Patanni Prabhuta - 22 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 22

૨૨. ઉદાએ વાત કેવી રીતે જાળવી !

ઉંદો બહાર નીકળ્યો, અને થોડું જતાંમાં રસ્તામાં વસ્તુપાલ શેઠ હાથમાં દુકાનની કૂંચી હલાવતા જતા સામા મળ્યા. વસ્તુપાલ શેઠ જૈન મત નહિ સ્વીકારેલા શેઠિયાઓનો આગેવાન હતો.

'કેમ. શેઠજી ! જય ગોપાળ !'

'કોણ ઉદો ?'

'હા, ક્યાં, મોતીચોકે ચાલ્યા ? આજે દુકાન ખોલવી છે ?'

'ભાઈ ! તે કાંઈ છૂટકો છે ? સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીતે,' વસ્તુપાલે જવાબ દીધો.

'પણ, શેઠ ! તમે તો મારા મુરબ્બી છો. ખાનગી રાખો તો એક વાત કહું,' નીચા વળી ઉદાએ કહ્યું.

'શી ?” આજકાલ લોકો એટલા ગભરાયેલા રહેતા હતા, કે વધારે ગભરાટ ક૨વો, એ રમતની વાત હતી.

'કોઈને કહેશો નહિ; નહિ તો મારું માથું જશે. તમે ગમે તેટલા પણ અસલી પટ્ટણી, એટલે તમને લાગે તેટલું કોઈને નહિ, પાટણમાંથી રાજ્યકારભાર ગયો.'

'હેં '– ચમકીને વસ્તુપાલે કહ્યું.

'ધીમે ધીમે બોલો, મારા શેઠ ! અહીંથી રાતે મીનળબા ચંદ્રાવતી ચાલ્યાં ગયાં !' ઉદાએ જવાબ દીધો.

'શું કહો છો ? ત્યારે રાજ્ય કોણ કરશે ?'

'ચંદ્રાવતીના આડતિયા શાન્તુશેઠ છે ને.'

'જાઓ જાઓ; ક્યાંકથી ગપ જ લાવ્યા છો,' ગભરાતાં ગભરાતાં વસ્તુપાલે કહ્યું; 'એવું તે બને ?”

'શેઠ! ખોટું માનવું હોય તો આ રહ્યું મારું પાછું; પણ ડાહ્યા હો તો ઘરેણાંબરેણાં ઠેકાણે કરજો, આ તો દોસ્તાર ઘારીને મેં કહ્યું, ચાલો, જય ગોપાળ '

'જી, ભાઈ. જય ગોપાળ !' કહી ધબકતે હૈયે વસ્તુપાલ શેઠ મોનીચોક ચાલ્યા. તે મોટા વિચારમાં પડી ગયા હતા.

ઉદો ત્યાંથી ઝપાટાભેર ચાવડીએ, ચકલે ગયો, અને એક ગલીમાં જઈ એક નાના ઘરનું કડું ઠોક્યું. થોડી વારે એક જાડો, અડધો નિદ્રાથી અસ્પષ્ટ બનેલો અવાજ આવ્યો : ‘કોણ મૂઓ છે અત્યારે ?

'નાયક ! એ તો હું.'

'હું તે કોણ ? કાલે આવજે.'

'એ તો હું ઉંદો. નાયક ! એક જરૂરની વાત છે. બારણું તો ઉઘાડો. પાછો પૈસા લેવા આવ્યો છે કે, મારવાડિયા !'

'ના, ડુંગર નાયક ! ના. કાંઈ પૈસો મળે એવી વાત છે.

તે સાંભળતાં ડુંગર નાયકે બૂમ મારી: 'કુબ્જા ! ક્યારની સાંભળતી નથી ? કમાડ ઉઘાડ, નહિ તો ચીરી નાખીશ.'

એક સ્ત્રીએ ઝપાટાબંધ બારણાં ઉઘાડ્યાં અને હાથ જોડી બોલી, 'ઉદાભાઈ! કહો તો પગે લાગું, પણ આજે એમને અહીંયાંથી લઈ જાઓ. કાલે રાત્રે પાછી મને મારી મારીને બેવડ કરી નાખી. મને કહે કે ઉધાર ગાંજો લઈ આવ; પણ તે કોણ આપે?'

'ગભરાશો નહિ, ભાભી ! હું હમણાં સીધા કરું છું' કહી ઉોદો ઉપર ચડ્યો. ડુંગરસિંહ પથારીમાં પડ્યા પડ્યા ચલમ તાણતા હતા. તેમની આંખો નશામાં લાલ અને વિકરાળ થઈ ગઈ હતી. તેમનું ભાન અડધું હતું અને અડધું ધુમાડાના ગોટામાં વિહરતું હતું. પોતાના એક પડછંદ ભુજમાં એક મોટો તકિયો લઈને તે પડ્યા હતા.

'નાયક ! આમ પડી શું રહ્યા છો ? તમારા બાપદાદાની આબરૂ પર પાણી ફરવા આવ્યું છે,' ઉદાએ જોયું, કે આના મગજ પર અસર કરવા હથોડાના ઘા સિવાય બીજું કાંઈ ખપમાં આવે એવું નથી.

'જોઈએ જોઈએ, કોની માએ શેર સૂંઠ ખાધી છે !'

'અરે, બેસો બેસો. ચંદ્રાવતીનું દળ તો પાદરે આવીને પડ્યું છે ! અહીંયાં તો રજપૂતનો એક જાયો નથી, કે લડવા તૈયાર થાય !'

‘હેં ?” પથારીમાં એકદમ કૂદીને બેઠા થતાં ડુંગરર્સિંહે બરાડો નાખ્યો; 'શું કહે છે?'

'જરા ધીમે, ધીમે. પણ વખત આવ્યો છે બારીક,' ઉદાએ કૃત્રિમ ગભરાટ દેખાડતાં કહેવા માંડ્યું;

‘મીનળબા ચંદ્રાવતી ચાલ્યાં ગયાં છે. ત્યાંથી માત્ર લશ્કર આવે, કે પાટણના દરવાજા ખુલ્લા. કાંઈ કરવું છે કે સૂઈ રહેશો ?'

'હું મારા જીવતાં – હું-હું બેઠો છું, ને પા-પાટણ જાય ?' નશામાં જીભ બેવડ વળતી અચકાતાં, ડુંગર નાયક બોલ્યા.

'જાય શું ? ગયું. થોડો વખત પાટણના દરવાજા શાંતિચંદ્રના હાથમાં રહ્યા તો જોઈ લો. અમે શ્રાવકો તો બધા મોતીચોકમાં ભેગા મળીએ છીએ.'

'કેમ ?' પોતાનું પહેરણ પહેરતાં નાયકે પૂછ્યું.

'કેમ શું ? અમે ગમે તેવા પણ પટ્ટણીઓ છીએ. પરગામી પાટણમાં પેસે ? એ તો આજે રાજપૂતો બાયલા છે, નહિ તો મગદૂર શું, કે અહીંયાં કોઈ આવે ?'

‘કોણ આવે ? વાત શું કરો છો ? ઓ અલી ! સાંભળે છે કે ? તારો દીકરો ક્યાં મૂઓ ?'

'કેમ ? નીચેથી ડુંગરસિંહની ધર્મપત્નીનો અવાજ આવ્યો.

'તારા દીકરાને કહે તો, કે અખાડે જઈ બધાને કહે, કે ‘ડુંગર નાયક બોલાવે છે !' ચાલ જલદી કર, નહિ તો ધડથી માથું જુદું કરીશ.'

'ભાઈ ! ભાઈ ! હું તો જાઉં છું. મને ઘણું કામ છે.'

'પાટણ પર ચંદ્રાવતી આવે ? રાજપૂત બચ્ચાને સાવકડા સતાવે ? મારો – કાપો. ઓ કુબ્જા ! તારો દીકરો -'

ઉદો ઝપાટાબંધ ઘરમાંથી નીકળી નાઠો. સવાર પડી ગઈ હતી એટલે વખત ઘણો થોડો હતો. તે વિમલશેઠને ચકલે ગયો અને શાંતિચંદ્ર શેઠને ઘેર ગયો. તે મોટાં કુટુંબોમાં ઘણી વખત જતો-આવતો અને બૈરાંઓની અનેક સેવાઓ બજાવી તેમને ખુશ રાખતો. શાંતિચંદ્ર શેઠનાં ધણિયાણી માનકુંવરબા ઉદા પર ખાસ પ્રીતિ રાખતાં, કારણ કે પાંચ દીકરા અને ચાર દીકરીઓના પરિવાર પર રાજ્ય કરવું, તે તેમને ઘણું અઘરું લાગતું, અને ઉદો એ બધા પરિવારને સમજાવી શકે એવો હતો. ઉદો ગયો ત્યારે માનકુંવરબા ઘરની વહુ-દીકરીઓને લઈ શાક સમારવા બેઠાં હતાં.

'કેમ, બા ! કેમ છો ?'

‘કોણ, ઉદો ? અત્યારમાં ક્યાંથી?'

‘કેમ શું ? રાજગઢમાં મોં વાળી આવ્યાં ?'

'હા, આજે તો ઘણાં વહેલાં મોઢાં વાળ્યાં. મીનળબા તો ટૂંટિયું વાળી છેક અંધારામાં બેઠાં હતાં. આટલું વહેલું તે ટાઢના દિવસોમાં કેમ પાલવે ?'

'બા ! જરા આમ તો આવો, એક વાત કહું.'

'શું છે ?' કરી માનકુંવરબા ઊઠ્યાં અને પાસેના ઓરડામાં ગયાં. ઉદો પાછળ પાછળ ગયો.

'બા ! મારા સમ; પણ આ શેઠ કાંઈ સમજે તો તો સારું, નહિ તો પાટણનું નાક જવાનું.'

'કેમ, છે શું ? પાછું કાંઈ ચંદ્રાવતીનું હશે. એમને તો ઘરડે ઘડપણ તેનું ગાંડું લાગ્યું છે,' કહી માનકુંવરબા પાટ પર બેઠાં.

મીનળબા કાલનાં ચંદ્રાવતી ગયાં અને શેઠ અહીંયાં રહ્યા.' ધીમેથી ઉદાએ વાત કહી.

'જા, જા. ગાંડો થયો છે? હમણાં તો હું મોં વાળીને આવી. શોક મૂકીને તે બા જાય "

'પણ, બા ! તમે જ કહ્યું ને, કે બાને તો તમે જોયાં નહિ ? કોઈ બીજું હશે ! મેં મારી જાતે જતાં જોયાં અને પ્રસન્નબાને લઈ ગયાં હતાં, તે પાછાં આવ્યાં છે. એ મારે ઘેર બેઠાં; જઈને પૂછી જુઓ.'

'હાય ! હાય બાપ ! ઓ વિમળી ! વિમળી !" માનકુંવરે બૂમ પાડી.

'કેમ, શું છે ? આટલી ચીસો કેમ પાડો છો ?' લાડમાં ફાટેલી શાન્તુશેઠની નાની છોકરી આવી.

'અરે, તારી બહેનપણી ઉદાને ઘેર એકલી છે, બિચારીને માથે બહુ દુઃખ પડ્યું છે. તું અને લાડીવહુ જાઓ અને લઈ આવો તેને અહીંયાં. ગમે તેટલું પણ મા વગરનું છોકરું ! જા, દોડ દોડ. ઉદા ! હવે શેઠને તે શું કરીએ ?'

'શું કરીએ શું ? આખું ગામ તો કહે છે, કે 'અમે દરવાજા બંધ કરીએ છીએ ને શાન્તુશેઠ ઊઘડાવશે તો મારામારી થશે.' હમણાં ડુંગર નાયક પણ એમ કહેતો હતો. વખતસર શેઠને વારો તો સારું, નહિ તો લોહીની નીકો વહેશે.'

'શું કહે છે ? હાય હાય ! છોકરી ! કોઈ છે કે ? જા, પાલખી બોલાવ. હમણાં રાજગઢ જાઉં છું. મૂઓ ડુંગરીઓ તો ખૂની છે; આખા ગામને તોબા પોકરાવે છે; એ પાછળ પડ્યો તો થયું. તું ક્યાં જાય છે ?' શેઠાણીએ કહ્યું.

'મારે તો હજુ બહુ કામ છે. આ તો તમને પોતાનાં જાણી કહું છું. મારું નામ દેશો નહિ.'

'ના, ના. પણ, ઉદા ! મારું આ ઝાલોરું જોયું કે ? નવાં મોતી હમણાં જ આવ્યાં તે મઢાવ્યાં છે; ઓ પેલું શું ગામ તો ? અરબી કે શું મૂઉં કાંઈ એવું છે ? ભીમદેવ મહારાજના વખતમાં મૂઆ યવનો આવ્યા હતા, તેના ગામમાંથીસ્તો નવાં મોતી આવ્યાં છે.'

‘વાહ ! ઘણું સારું છે. પણ તમે જાઓ હવે. ચાલો, હું તો જાઉં છું.' 'આવજે, હો કે દીકરા !' માનકુંવરબાએ રાજગઢ જવાની તૈયારી કરવા માંડી.