burns ward books and stories free download online pdf in Gujarati

બર્ન્સ વોર્ડ

બર્ન્સ વોર્ડ


    મિત્રો આપણે આપણા જીવન દરમિયાન ક્યારેક તો હોસ્પિટલે જવાનું થતું જ હોય છે પછી ભલે તે સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઈવેટ હોસ્પિટલ હોય. તો આજે આપ લોકો સમક્ષ હું આવી જ એક હોસ્પિટલની સ્ટોરી …..બર્ન્સવોર્ડ….રજુ કરવા જઈ રહ્યો છું.


  સવારનાં 8: 10 કલાકે રોશની સીસ્ટર પોતાનાં વોર્ડમાં આવ્યા, નાઈટશિફ્ટ વાળા સ્ટાફ પાસે થી ઓવર લિધો અને ત્યારબાદ પોતે વોર્ડનો રાઉન્ડ મારવા ગયાં જેથી કરીને દર્દીઓનું ઓબસર્વેશન થઈ જાય તો ખ્યાલ આવે કે કયું દર્દી ક્યાં છે ?

   રોશનીબેન ને જોતાં એવું લાગતુ હતું કે માનો દયા ની દેવી સાક્ષાત સફેદ વસ્ત્રો પહેરીને આવ્યા હોય, એકદમ શાંત, મધુર અને મીઠો અવાજ, શાંત સ્વભાવ, વાત કરવાની રીત, દર્દીઓ સાથે કાઉન્સેલિંગ કરવાની તેની ઢબ, હરહંમેશ દર્દીઓની સેવા કરવા માટે તત્પર, અને નવા નિમણુંક પામેલા સ્ટાફની સંભાળ વગેરેનો તે ખુબજ ખ્યાલ રાખતા હતાં.

   રોશનીબેનની નોકરીનાં આજે 18 વર્ષ પૂર્ણ થયેલા હતાં આથી અન્ય સ્ટાફ દ્વારા ફરજ પૂરી થયા બાદ એક નાનકડી પાર્ટીનું આયોજન કરેલ હતું.બધા સ્ટાફે ઉજવણી કરી અને ડીનર લીધાં બાદ  બધા છુટા પડયા.

*****************

એક મહિના બાદ

             વૈશાલી કરીને એક નવા સ્ટાફની નિમણુંક થઈ અને તેને બર્ન્સવોર્ડમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું.નવી નિમણુંક પામેલ સ્ટાફ એટલે કે વૈશાલી ખૂબ જ હોશિયાર હતી અને આવડત પણ હતી આથી ખૂબ જ ટૂંકા જ સમયગાળા માં વોર્ડ સાથે અને અન્ય સ્ટાફ સાથે ખૂબ જ હળી મળી ગઈ.જોત જોતામાં તો ત્રણ મહિના ક્યાં જતા રહ્યાં એ વૈશાલી ને ખબર પણ ના પડી. હવે ત્રણ મહિના થઈ ગયા હોવાથી વૈશાલી ને વોર્ડમાં નાઈટડ્યૂટી આપવામાં આવી.

            વૈશાલી ની આજે નાઈટ ડ્યૂટી હોવાથી ઘરે જમવાનું બનાવી અને પોતાના માટે ટિફિન લઇ તે બર્ન્સ વોર્ડમાં આવી ગઈ.

તે દિવસે ઇવનિંગ ડ્યૂટીમાં રોશનીબેન જ હતાં આથી તેને ખૂબ જ શાંતિથી અને વ્યવસ્થિત ઓવર વૈશાલીને આપ્યો, અને કહ્યું:

“ બેટા ! વૈશાલી તને એવું કંઈપણ લાગે તો મને ગમે ત્યારે કોલ કરી શકે છો”

     ત્યારબાદ રોશનીબેન ઓવર આપી જતા રહ્યાં અને વૈશાલી વોર્ડના રૂટિંગ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને ક્યાં અગિયાર વાગી ગયા એ ખબર જ ન પડી, વૈશાલી એ ઘડિયાળ માં જોયું તો અગિયાર વાગી ચુક્યા હતાં, આથી તેણે હાથ ધોય અને પોતાનું ટિફિન ખોલ્યું અને જમવા લાગ્યા, આજે થોડું ટ્રાવેલીગ હોવાથી વૈશાલી પાસે ઘરે જમવાનો પણ સમય ન હતો આથી તેને આવવામાં પણ થોડું મોડું થઇ ગયું હતું.

    વૈશાલીએ જમ્યા બાદ ફરીથી વોર્ડના વિવિધ પ્રકારનાં રિપોર્ટ લખવામાં વ્યસ્ત  થઈ ગઈ, 12 વાગતાની સાથે જ વોર્ડમાં એકદમ સન્નાટો છવાય ગયો દર્દી ઓ અને તેના સગા બધાજ લગભગ સુઈ ગયા હતાં અને બર્ન્સવોર્ડ ના કેબિન માંથી આવતો દર્દી અને તેના સગાઓનો અવાજ પણ આવતો બંધ થઇ ગયો હતો, ફરજ પરનો બર્ન્સવોર્ડના ચોકીદારે વોર્ડનો દરવાજો અટકાવી પોતે ખુરશી પર જ બેઠા -બેઠા આરામ ફરમાવવા લાગ્યો, વોર્ડનું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું માનો કે કોઈએ કરફ્યુ જાહેર કર્યો હોય એવું લાગી રહ્યું હતું.

     રાત્રિના 1 વાગ્યાની આસપાસ વૈશાલી એ પોતાનું સંપૂર્ણ કામ પૂરું કરીને સુવા માટે પોતાના રૂમમાં નખાવેલ ગાદલાં પર લંબાવ્યું, અને સવારનાં ઈન્જેકશનનાં ડોઝ આપવા માટે 5 વાગ્યાનું એલાર્મ પોતાના મોબાઈલમાં મૂક્યું , ટ્રાવેલિંગ નો ઘણો થાક હોવાથી તેને ગાદલાંમાં પડતા ની સાથે જ ઊંઘ આવી ગઈ.

    ત્યારબાદ 5 વાગ્યા અને થોડી - થોડી ઠંડી - ઠંડી હવા આવી રહી હતી તેવામાં અચાનક વૈશાલીના મોબાઈલમાં એલાર્મ વાગ્યું આથી વૈશાલી જાગી ગઈ અને બધા દર્દીઓને સવારનાં ઈન્જેકશનનાં ડોઝ આપવા લાગી અને સાત વાગી ગયાં.વૈશાલીએ બધો ઓવર વ્યવસ્થિત રીતે નાઈટ ઓવર બુકમાં લખ્યો.

************

   બીજે દિવસે સવારે રોશનીબેન ની મોર્નિંગ ડ્યૂટી હતી આથી તે સવારે આઠ વાગ્યે વોર્ડમાં પહોંચીને વૈશાલી પાસેથી ઓવર લીધો અને વૈશાલી બધો જ ઓવર આપી ને જતી રહી.

     વૈશાલીએ આપેલ બધોજ ઓવર રોશનીબેન ને વ્યવસ્થિત સમજાય ગયો પરંતુ તેને વૈશાલી દ્વારા મળેલ ઓવરમાં એક વાત પોતાને સમજાતી હતી નહીં, એ વાત કંઈક એવી હતી,


“ વૈશાલી બેટા ! કેવી રહી નાઈટ?”


“આમ તો શાંતિ હતી પરંતુ નાઈટમાં બે ન્યુ એડમિશન આવ્યા હતાં”


“ ઓકે બેટા ! આ સિવાય કંઈ ખાસ હતું નાઇટમાં….?


“ હા ! રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ કેબિન 4 /A     

વાળા દર્દીને દુખાવાની ફરિયાદ હતી અને તેનો બાટલો પણ ખાલી થઈ ગયો હતો આથી મેં રાત્રે તેનો બાટલો બદલ્યો અને તેમાં એક દુખાવો ઓછું કરવાનું  ઇન્જેક્શન પણ ઉમેર્યું હતું.”


          આ વાત સાંભળીને રોશનીબેન એકદમ અવાક બની ગયા અને તે છેલ્લા 18 વર્ષથી અહીં આ વોર્ડમાં ફરજ બજાવતા હોવાથી તેને એ બાબતનો ખ્યાલ હતો કે બર્ન્સવોર્ડના કેબિન 4/A ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાથી ત્યાં દાખલ દર્દીનું કમોતે મૃત્યુ થયું હતું અને લોકોની તે બનાવ વિશેની વિવિધ અવનવી બાબતોને ધ્યાનમાં રાખીને 4/A કેબિન છેલ્લા 10 વર્ષથી બંધ કરાવી દેવામાં આવી હતી, તો વૈશાલી કયાં દર્દીનો બાટલો બદલાવ્યો હશે ? શું ખરેખર તે વોર્ડમાં કોઈ હશે? શું હાલમાં પણ પેલું કમોતે મૃત્યુ પામેલ દર્દીનો આત્મા ત્યાં ભટકતો હશે ? શું વૈશાલી એ કહ્યું એ સાચું હશે ?....પરંતુ તેનું મનએ માનવા તૈયાર જ ન હતું….ઘણું વિચાર્યા બાદ તેણે વિચાર્યું કે વૈશાલી કદાચ ઊંઘમાં હોવાને લીધે તેને વોર્ડના કેબિન નો નંબર જોવામાં કદાચ ભૂલ થઈ હશે...એવું માની લીધું અને ક્યારેય ફરી આ બાબતે વૈશાલી સાથે આ બાબતની ચર્ચા કરી નહીં…..કારણ કે તેને મનમાં ડર હતો કે વૈશાલી કદાચ આ વાત થી ડરી જશે આમેય તે વૈશાલી ને પોતાની દીકરી જેમ જ રાખતા હતાં.


      વૈશાલી અને રોશનીબેન માટે આ એક વિચિત્ર અને ભયાનક અનુભવ હતો કારણ કે તે એ બાબત થી તદ્દન અજાણ હતાં કે શું ખરેખર બર્ન્સવોર્ડનાં કેબિન 4/A માં ખરેખર કોઈ હતું કે નહીં……………..પરંતુ જે હોય તે હતું વિચિત્ર અને અમાનનીય.


                       સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

                          મકવાણા રાહુલ.એચ