Prem ni paribhasha - 13 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૩. અવિશ્વસનીય યોજના


    સૌમ્ય ઘણો સમય બહાર રહ્યો , કાવ્યા વિચારો મા ખોવાયેલી હતી . કાવ્યા એ પુજા વિશે પ્રથમવાર મજાક કરી હતી અને આ મજાક તેને ઘણી ભારે પડી હતી . હજુ સુધી સૌમ્ય એ પુજા ને વીસારી ન હતી . શુ તે પુજા ને ભુલવા માગતો હતો ? તેને લાગ્યુ હતુ કે તે ભુતકાળ ને ભુલવા માગતો હશે , પણ ભુતકાળ કદાચ સૌમ્ય ને છોડવા માંગતો ન હતો . તેમા તે પોતે શુ કરી શકે ? તેને એ ભુલવવા મા થોડી પણ ભુલ થઈ તો સૌમ્ય ને દુઃખ થવાનુ અને ભુલ્યા વિના તે સૌમ્ય ને પામી શકવાની નથી એ તે સમજી રહી હતી . પ્રશ્ન એ હતો કે વીજળી ના ઝટકા વીના ગાંડપણ કઈ રીતે દુર કરવુ . કાવ્યા ને ગંગા ને સ્વર્ગ થી ધરતી પર લાવવા સમાન કપરૂ કાર્ય પાર પાડવાનુ હતુ , પરંતુ કાવ્યા ભગીરથ ન હતી ,

    એવુ પન બની શકે કે સૌમ્ય તેની અને પુજા ની સરખામણી કરવા ન માંગતો હોય . તેના મન મા ઘણા પ્રશ્નો હતા . શુ પુજા પ્રત્યે ની સૌમ્ય ની લાગણી તેના અને સૌમ્ય ના સબંધો પર અસર કરશે ? શુ પુજા ને બદલે તે સૌમ્ય માટે યોગ્ય હતી ? શુ સૌમ્ય ને એમ લાગ્યુ હશે કે તે પુજા થી ચડીયાતી સાબીત થવા માંગે છે ? હા ચોક્કસ એ ડફોળ ના મન મા એવુ જ ફુટ્યુ હશે . તેનાથી અજાણતા જ વીચારો જિહ્વા પર આવી ગયા , “ પણ તે કેમ સમજતો નથી કે મારે પુજા થી ચડીયાતુ દેખાવા ની કોઈ જરુર જ નથી , હુ તેનાથી ચડીયાતી જ છુ . હા કદાચ તે મારાથી વધારે દેખાવડી હશે પણ વ્યવ્હાર નુ શુ ? વ્યવ્હાર મા હુ તેના થી હજાર દરજ્જે સારી છુ . તો પછી હુ શા માટે તેને પુજા ની યાદ રૂપી બંધન માંથી છોડાવી શક્તિ નથી ? કઈંક કરવુ પડશે ? “

    સૌમ્ય હજુ આવ્યો ન હતો એટલે કાવ્યા ને નીરાંત થઈ . હજુ તેની અને સૌમ્ય વચ્ચે એક આવરણ લાગતુ હતુ . કોઈપણ ભોગે તે એ આવરણ દુર કરવા માંગતી હતી . એ માટે પહેલા બધુ સાંભળવુ આવશ્યક હતુ પછી જ તે આગળ શુ કરવુ તે વીચારી શકે . બસ હવે એજ ધ્યાન રાખવાનુ હતુ કે કઈ કાચુ કપાય નહી . તે સૌમ્ય ની રાહ જોઈ બેસી રહી . તેણે આગળ વધવા મા ખુબ ચીવટ રાખવાની હતી . દરવાજો ખુલ્યો અને સૌમ્ય અન્દર આવ્યો , કાવ્યા ના મુખ પર સ્મીત આવ્યુ અને તેની જીભ મા જેટલી મીઠાશ હતી તે બધી એકઠી કરી ને તેણે શબ્દો મા રેડી દીધી .

    “ તમારી તરસાવવાની આદત કમાલ ની છે . અહિયા માણસ તડપી રહ્યુ છે અને સાહેબ ને ફ્રેશ થવુ છે . હવે આગળ સંભળાવશો ? “ સૌમ્ય પર શુ અસર થઈ છે તે જોવા કાવ્યા તલપાપડ હતી .
    “ નહી એવી મારી કોઈ જ ઇચ્છા નથી . બસ તને બધુ સંભળાવવુ છે જેથી ભવિષ્ય મા તુ મારા પર કોઈ આક્ષેપ ના મુકી શકે કે મે તારાથી કશુ છુપાવ્યુ છે . “ સૌમ્ય ના શબ્દો થી કાવ્યા એ થોડો હાશકારો અનુભવ્યો . સૌમ્ય આગળ વધી રહ્યો હતો તેને વધારે ખરાબ લાગ્યુ નહી તે જાણી ને કાવ્યા હર્ષ થી આગળ ની કથા સાંભળી રહી .

    “ સમય ખુબ ઝડપ થી પસાર થયો . બીજા વર્ષ નો અંત નજીક આવી રહ્યો હતો . અમારો સુવર્ણકાળ પુર્ણ થવાની અણી પર હતો . જેટલો એ સમય સમેટી શકાય તેટલો સમેટી લેવાનો હતો . આ સમય ની પ્રત્યેક ક્ષણ હુ પુજા સાથે વીતાવવા માંગતો હતો , માટે વધુ સમય હુ તેની સાથે જ રહેતો . અમારા સબંધ ખુબ ઘનીષ્ઠ બની ચુક્યો હતો . હુ તેની સાથે વીવાહ ના સ્વપ્નો જોઈ રહ્યો હતો . મે મારા માતા – પિતા સાથે પણ પુજા વિશે વાત કરી લીધી હતી . તેઓ પણ મારી ખુશી મા સાથ આપી રહ્યા હતા . ડી અને પ્રીયા પણ એકબીજા ની નીકટ આવી રહ્યા હતા . બન્ને માંથી કોઈ ઉતાવળ કરવાનુ ન હતુ પણ અમને સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ કે તેઓ નો પ્રેમ પાંગરી રહ્યો હતો . રૂદ્ર ની અને તૃષા વચ્ચે તો કોઈ આવવાનુ જ ન હતુ . પણ ચીંતા બાડા ની હતી . તેની સામે બે પ્રેમકથા ઓ તેની ચરમસીમા એ પહોંચી ચુકી હતી , અને એક આગળ વધી રહી હતી જે ચોક્કસ તેની મંજીલે પહોંચશે તેવી આશા હતી . પણ તેની અને અંજલી વચ્ચે રહેલુ કુટુંબ નુ નડતર કોણ દુર કરશે ? તે અને અંજલી એક થશે તેવી કલ્પણા પણ ન કરી શકે . કલ્પના કરી ને સુખ મેળવવા નુ પણ તેના ભાગ્ય મા ન હતુ . એક રાતે અમે છત પર આરામ થી સુતા હતા . થોડી ઘણી આડીઅવળી ચર્ચાઓ થઈ રહી હતી , બધા હળવા મુડ મા હતા . તેમા કરણે નિરાશા થી છલોછલ અવાજે કહ્યુ

    “ તમારે ત્રણેય ને કેટલી શાંતી છે ? જેને તમે ચાહો છો તેની સાથે તમે આજીવન રહેવા ના છો . “ શબ્દો નો અર્થ તો તાત્કાલીક મને સમજાયો નહી . રૂદ્ર એ તેને ઉતર આપ્યો

    “ બાડા તારે પણ શાંતિ થઈ જશે . થોડી ધીરજ રાખ . ઉતાવળ મા આપણે ક્યારેક ઘણુ ખોઈએ છીએ . ધીરજ ના ફળ મીઠા હોય છે . “

    કરણ ની હાલત રણ મા ફસાયેલા યાત્રી જેવી હતી , “ હવે ધીરજ રાખવાની ક્ષમતા મારા મા રહી નથી . તમને જ્યારે ખબર જ હોય છે કે તમારો પ્રેમ તમારી સાથે રહેવાનો નથી . ત્યારે જે કફોડી સ્થીતી થાય છે તેનો અનુભવ તમને કોઈ ને નથી . ઇશ્વર કરે ને તમારે કોઈ એ તે સહન ન કરવુ પડે .  દરેક પળે મૃત્યુ નુ અટ્ટહાસ્ય તમે સાંભળવા મળે છે . જાણે કોઈ એ તમારુ હૃદય ચીર્યુ હોય તેવુ લાગે છે . મગજ બહેર મારી જાય છે . આજુબાજુ શુ બની રહ્યુ છે તે પણ સમજાતુ નથી . કોઈ જગ્યા એ મન એકાગ્ર થતુ નથી . નકારાત્મક વીચારો જ મગજ મા ઘુમરાયા કરે છે . કશામા શાંતી મળતી નથી . હૃદય ના દરેક ધબકારે વધુ પીડા થાય છે અને છતા હૃદય ધબકાર છોડતુ નથી . હવે તો એ એક જ ઉપાય છે હૃદય બન્ધ થાય તો મને શાંતિ મળે . બસ હવે શાંત થઈ જાવ . “

    “ શુ ગાંડા જેવી વાતો કરે છે . તેના થી અંજલી ને કેટલુ દુઃખ થશે ? તારા પરિવાર નો તો વીચાર કર ? બુદ્ધી જેવુ તત્વ જ રહ્યુ નથી . “ ડી થોડો ગુસ્સે થયો .

    “ તો હુ બીજુ શુ કરુ ? કોઈ મને અને અંજલી ને એક થવા નહી દે . બીજો કોઈ માર્ગ દેખાતો નથી . ચોતરફ થી ભીડાયેલો છુ , તો છુટકારા માટે કઈંક તો કરવુ પડશે ? હવે આ બન્ધન મા હુ લાંબો સમય ટકી શકુ નહી . પરીસ્થીતી મને પાગલ બનાવી રહી છે , તારી પાસે કોઈ રસ્તો હોય તો બતાવ “ અમારી કોઈ પાસે જવાબ ન હતો .

    “ હા , મારી પાસે એક ઉપાય છે ......” ડી વધુ કઈ બોલે એ પહેલા મે તેને કહ્યુ , “ તારો ઉપાય અમારે સાંભળવો નથી . કોણજાણે ક્યા ખેંચી જઈશ  ? “

    “ ના , સરળ છે , અંજલી ને ભગાવી લઈએ તો ? “ મારો મગજ ઉકળવા લાગ્યો , ડી નો આ વીચાર ઘણો ઘાતક સીધ્ધ થાય તેમ હતો .
    “ તેનો પ્રત્યાઘાત શુ આવશે તે તો તને ખબર છે , પછી શા માટે આવી ગાંડા જેવી વાતો કરે છે . “

    “ હા મને ખબર છે પણ તે અંજલી ભાગે તો પ્રશ્ન ઉભો થાય . કોઈ તેનુ અપહરણ કરે તો કોઈ સમસ્યા સર્જાય નહી . “

    “ વ્યવસ્થીત સમજાવ તુ શુ કહેવા માંગે છે ? “ કરણ ઉપાય જાણવા માટે આતુર હતો .

“ આપણે અંજલીને ત્યાંથી ભગાવીને ત્યા એવી સ્થીતી ઉત્પન્ન કરવાની છે જેથી પાછળ થી જોનાર ને એવુ લાગે કે અંજલીની ઇચ્છા વિરૂદ્ધ તેનુ અપહરણ કરવામા આવ્યુ છે “

    ડી ના વીચાર ની અસર સ્પષ્ટપણે કરણ પર થઈ હતી . તેના મુખ પર થોડુ તેજ આવ્યુ હતુ . તેને અંજલી નો મેળાપ શક્ય લાગ્યો હશે ? મને પણ ડી નો વીચાર ગમ્યો હતો . ડી એ રૂદ્ર ને પણ વીચારતો કરી દીધો હતો . અંજલી ના પીતા ને એવુ સમજાય કે અંજલી તેની મરજી થી ભાગી નથી તો અંજલી ના પરીવાર મા કોઈ નુક્શાન થાય નહી .

    “ હા એ શક્ય છે . પણ તેઓ અપહરણ નુ દોષારોપણ કરણ ના પીતા પર જ થવાનુ છે . અને તેના કારણે ગામ મા ઘણી જાનહાની સર્જાવાની શક્યતા છે . અને ધારી લે કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે જ નહી તો પણ કરણ અંજલી ને તેના ઘરે કઈ રીતે લઈ જાય . છેવટે તેને જવાનુ તો ત્યા જ છે . આ સમસ્યા ઝટીલ છે , તેનુ સમાધાન આ રીતે શક્ય નથી . “ રૂદ્ર એ વધુ સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યુ .

    “ નહી ! કોઈ લડશે નહી . અપહરણ કોના દ્વારા થયુ તે એ લોકો સ્વપ્નેય વીચારી શકશે નહી . થોડીવાર તેઓ એકબીજા સાથે લડવાના જ છે , તેમા ક્યા કઈ નવુ છે , તેટલી મારામારી તો ત્યા દરરોજ થતી જ રહેવાની છે . અંજલી ને આપણે અહી કોઈ ના ઘરે છુપાવશુ અને પછી કરણ કામના બહાને બીજા દેશ મા જતો રહેશે . ત્યા થોડુ કોઈ જોવા આવવાનુ છે . હા એક સમસ્યા છે આપણે અપહરણ કરીએ ત્યાર બાદ અંજલી કોઈ દીવસ તેના ગામમા , તેના માતા-પિતા સામે જઈ શકશે નહી . તેમા જો સમયે સાથ આપ્યો તો સુધારો થાય , આ સીવાય તેનો બીજો કોઈ માર્ગ નથી . “

    ડી એ માસ્ટરપ્લાન બનાવ્યો હતો . તેની સફળતા પર કોઈ ને શંકા ન હતી . અંજલી અને કરણ ને સાથે મેળવવા માટે આ એક જ રસ્તો બચ્યો હતો . જોઈ ને ખુબ સરળ લાગે કે અંજલી નુ અપહરણ કરી ને તેને થોડો સમ્ય પુજા ના ઘરે જ રાખવાની . ત્યાર બાદ કરણ પુરૂ વેકેશન તેના ઘરે વીતાવીને ત્યાંથી જ કોઈ અન્ય દેશ મા અંજલી સાથે જતો રહે તેના ગામ અને પરીવારજનો થી દુર એક સુંદર અને સુખી જીવન વીતાવે . પણ સમસ્યા ખુબ કઠીન હતી , અંજલીના ઘર મા પહોંચવુ એટલે જાગતા સિંહ ના મુખ મા માથુ નાખવા સમાન હતુ . બન્ને પરીવારો ના મતભેદ ના કારણે તેઓ સુરક્ષા નુ ખાસુ ધ્યાન રાખતા . પણ રૂદ્ર એ કહ્યુ તેની ચિંતા ન કરો તે સંભાળી લેશે . હવે ત્યાની સ્થીતી જોઈને અમારે આગળ શુ અને કેવી રીતે કરવુ તે નક્કી કરવાનુ હતુ .

    “ કરણ પુરો વીચાર કરી લેજે , ઉતાવળે લીધેલ પગલુ માણસ ને હંમેશા હેરાન કરે છે  . આ રસ્તે આગળ વધ્યા પછી પાછુ ફરવુ  અશક્ય છે . પછી જો તે પાછળ ડગલા ભર્યા તો અંજલી નુ જીવન બરબાદ થઈ જશે . માટે પૂરો વીચાર કરી લે પછી હુ જ તને પાછો ફરવા નહી દઉ . “ મારા મતે રૂદ્ર સાચો હતો .

    “ વીચાર સ્પષ્ટ જ છે , હુ અંજલીનો સાથ મેળવીશ અથવા મૃત્યુના ખોળામા માથુ ઢાળીશ. અંજલી નો મેળાપ થતો હશે તો હુ કઈપણ કરવા તૈયાર છુ . આ રસ્તો મને ખુબ સરળ લાગે છે . તેનાથી કોઈ ને પછતાવા નો વારો નહી આવે . હુ કોઇપણ ભોગે પીછેહઠ કરીશ નહી , છતા તને એવુ લાગતુ હોય કે હુ બદલી જઈશ તો રહેવા દે . “

    રૂદ્ર એ કરણ ની ભાવના સમજી , કરણ અંજલી ને મનાવવા માં જ એક સપ્તાહ ખાઈ ગયો . અંજલી એ તેના મહેલ ની અને તેનો  રૂમ ક્યા આવેલો છે તે અને બહાર ઉભા રહેતા માણસો વિશે રૂદ્ર ને માહિતી આપી પછી ઇશ્વર ની પ્રાર્થના કરી અમે ભુજ થી એક કાર અને બાઇક લઈ ને સાંજ ના છ કલાક આસપાસ ભુજ થી રવાના થયા . અન્દાજે દસેક વાગે અમે કરણ ના ગામ થી નજીક પહોંચ્યા . ત્યા થોડે દુર અંજલી એ જણાવેલ જ્ગ્યા એ  ડી ને તેની કાર સાથે છુપાવ્યો મારે ત્યા અંજલી ને લાવવાની હતી અને રૂદ્ર એ લોકો નુ ધ્યાન ખેંચવા તેમને અવળે રસ્તે દોરવાના હતા . લગભગ બારેક વાગ્યા આસપાસ અમે અંજલી ના ઘર તરફ રવાના થયા . ગામ આખુ સુમસામ હતુ , કોઈ પ્રકાર હલચલ ન હતી અમે ગાડી દોરી ને જઈ રહ્યા હતા , લપાતા છુપાતા જવામા ઘણી મજા આવી રહી હતી . રૂદ્ર ચારે તરફ જોઈ રહ્યો હતો અને હુ ગાડી દોરી રહ્યો હતો . એક પ્રકાર ની ઉત્કંઠા મસ્તિષ્ક ને સતેજ રાખી રહી હતી . ચીંતા એ હજુ મારો સ્પર્ષ કર્યો ન હતો . ખાસ તો રૂદ્ર ની જાગૃતતા મને વધુ ડરાવી રહી હતી બે એક વાર મે તેને ટોક્યો પણ ખરો પણ તે ભય સમજી રહ્યો હતો . હુ તો આ યોજના ખુબ જ સરળ છે એમ માનીને નીશ્ચીંત હતો .

    અમે અંજલી ના ઘર પાસે પહોંચ્યા ત્યા એક વૃક્ષ ની આડશ લઈ ને ઉભા હતા . નજર ફેરવતા ખબર પડી કે ભય શાને કહેવાય . કોઈએ અમને જોયા ન હતા , પણ અમે અંજલી ના ઘર નો પહેરો જોઈ રહ્યા હતા . તેના એ રજવાડી મહેલ ની ચારેબાજુ ની દીવાલ ખુબ ઉંચી હતી અને તેના પર કાંટાળા તાર પણ હતા . કદાચ તેને વિજળી સાથે પણ જોડ્યા હશે . હુ તો ચારેબાજુ યમરાજ ના પડછાયા જેવા કદાવર પહેરેદારો ને જ જોઈ રહ્યો હતો . અને તેમને જોઈ ને મારા પગ કાંપી રહ્યા હતા . પણ રૂદ્ર હજુ એજ શાંતિ થી પરીસ્થીતી નો તાગ મેળવી રહ્યો હતો . તેઓ વળી એક જગ્યા એ ઉભા રહેવા ના બદલે ચારેબાજુ ફરી રહ્યા હતા . તેણે બધુ જોઈ ને મને નજીક બોલાવ્યો , ઇશ્વર સોગન્ધ હુ એટલો ડરી ગયો હતો કે રૂદ્ર નો ઇશારો સમજતા જ ઘણી વાર લગાડી . તેની પાસે પહોંચ્યો એટલે તેણે ધીમા અવાજે કાન મા કહ્યુ .

    “ તુ અહિયા જ ઉભો રહેજે અને તારો ફોન સાઇલેંટ કરી ને સામે જ રાખજે , જેવો મારો ફોન આવે ઉપાડવા મા સહેજ પણ વાર થવી જોઈએ નહી . હુ કઈ બોલીશ નહી પણ તારે ...... “ અને મને એક જગ્યા એ તાર વગર ની જગ્યા બતાવતા કહ્યુ , “ સામે દીવાલ પર તાર ટુટેલો તે જગ્યા દેખાય છે , તેની નીચે થી પહેરેદાર નીકળે ત્યાર બાદ ની બે મીનીટ રાહ જોઈ ને મને આવ એટલુ જ કહેવાનુ છે . “

    “ રૂદ્ર કામ ખુબ અઘરુ છે , તને વિશ્વાસ છે થઈ જશે . દીવાલ તો તુ ટપી જઈશ પણ ત્યાર બાદ ત્યા કેટલા માણસો હશે તે આપણ ને ખબર નથી . વળી દીવાલ થી અંજલી ના રૂમ સુધી નુ અંતર ખુબ વધારે છે . ત્યા સુધી પહોંચતા કોઈ તકલીફ થશે તો ? “

    “ ચીંતા કર મા ત્યા અંધારુ છે એટલે પકડાવવા નો પ્રશ્ન નથી . અંજલી એ મને જણાવ્યુ હતુ કે દીવાલ ની અંદર માણસો નથી હોતા પણ મને લાગે છે ત્યા સુધી કદાચ તે તાર તુટેલો છે ત્યાંજ બીજી તરફ કોઈ માણસ હશે બાકી બહાર આટલો પહેરો છે ત્યા અને અંદર કદાચ મહેલ ની નજીક અજવાળુ છે માટે ત્યા થોડુ ધ્યાન રાખવુ પડશે બાકી નુ તો હુ સંભાળી લઈશ , અંજલી મારી રાહ જોઈ રહી હશે એટલે વધુ ઝોખમ નથી , તારે મારો ફોન આવે અને હુ અને અંજલી દીવાલ પર દેખાઈએ ત્યારે ગાડી દોરી ને અહીયા આવી જવાનુ છે , જો વધુ સમય મારો ફોન ન આવે અને કઈંક ગડબડ થઈ હોય એવુ લાગે એટલે તારે અને ડી એ અહિથી રવાના થઈ જવાનુ છે . “ હુ બોલવા જતો હતો ત્યા મને રોકી ને પહેરેદાર સામુ ધ્યાન રાખીને તેણે કહ્યુ , “ એક વાત હંમેશા યાદ રાખવાની કે રૂદ્ર કઈ કહે એટલે વગર વીચારે એ માની લેવાનુ , “ અને તે મારી સામે સ્મીત આપી ને દીવાલ તરફ આગળ વધ્યો . હુ તેની પીઠ પર મીટ માંડી રહ્યો , મારે તો માત્ર બહાર ઉભુ રહેવાનુ છે છતા મારા પગ કાંપી રહ્યા હતા અને તે સૌથી વધુ ઝોખમ ખેડતો હોવા છતા સ્મીત આપીને જઈ રહ્યો હતો . તે માત્ર મીત્ર માટે તેનુ જીવન દાવ પર લગાવી રહ્યો હતો , જો તે પકડાય તો તેનુ મૃત્યુ નિશ્ચિત હતુ . તે લપાતો છુપતો દીવાલ તરફ વધ્યો , અને તાર હતા ત્યાંથી જ બીલાડી ની જેમ દીવાલ પર ચડી ગયો . તાર ઉપર થી નીકળવા મા તેને થોડો સમય લાગ્યો .

મને સમ્જાયુ નહી કે તે તાર વીનાની દીવાલ ચડવુ સરળ થવાનુ . પણ વીચાર કરવાનો સમય ન હતો . બહાર મને એક એક સેકંડ યુગ સમાન લાગી રહી હતી , હુ ફોન સામે જ તાકી રહ્યો હતો . હૃદય મા ફફડાટ હતો , ધબકારા અસમાન્ય રીતે વધી ગયા હતા . સ્વાસ લેવામા પણ ઘણી મહેનત થઈ રહી હતી . ઘણા સમય પછી મારો ફોન ઝબક્યો અને મારા મા થોડી હિંમત આવી , કે પહેલુ ચરણ તો રૂદ્ર એ હેમખેમ પસાર કર્યુ મે ફોન ઉપાડ્યો અને એ જગ્યા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ ત્યાંથી પહેરેદાર પસાર થયો થોડી વાર બાદ મે કહ્યુ “ ચાલો “ . અંજલી જેવુ દીવાલ પર ચડ્યુ હોય તેવુ લાગ્યુ અને હુ ગાડી લઈ ને તે તરફ આગળ વધ્યો .

રૂદ્ર અને અંજલી સલામત રીતે પહોંચ્યા , રૂદ્ર ને થોડી ઈજાઓ થઈ હતી પણ બધુ સરસ રીતે પાર પડ્યુ હોય તેમ જણાયુ . રૂદ્ર એ કલોરોફોર્મ વાળુ કપડુ તૈયાર કર્યુ અને અંજલી ના ગાલ પર ઘસી ને ત્યા ફેંક્યુ . અંજલી એ ચીસ પાડી અને અમે બન્ને ઝાડ તરફ ભાગ્યા . રૂદ્ર એ ગાડી ભગાવી , ત્યા જ મહેલ મા કોલાહલ શરુ થયો અને બે મોટર સાઈકલ તો તરત જ ઉપડ્યા હતા અને થોડી વાર પછી રૂદ્ર ની પાછળ ત્રીસ થી ચાલીસ મોટર કાર તથા જીપ ભરી ને હથીયારધારી માણસો પાછળ પડ્યા . હુ હેબતાઇ ગયો , રૂદ્ર તેમને આરામ થી પાછળ છોડી શકે તેમ હતો પણ તેણે તેમને ત્રણેક કલાક સાથે જ રાખવાના હતા . તેણે પાછળ પડેલા માણસો ને તેની પાછળ ની લાઈટ દેખાય તેટલા અંતરે જ રાખવાના હતા . જો તેઓ વધુ નજીક પહોંચે તો તેમને ખ્યાલ આવી જાય કે આગળ એક જ વ્યક્તી જઈ રહ્યો છે અને તેમને થોડી ગંધ આવે કે તેમની સાથે છેતરપીંડી થઈ છે . અમારે બે કલાક ડી પાસે રાહ જોવાની હતી , કદાચ કોઈ બાકી રહ્યુ હોય તો . માટે રૂદ્ર તેમના થી દુર પણ ન જઈ શકે . હુ ને અંજલી ત્યાંથી બીજા રસ્તે ડી ઉભો હતો ત્યા પહોંચ્યા . ડી અમને જોઈ ને ખુશ થયો તેણે પણ રૂદ્ર ની પાછળ જતી ગાડીઓ જોઈ હશે એટલે તેના ચહેરા પર ભય સ્પષ્ટ કળાઈ રહ્યો હતો . ત્યા બે કલાક રાહ જોઈ ને અમે નીકળ્યા અમે પોતાના માટે ચિંતીત ન હતા કારણ ક રૂદ્ર આગળ થી અલગ રસ્તે બધાને ખેંચી ગયો હતો , એતલે અમારે માટે મેદાન મોકળુ હતુ .

અમે નિર્વીઘ્ને પુજા ના ઘરે પહોંચ્યા , અંજલી ને ત્યાંજ રાખી અમે હોસ્ટેલ પહોંચ્યા , કરણ અમને જોઈ ને ઘણો ખુશ થયો . સવાર ના સાત થયા હશે , અમે કરણ ને બનેલી ઘટના કહી સંભળાવી . હવે અમે છાઝલી મા જઈ ને બેઠા ત્યાંથી હોસ્ટેલ નુ મુખ્ય દ્વાર દેખાતુ હતુ , અમારી આંખો રૂદ્ર ને જોવા તરસી રહી હતી . બપોર ના બાર થવા આવ્યા છતા તેનુ કોઈ નામનિશાન ન હતુ , તેની પાછળ ઘણા માણસો પડ્યા હતા માટે મનમા ઘણા વીચારો ઘુમરી રહ્યા હતા . મે તેને ફોન કરવા વિચાર્યુ પણ રૂદ્ર એ ચોખ્ખી ના પાડી હતી કે સાંજ ના છ વાગ્યા સુધી રાહ જોવી , ફોન કરવો નહી . કરણ અને ડી ની ચિંતા વધી રહી હતી પણ  મને રૂદ્ર મા શ્રધ્ધા હતી , અને મારી શ્રધ્ધા સાચી ઠરી રૂદ્ર દરવાજામાંથી આવતો દેખાયો .

અમારા હર્ષ ની કોઈ સીમા ન હતી . જેવો રૂદ્ર રૂમ મા આવ્યો અમે તેને ભેંટી પડ્યા . જાણે યુદ્ધ મા શત્રુસૈન્ય ની ખુવારી સર્જી ને મહારથી છાવણી મા પરત ફર્યો હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો . તે દીવસે જે અહેસાસ થયો તે હજુ સુધી ક્યારેય થયો નથી . અશક્ય સમાન કાર્ય અમે પાર પાડ્યુ હતુ .  ઘણા સમય સુધી વીજયનો નશો અમારા માથા મા ઘુમરાતો રહ્યો . છેવટે હુ મારી જીજ્ઞાસા ને રોકી શક્યો નહી , રૂદ્ર ની ચીંતા હતી માટે હુ અંજલી ને પુછી શક્યો નહી . હવે શાંતિ થતા ઘણા પ્રશ્નો ફુટી રહ્યા હતા .

“ તારી પાછળ નીકળેલી ગાડીઓ જોઈને તો મારા હૃદય ના પાટીયા બેસી ગયા હતા . અત્યાર સુધી તારી ચીંતા સતાવી રહી હતી . હવે શાંતિ થઈ તે કઈ રીતે એ લોકો ને પાછળ છોડ્યા ? “

“ તારી એ હાલત હતી તો વિચાર મારુ શુ થયુ હશે ? મને એમ હતુ કે થોડા ઘણા લોકો મારી પાછળ આવશે પણ બાડ્યા નુ અડધુ ગામ મારી પાછળ પડ્યુ હતુ . તકલીફ એ હતી કે મારે તેમના થી વધુ આગળ પણ ન’તુ નીકળવાનુ . બે કલાક તેઓ મને દૂર જોઈ શકે તે રીતે ચાલ્યો , પછી તેમના થી ખુબ આગળ નીકળી ને એક ઝાડી પાછળ કપડા બદલ્યા અને તેમની સામેથી જ ખુબ શાંતિ થી નીકળ્યો . તેઓ ને હુ એકલો હોવાથી શંકા થઈ નહી . પણ તેમના થી દૂર જઈ ને હુ થોડી વાર બેસી રહ્યો . બધા પાસે કોઈ ને કોઈ હથીયાર હતુ . તેમને જો થોડી પણ શંકા થઈ હોત તો તેમણે મારુ ત્યાંજ કાસળ કાઢી નાખે . કદાચ મારે નહી પણ મને કેદ કરીને અંજલી ની ખબર મેળવવા અત્યાચાર કરી શકે એવા વીચારો મા બીક નો માર્યો કેટલુ ત્યા બેઠો તે પણ યાદ નથી પણ હવે શાંતી છે . “  

“ તને ડર લાગ્યો ? રૂદ્ર એ તો કહ્યુ કે તુ અંજલી ના ઘરે ગયો ત્યારે પણ શાંત હતો . તો પછી અંત મા તને ડર લાગ્યો ? આ વાત માનવામા નથી આવતી . “ ડી એ આશ્ચર્ય સાથે પુછ્યુ .

“ કેમ મને ડર ન લાગે , ત્યા તો સૌમ્ય એટલો ડરેલો હતો કે હુ તેને વધુ ડરાવવા માંગતો ન હતો , ત્યા ડર માટે અવકાશ ન હતો અન્યથા આ કાર્ય શક્ય ન બને . ત્યારે પણ બીક તો હતી જ પણ એ સમય ડરવાનો ન હતો . સો એક માણસો તારી પાછળ હથીયાર લઈ ને પડ્યા હોય તો તને ખબર પડે ? આખો ધ્રુજતો હતો . અહિયા સુધી ગાડી કેમ પહોંચી તે મારુ મન જાણે છે “ અમારા ત્રણેય ના હાસ્ય થી રૂમ ગુંજી ઉઠ્યો , “ હા ! મજાક ઉડાવો ! મારી જગ્યા એ તમે કોઈ હોત તો તમને તો ઝાડા થઈ ગયા હોત . તમારે તો કોઈ તકલીફ થઈ હોય એવુ લાગતુ નથી . અંજલી ને પુજા ના ઘરે છોડી આવ્યા ? “

“ હા ! અમારો રસ્તો તો તે ખુબ સરળ બનાવ્યો હતો . અમે પહોંચ્યા ત્યા સુધી તેમણે કદાચ ફરીયાદ કરી હશે નહી માટે કોઈ જગ્યા એ તપાસ પણ થઈ નહી અને તેમનુ ધ્યાન ભટકાવવા થી ઘણો ફાયદો થયો અન્યથા કદાચ ઝડપાવાની શક્યતા નકારી શકાય નહી . તે અંજલી ના રૂમ મા અપહરણ ની સ્થીતી બનાવી છે ? “ ડી તેના આયોજન ની સાર્થક્તા માટે પુછી રહ્યો હતો .

“ હા તેના રૂમ મા બારીનો કાચ કટર થી કાપીને બારી ખોલી છે .  અંજલી ની આંગળી મા થોડો ચીરો પાડીને લોહી ના થોડા છાંટા પણ ઓશિકા પર લગાવ્યા છે . ત્યા અને બહાર આવીને પણ ક્લોરોફોર્મ વાળુ કપડુ ફેંક્યુ છે .  “

“ ત્યા દિવાલ પાર કર્યા પછી શુ બન્યુ ? અને તુ એ તાર વગર ની જગ્યા છોડી ને તાર ઠેકી ને શા માટે અંદર ઘુસ્યો ? ત્યા તને થોડી ઇઝા થઈ હોય તેવુ લાગ્યુ .  “ હુ એ ક્ષણેક્ષણ વીશે જાણવા માંગતો હતો કે જ્યારે બહાર મારા હૃદય ના ધબકાર વધ્યા હતા .

“ મને એમ હતુ કે કદાચ તાર તુટ્યો છે એટલે તે લોકો એ ત્યા એક માણસ ચોક્કસ ગોઠવ્યો હશે પણ તેવુ હતુ નહી .  એ તાર ચડવા મા ઘણા ચીરા પડ્યા . દીવાલ ની પાર તો કોઈ હતુ જ નહી . આપણે પાછળ ની બાજુ એ હતા એટલે ત્યા કોઈ ન હતુ આગળ ઘણા માણસો હોય તેવુ લાગ્યુ . એટલે જ તેઓ ચીસ પાડી ત્યારે ઝડપથી મારી પાછળ નીકળ્યા હશે . ત્યાંથી અંજલી ના રૂમમા જઈ ત્યા કહ્યુ તેમ ગોઠવી ને અંજલી ને નીચે ઉતારી , પાછા ફરતા અંજલી ના પગ ઘસડાય તે રીતે છેક સુધી ઉપાડી લાવ્યો . કોઈ જગ્યાએ મારી કોઈ છાપ રહી નથી , બસ ચિંતા એક જ છે કે એ કાંટાળા તાર પર મારુ લોહી રહી ગયુ છે કદાચ તેનાથી થોડી ચિંતા થઈ શકે તેમ છે , જો કે મારા માનવા મુજબ તેનાથી વધુ સમસ્યા નહી થાય .“ રૂદ્ર ના ચહેરા પર હાશકારો સ્પષ્ટ જોઈ શકાય તેમ હતો .

“ બસ હવે આપણુ કાર્ય પુરૂ થયુ , કરણ અંજલી તારી છે હવે તમને બન્ને ને એક થતા કોઈ રોકી શકશે નહી . “ કરણ ડી ને ભેટી પડ્યો , અમે બન્ને એ પણ કરણ તથા ડી ને ઝકડી લીધા . કરણ અંજલી ને હજુ મળ્યો ન હતો . અને હજુ મળવાનો પણ ન હતો . જ્યા સુધી બધુ શાંત ન થાય ત્યા સુધી કરણ ને અંજલી પાસે પહોંચાડવાનુ ઝોખમ લેવા ડી તૈયાર ન હતો . તેનુ માનવુ હતુ કે કદાચ કરણ પર પણ જાસુસી થઈ શકે . છતા હવે કરણ નુ હૃદય શાંત થયુ હતુ . રુદ્ર એ કહ્યુ કે હજુ એક કામ બાકી છે અને ડી ને કહ્યુ કે પ્રીયા ને ફોન કરી તેના પિતા સાથે અંજલી ના ઘરે બોલાવે .

હુ , ડી અને રૂદ્ર થોડી વાર પછી પુજા ના ઘરે પહોંચ્યા . પ્રીયા તેના પિતા ને લઈ ને આવી રહી હતી . મે પુજા સાથે થોડી ચર્ચા કરી તેના પરીવાર ને કોઈ તકલીફ જણાઈ નહી . પ્રીયા આવી એટલે રૂદ્ર એ પ્રીયા ના પિતા સાથે વિસ્તાર થી અમારી વાત કરી . અને તેમને દરેક પરિસ્થીતી સમજાવી . કેવા સંજોગો મા તેમણે આ રસ્તો અપનાવવો પડ્યો ? તેમને ત્યા બનેલ દરેક ઘટના રૂદ્ર એ કહી સંભળાવી . સાહેબ આશ્ચર્ય સાથે તેને સાંભળી રહ્યા . અને પછી કહ્યુ , “ તમે મારી પાસે શી મદદ ની આશા રાખો છો ? “    

રૂદ્ર એ તેમને જણાવ્યુ કે પ્રથમ તો ત્યાની સ્થિતી જાણવી જોઈએ . સાહેબે ફોન કરીને પુછ્યુ એટલે જાણવા મળ્યુ કે તે લોકો ને એમ જ લાગ્યુ છે કે અંજલી નુ અપહરણ કરવામા આવ્યુ છે , અને અપહરણ કર્તા એ કોઈ પ્રમાણ રહેવા દીધા નથી . સાહેબે સ્થીતી અમને સમજાવતા કહ્યુ , “ તમારા જેવા બાળકો આવુ કામ કરો છો એ આશ્ચર્ય ની વાત છે . પરંતુ તમારે આવા રસ્તે આગળ વધવાના બદલે પ્રેમ થી માતાપિતા ને સમજાવવા જોઈએ “

“ અમે જાણીએ છીએ કે અમે ખોટુ જ કર્યુ છે , પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો . એ તમે પણ જાણો છો , એ ગામ ની સ્થિતી થી તમે વાકેફ હશો . અમારે બસ તમારી થોડી મદદ ની જરુર છે “ અમારા બધા વચ્ચે રૂદ્ર જ વાતચીત કરે તે સ્વાભાવીક હતુ .  

“ મને ખ્યાલ છે , તમે ઇચ્છો છો કે અપહરણ નો કેસ દાખલ થાય . કેસ પણ દાખલ કરવો છે અને પકડાવુ પણ નથી , ખરુ ને “ રૂદ્ર એ હા મા માથુ ધુણાવ્યુ એટલે તેઓ આગળ વધ્યા , “ ચિંતા કરશો નહી . ત્યા કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ નહી આવે કે તમે આ કાર્ય કર્યુ છે અને કદાચ ખબર પડશે તો હુ  એમને તમારા સુધી પહોંચતા અટકાવીશ . ભલે તમારો માર્ગ ખોટો હતો પણ તમારી નિયત સાચી હતી . તમારી મીત્ર માટે કઈપણ કરી છુટવાની ભાવના સરાહનીય છે . માટે હુ તમને મદદ કરી રહ્યો છુ અને હવે પછી ક્યારેય આવો વિચાર મગજ મા આવે તો સીધા મારી પાસે આવજો . હુ તમારી મદદ કરવા તૈયાર હોઈશ પણ પહેલા આવશો તો હવે આ રીતે બધુ પુર્ણ કરીને મદદ માંગવા માટે આવ્યા તો સીધા જ જેલમા નાંખીશ  . “ તેઓ ની મદદ મળતા અમે ચિંતા થી સંપુર્ણ મુક્ત થયા .

જતા જતા તેમણે પુછ્યુ , “ તમારૂ આયોજન ખુબ સરસ હતુ , સાચેજ તમને પકડતા ઘણો સમય લાગે તેમ છે . આટલુ જીણવટપુર્વક આયોજન કોણે કર્યુ ? “ અમારી નજર ડી તરફ ગઈ , “ તો હવે મારે પણ ધ્યાન રાખવુ પડશે ? “ તેમણે વાતાવરણ હળવુ બનાવવા પ્રયાસ કર્યો .

“ તમે બધા એ સાથે મળી ને અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યુ , એ માટે બધા અબીનંદન ને પાત્ર છો . તમે એક પ્રેમી યુગલ ને મેળવી બતાવ્યુ , તેનાથી ઉત્તમ બીજુ શુ હોઈ શકે ? ડી એ ખુબ વિસ્વસનીય યોજના બનાવી , અને રૂદ્ર એ તેની દરેક વાત ને કાર્ય થી સીદ્ધ કરી , પણ મને એ નથી સમજાતુ કે તમે ત્યા બેસી ને માંખો મારવા સીવાય બીજુ શુ કર્યુ ? “ કાવ્યા એ સૌમ્યને ચીડવતા કહ્યુ .

“તને શુ ખબર હોય અપહરણ કરવા મા કેટલુ જોખમ રહેલુ છે ? ક્યારેક કોઈ નુ અપહરણ કર્યુ હોય તો ખ્યાલ આવે કે કેટલી મહેનત કરવી પડે છે . કેટલો ભય લાગે છે , ત્યા વીતાવેલી એક એક ક્ષણ ભુલતા દીવસો લાગ્યા હતા , એટલો ડર મે જીવન મા ક્યારેય અનુભવ્યો નથી . “

“ તો તમારુ અપહરણ કરીને જોઉ કે કેટલી મહેનત કરવી પડે છે . કેટલો ડર લાગે છે અને વળી મારે તો ફાયદો છે કે સફળતા ન મળે તો તમે ક્યા ભાગી જવાના છો . કદાચ તમે પકડાયા હોત તો શુ થાય ? “

“ તો આજે તારી સામે બેસી ને વાતો કરતો ન હોત . તેમણે મારી ને કોઈ જગ્યા એ ફેંકી દીધો હોય “

“ તો તમે મારા માટે સહીસલામત છો એમ ને ? “ કાવ્યા અને સૌમ્ય એકબીજા ની આંખો નુઉંડાણ માપી રહ્યા . સૌમ્ય ના ચહેરા પર નિર્દોષ પ્રેમ સ્પષ્ટ કળાઈ રહ્યો હતો . કાવ્યા એ સૌમ્ય ને પોતાની તરફ ખેંચી લીધો હતો .

કઇપણ કરી લે તુ મારી જ છે ,

નખરા કરી લે તુ મારી જ છે ,

રોકશે મને કોઈ તને પામવા ,

બધાને કહી દઈશ તુ મારી છે ,

તુ ભલે ઇચ્છે કે ના ઇચ્છે ,

ઓગાળી દઈશ તને તુ મારી જ છે .

ચાહે આવે અડચણો અનેક ,

તે પણ જાણશે કે તુ મારી છે .