સાગરપુત્ર

સાગરપુત્ર

(વાત એક ખારવા યુવકની હિંમત અને ખુમારીની..)    સાંજનો સમય છે, લોકો પોતાના કામ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, અમુક લોકો સાંજે મન અને તનની શાંતિ માટે દરિયા કિનારે ચાલે છે, પક્ષિઓ પણ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હતાં..


   અચાનક એક 22 વર્ષનો એક યુવક પોતાના બાહુ વડે દરિયાને પાર કરીને કાંઠા સુધી પહોંચ્યો, જેને જોતા એવું લાગી રહ્યું હતું કે આ કોઈ આજુ - બાજુના કોઈ ગામમાં રહેતો હોય,તેના પહેરવેશ પરથી એવું લાગી રહ્યું હતું કે તે કોઈ ખારવાનો પુત્ર હોય, કિનારે પહોંચીને તે માંડ- માંડ કિનારે પહોંચ્યો હોય એવું લાગી રહ્યું હતું, અને થાકોડો તેના ચહેરા પરની ઉપસેલી રેખા પરથી સ્પષ્ટપણે માપી શકતો હતો, આ યુવકને જોઈ બધા તેને મદદ કરવાની ભાવનાથી દોડી આવ્યા, સાથે સાથે અમુક લોકોએ તેને પીવા માટે પાણીની બોટલ આપી,અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે આખું ટોળું થોડું દૂર ખસી ગયું………….


*******************************************************

એક અઠવાડિયા પહેલા

સાંજના 7 કલાકની આસપાસ


        દોલત તેના ઘરે આવ્યો, અને હાથ-પગ ધોઈને જમવા બેઠો, અને પોતાના મમ્મીને કહ્યું કે..

“બા ! જલ્દી જમવાનું આપ, મને આજે બવ જ ભૂખ લાયગી છે.” - દોલતે આસન પર પોતાનું આદિપત્ય જમાવ્યુ પછી બોલ્યો.

“હા ! બેટા, મેં જમવાનું તો બનાવી નાયખું છે, હું તને થોડીવારમાં જ આપું છું.”

“હા ! મમ્મી પણ ! થોડું ઝટ કરજે.”

“હા ! મારા વીર.’ - દોલતની મમ્મીએ હસતા - હસતા જવાબ આપ્યો, પરંતુ તેના આ હાસ્યની માલિપા ક્યાંક કંઇક નિરાશા અને લાચારી છુપાયેલી હતી.

     થોડીવાર પછી દોલતની મમ્મી જમવાનું લઇ આવી,જમવામાં બપોરના ભાત અને સંભાર દાળ હતી જ હતી, આ સિવાય ઘરમાં જમવાનું બનાવવા માટે કંઈ હતું જ નહીં, જે તેના પરિવારની ગરીબીની ચાડી ખાય રહી હતી.જેવું જમવાનું દોલતની મમ્મીએ થાળીમાં પીરસ્યું કે તરત જ એ જોઈને દોલત એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે….

“આ ! શું છે જમવાનું?, બપોરનું વાસી જમાવાનું મારે જમવાનું, મારે નહીં જમવું”- આટલું બોલી તે થાળીને અડસેલીને ઘરની બહાર જતો રહ્યો.

     દોલત ઘરની બહાર જઇ પોતાના ગામના ચોરે જઇને બેઠો, અને પોતાના ખિસ્સા માંથી બીડી અને બાક્સ કાઢી બીડી પીવા લાગ્યો, અને મનોમન વિચારવા લાગ્યો કે ધિક્કાર છે, આ જિંદગી પર કે જેમાં બે સમયનું સરખું ખાવાનું પણ નહીં મળતું.

     એટલી વારમાં દોલતનો પાડોશી અને સાથે - સાથે દોલતનો ખાસ ભાઈબંધ ભાવેશ આવ્યો, ભાવેશ અને દોલત વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી,ભાવેશે આવીને દોલતને કહ્યું કે….


“એલા ! દોલત, અયાં, હું કરે છો?, હું તને મલવા માટે તારા ઘરે ગ્યો તો, તો તારા મમ્મીએ મને કીધું કે દોલત ઘરે નથી, તે બહાર ગ્યો છે.” - આટલું બોલી ભાવેશે દોલતાના ખમ્ભે હાથ મૂકીને કહ્યું કે.


“દોલત ! મારા ભાઈ ! હું જ્યારે તારા ઘરે ગ્યો તો ત્યારે તારા મમ્મી રડી રહ્યા હતાં, એટલે મેં પુયછું કે માસી કેમ રડો છો? કંઈ થયું તમારી હાયરે?, ત્યારબાદ મને તારી મમ્મીએ માંડીને હંધિય વાત કરી.”


“ દોલત ! જો તું મને તારો પાક્કો ભાઈબંધ માનતો હોય તો તને એક વાત કરું?” - ભાવેશે દોલતની આંખોમાં આંખ નાખીને પૂછ્યું.

“હા ! ભાવેશ, કેમ નય ! બોલ ને શું કેવું છે તારે?”

“દોલત ! તું તારા મમ્મી પર ગુસ્સો કરીને અહીં આવતો રયો,એ તે બરોબર નઇ કયરું….કારણ કે મને મમ્મી એ હંધિય વાત માંડીને કરયી….તને એતો ખબર છે જ કે તારા પિતા છેલ્લા ઘણા સમયથી પથારીવશ છે, આથી તમારા ઘરમાં આવક એકદમ બંધ થઈ ગઈ છે, અને તારી મમ્મી પાસે જે કંઈ મરણ મૂડી હતી, એ પણ હાલ પૂરી થઈ ગઈ છે, તારા આખા પરિવારને તારા પર આશા હતી પરંતુ તે લોકોને તારી નાદાન જીદ સામે ઝૂકી ગયા.”

      હવે દોલતને પોતાની ઘરની પરિસ્થિતિ વિશે અંદાજો આવી રહ્યો હતો, અને પોતે કરેલ ભૂલ સમજાય રહી હતી, અને પોતાના મમ્મી પર કરેલા ગુસ્સા બદલે પોતે પસ્તાય રહ્યો હતો……


********************************************************

દોલત પોતાના ઘરે આવ્યો ત્યારે લગભગ રાત્રિના 9 કલાક જેવો સમય થયો હતો, પોતાના મમ્મી પાસે જઈ દોલતે કહ્યું કે,


“મમ્મી ! મને માફ કરી દે ! મારી ભૂલ થઈ ગઈ, આજથી હું હવે ક્યારેય ગુસ્સો નહિ કરું,હવે થોડુંક જમવાનું પડેલ હોય તો જમાડી દે.”

        આટલીવારમાં દોલતે પોતાની મમ્મીનાં હાથે જ જમ્યો અને પોતાના જ હાથે પોતાના મમ્મીને જમાડ્યું, અને દોલતની મમ્મીની આંખોમાં હર્ષ કે હરખના આંસું આવી ગયા.

        ત્યારબાદ દોલત પોતાના ઘરમાંથી ધાબળો લઇને આવ્યો અને ઘરની આગળના ફળિયામાં ખાટલો ઢાળીને તેના પર ગોદડું પાથરીને સૂતો,દોલતે સુવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેને ઊંઘ આવી નહિ, તેના કાનમાં ભાવેશ દ્વારા બોલાયેલા શબ્દો હજુ પણ ગુંજી રહ્યાં હતાં, ભાવેશના એક- એક શબ્દની સીધી અસર દોલતનાં મન પર થઇ હતી.

        આથી દોલતે મનોમન નક્કી કર્યું કે આજે હું મારી જાતને વચન આપું છું કે આજ પછી મારા મમ્મીની આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઈશ, અને પોતાના પરિવારના ગુજરાન માટે પોતે કંઈક ધંધો કરશે, આવુ વિચારતા - વિચારતા દોલતને ક્યારે ઊંઘ આવી તે ખ્યાલ ન રહ્યો.


*******************************************************

બીજે દિવસે

          દોલત વહેલી સવારે જાગી ગયો, અને પોતાના ઘરની નજીક આવેલ દરિયા કિનારે ગયો, દોલતની ચાલવાની ઢબ ઉપરથી એવું લાગી રહ્યું હતું કે પોતે મનોમન કંઈક દ્રઢ નિશ્ચય કરી લીધો હોય.

          ત્યારબાદ દોલત પોતાના પૂર્વજોની છેલ્લી નિશાની સમાન પોતાની બોટ પાસે ગયો, અને તે બોટના સમારકામ કરવા લાગ્યો, એટલીવારમાં ભાવેશ ત્યાં આવી ચડ્યો, આ જોઈ ભાવેશના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો, તે દોડીને દોલત પાસે ગયો અને ખુશ થતા - થતા બોલ્યો..

“અરે ! દોલત !  આ શું કરે છો?”

“કાંઈ નહિ! મેં હવે નક્કી કર્યું છે કે હું મારી મમ્મીને ક્યારેય દુઃખી નહીં કરીશ અને દુઃખી થવા પણ નહીં દઈશ, માટે આ બોટનું સમારકામ કરીને હું કાલે દરિયામાં માછલીઓ પકડવા જઈશ અને જે કાંઈ આવક થાહે તે હું મારા મમ્મીને આપીશ.”

“વાહ ! દોલત,આખરે તને તારી ભૂલ સમજાય ગઈ ? એમ ને ?” - ભાવેશે કહું થતા કહ્યું.

“પણ ! ભાવેશ તારે પણ મારી સાથે આવવાનું છે.”

“હા ! ચોક્કસ, કેમ નહિ ? હું આવિશ તારી સાથે.”

“ હા !  તો કાલે સવારે ઉપડીયે ત્યારે”

“પાક્કું ! દોલત.”

       આટલું બોલી દોલત ફરીથી પોતાના બોટનું સમારકામ કરવામાં વ્યસ્ત થઈ ગયો, દોલતનાં જુસ્સા અને ખંતને લીધે સાંજ સુધીમાં તો બોટ એકદમ વ્યવસ્થિત થઈ ગઈ, હવે બોટ દરિયાના પાણીની સપાટી પર સડસડાટ કરતી દોડવા માટે એકદમ તૈયાર હતી.


**********************************************************

     બીજે દિવસે દોલત અને ભાવેશ પોતે અગાવ જે પ્રમાણે નક્કી કર્યું હતું તે પ્રમાણે બોટમાં જીવનજરૂરી સામાન અને જમવાનું લઈ ને સાગરદેવતા અને વરુણદેવને યાદ કરીને દરિયામાં બોટ ચલાવી મારી, દોલતે મનોમન બે - ત્રણ દિવસ રોકાવાનું નક્કી કરેલ હતું, જેથી તેઓ વધારે માછલી પકડી શકે, અને વધારે રૂપિયા કમાઈ શકે.

     પહેલા દિવસે સાગર અને દોલત વધુ માછલીઓ મળી રહે તે માટે પોતાના ઘરથી ઘણે દૂર મધદરિયે પહોંચી ગયા, પહેલા દિવસે બનેવ ખૂબ જ મહેનત કરી આથી, તેઓએ ઘણી માછલી પકડીને ભેગી કરી શક્યા.

     દોલતને માછીમારીનો કોઈ ખાસ અનુભવ હતો નહી, પરંતુ તે જ્યારે નાનો હતો ત્યારે પોતાના પપ્પા સાથે ઘણીવાર દરિયામાં માછલી પકડવા આવતો હતો, દોલતે ખાસ તો એક માં ને ખુશ કરવા અને પોતે તેના મમ્મી સાથે કરેલા વ્યવહારના પશ્ચાતાપ માટે આવડો મોટો નિર્ણય લીધો હતો.

    દોલત અને ભાવેશ આજે ખૂબ જ ખુશ હતાં, કારણ કે પોતે જે પ્રમાણે વિચાર્યું હતું, બધું તે પ્રમાણે થઈ રહ્યું હતું.સાંજે લગભગ 8 કલાક આસપાસ જમી લીઘું, અને બોટ સ્થિર કરી બનેવ સુઈ ગયાં………..

   લગભગ રાત્રીના 10 વાગ્યાની આસપાસ, એકદમ સ્થિર બનેલ દરિયા જાણે કોઈ ભૂત વળગ્યું હોય તેમ ઉંચા - ઉંચા મોજા આવવા લાગ્યા, એકદમ કાળમીંઢ આકાશ, વાદળોથી ચારેકોર ઘેરાયેલો ચંદ્ર અને અમાસની રાત્રિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રહેવા મથામણ કરતો હોય તેવું લાગી રહ્યું હતું, એકદમ સુસવાટા મારતા પવન, અચાનક વાતાવરણમા આવો એકાએક પલ્ટો આવતાં, દોલતની બોટ જે એકદમ સ્થિર હતી, તે એકદમ હાલક - ડોલક થવા લાગી, અને દોલત અને ભાવેશ એક ઝબકારા સાથે જાગી ઉઠ્યાં, બનેવે પોતાની ચારેતરફ નજર નાખી પરંતુ આખા આવડા મોટા દરિયામાં પોતાના સિવાય કોઈ નજાએ આવી રહ્યું હતું નહી, નજર આવતા હતા તો તે માત્ર મદમસ્ત બનેલ દરિયાના મોજા, બનેવ પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હતો કે જરૂરને જરૂર કોઈ ભારે તોફાન આવવાનું હોય એવું લાગી રહ્યું હતું, આથી બનેવે પોતાની બોટનું અસ્તિત્વ ટકાવી રાખવા, બોટને ડૂબતી અટકાવવા, અને બોટમાં પાણી ન ભરાય તે માટે મથામણ ચાલુ કરી. બનેવે મનમાં ને મનમાં પોતાના ભગવાનને યાદ કર્યા અને પ્રાર્થના કરવા લાગ્યા.

       અચાનક દોલતની નજર દરિયામાં કોઈ એક તરફથી આવી રહેલ પ્રકાશ પર પડી, જોત- જોતમાં તે એકદમ નજદીક આવી ગઈ, આ જોઈને દોલત અને ભાવેશની આંખો એકદમ પહોળી થઇ ગઇ, કારણે કે તે એક બીજી ખાનગી બોટ હતી જેમાં બે - ત્રણ પરિવાર એકસાથે ભેગો હોય તેવું લાગી રહ્યું હતું, દોલતે જ્યારે એ બોટમાંથી નાના - નાના ભૂલકાંઓ કે બાળકોની દર્દભરી ચીસો સાંભળી, ત્યારે એકાએક તેના શરીરમાં ધ્રુજારી અનુભવી, અને પોતાના શરીરમાં કોઈ એક દિવ્ય શક્તિનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું હતું.

         આથી દોલતે ભાવેશને બોટનું સુકાન પદ સોંપતા કહ્યું કે,“ભાવેશ ! તું આ બોટ લઈ, આપણા ગામના કિનારા સુધી ગમે તેમ પહોંચી જા !”

“ પણ ! દોલત તું ક્યાં જાશો?”

“હું ! પેલી બોટમાં બે ત્રણ પરિવાર મુશીબતમાં ફસાયેલા છે, તેમને બચાવવા જાવ છું.” - આટલું બોલી દોલતે દરિયાના પાણીમાં કંઈપણ વિચાર્યા વગર, એકપણ ક્ષણનો વ્યય કર્યા વગર જ ઝંપ લગાવી,અને તરીને તે બોટ સુધી પહોંચી ગયો અને એક દોરડાની મદદથી બોટમાં પ્રવેશી ગયો.

      બોટમાં પ્રવેશતાની સાથે જ દોલતની આખો એકદમ પહોળી થઇ ગઇ, કારણ કે બોટમાં બે પરિવાર હતાં, જેમાં ચાર કે પાંચ તો એકદમ નિર્દોષ અને માસુમ બાળકો જ હતાં,અને બોટ તોફાન ને લીધે બોટના તાલિયાના ભાગે કાણુંપડી જવાથી  દરિયાનું પાણી,ધીમે - ધીમે બોટમાં પ્રવેશી રહ્યું હતું,અને થોડીવારમાં બોટ ડૂબે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી, આથી દોલત દોડીને બોટના સ્ટોર રૂમમાં ગયો,બોટમાં રહેલા બધા મુસાફરોને લાઈફ જેકેટ આપ્યા અને નાની- નાની હોડકીમાં બેસાડી ને બધાને રવાના કરીને બધાના જીવ બચાવી લીધા જેમાં બોટનો ચાલકનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો.

      હવે માત્ર, બોટ પર જો કોઈ બચ્યું હોય તો તે હતો એકમાત્ર દોલત, બધાને હેમખેમ ઉતાર્યા બાદ દોલત બોટની એકદમ વચ્ચોવચ પોતાના ગોઠણ પર બેસ્યો અને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ભગવાનનો આભાર માન્યો, દોલતે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે અત્યાર સુધી પોતે એકદમ નકામો હતો, અને લોકોના જીવ બચાવવાનું મહાન પૂર્ણયનું કામ તેના હાથે થવાનું હશે.

       દોલતના મનમાં તો એક પ્રકારની શાંતિ થઈ પરંતુ દરિયામાં જે તોફાન હતું, જે વરસાદ આવી રહ્યો હતો, તે વધુ ને વધુ ભારે બની રહ્યું હતું, આથી દોલતે હિંમત કરી, ઉભો થવા ગયો, જેવો તે ઉભો થવા ગયો, ત્યાં જ તેના કાનમાં એક ધડાકા સાથે પ્રચંડ અવાજ સાંભવ્યો, જે અવાજ બોટ એક ખડક સાથે અથડાવવાથી આવ્યો હતો, અને બોટનાં ટુકડે - ટુકડા થઈ ગયાં, હવે દોલતે પોતાનો પ્રાણ નહીં બચે એવું માની ને જીવવાની આશા છોડી દીધી હતી, તેવામાં જાણે ભગવાન કે ઈશ્વર ખુદ તેને મદદ કરવા માંગતા હોય, તેવી રીતે બોટનું એક તૂટેલ મોટો લાકડાનો ટુકડો તરતો - તરતો દોલત સુધી આવી ચડ્યો.

      આ લાકડાના ટુકડાને જોઈ દોલતને જીવમાં જીવ આવ્યો,જેને દોલત એકદમ મજબૂતાઈથી વળગી રહ્યો, અને બધું ભગવાનના ભરોશે છોડીને આંખો બંધ કરી, વળગી રહ્યો.

      અંતે આ કાળી અને દર્દભરી અને મોતના ખેલ ભરેલ રાતનો અંત આવ્યો, અને એક નવી આશા સાથેના સૂરજનો ઉદય થયો, અને સવાર પડતાની સાથે જ જેવી દોલતે આંખો ખોલી તો તેની નજર સમક્ષ એક કિનારો અને એક જનમેદની દેખાય, આથી મનોમન તેણે પોતાના ભગવાન નો આભાર માન્યો…………


**********************************************************

  કિનારે પહોંચ્યા બાદ હવે દોલતની હાલત હવે ફરી પાછી નોર્મલ થઈ રહ્યો હતો, અને તેના ધબકારા અને શ્વાસ ફરી પાછા નોર્મલ થઈ રહ્યા હતાં, હવે દોલતની માનમાં જે તોફાન હતું તે અને દરિયામાં જે તોફાન ઉદભવેલ હતું તે બનેવ હવે એકદમ શાંત થઈ ગયું હતું.

      દોલતમાં અચાનક આટલી બધી હિંમત આવી એનું એકમાત્ર કારણ એ હતું, કે પોતાના મમ્મી માટે કંઈક કરી છૂટવાની ભાવના અને તે પોતે ગોઘલા ખારવા સમુદાયનો હતો, જેના પૂર્વજો એવું માનતા કે પોતે રાજપૂત જૂથનો જ ભાગ છે, જે કદાચ દોલતના આ અમાનનીય અને અવિશ્વસનીય સાહસ જોતા સાચું હોય તેવું લાગી રહ્યું હતું.

      આટલીવારમાં ટોળાથી થોડેક દૂરથી દોલતના કાને એક જાણીતો અને ખૂબ જ પ્રેમાળ અને વ્હાલ ભરેલો અવાજ સાંભળાયો, જે અવાજ બીજા કોઈનો નહિ પરંતુ તેની વ્હાલી મમ્મીનો હતો, દોલતે અવાજની દિશામાં નજર કરી તો દૂરથી તેને પોતાના મમ્મી અને ભાવેશ આવતા દેખાયો, દોલત એકદમ હિંમત કરીને ઉભો થયો અને દોડીને તેના મમ્મીના ગળે વળગી ગયો…...અને તેની મમ્મીએ ખૂબ જ પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું…..

“ બેટા ! તે તો મારી ખૂખ ઉજળી કરી, તને મારા પેટે જન્મ આપી, હું આજે મારી જાત ઉપર ગર્વ અનુભવું છું અને ભગવાને માત્ર હું એટલી પ્રાર્થના કરીશ કે ભલે, તું કોઈ સ્ત્રીને અમીરી આપે કે ન આપે પરંતુ તારા જેવો પુત્ર આપે.”


     આટલું બોલી મા - અને દીકરો બનેવ એકબીજાને ઘણા સમય સુધી, ખૂબ જ પ્રેમથી વળગી રહ્યા, બનેવની આંખમાં સુખ અને હર્ષના આંસુ આવી ગયાં, આ દ્રશ્ય જોઈ કદાચ ભગવાનને પણ આવી જ કોઈક માં ના કુખે જન્મ લેવાની ઈચ્છા થઈ આવે…………….


      મિત્રો કોઈ વ્યક્તિ ક્યારેય પણ નકામો હોતો નથી, બસ જરૂર હોય તો તેને એક યોગ્ય પથદર્શક જે કે જે તેની માતા, પિતા કે મિત્ર, કે પત્ની કોઈપણ હોય શકે, જો તેને યોગ્ય માર્ગ દર્શવાવામાં આવે,તો તે દોલત જેવું સાહસિક કાર્ય પણ કંઈપણ બીક કે ડર વગર આસાનિથી કરી શકે છે, જે આખા સમાજ માટે એક ઉદાહરણ રૂપ બની શકે છે.સાહિત્યની દુનિયાનું નાનું ફુલ

મકવાણા રાહુલ.એચ.


     


***

Rate & Review

Verified icon

Bharat Saspara 2 months ago

Verified icon

Tejal Patel 8 months ago

Verified icon

Prakash Patel 9 months ago

Verified icon

Krn Patel 9 months ago

Verified icon

Praful Joisar 10 months ago