Patanni Prabhuta - 44 books and stories free download online pdf in Gujarati

પાટણની પ્રભુતા - ભાગ 44

૪૪. વિજયી પ્રસન્ન

તે દિવસે બપોરે શું થયું જરા જોઈએ.

ત્રિભુવને સંદેશો મોકલવાથી વલ્લભસેન ઉતાવળી પાટણ આવી પહોંચ્યો. ત્રિભુવને તેને બધી વાત કહી, પણ વલ્લભને ગળે ઊતરી નહિ. છતાં દેવપ્રસાદના છોકરાનું વચન સાચવવા અને તેનું હિત જાળવવા તે તૈયાર હતો, અને તેણે પાટણમાં રહેવાનું કબૂલ કર્યું. તે દેવપ્રસાદને મહેલે જઈને રહ્યો.

જ્યારથી આગેવાનોએ રાણીને પાછી આવવા દેવાનો વિચાર દર્શાવ્યો હતો, ત્યારથી ત્રિભુવનનું ચિત્ત ચકડોળે ચઢ્યું હોય એમ લાગતું હતું. સવારે બધાને મળવામાં અને રાજ્યની દરેક જાતની ગોઠવણ કરવામાં તે રોકાયો હતો, એટલે પ્રસન્ન તેને મળી શકી નહિ; પછી તે વલ્લભ જોડે વાતમાં રોકાયો, ત્યારે પણ કાંઈ વખત મળ્યો. નહિ. બપોર પછી તે મળી.

‘ત્રિભુવન ! હવે શું કરવું છે?'

‘શાનું શું ?'

'આપણું ? કાલથી આપણે મળવાનું પણ અઘરું થશે.' જવાબમાં વિચિત્ર રીતે ત્રિભુવને પ્રસન્ન સામે જોયું; મીનળકાકીને હજી આવવા તો દે.'

''આવ્યા વગર કાંઈ રહેવાનાં હતાં ? ત્રિભુવન ! એમ વાત શા માટે ઉડાવે છે ?'

‘ના, ના, પછી વાત કરીશું,' કહી, જાણે સ્નેહ અજાણતાં બહાર નીકળી પડતો હોય તેમ, તેણે એકદમ તેના ખભા પર હાથ મૂક્યો. પ્રસન્ન તેનો હાથ પકડ્યો, જરા દાબ્યો અને છોડી દીધો. ત્રિભુવનની આંખમાં પ્રેમજ્યોત દીપી રહી; એક પળમાં પાછી હોલવાઈ ગઈ.

‘હમણાં ફોઈબા આવશે; તેને મળવા નથી જવું ? મારે શા માટે મળવા જવું પડે ? મારું કામ પતી ગયું. ઠીક, પછી વાત કરીશું.' વાત પૂરી કરવા માંગતો હોય એમ ત્રિભુવને કહ્યું.

‘તું ક્યાં જાય છે?' પ્રસન્ને પૂછ્યું.

'મારે ત્યાં. વલ્લભ પણ ત્યાં ગયો છે. ઠીક ત્યારે જાઉં છું.' કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. તે ગયો અને પ્રસન્નને કાંઈક ફાળ પડી. તેની વાતમાં, પોતાના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેના દેખાતા જુદી જ જાતના સ્નેહમાં તેને કાંઈ અપરિચિત મર્મ દેખાયો. તેને કાલની વાત યાદ આવી : ત્રિભુવને મુંજાલનું પૂરેપૂરું માન્યું નહોતું. શું તે પાટણ છોડી, ક્યાંક જતા રહેવાનો ઇરાદો રાખતો હતો ? તે તરત બારીએ દોડી, અને નોકરને બોલાવ્યો.

'બળદેવ ! બળદેવ ! જો તો મંડલેશ્વર મહારાજ ગયા ? કહે કે ઊભા રહે; હું આ આવી.' કહી ત્યાંથી તે દોડતી દોડતી હેઠળ ઊતરી અને અંદરના ચોગાનમાં ગઈ, અને બૂમ પાડી; ‘બળદેવ ! મહારાજ ક્યાં છે ?

મહારાજ પેલી બાજુએ ઊભા રહ્યા છે.'

પ્રસન્ન વહેલી વહેલી ત્યાં દોડી. તેને જોઈ ત્રિભુવને જરા ગુસ્સે થઈ પૂછ્યું : 'કેમ, શું કામ પડ્યું ?'

પ્રસન્ન દોડતી દોડતી તેના ઘોડાને વળગી ઊભી રહી. ત્રિભુવન ! મારે પણ તમારે ત્યાં આવવું છે.'

'હમણાં નહિ બને. મને હમણાં જવા દે; મારે કામ છે.'

'મને લઈ જા. એવું શું કામ છે ? ત્રિભુવન ! મારાથી તું કાંઈ પણ છુપાવે છે.’ ત્રિભુવને ઘોડા પર બેઠા બેઠા નીચે પ્રસન્ન સામે જોયું, તેનું સૌંદર્ય, તેના તરફ વિનંતી કરી રહેલી આંખો, તેની વફાદારી જોઈ તે પીગળ્યો : પ્રસન્ન ! હું મારું વચન પાળવાનો છું. મીનળદેવી પાટણમાં આવે તે પહેલાં હું અહીંયાંથી ચાલ્યો જવાનો છું.'

‘ક્યાં જશો ?'

'ગમે ત્યાં. હું દેહસ્થલી જાઉં તો તોફાન થાય. ભલે પાટણની સત્તા વધે; હું મારી ટેક રાખીશ અને પોતે જ દેશવટો લઈ.’

‘ત્યારે મને પણ લઈ જાઓ. હું અહીંયાં શું કરીશ ?' બોલતાં બોલતાં પ્રસન્નની આંખમાં આંસુ આવ્યાં. પ્રસન્નને પાટણ છોડવું ગમતું નહોતું છતાં તે તાબે થઈ.

ત્રિભુવન એક્કે શબ્દ બોલ્યો નહિ. પણ લગામ ઝાલી રહેલા પ્રસન્નના હાથને દાબ્યો. એક પળ વિચાર કરી તેણે કહ્યું, પ્રસન્ન ! વેઠવું ઘણું પડશે, હો !'

‘હરકત નહિ,’ પ્રસન્ને જવાબ વાળ્યો. ત્રિભુવને જરા હાથ લંબાવ્યો, એટલે પ્રસન્ન તરત ઘોડા પર ચડી તેની પાછળ બેઠી. ત્રિભુવને ઘોડો દોડાવી મૂક્યો.

*

આટલા દિવસના અનુભવે રાજગઢમાં માણસો ત્રિભુવનને અને પ્રસન્નને માલિક માનવા લાગ્યાં હતાં; એટલે તે બે જે કાંઈ કરે તે મૂંગે મોઢે માનભેર જોઈ રહેતાં, પણ દૂર એક બારણામાંથી વાચસ્પતિએ બેને જતાં જોયાં; અને આવે વખતે આમ ઉતાવળમાં ત્રિભુવન અને પ્રસન્ન ચાલ્યાં જાય, એ તેને વિચિત્ર લાગ્યું. પોતે તો સ્નાનવિધિ કરી સાયંસંધ્યાની તૈયારી કરતા હતા, એટલે શું કરવું તે સૂઝ્યું નહિ; પણ માણસ મોકલી ઉદાને તેડાવ્યો, અને તેને વાત કહી. ઉદા મહેતા તૈયાર થઈ મોંઢેરી દરવાજે રાણીને તેડવા જવાની તૈયારી કરતા હતા. તેમાં આ વાત સાંભળી તેની આંખો ઊંડી ગઈ.

'પંડિતજી ! વાત બગડી. ત્રિભુવનપાળ પસાર થવાના.'

'હેં ? પણ હવે શું કરવું ? એને જવા કેમ દેવાય ?' પંડિતજીએ કહ્યું.

'મહારાજ ! ત્રિભુવનપાળ માનશે નહિ; એના બાપનો દીકરો છે.'

‘અરે, પણ કાંઈ કરો તો ખરા. મુંજાલ મહેતાને તો કહો,' પંડિતજીએ કહ્યું,

'હા, હા, એ ઠીક છે,' કહી ઉદો ઊઠ્યો, તે હંમેશાં એક પ્રસંગનો બેવડો ઉપયોગ કરતો. હજુ સુધી મુંજાલ સાથે તેનો પરિચય થોડો હતો અને તેના રુઆબમાં તે દબાતો હતો. ઉંદો દરેક પ્રસંગ તેના લાભ માટે જ છે એમ માનતો; એટલે આ પ્રસંગમાંથી પણ તેને લાભ જણાયો. તે પહેલાં ખેંગાર પાસે ગયો. મહારાજ ! મારે જરૂરનું કામ છે. હું પળમાં દરવાજા પર આવું છું,' કહી તે ત્યાંથી ચાલ્યો અને હાંફળોફાંફળો નગરશેઠની પોળમાં મુંજાલને ખબર કરવા આવ્યો.

*

પેલી તરફ મૂંગે મોઢે ત્રિભુવન અને પ્રસન્ન પોતાને મહેલે પહોંચ્યાં. પ્રસન્ન ! બોલ, તું હમણાં મારી સાથે આવશે કે હું પાછો આવી તને લઈ જાઉં? જલદી કર. જો, સાંજ તો હમણાં પડશે.'

'ના, ના. હું પણ આવું તો તમારી સાથે જ. પણ ક્યાં જવાનો વિચાર રાખ્યો છે ?

‘અહીંયાંથી પહેલાં તો પ્રભાસ જઈશું, તને મરદનો વેશ ફાવશે ? રસ્તે વધારે સારો પડશે.'

‘હા, હા,' આવા તોફાનના પ્રસંગો પ્રસન્નને ઘણા જ રુચતા; ‘તમે ઘોડો તૈયાર કરાવો. મને કપડાં ક્યાં છે તે બતાવો. હું પહેરવા માંડું.'

ત્રિભુવને પ્રસન્નને કપડાં આપ્યાં, અને બીજો ઘોડો તૈયાર કરવાનો હુકમ આપવા તે ગયો.

પ્રસન્નના મનને આનંદ લાગતો હતો, છતાં તેમાં જરા ચણચણાટ પણ થતો હતો, પણ પ્રસન્ને બધા વિચાર છોડી કપડાં બદલવા માંડ્યાં. મરદનાં કપડાં પહેરતાં તેને ઘણો આનંદ થયો. તેનાં રમણીય, છટાદાર ગાત્રોને સુરવાળ અને બંડી જેવાં અપરિચિત વસ્ત્રોથી ઢાંકતાં તેને કોઈ કાંઈ વિચારો આવ્યા. આખરે તે પહેરી રહી અને આરસી સામે જઈને ઊભી રહી; પળ વાર પોતાનું મોઢું જોઈ તે ગાંડી થઈ ગઈ. ત્રિભુવનની જોડે જવાની આશાએ તેનું મન પ્રફુલ્લિત કર્યું હતું. તેણે નીચા નમી આરસીમાં જોયા કર્યું; મરદને શોભે એમ બંડીને કસ બાંધવા પ્રયત્ન કર્યો. તેણે પોતાના નિમાળા ઊંચા કર્યા; અને ફેંટો બાંધવાનો વિચાર કર્યો. વાહ રે મારા પ્રસન્નપાળ !' પોતાની જાતને સંબોધતાં તે બોલી. તેને એક ઉમળકો આવ્યો; નીચી નમી સામે આરસીમાં દેખાતા પ્રસન્નપાળ'ના મુખને મુખ અડકાડ્યું અને ચુંબન કર્યું.

પાછળથી કોઈએ બારણું ઉઘાડ્યું. પ્રસન્ને જાણ્યું કે ત્રિભુવન પાછો આવ્યો હશે. કેમ બધું કરી આવ્યા ? પણ એ શબ્દો પૂરેપૂરા ઉચ્ચારાય તે પહેલાં આરસીમાં કોઈ બીજાનું મોઢું જોયું અને તે હબકી જઈ ફરી.

બારણામાં મુંજાલ મહેતા ગૂંચવાઈને ઊભા હતા. ઉદાએ પોતાનું કામ સાધ્યું હતું. પ્રસન્ન તેને જોઈ શરમાઈ. તેના મોઢા પર શરમના શેરડા પડ્યા. અને તેણે નીચું જોયું; લૂગડું લેવું કે શું કરવું, તે સૂઝ નહિ પડી. ભરાતી, લજવાતી, ભૂમિ પાસે માર્ગ માગતી તે ઊભી રહી.

મુંજાલે તેને સ્વાસ્થ્ય મેળવવા દીધું; પછી પૂછ્યું :'પ્રસન્ન ! ત્રિભુવન ક્યાં છે ? પાટણ છોડવાની તૈયારી કરવા માંડી કે?'

'હા,' મોઢે શોષ પડ્યો હોવાથી ખોખરે અવાજે પ્રસન્ને કહ્યું.

'પ્રસન્ન !' ઘણા દયાજનક અવાજે મુંજાલે કહ્યું;

‘તું પણ ગાંડી થઈ ? ત્રિભુવન તો ટેકની ધૂનમાં આવી મૂર્ખાઈ કરે છે; તું પણ તેમાં સામેલ થાય છે ? તે ક્યાં છે ?

'ઘોડો લઈ આવવા ગયા છે.'

‘પ્રસન્ન ! હજુ વખત છે,’ ધીમે અવાજે, ઝપાટાબંધ મુંજાલે કહ્યું

'એ જઈને શું કરશે ? ફટાયો થઈ પરદેશ રહેશે ? પાટણમાં સત્તા છે, કીર્તિ છે, વિજ્ય છે;

'એ બધું છોડી, એક જીદ ખાતર તમારી જિંદગી પાણીને મૂલે વેચો છો?'

'મહેતાજી ! હું શું કરું ? હું તો તે કહે તે કરવા તૈયાર છું,' મહામુશ્કેલીએ શરમ છોડતાં પ્રસન્ને કહ્યું.

'તું શું કરે ? પ્રસન્ન ! તું જ કાંઈ કરે એમ છે; તારે મોઢે એ માનશે. કંઈ અજમાયશ તો કર. મને જોઈ ભડકી ઊઠશે.

'મારું ભાગ્યે જ માનશે.’

'પ્રસન્ન ! હું તને ઓળખું છું. એક પ્રયત્ન તો કર. આ અમરાવતીના દંડનાયક થવું. સોલંકીઓની ગાદીઓના સંરક્ષક થઈ રહેવું, તામ્રચૂડની વિજયવતી પતાકા અવંતીમાં ફરકાવવી. આ કાર્ય માટે તો દેવો ઉપરથી ઊતરી આવે. પ્રસન્ન ! તમે બન્ને દુનિયા ૫૨ અમર થવા સરજાયાં છો અને આમ બધું ખોઈ બેસશો ?પ્રસન્ન ! તારા જેવી પદ્મિની શું કરી ન શકે?”

મંત્રીના શબ્દોમાં જાદુ હતો. તેનો ધીમો પણ જુસ્સાદાર ઘાંટો, ચમકતી આંખો અને પાણીદાર ભાષાએ પ્રસન્નના જ હ્રદયના વિચારો સજીવન કર્યા. તે પહેલાંથી જ જવાની વિરુદ્ઘ હતી. 'મહેતાજી ! તમે અહીંયાં રહો. હું મારાથી બનતું કરીશ; પણ નહિ માને તો?'

'પ્રસન્ન ! અત્યારે બ્રહ્માંડ તૂટે, પણ ત્રિભુવન અહીંયાંથી જાય નહિ, મારું અને મારા બનેવીના કુળનું નિકંદન મારા છતાં થવા દેવાનો નથી. તારું નહિ માનશે તો હું આવીશ. જોરજુલમ કરીશ. તું ક્યાં નથી જાણતી કે મારું વચન ઉથામવું કેટલા શેરનું થાય ? હું આ પાસેના ઓરડામાં ઊભો છું. હું અહીંયાં રહું તો તું શરમાશે,' પ્રસન્ને નીચું જોયું. સમજાવ, સમજાવ. તારી જીભે સરસ્વતી વસશે. તારા જેવી ભાણેજવહુ પાટણ છોડે, તે કેમ ખમાય ?' મુંજાલ હસ્યો. તેના હાસ્યમાં જરા દિલગીરી હતી, છતાં માધુર્ય દુર્જય હતું. પ્રસન્ન તાબે થઈ. મુંજાલ બાજુના ઓરડામાં જઈ ઊભો.

પ્રસન્ન વિચારમાં પડી : ‘હવે શું કરવું ?' મુંજાલના શબ્દોથી તેનો જૂનો વિચાર ફરી ઊભો થયો : શા માટે પાટણ છોડી દેશવટો લેવો ?” થોડી વારે ત્રિભુવન આવ્યો. 'કેમ, તૈયાર થઈ ? ઘોડો આવ્યો છે.'

‘ત્રિભુવન !' શું કહેવું તે માટે ગભરાતાં પ્રસન્ને કહ્યું; ત્રિભુવન મારો પરમેશ્વર છે; મારી એક વાત માનશે ?'

'શી વાત ? અત્યારે હવે વાત કરવાનો વખત છે ? રાણી હમણાં ગામમાં પેસશે.'

'ત્રિભુવન ! છો પેસે; તું મારું સાંભળ. આપણે નાસી નહિ જઈએ તો નહિ ચાલે ? વહાલા ! અહીંયાં આપણે કશી મણા નથી; ત્યારે બહાર શું કામ જવું ? પ્રસન્નને મુંજાલની અડગતામાં એટલો વિશ્વાસ હતો, કે તેણે નક્કી ધાર્યું કે ત્રિભુવનને અહીંયાં તો રાખવાનો ! પણ તે પહેલાં માત્ર પોતાનાથી બનતું કરવા તે તત્પર થઈ હતી.

‘પ્રસન્ન !' એકદમ ડોળા ફાડી, પગ ઠોકી, રુદ્ર સ્વરૂપ ધારણ કરી ત્રિભુવન બોલ્યો : ‘આટલા સારુ તું મારી સાથે આવી ? મારા વચનનો ભંગ કરાવવો છે ? હું નિશ્ચળ છું; આવવું છે કે નહિ ? નહિ તો રહે અહીંયાં.’

'મારે અહીંયાં રહેવું છે ને તને રાખવો છે. આપણે આખો જીવનગાળો ગાળવો છે. મારે દંડનાયકની પત્ની બનવું છે. તું અહીં રહે, ઓ ત્રિભુવન !' કહી પ્રસન્ને ત્રિભુવનનો હાથ પકડ્યો.

'પ્રસન્ન ! તને થયું છે શું ? ચાલે છે કે નહિ ?' કહી તેણે પ્રસન્નને બારણા તરફ ઘસડવા માંડી. તેનું લોહી ઊકળી ગયું હતું; દરેક પળે મીનળદેવી શહે૨ના દરવાજા પાસે આવતી હતી, એટલું જ તેને ભાન રહ્યું. પ્રસન્ને પોતાના બે હાથે ત્રિભુવનનો હાથ પકડ્યો.

'ત્રિભુવન ! ક્યાં લઈ જાય છે ? રહે, મારા પ્રભુ ! તું કેમ આવો નિષ્ઠુર - આવો દૂર થાય છે ? તારા બાપદાદાની આબરૂ ખાતર, તારા પાટણની ખાતર, મારી ખાતર તો જરા વિચાર કર. તારા વગર અમે બધાં મરવાનાં – ઝૂરીને, રિબાઈને. તું ક્યાં છોડી જાય છે ?'

'એટલે તારે નથી આવવું ? ભયંકર રીતે હસતાં ત્રિભુવને કહ્યું; કમજાત ! છોડ મારો હાથ.'

‘ના, ના, ત્રિભુવન ! જરા સાંભળ.'

'છોડ,’ કહી ગુસ્સાના આવેશમાં ત્રિભુવને પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. પ્રસન્ન વધારે જોરથી વળગી. ત્રિભુવને હોઠ પર હોઠ પીસી ભગીરથ પ્રયત્ન કરી તેને તરછોડી. પ્રસન્ન છૂટી પડી અને મોટા અવાજ સાથે ભોંય પર પડી. ‘ઓ ત્રિભુવન !' કહી પ્રસન્ન બેભાન થઈને પડી.

ત્રિભુવન જરા પણ આઘુંપાછું જોયા વિના બેચાર ડગલાં આગળ વધ્યો. પાછળથી એક જાણીતો, સત્તાવાહી અવાજ આવ્યો : 'ત્રિભવન !' ત્રિભુવન એકકદમ ફર્યો, મુંજાલને જોયો અને તે ચકિત થયો. મહેતાની આંખોમાંથી અસહ્ય તેજનાં કિરણો નીકળતાં હતાં. જે છોકરીએ તને હજાર વાર બચાવ્યો, તેને સારો શિરપાવ આપ્યો,' કહી ગૌરવથી તેણે એક હાથ પ્રસન્ન તરફ કર્યો. પડતાં પડતાં એક ખાટલા સાથે પ્રસન્નનું માથું પછડાયું હતું; તે બેભાન થઈ પડી હતી અને તેના માથામાંથી લોહીની ધારા ભોંય પર વહેતી હતી.

ત્રિભુવને પ્રસન્ન સામે જોયું. તેને બેભાન લોહીલુહાણ જોઈ; જે હાથે તેને તરછોડી હતી તેના તરફ જોયું, નિશ્ચયમાં સખ્ત દાબેલા તેના હોઠો નરમ થયા, તેના મોઢા ૫૨ છવાઈ રહેલી ભયંકર સખ્તાઈમાં કુમાશ આવી. તે એક પળ સુધી અનિશ્ચિત ઊભો; આમ જવું કે તેમ જવું તે સૂઝ્યું નહિ.

મુંજાલ મૂંગો મૂંગો માત્ર નેત્રોથી જ ત્રિભુવનને ડારતો ઊભો રહ્યો. ત્રિભુવન પાછો ફર્યો, બારણાને જાણે પ્રણામ કરતો હોય તેમ એક નજર કરી અને પ્રસન્ન તરફ દોડ્યો, 'મારી પ્રસન્ન!' ત્રિભુવને તેનું લોહીભીનું માથું હાથમાં લીધું.

'તું એને જો. હું લીલા વૈદને તેડવા મોકલું છું. માથામાંથી લોહી વહેતું અટકાવ બંડી કાઢી નાંખ, નહિ તો ગૂંગળાઈ જશે,' કહી મુંજાલ મહેતા બહાર નીકળ્યા.

ઘણી વારે, વૈદના અનેક ઉપચારોથી, કાનનું લોહી અટક્યું અને તેને ભાન આવ્યું. ‘ત્રિભુવન '

'ઓ !' કહી ત્રિભુવન દોડ્યો.

'પાટણમાં--'

'હા, હા, પાટણમાં જ છું, નિરાંતે સૂઈ રહે. તુ ત્યાં હું.'