સફરમાં મળેલ હમસફર ભાગ-18

સફરમાં મળેલ હમસફર 
ભાગ-18
મેર મેહુલ
પ્રસ્તાવના :-
‘વિકૃતિ’ના સંયુક્ત પ્રયાસની સફળતા બાદ વાંચકોની સમક્ષ મેં અધૂરી છોડેલી નૉવેલ 'સફરમાં મળેલ હમસફર'ને આગળ ધપાવવા જઈ રહ્યો છું ત્યારે થોડી હકીકતોથી વાંચકોને વાકેફ કરવા ઈચ્છું છું.
      સફરમાં મળેલ હમસફરના સત્તર ભાગમાં જે કહાની હતી એ સત્તર ભાગ સુધી જ સિમિત રહેશે.હવે પછીના જે ભાગ છે એ કહાની છે મેહુલના પુત્ર રુદ્રની.એટલે જો કોઈ એમ વિચારતાં હશો કે કહાની મેહુલ અને જિંકલની છે તો એ ધારણા ખોટી છે.કથાવસ્તુનો પ્લોટ પહેલેથી મગજમાં હતો અને વાંચક મિત્રોના આગ્રહને માન આપી મેં આ સ્ટૉરી આગળ ધપાવવાનું વિચાર્યું.
      પહેલાં ભાગમાં એક છોકરીના બદલાની વાત હતી જે સૌ જાણો જ છો. બીજા ભાગમાં એવી જ વાતો છે પણ વિષય થોડો જુદો છે.પૂર્વજોના સમયથી ચાલી આવતી અંધશ્રદ્ધાને ધ્યાનમાં રાખી આ સ્ટૉરી લખવામાં આવી છે છતાં સ્ટૉરીમાં કંઈક એવું હશે જે સૌના વિચારથી જુદું અને આશ્ચર્ય પમાડે તેવું હશે.
        ભૂત-પ્રેતની વાતોને હંમેશા ડર સાથે સાંકળવામાં આવે છે પણ કોઈએ વિચાર્યું મૃત્યુ પામનાર વ્યક્તિ ભૂત કેમ બનતું હશે?તેની કોઈ ઈચ્છા અધૂરી રહી હોય અથવા તેની સાથે અન્યાય થયો હોય એ માટે બરાબરને?
         સૌના મગજમાં ભૂતો વિશે એક માન્યતા બેસી ગઈ છે, ‘ભૂત આપણને નુકસાન પહોંચાડે છે’ કોઈએ વિચાર્યું  ભૂતને દિલ હોય તો?એ આપણી સાથે એક સામાન્ય વ્યક્તિની જેમ વાતો કરે તો?
       આ સ્ટૉરી અંશતઃ સત્ય છે.જેનો સાક્ષી હું પોતે જ છું.અંધશ્રદ્ધામાં માણસો શું-શું કરે છે એ મેં મારી નજર સામે જોયુલું.હું તો અંધશ્રદ્ધામાં માનતો નથી પણ મારા કાને પડેલી વાતો અને નરી આંખે જોયેલા દ્રશ્યોને કથા સ્વરૂપે રજૂ કરવાની કોશિશ કરું છું.
         સ્ટૉરીને જીવંત દેખાડવા અને તળપદી ભાષાનો ઉપયોગ કરવા મને મદદ કરેલ કચોટીયા ગામના મિત્રો અને વડીલોનો હું અહીં આભાર માનીશ. ત્યારબાદ મારો પરમ મિત્ર શુભમ જે આ સ્ટોરીનો જ એક ભાગ છે તેનો પણ હું આભાર માનીશ.આ સ્ટૉરી શરૂ કરવા માટે જેટલા વાંચકોએ મને આગ્રહ કર્યો છે એ બધા મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરી સ્ટૉરી તરફ આગળ વધુ છું.આશા રાખું છું સ્ટોરીને માત્ર મનોરંજન સ્વરૂપે જ લેવામાં આવે.કોઈ વ્યક્તિ અથવા ભગવાનને કેન્દ્રમાં રાખી આ સ્ટૉરી લખવામાં નથી આવી જેની વાંચકોએ નોંધ લેવી.
             ***
★પાત્ર પરિચય★
રુદ્ર : મેહુલ અને જિંકલનો એકમાત્ર પુત્ર.હાલ કૉલેજના છેલ્લાં વર્ષમાં છે.રુદ્રને સાહસ અને ભૂતને લગતી બૂકો વાંચવાનું પસંદ છે.મેહુલથી તદ્દન વિચારો ધરાવતા રુદ્રને રિલેશનમાં જરા પણ રસ નથી એટલે જ એકવીશ વર્ષનો થયો હોવા છતાં એ સિંગલ છે.
સેજુ : સાચું નામ સુધાતા.જૂનવાણી નામથી કંટાળીને પોતાનું નામ સેજુ રાખેલ. સેજુ કચોટીયા ગામના સરપંચ તળશીભાઈના દીકરાની દીકરી છે.સેજુ જ્યારે સાત વર્ષની હતી ત્યારે તેના પપ્પા પરિવાર સાથે અમદાવાદ આવી ગયેલા.સેજુ સ્વભાવે વાતુડી છે અને અત્યારે કૉલેજના બીજા વર્ષમાં છે.
જે.ડી. : સેજુના મોટાબાપુનો દીકરો અને સ્વભાવે તોફાની જે.ડી. રુદ્રનો દોસ્ત છે.ત્રણ વર્ષ પહેલાં જ જે.ડી. કચોટીયાથી અમદાવાદ કૉલેજ કરવા આવેલો.કોઈપણ છોકરી જોઈ લાળ પાડવી તેની આદત છે.કોલેજના બે વર્ષ દરમિયાન ચાર છોકરી બદલાવ્યા પછી હાલ શીતલ સાથે એ રિલેશનમાં છે.જે.ડી.ને બે મોટી અને એક નાની એમ મળી કુલ ત્રણ બહેન છે જેઓના લગ્ન થવાના છે.
સંદીપ : સેજુનો મોટોભાઈ અને જે.ડી.નો કાકાનો દીકરો સંદીપ પણ સ્વભાવે જે.ડી. જેવો જ છે.સંદીપને પણ એક ગર્લફ્રેન્ડ છે.
શુભમ : રુદ્રનો ખાસ દોસ્ત અને જે.ડી. સાથે જ ત્રણ વર્ષ પહેલાં કચોટીયા છોડી અમદાવાદ કૉલેજ કરવા આવેલો શુભમ બિલકુલ શાંત સ્વભાવનો છે.કોઈ સાથે વધુ વાતો ન કરવી અને પોતાનામાં જ ગુમસુમ રહેવું એ શુભમના લક્ષણો છે.શુભમના મમ્મી-પપ્પા કચોટીયામાં રહે છે જ્યારે શુભમ અહીં કૉલેજ સાથે પાર્ટ ટાઈમ જૉબ કરે છે.
જીણો : કચોટીયા ગામનો એક ખેડૂત અને માતાજીનો ભુવો જીણો ગરમ મિજાજનો છે.જ્યારે તેને ગુસ્સો આવે ત્યારે એ કંઈ પણ કરી બેસે છે.
(એક ઝલક)
“હું કોઈથી ડરતો નથી અને જો તમે સાચા હોવ તો મારી સામે આવો અને આંખોમાં આંખ નાખીને વાત કરો.”રુદ્રએ ગરજીને કહ્યું.
“જેવી તારી મરજી”
       રુદ્રના હાથમાં હતી એ મશાલ બુઝાઈ ગઈ.ભોંયરામાં ભયંકર શાંતિ પથરાઈ ગઈ.રુદ્ર પોતાના શ્વાસ પણ સાંભળી શકતો હતો એટલી શાંતિ છવાઈ ગઈ.રુદ્ર હલનચલન કરવાની કોશિશ કરી.તેના પગ કોઈએ મોટી સાંકળથી બંધાયેલ હોય તેમ રુદ્ર જમીન સાથે ઝકડાઇ ગયો.
     અચાનક રુદ્રના હાથમાં રહેલી મશાલ સળગી ઉઠી-બુઝાઈ ગઈ અને ફરી સળગી ઉઠી.ભોંયરાના તળમાંથી ધીમે ધીમે એક પડછાયો મોટો થઈને રુદ્ર તરફ આવતો હતો.રુદ્રએ સામે નજર કરી.એક માથાં વિનાનું ધડ તેની તરફ ધસી આવતું હતું.એ ધડની છાતીમાં બે તલવાર પરોવેલી હતી.તલવાર જ્યાં લાગેલી હતી ત્યાંથી નીકળતું કાળું લોહી કમરેથી નીતરતું હતું.
        રુદ્રની આંખો પહોળી થઇ ગઇ.તેણે ભૂત-પ્રેતની વાર્તામાં આવી વાતો વાંચેલી પણ પોતાની નરી આંખે આવું દ્રશ્ય જોવા મળશે એવું તેણે સ્વપ્નેય નોહતું વિચાર્યું. રુદ્રના પગ થરથરવા લાગ્યા.કપાળે પરસેવો વળી ગયો.
        આટલી કપરી હાલતમાં પણ રુદ્રએ એ ધડનું નિરીક્ષણ કર્યું.લથડાતી ચાલ પરથી એ ધડ કોઈ પુરુષનું લાગતું હતું.
“ક..ક..કોણ છો તમે?”રુદ્રએ હિંમત કરીને પૂછ્યું.
“હું સવજી….આ ગામ મારુ છે અને હું ગામનો રખેવાળ”માથા વિનાના ધડમાંથી આવ્યો.ધડમાંથી અવાજ આવતા સાથે જ રુદ્રના હિંમતનો બંધ તૂટી ગયો.તેણે ડરીને રાડ પાડી.
★શરૂઆત★
           ક્રિષ્ણનગરથી સવારકુંડલા તરફ જતી બસ એલિસબ્રિજ વટાવી પાલડીના સ્ટોપ પર ઉભી રહી.ક્રિષ્ણનગરથી એક વાગ્યે ઉપડતી બસ કાલની હડતાલને કારણે આજે સવા ત્રણે ઉપડી હતી છતાં બસ  પુરી ખચોખચ ભરી હતી.સાવરકુંડલા તરફ જતી બધી બસોમાં હંમેશા રિઝર્વેશન રહેતું એટલે લોકલ મુસાફરો ભાગ્યે જ આ ગુર્જરનગરીમાં ચડતાં.
         આજે પણ આ બસમાં બધી સીટો રિઝર્વ હતી.બૉડી ફિટ ગ્રે કલરનું સ્લીવ ક્રેપ પ્રિન્ટેડ કુરતું અને મેચિંગ બ્લૅક બૉડી ફિટ લેગીસ પહેરેલી સેજુ પાલડીથી ચડી.પાંચ ફૂટ પાંચ ઉંચી, ભરાવદાર લચકીલી કમર અને અદાકારીથી નક્ષીકામ કરેલ હોય તેવો કંડારાયેલો લંબગોળ ચહેરો,કમર સુધી લાંબા અને કાળા છુટા વાળ,કોઈ પણ પુરુષ ડૂબવા તલપાપડ થાય એવી કાળા કાજળ વચ્ચે છુપાયેલી મોટી આંખો અને આંખો પર ગોલ્ડનની ફ્રેમવાળા બ્લેક રેબનના ગોગલ્સ,દાડમની કાચી કળી જેવા દાંતોને આવરી લેતા ગુલાબની પંખુંડી જેવા બે હોઠ.એ હોઠો પર અવિરત પણે રમતું અદભુત અને અવિસ્મરણીય સ્મિત.ભૂલથી પણ જો કોઈ આંગળીઓ લગાવે તો લાલા ચાબકુ પડી જાય એવો ગોરો શ્વેત વાન.કોઈપણ ભભકાદાર શણગાર વિના કુદરત પાસેથી મળેલ સૌંદર્યમાં એ કોઈ સ્વપ્ન સુંદરી લાગી રહી હતી.
      સેજુ બસમાં ચડી એટલે બધા મુસાફરોનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ.તેના હાથમાં એક મોટી ટૂરિરિસ્ટ બૅગ હતી અને ખભે સાઈડ બૅગ લટકતું હતું.થોડીવાર તેણે આમતેમ નજર કરી અને પછી ઓગણીસ નંબરની બારીવાળી સીટ પર જઈને બેસી ગઈ.બસ પણ કોઈ મહારાણીને સવારી કરાવી રહી હોય તેમ મસ્તમોલા સ્વભાવમાં ઝટકા ખાતી ખાતી ઉપડી.
      બસ કંડક્ટરબેન રિઝર્વેશન ચાર્ટ લઈ ગીતામંદિરથી ચડેલા મુસાફરોનું રિઝર્વેશન તપાસવા અને ટીકીટ આપવા પાછળ ગયા.થોડીવાર પછી એ બેન ઓગણીસ,વિશ અને એકવશની લાઈનમાં આવીને ઊભા રહ્યા.બારી પર માત્ર સેજુ જ બેઠી હતી.તેણે હાથમાં રહેલ રિઝર્વેશનનો કાગળ કંડક્ટરબેન તરફ ધર્યો.બેને એ કાગળ હાથમાં લીધો.
“માફ કરશો બેન”કંડક્ટર બેન બોલ્યા, “તમે બીજી બસમાં ચડી ગયા છો”
“આ સાવરકુંડલાવાળી જ બસ છે ને?”સેજુએ પાતળા પણ મધુર અવાજે આશ્ચર્યપામીને પૂછ્યું.
“છે તો આ સાવરકુંડલાવાળી જ બસ, પણ ઓગણીસ નંબરની સીટ પર તમારા નામનું રિઝર્વેશન નથી.અહીંયા ઇસ્કોનથી રિઝર્વેશન છે”
“એક જ સીટ પર બે રિઝર્વેશન કેવી રીતે હોય?મારી પાસે રિઝર્વેશનનો કાગળ છે તો આ સીટ મારી છે”હઠીલીભાષામાં કહેતાં સેજુ સીટ પર અદબવાળીને બેસી ગઈ.
“તમે ત્રણ વાગ્યાની બસમાં રિઝર્વેશન કરાવેલું છે અને આ બસ એક વાગ્યાની છે”કંડક્ટરબેને સેજુને સમજાવતા કહ્યું.
“એક વાગ્યાની બસ અત્યારે?,અત્યારે તો ચાર વાગ્યા છે”
“કાલે બસોની હડતાલ હતી એટલે બધી બસો મોડી છે”બેને કહ્યું, “તમારે આગળના સ્ટેશને ઉતરવું પડશે અથવા નવી ટીકીટ લેવી પડશે”
“હું શું કામ ઉતરું? અને મારી પાસે રિઝર્વેશનનો કાગળ પણ છે એટલે ટીકીટ પણ નહીં લઉં”હઠીલી બનતાં સેજુએ કહ્યું.
“આ બસમાં એ રિઝર્વેશન નહિ ચાલે, તમે ઇસ્કોન ઉતરી જજો અથવા નવી ટીકીટ લઈ લેજો”કહી એ બેન પોતાની સીટ પર જઈ બેસી ગયા.
“ચુડેલ સાલી”ધીમેથી બોલતી સેજુ નખ ચાવવા લાગી.આગળ જતાં નહેરુનગરે બસ ઉભી રહી,ત્યાંથી પણ બે-ચાર મુસાફરો ચડ્યા.કંડક્ટર બેને સેજુ સામે જોયું પણ એ બેન પર ધ્યાન ન હોય એ રીતે સેજુ બારી બહાર જોતી રહી.આગળ જતાં ઇસ્કોન આવ્યું.ત્યાંથી ઓગણીસ, વિશ અને એકવીશ નંબરની સીટના રિઝર્વેશનવાળું એક ફૅમેલી ચડ્યું. સેજુ સામે જોતાં ફેમિલીના વડાએ સીટ ખાલી કરવા આંખોથી ઈશારો કર્યો.
       સેજુ ઉભી થઇ અને કંડક્ટર બેન પાસે આવી.
“આજે બધી બસ મોડી છે બરાબર, તો ઘણાબધાં મુસાફરો કંટાળીને પ્રાઇવેટ વાહનમાં ચાલ્યા ગયાં હશે અને જો હું મારી બસની રાહ જોઇશ તો એ પણ મોડી જ આવશે,આગળ કોઈ રિઝર્વેશનવાળું ન આવ્યું હોય તો મને કહો હું ત્યાં બેસી જઈશ”કંડક્ટરને વિનંતી કરતા સેજુએ કહ્યું, “ અને  ટીકીટ પણ આપી દો”
“તેર નંબરની સીટ પર બાવળાથી રિઝર્વેશન છે,જો કોઈ ના આવે તો બેસી રહેજો”કંડક્ટરે ટીકીટ કાપતાં કહ્યું.
“થેંક્યું”કહી સેજુ તેર નંબરની સીટ પર બેઠી ગઈ.
     સેજુના નસીબ ખરાબ હતા,બસ સવા બે કલાક મોડી હતી તો પણ બાવળાથી જે રિઝર્વેશન હતું એ મુસાફર રાહ જોઇને ઉભું રહ્યું હતું. બાવળા આવતા સેજુને તેર નંબરની સીટ પણ છોડવી પડી.ફરી એ કંડક્ટર પાસે આવીને ઉભી રહી. તેણે આજુબાજુ નજર કરી તો બધી સીટો પર મુસાફરો બેઠાં હતાં.માત્ર ત્રેવીસ નંબરની સીટ પર કોઈની બૅગ હતી અને બાજુમાં બારીની સીટ પર એકવીશ વર્ષનો છોકરો હાથમાં બુક લઈ બેઠો હતો.તેના કાનમાં ઈયરફોન હતા અને ધ્યાન બૂકમાં હતું.
“હવે હું શું કરું બેન?”અકળાતા સેજુએ પૂછ્યું.
“બાવીશ નંબરની સીટ પર જે છોકરો બેઠો છે, ત્રેવીસ નંબરની સીટ તેણે જ રિઝર્વ કરાવેલી છે.તેનો એક દોસ્ત આવવાનો હતો જે નથી આવ્યો.તમે એને રિકવેસ્ટ કરી શકો છો”કંડક્ટર બહેને સલાહ આપતાં કહ્યું.સેજુ તે છોકરા તરફ આગળ વધી.
“એક્સકયુઝ મી”સેજુએ નટખટ અદામાં કહ્યું, “અહીંયા કોઈ ના આવતું હોય તો હું બેસી જાઉં!!!”
      રુદ્રએ સાઈડમાંથી બૅગ લઈ લીધી.સેજુને કોઈ જુએ તો બિલકુલ શાંત લાગે પણ અંદરથી એ એટલી જ ચંચળ અને નટખટ હતી.આવતા અઠવાડિયામાં તેની બહેનપણીના લગ્ન હતા એટલે એ સિહોર જઇ રહી હતી.
“હું આ સીટના રૂપિયા નહિ આપું હો”સેજુએ રુદ્રને સંબોધતા કહ્યું.
      રુદ્રનું ધ્યાન ચોપડીમાં હતું,કાનમાં ઈયરફોન હોવાને કારણે તેને સેજુની વાત પણ ના સંભળાય.
“હેલ્લો મિસ્ટર”સેજુએ રુદ્રને ઢંઢોળ્યો, “તને કહું છું”
“સૉરી,મારુ ધ્યાન બૂકમાં હતું”રુદ્રએ માફી માંગતા કહ્યું, “શું કહ્યું તે?”
“આ સીટ પર તારું રિઝર્વેશન છે ને?”સેજુએ પૂછ્યું.
“હા,મારો દોસ્ત આવવાનો હતો પણ છેલ્લે તેને કામ આવી ગયું એટલે નથી આવ્યો”
“એ જે હોય એ પણ હું આ સીટના રૂપિયા નહિ આપું,અત્યાર સુધીમાં એક મુસાફરીના બે ગણા રૂપિયા આપ્યા છે”
“ઓહ…ના…. મારે નહિ જોતા,તું બેસી શકે છે”કહી રુદ્રએ ઈયરફોન લગાવ્યા અને ફરી બુક વાંચવામાં મગ્ન થઈ ગયો.
        સેજુએ પણ બેગમાંથી ઈયરફોન કાઢ્યા અને સોંગ સાંભળવામાં વ્યસ્ત થઈ ગઈ.એક બે સોંગ સાંભળ્યા પછી વાતુડી સેજુને કંટાળો આવવા લાગ્યો પણ કોઈ ઓળખીતું વ્યક્તિ સાથે નોહતું એટલે એને ચૂપ રહેવું પડયું.
    સેજુએ રુદ્ર તરફ જોઈ મોં મચકોડયું.એ  હવે કંટાળી હતી.થોડીવાર મોબાઈલમાં આમતેમ  ચક્કર લગાવી તે ફરી કંટાળી ગઈ.તેણે બાજુમાં ત્રાંસી નજર કરી.ત્યારે રુદ્ર ખોળામાં બુક રાખી સુતો હતો.
    રુદ્રએ સોલિડ સ્લિમ વી શૅપ વ્હાઈટ ટીશર્ટ પર સ્ટેન કૉલર જીપરનું બ્રાઉન જૅકેટ અને કાર્ગોનું સ્કાઇ બ્લ્યુ જીન્સ પહેર્યું હતું.ટીશર્ટમાં જ્યાં વી શૅપ પડતો હતો ત્યાં ગોલ્ડન ફ્રેમના રેબનના ગોગલ્સ લટકતા હતા.જમણા હાથમાં બ્લૅક ગળીનો ધાગો અને બંને તરફ સિંહ આકાર વાળું કડું પહેર્યું હતું.ડાબા હાથમાં પણ ફાસ્ટટ્રેકની બ્લૅક સ્લિમ બેલ્ટવાળી વૉચ પહેરી હતી.રુદ્ર વાને બિલકુલ જિંકલ જેવો અને ચહેરે મેહુલ જેવો ઑવલ શૅપ ધરાવતો હતો.વાળ બંને સાઈડથી ઝીરોનું મશીન લગાવેલા અને ઉપર થોડાં શૅપ આપતાં હતા.રુદ્રના ગળામાં બ્લુટૂથ લગાવેલું હતું જેમાંથી એક પ્લગ તેના કાનમાં લગાવેલ હતો.
     સેજુએ થોડીવાર નિરીક્ષણ કર્યા પછી નજર ઘુમાવી લીધી અને આંખો બંધ કરી સુવાની કોશિશ કરી.
     સાવરકુંડલાવાળી બસે પોતાના નિયત સ્થળે ધંધુકા અને બરવાળા વચ્ચે ‘અભિષેક’ હોટલે દસ મિનિટ માટે હોલ્ટ કર્યો.રુદ્ર અને સેજુ ત્યાં સુધીમાં જાગી ગયા હતા.બંને ફ્રેશ થઈ પોતાના માટે નાસ્તો લઈ આવ્યા.નાસ્તો કરી રુદ્ર ફરી બુક વાંચવામાં ખોવાય ગયો.
‘કેવો છોકરો છે,બાજુમાં એક છોકરી બેઠી છે તો પણ વાત કરવાની કોશિશ નહિ કરતો’સેજુ ધીમેથી ગણગણી.
“મને કંઈ કહ્યું?”સેજુની વાત રુદ્રને ના સંભળાય એટલે તેણે પૂછ્યું.
“તું સાંભળી ગયો?”દાંત વચ્ચે જીભ દબાવતા સેજુએ આંખો મીંચી દીધી.
“ના સંભળાયું તો નથી પણ મને લાગ્યું તે મને કંઈક કહ્યું”
“હા યાર,આટલું લાબું સફર હોય અને તારી જેવો બોર છોકરો મળે તો પોતાની સાથે જ વાતો કરું ને?”મોં મચકોડતાં સેજુએ કહ્યું.
“કોણે કહ્યું હું બોરિંગ છું?,બોરિંગ તો ગર્લ્સ હોય.વાત કરવાની ઈચ્છા હોય પણ સામેથી વાત થશે એવી આશાએ આજુબાજુ ડાફોસિયા મારશે પણ બોલશે નહિ અને તું મને જાણ્યા વિના જજ ના કરી શકે”રુદ્રએ ભડકીને કહ્યું.સેજુ ખીલી ઉઠી.તેને જે જોઈતું હતું મળી ગયું હતું.
“અડધું સફર પૂરું થઈ ગયું છતાં તું એક શબ્દ નથી બોલ્યો તો હું એમ જ સમજુને?”
“તે વાત કરવાની કોશિશ કરી?”રુદ્રએ ઊંચા અવાજે કહ્યું.
“છોકરી કંઈ શરૂઆત ના કરે”
“ઓ..કઈ સદીમાં જીવે છે તું?આ સદીની છોકરી તો બધું કરે તારી ખબર નહિ”
“ઑકે ઑકે મારી ભૂલ બસ”સેજુએ કહ્યું, “હું સેજુ અને તું?”
“રુદ્ર”
(ક્રમશઃ)
મેર મેહુલ

***

Rate & Review

Jigar Shah 2 days ago

Suresh Prajapat 3 days ago

Nita Mehta 5 days ago

Chetna Bhatt 2 weeks ago