amrut nayani books and stories free download online pdf in Gujarati

અમૃત નયની

ભાવેણાનુ ભાયાવદર ગામ

                     સવારનો સમય છે બધા લોકો પોતાના કામે જવા માટે નીકળી પડ્યા છે. ગામના પાદરમા ખળ – ખળ કરતી નદી , ચારેબાજુ લીલા ડુંગરો, ડુંગરો પરની લીલોતરી જાણે કુદરતે આપેલ નવો પોશાક પહેરયો હોય તેવી રીતે શોભી રહ્યા હતાં, આકાશમાં ઉડતાં અને વ્રુક્ષોની ડાળીઓ પર બેસેલા પક્ષીઓ જાણે કોઇ સુપરસ્ટાર ગાયક કે સંગીતકાર હોય તેવી રીતે કર્ણપ્રિય સુરો વાતવરણમાં રેલાવી રહ્યા હતાં.ગામનાં પાદરમાં જ એક વિશાળ વડલાનું એક વ્રુક્ષ આવેલ હતું, અને તેના થડને ફરતે ગામનાં લોકોને બેસવા માટે એક ઓટલો બનાવેલ હતો. ઠાકુર યશવંતસિંહ ત્યાં ઓટલાં પર બેઠા  હતાં.

                     એવામાં અચાનક એક ધુળની ડમ્મરી ઉડી અને ઘોડાનાં પગલાનો અવાજ સંભળાયો, ચાર-પાંચ જુવાન દેખાતા એ લોકો ગામનાં પાદરમાં પ્રવેશ્યા અને પોત-પોતાના ઘોડાઓને વ્રુક્ષ સાથે બાંધીને પાણી પિવા માટે ગામનાં પાદરમાં આવેલા કુવા તરફ પગલાં માંડયા. ઠાકુર યશવંતસિંહે એમને રોકયા અને પુછ્યુ :

   ભાઇ કયા ગામથી આવો છો ? કયાં ગામ જાવ છો ? તમારા નામ શું છે ? – આવા અનેક પ્રશ્નો ઠાકુર યશવંતસિંહે પેલા લોકોને એકસાથે જ પુછી લીધા.

     ઠાકુર યશવંતસિંહના પ્રશ્નો નો એક પછી એક ઉત્તર આપતાં તે લોકોએ જણાવ્યુ કે

બાપુ અમે વલ્લભીપુર થી આવીએ છીએ અને અમે તળાજા જઇ રહયા છીયે.

    ઠાકુર યશવંતસિંહે તેમને પોતાના ઘરે જમવ માટે આગ્રહ કર્યો અને જમીને તળાજા તરફ જવાં માટે સમજાવ્યુ, એ લોકોએ ઠાકુર યશવંતસિંહની વિનંતી નકારતા કહયું કે:

    બાપુ અમારે સાંજ પહેલા તળાજા પહોંચવાનું છે માટે અમે તમારે ત્યાં નહિ જમી શકિએ , પરંતુ ઠાકુર યશવંતસિંહે વધુ ને વધુ વિનંતી કરી આથી અંતે તે બધાં ઠાકુર યશવંતસિંહનાં ઘરે જમવાં માટે તૈયાર થઇ ગયાં.

     એ બધાં ચહેરા સજ્જન હોવાનો દાવો કરી રહ્યા હતાં પરંતુ તેની ચાલવાની રીત, બોલવાની રીત, કે તેનાં વ્યવહારની રીત કઇંક અલગ જ ભાસ દર્શાવી રહિ હતી.

     એવામાં ઠાકુર યશવંતસિંહનુ ઘર આવી ગયું, ઠાકુર યશવંતસિંહ એ ઠાકુર તેજસિંહનાં સાતમાં વશંજ હતાં, ઠાકુર યશવંતસિંહ કહેવાના ઠાકુર હતાં પરંતુ હાલ તેઓ ગરીબીમાં જીવી રહયાં હતાં અને તેના ઘરની દિવાલો પણ ચિલ્લાય – ચિલ્લાયને તેની ગરીબી વિશે જણાવી રહ્યા હોય તેવું લાગી રહ્યુ હતું, પરંતુ ઠાકુર યશવંતસિંહ ને એ બાબતનો ગર્વ હતો કે તેનાં માતા-પિતાએ અને વડિલોએ સિંચેલા સંસ્કાર આજે પણ તેના લોહિમાં વહિ રહ્યા હતાં.   

   ઠાકુર યશવંતસિંહે એ બધાને ખુબજ પ્રેમથી જમાડયું અને જમ્યા બાદ એ લોકો ઠાકુરની પરવાનગી મેળવી તળાજા તરફ જવાં રવના થયાં, ઠાકુર યશવંતસિંહ તે લોકોને વળાવવા માટે ગામને પાદર સુધી આવ્યા હતાં. એ બધાં પોત – પોતાના ઘોડા પર સવાર થયાં અને ઠાકુર યશવંતસિંહને રામ –રામ કરીને તળાજા તરફ જવાનાં રસ્તે આગળ વધ્યા અને ધુળની ડમ્મરીઓમાં તેઓ દેખાતાં બંધ થઈ ગયાં.

*********************************

   આ બનાવના બીજે દિવસે ઠાકુર યશવંતસિંહ સવારે પેલા વ્રુક્ષની ફરતે બનાવેલ ઓટલા પરા બેઠાં હતાં, એ જ નયનરમ્ય વાતવરણ, એ જ નદિનુ ખળ ‌- ખળ કરીને વહેવું, એજ ડુંગરોનુ મનમોહક દ્રશય, એ જ પક્ષીઓનો કર્ણપ્રિય મધુર અવાજ.

  ઠાકુર યશવંતસિંહ વ્રુક્ષની ફરતે બનાવેલાં ઓટલા પર બેઠાં હતાં અને બિડિનો એક પછી એક કસ મારી રહ્યાં હતાં, તેવામાં અચાનક તળાજામાં રહેતો એમનો મિત્ર દેવકુમાર આવ્યો, અને ઠાકુરને કહ્યું:

બાપુ ગજબ થઇ ગયો ! – થોડા ગભરાયેલા અવાજમાં દેવકુમારે જણાવ્યુ.

થોડો શ્વાસ લે અને બધું જ વિગતવાર જણાવ.

ભગવાન કાલે રાત્રે અમારા ગામમાં ડાકુ વજેસંગ અને તેનાં સાથીદારોએ અમારા ગામ તળાજા પર હુમલો કરીને બધું જ લુંટી લીધુ અમે બરબાદ થય ગયાં.

ઠાકુર યશવંતસિંહની પોતાના ઘરે જમવા આવેલા પેલા લોકો પ્રત્યેની શંકા હવે હકિકતમાં પરીણમી અને આ બધુ થવા પાછળ પોતાની જાતને જવાબદાર માની રહ્યાં હતાં.

************************************

     આ બનાવનાં ચાર દિવસ બાદ જયારે ઠાકુર યશવંતસિંહ ગામનાં પાદરે પેલા ઓટલા પર બેઠાં હતાં ત્યારે તેમને દુરથી ધુળની ડમ્મરી ઉડતી નજરે ચડી, ઠાકુર યશવંતસિંહે કપાળ પર હાથ રાખીને જોવાનો પ્રયતન કર્યો , જોતાની સાથે જ તેઓ એકદમથી ગભરાય ગયાં , કારણ કે એ હતાં ડાકુ વજેસંગ અને તેના સાથી મિત્રો, ધીમે – ધીમે એ લોકો ગામનાં પાદરમાં પ્રવેશ્યા. ઠાકુર યશવંતસિંહને શું કરવું એની કઇ ખબર પડતી હતી નહિ , છેવટે ફરી એકવાર વેરની સામે સંસ્કારોની જીત થઇ અને ફરી એકવાર ઠાકુર યશવંતસિંહ તેમને પ્રેમથી પોતાના ઘરે જમવાં માટે બધાં લઇ ગયાં.

    જમ્યા બાદ બધા આરામ કરવાં માટે ઘરની બહારનાં ભાગે ઢાળેલ ખાટલા પર બેઠાં અને વજેસંગે ઠાકુરને પુછ્યું :

બાપુ હુ કોણ છું એ તમે જાણો છો?

હા ! ખુબ જ સારી રીતે !

તો જણાવો હુ કોણ છું અને મારું નામ શું છે ?

તમારું નામ છે ........?????........... મહેમાન .

     બધુ જ જાણતા હોવા છતાં પણ ઠાકુર યશવંતસિંહે બધુ આંખનાં કોઇ એક ખુણામાં દબાવીને ખુબ જ પ્રેમથી અને નમ્રતાથી એક હળવા સ્મિત સાથે જવાબ આપ્યો.

     આ સાંભળી વજેસંગ એકદમ અવાક બની ગયો, જાણે કોઇ એ તેના હૈયા પર તીક્ષ્ણ હથિયાર થી હજારો ઘા એકસાથે માર્યા હોય તેવુ લાગી રહ્યું હતું, કાપો તો પણ લોહિ ન નિકળે એવી વજેસંગની હાલત થય ગઇ.   

     એટલીવારમાં ઠાકુર યશવંતસિંહનાં ધર્મપત્ની સવિતાબા બધાને માટે ચા લઈને આવ્યાં, એનુ વ્યક્તિત્વ એટલુ પ્રભાવશાળી હતું કે માનો કે કોઇ પ્રેમની દેવી સાક્ષાત આ ધરતી પર આવ્યા હોય એવું લાગી રહ્યું હતું, તેમની આંખોમા અનહદ અને અપાર પ્રેમ હતો ચહેરા પર સ્મિત હતું અને બધાને ખુબ જ પ્રેમથી ચા પિવડાવી.

     હવે વજેસંગમાં એટલી પણ હિમ્મત ન હતી કે તે ઠાકુર યશવંતસિંહ  કે સવિતાબા ની આંખો થી આંખો મેળવીને વાત કરી શકે માનો કે એવું લાગી રહ્યું હતુ કે વજેસંગનું ડાકુ હ્રદય પરવર્તિત થઈ રહ્યુ હોય, છતાંપણ ડાકુ વજેસંગે હિમ્મત કરીને બોલ્યો:

માં – થોડા દબાયેલા અને ખરડાયેલા અવાજ સાથે વજેસંગ બોલ્યો.

       આટલું સાંભળતાની સાથે જે સવિતાબાનાં આનંદનો કોઈ પાર રહ્યો નહિ અને તેનો આનંદ સાતમા આસમાને પહોચી ગયો સવિતાબાને જાણે બીજો નવો જન્મ લીધો હોય તેવુ લાગી રહ્યું હતું.....જેનુ કારણ હતું તેમનું  નિ:સંતાનપણુ અને તેમને પહેલીવાર કોઈએ આ સંબોધન થી નવાજયા.સવિતાબાની આંખોમાં એક અનેરૂ તેજ અને હ્રદયની લાગણીઓનો પ્રવાહ તેની આંખો થકિ વહેવા લાગ્યો અને ફરી એકવાર માં નુ હ્રદય ધબકવા લાગ્યુ હોય એવુ લાગતુ હતું અને જેવી રીતે એક માં પોતાના બાળકને પ્રેમથી પુછે તેવી રીતે સવિતાબા એ વજેસંગને પુછ્યુ :

હા ! બેટા બોલ

માં ! તમને ખબર છે કે હું કોણ છુ ?

હા ! બેટા એક માંથી વધારે એના બાળકને કોણ જાણતું હોય ?

માં ! હું ભાવેણાની ધરતી પરનો બોજ, કુખ્યાત ડાકુ કે જેને દુનિયા વજેસંગનાં નામથી ઓળખે છે.

બેટા ! તુ દુનિયા માટે ડાકુ હતો હવે તુ ઠકારાયણ સવિતાબાનો સુપુત્ર ....વ્રજસિંહ છો.

   આટલુ સાંભળતા ની સાથે જ વજેસંગ સવિતાબા અને ઠાકુર યશવંતસિંહ નાં પગે પડી ગયો અને પોતાને પુત્ર તરીકે સ્વીકારેલ માતા–પિતાની પ્રેમાળ આંખોની દુનિયામાં ખોવાય ગયો અને ભાવેણા ની ધરતી ને ઠાકુર વ્રજસિંહ ની ભેટ મળી.  

      મિત્રો આ તાકાત હોય છે માતા-પિતા નાં પ્રેમની, તેઓનો પોતાના સંતાનો પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે જેની સરખામણીમાં દરિયો પણ ખુબ જ નાનો પડે, માતા-પિતાની આંખોમાં રહેલ પ્રેમ કે જે એક ડાકુ નુ પણ હ્રદય પરિવર્તન કરવાની ક્ષમતા રહેલી હોય છે.


              સાહિત્યની દુનિયાનું એક નાનું ફુલ

                     મકવાણા રાહુલ.એચ