amar prem books and stories free download online pdf in Gujarati

અમરપ્રેમ

અમર પ્રેમ


    નિશાંત સવારે ઓફિસ જઇ રહ્યો હતો, આજે ઓફિસમાં થોડું કામ હોવાથી તે તેના નિયમીત સમય કરતાં થોડો વહેલા જવાનું હતું.

શિયાળાનો સમય હતો આથી વાતાવરણમાં થોડીઘણી ધૂમમ્સનું પ્રમાણ હતું અને આવા ધુમમ્સભર્યા વાતાવરણને ચીરતા- ચીરતા આવતા વાહનોની અવર જવર પણ ધીમે - ધીમે વધી રહી હતી.

   અચાનક નિશાંત ની નજર એક 20 વર્ષની આસપાસ ની ઉંમરની એક યુવતી પર પડી, જે ડેમની પાળી પાસે ઉભી હતી.નિશાંતે એક નજર એની તરફ કરી જેને જોતા એવું લાગી રહ્યું હતું કે તેની યુવાની હજુ તો શરૂ જ થઈ હોય, એક સંપૂર્ણ ભારતીય નારીનાં સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરતું એનું જોબન, કાળા રેશમી ચમકદાર વાળ,એકદમ આકર્ષક એનું શરીર જોઈને નિશાંત પોતાની જાતે જ આપોઆપ આકર્ષાય ગયો અને પોતાની ગાડી રસ્તાની એક બાજુએ ઉભી રાખી….અચાનક નિશાંતનું ધ્યાન પેલી યુવતીનાં આગળ વધી રહેલા પગલાં પર પડ્યું….

“અરે ! આ શું ? પેલી યુવતી તો આત્મહત્યા કરવા માટે ડેમમાં છલાંગ લગાવવા જઇ રહી હતી.”

“હેલો ! ઉભા રહો ! - નિશાંતે જોર થી એક બુમ પાડી પુરજોશથી દોડયો.

      પેલી યુવતી નિશાંતનો અવાજ સાંભળીને ઉભી રહી અને નિશાંત તરફ એક નજર કરી ; મનોમન વિચારવા લાગી કે કોણ હશે એ યુવક કે જેને હું ઓળખતી પણ નથી, તેની સાથે કંઈ સબંધ ન હોવા છતાં પણ આ મિથ્યા અને સ્વાર્થી  દુનિયામાં એ મારો જીવ બચાવવા માટે આગળ આવી રહ્યો છે. એક અજાણ્યા યુવકની પોતાના પ્રત્યેની આટલી ચિંતા જોઈ તે થોડી વાર થોભી રહી. એટલીવાર નિશાંત ત્યાં આવી પહોંચ્યો.

“શુ કરવા જઈ રહી છો ? તારું નામ શું છે ? શાં માટે તને આવો વિચાર આવ્યો ?- વગેરે પ્રશ્નો એકસાથે જ નિશાંતે પેલી યુવતીને પૂછી નાખ્યાં.

“ જી ! મારું નામ છે વંદના ….આટલું બોલતાની સાથે તે થોડી રડવા જેવી થઈ ગઈ પરંતુ તેના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશીઓની રેખાઓ ઝળકી રહી હતી...શાં માટે એ નિશાંતની સમજ બાર હતું, ઘણા પ્રયત્નો કરવાં છતાં પણ નિશાંત આ બાબત સમજી ના શક્યો.

એવામાં નિશાંતનું ધ્યાન ઘડિયાળ પર પડયું,પોતાને થોડી ઉતાવળ હોવાને લીધે નિશાંત તેને સમજાવી થોડુંક પ્રેમપુર્વક ખખડાવી અને શહેરનાં સડકો પર દોડી રહેલા વાહનોની વચ્ચે ક્યાંક અદ્રશ્ય થઈ ગયો, વંદના પણ જ્યાં સુધી પોતાની નજર પહોંચી ત્યાં સુધી એ નિશાંતને એકધ્યાને જોઈ રહી.

     આ બનાવનાં બે દિવસ થઈ ગયાં અને નિશાંત પોતાના સામાજિક જીવનમાં અને પોતાના કામ-કાજમાં વ્યસ્ત થઈ ગયો પરંતુ જયારે જયારે તે પોતાની ઓફિસે જતો ત્યારે રસ્તા પરથી પસાર થતી વખતે નિશાંત અચુક અને ચોક્કસપણે વંદનાને યાદ કરતો હતો.

………………………………….


     એક અઠવાડિયા પછી નિશાંત જ્યારે પોતાની ઓફિસે જઇ રહ્યો હતો તે દરમિયાન એકાએક નિશાંતને વંદના પેલા એજ રસ્તા પર દેખાણી અને મનમાં એક પ્રકારનાં આનંદની લાગણી થઈ અને તેની ખુશીઓનો કોઈ સીમા ન રહી, કારણ કે નિશાંત વંદનાને મનોમન પોતાનું દિલ આપી ચુક્યો હતો,અને વંદનાને પ્રેમ કરવાં લાગ્યો હતો.તે વંદના પાસે ગયો,તેને જોઈ એવું લાગતું હતું કે વંદના પણ નિશાંતને કઇક કહેવા માંગતી હોય. વંદનાના ચહેરા પર થોડી ગભરાહટ અને ચિંતા દેખાઈ રહી હતી તેમ છતાં પણ તેના ચહેરાની નમણાશ અને કોમળતા તરફ નિશાંત આકર્ષાયા વગર રહ્યો નહીં.

     નિશાંત હવે સંપૂર્ણપણે વંદનાના પ્રેમમાં પડી ગયો હતો, આથી તેનાથી રહેવાયું નહીં અને વંદના પ્રત્યેની પોતાની જે લાગણી હતી તે સ્પષ્ટપણે શુ પરિણામ આવે તેની ચિંતા કર્યા વગર જ વંદના ને  જણાવી દીધી.

“વંદના જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી હું તને પસંદ કરું છું, મને ખબર નહીં કે હું તારા માટે યોગ્ય છું કે નહીં પરંતુ મારા હર્દય કે દિલમાં તારા પ્રત્યે જે લાગણીઓ છે તે મેં તારી સમક્ષ રજુ કરી દીધી છે, હવે તને જે યોગ્ય લાગે તે પ્રત્યુત્તર આપી શકે છો.”

    વંદના તો જ્યારથી નિશાંતે કંઈપણ સબંધ ન હોવા છતાંપણ પોતાને આત્મહત્યા કરતા રોકી હતી ત્યારથી જ તે નિશાંત ને પસંદ કરવા લાગી હતી, આથી વંદના ની ખુશીનો કોઈ પાર ન રહ્યો, પોતે મનોમન ખૂબ જ ખુશ હતી.

“ નિશાંત ! હું તને પ્રેમ તો કરું છું પણ……..????”

“ મારે કંઈ પણ-બણ નહીં સાંભળવું , તું મને પ્રેમ કરે છો ? હા કે ના ? માત્ર એટલું જ જણાવ”

“હા - પણ…?” આટલુ બોલતાની સાથે જ નિશાંતે વંદનાને આગળ  એકપણ શબ્દ બોલવા ન દીધો.

      આ બનાવના એક અઠવાડીયું થઈ ગયું ફરી વંદના નિશાંતને ક્યાંય મળી નહિ. દરરોજ પોતાની નજર માત્ર વંદનાને શોધતી - શોધતી નિરાશ થઈ જતી હતી અને નિશાંત ઓફિસ સુધી પહોંચી ગયો.નિશાંત ઓફિસે પહોંચી પોતાનું રૂટિન કામ કરવા લાગ્યો પરંતુ તેનું મન કામમાં લાગ્યું નહિ, તેનું મન સતત વંદના વિશે જ વિચારી રહ્યું હતું……એટલીવારમાં નિશાંતનું ધ્યાન ઓફિસનાં મુખ્ય પ્રવેશદ્વાર નાં કાચની આરપાર પડ્યું અને પોતાની નજરે જે જોયું તેના પર નિશાંત ને વિશ્વાસ આવ્યો નહીં…...કારણકે ઓફિસની બહાર બીજું કોઈ નહીં પરંતુ વંદના પોતે જ ઉભી હતી, આથી નિશાંત પોતાના બધાં જ કામ પડતાં મૂકીને એક આનંદ અને ખુશી સાથે ઓફિસના દરવાજા તરફ એક દોટ મૂકી અને વંદના ને મળ્યો.

     વંદના ના ચહેરા પર થોડી ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી આથી નિશાંતે સ્વભાવિકપણે જ વંદનાને પૂછ્યું…


“વંદના શું થયું ? શાં માટે આટલી ઉદાસ છો ? આટલા દિવસ કયા જતી રહી હતી ? તારા વગર મારી શુ હાલત થઈ ગઈ હતી એ તને ખબર છે ? - આવા વગેરે પ્રશ્નો એક સાથે જ નિશાંતે વંદનાને પૂછી લીધા.

   “ નિશાંત ! મારી પાસે અત્યારે તારા બધા પ્રશ્નોનો જવાબ આપવા શક્ય નથી જો તારાથી શક્ય હોય તો આજે સાંજે આર.કે.પટેલ હોસ્પિટલમાં આઇ.સી.સી.યુ, કેબીન 7 માં આવજે.”

   વંદના આટલું બોલી ત્યાંથી જતી રહી પરંતુ નિશાંતના મનમાં વિચારોનું એક જોરદાર ચક્રવાત ઉદભવી ચૂક્યું હતું પરંતુ એ બધું નિશાંતની સમજણ બહાર હતું….અંતે નિશાંતે વિચાર્ય કે જે હશે તે બધું આર.કે.પટેલ હોસ્પિટલે જાય પછી જ સમજાશે.

   આથી નિશાંત ખુબ ઝડપથી પોતાનું કામ પૂરું કરીને આર.કે.પટેલ હોસ્પિટલે પહોંચ્યો ત્યાં આઈ.સી.સી.યુ કેબિન 7 માં જઈને તેણે જોયું તો તેને એક જોરદાર ઝટકો લાગ્યો અને તેનું મન પોતે પોતાની સગી આંખથી જે વસ્તુ જોઈ તેના પર વિશ્વાસ કરવા માટે કોઈપણ સંજોગોમાં વિશ્વાસ કરવાં માટે સક્ષમ હતું નહીં…………….

……....કારણ કે આઇ. સી.સી.યુ ની 7 નંબરની કેબિનમાં બીજું કોઈ નહીં પરંતુ વંદના પોતે જ બેભાન અવસ્થામાં સુતેલ હાલતમાં હતી, આથી તેણે ત્યાંના ડોક્ટરને પુછપરછ કરતાં જાણવા મળ્યું કે વંદના તો ત્યાં છેલ્લા એક મહિનાથી આજ હાલતમાં તે આઇ.સી.સી.યુ. ની 7 નંબરની કેબિનમાં દાખલ છે.

         ડોક્ટરે આપેલ માહિતી સાંભળી નિશાંત વધુ ને વધુ મૂંઝવણમાં મુકાય ગયો અને મનોમન વિચારવા લાગ્યો કે જો વંદના છેલ્લા એક મહિનાથી અહીં દાખલ હતી તો પોતે જેને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરવાં લાગ્યો હતો એ વંદના કોણ હતી.???.???

નિશાંત ફરી વંદનાને દાખલ કરેલ કેબિનમાં ગયો ત્યાં જઈ તેણે જોયું તો તેની નજર સમક્ષ બે વંદના ઉભેલ જોય એક કે જે બેડ પર બેભાન અવસ્થામાં સુતેલ હતી અને બીજી કે જેને પોતે ખૂબ જ પ્રેમ કરતો હતો. આ જોઈ હવે પોતાના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હોય એવું લાગી રહ્યું હતું.

“વંદના શું છે ? આ બધું ? તું વંદના છો ? તો આ બેડ પર તારા જેવો જ ચહેરો ધરાવતી વ્યક્તિ કોણ છે ?”  - એકદમ આતુરતાપૂર્વક અને આશ્ચર્યજનક રીતે નિશાંતે વંદનાને પૂછ્યું.

“ નિશાંત હું તને બધી ઘટના વિગતવાર જણાવુ છું “

“ આ બેડ પર સૂતી એ હું પોતે જ છું, આજથી એક મહિના પહેલા મારા પોતાના જ સગાએ રૂપિયાની લાલચમાં આવીને મારી કારનું એક્સિડન્ટ કરવી દીધું અને હું મરી ગઈ છું એવું વિચારીને એ લોકો મને રસ્તા પર જ એકદમ ઘાયલ અને લોહીલુહાણ હાલતમાં છોડીને જતા રહ્યાં અને ત્યારથી હું પોતે મારા શરીરથી આવી રીતે અલગ થઈને ફર્યા કરું છું “

“તો તે આ વાત તારા પિતાને કેમ ના કરી “ - નિશાંતે વંદનાને અધવચ્ચે અટકાવતા પૂછ્યું.

“મેં મારા પિતાને આ વાત જણાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હું કોઈને દેખાવ કે સાંભળાવ તો કોઈ મારા પર વિશ્વાસ કરે , હું કોઈને પણ દેખાતી કે સંભળાતી નથી”

  આ વાત સાંભળી નિશાંતનાં મનમાં એક પ્રશ્ન થયો કે જો વંદના કોઈને સંભળાતી કે દેખાતી ન હોઈ તો પોતાને દેખાય એ કેવી રીતે શક્ય બને?

    વંદનાએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે ,” આથી મેં કંટાળીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો પરંતુ હું જ્યારે ડેમમાં કૂદવા જઇ રહી હતી ત્યારે મને અચાનક તારો અવાજ સંભળાયો, હું પોતે પણ આ જોઈને દંગ રહી ગઈ કે આ કેવી રીતે શક્ય બને મને મારી પોતાની આંખો પર વિશ્વાસ આવી રહ્યો ન હતો, હું બસ માત્ર તને જ જોયા કરતી હતી, અને તે તો મારી સાથે થોડીઘણી વાતો પણ કરી , આથી મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો, મારા મનને થયું કે નહીં આ દુનિયામાં કોઈક તો છે કે જેની સાથે હું વાત કરી શકું , જે મને સાંભળી અને જોઈ શકે , જે મારા પર વિશ્વાસ કરી શકે”

   હવે ધીમે ધીમે નિશાંતને બધી વસ્તુ સમજાય રહી હતી અને તેને એ પણ સમજમાં આવી રહ્યું હતું કે જ્યારે તેણે પોતે વંદનાને પ્રપોઝ કર્યું ત્યારે વંદના….પણ…?.....પણ….?....એવું બોલીને પોતાને શુ સમજાવવા માંગતી હતી.

   આ સાથે જ નિશાંતે વંદનાને એક પ્રશ્ન પૂછ્યો,” ઓકે ! હું તારી બધી વાત માની પણ લઉ પરંતુ આપણે તો એકબીજા ના પરિચયમાં આવ્યાને ઘણો સમય થય ગયો અને તું અહીં એક મહિનાથી દાખલ છે તો તે મને આટલા સમય માં શાં માટે આજે જ જણાવ્યુ ?”

   “ હું આ હકીકત તને પહેલા જ જણાવવા માંગતી હતી પરંતુ મારા મનમાં એક ડર હતો કે હું તને હકીકત જણાવીશ તો તું મને છોડીને જતો રહીશ અથવા તું મારા પર વિશ્વાસ નહીં કરે આથી મેં તને આજે આ વાત જણાવી કારણ કે આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં ...કારણ કે જો કાલે સાંજ સુધીમાં મને એક ખાસ પ્રકારનું ઈન્જેકશન આપવામાં નહીં આવે તો હું કોઈપણ સંજોગોમાં બચી શકુ એવી કોઈ શક્યતા જ નથી આથી મારે તને આ બાબત કે હકીકત ના છૂટકે જણાવવી પડી, જો તું મને પેલું ઈન્જેકશન લાવી આપવામાં મદદ કરીશ તો હું કે તારી વંદના જે ગણે તે બચવાની શક્યતા ખરી..”

   આથી નિશાંતે મનોમન વંદના કે પોતાના પ્રેમને બચાવવા માટે આકાશ - પાતાળ એક કરાવાનું નક્કી કરી લીધું અને પોતાના વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જેટલા પણ કોન્ટેક્ટ હતાં એ બધાને રાતો રાત ફોન કર્યા અને અંતે રાત્રિના 3 વાગ્યાની આસપાસ એક કંપની પાસેથી પેલા ખાસ પ્રકારનાં ઈન્જેકશનની વ્યવસ્થા કરવામાં નિશાંત સફળ થયો અને પોતાને એક જંગ જીત્યાનો આનંદ થયો, પરંતુ હવે નિશાંત માટે રાત કાઢવી ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું. જેમતેમ કરીને નિશાંતે રાત કાઢી.

     વહેલી સવારે તે હોસ્પિટલે પહોંચી ગયો અને પેલું ઈન્જેકશન ત્યાંના ન્યુરોલોજિસ્ટને આપ્યું અને ધીમે - ધીમે વંદનાની હાલત સુધરવા લાગી અને જોતજોતમાં નિશાંતના પ્રેમ અને ધરતી પરના બીજા ભગવાન નો દરજ્જો જેને આપવામાં આવે છે તેવા ડોકટરોની મહામહેનતથી વંદનાને ફરી એકવાર નવી જીંદગી મળી ગઈ.

     નિશાંતનો પ્રેમ અંતે સફળ થયો અને પેલી વંદના હવે કાયમીક માટે પોતાનાં મૂળ શરીરમાં જ પ્રવેશી ગઈ અને ફરી એ સાબિત કરી દીધું કે જો દુનિયામાં જો તમને સાચો પ્રેમ મળે, તો દુનિયાની કોઈ એવી તાકાત કે  વ્યક્તિ નથી કે જે તમને તમારા પ્રેમથી મળતા અટકાવી શકે…….!


                         સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

                             મકવાણા રાહુલ.એચ.