Patanni Prabhuta - 40 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 40

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 40

૪૦. પાટણની માતા

જ્યારે જ્વદેવકુમાર બહાર ફરીને આવ્યો ત્યારે તેણે મીનળદેવીને પથારીમાં સૂતેલી જોઈ.

'આ ! શું થયું ? બપોરે તો કશું ન હતું કે !'

તેનો અવાજ સાંભળી રાણી ધ્રૂજી. 'જયદેવ ! મારું માથું ઘણું દુ:ખે છે અને જીવ ફરે છે. કેમ, તે ફરી આવ્યો?'

'હા, આજે ઘણી મજા પડી. પેલો સમર ક્યાં ગયો? એ ડોસો હવે બિલકુલ નકામો થઈ ગયો છે.'

'હોય બાપુ ! જૂનાં માણસો પર ગુસ્સે નહિ થઈએ“

'સમર ! સમર ! તું ક્યાં ગયો ?'

'આવ્યો, મારા મહારાજ !' કહી ચોપદાર આવ્યો. તેના મોઢા પર અપરિચિત લાગતો હર્ષ દેખાતો હતો.

'લે મારો મુગટ ને આ તરવાર. ક્યાં હતો અત્યાર સુધી ?'

'મુંજાલ મહેતાએ બોલાવ્યો હતો. લાવો' કહી તેણે બધું હાથમાં લીધું; અને જયદેવ બહાર નહાવા માટે ગયો, એટલે તે રાણી તરફ ફર્યો. 'બા ! હવે ચિંતાની જરૂર નથી. મુંજાલ મહેતાએ સંદેશો કહાવ્યો છે.'

નિરાશાએ મંદ પડેલે અવાજે રાણીએ પૂછ્યું: 'શો ?” તેણે કહાવ્યું છે કે, 'જે કાંઈ કરી તે કાલે નહિ કરતાં, પણ પરમ દિવસે કરજો. કાલ મુંજાલ મહેતો પાટણ જાય છે.' શું કહે છે ?” પથારીમાં બેઠાં થઈ જતાં રાણીએ કહ્યું. તેના ખેદથી વ્યાકુળ થઈ રહેલા મુખ પરની અશાંતિ જરા ઓછી થઈ.

'હા, કાલે સવારે જવાના છે; હવે કાંઈ ફિકર નથી.' મુંજાલની શક્તિને દૈવી માનનાર શ્રદ્વાવાન ચોપદાર બોલ્યો. તેના અસંસ્કારી અવાજમાં પણ વિજયનો ટંકાર લાગતો હતો.

રાણીનું હૈયું જરા હરખાયું; તેના મગજમાં કાંઈક આશાના અંકુરો ફૂટ્યા તેણે અશાંતિ દૂર કરવા લમણા પર હાથ મૂક્યા; છતાં તેને જરાયે ઉત્સાહ આવ્યો નહિ, કારણ કે તેનું મન મરી ગયા જેવું થયું હતું.

'બા! સોમનાથ મહાદેવની સદાયે મહેર છે. રાણીએ જવાબમાં પ્રભુનું સ્મરણ કરી ઊંચું જોયું; પણ જાણે એ સ્તુતિનો જવાબ મળ્યો હોય, તેમ દૂરથી કાંઈક કોલાહલ સંભળાયો.

તે વખતમાં ઉતારા હંમેશાં કોઈ દેવસ્થાનની પાસે રહેતા. રાણીનો ઉતારો મહાદેવના મંદિરની પાસે હતો, અને મંદિરને લગતી ઓરડીઓની આસપાસ ફરતો કોટ હતો. આ કોટની ચારે પાસ તંબૂ અને ડેરા નાંખી વિજયપાળનું સૈન્ય પડ્યું હતું; ત્યાં આગળથી આ કોલાહલ જાગ્યો હોય એમ લાગતું હતું.

'સમર ! જો, શું છે ? આટલું કકલાણ શાનું?'

'હું બહાર જઈ જોઉં !' સમર ઝડપથી ઓરડાની બહાર ગયો અને થોડી વારે પાછો આવ્યોઃ બા ! કાંઈ આઘે મશાલો દેખાય છે. એ શું છે તે, ઊભાં રો, હું કોટ બહાર જઈ તપાસ કરી આવું.'

રાણીને પાછો ગભરાટ થયો. મુંજાલ જશે, એ સાંભળી તેના હૃદયમાં કાંઈક આશા આવી; અને તેમાં આ જો વલ્લભનું લશ્કર નીકળે તો એ આશા નિષ્ફળ નીવડે એમ લાગ્યું. કોલાહલ પાસે આવ્યો તેમાં યુદ્ધની ભયંકર બૂમો સંભળાતી નહોતી, પણ હર્ષના પોકારો સ્પષ્ટ થતા હતા. એ શું હશે, તેના વિચારમાં રાણી પડી. થોડી વારે ઉતારાની પાસે કોલાહલ આવ્યો; ઘોડાના પડઘા, રણશિંગાના અવાજ, લોકોનો જયજયકાર આ બધું કોને માટે ?

એટલામાં બહારથી વિશ્વપાલ અને મોરારપાળ આવ્યા. રાણીએ તરત તેમને પોતાની ઓરડીમાં બોલાવ્યા

'મોરાર ! આ બધું શું છે ? આ કોણ આવે છે ?'

'બા ! એ તો આનંદસૂરિ લશ્કર લઈને આવે છે.'

'શું કહે છે ? ગભરાટમાં રાણીએ પૂછ્યું. દુર્દૈવનો છેલ્લો ફટકો પડ્યો હોય તેમ તેને લાગ્યું.

'પણ તેને તો વલ્લભે કેદ કર્યો હતો.'

'કોણ જાણે –'

એટલામાં કોટની અંદર આવતા લોકોના અવાજ સંભળાયા બેચાર જણ ઝપાટાબંધ ઓસરી ઉપર ચડવા અને આનંદસૂરિ અને વિજયપાળ સાથે જયદેવકુમારને લઈ અંદર આવ્યા.

'બા! જયદેવ મહારાજની જય ! મહાવીર પ્રભુજીની જય !' આનંદસૂરિનો પરિચિત અવાજ સંભળાવો. આટલા ઘોડા દિવસમાં તેના મોઢા પર ઘણો વિચિત્ર ફેર પડ્યો હતો. તેની આંખોમાં, કપાળ પર, આખા શરીરના હાવભાવમાં માત્ર એકાગ્રતા જ દેખાતી હતી. તેની આંખોમાં કાંઈક અપાર્થિવ તેજ હોય, કાંઈ ગાંડપણ હોય એવો ભાસ થતો હતો. તેને ઉત્સાહથી ઊછળતો જોઈ રાત્રીને ન સમજ પડે એવી ખિન્નતા આવી.

'આનંદસૂરિજી ! તમે ક્યાંથી ?'

'હું ? બા ! મને વલ્લભે પકડ્યો હતો, પણ આખરે હું ફાવ્યો, અને ઊલટો તેનું થોડું લશ્કર લેતો આવ્યો છું. હવે આપણો જય છે. વિજયપાળ મને કહેતા હતા કે તમે નિરાશ થઈ ગયાં છો. હવે હરકત નથી. કાલે સવારે પાટણને હાથ બતાવીએ છીએ.' જતિએ ઉતાવળથી મોટે ઘાંટે કહ્યું.

'શો જવાબ દેવો, તે રાણીને સૂઝ્યું નહિ ઓરડાની બહાર ઘણાં માણસો અંદર શું ચાલે છે, તે જોવા તલપી રહ્યાં હતાં.

'બા !' વિજયપાળે કહ્યું; ‘આપની રજા હોય તો બારણાં બંધ કરાવું ? આપણે શી વાતો કરીએ છીએ, તે બહાર જવી નહિ જોઈએ.'

'બરોબર છે.' મોરારપાળે ટેકો આપ્યો. રાણીએ ડોકી વતી હા કહી, એટલે સમરે બારણાં દીધાં.

'બોલો, હવે શું કહો છો ?' જરા ગૌરવ ધારણ કરતાં રાણીએ કહ્યું.

'શું? હવે કહેવાનું કાંઈ છે જ નહિ. કરવાનું રહ્યું છે,' જતિએ કહ્યું. જયદેવકુમાર કાલે સવારે ગુજરાતની ગાદીએ બેસશે. હું ગઈ કાલનો નાઠો છું અને પાટણની પણ તપાસ કરતો આવ્યો છે. ફક્ત ત્રણ દિવસમાં પાટણ પડે એમ છે; હવે ગભરાવાનું કોઈ કારણ નથી. પાછળ પડેલો વલ્લભ પણ બે દિવસમાં નાસીપાસ થઈ પાછો હઠશે.'

બધાએ રાણીની સામે જોયું. પણ તે શાંત અને ગ્લાનભરી આંખે જોયા કરતી હતી. આટલી આશાએ પણ તેને ઉત્સાહ આવ્યો ન હતો. મુંજાલ જોડે વાતમાં ઊકળી રહ્યા પછી તેનું હૃદય દબાઈ ગયું હતું.

'બા !' જયદેવે વચ્ચે કહ્યું, 'શો વિચાર કરો છો ? આપણે હવે પાટણ લઈશું.'

'ના, બેટા !' રાણીએ ગંભીર અવાજે અને શાંત મુખે કહ્યું, મારે એવું નથી કરવું. ભલે પાટણને જોઈએ તે કરે. તે કછોરું છો નીવડે; મારે માવીતર મટવું નથી.

બધા સ્તબ્ધ થઈ જોઈ રહ્યા ! 'પણ મીનળબા !' વિજયપાળે કહ્યું; ‘ત્યારે બીજો રસ્તો શું? કાલે તો આપણે વિચારમાં પડ્યાં હતાં.

વિજયપાલ, કાલે તો આપણે વિચાર કરતાં હતાં; આજે મેં નિશ્ચય કર્યો છે, મારે કાંઈ કરવું નથી. કાલે સવારે મુંજાલ મહેતા પાટણ જાય છે.' રાણીએ સ્પષ્ટતાથી કહ્યું.

જ્યારથી તેના હૃદયે વર્ષોની બેડીઓ તોડી પોતાના અસલ સ્વભાવને તેને રસ્તે જવા દીધો હતો, ત્યારથી તેનામાં બનાવટી રુઆબ જઈ નિર્દોષ ગૌરવ દેખાવા માંડવું હતું; અને સાદાઈથી, સરળતાથી બોલવાની રીત આવી હતી.

આ ફેરફાર જોઈ જતિને વિસ્મય લાગ્યું, અને તેમાં મુંજાલનું નામ સાંભળી તે વધારે કચવાયો. મુંજાલ ?' તેણે પૂછ્યું.

'કોણ, બા ! આપણો મુંજાલ " જયદેવ બોલી ઊઠ્યો.

'હા, મુંજાલ મંત્રી,' રાણીએ સુધારીને ધીમે ધીમે કહ્યું, પાટણ જાય છે. તે પાટણના આગેવાનોને મળશે, અને જો તે છતાં કાંઈ ન થાય અને માત્ર મારે જ લીધે પટ્ટણીઓ જીદે ચડ્યા હશે, તો હું પરમ દિવસે મારા સ્વામીનાથની સાથે સ્વર્ગે સંચરીશ. હું સતી નહોતી થવાની મારા છોકરાને માટે અને મારા દેશને માટે; અને જો મારા વગર તે સુખી થાય તો શા સારુ મારા પ્રભુનો વિયોગ મારે નકામો વેઠવો ? મારે લીધે મારા દેશને ડુબાવવો ?

ત્યાં ઊભેલા બધા જાણે સ્વપ્નમાં રાણીને સાંભળતા હોય એવા સંશયમાં પડ્યાં. તેમાં જેટલા પટ્ટણીઓ હતા તેટલાઓએ રાણીને આવા બોલો બોલતાં સાંભળી સહર્ષ ગૌરવમાં માથું ઊંચાં કર્યાં. નિમકહલાલીથી તેઓ રાણી સાથે રહ્યા, છતાં પાટણ તેઓને પ્રિય હતું. પણ જતિના મુખ પર ભયંકર ફેરફાર થયો; તેની લાલ આંખોમાં ખૂનીની આંખમાં જ ચમકતું તેજ આવીને ઊભું રહ્યું. તે દાંત પીસી બોલી ઉઠ્યો. ‘શું કહો છો ? હવે હાથવેંતમાં વિજય આવ્યો ત્યારે આમ બોલો છો ? આખા ભુવનની તમે આશા છો; તમારા મહત્તા પર શ્રદ્ધા રાખીને બધા બેઠા છે. અહંતોની મહેરથી તમારા હાથમાં સત્તા છે, શાણપણ છે, વિજય મેળવવાની શક્તિ છે, અને આવું બોલો છો ?' ગુસ્સાના આવેશમાં તેણે પૂછ્યું.

આજુબાજુ ઊભેલા યોદ્ધાઓ વચ્ચે બોલવા જતા હતા, પણ રાણીએ કહ્યું : ‘સત્તા, શાણપણ કે વિજય એ બધાં કરતાં મારી પ્રજા મને વધારે વહાલી છે, જતિજી ! ગુજરાતની રાણી સાથે વાત કરતાં શી અદબ રાખવી જોઈએ ભૂલી જાઓ છો ?'

જતિએ હોઠ કરડ્યા. ‘ના, બા ! હું ભૂલતો નથી; પણ આપણી જે રાજ્યનીતિ માટે હું આટલો મરી મથ્યો, તે પરિપક્વ થવા આવી છે ત્યારે તમે આવું બોલો છો ? આવી પળ ઇતિહાસક્રમમાં એક જ વખત આવે છે અને તે પણ આપણે ચૂકી જવી ?'

'આનંદસૂરિજી ! મારો નિશ્વય દૃઢ છે, તે ફરવાનો નથી. જો મુંજાલનું કાલે ચાલશે તો હું પાટણ જઈશ.'

‘તમને ખબર છે, કે ત્રિભુવનપાળ મક્કમ થઈ બેઠો છે ? પાંચ મુંજાલ આવે તોયે ડગવાનો નથી ? ત્યારે શું કરશો ?"

ત્યારે હું સતી થઈશ. મારા દીકરાનું રાજ્ય જાય, તેના કરતાં મારો જીવ વધારે નથી.' સખ્તાઈથી રાણીએ કહ્યું.

'બા ! એવું શું બોલો છો ? જયદેવે કહ્યું, દીકરા ! ક્ષત્રિયવટની ટેક જાળવતાં ગુજરાતની રાણીએ જરા પણ વિચાર કરવો નહિ જોઈએ,' મીનળે કહ્યું.

'પણ ધર્મની ધ્વજા આગળ ટેકનો હિસાબ શો ? જતિએ કહ્યું, એકલી ટેકે કોઈ દિવસ રાજ્ય રચ્યું છે ? ક્ષત્રિયની ટેકોએ તો આખા ગુજરાતને, આખા ભરતખંડને છિન્નભિન્ન કરી મૂક્યું છે; અને જો વેળાસર એક ધર્મની સત્તા પ્રબળ નહિ થશે તો એકધર્મી યવનો કાલે સવારે તમને દાસના પણ દાસ બનાવી મૂકશે. હજુ વિચાર કરો; આવી તક નહિ ગુમાવો. સૃષ્ટિ પર ચક્રવર્તી થવું હોય તો આ જ રસ્તો છે; અને તે શા માટે છોડો છો ?'

‘આનંદસૂરિજી !” મીનળે બેદરકારીથી કહ્યું : 'તમારા સંપ્રદાયમાં મને હવે શ્રદ્ધા નથી. ચક્રવર્તીપણું મળે તો તે પ્રજાના ઉત્સાહથી, તેમની મહત્ત્વાકાંક્ષા સજીવન કરવાથી.'

'એ મહત્ત્વાકાંક્ષા અત્યારે જૈન મત જ લાવે એમ છે. 'આખી પ્રજા તે સ્વીકારવા તૈયાર નથી; એટલે મારે પણ તે નહિ જોઈએ.'

'નહિ સ્વીકારવા તૈયાર હોય તો તેમને તૈયાર બનાવવા, એ રાજાઓનું કામ છે.' કહી જતિએ પોતાની કેડે બાંધેલી તરવાર પર હાથ ઠોક્યો.

‘अहिसा परमो धर्म:’ રાણીએ જવાબ આપ્યો. જતિ મૂંગો થઈ ગયો; જતિજી ! જે હોય તે, પણ મારો નિશ્ચય નિશ્વલ છે. જીવીશ તો પાટણની મરજીથી, મરીશ તો પાટણનું ગૌરવ વધારવા.'

'પાછળથી નકામાં પસ્તાશો.' જતિએ તોછડાઈથી કહ્યું.

જયદેવકુમાર ગુસ્સામાં બોલવા જતો હતો, તેને રાણીએ રોક્યો. 'આનંદસૂરિ !' રાણીએ કહ્યું; ‘તમે ધર્માત્મા છો, નહિ તો આવા શબ્દો માટે તમારી જીભ ખેંચી કઢાવત. જાઓ.' બારણા તરફ આંગળી કરી તેણે કહ્યું; પછીથી ઉમેર્યું : વિજયપાળજી ! તમે મારો નિશ્ચય સાંભળ્યો છે. તમે ચંદ્રાવતીના સેનાધિપતિ છો. હવે તમારા શહેરનું હિત શામાં સમાયેલું છે, તે તમે જાણો.’

'ધર્મના વિજયની વચમાં સ્વાર્થી હૃદયની પ્રેરણાઓ આવ્યાથી જ આ દુનિયાનો અધઃપાત થયો છે,' તિરસ્કારમાં આનંદસૂરિ બોલ્યો.

'જતિજી !' મો૨ા૨પાળ વચ્ચે આવી બોલ્યો : 'તમે જતિ છો, તેની મને બહુ પરવા નથી; પણ બાના સાંભળતાં ફરી કાંઈ એવું બોલશો તો તમારું માથું ક્યાંનું ક્યાં જઈ પડશે. વિજ્યપાળજી ! હવે આપણે ચાલો. બાની તબિયત સારી નથી.

બધા મૂંગે મોઢે બહાર નીકળ્યા. મોરારપાળ છેલ્લો રહ્યો અને રાણી તરફ ફરીને બોલ્યો : 'બા ! આખરે તમે પાટણનું નાક રાખ્યું છે. એક વખત આપનો હુકમ માનવા મેં ના પાડી હતી. હવે મારી જાન જોઈતો હોય, તોપણ હાજર છે.’

'મોરારપાળ ! હું તમારા બધાની રાણી હતી ત્યારે મેં કેવી તક ગુમાવી, તેનું મને આજે ભાન થાય છે, તેં વિશ્વાસુ છે. જો મને કાંઈ થાય તો જયદેવને સંભાળનારો તું એકલો છે; યાદ રાખજે.’

'બા ! મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું જયદેવકુમારને ઊની આંચ નહિ આવવા દઉં. હવે આપ થાક્યાંહાર્યાં બેસો,' કહીને મોરાર ગયો.

જયદેવ કુમાર એકલો રહ્યો. તેના સ્વાર્થી હૃદયમાં મીનળ માટે પ્રેમ હતો, તેના જ વચન માટે માન હતું, તેની જ બુદ્ધિ પર વિશ્વાસ હતો :તેની એવી પ્રતિજ્ઞા જોઈ તે વિસ્મય પામ્યો. શું કરવું તે તેને સૂઝયું નહિ, માત્ર મીનળદેવી સતી શા માટે થાય છે, તે તેણે પૂછવા યત્ન કર્યો; પણ મીનળે કાલે કહેવાનું વચન આપી તેને શાંત રાખ્યો. રાણીનું મન કાંઈ કાંઈ વિચારોમાં વિહરતું હતું.