Highway Robbery - 50 - last part books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 50 - છેલ્લો ભાગ

હાઇવે રોબરી 50


વસંતને કોઈએ કોર્ટમાં ના જવા દીધો. કોઈ હાઈપ્રોફાઈલ કેસનો ચુકાદો હતો. બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. બહાર મીડિયાવાળા કવરેજ માટે ગોઠવાઈ ગયા હતા.

વસંતને એક વિચાર આવ્યો. મીડિયા સમક્ષ જ સમર્પણ કરી દઉં તો ? મીડિયાવાળા કોઈ કેસની વિગતો, કારણો, સાક્ષિઓ, સાક્ષિઓના મંતવ્યો, સંભવિત ચુકાદાની શકયતા, લોકોના મંતવ્યો વગેરે આપવામાં વ્યસ્ત હતા. વસંતે વાત કરવાની કોશિશ કરી, પણ એક સાધુ સાથે વાત કરવામાં કોઈને રસ ન હતો.

વિરેન્દ્રના બોસનો ફોન હતો. ટી.આર.પી.માં એમનો પ્રોગ્રામ સૌથી નીચે હતો. બોસ વિરેન્દ્રને ધમકાવતા હતા. વિરેન્દ્રને એ સમજાતું ન હતું કે જ્યાં પબ્લીક કોઈ બીજી ચેનલ તરફ વળી ગઈ હોય ત્યાં એ શું કરે? વસંત એની સામે જઇ ઉભો રહ્યો.

' મારે આપની સાથે ખાસ વાત કરવી છે. '
' મહારાજ, અહીં મારે જ ખૂબ પ્રોબ્લેમ છે. મારી પાસે ટાઈમ નથી. સોરી. '
' ફક્ત બે જ મિનીટ. '
ખૂબ માથાકૂટ પછી વિરેન્દ્રને થયું બે મિનિટ સાંભળવામાં કંઈ નુકસાન નથી.
' બોલો મહારાજ. '
' અઢી વર્ષ પહેલાં એક અગ્રવાલ આંગડિયા પેઢીની વાનની લૂંટ થઈ હતી. એનો એક આરોપી હું છું. અને આપની ચેનલ થ્રુ હું આત્મસમર્પણ કરવા માગું છું. '

વિરેન્દ્રના હાથમાંની સિગારેટ નીચે પડી ગઈ. એક પળ એને કંઈ સમજ ના પડી. બે મિનિટ એણે વિચાર કર્યો. એને વિચાર આવ્યો કે જો આ ન્યુઝ એ રિલે કરશે તો કદાચ આ ન્યુઝ આપનાર તે પહેલો હશે. પણ આ માણસ ખોટો હશે તો ? એણે વિચાર કર્યો કે જે ન્યુઝ માટે એ આવ્યો છે એને હજુ વાર છે, એ દરમિયાન આ સમાચાર આ સાધુ મહારાજના જોખમે રિલે કરી શકાય.

' મહારાજ, હું તમારા ન્યુઝ રિલે કરું. પણ તમે પછી બીજી કોઈ ચેનલ સાથે વાત નહિ કરો. '
' ચોક્કસ, પણ તમે વચન આપો તમે આનું લાઈવ પ્રસારણ કરશો. '
' પ્રોમિસ.. '

***************************

વિરેન્દ્રએ મ્હો ધોયું, માથું ઓળ્યું અને માઇક હાથમા લીધું...

' વ્હાલા દર્શકો, આજે અમે એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું જેનું કહેવું એમ છે કે એ અઢી વર્ષ પહેલાં થયેલ અગ્રવાલ આંગડિયા પેઢી લૂંટ કેસનો ફરાર આરોપી છે. અને એ ફક્ત અમારી ચેનલ પર વિશ્વાસ મૂકી, અમારી ચેનલ દ્વારા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માંગે છે. તો આવો આપણે તેમને મળીએ.. '
કેમેરો વસંત તરફ ફેરવ્યો.
' મહારાજ આપનું નામ ? '
' વસંત.'
' આપ શું કહેવા માંગો છો?'
વસંતનો ઇન્ટરવ્યૂ રિલે થતો રહ્યો. વસંતે માન્યું હતું કે હીરા આસુતોષે ઉપયોગમાં લીધા હશે, એટલે વસંતે હીરા કે આશુતોષ કે ડાયરીનો ક્યાંય ઉલ્લેખ ના કર્યો.

*****************************

પહેલો અડધો કલાક તો જલ્દી કોઈને ખબર ના પડી. પરંતુ અડધા કલાકમાં મોટા ભાગના ટી.વી.પર આ ચેનલ ચાલતી હતી. રાઠોડ સાહેબ આજે કંઇક રિલેક્સ મૂડમાં હતા. અને રોય સાહેબનો ફોન આવ્યો.
' યસ સર. '
' વોટ આર યુ ડુઇંગ? '
' આઈ હેવ સ્ટડી વન કેસ. '
' રાઠોડ, તમારો મુજરીમ વસંત સેસન્સ કોર્ટની બહાર ટી.વી.પર ઇન્ટરવ્યૂ આપે છે. '
' વોટ ?'
' યસ.. ચેક કરો. એજ છે કે બીજું કોઈ. '
રાઠોડ સાહેબ ટીમ લઈને તરત જ નીકળ્યા. એમને એક જ ચિંતા હતી. આણે હીરા માટે કંઈ બફાટ ના કર્યો હોય તો સારું.

**************************

સેસન્સ કોર્ટની બહાર હંગામો હતો. બીજી ચેનલ વાળા વસંતનો ઇન્ટરવ્યૂ લેવા માંગતા હતા. પરંતુ વસંત કોઈની સાથે વાત કરવા તૈયાર ન હતો.

રાઠોડ સાહેબની ટીમ મુશ્કેલીથી જગ્યા કરી વસંત સુધી પહોંચી. વસંતને બેસવા ચેનલવાળાએ એક ખુરશી આપી હતી. વસંત ખુરશી પર બેસી ચ્હા પીતો હતો.

રાઠોડ સાહેબે મોબાઈલમાં સાચવી રાખેલ વસંતનો ફોટો કાઢ્યો... એ જ.... એ જ છે....

****************************

ક્રાઇમ બ્રાન્ચની ઓફીસમાં વસંત રાઠોડ સાહેબની સામે બેઠો હતો. વસંતે એનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. એમાં ક્યાંય હીરાનો ઉલ્લેખ ન હતો.
રાઠોડ સાહેબે પટેલને કોઈ કામે બહાર મોકલ્યા. એક કોન્સ્ટેબલને ચ્હા લેવા મોકલ્યો. રૂમમાં રાઠોડ સાહેબ અને વસંત બે જ હતા.
' વસંત, ક્યાંય હીરાનો ઉલ્લેખ ના કરતો. '
વસંત આશ્ચર્યથી આ પોલીસ ઓફિસરને જોઈ રહ્યો. રાઠોડ સાહેબ પાસે એમનો જીવ બચાવનાર આશુતોષનો નમ્બર હતો. એમને કાયદાનું કામ કરવાનું હતું પણ એમનામાં માનવતા પણ હતી. રાઠોડ સાહેબે આશુતોષને ફોન લગાવ્યો. ત્યાં સુધીમાં આશુતોષને ટી.વી.ના સમાચાર મળી ગયા હતા.

' હેલો, આશુતોષ. વસંતના સમાચાર મળ્યા?'
' હા.. ક્યાં છે મારો દોસ્ત ? '
' મારી સામે.. લો વાત કરો.. '
રાઠોડ સાહેબે વસંતને ફોન આપ્યો. વસંત કે આશુતોષ પાસે વાત કરવાના શબ્દો ન હતા. અઢળક ફરિયાદો, વ્યથા, દુઃખ, આનન્દના ભાવ હતા. બે પળ બન્ને બાજુ એક સન્નાટો છવાઈ ગયો.
' હેલો. '
બન્ને પક્ષે દુઃખ મિશ્રિત હર્ષના આંસુ વહી રહ્યા હતા.
' હેલો, હું ત્યાં આવું છું.. '
બહાર મીડિયાવાળા સમાચારની સત્યતા માટે ઉતાવળ કરતા હતા. પટેલે મીડિયાવાળાને સમાચાર આપ્યા કે એ વ્યક્તિ સાચું કહે છે. એ ભાગેડુ ગુનેગાર વસંત જ છે. મીડિયા વસંતને મળવા માગતા હતા, પરંતુ વસંત કોઈને મળવા તૈયાર ન હતો....

*****************************
બધા સામે આવીને ઉભા હતા... રાધા, લાલો, આશુતોષ અને વ્હાલી બહેન નંદિની. કેટલો તડપયો હતો એ આમને મળવા. હવે જુદાઇ નહિ.. હવે પ્રશ્યાતાપના અગ્નિમાં તપીને શુધ્ધ થઈ બધાની સામેં પાછો આવીશ. લાગણીઓના બંધનો કેવા હોય છે એ જાણવા માટે વિરહના અગ્નિમાં તપવું પડે. વિરહના અગ્નિમાં તપીને એ આવ્યો હતો. હવે પ્રશ્યાતાપના અગ્નિમાં શુધ્ધ થઈને આવશે...

***************************
નિરવે સારામાં સારા વકીલ રોક્યા હતા. વસંત પર ખૂનનો કોઈ આરોપ ન હતો. ફક્ત લૂંટનો આરોપ હતો. વળી એણે સામેથી સરેન્ડર કર્યું હતું. તે કોઈ રીઢો ગુન્હેગાર ન હતો. બધી બાબતો ધ્યાનમાં રાખી કોર્ટે દસ વર્ષની સજા કરી.
રાધા અને નંદિની એ દિવસે ખૂબ રડ્યા. આસુતોષે પરાણે એમને સમજાય કે દસ વર્ષ પછી વસંત આપણી સાથે હશે. અને એ દસ વર્ષમાં પણ આપણે એમને મળતા રહીશું.
પણ દસ વર્ષ ? કેમ કરીને જાય. પણ સમય વહેતો જ રહે છે. એને જતાં વાર નથી લાગતી.
વસંત એક વાત સમજયો હતો. ગુન્હો ક્યારેય શાંતિ આપતો નથી. ગુન્હાના રસ્તે યાતના અને વ્યથા જ મળે છે. સમાજમાં પોતાના અનુભવને વિખેરી, ગુન્હાની ભાવના યુવાનોના મનમાંથી દૂર કરવાનો યજ્ઞ વસંતે આરંભયો. લેખો, પ્રવચનોની હારમાળા જેલમાં સર્જિ નાંખી.

*****************************
સરકારે સાત વર્ષની સજા પછી વસંતને જેલમાંથી મુક્ત કર્યો. સામે રાધા, લાલો, આશુતોષ, નંદિની, નંદિનીનો દીકરો, સોનલ, નિરવ, સવિતા.... કેટલા બધા લોકો વસંતને લેવા આવ્યા હતા...

*****************************
સમાજમાંથી યુવાનોના મગજમાં ઇઝી મનીની ભાવનાને દૂર કરવાના વસંતના પ્રયત્નો ચાલુ જ રહ્યા. લેખો, પ્રવચનો, સતસંગ ચાલુ રહ્યા. વસંતના લેખો અને પ્રવચનો પરથી એક પુસ્તક પણ બહાર પડ્યું. વસંતના પ્રયત્નોને સરાહવા એને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો.
એક દિવસ વસંત અને આશુતોષ રેલવે સ્ટેશને ગયા હતા. સ્ટેશન પરના એ વૃક્ષને જોતા બન્નેની નજર એક થઇ. વર્ષો પછી જૂની વાતો ખુલી. કરોડપતિની દીકરી માટે સર્જાયેલ તાંડવની ફળશ્રુતિ રૂપ હીરા આસુતોષે સરકારને આપી દીધા હતા તે જાણી વસંતના આત્માને આનન્દ થયો. પણ એ દિવસે એ પણ ખબર પડી કે વસંતે ખેતરમાં છુપાવેલી રકમ હજુ ત્યાં જ છે. હવે. હવે શું ? કેસ પૂરો થયે વર્ષો થઈ ગયા હતા. હવે શું કરવું ? આખરે આસુતોષે એ રકમ વસંતે ચાલુ કરેલા યજ્ઞમાં વાપરવાનું નક્કી કર્યું..
ગુન્હાની ભાવનાને દૂર કરવાના યજ્ઞને લઈ વસંત સમાજમાં ફરતો રહ્યો... ગુન્હો શાંતિ નથી આપતો... ગુન્હો આપે છે ફક્ત વિનાશ, યાતના, વ્યથા....
.
.....સમાપ્ત....
****************************

મારી આ ધારાવાહિક ને વાચક મિત્રોએ ખૂબ પ્રેમથી આવકારી. હું તમામ વાચક મિત્રોનો આભાર માનું છું.

આ ધારાવાહિકના પાત્રો મારા માનસ સંતાનો છે જેમને સહુએ ખૂબ પ્રેમ આપ્યો.

આ ધારાવાહિક માટે વાચકમિત્રોના અભિપ્રાય મને આનન્દ આપશે. અને શક્ય હશે ત્યાં સુધી દરેક વાચકને પૂરો જવાબ આપવાની કોશિશ કરીશ..
...... ધન્યવાદ....


2 ઓગસ્ટ 2020