Highway Robbery - 38 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 38

હાઇવે રોબરી 38

નિરવ બેડ પર પડેલા હીરાના ઢગલાને જોઈ રહ્યો. એણે એક હિરો હાથમાં લઇ ઝીણવટપૂર્વક તપાસ્યો. બાકીના હીરા પણ ચેક કર્યા.
' આશુતોષ , આ હીરાની કિંમત ખબર છે? '
' ના. મને એટલી ખબર છે કે આ હીરા કરતાં મારા માણસોની કિંમત વધારે છે. '
' આ હીરાની કિંમત કરોડો રૂપિયા છે. '
' તો તો એનો માલિક આના માટે કંઈ પણ કરી શકે છે. રાધા ભાભી અને નંદિનીને હું જોખમમાં મુકવા નથી માંગતો. '
' આશુતોષ , આ હીરાના માલિકનું નામ ખબર છે? '
' ના, એ જ સમસ્યા છે. કોને પાછા આપવા? '
' તો એક જ રસ્તો બચે છે , પોલીસને આપી દઈએ. '
' પોલીસ એના માલિકને પહોંચતા કરી દેશે ? '
' આપણે પોલીસને મીડિયા સમક્ષ આપીએ. અથવા પોલીસ પાસે એનું લખાણ લઈ લઈએ એટલે એ વાત જગજાહેર થઈ જાય , જેના હશે એ પોલીસ જોડે જશે , આપણે છુટ્ટા. '
' હા , એ પણ સાચું. '
આખરે સૌથી પહેલા રાઠોડ સાહેબને વાત કરવાનું નક્કી કર્યું. કેમકે આ કેસમાં રાઠોડ સાહેબ આશુતોષની ઉલટતપાસ લઈ ચુક્યા હતાં. અને આશુતોષને રાઠોડ સાહેબ સારા માણસ લાગ્યા હતા.
નિરવે ચાર પાંચ ફોન લગાવ્યા. આખરે રાઠોડ સાહેબનો નમ્બર મળ્યો. નિરવે ફોન લગાવ્યો.
' હેલો..... '
' ગુડ મોર્નિગ સર , આઈ એમ નિરવ જૈન એન્ડ આઈ વોન્ટ ટુ મીટ યુ ઇન કેસ ઓફ આંગડીયા લૂંટ. '
' સોરી , બટ આઈ હેવ નો ટાઈમ , યુ કેન કોન્ટેકટ મી.પટેલ , માય આસિસ્ટન્ટ. '
' વન મિનિટ સર , પ્લીઝ. પ્લીઝ સર , કામ એટલું અગત્યનું , ગંભીર અને ભયાનક છે કે અમે તમારા સિવાય કોઈને મળી શકીએ એમ નથી. પ્લીઝ સર... '
' ઓ.કે. બટ, હું અત્યારે એક અગત્યની મીટીંગમાં છું. સાંજે ચાર વાગે તમને મળીશ. '
' ઓ.કે.સર.. થેન્ક્સ. '
' આશુતોષ , સાંજે ચાર વાગે બોલાવ્યા છે. શું કરીશું. '
' એક કામ કરીએ, હું હાફ ડે ભરી આવું. તમારે પણ કોઈ કામ હોય તો પતાવી લો. '
' ઓકે... '
સોનલ : ' તો હું અને નંદિની એના ઘરે જઈએ. મારે ત્યાં મંદિરે બાધા કરવી છે. એ પણ થઈ જાય. તમે સાંજે કામ પતાવી ત્યાં આવજો. '
નિરવ : ' ઓકે.. હું સાંજે ત્યાં આવીશ. '
આશુતોષ નોકરી જવા નીકળી ગયો. નિરવ એની ઓફીસ કમ શોરૂમ તરફ ગયો. બે બહેનપણીઓ વાતોએ વળગી. નંદિની થોડી ખુશ હતી , પણ હજુ ભાઈ માટેની ચિંતા અને અસ્વસ્થતા એના ચહેરા ઉપર દેખાઈ આવતી હતી.
નિરવના ઘર બહાર સામે ટી સ્ટોલ પરથી એક વ્યક્તિ આશુતોષની પાછળ રવાના થયો. એક માણસ નિરવની પાછળ બાઇક લઈ રવાના થયો. દિલાવરની શંકા હવે મજબૂત થઈ હતી કે કોઈક વાત તો છે, જે આ લોકો જાણે છે. આશુતોષ રેલ્વે સ્ટેશન પરથી કંઇક સાથે લાવ્યો હતો. પણ એની શંકા વધુ મજબૂત બની હતી. એને લાગતું હતું કે એક્શન લેવાનો સમય હવે આવી ગયો છે....

*****************************

બપોરે બે વાગ્યાની આજુબાજુ નંદિની અને સોનલ , સોનલના ઘરેથી ગાડી લઈને નીકળ્યા. સોનલ ગાડી સરસ ચલાવતી હતી. બાજુમાં નંદિની બેઠી હતી.
સવારથી ટી સ્ટોલમાં બેસી કંટાળેલા દિલાવરના માણસે દિલાવરને ફોન કર્યો. અને દિલાવરે એને કેટલીક સૂચના આપી. એ માણસ બાઇક લઈ સોનલની ગાડીની પાછળ લાગી ગયો.
રોડ ઉપર ટ્રાફીક ઘણો હતો. સોનલ સાવધાનીથી ગાડી ચલાવી શહેરની બહાર આવી. હવે ટ્રાફીક ઘણો ઓછો હતો. હાઇવે પર બે ગાડી સોનલની ગાડીની પાછળ સલામત અંતરે રવાના થઈ.
સોનલ નંદિની સાથે વાતો કરતાં કરતાં શાંતિથી ગાડી ચલાવતી હતી. નંદિની વિચારતી હતી કે આજ સુધી જે થયું એ ખોટું થયું. પરંતુ હવે આ હીરાનો મામલો શાંતિથી પતી જાય તો સારું. અને કોઈ ચમત્કાર થાય અને વસંત ભાઈનો કોઈ રસ્તો નીકળે અને વસંતભાઈ પાછા આવી જાય. પણ અંતરમાંથી એક અવાજ આવતો, ' નંદિની એવા ચમત્કાર થાય ખરા ?'
' નંદિની , શું વિચારે છે ? '
' કંઈ નહીં. '
' નંદિની , તારી સગાઈ થઈ ગઈ. તને શું એમ લાગે છે કે આશુતોષને ખરેખર કરોડપતિની છોકરી જોઈતી હતી ? '
' મને ખબર નથી. '
' કદાચ તને એમ હશે કે આશુતોષને કરોડપતિની છોકરી જોઈતી હશે અને એના ચક્કરમાં વસંતભાઈ એ આવું કામ કર્યું અને હવે આશુતોષ દોસ્તની ખુશી માટે તારી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે.'
' મને ખબર નથી. પણ બન્યું તો એવું જ છે ને. '
' નંદિની , હું કરોડપતિની દીકરી છું અને હતી. મારા બાપુની બધી મિલકત મારી છે. અને હું આશુતોષ પાસે ગઈ હતી , લગ્નનો પ્રસ્તાવ લઈ ને. '
નંદિની આશ્ચર્યથી સોનલ સામે જોઈ રહી. સોનલ અતીતમાં જોતી હોય એમ દૂર જોઈ બોલતી રહી...
' પણ એણે શું કહ્યું ખબર છે? '
' ના. '
' એણે કહ્યું હતું હું હદયમાં નંદિનીને બેસાડી ચુક્યો છું. પણ વસંતની દોસ્તીને ધબ્બો લાગે એવું હું ના કરી શકું. પણ કોઈ લગ્ન માટે પ્રેશર ના કરે માટે એણે બહાનું ઉભું કર્યું હતું કે કરોડપતિની છોકરી જોડે જ લગ્ન કરીશ. પણ એ એક બહાનું હતું. જો એની એવી ઈચ્છા હોત તો મને ના ના પાડત. એ ફક્ત તને પ્રેમ કરતો હતો. '
નંદિનીએ આંખો બંધ કરી દીધી. મનમાં વિચારો આવતા હતા. શું મિત્રની બહેનને પ્રેમ કરવમાં આવી વ્યથા ઉપાડવી પડતી હશે ? શું કોઈ છોકરી સાથે પ્રેમ થાય , પછી એનો ભાઈ મિત્ર બને , તો આવી મુંઝવણ થતી હશે ? ખબર નહિ... માનવ મન કેવી વ્યથા ઉપાડતો હશે. એક જ પરિસ્થિતિમાં લાખો હદયો અલગ અલગ રીતે ધડકતા , અલગ અલગ રીતે વિચારતાં , અલગ અલગ વ્યથા અનુભવતા હશે.
મેઈન હાઇવે પરથી નંદિનીના ગામ તરફ જતો રસ્તો આવ્યો. સોનલે ગાડી ધીમી કરી. સાઈડ લાઈટ ઓન કરી અને ગાડી ધીમેથી એ રસ્તે વળાવી. એ રસ્તો સાંકડો હતો. ટ્રાફીક ખાસ ન હતો. સોનલે જોયું એક ગાડી ઘણી દૂર પાછળ આવતી હતી. કોઈ ઓવરટેક કરે એમ ન હતું. સોનલે એની નજર આગળ કેન્દ્રિત કરી.
આગળ રસ્તો સુમસાન હતો. અચાનક પાછળની ગાડી ઝડપથી ઓવરટેક કરી આગળ આવી. અને સોનલની ગાડીની આગળ આવી એણે સ્પીડ ઓછી કરી. સોનલે પણ સ્પીડ ઓછી કરવી પડી. આગળની ગાડી બ્રેક મારી ઉભી થઇ ગઇ. સોનલે પણ ગાડીને બ્રેક મારી. બન્ને ગાડી ઉભી રહી ગઈ. સોનલે મીરરમાં જોયું. એક બીજી ગાડી એની ગાડીની બિલકુલ પાછળ આવી ઉભી થઇ ગઇ હતી......
( ક્રમશ : )
13 જુલાઈ 2020