Patanni Prabhuta - 20 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 20

Featured Books
Share

પાટણની પ્રભુતા - ભાગ 20

૨૦. સત્તાનો નશો

જતિની બાહોશી હવે પૂર્ણ કળાએ પ્રકટવા માંડી. ચંદ્રાવતીની નવી ફોજની કેટલીક ટુકડીઓ ઠેકાણે ઠેકાણે મળતી ગઈ; અને રાણીને લાગ્યું, કે હવે તે ખરેખરી સત્તાવાન થઈ. અવારનવાર આનંદસૂરિ, તેણે શી શી ગોઠવણો કરી છે, તે તેને કહેતો. મધુપુરના લશ્કરને થોડીઘણી ખબર પહોંચાડી હતી; નવી ફોજનો થોડોઘણો ભાગ થોડેક દૂર આવીને પડ્યો હતો; અને મુંજાલ પર પણ ચોકી રાખી હતી, માણસો થોડી થોડી વારે તેની ખબર કહી જતા.

બ્રાહ્મમુહૂર્ત જતાં પહેલી ટુકડી મળી તેણે તેને બધી ખબર આપી. લશ્કર બધું જતિની વાટ જોતું હતું, અને જેઓ મુંજાલના પક્ષમાં હતા તેઓ પર શબ્દ, પણ છાનો જાપ્તો રાખવામાં આવ્યો હતો. પણ રાણીની આતુરતા મુંજાલની હિલચાલ જાણવાની હતી. એટલામાં ખબર આવી, કે પરોઢિયું થતાં મુંજાલ થોડાક માણસો લઈ વાઘેશ્વરી માતાના મંદિર તરફ જવાનો હતો; ત્યાં જરૂર તે દેવપ્રસાદને મળશે, એમ લાગ્યું. રાણીનું હ્રદય ઘવાયું; તેનો મુંજાલ આમ વીફરે ? આટલાં વર્ષ તેની ગુલામગીરી વેઠી, છતાં છેલ્લી વારે એ દુશ્મનને જઈ મળ્યો ?' પોતે કરેલો અન્યાય મીનળદેવી ભૂલી ગઈ.

'શું કરવું ? આ નાની ટુકડી લઈ, વાઘેશ્વરીને રસ્તે મધુપુર જવું અને બને તો રસ્તામાં મુંજાલને અટકાવવો ? મુંજાલ કેવો દેખાતો હશે ? આમ પકડાશે તો શું કરશે ?' રાણીને પાછો સત્તાનો ગર્વ આવ્યો. તેને પકડી તાબે કર્યું; તેને પણ દેખાડું, કે મીનળદેવી એકલે હાથે સત્તા મેળવી શકે છે.

'જતિજી ! વાઘેશ્વરી માતાને રસ્તે મધુપુર જઈએ તો કેમ?'

'બા ! એ રસ્તે વાર ઘણી લાગશે.'

'હરકત નહિ.’

જતિ સમજ્યો; ધર્મના વિગ્રહમાં માણસો પોતાની ખાનગી ઇચ્છાઓ કેમ લાવે છે, તે જોઈ તેને તિરસ્કાર ઊપજ્યો. તેણે જોયું, કે આ બાબતમાં રાણીની સાથે વાદવિવાદ ચાલે એમ નહોતું. તેણે કબૂલ કર્યું અને ઉમેર્યું, 'પણ હવે જયદેવકુમારને પાલખીમાંથી કાઢી ઘોડા પર બેસાડવા જોઈએ. ત્યાર વગર લોકોને ઝનૂન નહિ આવે.'

'બરોબર છે.' કહી રાણીએ જયદેવને ઉઠાડચો અને ઘોડા પર બેસાડચો. જયદેવને લશ્કર સાથે જવું ઘણું ગમતું. એટલે તે પણ ખુશીથી આગળ થયો. અને ડંકાનિશાનની શોભા સાથે તેઓ આગળ ચાલ્યા.

અરુણોદય થયો, જરાજરા અજવાળું થવા માંડયું અને મધુપુર છેક પાસે આવી લાગ્યું. એટલામાં દૂરથી દોડતા ઘોડાઓનો અવાજ સંભળાયો; રાન્નીનું હૃદય ધબકી ઊઠ્યું; તે હોઠ દાબી પાલખીમાં બેસી રહી, થોડી વારે જતિને બોલાવ્યો.

'જતિ! આ ઘોડા કોના સંભળાય છે ?'

'મુંજાલમંત્રી મંડલેશ્વરને મળવા જતા હશે. શું કરીશું ?'

'અહીંયાં અટકાવવો, બીજું શું ?' રાણીએ કહ્યું.

'વારુ.'

'પણ જોજો, જરા સત્તાવાહી અવાજે રાણીએ કહ્યું : મુંજાલનો વાળ વાંકો નહિ થાય.'

'ફિકર નહિ,'

અદૃષ્ટ તિરસ્કારભર્યા અવાજે જતિએ કહ્યું.

સામે આવતા ઘોડેસવાર જરાજરા દેખાવા માંડ્યા. તેઓની ઝડપથી ચોમેર ધૂળના ગોટા ઊડતા હતા. ઊગતા અજવાળામાં ઝાંખી પડતી મશાલોનો પ્રકાશ, ધૂળના ગોટામાંથી દેખાતો હતો. તે પ્રકાશ પાસે આવ્યો. રાણીએ સહુથી આગળ સફેદ ઘોડા પર બેઠેલા ચળકતા બખ્તરમાં સુશોભિત મુંજાલને જોયો; અને ધ્રૂજી ઊઠી. આ એનો વિજ્યી મુંજાલ આજે સામો.’

'જતિએ પોતાના માણસો આખા રસ્તા પર પહોળા પાથરી દીધા હતા. મુંજાલે તે જોઈ ઘોડો રોક્યો અને સખ્ત અવાજે પૂછ્યું : 'માર્ગ આપો. રસ્તો રોકીને કેમ પડ્યા છો ?'

'અહીંયાંથી કોઈ પણ જઈ શકે એમ નથી.' એક નાયકે જવાબ આપ્યો. મુંજાલે એક તીક્ષ્ણ નજરે પોતાની અને સામેની શક્તિ માપી. પોતાની પાસે વીસેક માણસ હતા, અને સામે પચાસ-સાઠ હતા. તેણે તિરસ્કારથી નાયક સામું જોયું; કેમ નહિ જઈ શકે ? તું કોણ છે ?'

'હું ચંદ્રાવતીનો નાયક છું.'

'તું મને ઓળખે છે.'

'ના.'

'હું ચંદ્રાવતીના લશ્કરનો અધિપતિ છે. ચાલ, રસ્તો આપ’

નાયક હસ્યો, અને હાથમની નાગી તરવાર હલાવી. મુંજાલની આંખમાંથી અગ્નિ નીકળ્યો. તેણે હાથમાં રાખેલો ભાલો ઊંચકી વીજળીની ત્વરાથી નાયકનું હૃદય ભેદ્યું, પાછળ ફરી પોતાના સૈનિકો સામે જોયું અને ઊંચે સ્તરે બૂમ મારી : 'જય સોમનાથ.'

જવાબમાં તેના સૈનિકોએ હાથમાં ભાલા લીધા અને સામેની ટુકડી તરફ ધસવાની તૈયારી કરી. જતિ આ ખેલ જોઈ રહ્યો હતો. તેને અત્યારે ધર્મના ઝનૂને આંધળો કર્યો હતો. તેની નજરે ધર્મના વિજયમાં બે આડખીલી દેખાઈ; મુંજાલ અને દેવપ્રસાદ. તેનું ચાલત તો અત્યારે મુંજાલને એક બાણે પૂરો કરત, પણ તે રાણીને ઓળખી ગયો હતો. તેને ખાતરી હતી, કે જો મુંજાલને કાંઈ પણ થયું તો રાણી અત્યારે બધું છોડી તેના પર ગુસ્સે થશે અને આ બધુ ચૂંથાઈ જશે.' એટલે જેવો મુંજાલ ધસારો કરવાની તૈયારી કરતો હતો ત્યાં જયદેવને સાથે લઈ તે આગળ આવ્યો. 'જયદેવ મહારાજની જય !' જતિએ બૂમ પાડી. સૈનિકોએ તે ઉપાડી લીધી.

મુંજાલે જતિને જોયો, જયદેવને ઓળખ્યો, અને સામેના માણસો કોણ હતા, તેનો કાંઈક સંશય પડ્યો. તરત તેણે ઘોડો રોક્યો અને ભાલાની અણી નીચી નમાવી તેના બધા સૈનિકોએ પણ તે પ્રમાણે કર્યું.

જયદેવકુમાર નાનો હતો છતાં વખતસર વેશ ભજવવામાં હોશિયાર હતો. તે તરત આગળ આવ્યો અને બોલ્યો : ‘કોણ, મુંજાલ ? મારી સામે લડવા આવે છે ?'

'કુમાર ! ક્ષમા કરો, મેં ઓળખ્યા નહિ. આપ અહીંયાં ક્યાંથી ? મને ખબર તો કહાવવી હતી ને ?' કહી મુંજાલે વહેમથી રાજપૂત બનેલા જતિ સામું જોયું.

'મંત્રીમહારાજ !' જતિએ જરા મશ્કરીમાં કહ્યું :‘આટલા વહેલા કર્યાં નીકળ્યા ?'

'તેની તારે શી પંચાત ? તિરસ્કારમાં મુંજાલે કહ્યું : ‘તમે તમારાં જપતપ છોડી આ સ્વરૂપ ક્યારથી લીધું ? પણ, મહારાજ ! મને ક્ષમા કરો. આપ આ રસ્તે મધુપુર જાઓ. હું બે ઘડીમાં પાછો આવું છું. મારે ઘણું જ જરૂરનું કામ છે' કહી, જયદેવને નમન કરી મુંજાલે ઘોડાનું મોઢું ફેરવ્યું.

જયદેવ મંત્રીથી ડરતો હતો, છતાં તેને માટે ઘણું માન ધરાવતો; અને શી શી ખટપટો મચી હતી, તેનું એને ઘણું ભાન નહોતું, એટલે શું કરવું તે સૂઝ્યું નહિ. પણ જાતિ કાબેલ હતો

'મંત્રીમહારાજ ! મીનળબા પણ સાથે છે; તેને મળ્યા વગર ક્યાં જશો ? મુંજાલે હોઠ કરડ્યા : 'હું પછી મળીશ. હું આ આવ્યો.'

'ના, ના. બાને મળ તો ખરો, જયદેવે કહ્યું.

'પછી, પછી –'

એટલામાં પાછળથી સૈનિકોની હાર જુદી થઈ, અને મીનળદેવીની પાલખી આગળ આવી મુંજાલ આવ્યો, કાંઈક લડાઈ થઈ, જયદેવ આગળ ગયો, એટલું જોઈ, શું થાય છે તે જોવાની રાણીની ઉત્કંઠા ઘણી વધી. તેણે ઊંચકનારાઓને આગળ જવાનો હુકમ આપ્યો. રાણીને આવતી જોઈ મહામુશ્કેલીએ મુંજાલે ગુસ્સો દબાવ્યો. મુંજાલને યોદ્ધા તરીકે જોઈ રાણીનું હૈયું જરા ભરાયું તરત તેણે તેને કાબૂમાં આણ્યું. તેને જોતાં તેને વિષે ચિંતા દૂર થઈ, અને તેને તાબે કરવાનો જુસ્સો આગળ આવ્યો. તે હસતે મોઢે આવી.

'કોણ ? મુંજાલ મંત્રી ! અત્યારે તમે ક્યાંથી ? આમ આવો. '

મુંજાલ સ્વસ્થતાથી પોતાનો ઘોડો પાલખી પાસે લઈ ગયો. બીજા બધા દૂર, માનભેર ઊભા રહ્યા.

રાણીએ સત્તાદર્શક પણ ધીમે અવાજે કહ્યું: 'મુંજાલ ! તું આખરે આવો નીવડશે એ નહોતું જાણ્યું. અત્યારે ક્યાં જાય છે ? અહીંયાં તું મારું હિત સાચવવા આવ્યો છે કે દુશ્મનાવટ કેળવવા ? તું મુંજાલ ! શું મોઢું લઈ મારી સામે જુવે છે?

મુંજાલ ગંભીર વદને જોઈ રહ્યો. તેને અત્યાર સુધી આશા હતી, કે કોઈ પણ પ્રકારે તે રાણીને સીધે માર્ગે ચઢાવશે, પણ અત્યારે રાણીએ અવિચારમાં એવાં પગલાં લેવા માંડ્યાં હતાં, કે જેનું પરિણામ ભયંકર આવ્યા વિના રહે નહિ. પાટણ એકલું, તેની ગેરહાજરીથી ગુસ્સે થયેલો દેવપ્રસાદ, શોક મૂકી નીકળેલી રાણી તરફ લોકોનો તિરસ્કાર, એ બધા વિચાર તેને આવ્યા. તેને લાગ્યું કે વિનાશકાળ આવ્યો છે, સોલંકીઓની પડતી શરૂ થઈ છે.' આ વિચારથી તે બોલ્યો : 'દેવી ! અત્યારે તમે શું કરો છો, તેનો તમને ખ્યાલ નથી. હજુ પણ મારા પર જરા વિશ્વાસ હોય તો મને અત્યારે જવા દો. હું મધ્યાહ્ન પહેલાં પાછો આવીશ.'

‘ક્યાં ? મારા ભત્રીજાને મળવા ?' રાણીએ પૂછ્યું, મુંજાલ ! તું મારા કુળનું નિકંદન કાઢવા બેઠો છે. કેમ, તારા બનેવીને પાટણની ગાદીએ બેસાડવો હશે?'

'દેવી !' છેક ધીમે ઘાંટે મુંજાલે કહ્યું : પાટણની ગાદી પર ક્યાં તો જયદેવ બેસે કે પાટણ પડીને પાદર થાય, એ સિવાય મારા જીવતાં બીજું થવા નહિ દઉં. પણ તમારી મતિ વિપરીત થઈ છે.'

રાણીએ અભિમાનથી ઊંચું જોયું, તેને આ માણસ પર ઝનૂન આવી. પોતાના ગૌરવને અડગ રાખવા તેણે ગુસ્સો દબાવ્યો હતો; પણ અત્યારે તે તેમ કરી શકી નહિ, તે બધું ભૂલી ગઈ. ફક્ત સત્તાના નશામાં પોતે રાણી છે, એટલું જ યાદ રાખી રહી. તેની આંખમાં ઘાતકીપણું આવ્યું અને બોલી : 'મુંજાલ ! મુંજાલ ! વાણિયાની જાત પર જાય છે કે ? આવી રીતે મારી જોડે વર્તે છે ? આટલા દિવસ વધારે છૂટ આપી તેમાં કે ? તું જાત્રે છે, હું કોણ છું?'

મુંજાલ ભયંકર રીતે હસ્યો. તે સ્વસ્ય અને શાંત હતો. 'તમે ? રાણીમાતા ક્ષમા કરો; મને ભૂલવાની ટેવ નથી. તમે મારા મોઢા આગળ ઊછરેલાં, મારી મહેનતે હોશિયાર થયેલાં, ચંદ્રપુરનાં કુંવરી; મારી યુક્તિથી આણેલાં તે, આને મારી બુદ્ધિથી માનીતાં કરેલ પાટણનાં રાણી અને અત્યારે અત્યારે કહું તો...' નીચા વળી મુંજાલે મીનળદેવીના કાનમાં કહ્યું, ‘...સોલંકીઓના રાજ્યને ભસ્મસાત્ કરવા પેદા થયેલાં જોગમાયા, અને મારે મન નિમકહરામ, અવિશ્વાસી, ભાવહીન અને સ્નેહ વિનાનાં... મુંજાલ છેલ્લો શબ્દ ખાઈ ગયો, હવે કાંઈ કહેવું છે ?'

બે-ત્રણ પળ જાણે માથા પર એક સખત ફટકો પડ્યો હોય, તેમ મીનળદેવી જોઈ રહી. તેનો ગુસ્સો માથું ફાડી નાંખશે કે શું, એમ તેને લાગ્યું. તેને એક વિચાર આવ્યો : 'મુંજાલને કોઈ પણ રીતે દબાવી દેવો.' તેણે આસપાસ જોયું. જાત અને બીજા માણસો હથિયારબંધ ઊભા હતા. મુંજાલ ચેતી ગયો. તેણે કોઈ પણ રીતે આ પીડાઓમાંથી છૂટવું હતું. કારણ કે હવે બાજી કાંઈ એની સુધારી સુધરે એમ નહોતી. તેણે હાથમાંનો ભાલો અને ખભે ભેરવેલું ધનુષ્ય લઈને ભોંય પર ફેંકી દીધાં, અને જયદેવકુમાર તરફ ફર્યો: 'મહારાજ! આ મારાં શસ્ત્ર લો. એનો સદુપયોગ કરશો તો દુનિયામાં અમર થશો માટે હવે એનું કામ નથી. આનંદસૂરિજી ! મને કેદ કરો.'

બધા જોઈ રહ્યા. શું કરવું, તે કોઈને સૂઝવું નહિ.

'હા,' મીનળદેવી બોલી ઊઠી ‘આનંદસૂરિજી ! મુંજાલને પકડો. બધા દ્રોહીઓને પૂરતી શિક્ષા કરીશ.'

જતિ ક્યાંય સુધી ઊભો રહ્યો; પછી આગળ આવ્યો, અને મુંજાલે છોડી દીધેલી ઘોડાની લગામ હાથમાં ઝાલી.

'ચાલો હવે જલદી, મધુપુર તરફ. સૂર્ય કેટલો ચઢ્યો છે !' રાણીએ કહ્યું. ધીમે ધીમે બધા ચાલવા લાગ્યા; થોડી વારે રાણીએ જતિને બોલાવ્યો : 'જતિજી ! આ કામ તો પૂરું થયું; હવે બીજું રહ્યું. તમે થોડા માણસ લઈ મંડુકેશ્વરને રસ્તે રહો. હવે કોઈ રીતે મંડલેશ્વરને ત્યાં જ પૂરી રાખવો જોઈએ ! એટલે વલ્લભસેનને તે કાંઈ કહાવે નહિ ત્યારે તે પણ થાકીને લલચાશે.’

'ઠીક ત્યારે, હું ત્રીસેક માણસો લઈને જાઉં છું.' બને તો બેએક દિવસ સુધી મંડલેશ્વરને બહાર નીકળવા નહિ દેશો એટલામાં હું અહીંયાંથી પાટણ તરફ પ્રયાણ શરૂ કરીશ.'

'વારુ. અમારો સેનાધિપતિ મધુપુરને પાદરે આવીને વાટ જુએ છે. તેને કહેશો એટલે તે બધું કરશે. પડાવ તો વિખરાટ આગળ રાખશો કેની?'

'હા. એ જગ્યાએ લશ્કર હશે, તો તે પાટણની પાસેનું પાસે અને દૂરનું દૂર. એટલામાં વલ્લભસેન જો આવી જાય છે તો નિરાંત. જાઓ ત્યારે જલદી કરો.' કહી રાણી મધુપુર તરફ ચાલી.

જતિ ઝપાટાભેર મંડુકેશ્વર તરફ નીકળ્યો.