પ્રકરણ 3
આલોક.
હું આલોક, હું એક સામાન્ય માણસ છું અને બધી વાતે સામાન્ય જ રહેવાનું મેં જાતે પસંદ કર્યું છે. મારામાં મહાન માણસ બનવાનો એક પણ કીડો સળવળતો દેખાય કે તરત જ હું એને જડમૂળથી રહેંસી નાંખું છું.
હું અમારા કુટુંબનો સૌથી નાનો અને સૌથી લાડકો દીકરો હતો, છું. કેદાર મારા પિતાના મોટા ભાઇનો છોકરો અને મારો પિતરાઇ ભાઈ મારાથી એક વરસ મોટો છે. એમ તો અમારે બીજા પણ ભાઈ બહેન છે પણ હું અહીંયા કેદારની જ વાત કરીશ. મારી જિંદગીની વાટ લગાડવામાં એનો જ સાલાનો સૌથી મોટો ફાળો છે.
મને એમ કે જીવન ખૂબ સરળ છે અને એને સરળતાથી જીવી નાંખવામાં જ મજા છે. મારું આ વિચારવું વરસો સુધી મને યોગ્ય લાગેલું અને પછી હું કેદાર જે સ્કૂલમાં ભણતો હતો ત્યાં દાખલ થયેલો. એ પાંચમા ધોરણના વર્ગમાં મને ખ્યાલ આવેલો કે આ દુનિયામાં આપણી અંદર રહેલી કાબેલિયત લોકો બીજા સાથે સરખામણી કરીને મૂલવે છે. કેદાર ભણવામાં અવ્વલ હતો અને સ્કૂલમાં સૌ કોઈ જાણતું હતું કે હું એનો નાનો ભાઈ થાઉં છું એટલે લોકોએ મારા પર પણ ક્લાસમાં પહેલાં નંબરે પાસ થવાની અપેક્ષા રાખવા માંડી હતી.
મને કયા વિષય ગમે છે, મારી રુચિ શેમાં છે એ વિશે ક્યારેય કોઈ વાત નહોતું કરતું. મારે મારું લક્ષ્ય પણ નક્કી નહોતું કરવાનું, એ કામ પણ બીજા લોકોએ પહેલેથી જ મારા માટે કરી રાખ્યું હતું. જ્યારે કેદાર પાંચમા ધોરણમાં હતો ત્યારે એને ફલાણા વિષયમાં ફલાણા ગુણ આવેલા એટલે મારેય એટલા લઈ આવવા એવું મારા શિક્ષકો મને કહેતા. મારી મમ્મી સવારે નાસ્તાનો ડબ્બો આપતા કહેતી કે તું પણ કેદારની જેમ ભણવામાં ધ્યાન આપજે. મારા પપ્પા મને સ્કૂલે જવા નિકળું ત્યારે કહેતા, ભાઇનો સંગાથ કરતો જજે અને એની સાથે જ પાછો આવજે. હું શાળાએ સીધા જવાને બદલે કેદારને ઘરે જતો અને પછી એની સાથે શાળાએ જવા નીકળતો. રસ્તામાં કેદાર કેટલીક રસપ્રદ વાતો કરતા કરતા કહેતો કે તને કોઈ વિષયમાં તકલીફ પડે તો મારી પાસે આવજે હું તને શીખવી દઈશ.
મને થતું કે કોણ છે આ કેદાર? એ ભણવામાં હોશિયાર હશે તેથી શું? મારે એના જેવા નહોતું બનવું. પહેલીવાર હું નિશાળે ભણવા ગયેલો ત્યારે મેં વિચારેલું કે બંદા આખી દુનિયાને પાછળ છોડી દેશે. હું રાત દિવસ વાંચ વાંચ કરીશ, ખૂબ મહેનત કરીશ અને આખી નિશાળમાં પહેલો આવીશ. શરૂઆતના થોડાંક દિવસો મેં એવું કરેલુંય ખરું પણ પછી તરત જ સમજાઈ ગયેલું કે પહેલા નંબર માટેની રેસમાં ભાગવું નરી મૂર્ખતા છે! શાળામાં દર ત્રણ મહિને એક વાર પરીક્ષા લેવાતી, ત્રણ વાર પરિણામ જાહેર થતું, ત્રણ વાર માર્કશીટ અપાતી એ માર્કશીટ મારા હાથમાં આવે અને હું એને જોઈ લઉં, મારા માબાપને બતાવી લઉં કે તરત એનું મેજિક પૂરું થઈ જતું. એ એક બે દિવસનો વટ પાડવા કે હું આટલા ગુણ લઈ આવ્યો બાકીનો આખો વખત ચોપડીઓમાં ખોવાઈ રહેવું પડે એ મને મંજૂર નહતું. શાળામાં ખાલી પુસ્તકો જ થોડા હતાં? ત્યાં બીજી પણ કેટલી બધી ધમાલ કરવા મળતી, કેટલા બધા દોસ્ત હતા. હું શાળામાં ભણવાની મજા લેવા લાગેલો અને એમાં મને પુસ્તકો સિવાય બીજું ઘણું બધું રસપ્રદ મળી આવેલું.
શાળાની ભણવાની રેસમાંથી એકવાર મેં મારી જાતને બહાર કરી લીધી પછી આપોઆપ જ મને મારી કેદાર સાથેની સરખામણીથી પણ મુક્તિ મળી ગયેલી. હું સાતમાં ધોરણ આવ્યો ત્યાં સુધી સૌ કોઈએ સ્વીકારી લીધું હતું કે હું ભણવામાં કેદારની બરાબરી ક્યારેય નહીં કરી શકું, હું એક સામાન્ય વિધ્યાર્થી છું અને મને ત્યારે ઘણું સારું લાગેલું. તે દિવસે હું જીવનમાં પહેલી જ વાર ‘સામાન્ય’ શબ્દના પરિચયમાં આવેલો અને મને એ શબ્દ કરામતી લાગેલો. મને સામાન્ય માણસ બનવાનું પસંદ આવ્યું હતું. મારે આજીવન સામાન્ય માણસ જ બની રહેવું હતું. જીવનની એક એક પળ મારે મસ્તીથી જીવવી હતી, હાલ આ જે ચાલી રહી છે અને ઘડી ભર રહીને પૂરી થઈ જવાની છે એ પળમાં જ મારે જીવી લેવું હતું, એને કોઈ લક્ષ્ય મેળવવા માટે તૈયારી કરવા પાછળ વેડફી નાંખવા હું રાજી નહોતો. હું મારા માથે કોઈ બોજ રાખવા જ નહોતો માંગતો. હું ભણવામાં સામાન્ય છું એ વાત જેવી બધાએ સ્વીકારી લીધી તરત જ મારા માટે આગળનું બધું સરળ થઈ ગયું હતું. હા, મારા માબાપને મને ડૉક્ટર કે એન્જિનિયર બનતા જોવાનો એમનો પ્લાન ‘એ’ કેન્સલ કરી પ્લાન ‘બી’ વિચારવો પડેલો. એમને થોડીક તકલીફ થયેલી પણ એમની એ તકલીફ માટે હું જવાબદાર નથી. એમને કોણે કહેલું કે મારે મારા જીવનમાં મારે શું કરવું જોઈએ એ તમે નક્કી કરો!
પ્લાન ‘બી’ મુજબ મારે સરકારી નોકરી મેળવી લેવાની હતી અને એ પણ ના કરી શકું તો ક્યાંક બેંકની પરીક્ષા પાસ કરી ત્યાં ઑફિસર તરીકે જોડાઈ જવાનું હતું. હું કંઈ ઠોઠડો ન હતો મારે બસ પ્રથમ આવવાની રેસમાં ભાગવું નહોતું. મેં સરકારી નોકરી બીજા જ પ્રયત્ને મેળવી લીધી હતી. હું કોમર્સમાં ગ્રેજ્યુએટ થઈ સરકારી નોકરી માટે પ્રયત્ન કરતો હતો ત્યારે કેદાર માસ્ટર્સ પતાવી એક કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાઈ આગળ પીએચડી માટે વિચારી રહ્યો હતો. મને નોકરી મળી ગયેલી. મારા પરિવારમાં આ વખતે પાછી મારી અને કેદારની સરખામણી ચાલું થઈ ગયેલી. જો કે આ વખતે મારા માબાપ મારા પક્ષે બોલતા હતાં. હવે હું સરકારી બાબુ હતો જ્યારે કેદાર એક સામાન્ય લેક્ચરર. હું સામાન્ય માણસ જ બનવા માંગતો હતો તોય લોકોની નજરમાં હવે હું સહેજ ઉપર વિરાજમાન હતો જ્યારે કેદાર સામાન્ય.
જો કે મારી નજરમાં કેદાર વેદિયો હતો. એને સાલાને મેડિકલમાં એડમિશન મળતું હતું, એ એન્જિનિયર થઈ શકતો હતો અને એણે એ બધું છોડીને ગુજરાતી સાહિત્ય ભણવાનું પસંદ કર્યું હતું. સડસડાટ ઉપર જઈ રહેલી કારકિર્દીની ગાડીને અચાનક જાણે એક બંપ નડ્યો અને એ ફંટાઈ ગઈ. એક ખાડામાં પડી ગઈ અને પછી આગળ વધી જ ના શકી. એણે અંગ્રેજી લિટરેચર ભણવાનું રાખ્યું હોત તોય કોઈ મેળ પડત પણ... મને એને સલાહ આપવાનો અધિકાર ન હતો.
મારી અને કેદાર વચ્ચે એકબીજાથી આગળ નીકળી જવાનો તણાવ ક્યારેય નહોતો. લોકોએ એ ભેદભાવ ઊભો કરવાનો ભરપૂર પ્રયાસ કરેલો પણ અમે એને મન પર લેવાનું છોડી દીધેલું અને એટલે જ અમે બંને સારા ભાઈ બની શક્યા હતાં. જો કે જેવી મજા મને મારા મિત્રો સાથે આવતી એવી કેદાર સાથે નહતી આવતી, એ વેદિયો હતો, અને તોય અમને એકબીજા સાથે વાત કરવી ગમતી. એ બિચારા પાસે તો કોઈ મિત્રો પણ નહતા. એને વાત કરવાનું મન થાય ત્યારે એ સાંભળનાર હું એક જ હતો.
ઝમકું નામની એક છોકરીને જોવા જવાનું છે એવું મેં સાંભળ્યું હતું. મારી મા કહી રહી હતી કે આટલી સરસ વાત કેદારને બદલે આપણા આલોક માટે આગળ વધારીયે. કેદારનું તો ભલું પૂછવું અહીં પણ તરત ના કહી દે અને પછી વાત હાથમાંથી ચાલી જાય. મારા બાપનું કહેવું હતું કે કેદાર મોટો છે એટલે પહેલાં એને પૂછવું પડે એ ના કહે તો પછી આલોક માટે વાત આગળ વધારાય. હું વચેટિયાને બધું સમજાવી રાખીશ. મને ખબર નહોતી પડી રહી કે જે છોકરીને કેદાર’ ના’ પાડે એને હું શા માટે ‘હા’ પાડું? હું એ છોકરીને જોવા જ શું કામ જાઉં? દુનિયામાં દેખાવડી છોકરીઓની કમી થોડી છે!
હું કેદારને મળવા એના ઘરે ગયો હતો. એ કોઈ નવલકથા વાંચી રહ્યો હતો. મને જોતાં જ એણે પૂછેલું કે, “આલોક તું પ્રેમમાં પડ્યો કે નહીં?”
મેં તરત જ કહ્યું હતું કે, “ના ભાઈ ના અને મને એવી કોઈ ઈચ્છા પણ નથી. હું તો જેની સાથે લગ્ન કરીશ એને જ પ્રેમ કરીશ. આમેય છોકરીઓને સાલું હીરો જેવા છોકરા ગમતા હોય છે મારા જેવા સામાન્ય માણસ તરફ એક્કે નજરેય નથી કરતી.”
“તું ક્યાં સામાન્ય છે?”
“હું સામાન્ય જ છું. હીરો તો તું છે.”
કેદાર ખડખડાટ હસી પડેલો અને પછી કહેલું, “હું હીરો છું? કેવી રીતે? મને જરાક સમજાવીશ.”
“તું પહેલેથી જ ભણવામાં અવ્વલ રહ્યો છો. સ્કૂલમાં દરેક વખતે પહેલો આવતો. એ વખતે જ કેટલીય છોકરીઓ તારા પર મરતી હશે. બાર સાયન્સમાં પંચાણુ ટકા લાવવા છતાં તારે સાયન્સ છોડી આર્ટ્સમાં જવું હતું અને ઘરનાં બધાની મરજી સામે ના જોતાં તું તારું ધાર્યું કરી શક્યો હતો. આવા વખતે પોતાનું સ્ટેન્ડ લેવું, પોતાનું ધાર્યું જ કરવું સાલું કોઈ વિરલા જ કરી શકે. એ પછી યુનિર્વસિટીમાં, માસ્ટર્સમાં પણ ડિસ્ટિંક્શન સાથે પાસ થવું, દુનિયાની સૌથી રિસ્પેકટેડ જોબ સ્વીકારી કૉલેજમાં ભણાવવા જવું. આ બધું જ આજની છોકરીઓને મન હિરોગીરી છે. કોલેજની કેટલીય છોકરીઓ તારા સપનાં જોતી હશે. આજે પણ તું જ્યારે લેક્ચર લેતો હશે ત્યારે કેટલીય વિધ્યાર્થીનીઓ તમારા પ્રેમમાં પડી જતી હશે.”
“એટલે કે આજની છોકરીઓને એમને ગમે એવું કશુંક મારામાં જડી જાય તો હું હીરો છું, એમ? તારી વાત સાચી માનીએ તો પણ એમ જોતાં હું એ છોકરીઓની નજરે હીરો ઠર્યો કહેવાઉં મારી નજરે નહીં.”
“મતલબ.” કેદારની વાતો સમજવી મારા માટે મુશ્કેલ બની રહેતી. દુનિયાની સુંદર અને બુધ્ધિશાળી સ્ત્રીઓ તમને એનો હીરો માની તમારી સાથે જોડાવા ઇચ્છતી હોય તો એક જવાન પુરુષને બીજું શું જોઈએ? એની જગ્યાએ હું હોત તો આજ સુધીમાં કેટલી સાથે પ્રેમ પ્રેમ રમી ચૂક્યો હોત. તનમન બધું ક્યારનુંય તૃપ્ત કરી લીધું હોત પણ જિંદગીની એક ખાસિયત છે સાલી, એ એવા ગધેડાઓ પર મહેરબાન થાય છે જેને એની કોઈ કદર જ ના હોય!
“મતલબ કે મારે કોઈ બીજાની દ્રષ્ટિએ હીરો નથી બની રહેવું, મારે મારા જીવનનો હીરો બનવું છે.”
“અને એ કેવી રીતે શક્ય બનશે?”
“પ્રેમમાં મારી જાતને હોમી દઈને!” એ ફરી હસી પડેલો.
“એટલે તું કોઈના પ્રેમમાં છું? કોણ છે એ?”
“હું પ્રેમમાં છું. ખૂબ જ ઊંડા અને ગંભીર પ્રેમમાં છું. એ કોણ છે એ મને નથી ખબર. મારે આ આખી દુનિયામાંથી એ એક એવી સ્ત્રી શોધવાની છે જે ફક્ત મારા માટે જન્મી છે. હું નથી જાણતો કે એ ક્યાં છે, કોણ છે, કેવી દેખાય છે પણ હું એટલું જાણું છું કે એ ક્યાંક છે જરૂર. મને એનો અવાજ સંભળાય છે, અડધી રાત્રે હું અચાનક જબકીને જાગી જાઉં છું અને મને લાગે છે કે જાણે એણે જ મને યાદ કર્યો હતો. રાતના આકાશમાં ચાંદો જોતો હોઉં ત્યારે થાય છે કે એ પણ ક્યાંક એની છત પર ઊભી ઊભી મારી સાથે જ આ ચાંદાને જોઈ રહી છે. મારે એ સ્ત્રીને શોધવાની છે. ગમ્મે ત્યાંથી, ગમ્મે તે રીતે બસ એ સ્ત્રી મારે જોઈએ છે. હું એક મિશન પર છું. પ્રેમિકા શોધો મિશન.”
એની વાતો સાંભળી મને લાગી રહ્યું હતું કે નવલકથાઓ વાંચી વાંચી સાલાનું છટકી ગયું છે. પ્રેમિકાને શોધવાની એ વાતો કરે છે પણ લલ્લુંને એટલીય અક્કલ નથી ચાલી રહી કે આમ વાતો કરવાથી પ્રેમિકા નહીં મળે. એ ચાંદા સામે જોઈ કોઈ છોકરીની કલ્પના કરશે એટલે શું ચાંદો આકાશમાંથી એને માટે એને ગમતી છોકરી નીચે ફેંકશે! કોઈ નવલકથા વાંચી એની હિરોઈન જેવી છોકરીની કલ્પના કરવાની, એના પ્રેમમાં પડી જવાની કલ્પના કરવાની મજા આવે પણ એ મજા થોડીક ક્ષણો બાદ ભૂલીને આગળ વધી જવાનું હોય. નવલકથાની હિરોઈન કોઈ અધૂરી આત્મા જેવા લેખકની કલ્પનાથી વિશેષ કંઈ જ નથી. જેવી છોકરીને લેખક પોતે ક્યાંય નથી મેળવી શકતા એમને એ નવલકથામાં જીવતી કરે છે અને એ નવલકથા વાંચી બીજા કેટલાય લલ્લું પાછા એવી જ છોકરીને શોધવા નીકળી પડે છે. હવે સમજાય છે સાલું કે આજકાલ જેને જુઓ એ લેખક બનવા કેમ નીકળી પડ્યું છે.
“તારા માટે આટલી બધી વાતો આવે છે એમાંથી જ કોઈ તને ગમતી છોકરી મળી જાય એવું ના બની શકે?”
“બની શકે પણ એ વાત મારા ગળે નથી ઊતરતી. કોઈ છોકરી હાથમાં ચાનો કપ લઈ મારા દિલમાં ઉતરવાનો પ્રયત્ન કરે એ વાત જ મને હાસ્યાસ્પદ લાગે છે. જ્યાં ગુલાબનું ફૂલ હોવું જોઈએ ત્યાં ચાની કલ્પના જ મને છોકરી જોવા જતો રોકે છે. મારી પ્રેમિકા મારી વાટ જોઈ રહી હશે એણે કેટકેટલી રીતે મને પહેલીવાર જોવાની કલ્પના કરી હશે. હું એને પહેલીવાર મળવાનો છું એવું વિચારતાં જ એ કેટલી અધિરાઈથી એના ઘરના એક ખૂણેથી મારી રાહ તાકતી હશે. બસ એવી કોઈ છોકરી મને મળે તો હું એની સાથે ચર્ચા કરી શકું. ખરેખર મન મળે તો આગળ વધું અને દુનિયાભરનું સુખ એના કદમોમાં ન્યોછાવર કરી દઉં.”
“બસ કર ભાઈ તારી આવી વાતો સાંભળી મને બગાસા આવે છે. આપણે એક છોકરી જોવા જવાનું છે. તું ક્યાંય ભાગી ના જાય એ જોવા માટે જ મારેય તારી સાથે આવવાનું છે. તું તૈયાર રહેજે.”
મેં કેદારને કહેલું કે આપણે છોકરી જોવા જવાનું છે ત્યારે હું આત્મજા એટલે કે ઝમકુંની વાત કરી રહ્યો હતો. એ વખતે મને સહેજે ખ્યાલ નહતો કે જુનવાણી નામ ધરાવતી, ગામડામાં રહેતી એ છોકરી આટલી સ્વરૂપમાન અને હોશિયાર હશે.
અમે લોકો આત્મજાને ઘરે પહોંચ્યા ત્યારે કેદાર એના ઘરના દરવાજે બોગનવેલ નીચે ઊભો રહી ગયો હતો. હું પણ એની બાજુમાં જ ઊભો રહેલો, અમારી વચ્ચે એક નાનકડી મજાક થયેલી અને ત્યાં જ મારી નજર દૂરની એક બારીમાંથી અમારી તરફ જ તાકી રહેલી બે આંખો તરફ ગઈ હતી. સંકોચવશ પછી હું ત્યાંથી આગળ વધી ગયેલો. બે કદમ ચાલતા જ મેં ખાટલા નીચેથી બહાર આવતી કાળી બિલાડી જોઈ હતી. કેદાર શુભ કામે આવ્યો હતો અને કોઈ અપશુકન ના થાય એમ વિચારી મેં એ બિલાડી તરફ પગ પછાડી થોડોક અવાજ કર્યો હતો અને એ એક કૂદકો મારીને બેઠા ઘાટના મકાનની છત પર ચઢી ગઈ હતી. બિલ્લીને જોતાં જ ત્યાં બેઠેલા કેટલાક પક્ષીઓ બખાળો કરતા ઊડી ગયાં હતાં.
મને થયું હતું કે આ છોકરી કદાચ કેદારને પસંદ આવશે. એની જેવી કલ્પના હતી એવી જ છે આ. પોતાને જોવા આવનાર છોકરાને જોવા એ બારીમાંથી કેવા ડોકિયા કાઢી રહી હતી. આત્મજા ચા લઈને આવી હતી અને એ ક્ષણે હું દુખી દુખી થઈ ગયેલો...
આત્મજા જેવી સર્વાંગ સુંદરીને જોતાં જ હું મોહિત થઈ ગયેલો અને એ મારા નહીં પણ મારા ભાઈના નસીબમાં છે એ વિચારે હું દુખી થયો હતો. મનમાં એમ પણ હતું કે આ સાલો તરત ના કહી દેશે અને એને પાપે મારે પણ આવી સુંદર યુવતીથી હાથ ધોઈ નાંખવા પડશે.
કેદારે આત્મજા સાથે લગ્ન કરવાની ના કહી હતી અને મારી વાત આગળ વધેલી. હું શું બોલત, મારે તો બગાસું ખાતા પતાસું મળી ગયા જેવો ઘાટ હતો. આટલી નાજુક નમણી છોકરી મારી પત્ની બનશે એ વિચાર જ મારી નસોમાંનું લોહી ગરમ કરી રહ્યો હતો.
એ દિવસે આત્મજાને જોઈને હું અને કેદાર બહાર નીકળેલા ત્યારે પણ એ એની ઘરના પાછળના વાડામાં ઊભી અમારી તરફ જોઈ રહી હતી. મને થયું હતું કે કેદારને ઊભો રાખું અને એને કહું કે ડોબા જો પાછળ તારી કલ્પના જીવતી થઈ. હું આત્મજા તરફથી નજર નહોતો હટાવી શકતો જ્યારે કેદાર એની તરફ નજર નાંખવા પણ તૈયાર નહતો.
આત્મજા સાથે મારું નક્કી થયું ત્યારે હું રાજી થયેલો. મેં જાતે ક્યારેક પ્રયત્ન કર્યો હોત તોય હું એના કરતા વધારે રૂપાળી યુવતિની કલ્પના ના કરી શકત. તે દિવસે આત્મજાએ મને મેસેજ કરેલો અને કેદારનો નંબર આપવા કહેલું ત્યારે મને એમ કે એને પણ હું પસંદ આવ્યો છું અને કેદાર તો ખાલી મારી સાથે વાત કરવાનું બહાનું હતો.
હું આત્મજાને પામીને ધન્ય થઈ ગયેલો. મેં નક્કી કરેલું કે એને હું દરેક વાતે ખુશ રાખીશ. એને ખૂબ પ્રેમ કરીશ અને વરસમાં તો એક બાળકનો બાપ પણ બની જઈશ.
લગ્નની રાતે મારા મિત્રો સાલા મને એટલી બધી સલાહ આપી રહ્યા હતા જાણે હું કોઈ સોળ વરસનો ટેણિયો હોઉં અને પહેલી જ વાર કોઈ સ્ત્રી પાસે જતો હોઉં. જો કે પહેલીવાર સ્ત્રી પાસે જવાની વાત બરાબર હતી પણ હું કંઈ સોળ વરસનો ન હતો. સુહાગરાતે શું કરવું જોઈએ એની મેં કેટલીય વિડીયો ક્લિપ જોઈ નાંખી હતી. પોર્ન જોવાની આમેય હવે ક્યાં નવાઈ છે. હું એનો નિયમિત બંધાણી ન હતો પણ ક્યારેક જુવાની ઉછાળા મારવા લાગતી ત્યારે એ બધું જોવામાં મને કોઈ છોછ ન હતો. આજે એ વિડીઓમાં જોયેલું હું સાચે જ કરવાનો હતો. મારા દોસ્તો મને પાનો ચઢાવી રહ્યા હતા. પહેલી જ રાતે પત્ની મારા પર હાવી ના થઈ જાય એ માટે ધ્યાન રાખવાનું કહી રહ્યા હતા.
એમણે સાલાઓએ મને કોઈ પાન ખવડાવ્યું હતું અને કહેલું કે આ પાન ખાધા પછી મારે કંઈ કરવાનું નહીં રહે બધું આપોઆપ થઈ જશે. અમે લોકોએ ખાસ્સો એવો દારુ પણ ઢીંચ્યો હતો. લગન સાલા રોજ રોજ થોડા થાય છે અને ભાઈબંધો સાથે દારુ પીને મસ્તી ના કરી તો શું ધૂળ પરણ્યા કહેવાય, એવું મારું માનવું હતું.
એ રાતે હું આત્મજા પાસે ગયો હતો અને એના મુલાયમ શરીરને અડતા જ મારામાં અનંગ આવેગનો એક ઊભરો આવી ગયેલો. હું એને મારી અંદર સમાવી લેવા અધીરો થયો હતો. એક સ્ત્રીનું શરીર આવું માખણ જેવું હોય એનો મને સહેજે અણસાર પણ નહોતો. એના હોઠ... આહ, એ દુનિયાની અદભુત સૌથી ચીજ છે. એના હોઠને મારા મોઢામાં લઈ ચાવી જવાનું મને મન થઈ રહ્યું હતું અને હું માંડ મારા પર કાબૂ રાખી રહ્યો હતો. બધું સરસ હતું, નાજુક અને સુંદર હતું પણ સાલું કઈંક ખૂટતું હતું. જે આવેગ મારા અંગેઅંગમાં રમી રહ્યો હતો એનો એક ટકો પણ મારી નીચે ચગદાઈ રહેલી સ્ત્રીમાં નહતો. એ તો જાણે આ દુનિયાનું પરમ સુખ ત્યજી મને દૂર હટાવી દેવા મથી રહી હતી. એ મને ધક્કો મારી રહી હતી.
સાલી...એ શું મારા પર એનું જોર કાઢવાની! મેં વિચારેલું, હું નશામાં ધૂત હતો, દારુ અને પાનમાં ભેળવેલી ગોળી બંનેનો નશો મારા માથામાં પર સવાર હતો, મારી ઇન્દ્રિય ફાટ ફાટ થતી હતી અને જે સ્ત્રીએ પ્રેમથી મારી દરેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપેલું એ જ સાલી છેલ્લી ઘડીએ નાટક કરે એ કેમ ચાલે એમ વિચારી મેં મારું ધાર્યું જ કર્યું હતું.
હું એને આખેઆખી ગળી જવા ઈચ્છતો હતો. એના એક એક અંગને મસળીને એને રાજી કરવા ધારતો હતો. હું ખુશ હતો. આત્મજાને પામીને ધન્યતા અનુભવતો હતો. કેદારને મનોમન થેન્ક યું કહી રહ્યો હતો. એણે ના ન કહી હોત તો આ રૂપલલના આજે મારા પલંગ પર ના હોત.
બીજે દિવસે સવારે મેં જોયેલું કે આત્મજાના હોઠ સુઝી ગયા હતાં. એની ચાલ બદલાયેલી હતી અને મને મારી મર્દાનગી પર ગર્વ થયેલો. મેં એ બધી વાત સાંજે મારા મિત્રોને કરેલી અને એમણે કહેલું કે તો આજે રાત્રે ફરી ભાભીને મોજ કરાવી દે ભાઈ, પછીથી આવો સમય નહીં મળે. મને એમની વાત યોગ્ય લાગેલી અને મેં બીજી રાત્રે ફરી દારુ પીધેલો, ફરી પલંગતોડ પાન ખાધેલું અને ફરી આત્મજા પર વરસી પડેલો.
એ એને પિયર પાછી ચાલી ગયેલી ત્યારે મને એટલું વસમું લાગેલું. થયેલું કે હવે જીવનની એક રાત એવી નહીં હોય જે કોરી રહી જાય. ગમ્મે તેવા સંજોગોમાં પણ મારી પત્ની, મારી આત્મજા મારે મારી સાથે જોઈએ જ જોઈએ. મેં ઘરમાં બધાની ઉપરવટ જઈને શહેરનાં બીજા ભાગમાં આવેલાં મારા ફ્લેટમાં રહેવા જવાનું જણાવી દીધું હતું. એમનું કહેવું એમ હતું કે વહુને થોડા દિવસ અહીંયા બધાની સાથે રહેવા દીધી હોય તો એને ફાવે અને મારું માનવું હતું કે એની સાથે હું હોઉં પછી તમારા એકકેની જરૂર જ શી રહેવાની? લગ્ન બાદના બે ત્રણ મહિના હું પૂરેપૂરી રીતે ભોગવી લેવા માંગતો હતો. અમે લોકો હનીમૂન પર તો નહોતા જઈ શક્યા, મને વધારે રજાઓ મળે એવું નહતું, પણ મેં નક્કી કરેલું કે આત્મજાને મારા ફ્લેટ પર જ હનીમૂનની મજા કરાવીશ.
હું એને લઈને મારા ફ્લેટ પર આવી ગયેલો. એ દિવસે તો એને મૂકીને ઓફિસ જવાનું પણ મન નહોતું થઈ રહ્યું. દિલ પર પથ્થર રાખીને મેં દિવસ પસાર કરેલો અને સાંજ પડતાં જ હું મારા માળામાં પાછો ફર્યો હતો. મને એમ કે મારી ચકલી મારી રાહ જોઈ રહી હશે. મને જોતાં જ એની પાંખો ફેલાવી મને એનામાં સમાવી લેવા દોડી આવશે...
એ સાંજે મેં પહેલી વાર જોયેલું કે આત્મજાને મારા ઘરે આવવાથી કોઈ ફરક નહોતો પડતો. એ કદાચ શરમાતી હશે એમ માનીને હું આગળ વધેલો, કેટલા પ્રેમથી હું એને કીસ કરવા જતો અને એ “હાલ નહીં, પ્લીજ અત્યારે નહીં” કહીને મને રોકી લેતી. માન્યું કે એના માટે આ સંબંધ નવો હતો એટલે શરમાય પણ મારા આ થોડા ચોથા પાંચમા લગન હતા? હું પણ તો એને પ્રેમ કરવાનો પ્રયત્ન જ કરી રહ્યો હતો ને? એને મારું અડવું પસંદ નહતું અને મને એને અડ્યા વગર ચાલે એમ નહોતું. સાલી જિંદગી આમ નખરાં દેખાડશે એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું.
મેં મારાથી બનતા બધા જ પ્રયત્ન કરી લીધા હતા અને છેલ્લે મને એમ લાગેલું કે આત્મજા મને પસંદ નથી કરતી. એ કોઈ બીજાને ચાહે છે. મારી સાથે હોવા છતાં એ મારી નથી હોતી. મારી એની નજીક જવાની દરેક હરકત એને નાપસંદ છે. એ આમ તો આખો દિવસ નોર્મલ રહેતી, ખૂબ પ્રેમાળ પત્ની હોવાનું નાટક સરસ રીતે કરી લેતી પણ જેવો હું મારા પતિ હોવાનો હક માંગતો કે એ દૂર ચાલી જતી. એ સીધી રીતે એમ કહી દેતી હોત કે આલોક આજે મૂડ નથી તો હું એને ના પજવત. એનો મૂડ આવે ત્યાં સુધી હું રાહ જોવત પણ એ સાલી ના પણ નહોતી કહેતી. એ બસ એક જીવતી લાશની જેમ પડી રહેતી. મને એવું લાગતું જાણે હું કોઈ બરફની પાટ સાથે સમાગમ કરી રહ્યો હોઉં. મારા અસંખ્ય ચુંબનો, મારી હથેળીની ગરમી, મારું આખું શરીર હું એના પર ઘસ્યા કરું તોય એ જરાય ગરમ નહોતી થતી. એની એ બરફ જેવી ઠંડક મને પણ ઠંડો કરી જતી અને પછી મેં એની પાસે જવાનું જ ઓછું કરી દીધું હતું. ક્યારેક નશામાં હોઉં તો મજા કરી લેતો એ સિવાય એની સાથે એક પથારીમાં સુવાનું પણ કંટાળાજનક હતું.
મને પાક્કો ડાઉટ હતો કે એનું ક્યાંક બીજે ચક્કર ચાલે છે અને એટલે જ મેં એનો ફૉન હેક કર્યો હતો. એ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ નહોતી વાપરતી અને વોટ્સેપ પર પણ એની બહેનો અને મમ્મી સાથે જ વાતો કરતી હતી છતાંય હું એના એક એક મેસેજ પર નજર રાખતો. એણે એકવાર એની બહેનપણી સલોની સાથે કોઈ એના પ્રિતમ વિશે વાત કરી હતી. એ પ્રિતમ હજી યાદ આવે છે એવું એણે કહેલું અને મારું છટકેલું. એ પ્રિતમ મારા હાથમાં આવે એટલી જ વાર હતી. પછી હું આત્મજાની એ વલે કરવાનો હતો...
મને આત્મજા પર સહેજે ભરોસો નહતો અને એટલે જ હું નહોતો ઈચ્છતો કે એ હાલ મા બને. મેં પહેલા એને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવેલી. પછી થયેલું કે આમ કરવાથી તો એ ક્યારેય નહીં પકડાય. એનો કોઈ બીજા સાથે સંબંધ છે એવું સાબિત કરવા એ ગર્ભ ધારણ કરે પણ મારા નહીં, કોઈ બીજાથી ગર્ભ ધારણ કરે એ જરૂરી હતું. એને માટે પછી મેં પોતે ડોક્ટરની સલાહ લઈ કેટલીક પિલ્સ લેવાનું ચાલુ કર્યું હતું. આત્મજાને એ વિશે કશી જાણ નહોતી. કોઈને કંઈ જાણ નહતી. અમારે હજી બાળક કેમ નથી એ વિશે લોકો પૂછતાં અને હું એનો જવાબ આપવાની જવાબદારી આત્મજા પર નાંખી ચૂપ થઈ જતો હતો. જે એના પતિ સાથે જીવતી લાશ બની રહે એને ભલા બાળકો કેવી રીતે થઈ શકે એવું એ કહે એની હું રાહ જોતો રહેતો.
******
લગ્નના છ વરસ થયાં તોય કોઈ પ્રિતમ કે એવી કોઈ વાત મારા ધ્યાનમાં નહોતી આવી. આત્મજા મને છેતરી નથી રહી એ વાત પર હું વિશ્વાસ કરવા લાગેલો. મને એ ગમતી હતી. મારા જીવનમાં આવેલી એ પહેલી સ્ત્રી હતી અને હું ચાહતો હતો કે એ જ આખરી સ્ત્રી બની રહે. મેં દવાઓ લેવાનું બંધ કરી હવે એક બાળક જીવનમાં લાવવાનું વિચાર્યું જ હતું કે આત્મજાના ફૉન પર મેં લવનો મેસેજ જોયેલો.
કોઈ સ્ત્રી એનાથી નાની ઉંમરના છોકરા સાથે કેવી રીતે ચાલું થઈ જઈ શકે? એ પણ આત્મજા જેવી સ્ત્રી? એને જો ખરેખર જ શારીરિક આવેગ હેરાન કરી રહ્યા હોય તો હું ક્યાં નહતો? મારી આગળ નિષ્ક્રિય થઈ પડી રહેનાર સ્ત્રી આ નાના છોકરા સાથે બપોરના સમયે શું કરતી હશે. પતિની ગેરહાજરીમાં એણે કોઈને ઘરમાં આવવા જ શું કામ દેવો જોઈએ.
લવ અને આત્મજા વચ્ચેની વાતચીત સામાન્ય હતી પણ એણે એ મારાથી છુપાવ્યું હતું. એણે મારી રજા વગર એક પરપુરુષને એકલો ઘરમાં બોલાવ્યો હતો. મને એ સ્ત્રી ઉપર આમેય શક હતો અને હવે એ શકને સાબિતી મળી રહેશે એ વાતે વિશ્વાસ થઈ ગયો હતો. મેં બીજે જ દિવસે મારા બેડરૂમમાં અને બેઠક ખંડમાં બે સીસીટીવી કેમેરા છુપાવીને મૂકી દીધાં હતાં. આત્મજાને સહેજે જાણ નહતી. મારે એ કરવું પડેલું. એ સિવાય આ ચાલાક સ્ત્રીને પકડવાનો મારી પાસે કોઈ રસ્તો નહતો. પહેલા થયેલું કે મમ્મીને મારી સાથે રહેવા બોલાવી લઉં પણ એના આદત વશ પૂછાતા હજારો સવાલોનો જવાબ આપવાનો મને કંટાળો આવત એટલે જ એને નહોતી બોલાવી. આમેય એ મારા બાપાને છોડીને ના આવત છેલ્લે આત્મજાને ત્યાં જૂના ઘરમાં મમ્મી પપ્પા સાથે રહેવા મૂકી આવવાનો રસ્તો મને દેખાતો હતો. એ માટેય મારે સાબિતી જોઈતી હતી. દિલમાં ક્યાંક ઊંડે ઊંડે થતું હતું કે આત્મજા પવિત્ર છે અને મારે એ વિશ્વાસને તૂટતો જોવો હતો.
કેમેરા લગાડ્યા પછી મારો એ વિશ્વાસ તૂટી ગયો હતો. હું આખેઆખો તૂટી ગયેલો. આવી ભંગાર સ્ત્રીને આજ સુધી ચાહવા બદલ મેં મારી જાતને ભાંડી હતી. પતિ સાથે પૂતળાની જેમ જડ થઈ જનારી એ નાલાયક સ્ત્રી આ છોકરડાને કેવી ચોંટતી હતી, એ દ્રશ્ય સીસીટીવીમાં આબાદ ઝીલાયું હતું. લવ અને આત્મજા એકબીજાને ચુંબનો કરતા, કપડાં ઉતારતા અને પછી પથારીમાં એક્મેકમાં ભળી જતાં મેં નજરે જોયા હતાં. મારા અંગેઅંગમાં જાળ લાગી હતી. થતું હતું કે કે મોટો છરો લઉં અને એ સ્ત્રીના ટુકડે ટુકડે કરી કૂતરાને ખવડાવી દઉં. ક્યાંકથી એસિડનો બાટલો ભરી લાઉં અને એના રૂપાળા, નાજુક, માખણ જેવા શરીર પર એને રેલાવી મેલું. મને એ સ્ત્રી પ્રત્યે નફરત થઈ ગઈ હતી. એને અડતા પણ હવે મને ચિતરી ચઢવાની હતી. મારું મગજ બહેર મારી ગયું હતું.
મેં ત્યારે કેદારને ફૉન કર્યો હતો. જ્યારે જ્યારે પણ હું આત્મજાને લઈને હેરાન થતો મારી પાસે ફરિયાદ કરવા માટે એક કેદાર જ હતો. એને લીધે જ આ સ્ત્રી મને ભટકાઈ હતી...