સફરમાં મળેલ હમસફર ભાગ-21

સફરમાં મળેલ હમસફર
 ભાગ-21
મેર મેહુલ
“શું જુએ છે પાગલ?”સેજુએ રુદ્રના ચહેરા પર બદલાતાં હાવભાવ વાંચીને પૂછ્યું.
“તે જ કહ્યું હતું કે એકવાર મને નોટિસ કર અને હવે પૂછે છે કે હું શું જોઉં છું?”
“એ…...મેં તને મારું વર્તન નોટિસ કરવાનું કહ્યું હતું,ફિગર નહિ”ખભેથી ટી-શર્ટ વ્યવસ્થિત કરતાં સેજુએ કહ્યું, “તું જે વિચારે છે એ ટાઇપની હું છોકરી નથી હો”
“હાહાહા,હું તારા વિશે એવું કંઈ જ નથી વિચારતો”રુદ્ર સેજુ પાસે આવીને બેસી ગયો, “મેં તને એટલે જ કહ્યું હતું કે પહેલાં એકબીજાને સરખી રીતે જાણી લેવાય પછી બીજું વિચારાય”
“હા તો એટલે જ તને અહીં બોલાવ્યો છે,તને શું લાગે તારી સાથે ચૂંમાં-છાટી કરવા મેં ભાઈના મોબાઇલમાંથી ચોરીચુપે તારો નંબર લીધો હશે?”
“ઓહ હવે સમજાયું મેડમને નંબર ક્યાંથી મળ્યો”રુદ્રએ સેજુનો કાન મારોડતાં કહ્યું, “પણ લૂક સેજુ,આપણે અત્યારે સારા દોસ્ત બની શકીએ.તું જે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડવાળી વાત કહે છે એ મને હજમ નહિ થતી”
“ફરી એકવાર સેજુ બોલતો”સેજુએ છણકાર કર્યો.
“સેજુ..”
“હાય”સેજુએ આંખો મીંચી બંને હાથ ગાલ પર રાખ્યા, “તું સેજુ બોલે ત્યારે કેવું મીઠુ લાગે છે,કોઈ રસગુલ્લાની ચાસણીમાં રસગુલ્લો બોળીને મોંમાં રાખતું હોય ત્યારે જે ફીલિંગ આવેને એ ફીલિંગ આવે છે મને”સેજુએ રુદ્રના ખભે માથું ઢાળી દીધું.
“રસગુલ્લાવાળી મેં તને શું કહ્યું એ સાંભળ્યુંને?”રુદ્રએ ખભેથી સેજુનું માથું સરકાવતાં પૂછ્યું.
“મંજુર છે મને”સેજુએ ખુશ થઈ કહ્યું “મારી પણ એક શરત છે.આગળના સાત દિવસમાં તું જ્યાં જઈશ ત્યાં મને સાથે લઈ જઈશ,જો સાત દિવસમાં તને મારા માટે ફીલિંગ્સ આવે તો અમદાવાદમાં આપણું ચક્કર ચાલશે નહીંતર તું તારા રસ્તે અને હું મારા રસ્તે”
“અત્યારે તો મને જોરદારની એક નંબર લાગી છે”રુદ્રએ ટચલી આંગળી ઊંચી કરી કહ્યું, “સાથે આવીશ તું?”
“ચલ ભાગ,સાથે આવવાવાળો”સેજુએ રુદ્રને પાળી પરથી ધક્કો માર્યો અને દાદર તરફ ખસેડયો.
   રુદ્ર દાદર તરફ આગળ વધતો હતો ત્યાં હવેલીની પાછળ કોઈનો અવાજ આવ્યો.સેજુએ પાળીની ઑથાર લઈ વાત સાંભળવાની કોશિશ કરી.રુદ્ર પણ જીજ્ઞાસાવશ સેજુની પાછળ ગોઠવાય ગયો.
“ભૂત…ભૂત..મારી પાછળ કોઈ દોડતું’તુ હમણાં”
“કોણ સવજીદાદાનું ભૂત?”
       જીણા અને અશોક વચ્ચે થયેલી બધી વાતો આ બંનેએ સાંભળી.અંતે જીણો એના રસ્તે જતો રહ્યો અને અશોક તેના રસ્તે.
“આ લોકો શું વાત કરતાં હતાં?”રુદ્રએ પૂછ્યું.
“આ ગામ દેખાવમાં જેટલું સુંદર અને રમણીય છે એટલું અંદરથી રહસ્યમય ભરેલું છે.આ ગામના ભૂતકાળમાં ઘણાબધા રહસ્યો ભંડારાયેલા છે”સેજુએ અદબવાળી ઘોર અંધારામાં મીટ માંડી.
“કેવા રહસ્યો?”રુદ્રએ ઉત્સાહિત થઈ પૂછ્યું.
“એવું કહેવાય છે કે સત્તરમી સદીમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે સિહોરના રાજાએ સવજીદાદાને આ ગામ ભેટમાં આપેલું.સવજીદાદા ખૂબ જ પ્રેમાળ અને સેવા ભાવિ હતા. એક દિવસ તેઓ પોતાની ઘોડી માણકી પર સવારીએ નીકળેલા.રાત પડી ગઈ એટલે આ વડલા નીચે”સેજુએ હવેલીના પરસાળમાં રહેલા વડ તરફ આંગળી ચીંધી, “આ વડલા નીચે રાત વાસો કરેલો,સવારે સિહોરના રાજા આ તરફ આવ્યા ત્યારે તેની મુલાકાત સવજીદાદા સાથે થયેલી.રાજાએ સવજીદાદાનો પ્રેમાળ સ્વભાવ જાણી આ ગામ તેને ભેટમાં આપેલું.ત્યારે અહીં વસાહત નોહતી.એકલી ઝાડીઓ વચ્ચે સવજીદાદા તેના પરિવાર સાથે ઝૂંપડું બાંધી રહેતા અને વડલા નીચે પરબ બાંધી રાહદારીઓની સેવા કરતાં”
“એક  રાતે બહારવટિયા ચડી આવ્યા,તેઓએ સવજીદાદા સાથે તેના પુરા પરિવારનો ખાત્મો કરી નાખ્યો.એની ઘોડી માણકીનું પણ કાટલું કાપી ગયેલા એ લોકો અને એ બહારવટિયા કોણ હતા ખબર તને?”સેજુએ પૂછ્યું.
“કોણ હતા?”રુદ્રએ ગંભીર થઈ પૂછ્યું.
“અમારા પૂર્વજો”
“હે??હાહાહા, મતલબ તું બહારવટિયાનો વારસો છો”કહેતાં રુદ્ર હસી પડ્યો.
“મને તો આ બધી વાતો પર વિશ્વાસ નહિ,લોકો તો જુદી જુદી વાતો કરતાં હોય છે”
“મને એવું નહિ લાગતું,તું જ્યારથી મને મળી ત્યારથી કોઈ ડાકુ મારી સાથે હોય એવો મને અહેસાહ થાય છે”સેજુની ચુગલી કરતાં રુદ્રએ મસ્કો માર્યો.
“અચ્છા!!,ધ્યાન રાખજે હો બકા,આ ડાકુ કોઈને કેદ કરે પછી છોડતા નથી”
“એ તો જોઈએ અને આમ પણ આપણી વચ્ચે એવું કંઈ નહીં થાય સો બીજા છોકરાને કેદ કરજો ડાકુજી”
      સેજુએ નસકોરાં ફુલાવ્યા.
“ચાલ હવે રાત થઈ ગઈ છે.મને નીંદર આવે છે”સેજુએ મોઢું બગડતાં કહ્યું.
“અચ્છા આ ગામમાં કોઈ લાઈબ્રેરી હશે?આ ગામના ઇતિહાસની કોઈ બુક હોય તો મારે વાંચવી છે”રુદ્રએ વાત બદલતાં કહ્યું.
“લાઈબ્રેરી તો નથી પણ શાળામાં પુસ્તક ભંડારમાં થોડી બૂકો પડેલી છે જેમાં આ ગામના ઇતિહાસની પણ એક બુક પડી છે.તારે વાંચવી હોય તો આપણે કાલે લઈ આવશું”સેજુએ કહ્યું.
“ગ્રેટ,આપણે કાલે સવારે જાગીને પહેલું કામ એ જ કરીશું”
“ચાલો એ બહાને આપણે સાથે તો રહીશું”રુદ્રના ગાલે ચીમટો ભરી સેજુએ કહ્યું, “ચાલ શુભરાત્રી,મને નીંદર આવે છે”
“હા,શુભરાત્રી”કહી બંને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.
***
   જીણા સાથે બનેલી ગઈ રાતની ઘટના હવાની જેમ ગામમાં ફેલાઈ ગઈ હતી.સવારમાં ભલે કોઈના ઘરે છાપું ના આવતું હોય પણ આ ગામ રોજ બધાના ઘરે ચા પીવા જતો અશોક સમાચાર ફેલાવવાનું કામ કરતો.
“તને શું લાગે અશોક,આ વખતે પણ લગનમાં એવું થશે?”ભોપાભાઈએ ચાની સુસકી લેતાં પૂછ્યું.બે ઘરે ચા પીને આવેલા અશોકે ભોપાભાઈના ઘરે પાટ(બેસવા આવેલો) માંડ્યો હતો.ભોપાભાઇ અને અશોક એક ખાટલા પર બેસી જૂની વાતો યાદ કરતાં હતાં.
“મને તો લાગે છે આ વખતે લગનમાં પેલા કરતાં ભયંકર થવાનું છે.ગયા વર્ષે પેલી વર્ષના લગન હતા ત્યારે એને વાવ આવી હતી આ વખતે તો તણ છોકરીના લગન છે.”
“મેં તળશીભાઈને કીધું’તું કે તમારી પાસે તો આટલી બધી મૂડી છે.છોકરીયુંના લગન સિહોર કા ભાવનગરમાં રાખો પણ તળશીભાઈને તો એની હવેલીમાંથી છોકરીયુને વળાવવી હતી.હવે એના માઠા પરિણામ પણ ભોગવશે”ચા પીને બીડી સળગાવતાં ભોળાભાઈએ કહ્યું.
“હું તો લગનમાં જમવા જ આવવાનો છું અને છોકરીયુંને પાહો ભરાવે ત્યારે મારી વોવ કે છોકરીયુને જાવાની ના જ પાડવાનો છું”અશોકે પણ બીડી સળગાવતાં કહ્યું.
“આ સવજીદાદાનું વાળન કર્યું તોય એનું ભૂત હેરાન કરે છે, મને લાગે છે એક દિવસ આ ગામને બંજર બનાવીને જ રહેશે દાદા”
“હોય હવે,એવું કાંઈ નો હોય.આપણી પછીની પેઢી આ ભૂત-પ્રેતમાં માનતી જ નથી.તે કાલે જોયું નઈ?જેન્તીની છોકરી આવી એણે કેવો ડ્રેસ પેર્યો હતો?”
“એ લોકો પણ માનશે.જ્યારે સવજીદાદાના સાક્ષાત દર્શન થશેને ત્યારે એ બધાને પણ ખબર પડશે.એક તો એના જ પરદાદાઓએ આવા કાંડ કર્યા અને હવે….”
      ભોપાભાઈનું વાક્ય પૂરું થયું એ પહેલાં તેની નજર રસ્તા પર પડી.રુદ્ર અને સેજુ બંને વાતો કરતાં કરતાં શાળાના રોડે જતાં હતાં.
“જોયું અશોક?આ પરજામાં હવે શરમ જેવું રયુ જ નથી.કોણ શું વિચારશે એ પણ નથી વિચારતા આ લોકો”
“એટલે જ મેં મારી  છોકરીને જેન્તીની છોકરી હારે અમદાવાદ નો મોકલી,ન્યા જઈને ભણતી તો નથી.બસ છોકરાં હારે લફરાં કરી ભાગી જશે”
“તારે ક્યાં જોવું છે”ભોપાભાઈએ ખાટલા પરથી ઉભા થતા કહ્યું, “હાલ મારે ખેતરે આંટો મારવા જવું છે, કાલે મારા ખેતરમાં રોઝડા નથી આવ્યાને એ જોવાનું છે”
         ભોપાભાઈએ ઉભા થઇ ખભે ફાળિયું નાખ્યું અને ખેતર તરફ ચાલ્યા.અશોક બીજા ઘરે પાટ માંડવા આગળ વધ્યો.
         અહીં જીણાને પુરી રાત ઊંઘ નોહતી આવી.પગરવ સાથે ઘૂંઘરીનો અવાજ પુરી રાત તેના કાને અથડાતો રહ્યો.ડરના કારણે તેનું શરીર પણ ધગધગતુ હતું.તેની પત્ની જસુએ જીણાના કપાળે પપૈયાના પાન  બાંધી દીધા હતા.
“શું થયું લ્યા જીણીયા?”ખોંખારો ખાતા તળશીભાઈ બારસાખમાંથી પ્રવેશ્યા.જસુબેને સાડીનો પલ્લું ચહેરા આડો ઢાંકી દીધો અને ઊંધું ફરી ગયા.
     તળશીભાઈ ગામના સરપંચ અને સેજુના દાદા હતા.પાંસઠ વર્ષે પહોંચેલા તળશીભાઈ હજી લાકડીના ટેકા વિના અડીખમ ચાલતા હતા.તેઓ અંદર આવ્યા એટલે જસુબેને તેના માટે ઢોલિયો(ખાટલો) ઢાળી દીધો.તળશીભાઈએ બેસીને હોકલી સળગાવી.
“શું કવ દાદા,કાલે તો મરતા મરતા બચ્યો.જો થોડીવાર ન્યા રયો હોત તો આજે હું જીવતો નો હોત”જીણાએ કપાળેથી પાન દૂર કરતાં કહ્યું.
“અલા તારી માથે તો માં મેલડીનો હાથ છે,એમ કાંઈ થોડું તને થાય?અને તું ભુવો છો ને એટલે જ તારી સાથે આ બધું થાય છે. હું તો કવ છું આજે પાટ માંડ અને સવજીદાદાનું વળણ કરી નાખ.આમ પણ સુરાની છોકરીયુંના લગન છે એટલે હું તને ઇ કહેવાનો જ હતો”તળશીભાઈએ હોકલી ખેંચતા કહ્યું.
“કેટલી વાર કરવું દાદા?દર વખતે કોક પેટનું મેલું પાટમાં બેસી જાય છે અને દાદાની ઈચ્છા અધૂરી રય જાય છે”
“મેં વિચારી લીધું છે જીણીયા.આ વખતે આપણે બે-તણ જણ જઈને દાણા જોઈ લેહુ,કોઈને ખબર પણ નય પડે”
     જીણાને તળશીભાઈની વાત સાચી લાગી.પહેલા જ્યારે ગામના લોકોની વચ્ચે દાણા નાંખતા ત્યારે કોઈ કારણસર વિધિ પુરી ન થતી એટલે આ વખતે સૌની જાણ બહાર આ કામ કરવાનું નક્કી થયું.તળશીભાઈ નોહતા ઇચ્છતા કે આવી બીજી કોઈ ઘટના ઘટે એટલે આ વિધી કરવા આજની રાતનો સમય નક્કી થયો.
“હું હમણાં જ ગોરદાદાને કહી આવું,પિંડદાનની વિધિ એ કરી આપશે”તળશીભાઈએ હોકલી ખાટલના પાયા સાથે અથડાવી ખાલી કરી અને ઝભ્ભામાં રાખી દીધી.
“હું હમણાં વૈદ્યને મોકલું છું તું સારવાર કરાવી લે”કહી તળશીભાઈ ઉભા થયા.
       છેલ્લાં કેટલાક વર્ષોથી જ્યારે પણ ગામમાં લગ્ન થતા ત્યારે લગ્નમાં હંમેશા વિઘ્ન આવતું.ગામના લોકો આ વિઘ્નને સવજીદાદાના ભૂત સાથે જોડી દેતા.પોતાના દીકરાના દીકરીના લગ્નમાં કોઈ વિઘ્ન ના આવે એટલે તળશીભાઈએ પહેલેથી જ રસ્તો શોધી કાઢ્યો હતો.સવજીદાદાના ભૂતને બંધનમાં બાંધી વિઘ્ન ટાળવાના પ્રયાસમાં કેટલા લોકોની બલી ચડવાની હતી એ તળશીભાઈ નોહતા જાણતાં.
                                           ***
     શુભમ ભયંકર મુંઝવણમાં મુકાયો હતો.બીજા માટે પોતાની જાતને રોકી રાખવી તેને કડવું લાગતું હતું.રુદ્રના ગયા પછી પુરી રાત વિચાર કર્યા પછી સવારે તેણે રુદ્રને કૉલ કર્યો અને આજે સાંજે જ કચોટીયા આવે છે એવું જણાવી દીધું.રુદ્રએ બે ગાળો આપી પછી જલ્દી આવી જવા કહી ફોન કાપી નાખ્યો.
                                  ★★★
“તને ખબર છે આ શાળા કોણે બંધાવેલી?”શાળાનો દરવાજો ખોલી અંદર જતા સેજુએ પૂછ્યું.
“તારા દાદાના પપ્પાએ..”રુદ્રએ કહ્યું.
“હા પણ તને કેમ ખબર?”
“સામે મોટા અક્ષરે લખેલું છે. તને નથી વંચાતું?”સેજુના માથે ટપલી મારતાં રુદ્રએ કહ્યું.
“આઉચ…! ભુલાય જ ગયું એ તો.ચાલ હું તને  મારો રૂમ બતાવું”કહી રુદ્રનો હાથ પકડીને સેજુ શાળાના પ્રાંગણમાં આવી.શાળાની એક બાજુએ સાગનો બગીચો હતો.એ બગીચા પછી ખળખળ વહેતી ગૌતમી નદી જોઈ શકાતી હતી.
     શાળાની બીજી બે બાજુ ખેતરો હતા.શાળાના પ્રાંગણમાં લપસણી,હીંચકા અને સિસો હતા.ત્રણ રૂમની શાળાની ઉપર લાલ અક્ષરે ‘શ્રી કચોટીયા પ્રાથમિક શાળા’ લખેલું હતું.શાળામાં પણ રજાના દિવસો ચાલતા હોવાથી શાળા બંધ રહેતી.શાળાની ચાવી હંમેશા સેજુના ઘરે જ રહેતી.સેજુએ ત્રીજા નંબરનો રૂમ ખોલ્યો.
     રૂમમાં પ્રવેશતા રુદ્રએ અદભુત અને નાકને પસંદ આવે તેવી ખુશ્બુ અનુભવી.રૂમમાં કોઈ બાંકડા કે બેન્ચ નોહતી.બાળકો નીચે બેસીને જ અભ્યાસ કરતા. રૂમનું બારણું પશ્ચિમ દિશામાં પડતું હતું.પર્વેશતાની સાથે જ જમણી તરફ દીવાલ પર બુલેટિન બોર્ડ લગાવેલું હતું.જેના પર નાના ભૂલકાઓએ દોરેલાં ચિત્રો લગાવેલ હતા.ઉપર પંખાની આજુબાજુએ કાગળથી બનાવેલા ઝુમ્મર,પતંગો અને રંગોળીઓ લટકતી હતી.પૂર્વ દિશા તરફ પડતી દીવાલ પર બે બારીઓ હતી.એ બે બારીઓની વચ્ચે ગુજરાતનો નક્શો લટકતો હતો.
      ઉત્તર અને પૂર્વ દિશાની દિવાલના ખૂણા જ્યાં મળતાં હતા ત્યાં એક ટેબલ પડ્યું હતું જેના પર બાળવાર્તાના પુસ્તકો પડ્યા હતા.સેજુ એ ટેબલ પાસે આવીને ઉભી રહી.
“જો રુદ્ર આ પુસ્તકહાટ હું સંભાળતી”ટેબલ પર પડેલા રજીસ્ટરના ચોપડાંને હાથમાં લેતાં સેજુએ કહ્યું.રુદ્રએ સેજુના હાથમાંથી ચોપડો લીધો.ચોપડાં પર ‘પુસ્તકહાટ’નું શીર્ષક હતું.
      સેજુ ઉત્તરની દિશાની દીવાલ પર લટકતાં લીલાં બોર્ડ પાસે આવી.બારી પર બોક્સમાં પડેલો ચોક ઉઠાવ્યો અને બોર્ડ પર લખવાની શરૂઆત કરી.
‘ગાય ચરવા જાય છે, ગાય ઘાસ ખાય છે,ગાય મને ગમે છે’
“આ શું લખે છે?”રુદ્રએ નવાઈથી પૂછ્યું.
“હું બીજા ધોરણમાં હતી ત્યારે સાહેબ બોર્ડ પર આ વાક્ય લખતા અને અમને પાટીમાં લખવાનું કહેતે,મને ત્યારે બોર્ડ પર લખવાની ઈચ્છા થતી એ હવે પુરી કરું છું”સેજુએ હસીને કહ્યું.
“આ રામહાટ એટલે શું?”ઉત્તર-પશ્ચિમની દિવાલના ખૂણે પડેલા કબાટ પર લખેલું વાંચીને રુદ્રએ પૂછ્યું.
“સ્ટેશનરી”સેજુએ રુદ્ર પાસે આવીને કહ્યું, “આ કબાટમાં બધી સ્ટેશનરીની વસ્તીઓ છે.બાળકોને સ્ટેશનરી લેવા સિહોર ના જવું પડે એટલે સાહેબ આવે ત્યારે ખરીદતાં આવે અને આ રામહાટની વિશેષતા શું છે તને ખબર?”સેજુ થોડીવાર અટકી, “આ રામહાટ બાળકોના ફંડથી જ ચાલે છે.ધોરણ-છ અને સાતના વિધાર્થીઓની શિષ્યવૃત્તિમાંથી પચાસ-પચાસ રૂપિયા લઈને વસ્તુઓ લાવવામાં આવે છે.હિસાબ પણ સાતમાં ધોરણના બાળકો જ સંભાળે. જ્યારે સાતમાં ધોરણના બાળકો આ શાળા છોડી જાય છે ત્યારે તેને વ્યાજ સહિતનો હિસ્સો પરત કરવામાં આવે છે”
“શું વાત છે યાર,આ નાનકડી શાળાનું મેનેજમેન્ટ તો ખૂબ ઊંચા દરજ્જાનું છે”
“એ તો છે જ”સેજુએ હસીને કહ્યું.
“તું કાલે રાત્રે કેમ એવી વાતો કરતી હતી?”રુદ્રએ વાત બદલતાં પૂછ્યું.બંને રામહાટ બંધ કરી ઉત્તર દિશાની દીવાલ પાસે આવ્યા.સાતમાં ધોરણના બાળકોએ પોતાના સંભારણા સ્વરૂપે આપેલી ભેટોને સાચવીને શેલ્ફમાં સજાવવામાં આવી હતી.
“તું કેમ અત્યારે એ વાત પૂછે છે? હું તો એ વાત યાદ પણ નથી કરતી?”સેજુએ આંખો ત્રાંસી કરી નેણ નચાવ્યા, “આપણે એકલાં છીએ તેનો એડવાન્ટેજ લેવા નથી માંગતોને?”
“હું તો એ પણ કરી શકું”સેજુનો હાથ પકડી રુદ્રએ તેને પોતાના તરફ ખેંચી અને કમર પર હાથ વીંટાળી દીધો.
 (ક્રમશઃ)
           

***

Rate & Review

Nita Mehta 47 minutes ago

Suresh Prajapat 2 days ago

Vala Mukesh 2 weeks ago

Chetna Bhatt 2 weeks ago