Nani nani Vartao - 4 in Gujarati Short Stories by Archana Bhatt Patel books and stories PDF | નાની નાની વાર્તાઓ - 4

Featured Books
Categories
Share

નાની નાની વાર્તાઓ - 4

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નાની નાની વાર્તાઓ - 4

શબ્દો : 1771

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

1

વરસો પહેલાંની વાત છે. હોલૅન્ડનું એક નાનકડું ગામ. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો. લોકો મુખ્યત્વે દરિયા પર નભતા એટલે લગભગ દરેકેદરેક ઘરમાંથી એકાદ બે જણને તો દરિયો ખેડવા જવું જ પડતું.

ઘણી વખત જ્યારે દરિયામાં તોફાનો આવતાં ત્યારે માછલી પકડવા ગયેલી હોડીઓ એમાં ફસાઈ જતી અને સમયસર મદદ ન મળે તો માછીમારોનો ભોગ પણ લેવાઈ જતો. એટલે વારંવારની આ તકલીફને પહોંચી વળવા ગામલોકોએ ભેગાં થઈને એક મજબૂત બોટ બચાવ માટે વસાવી હતી. ઉપરાંત થોડાક ચુનંદા યુવાનોને તાલીમ આપીને બચાવટુકડી પણ બનાવી હતી. જેવો વાયરલેસ પર મદદનો સંદેશો (S.O.S.) મળે કે તરત જ બચાવટુકડી પેલી મજબૂત બોટ લઈને તોફાનમાં ફસાઈ ગયેલા વહાણ કે હોડીને મદદે નીકળી પડતી.

એક દિવસ એ ગામની કેટલીક હોડીઓ માછલી પકડવા ગઈ હતી. અચાનક તોફાન આવી ચડ્યું. ભયંકર પવન અને રાક્ષસી મોજાંઓની થપાટો એવી હતી કે ભાગ્યે જ કોઈ બચી શકે. મોટા ભાગની હોડીઓ પાછી ફરી ગઈ, છતાં હજુ કોઈક બાકી રહી ગયું હોઈ શકે એવી ધાસ્તી સાથે બચાવ ટુકડી બોટ તૈયાર રાખીને જ બેઠી હતી. એ જ વખતે મદદનો સંદેશો મળ્યો. બચાવ ટુકડીના કૅપ્ટને ગામને જાણ કરી. ગામના લોકો દરિયાકાંઠે ભેગા થઈ ગયા. ગામના સાથે જરૂરી વાત કરી એ મજબૂત બોટ સાથે બચાવ ટુકડી દરિયાનાં ભીષણ મોજાંઓ વચ્ચે અદશ્ય થઈ ગઈ.

ગામના લોકો બેચેનીપૂર્વક એમના આવવાની રાહ જોતા કાંઠા પર જ ઊભા રહ્યા. એમાંના ઘણા હાથમાં તોફાનમાં ન ઓલવાય એવા ફાનસ હતા તો વળી કોઈકના હાથમાં દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી ટૉર્ચ પણ હતી. એકાદ કલાક એમ જ વીતી ગયો. એ પછી જાણે ધુમ્મસનો પહાડ ચીરીને આવતી હોય એમ કાંઠા તરફ આવી રહેલી બોટ દેખાઈ. ખુશીથી ચિચિયારીઓ પાડતાં ગામલોકો સામે દોડ્યા. બોટમાં બેઠેલ દરેક જણ વરસાદ, પવન અને અત્યંત થાકના લીધે ઢીલુંઢફ્ફ થઈ ગયેલું દેખાતું હતું.

બોટમાંથી ઊતરીને કાંઠાની ભીની રેતી પર ફસડાઈ પડતાં કૅપ્ટને કહ્યું કે, ‘એક નાનકડી હોડી પર રહેલ એક માણસને બાદ કરતાં બધાને બચાવી લેવાયા છે. ફક્ત એ એક જ માણસને પાછળ છોડી દેવો પડ્યો છે. જો એને બેસાડ્યો હોત તો બોટ ડૂબી જવાનો ખતરો હતો. એટલે બાકી બધાને બચાવવા માટે અમારે એને એની હોડી સાથે જ છોડી દેવો પડ્યો.’

લોકો એકબીજા સામે જોવા માંડ્યાં.થાક ઓછો થતાં જ કૅપ્ટન ઊભો થયો અને બોલ્યો, ‘ચાલો, હું જાઉં છું. પેલા એકલા માણસને પાછો લાવવા. છે કોઈ મારી સાથે આવવા તૈયાર ? જો કોઈ નહીં જઈએ તો ચોક્કસ એ માણસ ડૂબી જશે. એ ખૂબ જ થાકેલો લાગતો હતો અને એની હોડી પણ ડૂબી જાય એવી જ હતી !’ તાલીમ પામેલ ટુકડી ખૂબ જ થાકી ગઈ હતી. એમાંથી કોઈ ઊભું ન થયું. છેલ્લે એક સોળેક વરસનો છોકરો ઊભો થયો. એ બોલ્યો, ‘તમારી સાથે હું આવીશ, ચાલો !’ એટલું કહીને એ બોટમાં ચડવા જતો હતો.

ત્યાં જ એની મા દોડતી આવી. એણે એનો હાથ પકડી લીધો અને બોલી, ‘નહીં મારા દીકરા ! હું તને તો નહીં જ જવા દઉં. તારા પિતાજી દસ વરસ પહેલાં આવી જ એક દરિયાઈ હોનારતમાં ડૂબી ગયા હતા. તારો મોટો ભાઈ પૉલ પણ ત્રણ અઠવાડિયાં પહેલા જ માછલી પકડવા ગયો હતો. એ પણ પાછો ન આવ્યો. હવે મારી પાસે બસ તું જ છે, બેટા ! હવે મારો એકમાત્ર આધાર તું જ છે એટલે તને તો નહીં જ જવા દઉં !’

માનો હાથ છોડાવીને મક્કમતાપૂર્વક એ છોકરો બોટમાં ચડી ગયો. બોટ ઊપડી ત્યારે એ બોલ્યો, ‘મા ! ગામ માટે કામ કરવાનો વારો આવે ત્યારે આપણે આપણો સ્વાર્થ જોવાનો ન હોય. મારે ગામ પ્રત્યેની ફરજ બજાવવી જ જોઈએ !’

એ છોકરાની મા આક્રંદ કરતી રહી. ગાંડાતૂર મોજાંઓ વચ્ચે બોટ ફરી એક વાર અદશ્ય થઈ ગઈ. ગામના લોકો એમ જ કાંઠા પર ઊભા હતા. બીજો એકાદ કલાક વીતી ગયો. બધા ચૂપચાપ અને ધડકતા હૈયે ઊભા હતા. થોડી વાર પછી ફરી એક વખત ધુમ્મસ અને અંધકારનો પહાડ ચીરીને આવતી બોટ નજરે પડી. બોટ જરાક નજીક આવી એટલે ગામના થોડાક માણસો સામે દોડ્યા. દૂરથી જ એમણે બૂમ પાડી :

‘અરે ભાઈ ! તમને પેલો માણસ સુખરૂપ મળી ગયો કે નહીં ?’

‘હા ! મળી ગયો !’ બોટમાંથી જવાબ મળ્યો. એ અવાજ પેલા સોળેક વરસના છોકરાનો હતો. એણે બૂમ પાડીને કહ્યું : ‘એ માણસ તો મળી ગયો છે, પરંતુ તમે કોઈ મારી માને કહો કે એ માણસ બીજો કોઈ નહીં, પણ મારો મોટોભાઈ પૉલ છે !’

શીખ :

નિઃસ્વાર્થભાવે કરેલ કામનું વળતર કુદરત તરફથી કંઈક આવું જ મળતું હોય છે !

2

મિત્રો આપણે નાના હતા ત્યારે વાર્તાઓ બહુ સાંભળતા હતા અને ગમતી પણ બહુ. આજે મોટા થયા તો એક મોટા માટેની વાર્તા કહેવી છે તમને...

એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો. બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે.

ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંજવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે.

ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય. રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી.

પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી એણે તો એવુ જ કહ્યુ કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હુ સાથે નહી આવી શકું.

રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.

વાર્તાની શીખ :

મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ. પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. બીજી રાણી તે આપણી સંપતિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઇ જાય છે. ત્રીજી રાણી તે આપણો પરિવાર અને ચોથી રાણી તે આપણો આત્મા...!!

આ વાર્તાને દીવાદાંડી રૂપ રાખી લાઈફમાં અગ્રીમતા સેટ કરજો ! જીવન ધન્ય થઇ જશે! વિચાર જો દોસ્તો !!

3

સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે:

એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને બહારની શેરીમાં પડતી રસોડાની બારી પર મુકવી જેથી જરુરિયાત વાળી વ્યક્તિ એ રોટલીઓ ઉપયોગ કરી શકે. એક વખત એક ભિખારીની નજર આ રોટલી પર પડી એટલે એ રોટલી લેવા માટે આવ્યો. રોટલી હાથમાં લઇને બોલ્યો “ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલા બહેનને આ કંઇ સમજાયુ નહી.

બીજા દિવસે ભિખારી પાછો આવ્યો. પેલી સ્ત્રી રોટલી મુકે તેની રાહ જોઇને બેઠો જેવી રોટલી મુકી કે ફટાક દઇને ઉઠાવી લીધી અને બોલ્યો “ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળે છે.” પેલી સ્ત્રી વિચારવા લાગી કે એણે મારો આભાર માનવો જોઇએ કે કૃતજ્ઞતા વ્યકત કરવી જોઇએ એને બદલે એ તો રોજ એક સરખો ઉપદેશ આપે છે.

હવે તો આ રોજનો ક્રમ બની ગયો. જેવી રોટલી બારી પર મુકાય કે ભિખારી એ ઉઠાવીને ચાલતી પકડે. પેલી સ્ત્રીને હવે ગુસ્સો આવ્યો. રોજ મારી રોટલી લઇ જાય છે પણ આભારના બે શબ્દો પણ બોલતો નથી. એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં રોટલી પર ઝેર ચોપડીને બારી પાસે મુકવા ગઇ. ભિખારી ત્યાં રાહ જોઇને બેઠો જ હતો. રોટલી બારી પર મુકતા એ સ્ત્રીનો જીવ ન ચાલ્યો એણે ઝેરવાળી રોટલીને ચુલામાં નાખીને સળગાવી દીધી અને બીજી રોટલી બનાવીને બહાર મુકી જે લઇને ભિખારીએ ચાલતી પકડી.

થોડા સમય પછી કોઇએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો. એણે દરવાજો ખોલ્યો તો એ ફાટી આંખે સામે ઉભેલી વ્યક્તિને જોઇ જ રહી. ઘણા સમય પહેલા ઘર છોડીને જતો રહેલો એનો યુવાન દિકરો સામે ઉભો હતો. ભિખારી કરતા પણ ખરાબ હાલત હતી. આખુ શરિર ધ્રુજતું હતું. સ્ત્રી તો પોતાના દિકરાને ભેટીને રડી જ પડી.

છોકરાએ કહ્યુ , “ હું ઘણા દિવસનો ભુખ્યો હતો. માંડ માંડ આપણા ગામના પાદર સુધી પહોંચી શક્યો. વધુ ચાલવાની મારી કોઇ જ ક્ષમતા ન હતી. હું બેભાન જેવી અવસ્થામાં પડેલો હતો. ત્યારે ત્યાંથી એક ભિખારી પસાર થયો એના હાથમાં એક રોટલી હતી. હું ટીકી ટીકીને એ રોટલી જોવા લાગ્યો. ભિખારીએ રોટલી મને આપી અને કહ્યુ , “ હું રોજ આ રોટલી ખાઉં છું પણ આજે મારા કરતા આ રોટલીની તને વધારે જરૂર છે. માટે તું ખાઇ જા.”

પેલી સ્ત્રી ત્યાં જ ફસડાઇ પડી. “ અરે મારા પ્રભુ ! આજે ગુસ્સામાં ને ગુસ્સામાં ઝેરવાળી રોટલી એ ભિખારીને આપી હોત તો ?……..હવે મને સમજાય છે એ જે બોલતો હતો તે બિલકુલ સાચુ હતુ.”

વાર્તાની શીખ

કોઇપણ કામ કરવામાં આવે ત્યારે વહેલું કે મોડુ એનું પરિણામ અવશ્ય મળે છે. સદભાવથી કરેલા કાર્યનું પરિણામ સુખદ હશે અને દુર્ભાવથી કરેલા કાર્યનું પરિણામ દુ:ખદ હશે.

4.

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે.

પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી. માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એમણે કામ ચાલુ રાખવા માટે ખુબ સમજાવ્યો પણ કારીગર પોતાના નિર્ણયમાં મક્કમ હતો. નાછુટકે માલિકે એને કામ છોડવાની મંજુરી આપી પણ એક શરત મુકી કે તારે જતા પહેલા એક છેલ્લુ કામ કરવાનું એ કામ પુરુ થયા બાદ તને તારા કામમાંથી મુક્તિ આપવામાં આવશે. કારીગરે માલિકની વાત માન્ય રાખી.

માલિક દ્વારા અંતિમ કામ તરીકે એક સુંદર ભવનના નિર્માણનું કામ આ કારીગરને સોંપવામાં આવ્યું. આખુ મકાન લાકડામાંથી તૈયાર કરવાનું હતુ અને ગમે તેટલો ખર્ચ થાય પાછુ વાળીને જોવાનું ન હતું. કારીગર માટે આ આખરી કામ હતું આથી કામમાં એનું બહુ મન લાગતું ન હતું એના હાથ પણ હવે ઢીલા પડી ગયા હતા.

પહેલા એ પોતાની જાતે ઉત્તમ લાકડાની પસંદગી કરતો હતો પણ આ મકાન માટે એણે ઘણુ ખરુ કામ બીજા પર જ છોડી દીધુ હતું. જેમ તેમ કરીને એણે પોતાને સોંપાયેલા આ અંતિમ કામને પૂર્ણ કર્યુ અને એ પોતાના માલિકને મળવા માટે ગયો. તૈયાર થયેલા નવા ભવનની ચાવી એણે માલિકના હાથમાં મુકી અને હવે કામમાંથી નિવૃત કરવા માટે વિનંતી કરી.

માલિક પોતાના આ સૌથી પ્રિય કારીગર પાસે ગયા એને પ્રેમથી ભેટ્યા અને પછી કહ્યુ , “ ભાઇ તે વર્ષો સુધી મારા માટે કામ કર્યુ છે આથી તારી નિવૃતિ વખતે મારે એવી ભેટ આપવી છે જે તને જીવનભર યાદ રહે. નવા ભવનની આ ચાવી હવે તારી પાસે જ રાખ કારણ કે મારા તરફથી તને અને તારા પરિવારને હું એ ભેટમાં આપુ છું.”

કારીગર તો આ વાત સાંભળીને સુનમુન થઇ ગયો. એને ખુબ પસ્તાવો થયો કે મેં બીજા માટે કેવા સુંદર ઘર બનાવ્યા પણ મારુ જ ઘર સારુ ન બનાવી શક્યો. કાશ મને પહેલેથી ખબર હોત કે આ ભવન મને જ ભેટમાં મળવાનું છે.

શીખ :

બીજા માટે કરવાના દરેક કામ પોતાના માટે જ છે એ ભાવથી કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નહી આવે..

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888