Highway Robbery - 26 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 26

હાઇવે રોબરી - 26

હાઇવે રોબરી 26

સમય ખૂબ ઓછો હતો. વસંત વિચારતો હતો કે જે કરવું હોય એ ફટાફટ કરવું પડશે. જવાનસિંહ ઘેરાઈ ગયો છે. એનું શું થશે એ ખબર નથી અને પોલીસ પોતાના ઘરે પહોંચી ગઈ છે. એવું લાગે છે કે પોલીસ એ જાણી ગઈ છે કે વસંત જ સરદારજી છે જેણે આંગડિયા લૂંટમાં ભાગ લીધો હતો. એટલે જ પોલીસ સરદારજીના અને પોતાના ફોટા લઈ ગામમાં તપાસ કરી રહી છે. હવે ઘરે જઈ શકાય તેમ ન હતું અને પોલીસ પણ ગમે ત્યારે ખેતરે આવી શકે તેમ હતી. એણે ફટાફટ નિર્ણય કર્યો. મોટરસાઇકલ લઈ ભાગવું મુશ્કેલ હતું. કેમકે પોલીસે બધા રસ્તા બ્લોક કર્યા હશે. એણે નક્કી કર્યું કે એ મુખ્ય રસ્તા છોડી બીજા રસ્તા અપનાવશે....
ઓરડીમાં એ અરીસાની સામે છાપુંને પાથરી બેઠો. અને લાંબા વાળ બિલકુલ નાના, જેટલા નાના કરાય એટલા કરી નાખ્યા. ફક્ત ચોટીના વાળ લાંબા રહેવા દીધા. રાધાને એના લાંબા વાળ ખૂબ ગમતા હતા. પણ હવે શું? એના ગળે ડૂમો ભરાઈ ગયો.. મૂછો લેઝરથી કાપી નાખી. બધા વાળ છાપાના કાગળ માં ભેગા કરી લીધા.
ભારે વરસાદના કારણે એ ઘણીવાર ખેતરમાં રોકાતો હતો. માટે ખેતરમાંની ઓરડીમાં એણે કામની ઘણી વસ્તુઓ રાખી હતી. પૂજા કરતા સમયે એ હમેશા લાલ કે પીળા કપડાંનો ઉપયોગ કરતો. એમાં જૂની થઈ ગયેલી બે જોડ એણે ખેતરમાં મૂકી હતી. એમાંથી એક જોડી કાઢી. અને એક ધોતી લુંગીની જેમ વીંટી લીધી. અને એક ખભે નાખી. કપાળે ચંદનનું તિલક કર્યું.
એક સફેદ જૂનો બગલથેલો લીધો. એક વધારાની જોડ હાથમાં લીધી. મોબાઈલ હાથમાં લીધો. જવાનસિંહ ને સૂચના આપી કે હું મોબાઈલ સ્વિચ ઓફ કરું છું. તું પણ કરી દે, નહિ તો પોલીસ લોકેશન ટ્રેશ કરશે. મોબાઈલ સ્વિચ ઓફ કર્યો, મોબાઈલ અને પાકિટ બન્ને એ ધોતીમાં લપેટી બગલથેલામાં મુક્યું. એણે દર્પણમાં જોયું. હજુ એવું લાગતું હતું કે પોતે વસંત જ છે.
પોલીસ કે સમાજ જેને શોધવા પાછળ પડ્યો હોય એ દેખાવમાં ગમે તેટલું પરિવર્તન કરે પણ એને અંતરમનમાં એક ડર તો રહેતો જ હોય છે કે પોતે ઓળખાઈ જશે. પણ એણે વિચાર્યું કે આનાથી વધારે પરિવર્તન એ કરી શકે એમ નહતો.
એણે બહાર નજર કરી. ખેતીનો સમય ન હતો. એટલે ખેતરોમાં કોઈની હોવાની શક્યતા ન હતી. છતાં એ એક પળ અચકાયો. એણે ખભે મુકેલ વસ્ત્ર બગલથેલામાં મુક્યું અને એક શર્ટ પહેર્યો. ખેતરોમાં દૂરથી એનો ઉપરનો ભાગ જ દેખાવાનો હતો. મોટરસાઇકલ ઓરડીમાં મૂકી. મોટરસાઇકલની ચાવી ત્યાં જ રાખી. ઓરડી બંધ કરી. ઓરડીને તાળું માર્યું અને બે ચાવી માંથી એક ચાવી દરવાજા આગળ નાખી દીધી અને બીજી ચાવી બગલથેલા માં નાખી. એને અંદાજ હતો કે ટૂંક સમયમાં જ પોલીસ અહીં આવશે.....
***************************
નાથુસિંહ માટે આ અગત્યનો સમય હતો. હજુ એક કલાક પહેલાં એ માણસ મંદિરમાં હતો. અને એ પોતાને... નાથુસિંહને ચકમો આપી ભાગી ગયો. એને પોતાના ઉપર ભયંકર ગુસ્સો આવતો હતો. પોતાની જ ભૂલ હતી. પોતે બિલકુલ દરવાજાની પાસે છુપાવાની જરૂર હતી. ખેર એ એક પોલીસ હતો. આવા સમયે શું કરવું એ એને ખબર હતી. આખા એરિયાને પોલીસે અને પોતે કોર્ડન કરાવ્યો હતો. એટલે એ વધારે દૂર નહિ જઇ શકે એ નક્કી હતું. બધા રસ્તા પર ચેકિંગ હતું. એટલે એ રસ્તે, એ જઈ શકે તેમ ન હતો. હવે વધારે શકયતા એ હતી કે એ નદી તરફ ભાગ્યો હોય. અને એ ભાગ્યો તો નહીં હોય પણ આટલામાં જ ક્યાંક છુપાયો હશે...
નાથુસિંહે મંદિરના દરવાજા આગળનો ભાગ ચેક કર્યો. ત્યાં કેટલુંક ઘાસ દબાયેલું, કચડાયેલું હતું. અને ત્યાં કંઇક ઘસાયું હોવાના નિશાન હતા. મંદિરના કમ્પાઉન્ડના વળાંક પછી એ નિશાનો ગાયબ થઈ ગયા હતા. એક શકયતા એ હતી કે આજુબાજુની ઝાડીઓ કે કોઈ વૃક્ષો માંથી ક્યાંક એ સંતાયો હોય. નાથુસિંહે દિલાવરને ફોન કર્યો અને માણસોની વિશાળ ફોજ મંગાવી. એમાં અડધા માણસોને નદીની સામેની બાજુ અર્ધવર્તુળાકારે ગોઠવવાનું કહ્યું. પણ બધાને સ્ટ્રિક સૂચના આપવામાં આવી કે જરૂર પડે બે દિવસ છુપાઈને રહેવાની તૈયારી કરી ને આવે. એટલે જરૂર જેટલું પાણી લઈને આવે.. બધાને જવાનસિંહનો ફોટો બરાબર બતાવી દેવામાં આવ્યો.
નાથુસિંહે બધા પોતાની સાથેના માણસોને પાછા બોલાવી લીધા. અને બધા હાઇવે તરફના રસ્તે ચાલ્યા ગયા.
જવાનસિંહે જોયું. મંદિર અને આજુબાજુમાં તપાસ કરી એ લોકો ચાલ્યા ગયા. એને હાશ થઈ. પણ હજુ એના મનમાં થોડો ડર જરૂર હતો.
નાથુસિંહ ત્રણ રસ્તે પહોંચ્યો. એણે ગણ્યા એ ટોટલ બાર માણસો હતા. એણે એક આખી વ્યૂહરચના બનાવી હતી. છ છ માણસોની બે ટીમ બનાવી. અને બન્ને ટીમે નદીના એરિયાને મંદિરના વિરુદ્ધ દિશામાંથી ઘેરી લીધી. બધા નાના ઝાડવાઓ અને વૃક્ષોની પાછળ છુપાઈને એવી રીતે ગયા કે સંતાયેલા માણસને આ લોકોની કંઈ ખબર ના પડે.
સવા કલાક પછી નદીની બન્ને બાજુ માણસોના કાફલાથી ઘેરાઈ ગઈ હતી. જવાનસિંહ એનાથી તદ્દન અજાણ હતો. પણ સાવચેત જરૂર હતો. એ કોઈ ઉતાવળ કરવા નહોતો માગતો...
****************************
પોલીસના કડક બંદોબસ્તમાં જોડાયેલા ઓફિસરની નજરમાં વસંતના ગામ તરફ જતા રસ્તાની સાઈડમાં થઈ રહેલી મુવમેન્ટ શંકાસ્પદ લાગી. પણ બધી ગાડીયો દિલાવરની હતી. બધી ગાડીઓના નમ્બરની સિરીઝ અલગ હતી પણ નમ્બર એક જ હતા. જેનાથી રાજ્યનું આખું પોલીસ તંત્ર જાણકાર હતું. આ બધી ગાડીઓ ઘણા બધા માણસોને ઉતારી નજીકની એક હોટલ પર મુકવામાં આવી હતી...
આખી વાત પોલીસ કન્ટ્રોલ ઓફીસ સુધી પહોંચી હતી. અને તાત્કાલીક હાઈ પાવર મિટિંગનું આયોજન થયું. પોલીસ ઓફિસરો એ જાણતા હતા કે દિલાવરની આટલી મોટી મુવમેન્ટનો કોઈ ગુઢાર્ધ હતો. અને હોમ મિનિસ્ટરી એવું નહોતી કે રાજ્યમાં કોઈ ગેગવોર ફાટી નીકળે. ચાલુ મિટિંગે એક રિપોર્ટ એ આવ્યો કે નાથુસિંહ ત્યાંની કોઈ હોટલમાં ઉતર્યો છે. અને હાલ એ હોટલની બહાર મદન નામના કોઈ શખ્સને લઈને ગયો છે. અને એ જે ગાડીમાં ગયો છે એ ગાડી દિલાવરની પ્રાઇવેટ ગાડી છે. ઉચ્ચ ઓફિસરોની ટીમ એક વાતે સહમત હતી કે નાથુસિંહ આ આખી વાતમાં કોઈ અગત્યનો ભાગ ભજવી રહ્યો છે.
પણ હજુ એ વાત સ્પષ્ટ ન હતી કે આ મુવમેન્ટ શા માટે ચાલે છે. પણ ઇન્ટેલિજન્સ બ્યુરોનો રિપોર્ટ એ હતો કે દિલાવર , અમરસિંહના ખૂનનો બદલો લેવા માંગે છે. અને કદાચ આંગડિયા પેઢીની લુંટમાં એનો માલ પણ લૂંટાયો છે. જે પોલીસ રેકોર્ડ પર નથી. જેની ફરિયાદ કરવામાં આવી નથી.
આખરે ત્યાંની સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસની એક ટુકડીનો બંદોબસ્ત એ રોડ પર ચુસ્ત કરવામાં આવ્યો. જ્યાં સુધી કોઈ ઘટના ના બને ત્યાં સુધી કંઈ થઈ શકે તેમ ન હતું.. તમામ માહિતી આંગડિયા પેઢી લૂંટ કેસના સંદર્ભમાં મી.રોયને મોકલવામાં આવી હતી. મી. રોય એ તાત્કાલિક બધી માહિતી રાઠોડ ને આપી. મી.રોયે , રાઠોડને બીજી બધી કામગીરી મુલતવી રાખી તરત જ સાઈટ પર જવાની સૂચના આપી. રાઠોડ વસંતના ઘર પર ચાર કોન્સ્ટેબલ મૂકી પટેલને લઈ , આખી ટીમ સાથે સાઈટ પર જવા નીકળ્યા.

************************

વસંત ખેતરમાંથી બહાર આવ્યો. એનું મન ડરતું હતું. પણ ચારે બાજુ સન્નાટૉ હતો. એ બહારના રોડ પર આવ્યો. થોડે દુર સુધી ઝડપથી ગયો. ચારે બાજુ નજર નાખી અને ફટાફટ શર્ટ કાઢી બાજુના ખેતરની વાડમાં નાખી દીધો. અને બગલથેલામાંથી પીળું વસ્ત્ર કાઢી ખભે નાખ્યુ. માથાના વાળનું પડીકું ખોલી વાળ ખેતરની વાડમાં ઉડાડી દીધા અને એ આગળ ચાલ્યો..
હાઇવે તરફ અંદરના રસ્તે આવો એટલે એક રસ્તો ખન્ડેર મંદિર તરફ જતો હતો. અને બીજો રસ્તો વસંતના ગામ તરફ જતો હતો. વસંતના ગામ તરફ જતો રસ્તો વસંતના ગામને ટચ કરી સીધો આગળ જતો. અને ત્યાં એક રસ્તો નદીના છેડે હનુમાનજીના ખૂબ જ વિખ્યાત મંદિર તરફ જતો હતો. આમ જો ખન્ડેર મંદિરની બાજુની નદીથી સીધા નદીમાં આગળ વધો તો હનુમાનજીના મંદિર પાસે જવાય...
વસંતે વિચાર્યું કે હાઇવે તરફ જવાય એમ ન હતું. ખન્ડેર મંદિર તરફ જવાય એમ ન હતું. જવાનસિંહ ત્યાં ઘેરાઈ ગયો હતો. હવે એક જ રસ્તો હતો. હનુમાનજીના મંદિર તરફ જઈ નદીમાં ઉતરી જવું. હનુમાનજીના મંદિર તરફ જતા રસ્તે એ ચાલ્યો...
અને પાછળ થી કોઇ વાહને હોર્ન વગાડ્યું..
(ક્રમશ:)

14 જૂન 2020


Rate & Review

bhavna

bhavna 1 year ago

Vishwa

Vishwa 1 year ago

Paul

Paul 1 year ago

Pradyumn

Pradyumn 1 year ago

Mmm

Mmm 2 years ago