Patanni Prabhuta - 19 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 19

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 19

૧૯. જેનું જે થાય તે ખરું

દેવપ્રસાદ ઊઠ્યો ત્યારે તેને એક નાના છોકરાના જેવો ઉત્સાહ અને ખુશાલી આવી. જ્યાં સુધી માત્ર ખટપટની વાતો કરવી હતી, જ્યાં સુધી મુંજાલની અસ્પર્શી રાજ્યનીતિ તેની આસપાસ વીંટાતી હતી, ત્યાં સુધી તેને રસ્તો ખુલ્લો દેખાતો નહોતો. પણ હવે રણશિંગાનો નાદ શરૂ થયો હતો. સામે મોઢે લઢવાનો પ્રસંગ આવ્યો હતો; એટલે તે દેવપ્રસાદને ઘણું રુચ્યું. તેના હાથમાં હજારગણું જોર આવ્યું; તેનું દુઃખ, તેના પર વર્તેલો જુલમ, એ બધું તે વીસરી ગયો.

તે અંધારામાં ઊઠ્યો; મંડુકેશ્વરના રુદ્રમહાલયમાં તે હતો એટલે પાસે જઈ મહાદેવને બીલ ચઢાવ્યાં, પૂજા કરી અને શસ્ત્ર સજી તૈયાર થયો. સૂર્યોદયને સમયે મુંજાલ જોડે તે વાતચીત કરવા જવાનો હતો અને તેને માટે તૈયારી કરી હતી. હેઠળ ઘોડાઓનો હણહણાટ થવા લાગ્યો. એની સાથે જનાર સામંતો પણ ઘોડેસવાર થઈ હેઠળ ભરાવા લાગ્યા.

દેવપ્રસાદનો ઇરાદો મુંજાલ જોડે સલાહ કરી, બને તો બે લશ્કર ભેગાં કરી પાટણની પાસે પડાવ નાખવાનો હતો. જ્યાં સુધી ચંદ્રાવતીનું લશ્કર સામે પડ્યું હતું, ત્યાં સુધી સલાહશાંતિથી કાંઈ કામ થાય એવું નહોતું; પણ મુંજાલની મદદથી ક્યાં તો ચંદ્રાવતીનું લશ્કર પોતાની સાથે જોડાશે. નહિ તો પાછું વિદાય થશે, એમ તે માનતો હતો. પછી પાટણની પાસે જઈ પડવું એ સહેલ વાત હતી એટલે મીનળદેવી કંટાળી, થાકી, કાંઈ સમાધાન કરશે, અને જરા પણ લોહી રેડાયા વિના તેની ધારેલી મુરાદ બર આવશે. મુંજાલ હવે તેના પક્ષમાં આવ્યો હતો; તેથી તેને એક નિરાંત થઈ હતી; મુંજાલ બધા વિચારો કર્યા કરશે અને એને કાંઈ તસ્દી પડશે નહિ,

મંડલેશ્વર સજ્જ થઈ નીચે ઊતર્યો, બારણા આગળ દશબાર સામંતી રસાલા સાથે તેની વાટ જોતા ઊભા હતા. 'ગંભીરમલ્લજી !' મૂછો પર હાથ દેતાં મંડલેશ્વરે પૂછ્યું : કેમ, પાટણ કૂચ મુકામ ક્યારે કરશું ?* ગંભીરમલ્લ દેવપ્રસાદનો મદદગાર સામંત હતો.

'પ્રભુ ! વલ્લભસેન મેરળથી ઊપડવાની તૈયારી કરે છે. તમે જઈ મુંજાલને મળો, એટલે કાલે સવારે કૂચ કરીએ.'

'પણ જોજો, વલ્લભ ચંદ્રાવતીના લશ્કર જોડે વઢી નહિ મરે,' દેવપ્રસાદે કહ્યું.

'નહિ રે. લો આપની ઘોડી આવી; અજવાળું પણ થવા માંડયું. ચાલો, નહિ

'તો મોડા પડીશું.' દેવપ્રસાદની ઘોડી આગળ આવી, ને માલિકને જોઈ હણહણી. તે સફેદ રંગની અને રૂપવતી હતી.

'કેમ બેટા રૂપલી !' કહી હર્ષના આવેશમાં દેવપ્રસાદે પાસે જઈ ઘોડીને થાબડી. લાડથી નિમકહલાલ પ્રાણી જરા નાચ્યું. દેવપ્રસાદે તેની યાળમાં આંગળાં ઘાંલી સેરવ્યાં; ચઢવાને માટે તેણે ઘોડીની ડોક ઉપર હાથ મૂક્યો.

પરોઢિયાના આભાસમાં સામેથી પાંચસાત સવારો મશાલો સાથે આવતા દેખાયા. તેમની સાથે એક પાલખી હતી. સામંતોના ઘોડા હણહણી ઊઠ્યા. દેવપ્રસાદ અજાયબીથી ઘોડી પાસેથી ખસી ગયો. સામે આવનારમાંનો એક સવાર આગળ આવ્યો. દેવપ્રસાદ જરા આગળ ગયો.

'કોણ છો ? કોણ, વસ્તુચંદ ! કેમ ?' જરા સખ્તાઈથી મંડલેશ્વરે પૂછ્યું : ‘શું છે”

'પ્રભુ ! મીનળબાએ આશીર્વાદ કહાવ્યા છે.'

'બહુ સારું; પછી ?' અધીરાઈથી દેવપ્રસાદે પૂછ્યું.

'સાથે આ ઉપહાર મોકલાવ્યો છે.'

'શું ?’ દેવપ્રસાદ પાલખી સામે જોઈ રહ્યો. શી મશ્કરી મીનળે કરી છે, તે જોવા તે આતુર થયો. પાલખી આગળ આવી. ઇન્તેજાર સામંતોનો વ્યૂહ આસપાસ ગોઠવાઈ ગયો. મશાલચીઓ પાસે આવ્યા. એક શાંત, ભયંકર પળ ગઈ – પાલખીનો પડદો વસ્તુચંદે ખસેડ્યો. તેમાંથી હંસા નીકળીને ઊભી રહી. દેવપ્રસાદે તેને જોઈ; આટલા શૂરવીરોના વિકરાળ મોઢા આગળ કરમાયેલી રમણીનું વણભૂલેલું મુખ જોયું, તેના આખા શરીરે ધ્રુજારી આવી; તેનું માથું ફરવા માંડવું; ભાવના પ્રાબલ્યથી તેણે ઓખો મીંચી, અને પોતાનો હાથ છાતીએ દાબ્યો.

ફરી તેખે ઊંચું જોયું; થોડાંક ડગલાં દૂર તેની પ્રિયતમા ઊભી હતી. પંદર વર્ષે તેને જોઈ; તે ગળામાંથી એક શબ્દ પણ કહાડી શક્યો નહિ.

હંસા પંદર વર્ષની મુગ્ધા હોય તેમ પગના નખ સામે જોઈ રહી; અંગ થરથર ધ્રૂજતું હતું, તેની આંખોમાંથી આસુની ધારા વહેતી હતી. આસપાસ ઊભેલું મંડળ દિગ્મૂઢ બની જોયા કરતું હતું. આખરે મંડલેશ્વર બોલી શક્યો, ‘કોણ, હંસા ?'

હંસાએ ઊંચું જોયું. તેની મોટી આંખમાં અકલ્પ્ય પ્રેમનું તેજ સ્ફૂર્યું. તે બોલવા ગઈ. અચાનક હાથ ઊંચા થઈ ગયા; તેનું ભાન જતું રહ્યું, તે પડી. મંડલેશ્વર દોડ્યો, અને તેને ઊંચકી લીધી; પોતાના ભૂખ્યા હાથમાં તેને દાબી; ઓટલા પર ઊભેલા પૂજારીને તેણે બોલાવ્યો : 'મહારાજ ! જાઓ તમારાં પત્નીને બોલાવો. જલદી દોડો !' કહી તે હંસાને ઊંચકી અંદર ગયો. રુદ્રમહાલયમાં ધમાચકડી થઈ રહી. 'શું છે ? કોણ છે ?' તેનો કોઈ વિચાર કર્યો નહિ, પણ બધાં દોડવા મંડી ગયાં. દેવપ્રસાદે બૂમેબૂમ મારવા માંડી; અને બને તેટલાં માણસ હંસાને ભાનમાં લાવવામાં ગૂંથાયાં.

સૂર્યનારાયણનાં ઊગતાં કિરણો આકાશમાં આવ્યાં; ગંભીરમલ્લ ઉપર આવ્યો, અને મંડલેશ્વરને બોલાવ્યા. 'મહારાજ ! વખત ચાલ્યો જાય છે.'

'શાનો?’

'કેમ ? મુંજાલ વાટ જોતા હશે. સૂર્યોદય થયો.'

'થવા દે, કેમ કરશું ?' કચવઈ મંડલેશ્વરે કહ્યું, તેનો જીવ બેભાન હંસામાં હતો.

'પણ મહારાજ ! આપ અને મુંજાલ મંત્રી મળો, તેના પર તો આપણા બધાનું ભાવિ ટકી રહ્યું છે. હંસાબા હમણાં ભાનમાં આવશે; તમે ચાલો.'

દેવપ્રસાદે ગુસ્સામાં પગ ઠોક્યો. ‘આપણા બધાનું ભાવિ ભલે ફૂટે ! ગંભીર ! તમારાં રાજ ને પાટ મારે નથી જોઈતાં; મારી હંસા બસ છે. જાઓ જેને જ્યાં જવું હોય ત્યાં.'

'બાપુ ! અધીરાઈ શા કામની ? મુંજાલ મંત્રીને કહી આવું, કે તે અહીંયાં આવે ?'

'ભલે તેને આવવું હોય તો ઘર તેનું છે.' કહી દેવપ્રસાદ તેને છોડી ચાલ્યો ગયો.

ગંભીરમલ્લે જોયું, કે બાજી બગડી ગઈ. અહીંથી હવે મંડલેશ્વર ખસવાનો નહિ; હેઠળ ઊભેલા સામંતો ખીજવાઈ જવાના, અને મેરળનું લશ્કર નાયક વિના નિર્વીર્ય થઈ રહેવાનું. દિલગીર થઈ તે નીચે ઊતર્યો. હેઠળ ઊભેલા સામંતોને તેણે કહ્યું, કે 'દેવપ્રસાદે મુંજાલને બોલાવી લાવવા કહ્યું છે.' ગંભીરે ધાર્યું હતું તેમ જ થયું – બધા નિરાશ થઈ ગયા.

આટલું બધાં માણસ હંસાની સારવાર કરે, તે મંડલેશ્વરને નહિ રુચ્યું, તેણે બધાને વિદાય કર્યા, આગલા ઓરડાને બારણે આગળો વાસ્યો; તે હંસા જોડે એકલો રહ્યો અને તેનો ઉપચાર કરવા લાગ્યો.

ધીમે ધીમે હૈરા ભાનમાં આવી; તેણે આંખો ઉઘાડી, અપરિચિત ઓરડામાં તે સૂતી હતી; અપરિચિત માથું ખાટલાની પાંગતે મૂકી એક પુરુષ ભોંય પર બેઠો હતો ! તેને બધું યાદ આવ્યું. અપરિચિત માથાની રેખાએ રેખા હ્રદયનાં જૂનાં પડોમાં કોતરાયેલી જડી. તે મંદ અવાજે બોલી : 'નાથ !'

મંડલેશ્વર કૂદીને પાસે આવ્યો. હંસાને વળગી પડ્યો, ચુંબનોથી હેરાને ગૂંગળાવી નાંખી. ‘હંસા ! મારી હંસા ! વહાલી !' સુખથી પળ વાર બધું ભૂલી જઈ, નબળાઈની નિરાધારીમાં હંસાએ મંડલેારના સિંહના જેવા માથા પર હાથ ફેરવ્યો. એક ઘડી સુધી પ્રેમની તરસ છિપાવતાં બેમાંથી કોઈએ બીજી વાતો કીધી નહિ પછી દેવપ્રસાદને યાદ આવ્યું : 'તને મીનળકાકીએ મોકલી ? ખરેખર, શી ભલાઈ ? આખરે કાકી એટલાં પણ સારો નીકળ્યાં !'

'મહારાજ ! એ તો બોલશો જ નહિ, કોણ જાણે કર્યો પ્રપંચ ઘડવા એણે મને અહીંયાં મોકલી છે,' હંસાએ જવાબ વાળ્યો.

‘કેમ, પ્રપંચ શો ?'

'નાથ ! અત્યારે તમે શું કરતા હતા ? મારા ભોળા રાજા ! હજુ પણ તમે તેવા ને તેવા જ રહ્યા' કહી હંસાએ મંડલેશ્વરના ગાલ પર હાથ ફેરવ્યો.

'હું? હું તો તારા ભાઈને મળવા નીકળતો હતો.'

'હાય હાય !'

'કેમ ?'

'જરૂર કાંઈ કાવતરું એણે રચ્યું હશે. મને એણે કહ્યું હતું, કે ભાઈ તો તેનાથી રિસાયો છે. હવે મને સમજ પડી; તમે બે ન મળો માટે જ મને મોકલી. હવે મીનળદેવીનું ચઢી વાગશે.’

દેવપ્રસાદને કાંઈક સમજ પડી. 'શું કરશે ? બહુ બહુ તો બે દિવસ મોડું થશે.બીજું શું ? મેં ગંભીરમલ્લને મોકલ્યો છે. તે હમણાં મુંજાલને લઈને આવશે. તું તો ડરતી ને ડરતી જ રહી !'

‘શું કરું ? તમારી છાયા અહોનિશ હોત તો હિંમત રાખત; પણ એટલું જોજો; મારે લીધે તમારી ટેક ખોશો નહિ; મારી પાછળ કાંઈ જતું કરશો નહિ.'

'ગાંડી થઈ છે; હવે તને જવા દઉં ? હંસા ! ટૂંકી જિંદગીમાં બહુ વખત જુદાં રહ્યાં. જેનું જે થવાનું હોય તે થાય, હું અને તું જીવશું સાથે, નહિ તો મરીશું પણ સાથે. દેવપ્રસાદે હંસાનો હાથ દાબતાં કહ્યું.

'પણ આપણો છોકરો, આપણું દેહસ્થલી – મને તો કાંઈ ખબર નથી. મારે લીધે કાંઈ થાય નહિ, પેલી રાક્ષસીનો મને બહુ ડર છે.

'હા ! ગભરાય છે શું ! બધાને પહોંચી વળીશું : આપણો ત્રિભુવન પણ : સિંહનું બચ્ચું છે.'

મેં જાતે એને લડતાં જોયો, નાથ ! તમારી છબીએ છબી છે.'

'ક્યાં જોયો ? ખુશીમાં છે.'

હંસાએ ત્રિભુવન ઘાયલ થયો, તેની વાત માંડીને કહી.

'હરકત નહિ; છો એની મેળે નિરાંતે ત્યાં રહેતો. એ છોકરી કોણ હશે ? મને લાગતું હતું ખરું, કે એ ભાઈ પાટણ આખો દહાડો છાનામાના જાય છે, તે કાંઈક કા૨ણ હશે. હોય ! બાપ ક્યાં સારા હતા ?' કહી દેવપ્રસાદ હસ્યો.

'તમને યાદ છે, આપણે પહેલાં ભીમનાથ મહાદેવમાં મળ્યાં હતાં ?'

'કેમ નહિ !' કહી નીચા વળી તેણે હંસાને ચુંબન કર્યું. હા ! તારા છોકરાને ઘેર પણ છોકરાં જોવાનો વારો આવશે.' 'જિનપ્રભુની જેવી મરજી ! પણ આમ ને આમ પડી રહેશો તો કોઈક ઊંધુ વળશે.'

'વહાલી ! જેનું જેમ થવાનું હોય, તેમ થવા દે.'

'તે કેમ ચાલશે ?”

'ચાલશે જ. પાટણનું, ગુજરાતનું, મારી ટેકનું થાય તે ખરું. હું કહી રહી પંદર વર્ષ તારે માટે તલસી રહ્યો હતો; હવે મને કોઈની પરવા નથી.'

'નાથ ! આવા બોલો તમને છાજે ? દુનિયા શું કહેશે ?'

‘હંસા ! એ વાત જવા દે. દુનિયાની મને શી દરકાર છે ? તારો ખોળો, તે જ મારી દુનિયા.' કહી દેવપ્રસાદે હંસાના ખોળામાં માથું મૂક્યું.

સુખના સાગરમાં ડૂબતાં હંસાએ હ્રદયની ભયંકર ચેતવણી અળગી કરી. તેણે અશ્રુસહિત મંડલેશ્વર સામે જોયું. તેની સુંદર આંખોમાં આટલાં વર્ષો થયાં દબાયેલો પ્રેમ દેખાતો હતો. બંને બાલપ્રણયીના કોડથી એકમેકને વળગ્યાં.

કઠોર સૂર્યનારાયણ આગળ વધ્યો; સૃષ્ટિકરની નિયમિતતા ભયંકર રીતે ચાલી રહી; પ્રણયીઓ એકબીજાની બાથમાં પડી રહ્યાં.

રાત પડી. ચંદ્ર ધીમે ધીમે વ્યોમમાં આવ્યો, બે ગોડી પ્રણયીઓને જોઈ જરા હસ્યો; તેણે પોતાની અમૃતમી જ્યોત્સનામાં જ્વાલા પ્રેરી તેમને વધારે ગાંડાં કર્યાં

'નાથ ! આખો દહાડો ગયો, પણ ભાઈ નહિ આવ્યો, લશ્કરનું શું થશે?'

હંસાએ પૂછ્યું.

'જેનું જે થાય તે ખરું. વહાલી ! આપણો પ્રેમ અમર રહો !'

જુલમગાર ચંદ્ર સૃષ્ટિ પર પોતાના સામ્રાજ્યની અચળતા જોઇ ફરી હસ્યો.,