Highway Robbery - 37 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 37

હાઇવે રોબરી 37

આંગડીયા લૂંટ કેસમાં નાથુસિંહની શંકાસ્પદ ભૂમિકા અને જવાનસિંહના અકસ્માત સમયે ગેરકાયદેસર હથિયાર સાથે દિલાવરના માણસો સાથેનો કેસ કોર્ટમાં મુકાયો હતો. એનો રિપોર્ટ રાઠોડ સાહેબે હાયર ઓથોરિટીને મોકલી આપ્યો હતો. નાથુસિંહ જાણતો હતો કે હવે નોકરી પર પાછા આવવું મુશ્કેલ છે. એને આ કેસ બહુ ભારે પડ્યો. એણે રાજીનામું આપી દીધું. પરંતુ કેસ ચાલવા સુધી એના રાજીનામાં પર નિર્ણય લેવાનું મુલત્વી રહ્યું. જો વ્યક્તિ યોગ્ય સમયે સમજે નહિ તો ગુનેગારનો સંગ વ્યક્તિને ગુનેગાર બનાવી ને જ રહે છે. નાથુસિંહ પણ પાછા વળવાને બદલે આગળ વધતો રહ્યો. એ દિલાવરના ખાસ માણસની જગ્યા લઈ રહ્યો હતો.
વસંતની તપાસ પોલીસ કરી રહી હતી તેમ દિલાવર પણ એની રીતે કરી રહ્યો હતો. વસંતનુ ઘર , આશુતોષ , સવિતા , પ્રહલાદ - રઘુ - જીવણ- રતનસિંહનું ઘર વગેરે પર પોલીસની સાથે દિલાવરના માણસો નજર રાખી રહ્યા હતા. પરંતુ પ્રહલાદ , જીવણ અને જવાનસિંહના સ્ટેટમેન્ટ પછી બધાનો વસંત પરનો ડાઉટ વધારે પાક્કો થયો હતો. એટલે વસંતનું ઘર વધારે શંકાસ્પદ બન્યું હતું. નંદિની , રાધાનો ફોન સર્વેલન્સ પર હતો. આશુતોષનું રાધાના ઘરે જવું , વસંતના ખેતરને સંભાળવું , વસંતનું બાઇક લઈને ફરવું અને ખન્ડેર મંદિર તરફ ફરવું પોલીસની નજરમાં ઓછું હતું. પણ દિલાવરની નજરમાં જરૂર આવ્યું હતું.
************************

આશુતોષ સવારે નોકરી જવા વહેલો નીકળ્યો. રેલવે સ્ટેશન પર કોઈ નહતું. એ થોડીવાર બેઠો. ચારેતરફ સહજ નજર નાખી અને એ સળગતા બૉમ્બ જેવી થેલી ઝાડની બખોલમાં પાછી મૂકી દીધી. સામાન્ય વ્યક્તિને આવી વસ્તુ સાથે રાખવી કઠિન હોય છે. હજુ આશુતોષ એ નક્કી નહોતો કરી શક્યો કે એ સળગતા બૉમ્બને ક્યાં નાખવો કે જેથી એની આંચ નંદિની કે રાધા ભાભીને દઝાડે નહિ.

*************************

રાધા ભાભી હવે વસંતના જલ્દી પાછા આવવાની આશાથી દુર થતા જતા હતા. એમને એ ખબર હતી કે વસંત કદાચ આવી પણ જાય તો એ કાયદાની નજરે ગુનેગાર હતા. અને આગળ શું થશે એ એમને મન મોટી શંકાનો પ્રશ્ન હતો. બીજી ચિંતા એમને નંદિનીની હતી. આશુતોષનું ઘરે આવવું હવે ગામવાળાઓની વચ્ચે ચર્ચાનો મુદ્દો બને એ પહેલાં એનો કંઈક રસ્તો કરવો જરૂરી હતો.
રાધા ભાભીએ નંદિનીના બે મામા અને માસીને બોલાવ્યા. અને નંદિનીની સગાઈ આશુતોષ સાથે કરવાની વાત કરી. નંદિનીના મામા અને માસી આશુતોષને ઓળખતા હતા. અને એ આશુતોષના ઘરની પરિસ્થિતિથી વાકેફ હતા. એમને એમની ભાણીની ચિંતા હતી. એમનું કહેવું એવું હતું કે નંદિનીને આના કરતાં વધારે સારું ઘર મળશે. પણ રાધા ભાભીને ખબર હતી. એમની લાડલી માટે આનાથી સારું ઘર હોઈ ના શકે. કેમકે આ ઘર માટે બહુ મોટી કિંમત એ ચૂકવીને બેઠા છે.
મામા માસીએ નંદિનીને સમજાવવાની પણ કોશિશ કરી. પણ એનું કહેવું એમ હતું કે ભાભી જે કરે એ બરાબર છે. મામા માસીએ વસંતના પાછા આવવાની રાહ જોવાનું પણ કહ્યું. પણ રાધા ભાભી મક્કમ હતા...
અને આખરે ભાઈની જુદાઈનું દુઃખ હદયમાં લઇ નંદિનીએ સગપણ સ્વીકાર્યું. સારા દિવસે બન્નેની સગાઈ થઈ. સોનલ અને નિરવને આ સમાચાર મળ્યા. બન્ને ખૂબ ખુશ થયા. નિરવ પોતાની માનેલી બહેનને આશીર્વાદ આપવા આવ્યો...
*************************

આશુતોષ હવે નંદિનીને મળવા આવતો. રજાના દિવસે એ અને નંદિની બહાર ફરવા પણ જતા. દિલાવર સુધી આ વાત પણ પહોંચી ગઈ. આશુતોષના મનમાં હીરા કેવી રીતે કોને આપવા એ એક સમસ્યા હતી. બહુ વિચાર્યા પછી એના મનમાં નિરવ આવ્યો. એ જ એક વ્યક્તિ લાગતો હતો જે આ બાબતમાં મદદ કરી શકે. એને ઈચ્છા થઈ કે નંદિની કે રાધા ભાભીને આ બાબતે વાત કરે. પણ પછી વિચાર આવ્યો કે એમને આ બાબતે દૂર જ રાખવા જોઈએ. છતાં એ જીવનસંગીની પ્રિયતમના મનની વ્યથા વાંચી ગઈ...
' શું વિચારો છો ? '
' કંઈ નહીં.. '
' આજસુધી બહુ છુપાવ્યું અને એના ખરાબ પરિણામ ભોગવ્યા છે. ભાઈ તો દૂર થઈ ગયા , પણ તમને પણ કંઈક થશે તો અમારું શું ? '
' નંદિની, વસંતે જે હીરા છુપાવ્યા હતા, એ જેના હશે, એ એને મેળવવાની કોશિશ તો કરશે જ. અને એના માટે એ તને કે ભાભીને કંઈ કરે તો મુશ્કેલી થાય. મારી ઈચ્છા છે કે એ હીરા જેના છે એને પાછા આપી દઈએ. અશાંતિ આપે એવા રૂપિયા મારે નથી જોઈતા. પણ કોને આપું? એટલે એક વિચાર આવે છે કે નિરવ ને મોટી મોટી ઓળખાણો છે. તો એને વાત કરું. '
' તમારી વાત સાચી છે. પણ આપણે પહેલા સોનલને પૂછી લઈએ. પછી આગળ વધીએ. '
' ઠીક છે. હું કાલે મળી આવું. '
' હું તમારી સાથે આવીશ. '
આસુતોષે ખૂબ સમજાવી પણ નંદિની ના માની.
****************************
સવારે આશુતોષ નંદિનીને લઈને વહેલો નીકળ્યો. હીરાની થેલી લઈ એ ટ્રેનમાં બેઠો. એક માણસ આશુતોષની પાછળ દોડીને ટ્રેનમાં ચઢ્યો.
સવારના નવ વાગે આશુતોષ અને નંદિની નિરવના બંગલામાં પ્રવેશ્યા. સોનલ ખુશ હતી. કેમકે આખરે આશુતોષ અને નંદિનીને એ ખુશ જોવા માંગતી હતી તે રીતે તે જોઈ શકી હતી. બન્નેનું ઉષ્માભેર સ્વાગત થયું.
નંદિની : ' સોનલ એક ખાસ વાત તારી સાથે કરવી છે. ખાનગીમાં .. '
સોનલ નંદિનીને લઈને ઉપરના માળે ગઈ.
' બોલ , શું વાત છે ? '
' સોનલ , એક કામ હતું. નિરવ ભાઈ નું. પણ તને પૂછું છું. કામ ખુબ જોખમી છે. નિરવભાઈને કહી શકાય. '
' નંદિની એ તને બહેન ગણે છે. એ તારા માટે કંઈ પણ કરવા તૈયાર થશે. અને વિશ્વાસ રાખજે, તારું અહિત નહીં થવા દે. '
સોનલે નિરવ અને આશુતોષને ઉપરના રૂમમાં બોલાવ્યા.
સોનલે આશુતોષને કહ્યું : ' તમારે જે કહેવું હોય એ નિરવભાઈને કહો. '
આશુતોષ : ' નિરવ , આજે એક ખાસ વાત કરવા આવ્યો છું. '
' આશુતોષ , બોલ ... શુ વાત છે? '
' નિરવ , વાત ખૂબ ગંભીર છે. '
' આશુતોષ , વિશ્વાસ રાખ. મારાથી થતી બધી મદદ કરીશ. '
સોનલ આશુતોષના ગંભીર ચહેરા સામે જોઈ રહી હતી.
' નિરવ , હમણાં વસંતની એક ડાયરી મળી. એમાં જે લખ્યું છે એ પ્રમાણે લૂંટમાં મોટી રકમના હીરા પણ મળ્યા હતા. '
' પણ લૂંટની ફરિયાદમાં હીરાનો કોઈ ઉલ્લેખ ન હતો. '
' હા , પણ પ્રશ્ન એ છે કે જો લૂંટમાં હીરા મળ્યા તો એનો ઉલ્લેખ ફરિયાદમાં કેમ ના થયો?'
' પણ તું આ ચિંતા શા માટે કરે છે? '
' નિરવ , હું એટલે ચિંતા કરું છું... કેમકે મને ખબર છે કે એ હીરા ક્યાં છે. '
' ક્યાં છે ? '
' નિરવ , મારે એ હીરા એના માલિકને પાછા આપવા છે. રાધા ભાભી કે નંદિનીને કંઈ થાય એ મને મંજુર નથી. '
' આશુતોષ , તું ખોટી ચિંતા કરે છે. ફરિયાદ નથી થઈ એટલે એવું પણ બને કે એ હીરા નકલી હોય. '
' નિરવ , એવું હોય તો ખૂબ સારું. તમે એ હીરા જોઈ કહી શકો કે અસલી છે કે નકલી ? '
' હા ચોક્કસ. '
આસુતોષે બેગમાંથી એક થેલી કાઢી અને ડબલબેડના ગાદલા પર ખાલી કરી. નિરવ પલંગ પર પડેલા હીરાના ઢગલાને જોઈ રહ્યો..
( ક્રમશ : )

10 જુલાઈ 2020