prem ni ek pal books and stories free download online pdf in Gujarati

પ્રેમની એક પળ

           સાંજની વેળા છે , વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ચાલુ થયો , વરસતા વરસાદ માં બે યુવા હૈયા કે જેનું નામ છે વૈભવ અને રેણુકા ઑફિસેથી પરત ફરી રહ્યા હતાં. અચાનક અણધાર્યા સમયે વરસાદ આવતા આ યુવાન કપલ રસ્તાની બાજુ પર આવેલા એક ઘટાદાર વૃક્ષની નીચે ઉભા રહ્યાં.


           વરસાદ પણ પોતે મન મુકીને વરસવાનું નક્કી કર્યું હોય એવું લાગતું હતું , જો કે વરસાદ કોને ન ગમે , વરસાદ બધાને ગમે પછી તે બાળક હોય કે યુવાન કે પછી વૃદ્ધ સૌ કોઈને વરસાદ ગમતો હોય છે.

            વરસાદ ને લીધે રસ્તો એકદમ પાણી પાણી થઇ ગયો હતો અને વરસાદનાં અવાજ સિવાય અન્ય કોઈ અવાજ સંભળાતો હતો નહીં.વરસાદને લીધે આજુબાજુનું વાતાવરણ નયનરમ્ય થઈ ગયું હતું જેને માણવો એ એક સહજ મનુષ્યની મનોવૃત્તિ હોય છે  પરંતુ વરસાદ શીખવે છે કે જિંદગીની અમૂલ્ય અને કિંમતી પળો માત્ર માણી કે અનુભવી શકાય છે સાચવી શકાતી નથી.


            રસ્તાની બાજુએ વૃક્ષની પાસે ઊભેલું પેલું યુવાન કપલ આ અનેરી પળો માણી રહ્યું હતું , એવા મા વૈભવનું ધ્યાન રેણુકાના સુડોળ અને સુંદર શરીર પર પડયું જે વરસાદમાં ભીંજવાથી બધું આકર્ષક અને મોહિત લાગી રહ્યું હતું.


            રેણુકા પરથી વૈભવને નજર હટાવવાની ઈચ્છા થતી ન હતી, રેણુકાનાં વરસાદને લીધે ભીંજાયેલા એના સુંદર કાળા ભમ્મર વાળ જાણે એના વાળમાં કોઈ હીરા જડયા હોય એવી રીતે ચમકી રહ્યા હતાં, રેણુકાના ચહેરા પર પડેલા વરસાદનાં પાણીના ટીપા તેની સુંદરતા અને મોહકતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં અને ભીંજાયેલી સાડીમાં રેણુકા ને જોયા પછી તેનું સુડોળ શરીર વૈભવના માનસપટ્ટ પર છવાય ગયું હતું અને તેની સાડીની એક બાજુ થી ડોક્યુ કરી રહેલ રેણુકાનો કમરનો ભાગ વૈભવને વધુ ને વધુ મોહિત કરી રહ્યો હતો, વરસાદને લીધે આજુબાજુનું વાતાવરણ જેટલું નયનરમ્ય હતું તેટલું જ રેણુકાનું શરીર વૈભવને નયનરમ્ય લાગી રહ્યું હતું.


            વૈભવ અને રેણુકા બંને એકબીજા એ આંખોમાં આંખ પોરવી ને એકબીજાને નિહાળી રહ્યા હતાં ત્યાંજ જોરદાર અવાજ અને પ્રકાશ સાથે વીજળીનો એક જોરદાર કડાકો થયો, વીજળી નો કડાકો થતાની સાથેજ જેવી રીતે કોઈ નાનુ બાળક તેના માતા કે પિતાને વળગી જાય એવી જ રીતે  રેણુકા વૈભવને વળગી ગઈ.


            જેવી રેણુકા વૈભવને ભેટી એવો જ વૈભવે રેણુકાના માથા પર અને બરડાના ભાગે હાથ ફેરવ્યો અને નાના બાળકને જેવી રીતે હિંમત આપી એ તેવી જ રીતે વૈભવે માત્ર પોતાનો સ્પર્શ થી રેણુકાને હિંમત આપી.


            રેણુકાએ ફરીથી એકવાર વૈભવ તરફ ગર્વ અને પ્રેમપૂર્વક જોયું અને એકબીજામાં ઓતપ્રોત થઇ ગયાં અને પોતાની પ્રેમની યાદોની દુનિયામાં ખોવાય ગયા.


*************


        આજે એફ.વાય.બી.એસ.સી ની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું સૌ કોઈને પોતાના પરિણામની ચિંતા હતી.બધા વિદ્યાર્થીઓ ઓ ખૂબ જ આતુરતાપૂર્વક પોતાના પરિણામની પ્રતીક્ષા કરી રહ્યા હતાં.


         એટલામાં જ એફ.વાય. બી.એસ.સી નાં કલાસ કોર્ડિંનેટર પંચાલ સાહેબ આવ્યા.તેના હાથમાં યુનિવર્સિટી ની પરીક્ષાની માર્કશીટો હતી.થોડુંક પ્રવચન આપ્યા બાદ પંચાલસાહેબે પરિણામની જાહેરાત કરવા લાગ્યાં.


         “ આપણાં વર્ગ માં 80 % સાથે પ્રથમ નંબર પર આવે છે ….મિ. વૈભવ “


         સૌ કોઈ એ તાલીઓના ગળગળાટ સાથે પુરા કલાસે વૈભવની આ સિદ્ધિ ને બિરદાવી અને અભિવાદન કર્યું.


        “ અને 78% સાથે બીજા નંબરે પર આવે છે રેણુકા “ ફરી આખો કલાસ તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યો.


         રેણુકા વૈભવને મનોમન ચાહતી હતી અને વૈભવ પણ રેણુકાને મનથી પસંદ કરતો હતો પરંતુ પ્રથમ વર્ષ આખું પૂરું થઈ ગયું છતાં પણ તે લોકો એકબીજાને પોતાના હૃદયની લાગણી જણાવી શક્યાં નહીં.જોતજોતમાં એસ.વાય.બી.એસ.સી પણ શરૂ થઈ ગયું.


        બીજું વર્ષ શરૂ થયા નાં એકાદ મહિના બાદ રેણુકાએ વૈભવને પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો , રેણુકાનો પણ ખબર હતી કે વૈભવ પણ તેને મનથી ચાહે છે કે પસંદ કરે છે.


     “ વૈભવ ! મારે તને કંઇક કહેવું છે “ - થોડા ગભરાયેલા અવાજ સાથે રેણુકાએ વૈભવને કહ્યું.


    “ હા ! બોલ રેણુકા તારે મને શું કહેવું છે “

    

   “ પહેલા તું મને પ્રોમિસ આપ કે તું ના નહીં પાડે !”


   “ અચ્છા ચાલ પ્રોમિસ આપ્યું બસ “

   

  “ વૈભવ મને ખબર છે કે તું મને પસંદ કરે છે અને હું પણ તને છેલ્લા   એક વર્ષથી પસંદ કરું છું “

   

  “ હું ઘણા સમય થી વિચારી રહી હતી કે તારી સમક્ષ મારા પ્રેમનો પ્રસ્તાવ કેવી રીતે મુકુ , પરંતુ મને કઇ વિચાર આવ્યો નહીં એટલે મેં આજે નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય આજે તો હું મારા પ્રેમનો પ્રસ્તાવ તારી સમક્ષ મૂકીને જ રહીશ”


    “ આઈ લવ યુ ! વૈભવ”


         આ બધું સાંભળીને વૈભવ એકદમ આવક બની ગયો તેના રોમેંરોમમાં જાણે કોઈ હાઈ વોલ્ટેજનો કરન્ટ પસાર થયો હોય એવું લાગી રહ્યું હતું અને સ્વાભાવિક છે કે આપણે જેને મનોમન ચાહતા હોય અને તે વ્યક્તિ સામે ચાલી આવીને પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે ત્યારે આપણી પરિસ્થિતિ પણ વૈભવ જેવી જ થતી હોય છે. વૈભવ એકદમ શૂન્યમનસ્ક બની ગયો , રેણુકાએ મુકેલ પ્રસ્તાવ સ્વીકારાવો કે નહીં ? શું જવાબ આપવો વગેરે….વિશે વૈભવ મનમાં વિચારવા લાગ્યો.


    “ રેણુકા એ તારી વાત સાચી છે કે હું તને પસંદ કરું છું પણ એનો અર્થ એ નહીં કે હું તને પ્રેમ કરું છું માટે એ શક્ય નહીં મારા માટે “


     પોતાને પસંદ કરતાં વૈભવ પાસે થી રેણુકાએ આવા જવાબની આશા રાખી હતી જ નહીં અને વૈભવનો આવો ઉત્તર સાંભળી ને રેણુકા રડતા રડતા દુઃખી હૃદયે ત્યાંથી જતી રહી.


       એવું તે શું કારણ હશે કે વૈભવ રેણુકાનો પસંદ કરતો હોવા છતાં પણ તેણે રેણુકાના પ્રેમના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો ...એનું કારણ હતું….વૈભવનું ગરીબ કુટુંબ ...વૈભવ ભણી-ગણી પહેલા પોતાના પરિવાર માટે કંઈક કરવા માંગતો હતો.

       

       આ બનાવ નાં એક મહિના પછી રેણુકાની હાલત વૈભવ જોઈ ન શક્યો કારણકે ગમે તેમ તો વૈભવ તેને પ્રેમ તો કરતો જ હતો આથી તેને રેણુકાનો કોલેજ પુરી થાય પછી કોલેજ ના બગીચે મળવા બોલાવી.

      

       વૈભવે પણ આજે રેણુકાનો જણાવવા નક્કી કર્યું હતું કે તેની લાગણીઓને હર્ટ કરીને પોતે કેટલો દુ:ખી છે ..એવામાં પાંચ ક્યાં વાગી ગયા એ ખબર ન ના પડી અને રેણુકા કોલેજના બગીચામાં વૈભવને મળવા આવી.

   

“ રેણુકા હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારા વગર નહીં રહી શકીશ” - વૈભવ એક શ્વાસે જ બધુ બોલી ગયો .


“ આઇ લવ યુ ! રેણુકા” .

 

“ આઈ લવ યુ ટુ વૈભવ “ આટલું બોલતાની સાથે જ રેણુકા વૈભવને ગળે મળીને રડવા લાગી.


    વૈભવ પણ પોતાની લાગણી ઓ ઉપરનો કાબુ ગુમાવી એ પણ રડવા લાગ્યો બંને ના ચહેરા પર અશ્રુ સાથે એક નાનું સ્મિત હતું.


    “ પણ મને એક વાતનું પ્રોમિસ આપ કે આપણા આ સંબંધની અસર ક્યારેય મારા કે તારા અભ્યાસ પર નહીં પડે , પહેલા આપણે આપણાં પોત પોતાના પરિવાર માટે કંઈક કરીશું અને પછી જ આપણે આપણા ભવિષ્ય વિશે વિચારશું “


     “ એક આશા અને વિશ્વાસ  સાથે રેણુકા એ હસતાં - હસતાં પ્રોમિસ આપી”.


      જે પ્રેમ કે પ્રણય ની કોઈ શકયતા હતી જ નહીં અને એજ પ્રેમ આજે તેની તમામ સીમાઓ અને હદ વટાવી ગયો અને ફરીથી એ સાબિત કરી દીધું કે હંમેશા સાચા પ્રેમની જીત થાય છે.


****************


     અચાનક ફરી એકવાર વીજળીનો જોરદાર પ્રચંડ અવાજ સાથે ધડાકો થયો અને બંનેવ એકાએક ઝબકી ઉઠ્યા અને પોતાની સોનેરી યાદોની દુનિયામાંથી બહાર આવી ગયાં અને એકબીજા તરફ પ્રેમથી એક સ્મિત આપ્યું. વરસાદ પણ હવે બંધ થઈ ગયો હતો. આજે તેના લગ્ન થયાં ને બે વર્ષ જેવું ગયું હતું.


      વૈભવ પોતાની બાઇક પર બેઠો અને રેણુકા વૈભવને એકદમ પ્રેમથી વળગી ગઈ અને વૈભવની  પીઠ પર પોતાનું માથું ટેકવી દીધું અને પોતાની જાત પર ગર્વ અનુભવી રહી હતી કે અંતે તેનો પ્રેમ સફળ થયો અને મનોમન ભગવાન નો આભાર માન્યો અને તેઓ અંધારાને ચીરતાં - ચીરતાં તેઓ પોતાના ઘરે પહોંચી ગયા.


      મિત્રો જો આ દુનિયામાં તમને સાચો પ્રેમ મળે તો ઉપરવાળા નો આભાર માનજો કારણકે આ દુનિયામાં એ વ્યક્તિથી વધુ કોઈ નસીબદાર નથી હોતું……. હું પણ મારી જાતને નસીબદાર માનુ છું કે મને પણ મારી લાઈફમાં સાચો પ્રેમ મળ્યો છે.


   આથી જ કોઈ એ કહ્યું છે કે

        

        “ જેને ચાહો છો અને પામી નથી શકતા “

         “જેને પામો છો અને ચાહી નથી શકતા”

         “આ દરમિયાન જો તમને આ જગતમાં

           પ્રેમ નામનું તત્વ મળે તો ભગવનો નો

           હૃદયપૂર્વક આભાર માનજો”


      સાહિત્ય ની દુનિયાનું એક નાનકડું ફુલ…..

               મકવાણા રાહુલ.એચ