Patanni Prabhuta - 31 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 31

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 31

૩૧. ગુરુદેવની આજ્ઞા

જ્યારે દેવપ્રસાદે પૂર્વ સરસ્વતીના નીરમાં પડતું મૂક્યું ત્યારે તેને બચવાની ઘણી આશા આવી. મહાલય નદીના તીરની એક બાજુએ હતો એટલે તરીને ત્યાં જવું, એ રમતની વાત હતી; અને એ તરફના પ્રદેશમાં દરેક ગામડામાં એનાં માણસો હતાં, કે જેઓ એનું નામ સાંભળતાં જીવ આપવા તૈયાર થઈ જાય. ત્યાં જઈ, સ્વસ્થ થઈ, મેરળ તરફ ચાલી નીકળવું, એ એને સહેલું ભાસ્યું. પણ જેવો એ પડ્યો તેવો હંસામાં એકદમ એને ફેરફાર લાગ્યો. ક્યાં તો આટલે ઊંચેથી પડવાની કે શરદીથી હંસા બેભાન થઈ ગઈ, એમ તેને લાગ્યું, અને તેના હાથ મંડલેશ્વરને ગળેથી છૂટી ગયા. હવે મંડલેશ્વરના અપ્રતિમ શરીરબળની કસોટીનો વખત આવ્યો. તેણે બેભાન હંસાને પોતાના ડાબા હાથ પર રાખી, અને એક હાથે તરવા માંડ્યું. તેનું મન મૂળ પ્રકૃતિનાં તોફાની તત્ત્વોમાં રાચતું હતું, એટલે સરસ્વતીના પ્રવાહમાં તરવું તણાવું તે તેને ઘણું ગમ્યું. તેને સદ્ભાગ્યે જળપ્રવાહ પણ આ જ તરફનો હતો, એટલે આગળ જતાં ઘણી તસ્દી પડી નહિ.

તે અડધીએક ઘડી પાણીમાં હશે, એટલામાં તેને રાત્રિની શાંતિમાં પાછળથી કોઈ તરતું સંભળાયું. થોડેક દૂર કોઈ જોસભેર, પછાડા મારતું તરતું હતું અને તેના તરફ આવતું હતું. જરા વાર પાછા ફરી જોતાં તેને ખાતરી થઈ કે કોઈ તેની પૂંઠે પડ્યું હતું. દેવપ્રસાદે સમય વિચાર્યો, પોતાના હાથ પર પડેલી બેભાન સુંદરીની સ્થિતિ વિચારી, અને પોતાને પણ હજુ ઘણી શારીરિક મહેનત ઉઠાવવી છે, એમ માની તે આવનારની સામે થયા વિના કિનારા તરફ ફર્યો. જેવો તે કિનારા તરફ વળ્યો અને પાસે ગયો, કે તેણે ચંદ્રના તેજમાં થોડાક ઘોડેસવારો જોયા. તેઓ તેના તરફ જોયા કરતા હતા. તે અને સફેદ વસ્ત્ર પહેરેલી હંસા પાણીમાં સ્પષ્ટ દેખાતાં હશે, એમ માની તે જરા ધીરો પડ્યો. એટલામાં કાંઈ આવ્યું અને તેની પાસે પાણીમાં પડ્યું. કોઈનું તીર ! મંડલેશ્વરને ગુસ્સો આવ્યો. ઝપાટાબંધ તે પાછો ફર્યો અને કિનારાથી દૂર નીકળી ગયો. બે-ત્રણ તીર પાછળ આવ્યાં, પણ ફેંકનારાઓ હોશિયાર લાગ્યા નહિ. કારણ કે બધાં લક્ષ્ય ચૂકી પાણીમાં પડ્યાં. સરસ્વતીનો સામો કિનારો ઘણો દૂર હતો; અને તેની પેલી પાર ક્યાં સુધી કીચડ હતો. તે તરફ જવું ઘણું મુશ્કેલ કામ હતું. તેના કરતાં પાણીમાં સીધા જ તર્યા જવું સહેલું ધારી તેણે તેમ કરવા માંડ્યું.

મંડલેશ્વરનો ડાબો હાથ જૂઠો થવા આવ્યો. તેણે હંસાને જમણા હાથ પર નાંખી. તેનું બેભાન, ફિક્કું, નિર્મળ મોઢું જોઈ દેવપ્રસાદને ઉમળકો આવ્યો; તેને ચુંબન કર્યું, તેના શરીરને છાતીએ ચાંપ્યું, અને ડાબે હાથે હાથ મારવા માંડ્યા, પાછળ આવનારા કેટલા હતા તે કાંઈ પરખાયું નહિ; તેમની સાથે લઢી શકાશે કે કેમ, એ પણ સવાલ હતો; તેથી નાસી છૂટવા તેણે ઝપાટાબંધ આગળ વધવા માંડ્યું. થોડી વારે પાછળ તરનારાના પછાડા સંભળાતા ઓછા થયા, એટલે તેણે પોતાની ત્વરિત ગતિ મંદ પાડી. પાછળ મહાલય દેખાતો નહોતો, પણ તેના ભડકા ગગને પહોંચતા દેખાતા; કિનારા પર દશબાર ઘોડેસવારો પણ તેને જોતા જોતા પાછળ આવતા હતા, તે તેણે જોયા. ‘હરકત નહિ,’ મંડલેશ્વર બબડ્યો. પાણીમાં કલાકના કલાકો સુધી તરવાની નાનપણની ટેવ તેની મદદે આવી.

મનમાં એક વિચાર આવ્યો, અને તેના પેટમાં ફાળ પડી. હંસાને તેણે પાસે આણી. ‘હંસા ! હંસા !' કહી તેણે બૂમ પાડી, તેના મોઢા સામે તકાસીને જોયું, અને તેમાં ભયંકર નિશ્ચળતા જોઈ તે ગભરાયો. તેણે મહામુશ્કેલીથી તેને નાકે હાથ મૂક્યો તેના અંતઃકરણ પર હાથ મૂક્યો; પણ અસ્થિર જળમાં મંદ નાડીના ધબકારા જોવા સહેલ નહોતા. તેણે હંસાના વિચિત્ર બની રહેલા હોઠ જોયા; આંખોની બંધ પાંપણોમાંથી કાચ જેવા ડોળા જોયા. તેને તમ્મર આવ્યાં. હોઠ કરડી તે સ્વસ્થ બન્યો. કારણ કે પાછળ તરનારના પછાડા પાછા પાસે સંભળાયા. દેવપ્રસાદે એક મહાપ્રયત્ને હ્રદયમાં પ્રસરતી ખિન્નતા દૂર કરી અને જોરથી તરવા માંડ્યું; છતાં તેની હિંમત હવે ભાંગી ગઈ હતી. હંસા જીવે છે કે મરી ગઈ, એ સંશય તેનું હૃદય ચીરી નાંખતો હતો, પરિણામે તેના હાથ અને પગ પહેલાં જેવું સારું કામ કરી શક્યા નહિ.

પૂર્વમાં જરા પોહ ફાટવા લાગ્યો. દેવપ્રસાદે પાછા ફરીને જોયું તો એક જ જણ પાછળ દેખાયો. તે છેક પાસે આવી લાગ્યો હતો.

મંડલેશ્વર પાછો ફર્યો અને સામે થયો : 'કોનું મોત આવી લાગ્યું છે ?'

એક હાથે મોઢા પરથી પાણી લૂછી આનંદસૂરિએ હર્ષની હાક મારી. તેના એકવડા શરીરને અને ઝનૂનને લીધે તેને વધારે તસ્દી પડી નહોતી. તેની શક્તિ તેવી ને તેવી જ હતી. તે બે હાથ મારી પાસે આવી પહોંઓ.

‘તમારું, મંડલેશ્વર !”

'જતિ ? આનંદસૂરિ ? ચંડાલ ! મારી પાછળ આટલો લાગ્યો છે ? તારું પણ આવી બન્યું છે.'

જતિને અત્યારે જ ભાન આવ્યું, કે મંડલેશ્વર જોડે પાણીમાં દ્વંદ્વયુદ્ધ કરવું, એ તો મૂર્ખાઈભરેલું હતું. થાક્યોહાર્યો પણ દેવપ્રસાદ તેને પળમાં મસળી નાંખે એટલો શક્તિમાન હતો. તેણે યુક્તિથી આડી ફરી, કિનારા તરફ મંડલેશ્વરને દોરવા માંડ્યો.

'જોયા કે પેલા માણસો ?’

'તારા જેવા હિચકારા, હત્યારાઓ તો બહુ જોયા.’

'ગુરુદેવની આજ્ઞા મેં કહી હતી, તે ભૂલી ગયા ?'

'હા.' એકાએક વેરનું ઝનૂન વીસરી, દેવપ્રસાદને જતિનું વચન યાદ આવ્યું : 'આનંદસૂરિ ! તેં તે દિવસે મને વચન આપ્યું હતું, તે યાદ છે ?'

'હા, શું છે ? તમને જીવતા નહિ જવા દઉં; તે સિવાય જે કહેશો તે કરીશ.' જતિએ જવાબ દીધો.

'મારા જીવ માટે ભિક્ષા નહિ માગું : મંડલેશ્વર મરતાં મરતાં પણ સોલંકી. તને વૈદું આવડે છે ? જો, હંસા જીવે છે ?'

'અજાણ્યા દગો દેવો છે " જતિએ કહ્યું,

'કૂતરા · મંડલેશ્વરે કોઈ દિવસ દગો દીધો છે ? જો, આ રહી,' કહી દેવપ્રસાદે હંસાનું શરીર તેના તરફ જરા હડસેલ્યું.

જતિ પાસે આવ્યો. હંસાને નાકે હાથ મૂક્યો અને તુચ્છકારથી હસ્યો : મંડલેશ્વર, હવે આમાં રહ્યું છે શું?'

'એમ ?' મરતો સિંહ બરાડો નાખે તેમ દેવપ્રસાદે કહ્યું. એક પળ તે હંસા તરફ જોઈ રહ્યો. આટલી વારમાં વાતો કરતાં જાતિએ તેને કિનારા પાસે ખેંચ્યો હતો. તેણે કિનારા પરના માણસોને હાથ ઊંચા કરી બૂમ મારી. તરત ત્રણચાર તીરો છૂટ્યાં. તીરો પાણીમાં પડ્યાં; માત્ર એક આવ્યું અને મંડલેશ્વરની ગરદનમાં અડધું પેસી ગર્યું, તે પાણીમાં ઊછળ્યો અને જતિ તરફ ધસ્યો: ‘હરામખોર ! દગલબાજ !'

જતિ નાસે તે પહેલાં દેવપ્રસાદે તેને પકડ્યો. દાંત પર દાંત પીસી તેણે તેને ગૂંગળાવવા પ્રયત્ન કર્યો. જતિએ બચવાનાં તરફડિયાં મારવા માંડ્યાં. તેણે કિનારા પરના માણસોને પાણીમાં આવવા સૂચવ્યું.

તે પળે કિનારા પર બુમરાણ થઈ રહ્યું એકદમ સાંઢણીઓ ૫૨ વલ્લભ અને તેના માણસો આવી લાગ્યા, અને 'જય સોમનાથ !'ની બૂમ પાડી. એક હાથે જતિ જોડે બાથંબાથી કરતાં, અને બીજે હાથે બનતી મહેનતે હંસાનું શબ ઉપર રાખતાં મંડલેશ્વરે રણહાકની ગર્જનાનો જવાબ વાળ્યો. વલ્લભે પાણીમાં ચાલતું તોફાન જોયું; મંડલેશ્વરને ઓળખ્યો, અને તેની ગરદનમાં વાગેલું તીર જોયું. એક પળમાં સાંઢણી તેણે બેસાડી, અને તેના પરથી ઊતરી પાણી તરફ દોડ્યો. પોતાનાં શસ્ત્રો દૂર નાંખ્યાં અને અંદર પડચો.

એટલી વારમાં દેવપ્રસાદે જાતની ડોકી પોતાના હાથમાં આણી હતી, અને પોતાના હાથમાંથી સરી જતું શબ પાસે આવ્યું. તેનું માથું ફાટતું હતું. પગે આંકડી આવી હતી, હાથમાં થાક જણાતો હતો; તીરે કરેલા જીવલેણ વ્રણમાંથી પુષ્કળ લોહી નીકળતું હતું અને તેના શરીર પર આવતા મૃત્યુની શિથિલતા જણાતી હતી. તેને લાગ્યું કે કોઈ તેના તરફ આવે છે.

વલ્લભે બૂમ મારી : 'મહારાજ ! હું આવ્યો.'

દેવપ્રસાદે સાંભળ્યું, અવાજ પારખ્યો : વલ્લભ ! જરૂર નથી.' દેવપ્રસાદને ઘા સજ્જડ લાગ્યો હતો; અને પળે પળે તેનો જીવનદીપ હોલવાતો હતો એમ તેને લાગ્યું. એક પળમાં તેણે એક નિશ્ચય કર્યો હતો. અહીંયાં જરૂર નથી,' તેન્ને કહ્યું;

'વલ્લભ ! ત્રિભુવન પાસે જા; તેને જોજે.'

'પણ મહરાજ ?'

મારી હંસા વિના નહિ જિવાય; તે ગઈ, હું જાઉં છું,' કહી મંડલેશ્વરે ગૌરવથી, અભિમાનથી પૂર્વમાં ઊગતા સૂર્યરશ્મિઓ સામે જોયું અને બૂમ પાડી : 'જય સોમનાથ !' બીજી પળે એક હાથમાં તરફડિયાં મારતો જતિ અને બીજા હાથમાં હંસાનું શબ લઈ મંડલેશ્વરે ડૂબકી મારી.

વલ્લભ ‘મહારાજ ! મહારાજ !' કરતો ઉપર રહ્યો. તે જગ્યાએ તે પહોંચે, તે પહેલાં મંડલેશ્વર પાણીની નીચે ગયો હતો. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ મહારથી, કપટી વેરીઓની દગલબાજી અને પ્રેમઘેલછાનો ભોગ થઈ દુનિયાથી કંટાળી સરસ્વતીને ખોળે જઈ બેઠો હતો. વલ્લભે બેત્રણ ડૂબકીઓ મારી, પણ કોઈ હાથ લાગ્યું નહિ. એટલે નિરાશ થઈ તે પાછો આવ્યો. તેનાં ભવાં ચઢેલાં હતાં. એક અક્ષર બોલ્યા વગર તેણે એક સૈનિક પાસેથી ધનુષ્ય અને બાણનું ભાથું લીધું, અને એક પળ પણ વિચાર કર્યા વિના જતિના જે જે સૈનિકો પકડાયા હતા, તેમને અચૂક બાણે વીંધી નાખ્યા.

પાસે કોઈ ગામમાંથી માછી લાવો, અને અત્યારે નદીમાં જાળ મુકાવો. ત્રણે શબો હાથ લાગવાં જોઈએ.’

'મહરાજ ! આ પેલું શું છે ? જુઓ તો ! કોઈ પાણી ઉપર ડૂબકાં ખાય છે.' વલ્લભ ફર્યો. પાણીમાં કોઈ ડૂબકાં ખાતું હતું. તરત તે અને બીજા એકબે જણા પાણીમાં પડચા અને ડૂબકાં ખાતા આનંદસૂરિને બહાર ઘસડી લાવ્યા. જ્યારે તે મંડલેશ્વરના હાથમાં પકડાયો, અને મોત પાસે આવ્યું એમ જાણ્યું, ત્યારે તેણે શ્વાસોચ્છ્વાસ બંધ કરી પ્રાણાયામ આરંભ્યો; અને જેવી મંડલેશ્વરે ડૂબકી મારી અને તેના હાથ શિથિલ થઈ ગયા, એટલે તેમાંથી તે સરી જવા પામ્યો. પ્રાણાયામ પૂરો થયો એટલે પોતે છૂટો છે, તેનું ભાન તેને આવ્યું, અને હાથ મારી તે પાણીની ઉપર આવ્યો.

જ્યારે તેને બહાર કહાડ્યો, ત્યારે તે થાકીને લોથ થઈ ગયો હતો; છતાં તેણે નદી સામે જોયું, અને કહ્યું : 'જિનપ્રભુનો વેરી ગયો ! ચાલો, ગુરુદેવનું વચન પૂર્ણ થયું.' એક હાથને ઝપાટે વલ્લભે જતિને ભોંય પર નાંખ્યો, જવાબમાં જતિ મૂઢ જેવો હસ્યો. પોતાનો ક્રોધ શમાવી, તેને સાથે લઈ લેવાનો હુકમ વલ્લભે કર્યો, અને તેના માણસો સાથે પાછો જવા નીકળ્યો. થોડા માણસો માછી પાસે નદીમાં જાળ મુકાવી શબોનો પત્તો મેળવવા રહ્યા.

-------------