Kalakar - 24 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 24

કલાકાર ભાગ – 24

લેખક - મેર મેહુલ

કોન્સ્ટેબલ રાણા અને અર્જુન બંને સિગરેટ પી રહ્યાં હતાં. સિગરેટ પુરી કરીને અર્જુન હળવો થવા ગયો.

“આ કલાકારે તો આપણાં મકસદનું મજાક બનાવી દીધું” રાણાએ નાક ફુલાવ્યું.

“આપણાં નહિ, પ્રતાપ સાહેબનાં મકસદનું. આપણે તો બે મહિના પછી એક વર્ષ પૂરું થશે એટલે ફરી જોઈન કરી લેશું” અર્જુન પેન્ટની ઝીપ ઉપર કરતાં પાછો સ્ટુલ પર આવીને બેઠો.

“આપણું એક વર્ષ ધૂળમાં ગયું એનું શું ?, અને પ્રતાપ પણ ક્યાં ગુન્હેગાર હતો. એ પણ આપણી જેમ જ શિકાર થયો છે ને ?” રાણાએ કહ્યું.

“જે કહો એ પણ આ કામમાં મજા ખૂબ આવે છે” અર્જુને બગાસું ખાતાં કહ્યું.

“મજા તો આવે જ ને, કામ જ એવું છે”

“મને ઊંઘ આવે છે સાહેબ” પ્રતાપે કહ્યું.

“સારું, તું થોડીવાર આરામ કરી લે. મને ઊંઘ આવશે એટલે તને હાંકલો કરીશ” રાણાએ બીજી સિગરેટ સળગાવતાં કહ્યું.

અર્જુન ઉભો થયો, “પ્રતાપ સાહેબની ધ્યાન રાખજો, પેલો માણસ કેવો છે એની કોઈ ભાળ નથી”

“પ્રતાપની ચિંતા ના કર, એ બધું સંભાળી લેશે” રાણાએ ધુમાડા બહાર કાઢીને ટિપિંગ પેપર સ્ટુલ સાથે ઘસીને સિગરેટ બુઝાવી.

અર્જુન વાન તરફ એક લીમડાનાં વૃક્ષ નીચે રહેલી ચાર પાઈ પર આડો પડ્યો. રાણા તેની આદત મુજબ મોબાઇલ મચેડવામાં વ્યસ્ત થઈ ગયો.

બંને કોન્સ્ટેબલની જાણ બહાર એક નકાબધારી યુવતી તેઓનાં પર નજર રાખીને બેઠી હતી. અર્જુન સુવા ચાલ્યો ગયો હતો અને રાણા મોબાઈલમાં વ્યસ્ત હતો. તકનો લાભ ઉઠાવી એ યુવતી ફાર્મનાં પાછળના વાડામાંથી પ્રવેશી. રાણા હજી મોબાઈલમાં જ મગ્ન હતો. પેલી યુવતી બિલાડીની જેમ દબેપાવ રાણાની પાછળની તરફથી એકદમ નજીક પહોંચી ગઈ. રાણા કોઈનાં આવવાના અણસાર આવ્યાં એટલે તે જોવા માટે પાછળ ઘૂમ્યો.

બરોબર એ જ સમયે નકાબધારી યુવતીએ રાણાનાં મોં પર રૂમાલ દબાવી દીધો. રૂમાલ ક્લોરોફોર્મયુક્ત હતો એટલે થોડી ક્ષણોમાં રાણા બેહોશ થઈ ગયો. નકાબધારી યુવતી માટે રસ્તો હવે સાફ હતો. તેણે અર્જુનને પણ એવી જ રીતે બેહોશ કરી દીધો.

ત્યારબાદ એ યુવતી ઝૂંપડીના દરવાજા પાસે પહોંચી અને દરવાજા પર કાન માંડ્યા.

“તે કોને કેદ કર્યો છે એ તું નથી જાણતો કમજાત, હું તને એક મિનિટમાં ખતમ કરી શકું છું” અક્ષય ગુસ્સામાં બરાડ્યો હતો.

“હોવ હોવ…ફૂલ મેન, હું ઝઘડો નથી ઇચ્છતો અને તું કોણ છે એ જાણવામાં મને સહેજ પણ રસ નથી. મારાં થોડાં સવાલોના જવાબ આપી દે એટલે તું આઆઝાદ છે” કોઈ જાણ્યો-અજાણ્યો અવાજ એ યુવતીના કાને પડ્યો.

“મને એક ગ્લાસ પાણી મળશે ?” અક્ષય પણ ઠંડો પડ્યો, “મારું ગળું સુકાય છે”

“શ્યોર”

એક વ્યક્તિ ઉભો થયો, થોડીવાર પછી માટલનું બુઝારું રણકવાનો અવાજ આવ્યો. એ જ સમયે નકાબધારી યુવતીએ કમરેથી પિસ્તોલ કાઢી અને બાજુમાં પડેલાં લોખંડનાં પાઇપ વડે દરવાજા પર પ્રહાર કર્યો. ખખડી ગયેલો એ લાકડાનો દરવાજો તૂટી ગયો. એ યુવતીએ જેનાં હાથમાં પાણીનો ગ્લાસ હતો એનાં તરફ પિસ્તોલનું નાળચુ રાખ્યુ અને એક આંગળી ટ્રિગર પર રાખી.

સામેના વ્યક્તિએ ગ્લાસ પડતો મૂકીને બંને હાથ ઊંચા કરી દીધાં. એ યુવતી અને પ્રતાપની આંખો ચાર થઈ.

“પ્રતાપ…!!!” એ યુવતીનાં મોંમાંથી શબ્દો સરી પડ્યા.

અંધારી રાતે, સૂમસામ ફાર્મમાં એક યુવતી તેની સામે પિસ્તોલ તાંકીને ઉભી હતી, એ યુવતી કોણ હતી એ પ્રતાપ નહોતો જાણતો પણ યુવતી પ્રતાપને જાણતી હતી.

“કોણ ?” પ્રતાપ ગુંચવાયો.

“પલ્લવી..!!!” અક્ષય અચંબિત થઈ ગયો, “તું અહીં ?”

પલ્લવીએ ચહેરા પરથી સ્કાફ હટાવ્યો. પિસ્તોલને કમર પર લગાવી.

“તું અહીં શું કરે છે પલ્લવી ?” પ્રતાપની પણ આંખો પહોળી થઇ ગઇ હતી.

“એ જ હું પૂછું છું !!, તું અહીં શું કરે છે? અને સરને કેમ કેદ કરી રાખ્યા છે ?”

“મને કોઈ છોડાવશો ?” અક્ષયે કહ્યું, “ મહેરબાની કરીને અહીં શું ચાલે છે એ જણાવશો અને કોઈક મને પાણી આપો. મારુ ગળું સુકાઈ ગયું છે”

દસ મિનિટ પછી,

અક્ષય, પલ્લવી અને પ્રતાપ ઝૂંપડીની બહાર રહેલાં લાકડાનાં સ્ટુલ પર બેઠાં હતાં. અક્ષય પલ્લવી તરફ જોતો હતો, પલ્લવી પ્રતાપ તરફ અને પ્રતાપ પલ્લવી તરફ.

“બોલીશ હવે કંઈક ?” અક્ષયે કંટાળીને કહ્યું.

“ આ પ્રતાપ છે, મારો બાળપણનો દોસ્ત. અમે દસમાં ધોરણ સુધી સાથે હતાં, ત્યારબાદ અમે અમદાવાદ રહેવા ચાલ્યાં ગયાં એટલે અમે છુટા પડી ગયાં હતાં. આજે દસ વર્ષ પછી અચાનક ભેટો થઈ ગયો અને એ પણ અહીં” પલ્લવીએ કહ્યું.

“તું ક્યાં દિવસ કિડનેપિંગ કરવા લાગ્યો ?” પલ્લવીએ પ્રતાપ તરફ જોઈને ભવા ચડાવ્યાં.

“હું કોઈ એવા ધંધા નથી કરતો. તારાં સર મારાં કામમાં કાંટો બનતાં હતા અને મારે તેની પાસેથી થોડાં સવાલના જવાબ જોતાં હતા એટલે તેને ઉઠાવવા પડ્યા”

“ક્યાં કામમાં કાંટો બને છે ? અને કેવા સવાલ પુછવાના છે ?, વિસ્તારમાં જણાવ”

“વાત એક વર્ષ પહેલાંની છે. હું પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો પછી એ મારું પહેલું ટ્રાન્સફર હતું. મને ગાંધીનગરનાં નાનકડા એવા અમરગઢ ગામમાં ટ્રાન્સફર મળ્યું હતું. મારી ફેમેલી સાથે હું ત્યાં જ શિફ્ટ થયો હતો. અમરગઢ ગામનો રહેવાસી ગજેન્દ્રસિંહ ઝાલા ત્યારે મને મળવા આવ્યો હતો. એ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીનું ફોર્મ ભરવાનો હતો માટે ગામમાં સભ્યતા જળવાઈ રહે એ માટે તેને મને ભલામણ કરી હતી. હું તેને ભલો માણસ સમજતો હતો પણ ટ્રાન્સફર થયાનાં એક મહિનામાં જ તેનો અસલી ચહેરો મારી સામે આવી ગયો. એ કોમવાદને પ્રોત્સાહન આપતો હતો. ગામમાં રહેલી બે કોમ વચ્ચે ઝઘડો કરાવી એ જાતે જ તેઓનું સમાધાન કરાવતો. એ સમયે મારી સાથે બે કોન્સ્ટેબલ હતાં, રાણા અને અર્જુન. તેઓએ મને ગજેન્દ્રસિંહનાં મનસૂબાથી વાકેફ કર્યો હતો.

એક દિવસ અમે પેટ્રોલીંગ પર હતાં એ સમય દરમિયાન ગજેન્દ્રસિંહનાં કેટલાક માણસો દાદાગીરી કરતાં હતાં. તપાસ કરતાં માલુમ પડ્યું કે ખેડૂતો પાસેથી જમીન પડાવી તેઓ ગામમાં એક કેમિકલની મોટી ફેકટરી નાંખવા ઇચ્છતાં હતાં.

મેં તેઓને એરેસ્ટ કરીને જેલમાં નાંખી દીધાં. બીજા જ દિવસે ગજેન્દ્રસિંહ ઝાલા તેઓને છોડાવવા આવી પહોંચ્યો અને બે લાખની લાંચના બદલામાં તેનાં માણસોને છોડી દેવા કહ્યું. મેં તેને ઘસીને ના પાડી એટલે એ હસીને જતો રહ્યો”

પ્રતાપ શ્વાસ લેવા અટક્યો.

“પછી શું થયું ?” અક્ષયે પુછ્યું.

“એ દિવસની રાત્રે મારાં પરિવારને તેણે ખત્મ કરી દીધું અને તેઓનાં મર્ડરનાં કેસમાં મને ફસાવી દીધો. સાથે ગામમાં ફેકટરી નાંખવાના ઈરાદાથી હું બધાં પાસે રીશ્વત લેતો અને ધમકીઓ આપતો એવું સાબિત કરી દીધું. મને બરખાસ્ત કરવામાં આવ્યો અને મારી સાથે રહેતાં બે કોન્સ્ટેબલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં. એ જ દિવસથી ગજેન્દ્ર સાથે બદલો લેવાનું મેં નક્કી કરી લીધું હતું, અમે તેની દરેક હિલચાલ પર નજર રાખતાં. તેની વિરુદ્ધ પુરાવા એકઠા કરતાં. એ દરમિયાન અમને જાણવા મળ્યું કે અક્ષય નામનો એક બેઇમાન CID ઑફિસર ગજેન્દ્ર માટે એક ખૂન કરવાનો છે એટલે તેને રોકવા માટે અમે અક્ષયને કેદ કરી લીધો અને પછી તારી એન્ટ્રી થઈ”

“હું પણ એક વર્ષથી CIDમાં કાર્યરત છું અને અક્ષયસર સિનિયર છે. તે જે વાત સાંભળી એ બિલકુલ સાચી છે પણ અમે કોઈ નિર્દોષ વ્યક્તિને નથી મારવાના. છેલ્લાં એક મહિનામાં અમારાં આઠ ઓફિસરોની હત્યા થઈ છે, એની પાછળ કોણ છે એ જાણવા માટે જ અમે હામાં હા પાડી હતી”

“એ હત્યાઓ બીજા કોઈ નહિ પણ ગજેન્દ્રસિંહ ઝાલાએ કરાવી છે, એ બધી હત્યાઓનો દોષ એ વિરલ ચુડાસમા પર થોપવા ઈચ્છે છે. અક્ષય જ્યારે વિરલનું ખૂન કરે ત્યારે અક્ષયને રંગે હાથ પકડીને એ ફેક કેસ સોલ્વ કરવા માંગે છે જેથી લોકોની નજરમાં એ હીરો બની જાય”

“હું અક્ષયને આ બધું સમજાવવા જ અહીં લાવ્યો હતો” પ્રતાપે કહ્યું, “એ પહેલાં તું આવી ગઈ”

“મને હવે બધું સમજાય ગયું છે, આ બધું શા માટે થઈ રહ્યું છે અને કોનાં માટે થઈ રહ્યું છે એ બધું ધીમે ધીમે મને સમજાય રહ્યું છે. આપણને ડિસ્ટ્રેક્ટ કરવામાં આવી રહ્યાં છે. હકીકતમાં આ લોકો શું કરવા ઈચ્છે છે એ માત્ર મને જ ખબર છે”

પલ્લવી અને પ્રતાપ પ્રશ્નચુચક નજરે અક્ષય સામે જોઈ રહ્યાં. અક્ષય શું કહેવા ઇચ્છતો હતો એ બંને સમજી નહોતાં શકતાં પણ અક્ષય જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો એ હાવભાવે બંનેમાં નવચેતન લાવી આપ્યું હતું.

કંઈ રહસ્યની વાત હતી અક્ષય પાસે ?

(ક્રમશઃ)

નવલકથા અંતિમ ચરણમાં પહોંચી રહી છે..આગળ શું થશે એ મને પણ નથી ખબર.. પણ એક વાત નક્કી છે કે જે થશે એ કલાકારી હશે. આમ પણ ઘણાં સમયથી અક્ષય એક્શનમાં નથી આવ્યો તો હવે એ પણ ઉતાવળો થઈ રહ્યો છે તો તૈયાર થઈ જાઓ સુપર એક્શન માટે… stay connected.

નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898