Patanni Prabhuta - 45 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 45

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 45

૪૫. ના જાઓ તજી અમને’

બેચાર ઘડી પછી જ્યારે મુંજાલ ત્યાંથી નીકળ્યો, ત્યારે તેના મનમાં નિરાંત વળી હતી, પાટણનું રાજતંત્ર જેમ તેમ ઠેકાણે આણવા તેણે બનતો પ્રયાસ કર્યો હતો. તે રાણીને પાછી લાવ્યો હતો; તેણે લોકોને સમજાવ્યા હતા; તેમનો દંડનાયક જતો હતો તેને પણ રોકી રાખ્યો હતો; પોતાના કુટુંબનું પણ શ્રેય સાધ્યું હતું. તેનું જીવવું તેને સાર્થક લાગ્યું; હવે દુનિયાની પંચાત ત્યાગવામાં કાંઈ હરકત જેવું જણાયું નહિ. તે પોતાને ઘેર ધીમે ધીમે ફરતો આવ્યો, પાટણની શેરીઓ છેલ્લી વખત નીરખી લેવાનો લહાવો તે લેતો હોય એમ લાગ્યું.

તેણે પોતાની જિંદગીનાં ગયેલાં વર્ષો તરફ નજર નાંખી. તેમાં નિરાશાના, દુઃખના પ્રસંગો ઘણા હતા; છતાં આખું જીવન ઘણે અંશે સફળ થયેલું લાગ્યું. તેને લીધે જ પાટણ આજે ટકી રહ્યું હતું. ભવિષ્યની પ્રજા જ્યારે પૂર્વજોને યાદ કરશે, ત્યારે તેનું જ નામ પહેલાં સંભારશે. સરળ અને સાદા જીવનની પુરાણી ભાવનાને વળગી રહેલા લોકો પોતાના ઘરમાં સૂઈ ગયા હતા; આખા ગામમાં શૂન્યતા લાગતી હતી. જાણે એ બધાં પોતાનાં બાળકો હોય, જાણે આખા ગામનો એ પિતા હોય, તેમ મનમાં ને મનમાં તેણે આશીર્વચન કહ્યાં.

તે ઘેર આવ્યો ત્યારે એક નોકર ઓટલે બેઠો હતો. મહારાજ ! કોઈ બાઈ આવી બેસી રહ્યાં છે.

મુંજાલ જરા હસ્યો. ઘણી વખત ગામનું કોઈ નિરાધાર, કોઈ દુઃખથી પીડિત સલાહ લેવા, પોતાની તકરારોની નીવેડો લાવવા કે મદદની આશાએ તેની પાસે આવતું; પણ હવે શું કામ? તેની પાસે સત્તા નહોતી દોલત હતી, તેમાંથી ઘણી તેણે ધર્માદા કરવા માંડી હતી.

'ક્યાં છે ?'

'ઉપર છે; સાથે એક માણસ છે.'

'ઠીક,' કહી મુંજાલ માળ ઉપર ગયો. દાદર આગળ ટૂંટિયું વાળીને એક માણસ બેઠો હતો. 'કોણ ભાઈ ?'

‘બાપુ ! એ તો હું.’

‘કોણ સમર ! તું અહીંયાં ક્યાંથી ? કોને લાવ્યો છે ?'

નીચા વળીને સમરે ધીમેથી જવાબ દીધોઃ 'બા આવ્યાં છે.'

'હેં ?' મુંજાલ જાણે સાપ ડસ્યો હોય તેમ પાછો ખસી ગયો.

સમરે ડોકું ધુણાવી 'હા' કહી. મુંજાલ ઉતાવળથી અંદર ગયો. મીનળદેવી ! આ શું ? મારે ત્યાં?'

‘કેમ, નહિ આવું ? શેઠાણી હતાં ત્યારે હું આવી હતી. કેટલાં વર્ષો થયાં ?' જુગના જુગ વહી ગયા.

'પણ કોઈ જાણશે તો કહેશે શું ?'

જેને જે કહેવું હોય તે ભલે કહે. ક્યાં કોઈનું મોઢું બંધ કર્યું છે ? માણસના જીવનમાં કોઈ એક પળ એવી પણ આવે છે, કે જ્યારે તેને કોઈના બાપની પરવા રહેતી નથી.'

'તે સાધારણ લોકોને પાલવે જેમ જેમ આપણે ઊંચી પંક્તિએ ચઢીએ તેમ પરવા વધારે રાખવી પડે. પણ અત્યારે અહીંયાં કેમ ?'

'તું આટલે વર્ષે રાજગઢ છોડીને અહીંયાં કેમ આવ્યો ?'

મુંજાલની ભ્રૂકુટિ ચઢી. તે સામે ગાદી પર બેઠો અને સખ્તાઈથી રાણી સામે જોઈ રહ્યો. મીનળદેવી ! આપણે ગયાં પુરાણ ઉકેલીશું, તેમાં શો ફાયદો ? હવે મારે ને રાજ્યખટપટને શો સંબંધ ? બધું પૂરું થયું. હવે હું આબુજી જવાનો, સંસારની વિટંબણામાં બહુ વાર વીંટાઈ રહ્યો.' બને તેટલી સભ્યતા વાપરી મુંજાલે કહ્યું,

રાણીને તેના સખત શબ્દોની દરકાર નહોતી. તેના આખા શરીરમાં હોળી પેદા થઈ હોય તેમ એને લાગતું હતું, એને માત્ર શબ્દો વડે માર્ગ આપતાં જ તે શાંત થાય એમ હતું. 'મુંજાલ ! એ બધું તું કોને સમજાવે છે ? હું તને ઓળખતી નથી ? સંસારની વિટંબણાથી પરવારવા માંગે છે ? તારામાં હજુ પાંચ સંસાર જીતવાનું શેર છે, તારામાં હજુ આખા ભરતખંડનું તંત્ર ચલાવવાની શક્તિ છે, તે હું શું નથી જાણતી?'

‘રાણી ! મારામાં આટલા દિવસમાં ઘણા ફેરાર થઈ ગયા છે. જ્યારે તમે મને કેદ કર્યો ત્યારે મારા ગુસ્સાનો પાર નહોતો, તમે મને બોલાગ્યો ત્યારે મારામાં નિરાશા હતી; પણ પાટણની હિંમત સાંભળી મારી નિરાશા ગઈ, પણ ઉત્સાહ આવ્યો નહિ. દેશને ખાતર, મારી જીવનભર સંઘરેલી આશાઓને ખાતર મેં સમાધાન કરાવ્યું, છતાં મન તટસ્થ રહ્યું. અત્યારે ચાલીશ વર્ષનો નથી છતાં ઘરડો દાદો હોઉં એમ લાગે છે...તમારા દંડનાયકને જતો અટકાવ્યો, પણ જીવનમાં રસ પડ્યો નહિ.

'કેમ, ત્રિભુવન ક્યાં જતો હતો ?'

'પોતાની ટેક જાળવવા પાટણ છોડી દેશવટો લેતો હતો. પછી રહ્યો – તેં રાખ્યો?'

‘ના, તમારી ભત્રીજીએ. બિચારીનું માથું ફૂટ્યું છે. હવે સારું છે. લીલો વૈદ ત્યાં છે... હું શું કહેતો હતો ? હા, આટલું કર્યું. પણ જીવ માનતો નથી. વિરાગ થઈ ગયો છે. હવે પાટણ ટેકાણે પડ્યું એટલે મને નિરાંત છે.'

'તેં તારો ઇતિહાસ કહ્યો; મારો સાંભળવો છે ? વિખરોટમાં દુઃખ પડ્યું ત્યાં સુધી હું પાપી હતી. સત્તાના શોખમાં હું વધારે અને વધારે પતિત થવા માંડી હતી. એક રાતે મને સ્વપ્ન આવ્યું અને હું બચી. મારો પુનરુદ્ધાર થયો

તે વાત ક્યાં લઈ જતી હતી, તેનો મુંજાલને ખ્યાલ આાયો. પણ શું કરે ? તે મૂંગો મૂંગો બેસી રહ્યો.

'કોણે પુનરવાર કર્યો તે ખબર છે ? જ્યારે હું પ્રસન્ન જેવડી મારા ચંદ્રપુરમાં હતી ત્યારે મારું મન જેણે હર્યું હતું, તેણે. ' રાણીની આંખોમાં ભયંકર વીજ ઝબકી. મુંજાલે નીચું જોયું. નીચું જોવાની જરૂર નથી. તે મોટો માણસ છે; વિરાગી થઈ ગયો છે. હું તો ક્ષુદ્ર છું, વાસનાની દાસી છું. અમને સ્ત્રીઓને વૈરાગ્ય વહેલો પ્રાપ્ત થતો નથી. તે રાત પછી હું હતી તેવી ને તેવી થઈ રહી.

'મીનળદેવી ! હવે આ ઉમરે આવે વખતે આવી વાતો ખોટી છેઃ હતું, થઈ ગયું, તે જવા દો.'

'હું પણ તે જ કહું છું. છેલ્લાં દસ વર્ષો હું જેવી થઈ રહી હતી. તે વર્ષો જવા દો. આપણે હતાં તેવાં રહીએ

મુંજાલે ડોકું ધુણાવ્યું.

ભલે ને એ કહે તે દિવસે વિરાટમાં જ્યારે તેં મને ફેંકી દોધી ત્યારે મને ખાતરી થઈ કે તું હતો તેવો જ છે: અભિમાનને લીધે જુદો થવા મથે છે,

'પણ તારું હૈયું તો તેવું જ છે.'

‘મીનળદેવી ! મીનળદેવી ! આવી આવી વાતો મને પસંદ નથી.'

‘નહિ કરું. એક વચન આપ.'

'શું ?'

'પાટણ છોડવાનો વિચાર જવા દે.'

‘તે કેમ બને ? મીનળદેવી ! હું હતો તેવો નથી રહ્યો. તમારું અપમાન વિસારવા હું પ્રયત્ન કરું છું; પણ તેણે મને ઘણો કારી ઘા કર્યો. મારી બહેન, મારી હંસાના મૃત્યુનો ફટકો પણ મને જેવો તેવો નથી. મારામાં હવે પહેલાંનું જોમ નથી રહ્યું. હું અહીંયાં રહું તોપણ શું કરું?'

‘શું કરું ? મીનળદેવીના રાજ્યમાં તું શું કરે? તું માલિક થઈને રહે.'

'ના, ના. હવે એમ નહિ રહેવાય. આખી દુનિયા દેખતાં કેદ થયો, હવે મારાથી એમ કેમ મનાય ? હું ઠપકો નથી દેતો, મહેણું નથી મારતો; પણ તે પ્રસંગ મારાથી ભુલાતો નથી..

'તે હું ભુલવવા જ આવી છું. તેને માટે પ્રાયશ્ચિત્ત કરવા આવી છું.'

'કેમ કરશો ?' જરા હસતાં મુંજાલે પૂછ્યું,

‘કેમ કરીશ ? તું કહેતો હોય તો તારે ચરણે પડીને, મુંજાલ ! કોણ જાણે કેમ, તે દિવસથી મારા લગ્નનો પ્રસંગ મને સાંભરે છે. તે દિવસે રાતે આપણે કરેલો નિશ્ચય યાદ આવે છે?'

'હા, અને એ નિશ્ચય તમે અત્યારે તોડવા મથો છો. આપણે ભાઈ-બહેનના નિર્મળ સ્નેહથી વર્તવાના સમ ખાધા હતા – કોઈ પણ જાતના સ્ખલનથી ગુજરાતના ગૌરવને દૂષિત નહિ કરવું, રાજ્યકારભારના પ્રસંગ વિના નહિ મળવું, તેની કર્કશ વાતચીત વિના બીજી વાતચીત પણ નહિ કરવી,' – એવી એવી પ્રતિજ્ઞા લીધી હતી. ચૌદ-પંદર વર્ષે આજે તમે પ્રતિજ્ઞા તોડી, રાજ્યકારભાર વિના મળવા આવ્યાં. તમે તો દેવી છો, પતિતપાવની છો; આ તમને ઘટે ?'

'મુંજાલ ! તું તારું વચન ક્યાં રાખી રહ્યો છે ? મને મૂકી આમ નાસી જાય તે મિત્ર ? તેં તારું વચન મૂક્યું તો મેં મારું. મારે રાણી નથી થવું. હું પાટણમાં રહું તો તારી સાથે, નહિ તો તું જાય ત્યાં.'

'મીનળદેવી !' દુઃખી અવાજે મુંજાલે કહ્યું; ‘તમે મને નાહક ગૂંચવો છો.'

'ના, હક્કથી, મીનળે કહ્યું. તે જરા હસી; તું મને પાટણ લઈ આવ્યો. એક વખત નહિ, પણ હવે તો બે વખત હું તને હવે પાટણ બહાર કેમ જવા દઉં ?' કહી મીનળ એકદમ ઊઠી અને મુંજાલની પાસે આવી

મુંજાલ પાછો હઠ્યો : 'નહિ, નહિ,'

મુંજાલ ! નકામી વાતો શા અર્થની ? હું લડું, તોપણ તારી જ જોડે; તેથી કાંઈ તારા વગર પળ વાર પણ ચાલે ? અને તું બધી વાતો કરે, પણ હું નહિ માનું મીનળને કેમ ભૂલે ?' કહી રાણીએ મુંજાલનો હાથ ઝાલ્યો. વિચારમાં ગૂંચવાડામાં મુંજાલે કપાળે હાથ મૂક્યો.

'મુંજાલ ! વિચાર નહિ કર. માન્યા વિના તારો છૂટકો નથી. મુંજાલ ! ધાર કે હું ચંદ્રપુરમાં છું. નાની છું; ધાર કે તે વખતે હું હતી એવી માત્ર તારી સોબતઘેલી સખી છું, તને વીનવું છું; માન. આપણે જુદાં કેમ રહી શકીએ ? અહીંયાં તારા વિના મારા વિચારોનું કોણ સાથી થાય એમ છે ? પાટણને દુનિયાનું પાટનગર કરવામાં મને મદદ કરવાનું તારા વિના કોનું સામર્થ્ય છે ? મુંજાલ ! તારી વિશાળ, નિષ્કલંકી બુદ્ધિના તેજમાં પહેલાંની માફક મને સ્નાન કરવા દે. મારે એટલું જ જોઈએ છે.’

'રાણી –'

'ના, મીનળ –'

'ઠીક, મીનળદેવી ! હું વિચાર કરીશ, બનશે તો માનીશ. હવે મહેરબાની કરી રજા લો, બહુ થયું.'

'ના, વચન આપ. અત્યારે પાછો ચાલ, રાજગઢ સૂનો છે. તું આવે નહિ ત્યાં સુધી હું જવાની નથી.”

મુંજાલે રાણીની સામે જોયું. તેના પ્રેમઘેલા મુખ પર અદ્દભુત છાયા પડી રહી હતી; તેના હાથ, જે મુંજાલના હાથ પકડી રહ્યા હતા, તે થરથર ધ્રૂજતા હતા.

'મીનળદેવી ! ભલે, હું એમ કરવા ખુશી છું.'

'વચન ?' આતુરતાથી રાણીએ પૂછ્યું.

'હા, વચન’

‘ઓ મારા મુંજાલ !' કહી રાણી મુંજાલને કોટે વળગી પડી. ડૂબતો માણસ આશા છોડી પ્રવાહને શરણે થાય, તેમ મુંજાલ શરણે થયો. પાંચ પળ એવી વહી ગઈ.

'મીનળદેવી ! આ નહિ પાલવે. હું અહીંયાં રહું, તો તે દિવસની પ્રતિજ્ઞા પાળવી પડશે. જે નિર્મળ જીવને લોકોનાં મોઢાં પણ બંધ કર્યાં હતાં, તેમના શંકાશીલ હૃદયમાં શ્રદ્ધા આણી હતી, તે જીવન ફરી સ્વીકારવું પડશે.'

'હા, હા, કબૂલ છે. મોટાઈનો દંડ બનશે તેટલો દઈશ; પણ તું મારી આંખ આગળ રહે.

----------