Patanni Prabhuta - 23 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 23

૨૩. જય સોમનાથ !

ઉદો ત્યાંથી મોતીચોક તરફ વળ્યો, તો ત્યાં ખળભળાટ થઈ રહ્યો જણાયો. બધા વેપારીઓનાં ટોળેટોળાં લાંબાલાંબા હાથ કરી વાતો કરી રહ્યાં હતાં. કોઈએ દુકાનો ઉઘાડી નહોતી. કોઈ કહેતું કે “શાંતિચંદ્ર શેઠ મરી ગયા;' કોઈ કહે, ‘મુંજાલનું ખૂન થયું:' કોઈ કહે, ‘મીનળદેવી ભોંયમાં પેસી ગયાં;' પણ બધા કહેતા, કે પાટણમાં રાજા કે રાણી નથી; એટલે દુનિયાનો અંત આવ્યો.'

‘અરે મારા શેઠો !’ એક ધનાઢ્ય શેઠિયો દુકાનના ઓટલા પર ઊભો ઊભો કહી રહ્યો હતો; 'એ તો હું પહેલેથી જાણતો હતો. મેં તમને શું કહ્યું હતું ? ગમે તેવો મુંજાલ મહેતો પણ સુંવાળો, ને આ તો શાન્તુશેઠ ! એ તો બધાને જતિ કરીને બેસાડે એમાંનો છે. હવે તમારામાં પાણી ક્યાં છે ? પાણી હોય તે એની મગદૂર શું? ચંદ્રાવતીનો સૌભાગ્ય અહીંયાં શેઠાઈ કરે ? મરો, મરો તમે બધા !'

‘પણ તિલકચંદ !' ઉદાએ કૂંડાળામાં દાખલ થતાં કહ્યું : ‘આ બધું શા કામનું ? કરવું શું ?'

ખરી વાત છે. ઉદો ખરું કહે છે. વાતો તો બધા કરે છે. પણ કરવું શું ?'

ચારે ગમથી બધા બોલી ઊઠ્યા. એટલામાં બીજાં ટોળાંઓ પણ આ તરફ આવ્યાં.

'ભાઈ ! જુઓ, હું તો ગરીબ આદમી છું. ને મારી પાસે વાત ટૂંકી છે. જો આપણામાં જોર હોય, તો આજ પાટણ આપણા તાબામાં કરો. નહિ તો શાન્તુશેઠના હાથમાં રહે, તેના કરતાં તો દરવાજા ખોલીને બેસો; પછી જેને આવવું હોય તે આવે.'

'આવે કેમ ?' તિલકચંદ ઊકળી ઊઠયો; 'તું તો કર્ણાવતીનો છે. અમારા પાટણમાં પારકું લશ્કર આવે ? શું વાત કરે છે ?'

ત્યારે કરો કેસરિયાં. મારી ક્યાં ના છે ? દરવાજા બંધ કરી લડવા તૈયાર થાઓ. 'બોલો, જય સોમનાથ !' ઉદાએ કહ્યું.

કેટલાકે બૂમ ઉપાડી લીધી.

શૂરા સોલંકીઓની રણહાકમાં પાટણનું ગૌરવ સમાયેલું હતું. ગિરનારના ગૃહરિપુને ઉખેડી નાખી, સોમનાથ પાટણ કબજે કરવાને મૂળરાજ સોલંકીએ પટ્ટણીઓને જ્યારે પ્રેર્યા હતા, ત્યારે આ જ હાક આખા સોરઠમાં વાગી હતી. ત્યારથી અણહિલવાડ પાટણ અને સોમનાથ પાટણ એકબીજાનાં થઈ રહ્યાં હતાં.

‘જય સોમનાથ'ની ઘોષણાઓ વડે પટ્ટણીઓએ સોરઠ હાથમાં લીધું હતું; મહમદ ગિઝનીના અસંખ્ય દળને હંફાવી, અણહિલવાડની અને સોમનાથની રક્ષા કરવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા; મહમદ ગયા પછી સોલંકીઓને પાછા ગુર્જરેશ કરી સ્થાપ્યા હતા; માળવા, સોરઠ, ધાંડ, લાટ વગેરે પ્રદેશોના નાનામોટા રાજાઓને ધ્રુજાવ્યા હતા.

તે હાક પટ્ટણીઓને શ્વાસ અને પ્રાણ સમાન હતી; તે સાંભળતાં તેમનાં રૂંવાં ઊભાં થતાં; હાથમાં અથાગ બળ આવતું; મગજમાં વીરતાનું ઝનૂન પેદા થતું; પુરુષો તરવાર લઈ કેસરિયાં કરવા તત્પર થતા. કાયરોમાં હિંમત આવતી, વીરાંગનાઓ પોતાના સ્વામીનાથોને વિજયતિલક કરી, તેની પાછળ સતી થવાનો નિશ્ચય કરતી.

ઉદાએ લોકોના ઉત્સાહનો લાભ લઈ એ જ ઉત્સાહકારી હાકનાં સ્મરણો તાજાં કર્યાં.

'હા, હા. જરૂર તૈયાર થાઓ, જય સોમનાથ, પણ જોજો. ચાલો, શું કરીએ ?' એમ બધા બોલી ઊઠ્યા.

બધા શાંત થયા એટલે ઉદો બોલ્યો : 'જુઓ ભાઈઓ ! મને તિલકચંદ શેઠની વાત વાજબી લાગે છે. માલમિલકત કરી દો ઠેકાણે, શાન્ત શેઠને કરો સીધા, ને થઈ જાઓ લડવાને તૈયાર. આપણાં છતાં મગદૂર કોની કે પાટણમાં આવે ?'

'મગદૂર કોની ? ખરી વાત છે.' બેચાર જણ બોલ્યા.

એટલે એક નવો માણસ આગળ આવ્યો : 'અમે તો પહેલેથી કહેતા હતા. પટ્ટણીઓને પોતાનું જાળવતાં નહિ આવડે, તે આપણે શું કરીએ ? બાકી આપણામાં કાંઈ પાણી નથી ? ગિઝનીના રાક્ષસો આવ્યા ત્યારે આપણા બાપદાદાઓએ દોઢ દોઢ મહિનો પાટણ સાચવી રાખ્યું હતું, ને હવે આમ ને આમ આપી દઈશું ? ચાલો રાજગઢ. એ શાન્તુ શેઠને પહેલાં સીધો કરીએ. મુંજાલ મહેતો નથી; નહિ તો એને મહાજન બહાર મૂકી દઈએ. એ સમજે છે શું ?'

એટલામાં એક-બે વાણિયા દોડતા, હાંફતા આવ્યા. ને બૂમો પાડવા લાગ્યા : ‘માર્યા રે માર્યા.”

'ત્યાં ઊભેલા બધા વણિકો ગભરાઈ ગયા. કેટલાકને મોઢે શોષ પડ્યો; પણ જવું ક્યાં ?'

'પણ છે શું ?' ઉંદાએ આગળ આવી પૂછ્યું.

‘શું શું છે ?' એક વાણિયાએ હાંફળા હાંફ્ના બોલવા માંડ્યું, 'આ લશ્કર આવલું. નાસો, નહિ તો મરી જશો'

ઘણાખરાએ ચારે દિશામાં માર્ગ ખોળવા માંડ્યો.

'પણ કોનું લશ્કર છે એ તો કહે !'

'અરે પેલો જમડો ગદા હલાવતો આવે તેનું,' કહી એક તરફના રસ્તા સામે નવા આવનારે આંગળી કરી. આગળ ડુંગર નાયક, ભીમસેનના અવતાર જેવો, એક લોખંડની ગદા હલાવતો આવતો દેખાયો. તેની પાછળ સો-બસો માણસો આવતા હતા કોઈના હાથમાં તરવાર, તો કોઈના હાથમાં ભાલા હતા, અને કેટલાકે કાંઈ ન મળવાથી લાકડાનાં મગદળો હાથમાં લીધાં હતાં.

એકેએક શેઠ ગભરાયા. એમાંના ઘણા હિંમતવાન અને કસરતબાજ હતા, પણ અત્યારે હાથમાં કાંઈ હથિયાર નહિ હોવાથી કેમ બચાવ કરવો તે કોઈને સૂઝચું નહિ ક્યાં સંતાવું, તેનો જ વિચાર કરતા બધા ઊભા.

'ઊભા રહો ! ગભરાશો નહિ. આ તો આપણો ડુંગર નાયક. તમે બધા ઊભા રો. હું એકલો જઈને પૂછી આવું. એ પણ વખત છે ને – કહી ઉદો ત્યાંથી આગળ આવ્યો.

*

ડુંગર નાયક કેમ આવ્યા, તે હવે જોઈએ

ઉદો તેને ત્યાંથી ગયો ત્યારે તેના મગજમાં એક જ વિચાર રમી રહ્યો, કે ‘ડુંગર નાયક જીવતાં પાટણમાં શ્રાવકોનું રાજ્ય થાય છે. ' આખી જિંદગી તેણે વાણિયાનાં દેવાં કરી ગાળી હતી, દેવપ્રસાદનો અનુયાયી હોવાથી શ્રાવકો તરફ તેને તિરસ્કાર પૂરતો હતો. એટલે તેમને દુઃખ દેવાનો શોખ તેને ઘણી વાર થઈ આવતો, પણ તેમની ઘણી વાર જરૂર જણાયાથી એ શોખ પૂરો પડતો નહિ. અત્યારે તેનું લોહી ખરેખર ઊકળી આવ્યું પાટણમાં ચંદ્રાવતીની સત્તા ' તેના ચકચૂર મગજને સ્પષ્ટ જણાયું, કે અત્યારે પોતાને લીધે જ પાટણ ઊભું છે, અને તે એની વહારે ન ધાય તો બીજો કોણ ધાશે ?' જેમતેમ કરતો તે ઊઠ્યો અને થોડાઘણા દંડ ખેંચી કહાડ્યા, અને પોતાની ગદા લઈ ફેરવી જોઈ. જેમ જેમ કસરતના શોખીનનું લોહી ફરવા માંડયું, તેમ તેમ મન પણ વધારે આડું જવા માંડ્યું. તેને ખાતરી થઈ, કે ચંદ્રાવતીનું લશ્કર કોટની પેલી બાજુ પર પડ્યું છે, અને શાંતિચંદ્ર દરવાજા ઉઘાડવા જાય છે ! તેને એમ પણ લાગ્યું, કે દરેક શ્રાવકને કેદ કર્યા સિવાય પાટણનો જયવારો છે જ નહિ ! તેના શાગિર્દો આવે તે પહેલાં તેણે ગદા લીધી અને હેઠળ ઊતરવા માંડ્યું.

‘સતી ! સતી !' લાગણીથી ભરપૂર અવાજે ડુંગરસિંહ બોલ્યો.

‘સતી’ ચમક્યાં. આટલાં માનભેર બોલાવનાર પતિ સામે ગભરાટથી જોયું ક્યાંક ગાંડા તો નથી થયા ? કેમ શું છે ?”

‘સતી ! હું રણસંગ્રામમાં જાઉં છું; પાટણના કાંગરા અખંડ રાખવા જાઉં છું ! છોકરાને સંભાળજો.'

સતીએ જાણ્યું, કે કાંઈ નવી ધૂન ભરાઈ હશે : વારુ, વહેલા આવજો.'

‘નહિ આવું તો આવતે ભવે.' કહી, ક્યાં જાય છે તેનો વિચાર કર્યા વિના, નાયક બહાર પડ્યા. સામે અખાડામાંથી સાતઆઠ રાજપૂતો આવતા મળ્યા.

'નાયક ! કેમ, શું કામ છે ?' બાયલાઓ ! ચૂડીઓ પહેરીને બેસી રહો. તમારાં ઘરબાર લૂંટાવા રાખ્યાં છે, કેમ ?'

'હેં ? કેમ ? શું છે ?'

'ચંદ્રાવતીનું લશ્કર કોટ બહાર પડ્યું છે. મીનળદેવી ચંદ્રાવતી ગઈ !'

'શું કહો છો ? અહીંયાં પાટણમાં પારકું લશ્કર?'

શાન્તુ મહેતો સાંજે તમને કેદ કરાવશે. બેસી રહો. હરામખોરો ! હવે શ્રાવકોને ઘેર પાણી ભરજો, પાણી !'

'અરે, એમ તે શું થાય ?'

‘શું થાય શું ? હિંમત હોય તો ચાલો મારી સાથે. બધા દરવાજા બંધ કરીએ. પાટણ પર પરગામી ચડી આવે ને શું એક રાજપૂત બચ્ચો સામે નહિ થાય ? હું તો મરવાનો કે મારવાનો,' કહી નાયકે ગદા હલાવી; મારી સાથે છે કોઈ માનો જણ્યો ? બધા શ્રાવકોને પકડી બાંધી મારીએ. ચંદ્રાવતી આવે શું ?'

શ્રાવકોને પકડીને બાંધી મારવાની યોજના બધાને પસંદ પડી. ‘હા, હા, ચાલો. ચંદ્રાવતી આવે શું ?'

'ચાલો ! ચાલો ! લક્ષ્મણ રાવત ! નીકળો બહાર.'

'કોણ ? ડુંગર ? કેમ શું છે ?' એક ડોસાએ બારી બહાર ડોકું કાઢી પૂછ્યું.

પાટણમાં પરદેશીઓ પેસે છે; ચાલો તેમને હાંકી કહાડીએ. ભીમદેવદાદાનો વખત આવ્યો છે. બોલો, છોકરાઓ ! જય સોમનાથ "

'જય સોમનાથ !' કહી બધા આગળ ચાલ્યા, અને જેનાથી જે બન્યું તે હાથમાં ઝાલ્યું.

રસ્તે ચાલતાં કોઈ હસ્યું. કોઈએ કહ્યું, કે માનો કોઠારી ડુંગરસિંહની મજાક કરે છે; તે કહે છે કે એ ગાંડાએ માંડ્યું છે શું ?'

ડુંગર નાયક વાઘની વિકરાળતાથી ફર્યો : 'કોણ કહે છે એ ? હું ગાંડો ? એ કયો બાયલો છે, કે બેસી રહે છે ?'

હલકા રાજપૂતોના વર્ગમાં ડુંગર નાયકની સત્તાની સામે પડનાર માનો કોઠારી હતો. ડુંગર તેના ૫૨ ખારે બળી રહ્યો હતો. એટલે તેનું નામ સાંભળતાં તે ઊકળી ઊઠ્યો.

'માનો કોઠારી તો નામર્દ છે.' ડુંગરે બરાડો માર્યો, અને તે ભેગા થતા ટોળા સાથે બાજુની ગલીમાં ચાલ્યો અને કોઠારીના ઘર તરફ ધસ્યો. લોકોમાં કોલાહલ થઈ રહ્યો. ડુંગર નાયકનું લશ્કર ક્ષણે ક્ષણે વધવા લાગ્યું.

'માના, માના ! પાટણ પર પરદેશી ચડી આવ્યા છે અને આમ બેસી શું રહ્યો છે ?'

માનો કોઠારી બિચારો કાંઈ જાણતો પણ નહોતો અને નિરાંતે ઓટલે બેસી હુક્કો ગગડાવતો હતો; પણ ડુંગર નાયકના આવા તોછડા શબ્દો સાંભળી, તેણે હુક્કો આઘો મૂક્યો ને ડોળા કાઢ્યા; પછી બેદરકારીમાં તેણે કહ્યું : 'જે ચડી આવે તે. તું લવારી કરતો બેસની. તારું શું જાય છે ?'

‘બાયલા !” કહી ડુંગરે મોટી બૂમ પાડી; પટ્ટણી થયો છે ! થૂંઊઊઊ તારા મોં ૫૨.' કહી ડુંગર તેના પર થૂંક્યો; તેની પાછળ તરત દશપંદર જણ થૂંક્યા; 'નિમકહરામ કૂતરા, ચંડાલ, ગુલામ !' એમ અનેક નામો માનાને અપાઈ ગયાં.

લોકોને પાણી ચડ્યું; માનો સામો થયો, અને પાસે પડેલી તલવાર ઊંચકવા ગયો; જોતજોતામાં પાંચ સાત જણે તેને પકડ્યો. તેનો હુક્કો ક્યાંનો ક્યાં જતો રહ્યો. પાટણમાં પરદેશી બોલાવવા છે ! એ ચંદ્રાવતીનો છે. મારો, પકડો,' કહી લોકોએ તેને બાંધ્યો અને સાથે લીધો.

આ તોફાનથી લોકો પણ ઘણા થયા અને જુસ્સો પણ વધ્યો. આમ હોકારા- બૂમાટા કરતું ડુંગર નાયકનું સૈન્ય મોતીચોકમાં આવી લાગ્યું.

*

સામે ઉદો આવ્યોઃ 'કેમ નાયક ! શાબાશ ! ઠીક કરી છે !'

‘ઉદા શેઠ ! શું બેસી રહ્યા છો ! પાટણને પાદરે તો પરગામી પડ્યા છે ને વાતો શું કરો છો ?' જાણે ઉદાને નવી વાત કહેતો હોય તેમ ડુંગર બોલ્યો.

'પણ તમે જાઓ છો ક્યાં ?' બધા દરવાજા કબજે કરીએ છીએ અને બહુ થશે તો કેસરિયાં. કેમ, છોકરાઓ ! બોલો, 'જય સોમનાથ !'

'જય સોમનાથ !' લોકોએ જવાબ આપ્યો.

'પણ તમારા શેઠિયાઓ શું કરે છે ?' બધા પાટણ માટે શિર આપવા તૈયાર છે. એમને પણ સાથે લો.'

'શ્રાવકો દગો દેશે ત્યારે ?'

એક જણે પાછળથી ડોકું કાઢી જવાબ દીધો : 'બેસ, બેસ, ચિબાવલા !'

ડુંગર નાયકે પાછા ફરી કહ્યું : 'તું શું જાણે ! એ ગમે તેવા પણ પટ્ટણી.'

હાસ્તો, પણ પહેલાં રાજગઢ જઈ ખાતરી તો કરી; ત્યાં વળી કાંઈનું કાંઈ મળશે,' ઉદાએ ઉમેર્યું.

'અરે હા રે ! ત્યાં જ જઈએ છીએ.' ડુંગર નાયક રાજગઢના આગલા ચોકમાં આખી જિંદગીમાં એક-બે વખત ગયા હતા; અને તે પણ નોકર તરીકે, કે એક વખત ગુનામાં આવ્યા હતા ત્યારે. અત્યારે પાટણના રક્ષક તરીકે જવું, તે તેને મન સીધા સ્વર્ગે જવા જેવું હતું – ‘ચાલો રાજગઢમાં ! એ શાન્તુ શેઠ શું કરે છે ? તમારા શેઠો આવે છે કે ?'

‘હા, હા,’ કહી. ઉદો પાછો આવ્યો : 'ભાઈઓ ! ડુંગર નાયક પણ પાટણની ટેક રાખવા જ આવ્યો છે. ચાલો આપણે બધા રાજગઢ. પૂછીએ તો ખરા કે શું છે ?'

‘હા, ચાલો ચાલો,' કહી ઘણાખરા તૈયાર થયા અને ડુંગરસિંહના લશ્કર સાથે બધા પટ્ટણીઓ રાજ્ગઢ તરફ ચાલ્યા. ધીમે ધીમે લોકોનું જૂથ જબરું થતું ગયું. પાટણ પર પરદેશી ચડી આવ્યા છે' એમ ચારેગમ બૂમ પડી. ધીમેધીમે ઘોડા ૫૨ કે પાલખીમાં મોટા મોટા સામંતો, શેઠો અને ગરાસિયાઓ પણ આવવા માંડ્યા. થોડી વારે રાજગઢ આગળ મોટી મેદની થઈ ગઈ.

આગલા થોડા વખતમાં આવો ખળભળાટ થવાનું મૂળ કારણ લોકોનું શહેરનું અભિમાન હતું. માંહ્યોમાંહ્ય ગમે તેટલા ઝઘડા ચાલ્યા કરે, તોપણ પાટણનો કોટ અને પાટણનો પતિ બન્ને તેઓમાં દુર્જય મનાતાં. મુશ્કેલીની વખતે આ અભિમાન લોકોમાં ગૌરવ અને એકતા પ્રેરતું; અને અને દુર્જયતા ટકાવી રાખવા પટ્ટણીઓ પોતાનો પ્રાણ આપવા પણ ચૂકે એમ નહોતું. મૂળરાજના વખતથી પાટણ એટલે તેમને મન દુનિયાનું પાટનગર. તેઓ નગરને જીવંત વ્યક્તિ માની તેના ચરણ સેવવા તત્પર રહેતા; અને તેના રાજા, તેના શેઠ, તેની દોલત એ બધાં કરતાં તેના ગૌરવ તરફ તેઓનું ધ્યાન હંમેશાં વધારે રહેતું. મૂળરાજ, ભીમદેવ ને કર્ણદેવ તેમને મન પાટણના ગૌરવની મૂર્તિઓ હતા; અને મુંજાલ તરફ પણ લોકોના પ્રેમનું કારણ એ જ હતું. તેઓનાં ગુણ, દૂષણ, અભિમાન, શક્તિ એ બધાં નગરશેઠમાં અદ્ભુત ખૂબીથી વ્યક્ત થતાં તેઓ જોતા અને તેની વડાઈ જોઈ હરખાતા. અત્યારે પટ્ટણીઓનો મનોભંગ થયો હતો, અને તેથી જ તેઓ વીફર્યાં હતા. પાટણનું નાક જાય, તેના પહેલાં દુનિયા રસાતાળ જાય, એમ તેઓનું માનવું હતું.