Prem Kshitij - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૫

મહેમાનોની સારી રીતે મહેમાનગતિ થઈ, હવે બધું ઠામઠેકાણે કરવા ઘરની વહુઓ લાગી ગઈ હતી, અમરાપરની બપોર સુધીની ધમાલ બાદ સાંજે બધું સરખું કરતી સ્ત્રીઓમાં થોડો થાક વર્તાયો હતો છતાંય જોશ અકબંધ હતો, આવેલા મહેમાનને વાગોળતા તેઓ વાતોના વડા કરી રહ્યા હતા, "આજે તો મજા પડી ગઈ હો!"- મહેશ્વરી બોલી.
"મજા તો પડે જ ને...છેક વિદેશથી મહેમાન આવ્યા તે તી!"- રમીલા બોલી ઉઠી.
"હું સુ કઉ સુ...આ શ્રેણિકકુમાર સારા લાગે છે નઈ?"- મહેશ્વરીએ ધીમા આવજે રમિલાને કહ્યું.
"ઇ તો હારા જ હોય ને! વિદેશથી આવ્યા તે..."- રમિલા એ મોટેથી કહ્યું ને એ તો જાણે વિદેશથી જ મોહી પડી, બાજુમાં બેઠેલી બીજી સ્ત્રીઓનું ધ્યાન પણ એની તરફ વળ્યું.
"ઇમ નથ કે'તી હું... સ્વભાવ હારો સે! લાગતું નતું કે એ વિલાયતી સે!"- મહેશ્વરીએ વખાણ કરતા કહ્યું.
"એ તો એના દાદા બળવંતબાપુજીનું લોહી સે... કાય જ્યા ત્યાં થોડી સે!"- સરલાએ પાણી ચડાવતા કહ્યું.
"જો એમની હા આવે તો આપણી શ્યામાનું ભાગ્ય ખુલી જાય હો!"- ગૌરીએ એની દીકરી માટે આશા લગાવી.
"સાચી વાત હો! આપણી શ્યામાનો વાન એને ગમશે?"- મહેશ્વરીને એક નકારાત્મક ભાવ સુર્યો.
"હાલ્ય ગાંડી....એવું નો હોય...શ્યામા ગૌવર્ણી ભલે હોય પણ ઘાટીલી એટલી જ છે....અને ગુણ જોવાના હોય રૂપ થોડી જોવાનું હોય?"- રમિલાએ એની દેરાણીને મીઠો ઠપકો આપતાં કહ્યું.
"એ તો આપણે કહીએ છીએ ને...પણ શ્રેણિકકુમાર શું વિચારે એની આપણને શું ખબર?"- મહેશ્વરીએ ક્યાસ લગાવ્યો.
"સરલાભાભી, તમે ક્યો ને શું જવાબ આવશે?"- રમીલાએ સરલાની સામે જોતા કહ્યું.
"મને શું ખબર....પણ એટલી ખબર છે કે બન્નેની જોડીનો જવાબ નથી ..રામ સીતા લાગશે જો સગપણ થાય તો!"- સરલાએ ઓવારણાં લેતા કહ્યું.
"તોય તમારો ભાણિયો તો તમને ખબર હોય ને?"' મહેશ્વરીએ પૂછ્યું.
"બેની...હું પ્રતિમાબેનને ઓળખું... શ્રેણીકનો તો જનમ જ ત્યાં થયો છે તો મને ખબર ન હોય ને! પણ પ્રતિમાબેનનો સ્વભાવ લાખોમાં એક છે હો!"- સરલાએ એની બહેનના વખાણ કરતા કહ્યું.
"તો આપણી શ્યામા એ ઘરમાં જાય તો વાંધો નાં આવે ને?"- ગૌરીએ એક માં તરીકે એની ચિંતા વ્યક્ત કરી.
"ના ભાભી...જરાય નહિ.... શ્યામા તો રાજ કરશે રાજ!"- સરલાએ હસતાં હસતાં કહ્યું, સરલાનો જવાબ સાંભળીને ગૌરીને શાતા વળી, એને મન શ્યામા માટે નવા સપનાં ઉભરાવા માંડ્યા.
"ઠાકોરજી સૌ સારા વાના કરશે હો!"- રમીલાએ કહેતાં વાસણનો ટોપલો માથે લીધો એને રસોડે જવા માંડ્યું.
દેરાણા જેઠાણા આવી રીતે હળીમળીને ઘરનો પ્રસંગ કરે એવું એમનાં ઘરની શાન હતી, ચારેય સગી બહેનોની માફક રહે, કોઈ મતભેદ વગર, કોઈની કોઈ ભૂલ હોય તો સીધા મોઢે કહીને સામે જ નિદાન કરી લેવાની એમનામાં પ્રથા, પાછળથી કોઈ ચુગલી કરવામાં એકેય માને નહિ, એમનાં ઘરમાં ગૌરીબેન સૌથી મોટા હતાં,એમનો પ્રેમાળ સ્વભાવ અને સમજાવટ કરવાની કામગીરીના કારણે એમને સમજુબાની જેમ માનવામાં આવતાં, સમજુબાએ જે રીતે ઘરને એક કરીને રાખ્યું હતું એવી જ રીતે ગૌરીબેન એમનાં પંથે જઈને બધાને એક રાખતા, માટે બા ના ગયા બાદ સૌ ગૌરીબેનની વાત માનતા, સરલા ચારેય વહુઓમાં સૌથી વધુ ભણેલી હતી અને શહેરમાં ઉછેરના કારણે બજારમાં કામોમાં નિપુણ માટે, બોલવામાં પણ તેજ માટે સૌ એમને માને, ગૌરીબેન બધાને એક કરવામાં માહિર હતા તો સરલા સૌને પોતાના સ્મિત સાથે સંસ્કાર રેડવામાં નિપુણ! રમીલા પોતે ડાહી પરંતુ કોઈ વાત નાદાની કરી બેસે પરંતુ તે એની જેઠનીઓની વાત માની જાય માટે કોઈ ખાગરાટ થતો નહિ, એને ઘરના કામમાં ટપો ઓછો પડે માટે વાડીએ જઈને ત્યાંના મજૂરો જોડે કામો કરાવડાવે, ગામની ડેરીનો હિસાબ હોય કે ભેંસોના ખાણનો હિસાબ એ રમીલાને રાતના સપનામાંય યાદ હોય! મહેશ્વરી સૌથી નાની એટલે સૌ એને નાનીની માફક જ રાખે, એને કોઈ જવાબદારી નહિ, માત્ર બાળકો જોડે રહેવાનું એમની જરૂરિયાતો પ્રમાણે ગૌરીભાભીને મદદ કરવી એ એનું મુખ્ય કામ, મહેશ્વરી આખા ઘરમાં સૌથી નેગેટિવ વિચારધારા ધરાવતી હોવાથી સૌ એને વાતેવાતે હસીને ટોકતા, એની બધી વાતોમાં ગભરાઈને બીજાને બિવડવવામાં એ અવ્વલ! પણ એ ના હોય તો ઘરમાં સૌને હાસ્યરસ ના રેડાય, હવે તો બાળકો પણ એની વાતોને હસી લેતા, જેમ જેમ બાળકો મોટા થતાં ગયા તેમ તેમ મહેશ્વરીની જવાબદારીઓ ઓછી થઈ, બાળકો એમની ધૂનમાં રહેતા માટે મહેશ્વરીને થોડો સમય મળી જતો તે એ દાદાની સેવામાં રહેતી જેનાથી એના સ્વભાવમાં સુધારો આવ્યો, દાદાના સંગે એને સકારાત્મતા તરફ વાળી.
ચારેય જણીઓની આખા દિવસની કામગીરી બાદ રાતે જોડે બેસીને ગોષ્ટી કરવાની આદત એમને એકજૂથ રાખતી, હવે તો શ્યામા એને એની બહેનપણીઓ પણ એમની જોડે બેસતી કોઈ વાર, એમનું આ નાનકડું સંગઠન અમરાપરની સ્ત્રીઓનું ધ્યાન રાખતું, કોઈ મુશ્કેલી હોય કે કોઈ આપસી ઝગડા હોય શ્યામાના નેતૃત્વ હેઠળ સૌનું નિવારણ આવ્યે છૂટકો નહોતો.

ક્રમશઃ....