Safarma madel humsafar - 34 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર - 34

સફરમાં મળેલ હમસફર
ભાગ-34
લેખક-મેર મેહુલ
     શુભમ પોતાની દાસ્તાન સંભળાવે છે.જ્યોતિ અને શુભમ કેવી રીતે મળ્યા અને ત્યારબાદ તેઓ સાથે કેવી ઘટના બની એ વાત સાંભળી રુદ્ર પણ ચકિત રહી જાય છે.ત્યારબાદ રુદ્ર જ્યોતિના લગ્ન થતાં અટકાવશે એવી બાંહેધરી આપે છે.હવે આગળ…
:: પછીના દિવસની સવાર ::
      રુદ્ર અને શુભમ ભોળાનાથના મંદિરના ઓટલા પર આવીને બેઠાં હતાં.શિયાળાની ગુલાબી સવારમાં સૂરજના કુણા કિરણો બંનેના ચહેરા પર પડતાં હતા.જેના કારણે બંનેના ચહેરા પર તેજ વધ્યું હતું.રુદ્ર એના ગહન વિચારોમાં ખોવાયેલો મંદિરની બાજુમાં રહેલી દીવાલ પર નજર નાખીને બેઠો હતો.આ એ જ દીવાલ હતી જ્યાં બે દિવસ પહેલાં રાત્રે બે વ્યક્તિ ઓથાર લઈને ઉભા હતા.
      શુભમ થોડી ચિંતાગ્રસ્ત થોડો વ્યાકુળ અને વધુ બેચેન જણતો હતો.છેલ્લી પાંચ મિનિટની તેની હરકતો પરથી એવું અનુમાન લગાવી શકાય કે શુભમ માનસિક રીતે નાદુરસ્ત હશે.એ પોતાના દાંત વડે હાથના નખ ચાવતો હતો,ક્યારેક પગના અંગુઠા સાથે હાથચાળા કરતો હતો.ક્યારેક વાળમાં હાથ ફેરવી રુદ્ર સામે નજર કરતો તો ક્યારેક આંખો બંધ કરો ઊંડા શ્વાસ ભરી છોડતો હતો.
      આવું થવા પાછળ એક કારણ હતું.ત્રણ દિવસ પછી જ્યોતિના લગ્ન હતા અને અત્યાર સુધી કોઈ એવી ઘટના નહોતી બની જે શુભમના પક્ષમાં હોય અથવા જ્યોતિના લગ્નમાં અવરોધ આવે એવી કોઈ બાબત સામે નોહતી આવી.લટકાવેલા ચહેરે શુભમ રુદ્ર પાસે પોતાનાં સવાલોના જવાબ માંગી રહ્યો હતો.
“તે કહ્યું હતું કે જ્યોતિના લગ્ન થતાં આપણે અટકાવીશું.આજે તૈયારી શરૂ થઈ ગઈ છે, કાલે સવારે મંડપ રોપાઇ જશે.પછીના દિવસે એ પરણીને જતી રહેશે અને હું તેરેનામના સલમાનની જેમ તેને જોતો રહીશ.પછી પાગલ થઈ જઈશ”શુભમે મોં મચકોડીને ખભો ઉછાળ્યો.
       રુદ્રએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.એ હજી વિચારમગ્ન અવસ્થામાં મૂર્તિ બનીને બેઠો હતો.તેનું મગજ અનેક માર્ગો પર ચાલી રહ્યું હતું.સાથે અનેક લાગણીઓ વચ્ચે તેનું મગજ ફસાયેલું પણ હતું.
‘મેં શુભમને બાંહેધરી તો આપી છે કે જ્યોતિના લગ્ન થતાં હું અટકાવીશ પણ હું કેવી રીતે કરીશ એ તો નક્કી નથી કર્યું.માત્ર એક-બે વાર જોયેલાં દ્રશ્યો પરથી હું શું સાબિત કરીશ? એ વાતનું મારી પાસે કોઈ પ્રૂફ પણ નથી કે મેં એ દ્રશ્યો જોયેલાં છે. કેટલાં ભયંકર દ્રશ્યો હતાં એ.દિલ ધડકવાનું બંધ કરી શકે છે, સારું છે કે મેં પહેલેથી આવી વાતોનો અંદેશો લગાવી દીધો હતો નહીંતર મારા માટે આ બધું અસહ્ય જ બની રહેત.’ 
       આટલું વિચારતા સમયે રુદ્રના મગજ પર પણ અસહ્ય ભારનો અનુભવ થતો હતો.પણ રુદ્ર કુદરતી રીતે સ્વસ્થ હતો.રુદ્ર એવા પરિવારમાં ઉછર્યો આવતો હતો જેમાં ભરતભાઇ જેવાં સમજુ અને યોગ્ય સમયે સુજબૂજથી નિર્ણય લઈ શકે એવા દાદા હતા.જ્યારે સાહસિક વિચારો અને કંઈક કરીને દેખાડવાની ખુમારી સાથે બાહોશ અને નીડર પણે નિર્ણય લઈ શકે એવા પિતા હતા.એવું કહેવું ખોટું નથી કે રુદ્ર આ બંને વ્યક્તિના વિચારોનું જ એક પરિણામ છે.
“તું મારી વાત સાંભળે છે રુદ્ર??”રુદ્રને ઢંઢોળી શુભમે રુદ્રને વિચારોમાંથી બહાર ખેંચ્યો.
“મારે એક નાઈટ વિઝન કેમેરો જોઈએ છે,લૉ ફિક્વન્સી કૅચ-અપ કરી શકે એવો”રુદ્રએ કહ્યું.
“શું..?,કેમેરો..? આપણે અહીં જ્યોતિના લગ્ન થતાં અટકાવવાના પ્રયાસ કરવાના છે.ત્યારે તું નાઈટ વિઝન કેમેરો શા માટે માંગે છે?”શુભમ થોડો ખિજાયો.
“જ્યોતિની સુહાગરાતના દિવસે મારે એ કેમેરો તેના રૂમમાં લગાવવો છે,એ પછી હું મોંઘા ભાવે વેચીશ અને જે રૂપિયા આવશે તેમાંથી તારી પ્રોબ્લેમ સોલ્વ કરીશું”રુદ્રએ બત્રીસી દેખાડી આંખ મારી.
“મારે આવી રીતે પ્રૉબ્લેમ સોલ્વ નથી કરવી”શુભમ તંગ થયો,“તું આવું કંઈ નહીં કરે અને હું તને આવું કરવા પણ  નહીં દઉં”
“ઓહ,પરિવાર કરતાં પ્રેમને વધુ મહત્વ અપાય છે વાહ!!”રુદ્રએ ગંભીર થતાં ઉદગાર કાઢ્યો.
“અહીં મહત્વની વાત જ નથી આવતી.તું એક બાલિશ હરકત કરવાનું કહે છે.કદાચ તારા અમદાવાદમાં આવી વાતો સામાન્ય હશે પણ અહીં એક છોકરીને-સ્ત્રીને જે દરજ્જો આપવામાં આવ્યો છે એ મને આવી હરકત કરતાં રોકે છે”શુભમે સસ્મિત સાથે કહ્યું.
“હું તો તારી અને જ્યોતિની વાત કરતો હતો”રુદ્ર મૂછમાં હસ્યો,“ખેર તું કહે છે તો હું એ વિચાર માંડી વાળું”
     શુભમ છોભિલો પડ્યો, “તો પણ કોઈનો આવો વીડિયો ઉતારવો યોગ્ય વાત ના કહેવાય”
“હા મારા વ્હાલા,હું પણ સમજુ છું.મારે કેમેરો બીજા ઉપયોગ માટે જોઈએ છે. અને તું એ વાતથી નિશ્ચિત રહેજે કે હું જે કરું છું એ તને અને જ્યોતિને મેળવવા માટે જ કરું છું”રુદ્રએ શુભમના ખભે હાથ રાખી આશ્વાસન આપ્યું.
“તો પણ તું કેમેરાથી શું કરી શકીશ?”
“કાલે રાત્રે હું સેજુને મળ્યો,જ્યારે તું અને જ્યોતિ છુટા પડ્યા અને એ પુરી ઘટના બની ત્યારે જ્યોતિનું વર્તન નોંધનીય હતું.એ પોતાનાં વર્તન વિરુદ્ધનું વર્તન કરતી હતી.આવું ત્યારે જ થાય જ્યારે પોતાનાં પર બીજું કોઈ હાવિ હોય.બે દિવસ પહેલાંની રાતે આપણે અહીં હતા ત્યારે બે ઘટના બની હતી.અને પુરા ગામમાં એ સનસનીખેજ સમાચાર બની ગયાં છે એ પણ તને ખબર જ હશે.
      જે રીતે મહારાજનો માણસ ગાયબ થયો અને ત્યારબાદ મહારાજનો જે હાલતમાં મૃતદેહ મળી આવ્યો એ બંને ઘટના રહસ્યમય છે.મહારાજના ખાસ માણસો જનક અને સામત એવું કહે છે કે કોઈ અદ્રશ્ય તાકાતે તેઓને માર્યા છે.વાવની વાતો પણ રહસ્યમય છે.મારે આ બધી વાતોનું તારણ કાઢી એ વાત સાબિત કરવી છે કે હકીકતમાં એવું કશું હોતું જ નથી”
“એમાં તારી જાનનું જોખમ છે,તું શા માટે આટલું બધું વિચારે છે?,અમદાવાદથી વેકેશન એન્જોય કરવા આવ્યો છે. એક દોસ્તના નાતે મને મદદ કરી શકતો હોય તો કર.બાકી આવા જમેલામાં પડી શા માટે મુસીબતોને આમંત્રણ આપે છે?”શુભમને રુદ્રની ચિંતા સતાવતી હતી એટલે એ રુદ્રને દૂર રાખવાના બની શકે એટલા મરણીયા પ્રયાસ કરતો હતો.
‘તને હું કેમ સમજાવું દોસ્ત?,દોસ્ત માટે તો આ બધું કરી રહ્યો છું’ રુદ્રને કહેવાનું મન થઇ ગયું પણ તેણે વાત મનમાં રાખીને કહ્યું, “જોખમ ખેડવાથી જ સફળતા મળે છે અને તને ખબર છે મને ગાંડો શોખ છે આ બધો”
“હું તારો સાથ નહી આપું,મને એ બાબતે ડર લાગે છે અને મારી સલાહ માન તો તું પણ રહેવા દે”
“તું કેમેરાનું સેટિંગ કરી આપીશ કે મારે કરવાનું રહેશે?”રુદ્રએ કંટાળીને ગુસ્સેથી થઈને પૂછ્યું.
“સિહોરમાં મેળવો મુશ્કેલ છે.ભાવનગર તાપસ કરીએ તો મળી રહેશે”શુભમ પણ રુદ્રનો મિજાજ સમજી ગયો એટલે સીધો વાત પર આવી ગયો.
“તો આજ બપોર સુધીમાં લઈ આપવાનું કામ તારું, ત્રણ દિવસના જેટલા થાય તેના કરતાં બે ગણા આપવા પડે તો પણ ચિંતા ના કરતો.મારે બસ કેમેરો જોઈએ છે”રુદ્ર હવે હુકમ આપતો હતો.
     શુભમ ચુપચાપ સાંભળતો રહ્યો.રુદ્રએ થોડી સૂચના આપી એટલે શુભમ પોતાનાં કામે લાગી ગયો કેમેરાની તપાસમાં.ત્યારે રુદ્ર પોતાનાં બીજા પ્લાનને અંજામ આપવા વાવ તરફ આગળ વધ્યો.
***
    સાંજ ઢળી ગઈ હતી.સૌ જમી પરવારી બેઠાં હતાં. જે.ડી. અને સંદીપ લગ્નની તૈયારીમાં હતા એટલે રુદ્રને ઓછો સમય આપી શક્યા હતા.અને આમ પણ રુદ્ર અને શુભમ સારા દોસ્ત છે એ વાતથી બંને વાકેફ હતા એટલે રુદ્રની ચિંતા તેઓને નોહતી.સંદીપ અને જે.ડી.ભાવનગરથી શેરવાની ખરીદી લાવ્યા હતા.બધાના આશ્ચર્ય વચ્ચે રુદ્ર સાથે શુભમ માટે પણ શેરવાની ખરીદવામાં આવી હતી.શુભમ કોઈ દિવસ હવેલી આવતો નહિ તો પણ તેના માટે શેરવાની ખરીદવામાં આવી એ વાત ખરેખર વિચારવા જેવી હતી.બધા બાળકો ફળિયામાં બેઠાં બેઠાં મસ્તી કરતાં હતાં.સેજુ અને રુદ્ર પણ આ માહોલ ઍન્જોય કરતાં હતાં.વડીલ કહી શકાય એવા તળશીભાઈ બાળકો સાથે બેઠાં હતાં.બાકીના વ્યક્તિ લગ્નની તૈયારીમાં જૂટ્યા હતા.
“તો દાદા કેવી લાગી શેરવાની?”સંદીપે પૂછ્યું.
“અરે ભાઈ મસ્ત છે.મારી એકાદ નણંદ તો ફિદા થઈ જ જશે”ખુશ દેખાતી રીંકલે વચ્ચે ટપકું મૂક્યું.
“અરે તમે તો હીરો લાગશો”મોટી બેન કાજલે પણ તેમાં સુરો પૂર્યો.
“અને હું બેન?,તમે મને તો ભૂલી જ જાઓ છો,હવે હું પણ આ ઘરનો સભ્ય છું”સેજુ તરફ આંખ મારી રુદ્રએ કાજલને કહ્યું.
“તું તો પહેલેથી જ હીરો લાગે છે”કાજલે રુદ્રના વખાણ કર્યા એટલે સેજુની આંખો મોટી થઈને ઝૂકી ગઈ.
“હા અમે તો ગામડામાં મોટાં થયાને એટલે ડ્રેસ સેન્સ ના હોય બેન”કટાક્ષ કરતાં સંદીપે કહ્યું.બધા વચ્ચે જે.ડી. અને જ્યોતિ ચુપચાપ વાતો સાંભળી રહ્યા હતા.તળશીભાઈ બધા બાળકો વચ્ચે થતાં મીઠાં ઝઘડાને માણી રહ્યા હતા.
“જે.ડી.મારો મોબાઈલ રૂમમાં રહી ગયો છે,લઈ આવને પ્લીઝ.મમ્મીનો કૉલ આવશે અને રિસીવ નહિ થાય તો ચિંતા કરશે.”રુદ્રએ જે.ડી.ને કહ્યું.
    જે.ડી. ઉભો થઇ મોબાઈલ લેવા ગયો.રુદ્રએ છુપી રીતે સેજુને ઈશારો કરી દીધો.
“હું આવું બે મિનિટમાં”કહી સેજુ તેના રૂમ તરફ ચાલી.જે.ડી. મોબાઈલ લઈ આવ્યો એટલે ‘મમ્મી સાથે વાત કરી લઉં’ એમ કહી રુદ્ર બધાથી દૂર કાર પાર્ક કરી હતી એ તરફ ચાલ્યો ગયો.સંદીપને પણ તેની ગર્લફ્રેન્ડનો કૉલ આવ્યો એટલે દોસ્તના ફોનનું બહાનું બનાવી પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.
       જે.ડી.એ આજુબાજુ નજર કરી.થોડીવાર બેઠાં પછી તેને પણ કંટાળો આવવા લાગ્યો.બધાને શુભરાત્રી કહી એ પણ પોતાનાં રૂમમાં જઈ વાતોએ ચડી ગયો.થોડીવાર પછી રુદ્ર આવ્યો.ત્રણ બહેનો અને દાદા બેઠાં હતાં.
“બધા ચાલ્યા ગયા?”રુદ્રએ પૂછ્યું.
“કાલે સવારે વહેલાં ઉઠવાનું છે ને,જે.ડી. અને સંદીપ ભાવનગર જવાના છે એટલે તેઓ સુઈ ગયા.”કાજલે કહ્યું.
“સારું ચાલો તમે બહેનો પણ આરામ કરો અને હું પણ આરમ કરું છું”રુદ્રએ કહ્યું, “ચાલો શુભરાત્રી”
     બધા વચ્ચે શુભરાત્રીની આપ-લે થઈ.રુદ્ર પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.થોડીવાર પછી ત્રણેય બહેનો પણ પોતાનાં રૂમમાં ચાલી ગઈ.
     વધ્યા હતા માત્ર તળશીભાઈ.તેઓએ બધા સુવા જાય તેની રાહ જોઇને જ બેઠા હતા.બધા આપોઆપ ચાલ્યા ગયા એટલે તેનો રસ્તો મોકળો થઈ ગયો હતો.હંમેશાની જેમ ચોરીચુપે તળશીભાઈ દરવાજા બહાર નીકળી ગયા.
                          ***
    તળશીભાઈને બહાર જતાં જોઈ રુદ્રએ સેજુને મૅસેજ કર્યો.સેજુએ જ્યોતિને મૅસેજ કર્યો.જેવો સેજુનો મૅસેજ આવ્યો એટલે જ્યોતિએ નાટક શરૂ કર્યું.
“હું સેજુ પાસે થતી આવું,મેં અમદાવાદથી તેની પાસે વસ્તુ મંગાવી હતી.લેતાં ભૂલી ગઈ છું”આટલું કહી જ્યોતિ સેજુના રૂમમાં આવી.
      અહીં રુદ્રએ શુભમને કૉલ કરી આવી જવા કહ્યું.રુદ્રએ જ્યોતિ અને શુભમને મેળવવાનો પ્લાન બનાવ્યો હતો.સેજુ અને જ્યોતિ દબેપાવ અગાસી પર જતી રહી.શુભમ પણ સમયસર હવેલીની પાછળ આવી ગયો.ત્યાંથી પહેલા બારીના સજા પરથી પહેલાં માળે ચડી શકાય એવું હતું.આ બધું રુદ્રના નિરીક્ષણને આભારી હતું કે શુભમ પહેલે માળે ચડી શક્યો.શુભમ ચડ્યો એટલે રુદ્ર તેની સામે ઉભો હતો.બંને અગાસી પર ગયા જ્યાં પહેલેથી જ્યોતિ અને સેજુ હાજર હતા.
       રુદ્રએ પહેલેથી સેજુને કહી દીધું હતું હતું કે જ્યારે એ મૅસેજ કરે ત્યારે જ્યોતિને અગાસી પર લઈ આવે.જ્યોતિ માટે તો આ એક સુનેહરો મોકો હતો.પોતાની સાથે શું થયું એ જણાવવાનો.એ શા માટે ના કહે?
      શુભમ-રુદ્ર અને જ્યોતિ-સેજુ ચારેય સામસામે ઉભા હતા.
“મને લાગે છે આપણે બંનેએ હવે નીચે જવું જોઈએ”રુદ્રએ સેજુને સંબોધીને કહ્યું.
“હું એ જ કહેવાની હતી”રુદ્રનો હાથ ઝાલી સેજુ ચાલવા લાગી.
“રુદ્ર…”જ્યોતિએ રુદ્રને રોક્યો.રુદ્ર પાછળ ઘૂમ્યો.
“થેંક્યું”જ્યોતિએ સ્મિત સાથે કહ્યું.
“તું બ્લ્યૂ ડ્રેસમાં ખરેખર સુંદર દેખાય છે”એ જ સ્મિત સાથે વળતો જવાબ આપી રુદ્ર અને સેજુ નીચે ઉતરવા લાગ્યા.
“મને તો કોઈ દિવસ આવી કોમ્પ્લીમેન્ટ ના મળી”રુદ્રના ખભે ચીમટો ભરી સેજુએ મસ્તીમાં નારાજગી વ્યક્ત કરી એ શુભમ અને જ્યોતિ સાંભળી શકતાં હતા.
     બંને નીચે ગયાં એટલે શુભમ અને જ્યોતિની નજર એક થઇ.બંનેની પરિસ્થિતિ હાલ સરખી હતી.ક્યાંથી વાત શરૂ કરવી એ મોટો પ્રશ્ન બની ગયો હતો.
“તું બ્લ્યુ ડ્રેસમાં ખરેખર સુંદર લાગે છે,પહેલાં જેવી જ”ધીમેથી શુભમે કહ્યું.
“હું પહેલેથી જ સુંદર છું”નજર બાજુમાં ઘુમાવતા હસી છુપાવતાં જ્યોતિએ કહ્યું.
“એટલે તો મને પસંદ આવી હતી”શુભમે ધીરગંભીર થઈ કહ્યું.
“અચ્છા??”જ્યોતિએ બંને હાથ કમર પર રાખી ભવા ચડાવ્યા, “હું સુંદર હતી એટલે જ પસંદ આવી હતી? તું તો કહેતો હતો તારો સ્વભાવ આમ છે,તારી આકાંક્ષાઓ તેમ છે,તું બધા કરતાં જુદી છે એટલે પસંદ આવી”વાત પૂરી કરી જ્યોતિએ હવામાં હાથ ઉછાળ્યા.
“એટલે એ બધું તો સાચું જ છે,પણ પ્રામાણિકતાથી કહું તો બ્લ્યૂ ડ્રેસ અને તું જ્યારે મળો છો ત્યારે હું સાન-ભાન ભૂલીને તને નિહાળવામાં ખોવાઈ જાઉં છું”શુભમે મસ્કો મારી જ્યોતિનો હાથ પકડ્યો.
“બે દિવસ પછી મારા લગ્ન છે શુભમ”હાથ છોડાવતા જ્યોતિએ કહ્યું.
“ત્યાં સુધી તો તું મારી છે ને?”આંખ મારતાં શુભમે ફરી જ્યોતિનો હાથ પકડ્યો.
“હટ…એવું વિચારતો પણ નહીં”જ્યોતિએ ફરી હાથ છોડાવી લીધો.
“તું મારી છે અને તારા લગ્ન મારી સાથે જ થશે.તારા દાદા પણ કંઈ નહીં કહી શકે”શુભમે ખુલાસો કર્યો.
“હું પણ એવું જ ઈચ્છું છું,પણ હવે એ શક્ય નથી”
“તું વિશ્વાસ રાખને મારા પર અને હાલ”શુભમે જ્યોતિને ખેંચીને ગળે લગાવી લીધી, “જરૂર છે મારે,તો હગ કરવા દે”
“શુભલા”જ્યોતિએ પણ શુભમને જકડી લીધો.થોડીવાર પછી બંને અળગા થયાં. પાળી નજીક આવીને પાળીને ટેકો આપી બંને બેઠાં.
“શું થયું હતું તને ત્યારે?,એ પછી કોઈ સમાચાર પણ નથી મળ્યા તારા.તારા ભાઈઓ કહેતાં કે કૉલેજ નથી કરવા દીધી તને.આઈ એમ સૉરી”અપરાધ ભાવના સાથે શુભમે જ્યોતિના હાથ સાથે રમત કરતાં માફી માંગી.
“તું શા માટે સૉરી કહે છે? તારી ભૂલ હતી જ નહીં..ભૂલ તો…”જ્યોતિએ શરૂઆતથી બનેલી ઘટના શુભમને કહી.જેમ જેમ વાત આગળ વધતી જતી હતી તેમ તેમ શુભમની આંખો મોટી થતી જતી હતી.રુદ્ર બપોરે શા માટે કેમેરો મંગાવતો હતો એ વાત પણ શુભમને હવે સમજાય ગઈ હતી.એક બાજુ એ જ્યોતિને મળી ખુશ હતો તો બીજી બાજુ પોતાની સાથે ખોટું થયું હોવાથી પોતાની જાતને કોસતો હતો.જો બે વર્ષ પહેલાં થોડી તકેદારી રાખી હોત અને હિંમત દેખાડી હોત તો આજનો દિવસ જુદો હોત.
(ક્રમશઃ)
     શું થયું હશે જ્યોતિ સાથે?,રુદ્રએ કેમેરો ક્યાં ફિટ કર્યો હશે?,શું રુદ્ર જ્યોતિના લગ્ન થતા અટકાવી શકશે?કચોટીયા ગામમાં જે ઘટના બને છે તેનું રહસ્ય શું હશે?,મહારાજનું ખૂન કોણે કર્યું હશે?,શું તેને સવજીના ભુતે જ માર્યો હશે કે તેની પાછળ બીજું કોઈ રહસ્ય ઉજાગર થશે?
      એક રસપ્રદ અને રોમાંચ ભરેલા અંત તરફ ધસતી નવલકથાનો અંત ચોંકાવનારો હશે.તો આગળ શું થશે એ જાણવા વાંચતા રહો.સફરમાં મળેલ હમસફર.
     મારી અન્ય નૉવેલ મારી પ્રોફાઇલમાં મળી રહેશે.આભાર.
-Mer Mehul