપાવે છે. તમારા હોઠ..... તમારો વાન, તમારી ત્વચા...... ઓહ્! એ માણસ ખરાબ હશે, પણ ખોટો તો નથી જ.”

“સર, તમે પણ?!?”

“હા મને આશ્ચર્ય થાય છે કે આજ સુધી મારી નજર આ બધાં પર કેમ ન પડી? હું તો બિઝનેસના ડેવલપમેન્ટમાં જ દિવસ-રાત ડૂબી ગયો હતો. માત્ર પાંચ જ વર્ષમાં બિઝનેસને એંશી કરોડના ટર્ન ઓવર સુધી પહોંચાડી દીધો મેં...... પણ અત્યારે મને દેખાઇ રહ્યું છે કે એક હજાર કરોડનું ટર્ન ઓવર તો મારી સામે ઊભું છે!!!”

“સર, હું જાઉં?” રીવાયત શરમની મારી પાણી-પાણી થઇ રહી હતી.

“યસ, યુ મે ગો નાઉ. નોકરીમાંથી રાજીનામું આપીને જજે. ઘરે જઇને તારા પપ્પાને કહેજે કે મિ.રાજ ચિનોય આજે સાંજે તેમને મળવા આવવાના છે. તારો હાથ માગવા માટે. જો તેઓ નહીં માને તો આવતી કાલથી મારા પણ નનામા ફોન કોલ્સ ચાલુ થઇ જશે.”

(શીર્ષક પંક્તિ: એસ.એસ.રાહી)

--------

Rate & Review

maheshjoshi99131

maheshjoshi99131 3 months ago

Arpan Nayak

Arpan Nayak 7 months ago

So sweeet!! 😊બસ એક જ વાતે પ્રશ્ન ઉઠે છે મનમાં, રિવાયતના ફોનમાં બ્લોક કરવાનું ફીચર કેમ નોતું 😁

kinjal prajapati
S R Ramani

S R Ramani 1 year ago

Heena Suchak

Heena Suchak 2 years ago