સફરમાં મળેલ હમસફર - ભાગ-26

સફરમાં મળેલ હમસફર
ભાગ-26
“હું આ પુસ્તક તમને ના આપી શકું”કહી કાકાએ ઝડપથી તિજોરીનું બારણું બંધ કરી દીધું.
“શા માટે ન આપી શકો તમે? હું એ પુસ્તક વાંચીને તમને સુપ્રત કરી દઈશ”રુદ્રએ વિનંતી કરી.ત્યાં સુધીમાં કાકાએ કબાટ બંધ કરીને જુડો ગજવામાં નાખી દીધો હતો.
“તમે દલીલ ન કરો.મેં એકવાર કહ્યુંને હું ના આપી શકું”કાકા ખિજાઈને બહાર તરફ ચાલવા લાગ્યા.
“એવું તો શું છે એ પુસ્તકમાં”રુદ્ર પણ દલીલ કરતો કરતો તેની પાછળ બહાર આવ્યો.
“મોત છુપાયેલું છે મોત,જે લોકો આ પુસ્તક વાંચે છે એ ખજાનાની શોધમાં જાય છે અને જિંદગીથી હાથ ધોઈ બેસે છે. તમારી પણ એવી હાલત થાય એ હું નથી ઇચ્છતો”કાકાએ દરવાજે તાળું મારી દીધું.
“પણ કાકા….”
“તમે જીદ ના કરો,મેં કહ્યુંને તળશીભાઈની રજા લઈ આવો તો હું આપી દઈશ”કાકાએ ચાલતી પકડી, “અને તળશીભાઈ કોઈને પરવાનગી નથી આપતા”
“કોઈ પણ રીતે હું આ પુસ્તક વાંચીને જ રહીશ”રુદ્રએ મનમાં મક્કમ નિર્ણય લીધો અને દાદા પાછળ એ પણ દાદર ઉતરી ગયો.
***
          શુભમ જાણી જોઈ એક દિવસ મોડો નીકળ્યો હતો.ત્રણ વર્ષ પછી પોતાનાં વતન જતાં શુભમના મગજમાં અત્યારે ચિત્તાથી પણ તેજ ગતિએ વિચારો દોડતાં હતા.પપ્પાની નફટાઈ,આર્થીક મજબૂરી, જ્યોતિ સાથે પ્રેમ-ઇઝહાર-મિલન અને પછી એક દિવસ ગામની ચર્ચા,પપ્પાને હવેલીએ બોલાવવા,પૂરાં ગામ વચ્ચે ઈજ્જતના ધજાગરા થયા પછી રાતોરાત પોતાને ગામ છોડી અમદાવાદ મોકલવાનો પંચનો ફેંસલો.પછીના ત્રણ વર્ષનો સંઘર્ષ.શુભમ બધી જ ઘટનાઓના મણકા બનાવી એક માળામાં પરોવતો હતો.
 ‘ત્રણ વર્ષ પછી જ્યોતિ મને ઓળખી શકશે?ત્યારે તો મૂછનો તાંતણો પણ નોહતો ફૂટ્યો અને આજે દાઢી જોઈને એ તો હસી જ પડશે. હું તેની સાથે નજર મેળવી શકીશ કે નહીં?ત્યારે તો એ પણ લાકડી જેવી પાતળી હતી.અત્યારે કેવી થઈ ગઈ હશે?ત્રણ વર્ષમાં ઘણુંબધું બદલાય ગયું હશે – કાચી સડકો ડામરના રોડમાં બદલાઈ ગઈ હશે.લાઈટ પણ હવે ચોવીશ કલાક રહેતી હશે.હાહાહા.
      લાઈટને લીધે જ તો આ બધું થયું હતું.હું કચોટીયા જઈશ એટલે પહેલા તો બધા આંખો ફાડીને જોશે.પછી પ્રેમથી આવકારી લેશે.હું તેના લગ્નમાં આવ્યો છું એ જોઈને જ્યોતિ શું વિચારશે.જે થશે એ જોયું જશે.’
        શુભમને સિહોરનું અંતર દૂર લાગવા લાગ્યું.ચાર કલાકની મુસાફરી તેને ચાર દિવસ સમાન લાગી.અંતે કંડક્ટરે ‘સિહોર’ નો હાંકલો માર્યો.શુભમે બૅગ ખભે લીધું અને બસમાંથી ઉતરી ગયો.
“સાલા,કાલે આવવાનો હતોને?”શુભમ બસમાંથી ઉતર્યો એટલે રુદ્રએ પૂછ્યું.
“કામ આવી ગયું હતું યાર”
“હા હવે ચાલ જલ્દી,મારે તારું કામ છે”રુદ્રએ બાઇકને કિક મારી.
“શું કામ હતું,બોલને બકા”બાઇક પર બેસતાં શુભમે કહ્યું.
“સાંજે નિરાંતે વાત કરીશું”કહી રુદ્રએ બાઇક ચલાવી.શુભમને ઘરે ઉતારી રુદ્ર હવેલીએ આવ્યો.
      સંદીપ રુદ્રની રાહ જોઈ બીજી બાઇક પર બેઠો હતો.
“કંઈ બાજુ દોસ્ત?”બાઇક સ્ટેન્ડ પર લગાવતાં રુદ્રએ પૂછ્યું.
“બસ લટાર મારવા જવું છે.તારી જ રાહ જોતો હતો”
“લટાર વટાર છોડ,મારે તારું એક કામ છે.જલ્દી બાઇક સ્ટેન્ડ પર લગાવ અને અંદર ચાલ”
       સંદીપે બાઇક સ્ટેન્ડ પર લગાવી,
“બોલને બકા,અમે અમારા મહેમાનની શું સેવા કરી શકીએ?”મજકના મૂડમાં આવતાં સંદીપે કહ્યું.
“તને તો ખબર છે બકા તમારા આ મહેમાનને બુક વાંચવાનો ગાંડો શોખ છે.તમારા ગામની ઇતિહાસની બુક બોવ જ પેચિદી છે.મને એક બીજી બૂકનો રેફરન્સ મળ્યો છે.કાકા પાસે મેં બુક માંગી તો મને આપવાની ના પાડી.હવે તારે એ બુક મને લઈને આપવાની છે”રુદ્રએ એક શ્વાસે કહ્યું.
“તું પરષોત્તમની બુકની વાત કરે છે?”સંદીપે નેણને સંકોચ રુદ્ર સામે જોયું.
“કેમ એમ પૂછે છે?”રુદ્રએ પણ નેણ સંકોચ્યા, “કોઈ રાજ છુપાયેલું છે તેમાં?”
“હાહાહા….”સંદીપ જોરજોરથી હસવા લાગ્યો, “પરષોત્તમે લખેલી બૂકમાં જે લખ્યું છે એ બધી વાતો ધડ-માથાં વગરની છે.તેણે જે જે જગ્યાનો ઉલ્લેખ કર્યો છે હકીકતમાં એવી કોઈ જગ્યા છે જ નહીં”
“તું મારી ઉત્સુકતાને હવા આપે છે અલા,કંઈ જગ્યા?ક્યાં છે?”રુદ્રએ ખુશ થઈ ઝૂમતા પૂછ્યું.
“હું તને એ બુક જ લઇ આપું છું.તું તારી રીતે જ જોઈ લેજે”હવેલી તરફ વળતા સંદીપે કહ્યું, “અને આ બધી વાતોમાં જ ના રહેતો.ચાર દિવસ પછી લગ્ન છે,કપડાંનું શું છે તારે?”
“એ બધી જ તૈયારી થઈ ગઈ છે અને કોઈ કામ હોય તો કહેજે.તારો મહેમાન પછી ભાઈ પહેલા છું”બંને હવેલીમાં પ્રવેશ્યા.સંદીપે આજુબાજુ નજર કરી.આ સમયે ભુપતકાકા ભેંસોને પાણી આપવા જતા એટલે સંદીપ રિલેક્સ હતો.
“તું બસ આ વખતે કોઈ ભાભી શોધી લે એટલે અમે છુટા”દાદર ચડતાં સંદીપે ટોન માર્યો.રુદ્ર તેની પાછળ દાદર ચડવા લાગ્યો.બંને એ રૂમના દરવાજા પાસે પહોંચ્યા.
“મને પણ ભૂપતકાકાએ એ બુક વાંચવાની ના પાડી હતી,પછી મેં તેઓની ચાવીનો ઝુડો ચુરાવી બીજી ચાવીઓ બનાવરાવી. કાકાને આ વાતની ખબર નથી પણ મેં એ બુક પુરી વાંચી છે.વાંચવામાં તો ઇન્ટરેસ્ટિંગ છે પણ મેં કહ્યું એમ એ બધા લખાણનું કોઈ તથ્ય નથી”રૂમનો દરવાજો ખોલતાં સંદીપે બુકની પ્રાથમિક માહિતી આપી, “તું આજે જ આ બુક વાંચીને રાતે મને આપી દેજે. હું અહીં રાખી જઈશ”
“તું બુક આપને યાર.કારણ વિના શા માટે મારી બેચેની વધારે છે”રુદ્રએ સંદીપને રૂમમાં ધક્કો માર્યો.
“શાંત શાંત ભાઈ,આપું છું આટલી બધી શેની ઉતાવળ છે તારે?”
“એ તું નહિ સમજે.તું જલ્દી મને એ બુક આપ,હું સાંજે તને આપી દઈશ”
       સંદીપે કબાટ ખોલી બુક બહાર કાઢી.રુદ્રએ ઉતાવળથી બુક લીધી અને ચાલવા લાગ્યો.
“ઓ ભાઈ વાંચવામાં ખોવાઈ ના જતો.કૉલ કરું તો રિસીવ કરજે હો”સંદીપે રુદ્રને રોકીને કહ્યું.રુદ્રએ સાંભળ્યું ના હોય તેમ બુક લઈ ઝડપથી દાદર ઉતરી ગયો.
***
“મહારાજ,આપણું રહસ્ય ખતરામાં છે.લોકોની અવરજવર ત્યાં વધી રહી છે,સૂચના અનુસાર ગામના સરપંચને બે-ત્રણ વાર વાવ નજીક જોવામાં આવ્યો છે”મહારાજનો ખાસ સલાહકાર જનક અત્યારે હાથમાં દારૂનો ગ્લાસ લઈ બોલી રહ્યો હતો.
      મહારાજે સિગરેટ જલાવી એક કશ ખેંચ્યો.
“આપણાં માણસો હરામી છે.ખાઈ ખાઈને સાંઢ જેવા થઈ ગયાં પણ કોઈ કામ સરખી રીતે નથી કરી શકતાં”પોતાનો ગુસ્સો સિગરેટ પર ઉતારતાં મહારાજે સિગારેટના કટકા કરી દીધા.
“એક તો એ સુંવરે મને તડી પાર કર્યો અને હવે ચેનથી ધંધો નથી કરવા દેતો”મહારાજે દાંત કસીને તળશીભાઈ પર ગુસ્સો ઠાલવ્યો, “જનક,કાલ સવાર સુધીમાં મારે એ તળશીની અવરજવરનું કારણ જોઈએ.હવે તેનો કાળ આવી ગયો છે”
“આપણે વ્યૂહરચના ઘડીશું મહારાજ,તળશી હવે થોડાં દિવસનો મહેમાન છે”હોલિવૂડ મુવીનો શોખીન જનક કોઈ માસ્ટરમાઈન્ડની જેમ પોતાનું મગજ ચલાવતો હતો.
“તારે જે કરવું હોય એ કર જનક,મારા રસ્તામાં આવતો કાંટો દૂર થવો જોઈએ”મહારાજે એક ઝટકે બધો દારૂ પેટમાં ઠાલવ્યો, “કાલે શાહુકારને વ્યાજ પહોંચાડી દેજે નહીંતર એ આવીને માથે ચડશે”કહેતા હિંડોળા પરથી ઉભો થઇ મહારાજ રૂમ તરફ ચાલ્યો.
        મહારાજ,સાચું નામ વિનો.માત્ર પાંચ ફૂટ ઊંચો,ગોળ કદ કાઠીનો હટ્ટો-ખટ્ટો મહારાજ ચાલે ત્યારે કોઈ કાંગરુ ચાલતું હોય તેવું લાગે.પાણીના માટલા કરતાં પણ મોટું પેટ જ્યારે એ ચાલતો ત્યારે ડોલતું.ગોળ મોટા ચહેરા પર ખરબચડી ક્યાંક ફુટેલી દાઢી અને ગાલ સુધી મૂછોના આંકડામાં એ વટ પાડતો.તેની આંખો હંમેશા નશામાં તરબોળ રહેતી.સાથે ડરામણી પણ.
     મહારાજ જ્યારે નાનો હતો ત્યારે ઘણીવાર ચોરી કરતાં પકડાયેલો.ગામના લોકોએ કૂવામાં ઊંધો લટકાવી તેને ઘણા પાઠ ભણાવેલા પણ મહારાજની ચોરી કરવાની આદત ના છૂટી.આમ તો મહારાજના બાપાને ગામના પાદરે દસ વિઘા જમીન છે પણ કામના આળસુ મહારાજની મફતમાં મેળવવાની વૃત્તિને કારણે તેના બાપાએ પણ તેને છૂટો છોડી દીધેલો.
      મહારાજને લોકો બાપુ પણ કહે છે.ગામના લોકોના ત્રાંસથી એ ઘર છોડી ભાગી ગયેલો.ત્યારબાદ બે વર્ષ પછી ભગવો વેશ પહેરી બાપુ બનીને ગામમાં આવેલો ત્યારે ગામના લોકોએ તેની હસી ઉડાવેલી.કોઈના ઘરના વાસણ ચુરાવવા,ખેતરના સાધનો ચૂરાવવાથી માંડીને ઘરેણાંની પણ ચોરી કરી લેતો.
      થોડા વર્ષો પહેલાં ગામના લોકો દારૂના રવાડે ચડેલા.ત્યારે મહારાજે દેશી દારૂ બનાવવાનું શરૂ કરેલું.દારૂનો ધંધો તેને ફળી ગયો.બાપુ કહેવાતો વિનો રાતોરાત અમીર બનવા લાગ્યો અને મહારાજના નામે પ્રખ્યાત થયો.
    ‘નાણાં વગરનો નાથિયો,નાણે નાથાલાલ’ની જેમ મહારાજ પાસે પણ સંપત્તિ આવતા લોકો તેને માન આપીને બોલાવવા લાગ્યા.ધીમે ધીમે મહારાજનું નામ આજુબાજુના ગામોમાં પણ જાણીતું થઈ ગયું.ગામમાં કોઈ પ્રસંગ હોય તો મહારાજનો દારૂ જ ત્યાં જતો.દારૂના નશાને કારણે ધીમે ધીમે પ્રસંગોમાં ઝઘડા થવા લાગ્યા.આ સમસ્યા સમજી ગામના સરપંચ તળશીભાઈએ પંચ વચ્ચે તેને તડીપાર કર્યો ત્યારથી મહારાજ ગામથી થોડે દુર પોતાનો જુદો બંગલો બનાવી રહેતો.અહીંયાંથી જ બધો માલ સપ્લાય થતો.
       એકવાર મહારાજના બંગલે પોલીસની રેડ પડી.ત્યારે મહારાજ મુદ્દા માલ સાથે ઝડપાયો હતો અને જેલમાં ગયો હતો.જેલમાંથી છૂટી મહારાજે નવો તુક્કો અજમાવ્યો હતો.ગામના લોકો જે મણકીવાવથી ડરતાં એ જ વાવ પાસે પોતાના ખેતરમાં એ પોતાનો દારૂ ભંડારી રાખતો.રાતના સમયે જ્યાં લોકો ડરતાં ત્યાં મહારાજ દારૂ પાડતો.
      થોડાં દિવસથી વાવ પાસે લોકોની અવરજવર વધુ હોવાને કારણે મહારાજના ધંધામાં અડચણ આવી હતી.એ અડચણ દૂર કરવા તેણે પોતાના માણસોને લોકોની અવરજવરનું કારણ શોધવા કામે લગાડ્યા હતા.તેના પરિણામ સ્વરૂપ ગામના સરપંચની અવરજવર વધુ હોવાનું માલુમ પડ્યું હતું.   
       મહારાજ હુકમ આપી ચાલ્યો ગયો.જનકે બે માણસને બોલાવી તળશીભાઈની જાસૂસી કરવા તેની હવેલી તરફ રવાના કરી દીધા.જ્યાં તેઓનો કાળ તેની રાહ જોઇને ઉભો હતો.
(ક્રમશઃ)
   
     

***

Rate & Review

Jigar Shah 4 hours ago

Sandip Dudani 4 days ago

Suresh Prajapat 4 days ago

Bhadresh Vekariya 2 weeks ago