Prem Kshitij - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૨

"સરલાવહુ...આરામ થઈ ગયો?"- સામેથી આવતી સરલાકાકી અને શ્યામાને જોઈને દાદાએ પૂછ્યું.
"જી દાદાજી, સારું છે એટલે આવી!" સરલાએ એના રણકાદાર અવાજ સાથે કહ્યું.
"ભલે,જોઈ લેજો તમારા ભાણિયાને બધા બરાબર જમાડે તો છે ને?"- દાદાએ સરલાને શ્રેણિક સાથેનું સગપણ કહેતાં કહ્યું.
"હા...તમે હોવ તો મારે ક્યાં જોવાનું આવે? તમારી મહેમાનનવાજી અવ્વલ જ હોય!"- સરલાએ પાણી ચડાવતા કહ્યું.
"મહેમાન તો આપણો દેવ કે'વાય!"- દાદાએ એમની મૂછોને તાવ દેતાં કહ્યું.
"હા તો મહેમાનને તકલીફ નો પડે એનું ધ્યાન પણ રાખવું પડે ને!" સરલાએ શ્રેણિક સામે જોતા કહ્યું.
"એમાં શેની તકલીફ? આપણે ક્યાં એમની જોડે ભારા ઉપડવ્યા સે? હાસુ કીધું ને નયન?"- દાદાએ અમસ્તા નયનને પૂછી લીધું.
"ના...દાદા મને તો બહુ મજા આવી!"- નયને ખમણને ચટણીમાં ડબોળતા કહ્યું.
"પણ મારો ભાણિયો શું કે છે?"- એમણે શ્રેણિક સામે જોઇને પૂછ્યું.
"બસ માસી...બહુ સરસ રહી મહેમાનગતિ હવે મારાથી વધારે નહિ જમાય!"- શ્રેણિકે પૂરેપૂરી અકળામણ સાથે કહ્યું, ને બધા ખળખળાટ હસી પડ્યા.
"તોય બધાં ખવડાવ્યે જ રાખે છે ને?'- એમણે એના મનની વાતને સવાલ રૂપે બહાર નીકાળી., શ્રેણિક બીજું કંઈ બોલી ના શક્યો પરંતુ માથું હલાવીને હા ભરી, સરલાકાકીએ એના હાથ ધોવડવ્યા અને એણે પાટલેથી ઊભો કર્યો, ને શ્યામાને સોડા બનાવી લાવવા કહ્યું.
"વધારે જમાઈ ગયું હોય તો કશો વાંધો નહિ, સોડા પિશ એટલે પેટ હળવું થઈ જાશે!"- સાંત્વના આપતા તેઓ એને પરસાળમાં લઈ આવ્યા.
"થેંક્યું માસી! તમે આવ્યા તો હું ઊભો થઈ શક્યો બાકી આજે તો મારું પેટ ફૂટી જ જવાનું હતું!"- શ્રેણિકે સરલાકાકીનો આભાર માનતા કહ્યું.
"થેંક્યું મને નહિ શ્યામાને કહેજે, એ તો વેળાસર એને મને કહ્યું અને હું આવી ગઈ!"- સરલાકાકીએ એને સાચું કહેતાં કહ્યું, આ સાંભળીને શ્રેણિકના મનમાં શ્યામા માટે એક અલગ જગ્યા ઉભરી આવી, એણે જે રીતે એની ભાવના સમજી લીધી એ ઉપરથી શ્રેણિક એના પર ફિદા થઈ ગયો.
આ બધી મથામણમાં શ્રેણિકને બસ એની જોડે વાત કરવાની ઈચ્છા હતી પરંતુ હવે કોઈ કાળે વાત થશે કે કેમ એની ચિંતા હતી, તોય એને સરલાકાકીનો ફોન નંબર લઇ લીધો, કોઈ વાત પૂછવી હોય કે શ્યામા વિશે વાત કરવી હોય તો તો ત્યાંથી પાક્કો રિસ્પોન્સ મળશે હવે એની ખબર હતી, જમ્યા બાદ થોડા વખત બધા વડીલો જોડે ઔપચારિક વાતો બાદ તેઓ પાછા અમદાવાદ તરફ જવા રવાના થયા, આખા રસ્તે શ્રેણિકને માત્ર શ્યામા જ નજરે આવતી હતી, શ્યામાની કામણગારી આંખો, એના વિચારો, સપના અને સપના સાથે એના અરમાનો જાણે બધી શ્રેણિકને પોતાનું લાગવા માંડ્યું, શ્યામાએ વિચારવા માટે ભલે બે દિવસ માંગ્યા હોય પરંતુ એનો હા જ છે એવો એને વિશ્વાસ હતો, એની આંખોમાં એના પ્રત્યે જે લાગણી હતી એ શ્રેણિકને વંચાઈ ગઈ હતી.
રસ્તામાં ઉડતી ધૂળની ડમરીઓ ઓછી થઈ, શહેર તરફ આવતી પાકી સડકો દેખાઈ રહી, ગામડાના લોકોની મીઠાશ શ્રેણિકને ગમી ગઈ હતી, ત્યાંની મીઠી બોલી અને મીઠા ભાવો હવે જાણે શ્રેણિકને પોતાના લાગવા માંડ્યાં, કોણ જાણે શું આકર્ષણ હતું કે જે એને અમરાપરને એના મનમાંથી હટવા જ નહોતું દેતું.
"યાર...આજે તો જામો પડી ગયો હો!"- નયને શુદ્ધ દેસી ભાષામાં શ્રેણિકને કહ્યું.
"શું?"- શ્રેણિકને સમજ ના પડી કે પછી એના મનમાં શ્યામાના વિચારોમાં કારણે તે અશુદ્ધ અવસ્થામાંથી બહાર આવ્યો હોય એમ ઝબકી ગયો.
"મતલબ બહુ જ મજા આવી ગઈ!"- નયને એની સામે જોતા કહ્યું.
"હા તને તો મજા જ આવે ને...તને તો સારું સારું ખાવા જે મળ્યું, ભુક્ખડ!"- શ્રેણિકે વધારે ખાઈ લીધું હોવાથી ખાવાના નામથી એને સૂગ ચડતી હતી.
"તો તારે પણ ખવાય ને, મે તો ને દિવસનું ભેગુ ખાઈ લીધું!"- નયને હસતાં હસતાં કહ્યું.
"તો ખીસામાં મૂકીને લઈને પણ આવવુ હતું ને?"- શ્રેણિકે ટોન્ટ મારતા કહ્યું.
"એ ક્યાં કહેવાની જરૂર છે, જો પેલી ઠેલીમાં મસ્ત ઠેપલા છે, ગૌરી આંટીએ મને છાનામાના બાંધી આપ્યા છે."
"એમણે બાંધી આપ્યા છે કે તે સામેથી માંગ્યા છે?"
"હોતું હશે? એમણે સામેથી જ આપ્યા છે, જોડે સુખડી અને અથાણું પણ છે!"
"તું નહિ સુધરે ભૂક્ખડ!"શ્રેણિકે એને ભુક્ખદનું નવું બિરુદ આપ્યું, તોય એ જડિયાને કઈ ફરક ના પડ્યો, દોસ્તી સાથે ખાવાનું પણ સારું મળે એટલે!

ક્રમશ: