love and war books and stories free download online pdf in Gujarati

લવ એન્ડ વોર

Love and war


         ગામનાં પ્રાચીન શિવમંદિરથી થોડેક દૂર આવેલા મેદાનમાં લોકોનું ટોળું વળેલ હતું, અને બધા જ ખૂબ જ આતુરતાપૂર્વક શું ઘટના બની ? કેવી રીતે બની ? શું થયું ? વગેરે જેવી જિજ્ઞાશા સાથે ડોકિયું કરી રહ્યા હતાં, આ ટોળાની એકદમ વચ્ચે એક 32 વર્ષનો યુવક જમીન પર બેસીને ખૂબ જ દુઃખ સાથે રડી રહ્યો હતો, તેના જીવ કરતાં પણ વધુ વ્હાલા મિત્રનાં માથાને પોતાના ખોળામાં રાખીને, તેના નિષ્પ્રાણ ચહેરાની સામે જોઇને બસ રડયા કરતો હતો, તેની એકદમ પાસે એક દુલ્હનના પહેરવેશમાં એક યુવતી ઉભી હતી.

        

આ જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે તે બને મિત્રો પર કોઈ મોટી મુસીબત આવી ગઈ હોય અને તેમાંથી કોઈ એક જ મિત્ર હેમખેમ બચી ગયો જેનું કારણ બીજા મિત્ર એ આપેલ જીવનું બલિદાન હતું.


*******************************************************


એક મહિના પહેલાં

    

   કોલેજ કેન્ટીનમાં સાગર અને રાજ બંનેવ નાસ્તો કરી રહ્યા હતાં, અને સાથે ટીવીમાં મેચનો આનંદ માણી રહ્યા હતાં, એટલીવારમાં સાગરે મજાકનાં મૂડમાં કહ્યું કે, “ સાગર ! સાહેબ આપશ્રીની લવ સ્ટોરી ક્યાં સુધી પહોંચી..?


“યાર ! હજુ પણ કંઈ નિર્ણય આવતો નથી, મેં કલ્યાણી માટે મારા ઘરે તો બધાને રાજી કરી લીધાં છે, પરંતુ કલ્યાણીનાં ઘરેથી કોઈ અમારા પ્રેમનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી, છતાંપણ મેં કલ્યાણીને 10 દિવસનો સમય આપ્યો છે, પોતાના ઘરે અમારા લગ્ન માટે મનાવવા માટે…..!!!


“ પણ ! જો કલ્યાણીનાં ઘરેથી નહીં માને તો…?” - રાજે સાગરને અટકાવતા જ અધવચ્ચે જ પૂછી લીધું.


“નહિ , માને તો તેના ઘરના બધાં જ સભ્યોને પગે પડી જઈશું પણ મનાવીને જ રહીશું.” - સાગરે પોતાનો અંતિમ નિર્ણય જણાવતો હોય તેમ જણાવ્યું.


“શું ? તને લાગે છે કે એ બધાંના પગે પડવાથી તેના પરિવારજનો તમારા બનેવમાં લગ્ન માટે તૈયાર થઈ જશે..?”


“કદાચ….” - આટલું બોલી સાગર એકદમ નિ : શબ્દ બની ગયો.


“ સાગર ! માની લે કે તમે બનેવે કલ્યાણીનાં ઘરે બધાં ને મનાવવા માટેના તમામ પ્રયત્નો કરી લીધા છતાંય કલ્યાણીનાં ઘરે થી એકપણ વ્યક્તિ તમારી આ લગ્નની ઇચ્છા સાથે સહમત ના થયાં તો પછી શું કરવું એ કઈ વિચાર્યું છે ?” - રાજે આતુરતાપૂર્વક સાગરને પૂછ્યું.


“રાજ ! સામેં ટી.વી.માં જે મેચ ચાલી રહી છે તે જોઈને મને મનમાં એક વિચાર આવ્યો કે રોહિત શર્મા આ ઓવરમાં બાઉન્ડ્રી મારવા માટે ઘણાં પ્રયત્નો કરી રહ્યો છે, એક પછી એક એમ પાંચ બોલ ડોટ પડયા પરંતુ ઓવરનાં છેલ્લા એટલે કે છઠ્ઠા બોલ પર રોહિત શર્માએ પોતાની બધી જ તાકાત ઝીંકીને એક જોરદાર સિક્સર ફટકારી…...અને છ રન એક જ બોલમાં લઈ લીધાં.” - સાગરનાં મનમાં કંઈક પ્લાન ચાલતો હોય તેવી રીતે બોલ્યો.


“સાગર ! કંઈક સમજાય તેવી રીતે બોલ ભાઈ, આ તારી બધી વાતો પણ પેલા રોહિત શર્માએ મારેલ સિક્સરની માફક મારા માથા પરથી જતી રહી.” - રાજે મૂંઝાયેલાં અવાજમાં સાગરને કહ્યું.


“હું ! બસ એટલું જ કહેવા માગું છું કે હું પણ જેવી રીતે રોહિત શર્મા સિક્સર મારવા માટે મથામણ કરતો હતો, બરાબર તે જ રીતે હું કલ્યાણીનાં ઘરે બધાને મનાવવા માટેનાં પ્રયત્નો કરીશ અને નહીં માને તો હું લાસ્ટ બોલ પર સિક્સર મારીશ.”


“સિક્સર ! એટલે વળી શુ ભાઈ…..?” - રાજ હવે વધુને વધુ મૂંઝાય રહ્યો હતો.


“સિક્સર એટલે હું કલ્યાણીને તેના ઘરેથી ભગાડીને લઇ જઈશ.” - સાગર એકદમ આત્મવિશ્વાસ સાથે બોલ્યો.


“ભાઈ ! મારા વ્હાલા તું શું બોલી રહ્યો છો ? એ તને ખબર છે ?”


“ હા ! મારા વ્હાલા મિત્ર રાજ મને ખબર છે કે હું શું બોલી રહ્યો છું અને જો કલ્યાણીનાં ઘરે કોઈ આ લગ્ન માટે તૈયાર નહિ થાય તો હું છેલ્લે આ જ પગલાં લઈશ પરંતુ શરત એટલી કે મારા આ કામમાં પણ મારા જીવ કરતાં પણ વધારે વ્હાલો મારો મિત્ર રાજ મારા પડછાયાની જેમ ડગલેને પગલે મારી સાથે જોઈએ.”

    આટલું સાંભળીને રાજની આંખોમાં આંસુ આવી ગયાં આ જોઈ સાગર પણ લાગણીશીલ બની ગયો અને તેની આંખોના ખૂણા પણ ભીના થઇ ગયાં અને બનેવ મિત્રો એકબીજાને ભેટી પડયા.

“સાગર ! હું કાયમિક તારી સાથે જ હોઈશ...કદાચ મારા છેલ્લા શ્વાસ સુધી હું તારી સાથે અડીખમ બનીને ઉભો રહીશ, અને કોઈની હિંમત છે કે હું ઉભો હોય અને મારા મિત્રને હાથ અડાડી શકે…!” - રાજ પોતાની મૂછોને વળ ચડાવતા - ચડાવતા બોલ્યો.


    ત્યારબાદ બનેવ કેન્ટીન માંથી બહાર નીકળી પોતાની રોયલ એનફીલ્ડ બાઇકમાં ચાવી લગાવી સ્લેફ મારી, સાઇલેન્સરનાં અવાજ દ્વારા આજુ- બાજુનું વાતાવરણ ગજવી, જોત જોતમાં પવનવેગ સાથે ગાયબ થઈ ગયાં.


******************************************************

     

       ગામથી સાતેક કી.મી. દૂર આવેલ ફેકટરીમાં યશવતસિંહ પોતાની બ્લેક સ્કોર્પિયો કાર સાથે ખૂબ જ ઝડપથી દાખલ થયાં.

સ્કોર્પિયો કાર ફેકટરીમાં પ્રવેશી એટલીવારમાં યશવતસિંહના માણસો એક વ્યક્તિને બાંધીને યશવતસિંહની સામે લઇ આવ્યાં, અને જમીન પર ગોઠણ પર બેસાડ્યો, તેને જોતા એવું લાગી રહ્યું હતું કે તેને થોડીવાર પહેલા ખૂબ જ વધુ પડતો માર મારેલ હોય.


“સાહેબ ! આ એ જ પ્રેસ રિપોર્ટર છે કે જેણે આપણી ફેકટરી અને તમારા વિશે છાપામાં ખરાબ છાપ્યું હતું.” - યશવતસિંહના એક માણસે જણાવ્યું.


“અત્યાર સુધીમાં કોઈની એટલી હિંમત નથી થઈ કે યશવતસિંહની સામે નજર ઉંચી કરીને જોઈ શકે, મારું નામ સાંભળતાની સાથે જ લોકો થર - થઈ કાંપવા માંડે છે, અને તારી એટલી હિંમત કે તું મારા વિશે છાપામા ખરાબ લખે?”


“ યશવતસિંહ ! હવે તારા પાપનો ઘડો ભરાય ગયો છે, તું હવે તારા અંતિમ દિવસોની ગણતરી કરવાં મંડજે, તું ભલે અત્યારે મારો જીવ લઇલે અથવા મને મારી નાખે, પરંતુ એ નાની ચિનગારી, ભવિષ્યમાં એક વિકરાળ આગનું સ્વરૂપ લઇ તને તેની લપેટમાં લઈ લેશે પછી તારો અને તારા આ સામ્રાજયનો અંત કરી દેશે.” - આંખમાં આંસુ તેમજ દુઃખ સાથે પત્રકાર રાજેશ રડતાં - રડતાં બોલ્યાં.


    આટલું સાંભળતાની સાથે જ યશવતસિંહના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો, આથી પોતાની કમર પર રાખેલ લોડ કરેલ રીવોલ્વર કાઢી ધડાધડ એકપછી એક એમ છએ છ ગોળીઓ પત્રકાર રાજેશનાં શરીરમાં એક ઝાટકે ઉતારતા યશવંતસિંહ બોલ્યા કે “ તારી આટલી બધી હિંમત કે તું મારી સાથે ઊંચા અવાજમાં મારી નજર સાથે નજર મેળવીને, સામે બોલે છે.”

    

    યશવતસિંહને મનમાં એવું પત્રકાર રાજેશનો અંત કરવાથી તેની  બધી સમસ્યાઓનો અંત આવી જશે...પરંતુ એ જાણતો ન હતો કે ખરેખર સમસ્યાની શરૂઆત અહીંથી જ થઈ રહી હતી.


******************************************************

દસ દિવસ બાદ


યશવતસિંહ પોતાના ઘરે જ્યારે બપોરે જમી રહ્યા હતાં, ત્યારે તેની બહેન કલ્યાણી પણ તેની સામેની ખુરશી પર બેસીને જમી રહી હતી, પરંતુ કલ્યાણીનો ઉદાસ ચહેરો જોઈ એવું લાગતું હતું કે થોડીવાર પહેલા તે ખૂબ જ રડી હોય, આ જોઈ યશવતસિંહએ કલ્યાણીને પૂછ્યું.


“કલ્યાણી ! કેમ તું ઉદાસ લાગે છો? તને કઈ તકલીફ હોય તો તું તારા ભાઈને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર જણાવી શકે છો…જો મારાથી શક્ય હશે તો હું મારી બહેનની ખુશી માટે કંઈપણ કરવા તૈયાર છું.”

“ ભાઈ ! હું મારી કોલેજના એક છોકરાંને લવ કરું છું, અને અમારા બનેવની એકબીજા સાથે લગ્ન કરવાની ઇચ્છા છે.” - કલ્યાણી પોતાની બનેવ આંખો બંધ કરીને એક જ શ્વાસમાં હિંમત કરીને એકસાથે બધું બોલી ગઈ, કારણ કે કલ્યાણી પોતાના ભાઈનાં ગુસ્સા વિશે ખૂબ જ સારી રીતે જાણતી હતી.


   આ સાંભળી યશવતસિંહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો પરંતુ પોતાની બહેનને પોતાની વાસ્તવિકતાનો ખ્યાલ ન આવે તેવી રીતે પોતાના ગુસ્સાને કાબુમાં કરતા બોલ્યો કે, “ શું નામ છે ? તે છોકરાનું ?”


“ સાગર ! સાગર, હું અને સાગર એકબીજાને છેલ્લા એક વર્ષથી લવ કરી રહ્યાં.” કલ્યાણી નિર્દોષતાથી આ બધું બોલી ગઇ.


“ સારું ! સાગરને મોકલજે આપણી ફેકટરીએ મને મળવા માટે.” - આટલું બોલી યશવતસિંહ જમતાં - જમતાં ઉભા થઇ ગયાં, અને જાણે પોતાના મનમાં કંઇક બીજું જ ચાલી રહ્યું હોય તેમ, પોતાના બ્લેક રેબનના ચશ્મામાં છુપાવતા - છુપાવતા ઘરમાંથી બહાર નીકળી ગયાં.


    ત્યારબાદ કલ્યાણીનાં આનંદનો કોઈ પાર ના રહયો અને તેણે તરત જ સાગરને ફોન કરીને આ ખુશ ખબર જણાવી.


******************************************************


બીજે દિવસે


કોલેજ કેન્ટીનમાં સાગર અને રાજ ચા પી રહ્યા હતા, ત્યારે રાજે સાગરને પૂછ્યું કે, “ સાગર ! શાં માટે આટલો મૂંઝાયેલો છો, કંઈ ચિંતા છે…?”


“ચિંતા જેવું તો કંઈ નથી, પરંતુ તું જાણે જ છો કે હું અને કલ્યાણી એકબીજાને છેલ્લા એક વર્ષથી લવ કરીએ છીએ, કલ્યાણીએ અમારા બંનવે વિશેની વાત એના ભાઈને કરી છે, અને તેના ભાઈએ મને મળવા માટે તેની ફેકટરીએ બોલાવ્યો છે, તો ત્યાં જવાનું છે.” - સાગર ચા ની ચૂસકી મારતા - મારતા બોલ્યો.


“ હા ! તો ચાલ ! રાહ શેની જોઈ રહ્યો છો ?” - રાજ પોતાની ખુરશી પરથી ઉભો થઇ રોયલ એનફીલ્ડની ચાવી ફેરવતા-  ફેરવતા બોલ્યો.


“ના ! રાજ ! ત્યાં હું એકલો જ જઈશ ! તારે ત્યાં આવવાની જરૂર નહી !” - સાગરે રાજનો હાથ પકડીને બેસાડતા કહ્યું.


“પણ ! સાગર મને કલ્યાણીનાં ભાઈ પર વિશ્વાસ નથી આવી રહ્યો, એ આટલી સરળતાથી માની જાય એ વાત મારી સમજમાં નથી આવી રહી.”


“તો ! પણ હું એકલો જ ત્યાં જઈશ ...તારે નથી આવવાનું એટલે નથી આવવાનું.”


“ ઓકે ! સાગર જેવી તારી ઈચ્છા, પરંતુ જો તને કંઈપણ અજુગતું કે તકલીફ જણાય તો તરત જ મને કોલ કરજે.’


“ઓકે ! મિસ્ટર. રાજ” - આટલું બોલી સાગર રાજને ભેટીને કલ્યાણીનાં ભાઈને મળવા માટે જતો રહે છે.


******************************************************


એજ દિવસે


સાંજના છ વાગ્યા હોવા છતાંપણ સાગર પોતાના ઘરે પાછો ન ફર્યો આથી સાગરનાં પિતાએ રાજને ફોન કરીને જણાવ્યું કે સાગર હજુ સુધી ઘરે આવ્યો નથી, આ સાંભળતાની સાથે રાજનાં મનમાં અનેક વિચારો ઉદ્દભવ્યા, સાગર સાથે કઈ અજુગતું તો નહિ બન્યું હશે ને? શું કલ્યાણીનાં ભાઈએ સાગરને કોઈ ઇજા તો નહિ પહોંચાડી હશેને..? શું સાગર ઘાયલ તો નહિ થયો હોય ને? - આવા અનેક વિચારો આવતાની સાથે જ રાજ પોતાનું રોયલ એનફીલ્ડ યશવતસિંહની ફેકટરી બાજુ દોડાવી મૂક્યું.


 કંપનીમાં દાખલ થતાની સાથે જ રાજની આંખો પહોળી થઇ ગઇ કારણ કે તેને જે બાબતનો ડર હતો તેવું જ બન્યું. સાગર લોહી લુહાણ હાલતમાં જમીન પર પોતાના ગોઢણ પર બેસેલો હતો, અને યશવતસિંહનાં આદમી તેનાં બને હાથ પકડીને ઉભા હતાં, સાગરને આ હાલતમાં જોઈ રાજને ખ્યાલ આવી ગયો હતો કે આ લોકોએ સાગરને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હશે, આ જોઈ ગુસ્સાને લીધે રાજની આંખો લાલઘૂમ થઈ ગઈ, આથી રાજે પોતાની પાસે પડેલ લોખંડનો જાડો પાઇપ ઉઠાવ્યો, અને બધાં લોકો પર વાવાઝોડા કે તોફાનની જેમ ગુસ્સા સાથે તૂટી પડ્યો, થોડીવારમાં બધાને રાજે હિંમતપૂર્વક ધૂળ ચાટતાં કરી દીધાં, અને યશવતસિંહને જોઈ તેના પર પ્રહાર કરવા માટે તેણે દોટ મૂકી અને એક જ પ્રહરમાં યશવતસિંહને જમીન પર પાડી દીધો, એટલી વારમાં રાજનાં કાને પોતાનાં મિત્ર સાગરનો દર્દભર્યો અવાજ પડ્યો.


“રાજ ! મારા ભાઈ, મને તું બચાવી લે, હું જીવવા માંગુ છું, અને કલ્યાણીને કોઈપણ સંજોગોમાં પામવા માગું છું”


    આ સાંભળી રાજે યશવંતસિંહનો કોલર પકડીને કહ્યું કે, “ સાંભળ! તારા નસીબ સારા કહેવાય કે હું તને અત્યારે જીવતો છોડું છું, અને સાથે સાથે એક વાત પણ સાંભળી લે કે જ્યાં સુધી સાગર સાથે રાજ ઉભો છે ત્યાં સુધી સાગરને કંઈ નહીં થવા દેશે, અને રહી વાત સાગર અને કલ્યાણીનાં લગ્નની તો એ હવે મારા માટે ચેલેન્જ છે, જે હું કોઈપણ સંજોગોમાં પૂરી કરીને જ રહીશ, તારે જે ઉખાડવું હોય તે ઉખાડી લે જે, પણ એ ક્યારેય નહી ભૂલતો કે સાગરને મારતા પહેલા તારે, તેના આ સિંહ જેવા મિત્ર રાજનો સામનો કરવો પડશે.” - આટલું બોલી રાજ સાગરને ત્યાંથી હોસ્પિટલ લઈ જાય છે, અને સાગરનાં ઘરે ફોન કરીને જણાવી દે છે કે સાગરનું એક્સિડન્ટ થવાથી હોસ્પિટલમાં દાખલ કરેલ છે.


*******************************************************


આ બનાવના 20 દિવસ બાદ


  સાગર રાજની મદદથી કલ્યાણીને પોતાના ઘરેથી ભગાડી લાવે છે, અને હિન્દૂ ધર્મની વિધિ અનુસાર લગ્ન કરવાં માટે ગામની બહાર આવેલા શિવ મંદિરમાં જાય છે, અને રાજ સાગરને જણાવે છે કે તમે શાંતિથી લગ્ન કરી લો, હું બહાર ઉભો છું, એટલીવારમાં આ વાતની જાણ કોઈ અજાણ્યાં શખ્સ દ્વારા યશવતસિંહને થાય છે, આથી યશવતસિંહ પોતાની પાંચ સ્કોર્પિયો કારમાં પોતાના માણસોને લઇ શિવ મંદિરે આવવા માટે નીકળે છે, રાજ શિવ મંદિરની બહાર ઉભો હતો, અને તેનું ધ્યાન દૂરથી આવી રહેલ સ્કોર્પિયો પર પડયું આથી તે દોડીને શિવમંદિરની આગળ આવેલ મેદાન પાસે હાથમાં લોખંડનો પાઇપ લઈને દોડ્યો, અને ત્યારબાદ ફરી પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી બધાં પર તૂટી પડ્યો, એક પછી એક એમ બધાંને જમીનદોસ કરી દીધાં અને આ બાજુ સાગર અને કલ્યાણી શિવમંદિરમાં લગ્નનાં ફેરા ફરી રહ્યાં હતાં, ત્યારબાદ તે યશવતસિંહની સામે દોડ્યો, અને કહ્યું કે,


“યશવતસિંહ ! મેં તને અગાવ પણ કહ્યું હતું કે જયાં સુધી સાગરની સાથે આ રાજ ઉભો છે ત્યાં સુધી સાગરનું કોઈ વાળ પણ વાંકો નહિ કરી શકે, અને તેને મારવાની તો વાત જ દૂર છે, અગાવ તારા નસીબ સારા હતાં કે તું બચી ગયો, પણ આ વખતે તું નહીં બચી શકે.


  એટલીવારમાં યશવતસિંહએ પોતાની રીવોલ્વર બહાર કાઢી અને રાજ તરફ નિશાન તાક્યું, એટલામાં રાજ ખૂબ જ ઝડપથી દોડીને યશવતસિંહનાં માથાનાં ભાગે જેટલું પોતાનામાં બળ હતું તે બળ લગાડીને એક પ્રહાર કર્યો, આ પ્રહારથી યશવતસિંહ જમીનદોસ થઈ ગયો, અને પોતાની મૂછો પર હાથ ફેરવતા - ફેરવતા કહ્યું કે યશવતસિંહ તમે ખોટા આદમી સાથે ખોટા સમયે ઝગડો કરી બેઠા.


   ત્યારબાદ રાજ હવે શિવમંદિર તરફ ચાલવા લાગ્યો, એટલીવારમાં એક ગન ફાયરિંગનો સાઉન્ડ સંભળાયો, અને રાજે પાછળ વળીને જોયું તો યશવતસિંહએ તેના બરડામાં ગોલી મારી હતી, રાજે પોતાના બરડામાં હાથ ફેરવ્યો, તો આખો હાથ લોહીલુહાણ થઈ ગયો હતો, આથી રાજે ઊંડો શ્વાસ લઈ પોતાની પાસે પડેલ ઈંટ ઉપાડી યશવતસિંહનાં માથાના ભાગે પ્રહાર કર્યો અને તેને કાયમિક માટે સુવડાવી દીધો.


   રાજ માંડ- માંડ ઉભો થઈને લથડતાં પગલાં સાથે શિવમંદિર તરફ ચાલવાનું શરૂ કર્યું, આ બાજુ સાગર અને કલ્યાણીનાં લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હતી, આ બાબતની જાણ કરવા માટે સાગરે રાજને ફોન કર્યો……...ફોનની ડિસ્પ્લે પર લખાયને આવ્યું સાગર, અને સાથે સાથે રિંગટોન વાગી રહી હતી.


“ મેરી જીંદગી સવારી, મુજકો ગલે લગાગે,

 બેઠા દિયા ફલકપે મુઝે ખાખ સે ઉઠાકેે,

 યારા તેરી યારી કો મેને તો ખુદા માના,

 યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના,

 તેરે જેસા યાર કહાં…………………


    આ સાથે જ રાજે રાહતનો શ્વાસ લીધો, જે કદાચ તેના જીવનનો છેલ્લો શ્વાસ હતો, રાજે પોતાનું આખુ જીવન પોતાના મિત્ર માટે સમર્પિત કરી દીધું, અને સાબિત કરી દીધું કે જગતમાં જેટલું પ્રેમનું મહત્વ છે એટલું જ કદાચ તેના કરતાં પણ વધુ મિત્રતાનું મહત્વ છે, આજે એક સાચી મિત્રતાને લીધે એક સાચા પ્રેમી કે સાચા પ્રેમની જીત થઈ.


મિત્રો આપણા જીવનમાં જેટલુ મહત્વ પ્રેમનું છે તેટલું જ મહત્વ મિત્રતાનું પણ રહેલું છે, પછી ભલે તે મિત્ર સુદામા જેવો ગરીબ હોય કે કૃષ્ણ જેવો અમીર રાજા હોય, પણ મિત્રતા અને મિત્રનું દરેકના જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું હોય છે.


                  સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

                      મકવાણા રાહુલ.એચ