Safarma madel humsafar - 24 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર ભાગ-24

સફરમાં મળેલ હમસફર 
ભાગ-24
મેર મેહુલ
      વૈશાખ વદની તેરસનું અંધારું ભયંકર આંખો કાઢીને સામે ઉભું હતું.આ અંધારામાં રાતના બાર વાગ્યે ચાર કદાવર ઓળા હવેલી સામેથી પસાર થઈ એ વાવ તરફના રસ્તે આગળ વધતા હતા.તેમાંથી એક ભીખો,એક રઘલો  અને એક વજો હતો.વજો જે ગઈ રાતે જ તળશીભાઈ સાથે વિધિમાં શામેલ હતો એ આ બધાને વાવ તરફ લઈ જતો હતો.આ ત્રણ લોકોએ સામાન્ય પોશાક પહેર્યા હતા અને ખંભે પાવડો-કોદાળી હતી.આ ત્રણ વ્યક્તિ કચોટીયા  ગામના જ હતા,જ્યારે કાળી લૂંગી અને કાળું લાબું કમિઝ પહેરલ એક પચાસ વર્ષથી ઉપરનો વ્યક્તિ તાંત્રિક હતો.તેના ગળામાં કાળી મોટી મણકાવાળી માળાઓ અને હાથમાં એક ખોપરી હતી.
“તમારો કાળો જાદુ કામ કરશેને બાબા?”ઉતાવળિયા અને ડરપોક સ્વભાવના ભીખાએ  પૂછ્યું.
“તારે એ ખજાનો જોતો છે ને?”તાંત્રિકે ખિજાઈને કહ્યું, “નો જોતો હોય તો પાછો વળી જા”
“જોતો છે એટલે તો ગામથી છુપાઈને અત્યારે તમારી સાથે છું બાબા”ભીખાએ મીઠું હસીને કહ્યું, “ખજાનો મળશે એટલે આ ગામ છોડી રફ્ફુચકર થઈ જવું છે”
“હા તો ગધેડાની જેમ ચૂપચાપ પાછળ આવ”
      તાંત્રિકની વાત સાંભળી રઘલો અને વજો હસવા લાગ્યા.બધા થોડું આગળ ચાલ્યા ત્યાં કંઈક ખડખડાટ થયો.બધા થંભી ગયા.
“કોણ છે?”ભીખાએ મોટેથી કહ્યું.સામે કોઈનો જવાબ ના આવ્યો.
“કોઈ જાનવર હશે તું ચાલવા મંડ”રઘલાએ ભીખાનો હાથ પકડ્યો.
“મને બીક લાગે છે,સવજીદાદાનું ભૂત સામે આવી ગયું તો?”થરથરતા પગે ચાલતા ભીખાએ કહ્યું.
      વજો પાછો વળ્યો,ભીખા સામે મોટી આંખો કરીને કહ્યું,“અરે આ તાંત્રિક સાથે છે તો ડરવાની વાત જ ક્યાં આવી ભીખા?”
“આવા તો કેટલાય તાંત્રિકે જીવથી હાથ ધોઈ બેઠાં છે,હું નથી આવતો તમારી સાથે.તમે એકલા જ જાઓ”ભીખો થાંભલો બનીને ઉભો રહી ગયો હતો.
“હા તો પાછો ચાલ્યો જા,પણ રસ્તામાં સવજીદાદા મળે તો પેન્ટ ના પલાળી દેતો”વજાએ ભીખા પર હસીને કહ્યું.
“હું તો જાવ જ છું અને હું તો કહું છું તમે લોકો પણ પાછા ચાલો.આટલા વર્ષોથી કોઈ આ ખજાનો નથી શોધી શક્યું તો આપણે શું ઉખાડી લેશું?”
“તું નીકળ અહીંથી ડરપોક, અમે ખજાનો પણ શોધીશું અને મોજ પણ કરીશું.”વજાએ ભીખા તરફ કોરી આંખો કરી એટલે ભીખાએ ખભેથી પાવડો નીચે મુક્યો અને ચાલવા લાગ્યો.
       જો આ લોકોએ ભીખાની વાત માની લીધી હોત તો કદાચ હવે તેઓની સાથે જે થવાનું છે એ ના થાત પણ વિધાતાના લેખને કોણ બદલી શકે છે? એ લોકો ખુદ પોતાની મોતને આમંત્રણ આપવા વાવ તરફ આગળ વધ્યા.
       વાવ પાસે પહોંચીને તાંત્રિકે એક કાળું કપડું બિછાવ્યું, તેના પર થોડી માળા રાખી અને વચ્ચે ખોપરી મૂકી.કપડાંની બાજુમાં આગ પેટાવી તાંત્રિકે જોળીમાંથી ભભૂત કાઢી તેમાં હોમમાં મંડ્યા.થોડીવારમાં આગ હોલવાઈ ગઈ અને ધુમાડાની એક સેર છૂટી.એ સેર છે દિશા તરફ જતી હતી તાંત્રિક ઉભો થઇ તેની પાછળ પાછળ ગયો.રઘલો અને વજો આ બધું જોઈ રહ્યા હતા.
     થોડે આગળ જતાં એ ધુમાડાની સેર ઓઝલ થઈ ગઈ. તાંત્રિક ગુસ્સે થઈ ગયો,તેણે મોટા અવાજે વજાને પોતાની પાસે બોલાવ્યો.
“અહીંયા કોઈ એવું વ્યક્તિ છે જેના મનમાં પાપ છે.નહિતર આ સેર હવામાં નહિ જમીનમાં ઉતરવી જોઈએ” 
     હજી વજો કોઈ જવાબ આપે એ પહેલાં રઘલાએ મોટેથી ચીસ પાડી.વજો દોડીને તેની પાસે પહોંચ્યો.
“શું થયું અલા?કેમ રાડ પાડી?”
“ત્યાં..ત્યાં..કોઈ છે.મને કોઈનો પડછાયો દેખાયો.”રઘલાએ નદી તરફ ઈશારો કરીને કહ્યું.વજાએ નદી તરફ જોયું.
“તારે વહેમ હશે..આપણી સિવાય કોઈ અહીંયા ના આવે એટલે તું શાંતિ રાખ”વજાએ અને તાંત્રિક તરફ વળ્યો.
     તાંત્રિકની જોઈને વજો ચોકી ગયો.જ્યાં ધુમાડાની સેર ઓઝલ થઈ હતી ત્યાં તાંત્રિક કમર સુધી જમીનમાં દટાયેલો હતો અને હજુ અંદર ધસતો જતો હતો.
“નહિ છોડે એ કોઈ,વર્ષોથી જે બંધનમાં બંધાયેલ હતા એ હવે મુક્ત થઈ ગયા છે.ગામમાં હવે પ્રલય આવશે અને ગામ વિરાન થઈ જશે”જમીનમાં ધસતા ધસતા તાંત્રિકે છેલ્લા શબ્દો કહ્યા અને એ ભંડારાઈ ગયો.
      એક પલમાં શું થઈ ગયું એ વજાને સમજાતું નોહતું.હજી તેને બીજું કંઈ સમજાય એ પહેલાં વાવ ઘોડીનો હણહણવાનો અને તેના પગમાં ઘૂંઘરીનો મોટો અવાજ વજાના કાને પડ્યો.
     ખડતલ અને મજબૂત સાંઢ જેવું શરીર ધરાવતો વજો અત્યારે થરથર કાંપતો હતો.ડરતાં ડરતાં તેણે વાવ તરફ નજર ઘુમાવી.વાવ તરફથી માથા વિનાનું એક ધડ ઘોડી પર સવાર થઈને તેના તરફ આવતું હતું.તેની છાતીમાં બે તલવાર ખૂંપેલી હતી.તલવાર જ્યાં ખૂંપેલી હતી ત્યાંથી નીકળતું કાળું લોહી કમરેથી નિતરીને જમીન પર પડતું હતું.
      વાતાવરણમાં ભયંકર સન્નાટો છવાઈ ગયો.પવન પણ જાણે થંભી ગયો હોય તેમ ઘોડીના પગમાં રહેલી ઘૂંઘરીનો મોટો અવાજ વધુ ડરાવનો લાગતો હતો.વજાના શરીરમાંથી પાણીની જેમ પસીનો વહી રહ્યો હતો.એ ભૂતની વાતો પર વિશ્વાસ ના કરતો પણ આજે સાક્ષત ધડ વિનાના શરીરને જોઈને તેની હિંમતે જવાબ આપી દીધો હતો.
      ઘોડી પર સવાર ધડે જેમ મ્યાનમાંથી તલવાર નીકળે તેમ છાતીમાંથી એક તલવાર ખેંચી.હવામાં એ તલવાર ફેરવી ઘોડીને લગામ આપી.ઘોડી પુરવેગથી વજા તરફ દોડી.વજો કોઈ નિર્ણય કરે એ પહેલાં તેના ગળાને ધડથી જુદી પાડતી તલવાર પસાર થઈ ગઈ.વજાનું માથું આગળ ફંગોળાયું અને તેનું ધડ જમીન પર વિખેરાઈ ગયું.
       રઘલો આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો.વજા સાથે જે થયું એ પોતાની સાથે પણ એમ વિચારી રાઘલાએ મુઠ્ઠીવાળી અને દોડવા લાગ્યો.હજી રઘલો એક વાડને ઓળંગ્યો હશે ત્યાં તે અદ્રશ્ય પાણીની દીવાલ સાથે અથડાયો હોય તેમ  કોઈની સાથે ટકરાઈને હવામાં ઉછળ્યો અને જમીનદોસ્ત થઈ ગયો.રઘલો મોટેથી ચીસો પાડવા લાગ્યો.તેના શરીરમાં કંઈક સળગી રહ્યું હોય તેવો તેને આભાસ થયો.થોડીવારમાં એની પણ ચિખો શાંત થઈ.રઘલનું શરીર ભડથું બની વાડના કાંઠે રાખ થઈ ગયું.ધીમે ધીમે તેના અવશેષો જમીનમાં ભળતાં ગયા અને પળવારમાં ત્યાં હતી નોહતી તેવી માટી થઈ ગઈ.
“હાહાહા…” ઘોડા પર સવાર ધડમાંથી અટ્ટહાસ્ય છૂટ્યું, “આ ગામ મારુ છે અને હું ગામનો રખેવાળ,જે કોઈ આ ગામ વિશે ખરાબ વિચારશે એ મોતને ભેટશે”
      ફરી વાતાવરણમાં એ સન્નાટો ફેલાઈ ગયો.ધોર અંધારામાં વજાના શરીરને ધસડાવાનો અવાજ વાતાવરણને સંગીન બનાવતો હતો.ધીમે ધીમે વજાનું શરીર માટીમાં ખુંપતું ગયું.જોતજોતામાં વજાનું શરીર સંપૂર્ણપણે જમીનમાં ભળી ગયું.ફરી ઘોડીનો હણહણવાનો અવાજ આવ્યો.ઘૂંઘરીના રહસ્યમય અવાજ સાથે એ ઘોડી વાવ પાસે જઈ અદ્રશ્ય થઈ ગઈ.
***
“આઈ એમ સૉરી સેજુ”રુદ્રએ દોષ ભાવે માફી માંગતા કહ્યું.બંને અગાસીની પાળી પર પગ જુલાવીને બેઠાં હતાં.સેજુએ બ્લૅક લૂઝ લહેન્ગા પર ઑફ ગ્રે ટીશર્ટ પહેર્યું હતું.કોઈ પણ શણગાર વિના સેજુની સાદગી અત્યારે નિખરીને બહાર આવતી હતી.
“ઇટ્સ ઑકે,આઈ એમ ફાઇન”સેજુની નજર હજી જુકેલી જ હતી.પ્રાથમિક શાળામાં મળ્યા પછી બંનેની નજર કહેવા પૂરતી પણ નોહતી મળી.
“અચ્છા તું કેમ આજે અગાસી પર આવી, તને ખબર હતી હું અહીંયા બેઠું છું”રુદ્રએ પણ નીચી નજરે જ પૂછ્યું.
“મને નીંદર નોહતી આવતી એટલે ટહેલવા ઉપર આવી હતી,તને પણ નોહતી આવતી?”સેજુએ ધીમા અવાજે પાળી પર પગ જુલાવતાં પૂછ્યું.
રુદ્રએ પાળી પર રહેલા સેજુના હાથ પર ધીરેથી હાથ રાખ્યો,“હું તારી રાહમાં હતો”
      સેજુ સહેમી ગઈ,તેણે સેકેન્ડના બીજા ભાગમાં પોતાનો હાથ ખેંચી લીધો.
“હું તારી પાસે આવું ત્યારે તારો મૂડ ખરાબ થઈ જાય છે તો કેમ મારી રાહમાં?”સેજુએ પૂછ્યું.
“સેજુ..”રુદ્રએ વહાલથી કહ્યું, “મેં તને સૉરી કહ્યું.હું સવારની બધી જ વાતો માટે દિલગીર છું.મને રીંકલે બધી જ વાતો કહી”
“તે સવારે જે કહ્યું એ સાચું જ હતું”સેજુએ ઉદાસ થઈને રુદ્ર તરફ ચહેરો ઘુમાવ્યો,સીધી આંખોમાં આંખ પરોવીને પૂછ્યું,“હું સાચે એટલી બધી બોરિંગ છું?”
      થોડીવાર માટે બંનેની નજર એમ જ મળી રહી.સેજુની આંખો જે બોલતી હતી,રુદ્ર એ બધું જ વાંચી શકતો હતો.
‘તને કેવી રીતે કહું? તારા આ નવા રૂપ પર હું મોહી ગયો છું.તું અત્યારે શાંત બેઠી છો તો કોઈ રહસ્યમય પહેલી જેવી લાગી રહી છો.મન કરે છે બસ તને જોયા જ કરું.તારી આંખો જે બોલે છે એ સાંભળ્યા જ કરું.હા હું કોઈના તરફ નથી આકર્ષાયો પણ તારા ગુલાબી હોઠોને ચૂમીને-,તારા ખોળામાં માથું રાખીને-,તારી આ કાળી ઝુલ્ફોને સવારીને-,તારી આ કોમળ આંગળીઓમાં આંગળીઓ પરોવી-,બસ તને પ્રેમ કરવાનું મન થાય છે’આ વાતો રુદ્ર નોહતો બોલતો.તેની આંખોના ભાવ આ બધું બોલી રહ્યા હતા.
      રુદ્રએ આંખો ચુરાવવાની કોશિશ કરી પણ સેજુની આંખો કહેતી હોય ‘રુદ્ર એવી ભૂલ ના કરતો’ અને રુદ્ર પણ સેજુના કહ્યામાં હોય તેમ તેની આંખોમાં ઉતરતો જતો હતો.સતત આંખો ખુલ્લી રહેવાના કારણે બંનેની આંખોમાં નમી પણ આવી હતી છતાં ‘આંખો ખુલ્લી રાખવાની હોડમાં કોણ જીતે?’ એવી રીતે બંનેની નજર એકમેકમાં સમાતી હતી.
“સેજુ…”રુદ્રએ ફરી વહાલથી કહ્યું.બંનેની નજર હજી એક જ હતી.
“આઈ લવ યુ”સેજુએ આંખો બંધ કરીને કહ્યું, “મને ખબર નથી બે દિવસમાં પ્રેમ થાય છે કે નહીં,મને એ પણ નથી ખબર કે તારે ગર્લફ્રેન્ડ છે કે નહીં,હું તને એમ પણ નહીં કહું કે તું મને પ્રેમ કર,હું કોઈ શર્ત જીતવા માટે પણ તને નથી કહેતી.હું તને પ્રેમ કરું છું બસ”બંધ આંખોએ સેજુ ઘણુંબધું બોલી ગઈ.
“પણ સેજુ….”રુદ્ર કંઈક બોલવા જતો હતો એ પહેલાં સેજુ તેને બાજી પડી.
“હવે નાટક બંધ કરી દે બકા,હું પણ આંખો વાંચવામાં ઉસ્તાદ છું”રુદ્રના કાન પાસે જઈ સેજુ ગણગણી.
“હવે ગળે વળગી જ છો તો ભોગવી લેશું બીજું શું”રુદ્રએ પણ હસીને સેજુને બાહુપાશમાં લઈ તેના ફરતે હાથ વીંટાળી દીધા.
“સ્ટ્રોંગ ફીલિંગ આવે છે અલી”રુદ્રએ સેજુને બહોપાશમાં વધુ જકડીને કહ્યું.
“કોણે કહ્યું છુટા પડવાનું?”સેજુએ પણ રુદ્રને સાથ આપી કહ્યું, “અને અહીંયા કોણ જોશે?”
“આ પેલાં લોકો જાય છે એ જોઈ ગયા તો?”ચાર લોકોને ખેતર તરફના રસ્તે જતા જોઈ રુદ્રએ પૂછ્યું.આ લોકો વજો અને તેના સાથીદાર જ હતા.
     સેજુ અળગી થઈને પાછળ ફરી.
(ક્રમશઃ)