સફરમાં મળેલ હમસફર - ભાગ-30

સફરમાં મળેલ હમસફર
ભાગ-30
શિયાળાની ગુલાબી ઠંડીમાં કચોટીયાની સવાર પડી.વહેલી સવારે ગામની સ્ત્રીઓની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.કોઈ ‘વાસીદુ’ કરતી હતી,કોઈ ફળિયું સાફ કરતી હતી તો કોઈ બેડા લઈ પાણી ભરવા જતી હતી.આ સવાર નયનરમ્ય હતી. પક્ષીનો અવાજ સાથે અંધારું આથમતું જતું હતું.રુદ્ર મોડો સૂતો હતો તો પણ વહેલી સવારે જાગી અગાસી પર ચડી ગયો હતો.અગાસી પર જવાનું એક કારણ હતું.સૂર્ય નમસ્કાર કરતાં પહેલાં સૂરજ નીકળ્યા પહેલાનો નજારો જોવા રુદ્ર અગાસી પર આવ્યો હતો.ખેતરોમાં લહેરાતો પાક રુદ્રની આંખોને શાતા આપતો હતો.
     કેટલાક ખેડૂતભાઈઓ વહેલી સવારે ખેતરો તરફ જતા હતા.રુદ્ર એ લોકોને જોતો હતો.થોડીવાર પછી સૂર્યના કુણા કિરણોનું આગમન થયું.રુદ્રએ સૂર્ય નમસ્કાર કરી થોડી કસરત કરી અને પછી નીચે આવી ગયો. રુદ્ર સ્નાન કરીને બહાર આવ્યો ત્યાં સુધીમાં શુભમના ત્રણ કૉલ અને એક મૅસેજ આવી ગયો હતો.
‘બસ દસ મિનિટમાં આવ્યો’એવો મૅસેજ કરી રુદ્ર નાસ્તો કરવા ચાલ્યો ગયો.નાસ્તો કરતાં કરતાં રુદ્રએ ભૂપતકાકા પાસેથી પહેલાંના સમયમાં સિહોરમાં ક્યાં ભવ્ય નવરાત્રી થત એ જગ્યાની જાણકારી મેળવી લીધી. હજી સંદીપ અને જે.ડી.સુતા હશે એમ વિચારી પોતે બહાર જાય એ વાત ભૂપતકાકાને જણાવી રુદ્ર બાઇક લઈ નીકળી ગયો.
         શુભમ રુદ્રની રાહ જોતો આમતેમ આંટા મારતો હતો. રુદ્ર આવ્યો એટલે બંને સિહોરના રસ્તે ચડ્યા.શુભમ રુદ્રને રસ્તો ચીંધતો જતો હતો.સિહોર ટેકરીઓ પર વસેલું શહેર છે એટલે અહીંના એરીઓના નામ પાછળ ‘ઢાળ(ચડવા-ઉતાર)’શબ્દ લાગે છે.’બસ સ્ટેન્ડનો ઢાળ’ ચડી જે ઢાળ ઉતરે છે તેને ‘પ્રગટનાથનો ઢાળ’કહે છે.અમદાવાદની કોઈ ચાલી જેવો આ એરિયો મકાનોની ગીચતાંથી ભરેલો છે.વચ્ચેથી છ ફૂટની ગલી જેવો રસ્તો પસાર થાય છે.ઢાળ વચ્ચેથી સિહોરની દીવાલ પસાર થાય છે એટલે આ ઢાળ જુના સિહોરને નવા સિહોર સાથે જોડે છે એમ કહી શકાય.
      થોડા વર્ષો પહેલા  અહીં આટલી ગીચતાં નોહતી.અહીં એક મોટું મેદાન હતું જ્યાં ભવ્ય નવરાત્રી યોજાતી.ઢાળ પૂરો થાય છે ત્યાં ‘પ્રગટેશ્વર મહાદેવ’નું મંદિર આવેલું છે.નવરાત્રીની ગરબી આ જ મંદિરના પરસાળમાં ઉમરાના ઝાડ નીચે  રાખવામાં આવતી.શુભમ રુદ્રને પ્રગટેશ્વર મહાદેવના મંદિરે લઈ આવ્યો.
“જો અહીં નવરાત્રી યોજાતી. મારા પપ્પા આપણી ઉંમરના હતા ત્યારે રાત્રે સાઇકલ લઈ અહીં નવરાત્રી રમવા આવતા”શુભમે અહીંના ભૂગોળની પ્રાથમિક માહિતી આપી, “પહેલાં આટલા બધા મકાનો નોહતા એટલે મોકળાશ મળતી.હવે એરિયા મુજબ નવરાત્રી થાય છે એટલે અહીંનું મહત્વ ઘટી ગયું છે.”
“તો ક્યાંથી શરૂ કરવું છે?”શુભમે પૂછ્યું.
“આપણે મંદિરના પૂજારીને મળીએ કદાચ તેઓ પાસેથી કોઈ માહિતી મળી જાય”રુદ્રએ કહ્યું.
“જો ભાઈ દોસ્તના નાતે હું તને મદદ કરું છું પણ આપણે આ ખજાનો શોધીએ છીએ એ વાત ભૂલથી પણ કોઈને ના કહેતો.સૌ એમ જ સમજે છે કે હકીકતમાં એ ખજાનો નથી એટલે જો તું ખજાના વિશે પૂછવા આવ્યો છે એ વાત કોઈ જાણશે તો તને કોઈ જવાબ નહિ આપે અને તું હસીને પાત્ર બનીશ”શુભમે રુદ્રને સાવધાન કરતાં સૂચના આપી.
“હું એ વાતની ધ્યાન રાખીશ પણ મને એક વાત નથી સમજતી”રુદ્ર અસમંજસતાથી ઘેરાયો હતો, “જો પહેલાં આટલાં મકાનો નહોતાં તો એ તામ્રપત્રનો પહેલો ટુકડો ક્યાં છે એ કેવી રીતે ખબર પડશે?”
“તને એ ટુકડો મળી જાય એ માટે પ્રધાને તામ્રપત્રના ટુકડાને પગ આપ્યાં હશે.એક અવાજ આપ એટલે હમણાં ચાલતાં ચાલતાં તારી સામે આવશે”શુભમે કટાક્ષ ભર્યા અવાજે કહ્યું.
“આ મજાકનો સમય નથી યાર,આપણી પાસે દિવસો ઓછાં છે અને કામ વધુ છે એટલે આપણે વિચારીને કામ કરવું પડશે”
“હા તો વિચાર એવી કઈ જગ્યા હોઈ શકે જ્યાં વર્ષો સુધી એ ટુકડા મહેફુસ રહી શકે”
“તું કહે છો કે પહેલાં અહીં મકાનોની ગીચતાં નહોતી એટલે એ ટુકડો કોઈ ઘરમાં હોવાનો સવાલ જ નથી.”રુદ્રએ તર્ક કાઢતાં કહ્યું.
“એ સમયે તો અહીં એક પણ મકાન નહોતું.ત્યારે તો આ ભોળાનાથની શિવલિંગ અને ઉમરો જ હતો”શુભમે કહ્યું.
“હા મંદિર”રુદ્રએ ઉત્સાહમાં આવીને કહ્યું,તેને પહેલાં ટુકડાની કડી મળી ગઈ તેવું લાગ્યું, “જો પરષોત્તમે શું લખ્યુ છે”
      રુદ્રએ મોબાઇલમાંથી પીડીએફ ખોલી પરષોત્તમે લખેલો કોયડો વાંચ્યો,
‘નવ જોડના સંગમ જ્યાં થયા,
સિહોરમાં એવા દિવસ વહ્યા.
એક માસ રહ્યા આ દિવસ,
પછી એ જાતે જ લુપ્ત થયા.
જ્યાં રહ્યો આ માસ ત્યાં દીવો થયો,
આવશું આવતા વર્ષે એવું કહેતો ગયો.’
“દીવો ક્યાં થાય છે?મંદિરમાં બરોબર.ભોળાનાથની શિવલિંગ પર જે મુકુટ હોય છે એ પણ તામ્રનો જ હોય છે તો પ્રધાને સમજી વિચારીને એ ટુકડો મુકુટ પર કે ચિપકાવી દીધો હોય”પોતાની બુદ્ધિક્ષમતા મુજબ વિચારી રુદ્ર બોલ્યો.
“ચાલ તો આપણે જોઈ આવીએ”શુભમે કહ્યું.
“એમ ક્યાંથી જોઈ આવશું?ત્યાં તારા દાદા પૂજારી હશે એ મુકુટને સ્પર્શ કરવા દેશે? અને માની લે કે ત્યાં એ ટુકડો ચિપકાવેલો છે તો પૂજારી સામે કેવી રીતે એ ટુકડો કાઢીશું?”
“એની ચિંતા તું શા માટે કરે છે?હું બાવજીનો દીકરો છું.ભોળાનાથ પર તો આપણો હક છે”હસીને કહેતાં શુભમ મંદિર તરફ ચાલવા લાગ્યો.
“જય ભોળાનાથ મહંતગીરીબાપુ”શુભમે પૂજારી પાસે જઈ તેઓના ચરણ સ્પર્શ કર્યા.બાપુ અત્યારે સવારની આરતી કરી ફૂલ ચડાવતાં હતા.
“જય ભોળાનાથ શુભમ,ક્યારે આવ્યો?”બાપુએ શુભમના માથે હાથ રાખી આશીર્વાદ આપ્યા.
“બસ કાલે સાંજે આવ્યો,કેમ ચાલે છે?દક્ષિણા મળતી રહે છે ને?”શુભમે વાત ચલાવતાં કહ્યું.બાપુ પહેલાં આ મંદિર શુભમના પપ્પા પાસે હતું એટલે શુભમ ગીરીબાપુને સારી રીતે ઓળખતો.
“ચાલ્યા કરે,ક્યારેક દક્ષિણા મળે તો ક્યારેક નો મળે”બાપુએ થાળીમાંથી પ્રસાદ લઈ રુદ્ર અને શુભમના હાથમાં આપ્યો, “આ દોસ્ત છે તારો?”રુદ્રને જોઈને બાપુએ પૂછ્યું.
“હા બાપુ,અમદાવાદથી આવ્યો છે.આપણા ગામના તળશીભાઈને ત્યાં લગ્ન છે એટલે સંદીપ સાથે આવ્યો છે”
“સારું સારું,તમે લોકો દર્શન કરો હું પ્રસાદ આપી આવું”કહી ગીરીબાપુ નીકળી ગયા.
     શુભમે રુદ્રને ઈશારો કર્યો.બંને મંદિરના મુખ્ય દ્વારમાંથી પસાર થઈ શિવલિંગ પાસે આવ્યા.શિવલિંગ પર નાગરાજનું મુખ બિરાજમાન હતું.તેના પર એક ભવ્ય મુકુટ લટકતો હતો જે ચાંદીનો હતો.રુદ્રએ વિચાર્યું હતું.મંદિરમાં કોઈક જગ્યાએ તો તામ્રનો ટુકડો હશે જ.એની ધારણ ખોટી પડી.બંનેએ અડધી કલાક મહેનત કરી પણ કોઈને એ ટુકડો ના મળ્યો.આખરે પૂજારી આવ્યા એટલે બંને મંદિરની બહાર આવ્યા.
“મને લાગે છે આપણે ખોટી જગ્યા પર છીએ,અહીં તો એવી કોઈ વસ્તુ છે જ નહીં”રુદ્રએ નિરાશાજનક અવાજે કહ્યું.તેના ચહેરાનો રંગ બદલાયેલો હતો.
“મને પણ એવું જ લાગે છે”શુભમે પણ રુદ્રની વાતનું પુનરાવર્તન કર્યું.
“નવ જોડનો સંગમ ક્યાં થાય છે?”રુદ્ર સ્વગત બોલ્યો, “એવી સિહોરમાં કોઈક તો વસ્તુ હશે જે નવ જોડ સાથે સબંધ ધરાવતી હશે”
       રુદ્રના છેલ્લાં વાક્ય સાથે શુભમને લાઈટ થઈ.તેણે ઉત્સાહમાં આવીને કહ્યું, “છે જ ને.સિહોરને ‘છોટા કાશી’નું બિરુદ મળ્યું છે.કાશી પછી સિહોરમાં જ નવનાથ છે.”
“બરોબર છે.નવનાથનો સંગમ સિહોરમાં થયો.તું કહેતો હતો કે પુરા શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જામે છે.મતલબ નવરાત્રીના નવ દિવસ નહિ શ્રાવણ માસના દિવસ”રુદ્રએ કહ્યું.
“જ્યાં રહ્યા આ દિવસ ત્યાં દીવો થયો મતલબ ભોળાનાથનું કોઈ એક મંદિર.આવશું આવતાં વર્ષે મતલબ આગળનો શ્રાવણ માસ..રુદ્ર તને કંઈ સમજાય છે?”શુભમે આંખો ત્રાંસી કરીને સ્મિત કર્યું.
“મતલબ આ ભોળાનાથના મંદિરે નહિ પણ નવનાથમાના કોઈ એક મંદિરમાં એ ટુકડો છે.પણ આપણને ખબર કેવી રીતે પડશે કે એ ટુકડો ક્યાં મંદિરમાં છે?”રુદ્રએ ફરી એકવાર મૂંઝવણ ઉભી કરી.
“સિમ્પલ ગણિત છે.નવ જોડનો સંગમ થાય છે એ મંદિર જોડનાથ મહાદેવનું છે.ત્યાંની દીવાલો પર નવે નવનાથ મંદિરના ફોટા દોરેલાં છે.”શુભમનું મગજ વધુ પડતું જ ચાલવા લાગ્યું હતું.
“તો રાહ કોની જુએ છે,ચાલ લઈ જા મને એ મંદિરે”રુદ્રએ બાઇક તરફ ચાલતાં કહ્યું.
     સિહોરની જૂની બજાર માંથી પસાર થઈ બંને જોડનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા.બંને પહોંચી તો ગયાં હતાં પણ ફરી એ જ સવાલ હતો.ટુકડો ક્યાં રાખવામાં આવ્યો હશે?
                     ***
    આગળની રાતે સામત રુદ્ર અને સેજુને વાતો કરતાં જોઈ ગયો હતો.હવેલીની અગાસી અને વડના ઝાડ વચ્ચે અંતર હોવાથી બંને વચ્ચે શું વાત થઈ રહી એ સામત સાંભળી નોહતો શક્યો.પણ એ પરિસ્થિતિ પરથી એ સમજી ગયો હતો કે ત્યાં જે લોકો ઉભા છે એની વચ્ચે શું સંબંધ છે.સેજુ અને રુદ્ર નીચે આવ્યા એટલે સામત પણ ચીવટ પૂર્વક નીચે ઉતરી ગયો.
     તેના મગજમાં એક સાથે ઘણાબધાં સવાલ ઘૂમી રહ્યા હતાં.
“ક્યાં રહી ગયો’તો?સામત નીચે આવ્યો એટલે બટુકે પૂછ્યું.
“હમણાં પેલો છોકરો અંદર ગયોને?એ ઉપર કોઈ છોકરી સાથે વાતો કરતો હતો.નક્કી એ બંનેનું ચક્કર ચાલે છે.”
“તો આપણે શું છે?ચાલ આપણે તળશી પાછળ જવાનું છે”બટુકે કહ્યું.બંને ચીવટ પૂર્વક દીવાલ કૂદી ગયા.તળશીભાઈ જે દિશામાં ગયાં હતાં એ દિશામાં બંને આગળ વધ્યા.
     તળશીભાઈ જીણાના ઘર બાજુ ગયા હતા.આજુબાજુ નજર કરતાં તળશીભાઈ જીણા ઘર પાસે આવીને ઊભા રહી ગયા.થોડીવાર પછી જીણો બહાર આવ્યો.સામત અને બટુક જીણાના ઘરની બાજુમાં જોરુભાઈનું મકાન હતું તેની દીવાલ પાછળ છુપાઈ ગયા.અહીંથી બંનેનો અવાજ સાફ સાફ સંભળાતો હતો.
“કામ થઈ ગયું?”તળશીભાઈએ ઈશારા સાથે જીણાને પૂછ્યું.
“મેં હિરકાને વાત કરી હતી પણ ભાવ વધારે કે છે.કાલે ભગાને પૂછી જોઇશ.એની પાસે પણ છે જ ને?”જીણાએ કહ્યું.
“કાલે શું કહીશ?કાલે તો અમાસ છે.હિરકો ગમે એટલા રૂપિયા માંગે તું આપી દેજે.મારે કામ થવાથી મતલબ છે”તળશીભાઈએ હુકમ કર્યો.જીણાએ દાંત દેખાડ્યા.તેને જોતું હતું એ મળી ગયું હતું.હામી ભરી જીણો અંદર ચાલી ગયો.
     તળશીભાઈએ હવેલી તરફ પગ ઉપાડ્યા.તળશીભાઈ નીકળ્યા એ પહેલાં બટુક અને સામત ફરીને બીજી બાજુએ આવી ગયાં હતાં.તળશીભાઈ ચાલ્યાં ગયાં એટલે પોતાનું આજનું કામ પતી ગયું એમ વિચારી બંને ગામની બહાર નીકળી ગયા.
“આ તળશી જીણાના ઘરે કેમ ગયો’તો?અને શું ખરીદવાની વાત કરતો હતો તળશી?”ગૌતમી નદીના કિનારે ઊગી નીકળેલા બાવળની ઓથારે ચાલતાં બટુકે પૂછ્યું.
“આપણો મહારાજ ખોટો નોહતો.નક્કી એ બંને કાંઈક તો ખીચડી પકાવે છે.પણ શું છે એ કાલે ખબર પડશે”બીડી સળગાવતાં સામતે કહ્યું.
“મને લાગી છે, તું આગળ જા હું આવું”ટચલી આંગળીનો ઈશારો કરી બટુક બાવળની જાડી તરફ ઉભો રહી ગયો.
      બીડીના કશ ખેંચતો ખેંચતો સામત આગળ ચાલવા લાગ્યો.ચૌદશનું અંધારું રોજ કરતાં ભયંકર લાગતું હતું.ખરેખર ભયંકર.અગાસી પર જોયેલાં બે વ્યક્તિ વિશે વિચારતો સામત થોડે આગળ જઈ અટક્યો.
     ઘણો સમય થઇ ગયો હતો પણ બટુક સાથે નહોતો થયો.એ ક્યાં અટવાઈ ગયો એ જોવા સામત પાછળ ઘૂમ્યો.અચાનક એક હવાનું મોજું તેના તરફ ધસ્યું.સામત ચમકી ગયો.અંધારામાં તેને કંઈ દેખાતું નહતું.
“ક્યાં રહી ગયો બટકા?”સામતે અવાજ આપ્યો.સામેથી બટુકે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.થોડીવાર પછી બટુકની કરુણ ચીસ સામતને સંભળાઈ.જે બાજુથી અવાજ આવ્યો હતો એ બાજુ સામત દોડ્યો.
      બટુક અડધે સુધી જમીનમાં દફનાઈ ગયો હતો.તેનાં પેટમાં આગી લાગી હતી.
“બચાવો..બચાવો..”બટુક ચીખતો હતો.સામતે બટુકનો હાથ ઝાલ્યો અને બહાર ખેંચવાની કોશિશ કરી.સામત જેટલું જોર લગાવતો હતો બટુક એટલો જમીનમાં ધસતો જતો હતો.આંખના પલકારે બટુક જમીનમાં દફનાઈ ગયો.આગળ શું કરવું એ ન સમજાતાં સામતે મહારાજના ઘર તરફ દોટ મૂકી.
(ક્રમશઃ)
     કચોટીયા ગામમાં બનતી આ ઘટનાનું રહસ્ય શું હશે?આ ઘટના ખજાના સાથે નિસ્બત ધરાવે છે?શું રુદ્રને પણ આગળ જતાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે?શું રુદ્રને પહેલી કડી મળી ગઈ છે?જાણવા વાંચતા રહો.સફરમાં મળેલ હમસફર.સાથે મારી નવી નૉવેલ ‘જૉકર’ વાંચવાનું પણ ભૂલતાં નહિ.
મારી અન્ય નૉવેલ.
- વિકૃતિ(મેઘા ગોકાણી & મેર મેહુલ)
- સફરમાં મળેલ હમસફર ભાગ-2
- ભીંજયેલો પ્રેમ
- તું મુસ્કુરાયે વજાહ મેં બનું
- સ્માઈલવાળી છોકરીની શોધમાં
Mer Mehul


***