Jokar - 58 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 58

જોકર – સ્ટૉરી એક લુઝરની – 58

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 58

લેખક – મેર મેહુલ

ખુશાલે જૈનીતને બચાવ્યો હતો.હાલ એ જૈનીતના ખભાથી ખભો મેળવી જૈનીત સાથે કામ કરી રહ્યો હતો.તેણે જ રેંગાને જાળમાં ફસાવ્યો હતો.તેની પાસેથી માહિતી મેળવી એક ફાઇલ તૈયાર કરી હતી અને જુવાનસિંહને આપી હતી.હસમુખ પટેલના નામમાં હજી પડદો પડેલો હતો.એ વ્યક્તિ આમ પણ મહત્વનો નહોતો.હવે સીધી વિક્રમ દેસાઈ સાથે જંગ લડવાની હતી.

“આ ફાઈલમાં જે માહિતી છે એ મેં રેંગા પાસેથી ઓકાવી હતી.આપણા મિશન માટે આ અગત્યની માહિતી છે”ખુશાલે જૈનીતના બેડ નીચેથી ફાઇલ કાઢી.

“એક કૉપી મેં જુવાનસિંહને આપી છે અને તેની પાસે મદદ મળી રહેશે એવી મને આશા છે”ખુશાલે કહ્યું.

જૈનીતે ફાઇલ હાથમાં લીધી.તેમાં રહેલી માહિતી વાંચી.

“રેંગો ક્યાં છે અત્યારે?”જૈનીતે ફાઇલ બંધ કરીને પૂછ્યું.

“મેં એને જુવાનસિંહને સોંપી દીધો છે,તેઓએ કહ્યું છે, ‘જૈનીત જ્યારે ઠીક થઈ જાય ત્યારે મને જાણ કરજો,હું રેંગાને તેના હવાલે કરી દઈશ”

“એ મહત્વનો નથી અત્યારે”જૈનીતે કહ્યું, “આ ફાઈલમાં તેણે જે જે સ્થળોનાં નામ આપ્યાં છે તેનું કંઈક કરવાનું છે પણ એક સાથે ચાર જગ્યા પર કેવી રીતે આપણે પહોંચી શકીશું?,એનાં માટે તો વધુ લોકો જોઈશે અને આપણે હાલ માત્ર પાંચ જ છીએ”

“આપણે બીજાં લોકોની મદદ લઇ શકીએ”ખુશાલે કહ્યું, “તે એકવાર કરમવીર કૃષ્ણનની મદદ લીધી હતી.એની સાથે વાત ના કરી શકીએ?”

“એનાં માટે સમય લાગશે.આપણે તાત્કાલિક માણસો જોઈએ છે”જૈનીતે કહ્યું.

“આટલો સમય રાહ જોઈ છે તો દસ દિવસ વધુ.તેઓનો સાથ હશે તો કામ આસાનીથી થશે”ખુશાલે કહ્યું.

“હા જૈનીત,ઉતાવળમાં કરેલા કામમાં કોઈ દિવસ સફળતા નથી મળતી માટે આપણે કોઈની તો મદદ લેવી જ પડશે”ક્રિશાએ પણ ખુશાલનો સાથ આપતાં કહ્યું.

“આમ પણ દસ દિવસમાં તને વધુ રિકવરી આવી જશે”આ વખતે નિધિ બોલી, “અને તારા વિના કશું નથી થવાનું”

“હવે બધા કહે છે તો વાત માની લે”આખરે બકુલે કહ્યું, “કરમવીર બેનનો કોન્ટેકટ કર અને તેને આ માહિતી આપ. એ આવા કામો કરવામાં નિપુણ છે”

“એક પ્રૉબ્લેમ છે પણ”જૈનીતે કહ્યું, “એ બધી વાતો ગોપનીય રાખે છે.તે દિવસે એ સો છોકરીઓને બચાવવા મેં મદદ માંગી હતી તો મને જ સીનમાંથી કાઢી નાખ્યો હતો અને તેનાં માણસોએ કામ કરી દીધું હતું.હું જ્યારે ત્યાં પહોંચ્યો તો વિક્રમ દેસાઈના માણસો સિવાય ત્યાં કોઈ નહોતું”

“આપણે તેની સામે પહેલી શરત આપણને સાથે રાખીને કામ કરવાની રાખીશું અને આમ પણ તે એકવાર મદદ માંગી હતી તો હવે તેને પણ તારા પર વિશ્વાસ આવી ગયો હશે”

“સારું હું તેને મદદ માટે વિનંતી કરું છું”જૈનીતે કહ્યું, “અને સુલોચના ક્યાં છે.એ ક્યાંય દેખાતી નથી”

“એને મેં પોતાનાં ઘરે મોકલી દીધી છે”ખુશાલે કહ્યું, “તારો આભાર માનતી હતી અને એનાં લાયક કોઈ કામ હોય તો કહેવા કહ્યું છે”

“સારું કામ કર્યું તે”જૈનીતે કહ્યું, “બસ થોડાં જ દિવસો છે પછી જેટલી છોકરીઓ સાથે આ છેતરપીંડી થઈ છે તેઓને ઇન્સાફ મળી જશે અને તેઓ ખુશીથી પોતાનું જીવન જીવી શકશે”

વાતાવરણ શાંત હતું એમાં કોઈએ દરવાજો ઠોકયો.

“કોઈક આવતું લાગે છે”બકુલે કહ્યું.

“અત્યારે કોણ હોઈ શકે?” નિધીએ પૂછ્યું.

“તમે લોકો છુપાઈ જાઓ”ખુશાલે કમરેથી રિવોલ્વર કાઢી કહ્યું અને રિવોલ્વરનું નાળચુ ચાર ફૂટના દરવાજા તરફ તાંક્યુ.ખુશાલ ધીમે ધીમે આગળ વધ્યો અને દરવાજો ખોલ્યો.

કોણ હતું એ?

***

રાતના નવ વાગ્યા હતા.મહેતાનાં ઘર પાસે એક બુલેટ આવીને ઉભું રહ્યું.બુલેટ પાર્ક કરી એ વ્યક્તિ દરવાજા પાસે આવીને ઉભો રહ્યો.તેનાં હાથમાં એક ભૂરા પુંઠાની ફાઇલ હતી.તેણે બે મિનિટ વિચાર કર્યો અને દરવાજો નૉક કર્યો.

“દરવાજો ખુલ્લો જ છે”અંદરથી મહેતાં બોલ્યો, “જુવનસિંહ અંદર આવી જાઓ”

ચહેરા પર મોટી મુસ્કાન સાથે જુવાનસિંહ ઘરમાં પ્રવેશ્યો.મહેતાં સામે સોફા પર બેઠો બેઠો મેગેઝીન વાંચી રહ્યો હતો.જુવાનસિંહ તેની પાસે જઈને ઉભો રહ્યો.

“બેસો જુવાનસિંહ,ઉભા રહીને જ બધી વાત કરશો”પોતાનાં મજાકિયા સ્વભાવે મહેતાએ કહ્યું.

“હું આ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો મી.મહેતા”બાજુમાં સોફા પર સ્થાન લેતાં જુવાનસિંહે કહ્યું.

“તમારા જેવા નીડર અને કાબેલ ઇન્સ્પેક્ટર સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો છે તો આ લ્હાવો અમે કેવી રીતે જવા દઈએ?”મેગેઝીન બાજુમાં રાખતાં મહેતાએ કહ્યું.જુવાનસિંહ માટે એક નોકર પાણી લઈ આવ્યો.

“લ્હાવો તો હું લઈ રહ્યો છું, આટલાં મોટાં કામમાં તમે મને આવો રોલ આપ્યો છે એનાં માટે તમારો આભાર માનું એટલો ઓછો છે”જુવાનસિંહે ફાઇલ બાજુમાં રાખી,પાણીનો ગ્લાસ હાથમાં લઈ કહ્યું.

“આ ફાઇલ શા માટે સાથે લઈ આવ્યા ઇન્સપેક્ટર સાહેબ?”મહેતાંએ ફાઇલ તરફ ઈશારો કરીને કહ્યું.

“તમારાં માટે લાવ્યો છું મી.મહેતા,તમારે આ ફાઈલમાં એક વાર નજર ફેરવવી જોઈએ”જુવાનસિંહે ફાઇલ મહેતાં તરફ લંબાવી.

મહેતાએ ફાઇલ હાથમાં લઈ ખોલી.જેમ જેમ એ ફાઈલમાં રહેલી માહિતી વાંચતો ગયો તેમ તેમ તેનો ચહેરો ખીલતો ગયો.જ્યારે તેણે ફાઇલ બંધ કરી ત્યારે તેનો ચહેરો ગુલાબી થઈ ગયો હતો.

“આ બધું શું છે જુવાનસિંહ”મહેતાએ અચંબિત થઈને કહ્યું, “ક્યાંથી મળી ગયું આ તમને?”

“નેકી કરવાવાળાની સાથે ભગવાન હોય જ છે મી.મહેતા.એ કોઈપણ સ્વરૂપમાં તેનાં ભક્તને મદદરૂપ થાય છે”જુવાનસિંહે મહેતાની ભાષામાં કહ્યું, “આ ફાઇલ મને જૈનીત પાસેથી મળી હતી.તેની જ મહેનતનું આ પરિણામ છે”

“જૈનીત.. જૈનીત…જૈનીત…”મહેતાએ કહ્યું, “કંઈ માટીનો બન્યો છે આ છોકરો.જે કામ મારે કરવાના હોય છે એ બધા કામ એ કરી આપે છે.એક દિવસ એ મારી જગ્યા પર બેસવાનો છે.મારી આ વાત નોંધી લેજો ઇન્સ્પેક્ટર”

“એ તો એનાં માટે ગર્વની વાત થશે મી.મહેતાં”જુવાનસિંહે કહ્યું, “હાલ મને અહીં શા માટે બોલાવવામાં આવ્યો છે એ જણાવો”

“વિક્રમ દેસાઈ મળવા આવ્યો હતો મને”મહેતાએ કહ્યું, “જૈનીત હવે ત્યાં સુરક્ષિત નથી.એને અહીં લઈ આવો”

“થઈ જશે મી.મહેતાં”જુવાનસિંહે કહ્યું.

“બીજીવાત,હવે એ દિવસ નજીક આવી રહ્યો છે માટે જૈનીતને હકીકતથી વાકેફ કરવાનો છે.હું તેને જણાવું એનાં કરતાં તમે જ એને બધું સમજાવી દેશો તો વધુ સારું રહેશે અને મેં મારી ટિમ તૈયાર કરી લીધી છે, તમારું કામ ક્યાં સુધી પહોંચ્યું છે?”

“મારી ટીમમાં પણ ચાલીસ લોકો જોડાય ગયાં છે,બસ દસ લોકો વધી જાય એટલે મારી ટિમ પણ તૈયાર થઈ જશે”

મહેતા ઉભો થયો.રૂમમાં જઈ તે પણ એક ફાઇલ લઈ આવ્યો.

“આ ફાઈલમાં મિશન ‘જોકર’ની બધી માહિતી છે.સાથે મારી ટીમના માણસોની પણ માહિતી પણ મેં શામેલ કરી છે કારણ કે હવે એ લોકો પણ આ મિશનનો હિસ્સો છે.તમે આ ફાઈલમાં તમારી ટીમની માહિતી ઉમેરી દેજો અને મને પાછી આપજો.તમે આપી એ ફાઇલ હું મારી પાસે રાખું છું.તમે મને મિશન ‘જોકર’ની ફાઇલ આપો પછી કોને કંઈ જગ્યાએ મોકલવા એ નક્કી કરી હું તમને આ ફાઇલ સુપરત કરી દઈશ”

“જેવું તમને યોગ્ય લાગે મી.મહેતા”જુવાનસિંહે કહ્યું.

“તમે અત્યારે જ જૈનીત પાસે જઈ રહ્યા છો કે કાલે?”મહેતાએ પૂછ્યું.

“સારા કામ કરવામાં સમય ન વેડફાય.હું અત્યારે જ જૈનીતને મળીને બધી માહિતી આપી દઉં છું અને તેને અહીં લઈ આવું છું”કહેતાં જુવાનસિંહ ઉભો થયો.

“બેસ્ટ ઓફ લક યંગ ઇન્સ્પેક્ટર”મહેતાંએ ઉભા થઇ જુવાનસિંહ સાથે હાથ મેળવ્યો.જુવાનસિંહે ગરદન ઝુકાવી મહેતાનું અભિવાદન કર્યું અને પોતાનાં મુકામે જવા નીકળી ગયો.

(ક્રમશઃ,)

જુવાનસિંહ જૈનીતને કંઈ વાત માટે મનાવવા આવ્યો હતો?,જુવાનસિંહ જૈનીત માટે સારા સમાચાર લઈને આવ્યો હતો?,મહેતાં કોણ હતો અને શા માટે જૈનીતની મદદ કરી રહ્યો હતો.જાણવા વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226