Patanni Prabhuta - 24 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 24

૨૪. સોલંકીની શોધમાં

પાટણના શહેરીઓનું સરઘસ હોકારા કરતું રાજગઢ તરફ ચાલ્યું. શા ચોક્કસ કારણને લીધે આ તોફાન થતું હતું તે કોઈને માલૂમ નહોતું. પણ મીનળદેવી પાટણ છોડી ચાલી ગઈ છે, અને શાંતિચંદ્ર ચંદ્રાવતીનો માણસ હતો, માટે વિશ્વાસપાત્ર નથી,' એ વાત બધાને ગળે ઊતરી. કેટલાક ભટકતા, કામ વગરના શહેરી મઝાને ખાતર આવ્યા; કેટલાક શું થાય છે, તે જોવા આવ્યા. દરેક એકબીજાને કહેતા કે મીનળદેવી રાત્રે ગઈ; ચંદ્રાવતીનું દળ કોટ બહાર પડ્યું છે; કેટલાક કહેતા કે 'એ બધું તેમણે જાતે જોયું હતું;' કેટલાકને ખાતરી હતી કે ‘ગુજરાતનું પાટનગર હવેથી ચંદ્રાવતી થવાનું છે;' કેટલાકે ભવિષ્ય ભાખ્યું કે જ્યાં સુધી મીનળ છે ત્યાં સુધી પાટણ સુખે સૂવાનું નથી. ગમે તેવી પણ તે પરદેશી.'

પહેલાં સ્ત્રીઓ જરા ગભરાઈ, બારણાં દીધાં; પછી કારણ જાણ્યું અને બારીએ નીકળી. ચંદ્રાવતીનું લશ્કર કોટ બહાર આવ્યું છે જાણી, તેમણે પણ પોતાના પતિઓને બહાર કાઢવા માંડ્યા. એમ કરતાં બધા રાજગઢના કોટની બહારના ચકલામાં આવી પહોંચ્યા. 'શું છે ?' તે જોવા આસપાસ રહેતા ધનાઢ્ય શેઠો અને મોટા સામંતો બહાર નીકળ્યા. દરેક જણ 'શું છે ?' તે પૂછતું, અને 'મીનળદેવી નાસી ગઈ છે,’ એ સાંભળી અજાયબ થતું અને સામેલ થતું. એમ, આગળ પડતા કેટલાક મોટા લોકો આવ્યા. હાલારના ઘરડા મંડલેશ્વરે આ વાત સાંભળી, અને ‘ચંદ્રાવતીનું લશ્કર આવે છે,' એ જાણી તેનો પિત્તો ઊછળી આવ્યો. તરત ઘોડા પર સવાર થઈ ખેંગાર આવ્યો અને ટોળામાં સામેલ થયો. તે જૂના જમાનાનો બહાદુર, ઝનૂની રાજપૂત હતો. તેને આવેલો જોઈ ઉદો તેના તરફ ગયો.

'બાપુ ! જોયું ? હવે તમારા જેવાને હાથે પાટણની લાજ છે.'

‘અરે, શું વાત ? હમણાં શાન્તુને ઠેકાણે કરું છું. પાટણની સામે થનાર કોણ, તે જોઉં છું. બધાં ક્યાં, ગઢે જાઓ છો ? ચાલો,' કહી તે આગળ થયો.

ઉદાએ આગળ વધતા સરઘસ તરફ નજર નાંખી. તેણે જોયું કે એકમેકનું જોઈને સારા માણસો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ડુંગર નાયક જેવાનો ઉત્સાહ ક્ષણભંગુર હતો, તે તે જાણતો હતો; માટે જ્યાં સુધી સારા માણસોમાં ઝનૂન પેદા થાય નહિ, ત્યાં સુધી કાંઈ પણ સરવાનું નથી, એમ તેને લાગ્યું. તેને એક યુક્તિ સૂઝી. લોકો એટલા બધા વધી ગયા હતા અને તોફાન એટલું વધી ગયું હતું, કે તેના તરફ કોઈનું લક્ષ નહોતું. તે ધીમે રહીને ત્યાંથી સરકી, બાજુની શેરીમાં થઈ રાજગઢને બાજુને દરવાજે ગયો. દરવાજો તેમ જ બારી બંધ હતાં. તે દોડતો દોડતો પાછલે દરવાજે ગયો. તે પણ બંધ હતો. તેણે તડ વાટે જોયું, તો પાછળ પહેરેગીર દેખાયો.

'અરે, ઓ –' કહી મોટેથી ઉદાએ બૂમ મારી.

'કોણ છે ?' કહી પહેરેગીરે પણ તડમાંથી જોયું.

'એ તો હું ઉદો. જરા બારી ઉઘાડ.'

'નહિ ઊઘડે, બાનો સખત હુકમ છે.'

'અરે ગાંડા ! તને ભાન છે ? ઉઘાડ, નહિ તો કચડાઈ જશે.'

'કેમ ઉદાશેઠ ! તમારી પણ અક્કલ ગઈ છે ? ચાલ્યા જાઓ હમણાં, કોઈ જાણશે તો બા મારી ધૂળ કાઢી નાંખશે. હુકમ ઘણો સખત છે. અરે મૂર્ખ ! રાણી તો ક્યારનાં પોબારા ગણી ગયાં છે ને આખું પાટણ ઊઠીને અહીંયાં આવે છે.'

'શું કહો છો ! બા –'

'અરે ! બા તો ચંદ્રાવતી પહોંચી ગયાં. જો તને પૈસા જોઈતા હોય તો કહે તેટલા આપું. તને પદવી જોઈતી હોય તો કાલે સવારે અપાવું; પણ અત્યારે બારી ખોલ.'

'પણ બા ગયાં ? હવે થશે શું ?'

'ગાંડા ! ત્રિભુવનપાળ સોલંકી ગઢમાં છે ને. મને આવવા દે, તો તને કાલે નાયક બનાવું. કહે તો ગરાસ અપાવું.' ઉદાએ કહ્યું.

'એ બધું તો પછી. હમણાં તમારા કાનની કડી આપો, પછી બધું.'

'ઠીક, લે,' કહી ઉદાએ ઝપાટાબંધ કાનની મોટા મોતીની કડી કાઢી ! સૈનિકે ધીરે રહીને બારી ખોલી. જોજો, હો ! કાલે ગરાસ મળવો જોઈએ.'

'જરૂર,' કહી ઉંદો અંદર પેઠો; અને રહેવાના ઓરડાઓ તરફ ચાલ્યો. તે ઝપાટાબંધ લીલાના ઓરડા તરફ ગયો. કર્ણદેવની માંદગીને લીધે રાજવૈદે પણ કેટલા દિવસ થયાં ગઢમાં જ ઘર કર્યું હતું.

‘લીલાકાકા ! ઓ લીલાકાકા!"

‘કોણ એ ?' એક સ્ત્રીના અવાજે પૂછ્યું અને એક જુવાન સ્ત્રીએ બારણું ઉઘાડ્યું.

‘કોણ ? માત્રાબહેન ! તમારા બાપુ ક્યાં છે ? એ તો હું ઉદો.'

'કોણ ઉદો મારવાડી ! બાપા તો ત્રિભુવનપાળની પાસે છે.'

'તે ક્યાં છે?'

'પેલી બાજુએ પેલા –' કહી નવોઢાએ જરા નીચું જોયું.

'આ પેલા પંડિતજી ઊભા છે ત્યાં ? આટલાં મોટાં થઈ શરમાઓ છો શું? ગજાનનનાં તમે સિદ્ધિ કે બુદ્ધિ" કહી જરાક મશ્કરી કરી. ઉદો પેલી તરફ ઝપાટાબંધ દોડ્યો.

‘વાચસ્પતિ ! તમારા સસરા ક્યાં છે ? ત્રિભુવન સોલંકી ક્યાં છે ?'

‘કોણ છે ?' કહી વૈદે અંદરથી જવાબ દીધો, એટલે ઉંદો તે તરફ દોડ્યો.

લીલા વૈદ નિરાંતે પાન ખાતા હતા. સામળ બારોટ નિસ્તેજ આંખો આકાશ તરફ ફેરવી હુક્કો ગગડાવતા હતા, અને ખાટલા પર ત્રિભુવનપાળ બેઠો હતો. તેને ગઈ કાલના ઘાથી લોહી ઘણું વહ્યું હતું; પણ સામળ બારોટની જડીબુટ્ટીથી તે તરત બંધ થયું હતું : અને આખી રાત નિરાંતે ઊંઘવાથી અત્યારે તેની તબિયત ઘણી નબળી છતાં ઠીક થઈ રહી હતી. તેનું તેજસ્વી મોઢું લોહી વગરની ફિક્કાશથી આકર્ષક લાગતું. તેના બાલમુખ પર ચિંતાનાં ચિહ્ન હતાં. તેના પિતા ગયા હતા; તેની સખી નિમકહરામ થઈ ગઈ હતી, અત્યાર સુધી દેખાઈયે નહોતી; પોતે મીનળકાકીના હાથમાં કેદીની માફક પડ્યો હતો, પણ દૃઢતાથી તે વિચાર કરી રહ્યો.

‘નમસ્કાર, મહરાજ ! જય જય, વૈદરાજ ! રામ રામ, બારોટજી,' કહી ઉદો ઓરડામાં પેઠો. બે જણે તેની સામે જોયું; બારોટજીએ આંખો તે તરફ ફેરવી. ત્રિભુવનના કપાળે કરચલી આવી.

'મહારાજ ! ક્ષમા કરો. આપને શરણે આવ્યો છું, પાટણના લોકોની વિનંતી રજૂ કરવા.'

'મારી આગળ ? પાટણના લોકોની વિનંતી ?' ત્રિભુવને અજાયબીથી પૂછ્યું.

લીલો અને બારોટ મૂંગા મૂંગા જોઈ રહ્યા. હા, જી. નગરજનપ્રતિપાળમાં તમે રહ્યા છો; લોકો તમારે શરણે આવે છે.'

'ઉદા !' વૈદે કહ્યું : ‘ગાંડો થયો છે કે શું? શું બકે છે.'

'શું તમને પણ ખબર નથી ? મહારાજ ! મીનળબા અને જયદેવકુમાર પાટણ છોડી રાત્રે ચંદ્રાવતી ચાલ્યાં ગયાં. બારોટજી ! શું સાંભળ્યા કરો છો ? ચંદ્રાવતીનું લશ્કર પાટણ સર કરવા આવે છે !'

જરૂર પેલા કાવતરાંબાજ જાતિનાં કારસ્તાન,' લીલો બોલી ઊઠ્યો.

-----------------------

* લીલો વૈદ ।

માત્રા – પંડિત ગજાનન વાચસ્પતિ

‘શું કહે છે, ઉદા ?’ ત્રિભુવનપાળે ઊભા થઈ જતાં પૂછ્યું; પણ તરત પોતાની અશક્તિ નડી અને તે બેસી ગયો; પાટણ પર ચંદ્રાવતી આવે?'

'જરૂર બાપુ'!' લીલાએ કહ્યું; એ જતિ ક્યારનોયે ત્યાંથી માણસો મંગાવતો હતો.'

'ત્રિભુવન સોલંકી ! શું બેસી રહ્યો છે ?' એકદમ સામળ બારોટનો અવાજ ગાજ્યો; તેણે હાથમાંથી હુક્કો છોડી દીધો, અને ટટાર થઈ તે બોલવા લાગ્યો; ‘તમે બધાં બાળકો છો ! પ્રસન્ન ગઈ ઉજ્જેણી અને ચંદ્રાવતી આવ્યું અહીંયાં ! છે કોઈ માનો જણ્યો કે હવે ઊઠે ? હું તો ક્યારનો ધારી બેઠો હતો,' કહી બારોટ ધૂણવા લાગ્યા.

‘મહારાજ ! આખા પાટણમાં ખળભળાટ થઈ રહ્યો છે, અને બધા લોકો બહાર આવ્યા છે. આપને મળવા માટે બધા આતુર છે. આપ ત્યાં ચાલો,' ઉદાએ વિનંતી કરી, 'હું શું કરું ? મારા હાથ નિર્બળ થયા છે.'

‘ત્રિભુવન સોલંકી !' બારોટજી બોલ્યા, 'ખબરદાર ! તારો નિર્બળ હાથ બધાથી સબળ છે. ઊઠ, થા ઊભો : બોલ જય સોમનાથ ! ક્યાં છે લોકો ? યવનો આવ્યા ત્યારે મારો ભીમદેવ ઊછળીને ઊભો થયો હતો; પૂછવા નહોતો રહ્યો, કે હું સબળ છું કે નિર્બળ !'

'લોકો તો, બારોટજી ! બહારના ચોકમાં હશે; શાન્તુ શેઠને મળતા હશે. બધા ધારે છે, એ પણ ચંદ્રાવતીનો છે.'

'બારોટજી ! ચાલો આપણે જોઈએ.'

'ચાલો, ઊઠો, લીલા !' બારોટે કહ્યું, 'મારા વીરની સાથે થા. જીવતો રહે મારો સોલંકી ! જય સોમનાથ !'