આત્મજા મૃત્યું પામી હતી. કેદારે જ એની હત્યા કરી હતી અને હું આ બધી બાબતે સાવ નિર્દોષ હતો. હકીકત જે હતી એ હતી પણ હવે દુનિયા આગળ મારે આ જ કહેવાનું હતું અને મેં એ જ કહ્યું. મારી અને આત્મજાના માબાપની વિનંતી ધ્યાનમાં લઈ એના શરીરને ચિરફાડથી બચાવી લેવામાં આવેલું. આમેય ગુનેગાર હાજર હતો અને આત્મજાનાં શરીર પર બીજી કોઈ ઈજાના નિશાન ન હતાં, અમારા દાંપત્યજીવન વિશે કશી ફરિયાદ ન હતી એટલે એમને મન આ કેસ પૂરો થઈ જતો હતો.
******
કેદારે એની જાતે એનો ગુનો સ્વીકારી લીધેલો અને આ એનું પહેલું જ ગુનાહિત કૃત્ય હતું એટલે અદાલતે એને જનમટીપની સજા કરી હતી.
એની સજાને મહિનો પૂરો થવા આવ્યો હતો ત્યારે હું એને જેલમાં મળવા ગયો હતો. એની જ ઈચ્છા હતી કે એને મને એકવાર મળવું હતું.
“કેમ છે તું? જેલમાં ફાવે છે?” મેં એના પાતળા થઈ ગયેલા શરીરને જોતાં પૂછેલું. “તારે આ બધું કબૂલ કરી લેવાની જરૂર ન હતી. આપણે સાબિત કરી શકયા હોત કે એણે આત્મહત્યા કરી હતી.”
એ હસ્યો હતો જરાક, પછી કહેલું, “એ આત્મહત્યા ન હતી હત્યા હતી. મેં જ મારી અનુજાને, આત્મજાને તરછોડી હતી અને છેક એ દિવસથી એ બિચારી ધીમે ધીમે મરી રહી હતી. છોડ એ બધું તને નહીં સમજાય. મેં જે કર્યું એનો મને કોઈ અફસોસ નથી. હું દુનિયાથી અલગ થઈ હવે ફક્ત મારી આત્મજા સાથે જીવવા માંગુ છું. બાકીનું જીવન એની કલ્પના કરી એને વિશે કવિતાઓ લખી પસાર કરી લઇશ. મારે એની ડાયરી જોઈએ છે. એ મારા બેડરૂમના કબાટમાં પડી છે. તું બસ મને એ ડાયરી લાવી આપ. મારે મારી અનુજાનો મારા માટેનો છેલ્લો સંદેશ વાંચવો છે. રોજ વાંચવો છે.”
મને લાગ્યું કે કેદાર પાગલ થઈ ગયો હતો. જે સ્ત્રી હવે આ દુનિયામાં છે જ નહીં એની પાછળ પોતાની જાતને ભલા શા માટે પીડિત કરવાની? આટઆટલું થઈ ગયું છતાં હજી એને એની કાલ્પનિક દુનિયામાંથી બહાર નહોતું આવવું. મને હવે એની પર દયા નહોતી આવતી, ગુસ્સો પણ નહીં, મને બસ ચીડ ચઢી રહી હતી. એણે આત્મજાનો અપરાધ બચાવવા, એને માથે લાગતું એક બદચલન ઔરતનું કલંક હટાવવા કેવી સરસ વાર્તા ઘડી હતી. એની વાત પરથી એવું લાગે કે આત્મજાનો ક્યારેય કોઈ વાંક જ નહતો. એ જાણે એક પવિત્ર પતિવ્રતા સ્ત્રી હતી. વાહ કેદાર વાહ! તે જેલવાસ સ્વીકારીને તારી પ્રેમિકાને બેવફાઇના કલંકમાંથી ઉગારી લીધી પણ તું કદાચ ભૂલી ગયો હતો કે તું જે સ્ત્રી વિશે વાત કરી રહ્યો હતો એ મારી મૃત પત્ની હતી અને હું આ દેશના એવા લાખો લોકોમાંનો એક હતો જેને એની પત્ની વિશે કોઈ પુરુષ વિચાર પણ કરે તો જલન થતી હતી. આત્મજા મારી પત્ની હતી અને આ જનમમાં હું એને મર્યા બાદ પણ કોઈ બીજાને હવાલે કરવા રાજી ન હતો. હા, હું એક સામાન્ય માણસ હતો અને મને મહાન બનવાનો જરાય શોખ નહતો.
એ દિવસે ઘરે આવ્યા બાદ હું કેદારને ત્યાં ગયો હતો. એના કબાટમાંથી મને આત્મજાની ડાયરી સાથે એક ચિઠ્ઠી પણ મળેલી. એ ચિઠ્ઠીના અક્ષરો બિલકુલ ડાયરીમાંના અક્ષરો જેવા જ હતા. મતલબ કે એ ચિઠ્ઠી પણ આત્મજાએ જ લખી હતી. મેં જોયું કે એ ચિઠ્ઠીના લખાણ નીચે જ્યાં નામ લખેલું હતું ત્યાં વચ્ચેના અક્ષરો ગાયબ હતાં. મતલબ કે ત્રણ કે ચાર અક્ષરના એ નામની વચ્ચેના અક્ષર ન હતા. એમાં ‘અ’ પછી સીધું “જા” જ દેખાતું હતું વચ્ચેનો ટુકડો ન હતો. હવે મને સમજાયું કે કેદાર આત્મજાને અનુજા કેમ કહેતો હતો.
મને હસવું આવી રહ્યું હતું, એ ગાંડાએ બાટલીમાં ભરેલી ચિઠ્ઠી કાઢવા એને બહાર ખેંચવાનો પ્રયત્ન જ શા માટે કર્યો? એણે એ બાટલી ફોડી ને અંદરથી ચિઠ્ઠી ઉપાડી કેમ ના લીધી? એના માટે અંદરનો કાગળ જરૂરી હતો કે બાટલી? કહે છે કે એક મહાન વૈજ્ઞાનિકે બિલાડીને એના વાડામાંથી બહાર જવા માટે એક બાકોરું પાડેલું પછી એની બાજુમાં જ બીજું બાકોરું એના બચ્ચાંને બહાર જવા માટે પાડેલું. મહાન માણસો આવા ગાંડા કાઢીને જ મહાન બનતા હશે કદાચ!
એક બાજુ મને કેદાર પર તરસ આવી રહી હતી તો બીજી બાજુ આત્મજાએ ક્યારેય મને ચાહ્યો જ નહતો એમ વિચારી એ લોકોના આ પ્રેમ પર ગુસ્સો આવી રહ્યો હતો.
હું ડાયરી અને ત્યાંથી મળેલી ચિઠ્ઠી બંને લઈને ઘરે આવ્યો હતો. હું એ ડાયરીને ફાડી નાંખી અને એનું એક એક પાનું જુદું કરી એના ટુકડા કરી કચરાપેટીમાં ફેંકી દેવાનું વિચારી રહ્યો હતો કે પાછો મને કેદાર યાદ આવી જતો હતો. આ ડાયરી જ એ પ્રેમમાં પાગલ થઈ ગયેલા માણસનો આખરી સહારો હતી.
કેદારને મળ્યાને બીજા ત્રણ મહીના પસાર થઈ ગયા હતા. મારું આગળનું જીવન હવે થાળે પડવા લાગ્યું હતું. મારી મમ્મીએ મારા માટે એક બીજી છોકરી શોધી લીધી હતી અને એની સાથે મારા લગ્ન લગભગ પાક્કા જ હતાં. એ છોકરી મને ખરેખર ગમી હતી અને એની પાછળનું સાચું કારણ એ હતું કે એ પણ મારા જેવી સામાન્ય હતી. ના એની કોઈ મોટી મોટી ઈચ્છાઓ હતી, ના એ કંઈ વધારે બુધ્ધિશાળી હતી કે ના આત્મજા જેટલી રૂપાળી. એ બિલકુલ એક પત્ની જેવી, એક સાદી ગૃહિણી જેવી હતી અને હવે મારે મારા જીવનસાથીમાં એક પત્ની સિવાય બીજું એક્કે વધારાનું લક્ષણ નહોતું જોઈતું.
મારી એની સાથે બે વાર મુલાકાત થઈ હતી અને હું ખુશ હતો. મેં એને આઈસક્રીમ ખવડાવી એમાં તો એ રાજી થઈ ગયેલી. એક ડ્રેસ ગિફ્ટ કર્યો એમાં તો એણે કલાક મારી સાથે ફૉન પર મીઠી મીઠી વાતો કરી હતી અને છેલ્લી મુલાકાતમાં મેં એને કિસ કરી તો એણે તરત પાછા હટી જઈ કહ્યું હતું કે થોડુંક ધીરેથી અને પછી મેં હળવે હળવે એના હોઠ પર કિસ કરી તો એણે પણ વળતો પ્રતિભાવ આપેલો. એક સ્ત્રીના હોઠને ચુમવાનું સુખ આટલું અદ્દભુત હોય એ મેં એ ક્ષણે પહેલીવાર અનુભવ્યું હતું, આત્મજા જેવી સુંદરી સાથે લગ્નના વરસો વિતાવ્યા હતાં છતાં પહેલીવાર! હું ખુશ હતો. આનાથી વધારે મારે કશુંય નહોતું જોઈતું. મારે બસ આવી જ પત્ની જોઈતી હતી.
ફરીથી હું કેદારને મળવા જેલમાં ગયેલો ત્યારે મેં એને મારા લગ્નની કંકોતરી આપેલી. એણે એ લઈ એક દર્દભર્યું કે મારી હાંસી ઉડાવતું સ્મિત કર્યું હતું. કંકોતરી પર સહેજ નજર કરી એણે તરત જ આત્મજાની ડાયરી વિશે પૂછેલું.
“તું મારી આત્મજાની ડાયરી લેતો આવ્યો છે ને?”
પહેલાં તો એનું એ સ્મિત, પછી મારા લગ્નની કંકોતરી તરફ એનું સહેજે લક્ષ્ય ના આપવું મને નડ્યું હતું. હું એ કદાચ ભૂલી જાત પણ ત્યાર બાદ એનું ‘મારી આત્મજા’ કહેવું મને સખત ખૂંચ્યુ હતું. એ ડાયરી મારા પેન્ટના ગજવામાં જ હતી છતાં મને એને એ આપવાની ઈચ્છા હવે નહોતી રહી. મેં એને કહ્યું કે “આત્મજા મારી પત્ની હતી અને હું નથી ઈચ્છતો કે અમારા ઘરની અંગત વાતો કોઈ ત્રીજી વ્યક્તિ સુધી પહોંચે એટલે મેં એ ડાયરી ફાડી નાંખી.”
કેદાર આગળ કશું કહે કે પૂછે એ પહેલાં જ હું પછી ત્યાંથી નીકળી ગયો હતો. મેં નક્કી કર્યું હતું કે હવે મારે મારા જીવનમાંથી આત્મજા અને કેદારનું પ્રકરણ ભૂંસી નાંખવું છે. ઘરે જતાં જ રાતના મેં એ ડાયરીને તાપણામાં નાંખી એના તાપમાં મેં મારા હાથ શેકયા હતા.
આજે હું ખુશ છું. મારા પરિવારમાં હવે પત્ની સાથે એક દીકરીનો ઉમેરો થયો છે. મને બે પ્રમોશન મળ્યાં છે. એમ કહી શકાય કે હવે જ હું મારી જિંદગી જીવી રહ્યો છું. કેદાર જેલમાં છે અને ખ્યાતનામ કવિ બની ગયો છે. એની કવિતાના પુસ્તકો વખણાઈ રહ્યાં છે. એના અને અમારા પરીવાર વચ્ચેના સંબંધ હવે પહેલાં જેવા નથી રહ્યાં. આત્મજા ભુલાઈ ગઈ છે હવે કોઈ ઘરમાં એનું નામ પણ નથી લેતું. હું એ દિવસ બાદ કેદારને મળવા નથી ગયો. મળવા જવાનો પણ નથી.
મેં આત્મજાને ચાહી હતી, ખરેખર દિલથી ચાહી હતી પણ એની આંખો પર પ્રેમની કાલ્પનિક દુનિયાની એવી પટ્ટી બંધાયેલી હતી કે એણે મને જોયો જ નહીં, છેક સુધી નહીં. શી ખબર કે એણે કુદરત કે ભગવાન કે જેની પર પણ ભરોસો કર્યો હતો એ શક્તિ એને મારી સામે જોવા ઈશારો નહોતા કરી રહ્યા...? એના જીવનમાં હું કેદાર કરતા થોડીક સેકન્ડ જ પાછળથી આવ્યો હતો એ વાત એણે યાદ રાખી પણ હું જ એના જીવનમાં છેવટ લગી ટકી રહ્યો હતો એ એને દેખાયું જ નહીં! જ્યાં જ્યાં કેદારે એને ના કહી એનું દિલ તોડ્યું હતું એ દરેક સ્થાને મેં એનો હાથ પકડ્યો હતો એ એને સમજાયું જ નહીં અને મારો હાથ એના શરીર પર ક્યાં ક્યાં ફરી રહ્યો હતો એ યાદ રહ્યું. એ ફક્ત મારી પ્રેમિકા હોત તો હું એને પંપાળ્યા કરત, રોજ એને ગુલાબનું ફૂલ ભેંટ આપત અને જરૂર પડે એને માટે કવિતા પણ લખત પણ એ તો મારી પત્ની હતી એને હું શું ભેંટ ધરું જ્યારે હું પોતે જ આખેઆખો એનો થઈ ગયો હોઉં. ખેર, આ દુનિયામાં પતિ એની પત્નીને ચાહતો હોય એ જોવામાં કોઈને રસ નથી, બધાને પ્રેમી અને પ્રેમિકાની જ વાતો સાંભળવી ગમે છે એટલે તમે પણ આત્મજા અને કેદારની જોડી યાદ રાખજો મને ભૂલી જજો.
મારો ફંડા બહુ ક્લિયર છે, આ દુનિયામાં આવ્યા જ છો તો તમારા રસ્તે આવતી દરેક વ્યક્તિને જુઓ, એને જાણવાનો પ્રયત્ન કરો અને જો થઈ જાય તો પ્રેમ કરો. એક વાર દિલ તૂટે તો એને બીજી જગ્યાએ જોડવાની ઈચ્છા રાખો, ક્યાંક કોઈ નવા રસ્તે, નવો સાથીદાર મળી જશે. પ્રેમમાં ડૂબવાનું કહેનાર છો ડૂબી મર્યા આ નવો જમાનો છે અને અહીંયા આપણે પ્રેમમાં તરવાનું છે, પાર ઉતરવાનું છે.
તમને જો મારી આટલી સીધી ને સટ વાત ના સમજાય ને તો જીવનમાં બીજું ગમ્મે તે કરજો પણ પ્રેમમાં પડવાની ભૂલ ક્યારેય ના કરતા. પરણીને સુખી થજો પણ પ્રીત ના કરીયો કોઈ...!
સમાપ્ત
એક નમ્ર વિનંતી મારા વહાલા વાચકવર્ગને, આ નવલકથાને રેટિંગ + રિવ્યૂ જરૂરથી આપશો. એમેઝોન, Goodreads, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ, આપ ઇચ્છો એ પ્લેટફોર્મ પર આ નવલકથા વિશે લખી શકો છો. જય શ્રીકૃષ્ણ 🙏
મારી બીજી પુસ્તક રૂપે પ્રકાશિત નવલકથાઓ,
1. નિયતિ: ક્રિષ્ના અને મુરલીની પ્રેમકથા
2. કાપાલી: વ્હાઈટ ડવ મેન્ટલ અસાયલમ
(આપે વ્હાઇટ ડવ વાંચી હોય અને એ ગમી હોય તો આ જરૂરથી વાંચજો. અહીંથી કાપાલી નામે એક હોરર સિરીઝ ચાલું કરી છે.)
3. 11 ટાસ્ક્સ : જ્યાં તમે જીતી રહ્યા છો કે ફસાઈ રહ્યા છો એ નક્કી કરવું છે મુશ્કેલ
આ પુસ્તક ઓર્ડર કરવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરો : +91 98250 32340