સફરમાં મળેલ હમસફર ભાગ-22

સફરમાં મળેલ હમસફર
 ભાગ-22
મેર મેહુલ
          કચોટીયા ગામથી  ઉત્તર-પશ્ચિમ બાજુએ પડતાં ખૂણા તરફ ચાર કિલોમીટર વેકળામાં ચાલતાં માણકી વાવ છે.ખતેરોની વચ્ચે બસો વાર જેટલી જગ્યામાં વાળ કરેલી અને તેની વચ્ચે મોટા અને ગાઢ લિમડાના ઝાડની નીચે એક ઓટલો છે.એ ઓટલા પાસે વાવના પગથિયાં શરૂ થાય છે.કહેવાય છે આ વાવ પહેલાં ત્રણસો ફૂટ ઊંડો કૂવો હતી.સમય જતાં કૂવો બુરાતો ગયો અને હવે માત્ર સિત્તેર ફૂટ ઊંડી વાવ રહી છે.
          રાતના દસ વાગ્યા હતા.આ વાવના કાંઠે ઓટલા પર અત્યારે ચાર લોકો બેઠાં હતાં.જીણોનું શરીર ડોલતું હતું.તેની બાજુમાં તળશીભાઈ અને ગામના ગોર જીણા પર મીટ માંડી બેઠાં હતાં.આચાનક રસ્તામાં સામાં મળેલ વજાભાઈ પણ ઓટલા પર હયાત હતા.
        ચારેય લોકોની વચ્ચે  એક સફેદ કાપડ પાથરેલું હતું.એ કાપડ પર એક મુઠ્ઠી જેટલાં ઘઉંના દાણા રાખેલા હતા.જીણાના  ડોલતા શરીરે એ મુઠ્ઠીભર દાણામાંથી એક ચપટી ભરી અને કાપડ પર ફેંકી.દાણા બેકી સંખ્યામાં આવ્યા એટલે સૌએ સ્વીકારી લીધું કે જીણા શરીરમાં માતાજીનો પ્રવેશ થઈ ગયો છે.ત્રણેય લોકોએ બે હાથ જોડીને જીણાના શરીરમાં પ્રવેશેલા માતાજીને પ્રણામ કર્યા.તળશીભાઈએ પોતાની વાત રજૂ કરતાં કહ્યું.
“માતાજી…તમે તો બધું જ જાણો છો…..”
“હા મને બધી જ ખબર છે.”જીણાના શરીરમાંથી અવાજ આવ્યો, “મને અત્યારે શા માટે બોલાવવામાં આવી છે એ પણ મને ખબર છે”
“તો માતાજી તમે જ કંઈક નિવારણ આપોને,મારી ત્રણ દીકરીઓના લગનમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ બસ”તળશીભાઈએ વિનંતિ કરતાં કહ્યું.
        થોડી ચર્ચા થઈ,તળશીભાઈએ પોતાની બધી દ્વિધા માતાજી સમક્ષ રાખી દીધી.અંતે જીણાના શરીરમાંથી એક નિર્ણય નીકળ્યો.માતાજી સમક્ષ ત્રણ જાનવર ચડાવવામાં આવશે તો આત્માને બંધનમાં લઈ લેવામાં આવશે સાથે ગોરદાદાને દક્ષિણા સ્વરૂપે એક પરિવારના જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ આપવી પડશે.
     લગ્ન જેઠ માસની સુદ બે એ લેવાના હતા એટલે  જાનવર વૈશાખની  અમાસના દિવસે રાતના બાર વાગ્યે ચડાવવાનું એવી સૂચના આપવામાં આવી.છેલ્લે બધી જ વાતો માન્ય રાખવા માટે જીણાના ડોલતા શરીરે ફરી દાણામાંથી એક ચપટી ભરી અને સફેદ કાપડ પર નાખ્યા.ફરી બેકી સંખ્યા આવી અટલે જીણાએ ગળામાં રહેલાના ફાળીયાના બે છેડા હાથમાં લીધા અને બધી દિશામાં પ્રણામ કરી ડોલતો બંધ થઈ ગયો.
     આત્મા બંધનની વિધિ પુરી થઈ ગઈ હતી.બધા વાતો કરતાં કરતાં પાછા ફર્યા.ગામ પર આવેલી મુસીબત ત્રણ જાનવરની બલી ચડાવીને ટળી જશે એમ વિચારી સૌ ખુશ હતા પણ આ લોકો જાણતાં નોહતા કે આ બલી ચડાવીને એ કેવી મુસીબતો વ્હોરી લેવાના છે.
***
“હું તો એ પણ કરી શકું”સેજુનો હાથ પકડી રુદ્રએ તેને પોતાના તરફ ખેંચી અને કમર પર હાથ વીંટાળી દીધો.
“શું કરે છે આ રુદ્ર?”રુદ્રને ધક્કો મારી દૂર ખસેડતાં સેજુ ભડકી.
“જો તું મને હવે એ ગામના ઇતિહાસની બુક નહિ આપે અને આડીઅવળી વાત કરીશ તો હું કંઈ પણ કરીશ”દાંત કસીને નકલી ગુસ્સો કરતાં રુદ્રએ કહ્યું.
“તો એમ બોલને,કારણ વિના મને શા માટે ડરાવે છે?”
“તું પણ કારણ વિનાની વાતો કરીને મારુ માથું દુઃખાવે છો”રુદ્રએ બારણાં તરફ ચાલતાં કહ્યું.સેજુ ત્યાં જ ઉભી રહી.
“તું સાચે જ બોરિંગ માણસ છો યાર,કોઈ પણ છોકરી તારી જોડે કંટાળી જાય”સેજુએ રુદ્રને ચીડવતાં કહ્યું.
“ચાલ ચાલ હવે મને એ બુક શોધી આપ,મારે બીજું કંઈ નથી સાંભળવું”
“અચ્છા તને બૂકમાં એટલો જ ઇન્ટરેસ્ટ છે?”સેજુ દોડીને બારણાં પાસે આવી ગઈ અને અંદરથી બારણું બંધ કરી દીધું.
“હવે તો તું જ્યાં સુધી સાચે એડવાન્ટેજ નહિ ઉઠાવે ત્યાં સુધી આ બારણું નહીં ખુલ્લે અને જો તું બળજબરી કરીને ચાલ્યો પણ ગયો તો આ ગામનો રહસ્યમય ઇતિહાસ જે બૂકમાં ભંડારાયેલો છે એ તને કોઈ દિવસ નહિ મળે”અદબવાળી બારણાં આડે ઉભી રહીને સેજુએ કહ્યું.
“મારે એ બુક નથી જોઈતી સેજુ,મને જવા દે. મારો મૂડ અત્યારે ખરાબ છે.તને જો મારી સાથે કંટાળો આવતો હોય તો હવેથી મને ના મળતી”રુદ્રએ ગુસ્સામાં સેજુને સાઈડમાં ધક્કો મારી બારણું ખોલવાની કોશિશ કરી.
“રુદ્ર…”સેજુએ ગંભીર અવાજે કહ્યું, “સાચે તને મારી ફીલિંગ નથી સમજાતી?”સેજુ ભાવુક થઈ ગઈ હતી, “તું જાણીજોઈને મને ઇગ્નોર કરે છે ને?”
“મને સાચે જ તારી ફીલિંગ નથી સમજાતી અને હું જાણીજોઈને નહિં સાચે તને ઇગ્નોર કરું છું.તું મારી પાસે આવેને એટલે મારો મૂડ આપોઆપ ખરાબ થઈ જાય છે.મને તારી સાથે વાત કરવી બિલકુલ પસંદ નથી.નોનસ્ટોપ નોનસેન્સ જેવી વાતો કરતાં લોકોથી હું દસ ફૂટ દૂર રહું છું”રુદ્રએ જોરથી બારણું ખોલ્યું.બારણું દીવાલ સાથે અથડાઈને ફરી બંધ થઈ ગયું.
“મારી પાછળ બાર-બાર મહિના ભટકીને પણ કોઈ મને નથી ફસાવી શકી તો બે દિવસમાં મળેલી તું કોણ છો?”આટલું કહી રુદ્ર બારણું ખોલી ચાલવા લાગ્યો.
     સેજુની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા. પોતાની સહેલી સાથે લગાવેલી શરત હારી ગઈ એના દુઃખ કરતાં તેને રુદ્રએ કહેલાં શબ્દોનું વધારે દુઃખ લાગતું હતું.ઘણાબધાં છોકરાને આંગળીઓ પર નચાવનારી સેજુ આજે રુદ્રના કડવા શબ્દો દિલ પર લઈ દિવાલને ટેકો આપી બેસી ગઈ અને રડવા લાગી.
       રુદ્ર શાળાએથી નીકળી હવેલીએ આવ્યો.સંદીપ અને જે.ડી. જીપ્સીમાં રુદ્રની રાહ જોઇને બેઠાં હતાં.બંનેને ખબર હતી કે રુદ્રને બૂક વાંચવામાં રસ છે એટલે સેજુ સાથે એ બુક લેવા ગયો હતો.આઆમ પણ રુદ્રએ સંદીપને સેજુ સાથે બુક લેવા જાય છે એ વાત કરી જ હતી.
“મળી બુક?”રુદ્ર જીપ્સીમાં બેઠો એટલે જે.ડી.એ પૂછ્યું.
“સેજુએ બે ત્રણ કબાટ ખોળ્યા પણ ના મળી,મોડું થતું હતું એટલે હું ચાલ્યો આવ્યો.મળશે તો સેજુ લેતી આવશે”ખોટું બોલતાં રુદ્રએ કહ્યું.
       જે.ડી.એ આગળ પૂછપરછ કર્યા વિના જીપ્સી ચલાવી.સિહોરના બસ સ્ટેશનથી સો મીટર ભાવનગર રોડથી જમણી બાજુ તરફ સિહોરની બજાર પડે છે.એ બજારમાં સો મીટર ચાલતાં ડાબી બાજુ તરફ સિહોરીમાતાના ડુંગરની તળેટીમાં જવાનો રસ્તો પડે છે.પંદર મિનિટમાં જીપ્સી તળેટીએ પહોંચી ગઈ.
            ત્રણસો જેટલા કરાળ પગથિયાં ચડ્યા પછી સિહોરીમાતાનું મંદિર છે.જ્યાંથી પૂરું સિહોર દેખાય છે.સિહોરમાતાના મંદિરથી નીકળતી દીવાલ જુના અને નવા સિહોરને બે ભાગમાં વહેંચે છે.મંદિરથી ઉત્તર દિશામાં નવું સિહોર જ્યાં સિમેન્ટથી બનેલી ઇમારતો અને પાકા રસ્તાઓ દેખાય છે.મંદિરથી દક્ષિણ દિશામાં જૂનું સિહોર જ્યાં માટીથી ચણાયેલા જુના નળિયાવાળા  મકાનો અને એક ઊંચી ટેકરી પર રાજાનો હવા મહેલ આવેલો છે.સિહોરનો છોટે કાશીનું પણ બિરુદ મળેલું છે.ભારત પછી માત્ર સિહોરમાં જ નવ નાથ આવેલા છે.શ્રાવણ માસમાં સિહોર ભક્તોથી ભરેલું રહેલું છે.અદભુત કલા સ્થાપત્યનો નમૂનો એવો બ્રહ્નકુંડ પણ જુના સિહોરમાં જ છે.
       આટલો રમણીય નજારો જોઈને પણ રુદ્રના ચહેરા પર નૂર ના આવ્યું.ગુસ્સામાં તેણે સેજુને વધુ પડતું જ સંભળાવી દીધું એ વિચારમાં રુદ્ર આ  કુદરતી સૌંદર્યને નિહાળવાનું ભૂલી ગયો.જે.ડી.એ સાથે લાવેલા કેમેરામાં થોડાં ફોટા ક્લિક કર્યા એટલામાં શીતલનો કૉલ આવ્યો એટલે એ વાત કરવામાં વ્યસ્ત થઈ ગયો.જે.ડી.ને વાત કરતાં જોઈ સંદીપે પણ રુદ્રના હાથમાં કેમેરો આપી તેની ગર્લફ્રેન્ડને કૉલ કર્યો.
          રુદ્ર ઉપરના મંદિરની પાછળના ભાગમાં ગયો.ત્યાંથી જ્યાં નજર જાય ત્યાં સુધી ડુંગર વિસ્તાર દેખાય છે.એ ડુંગરોની વચ્ચેથી ખોડિયાર મંદિર તરફ જવાની પગદંડી છે.રુદ્રએ ત્યાં થોડા ક્લિક કર્યા.તેને આવો નજારો ખૂબ જ પસંદ હતો પણ સેજુ સાથે બનેલી સવારની ઘટનાનાને કારણે રુદ્ર અત્યારે અપસેટ હતો.
      થોડીવારમાં જે.ડી. આવ્યો.
“ચાલ હું તને આ એક જગ્યાએ લઈ જઉં”જે.ડી.એ કહ્યું અને બંને મંદિરના થોડા પગથિયાં ઉતરી એક સાંકડી કેડી પર ચાલવા લાગ્યા.થોડું આગળ ચાલતા જે.ડી. અટકી ગયો.
“જો આ મોટો પથ્થર દેખાય છે”જે.ડી.એ એક મોટા રૂમ જેવડાં પથ્થર તરફ આંગળી ચીંધી કહ્યું, “જો એના ફરતે પાતળી સાંકળ પણ છે.”
“એ સાંકળ ત્યાં શા માટે છે?”રુદ્રએ પૂછ્યું.
“ચાર વર્ષ પહેલાં આ પથ્થર દડવા લાગ્યો હતો,જો આ પથ્થર દડીને નીચે ગયો હોત તો જુના સિહોરના ત્રીસ-ચાલીસ મકાનોને દબાવી દીધા હોત.ત્યારે પૂજારીએ માતાજીની આરાધના કરી અને આ પથ્થર ફરતે સાંકળ વીંટાળી.અલૌકિક શક્તિને કારણે આ પથ્થર દડતો બંધ થઈ ગયો અને બધા બચી ગયા.ત્યારથી આ સાંકળ એમ જ બાંધેલી છે”
“ઓહ….આપણે જઈએ હવે મને અચાનક બેચેની થવા લાગી છે”રુદ્રએ માથું પકડીને કહ્યું.
“શું થયું બકા?ઠીક છે ને તું?”જે.ડી.એ રુદ્રના ખભે હાથ રાખી કહ્યું.
“ખબર નહિ યાર અચાનક બેચેની થવા લાગી,ઘૂંટન મહેસુસ થાય છે અને ચક્કર પણ આવે છે”જે.ડી.નો હાથ પકડતાં રુદ્રએ આંખો બંધ કરી દીધી.
“એક કામ તું અહીં બેસી જા હું સંદીપને બોલવું છું,આપણે હોસ્પિટલ જઈએ”રુદ્રને પથ્થર પર બેસારી જે.ડી.એ સંદીપને કૉલ લગાવ્યો.રુદ્રનો હાથ ઝાલી બંને તેને તળેટી પર લઈ આવ્યા.
           બંને ભાઈને લાગ્યું વાતાવરણ બદલાવને કારણે રુદ્ર આવું મહેસુસ કરી રહ્યો છે પણ રુદ્ર સાથે શું થઈ રહ્યું છે એ વાતથી બંને સાવ અજાણ હતા.રુદ્રને જે ઘૂંટન મહેસુસ થતી હતી તેની પાછળ બીજું જ કારણ હતું જે રુદ્ર પણ નોહતો જાણતો.ડૉકટર પાસે સામાન્ય દવા લઈ બધા હવેલીએ આવ્યા.રુદ્ર બની શકે એટલો સ્વસ્થ રહેવાની કોશિશ કરતો હતો પણ તેને આંખોમાં અંધારા આવતા હતા.જે.ડી.એ તેને મહેમાનોના રૂમ લઈ જઈ સુવરાવી દીધો.
★★★
“ત્યાં ન જા રુદ્ર,હું તને ચેતવું છું”એક અજાણ્યો અવાજ રુદ્રના કાને પડ્યો.
“તમે કોણ છો?,હું અહીંયા ક્યાંથી આવ્યો?હું તો સૂતો હતો?”રુદ્રએ ગભરાઈને પૂછ્યું.રુદ્ર એક ભોંયરામાં હાથમાં મશાલ અને કમરે લાંબો છરો બાંધી ઉભો હતો.
“હું તને ચેતવું છું રુદ્ર,જો તું અંદર જઈશ તો જીવતો પાછો નહિ આવે.ત્યાં તારું મૌત લખેલું છે”ફરી એ જ ઘેરો ઘરડા વ્યક્તિનો અવાજ રુદ્રના કાને પડ્યો.
“હું અહીં કેવી રીતે પહોંચ્યો?હું તો સૂતો હતો.”
“તું અહીં તારી મરજીથી નથી આવ્યો, કેટલાક અધમ પાપીઓએ તને અહીં આવવા મજબૂર કર્યો છે”
“કેવી મજબૂરી? હું શા માટે મજબૂર થાઉં?”
“સેજુના કારણે, એ લોકોએ સેજુને કેદ કરી લીધી છે અને તને અહીં ખજાનાની શોધ કરવા ધકેલી દીધો છે”
“સેજુના કારણે હું શા માટે મજબૂર થાઉં? અને કેવો ખજાનો?કોણ છે એ લોકો જેણે મને અહીં ધકેલ્યો છે?”રુદ્રએ મનમાં ઉઠતાં બધા જ સવાલ પૂછી લીધા.
“જો હું જ બધા સવાલના જવાબ આપીશ તો જે રાજ વર્ષોથી દફનાવેલું છે એ ખુલ્લી જશે.તું નિર્દોષ છોકરો છો એટલે હું તને ચેતવું છું.અહીંથી પાછો ચાલ્યો જા,કારણ વિના તું સંપડાઈ જઈશ”
“તમે કોણ છો?મારી નજર સામે કેમ નહિ આવતાં?”રુદ્રએ ખિજાઈને કહ્યું.
“તું મને જોઈ નહિ શકે એટલે હું તારી સામે નહિ આવતો”
“હું કોઈથી નથી ડરતો અને જો તમે સાચા હોવ તો મારી સામે આવો અને આંખોમાં આંખ નાખીને વાત કરો.”રુદ્રએ ગરજીને કહ્યું.
“જેવી તારી મરજી”
       રુદ્રના હાથમાં હતી એ મશાલ બુઝાઈ ગઈ.ભોંયરામાં ભયંકર શાંતિ પથરાઈ ગઈ.રુદ્ર પોતાના શ્વાસ પણ સાંભળી શકતો હતો એટલી શાંતિ છવાઈ ગઈ.રુદ્ર હલનચલન કરવાની કોશિશ કરી.તેના પગ કોઈએ મોટી સાંકળથી બંધાયેલ હોય તેમ રુદ્ર જમીન સાથે ઝકડાઇ ગયો.
     અચાનક રુદ્રના હાથમાં રહેલી મશાલ સળગી ઉઠી-બુઝાઈ ગઈ અને ફરી સળગી ઉઠી.ભોંયરાના તળમાંથી ધીમે ધીમે એક પડછાયો મોટો થઈને રુદ્ર તરફ આવતો હતો.રુદ્રએ સામે નજર કરી.એક માથાં વિનાનું ધડ તેની તરફ ધસી આવતું હતું.એ ધડની છાતીમાં બે તલવાર પરોવેલી હતી.તલવાર જ્યાં લાગેલી હતી ત્યાંથી નીકળતું કાળું લોહી કમરેથી નીતરતું હતું.
        રુદ્રની આંખો પહોળી થઇ ગઇ.તેણે ભૂત-પ્રેતની વાર્તામાં આવી વાતો વાંચેલી પણ પોતાની નરી આંખે આવું દ્રશ્ય જોવા મળશે એવું તેણે સ્વપ્નેય નોહતું વિચાર્યું. રુદ્રના પગ થરથરવા લાગ્યા.કપાળે પરસેવો વળી ગયો.
        આટલી કપરી હાલતમાં પણ રુદ્રએ એ ધડનું નિરીક્ષણ કર્યું.લથડાતી ચાલ પરથી એ ધડ કોઈ પુરુષનું લાગતું હતું.
“ક..ક..કોણ છો તમે?”રુદ્રએ હિંમત કરીને પૂછ્યું.
“હું સવજી….આ ગામ મારુ છે અને હું ગામનો રખેવાળ”માથા વિનાના ધડમાંથી આવ્યો.ધડમાંથી અવાજ આવતા સાથે જ રુદ્રના હિંમતનો બંધ તૂટી ગયો.તેણે ડરીને રાડ પાડી.
(ક્રમશઃ)
મેર મેહુલ
             

***

Rate & Review

Dabhi Babu 1 month ago

Rose Varsani 2 months ago

Kismis 2 months ago

Narendra Rathod 2 months ago

M. Husain Jethva 2 months ago