મેં ત્યારે કેદારને ફૉન કર્યો હતો. જ્યારે જ્યારે પણ હું આત્મજાને લઈને હેરાન થતો મારી પાસે ફરિયાદ કરવા માટે એક કેદાર જ હતો. એને લીધે જ આ સ્ત્રી મને ભટકાઈ હતી. એણે જ મને આત્મજા સારી છોકરી છે, તને ખૂબ પ્રેમ આપશે વગેરે જેવી મોં માથા વગરની વાતો કરી ભોળવ્યો હતો. કેદાર સાથે વાત કરવાનું બીજું એક કારણ એ પણ હતું કે એની આગળ હું મારી અસફળતા કહી શકતો હતો.
જે મિત્રો મારી સાથે દારુ પીતા એ બધા એમની રાતોની રંગીન વાતો કરતા ત્યારે હું ચૂપ થઈ જતો. સાલું મારી પાસે એમને કહેવા જેવું કશું જ નહતું. મને ખબર હતી કે જેવી હું આત્મજા વિશે વાત કરત કે તરત એ બધા મને સલાહ આપવા લાગી જાત. એમની વાતો સાંભળવાનો મને કંટાળો નહોતો આવતો, એમના બતાવેલા ઉપાય અજમાવી જોવામાંય વાંધો નહતો પણ મને એ સાલાઓ પર વિશ્વાસ નહતો. આત્મજા જેવી સ્ત્રીને મેળવવા એ મારી ગેરહાજરીમાં મારા ઘરે આંટા મારતા થઈ જાય એ વાત મને મંજૂર નહતી. એ રીતે કેદાર પર મને પૂરો ભરોસો હતો. એ બિચારો એક સીધો માણસ હતો. સાચો પ્રેમી હતો. એક અજાણી છોકરીના પ્રેમમાં આટલા વરસે પણ કુંવારો હતો.
કેદારે મને સમજાવેલું કે હું શાંતિ રાખું અને આત્મજા સાથે વાત કરું. એ જે કરી રહી હતી એ ખોટું છે એમ એને સમજાવી, હું એને માફ કરીને ફરીથી પ્રેમથી રાખું એ મતલબનું એ મને કહ્યા કરતો હતો.
મને ખબર નહોતી પડી રહી કે મને શું થઈ ગયું હતું. એ એક સ્ત્રી મને દગો દે એમાં મારું આખું જીવન નહોતું લૂંટાઈ જવાનું. હું એને તગેડી મેલીને બીજી સાથે પરણી શકવા સમર્થ હતો. હું એને મારીને સતોષ મેળવી શકત, એના પર કેસ કરીને એને સમાજમાં બદનામ કરી શકત પણ મને એવું કશુંજ કરવાનું મન નહોતું થઈ રહ્યું.
મારે રડવું હતું. મારો કોઈ જ વાંક ના હોવા છતાં એ ગંધાતી સ્ત્રી મારાથી દૂર ભાગતી હતી અને પછી કોઈ અજાણ્યા જુવાનીયા સાથે... શું હું એને સંતોષ નહીં આપી શકતો હોઉં? મેં કંઈ ઓછા પ્રયત્નો કર્યા હતાં એને રિઝવવાના? કેટલીય રાતો એવી પસાર થઈ હતી જ્યારે મારે મારી પત્નીની જરૂર હતી. એ ખાલી મારી બાજુમાં પડી સૂતી હોય એમ નહીં પણ વ્હાલથી મારા માથામાં, મારી છાતીમાં આંગળીઓ ફેરવતી હોય એમ. મારા ચુંબનનો વળતો પ્રતિભાવ આપતી હોય, મારી દરેક ક્રિયામાં એ પણ સરખી ભાગીદાર થતી હોય. મને એવી પત્ની ક્યારેય નથી મળી. મળી છે તો બસ એક હાડમાંસની બનેલી પૂતળી જેનામાં જીવ જ ના હોય.
કેટલી રાતો એવી પસાર થઈ હતી જ્યારે મારે ઓશિકામાં મોઢું છુપાવી કોઈ સાંભળી ના જાય એમ રડવું હતું. મને મારા કયા પાપની સજા મળી રહી હતી? હું સારો દેખાતો હતો, સારું કમાતો હતો, એને દરેક વાતે રાજી રાખતો હતો અને તોય એ સ્ત્રી મારી હોવા છતાં મારી નહોતી. એના કપાળે મારા નામનો ચાંલ્લો જરૂર હતો પણ ખાલી નામ પૂરતો. એ મનથી જો કોઈ બીજાને ચાહતી હતી તો મારી સાથે આ ઘર ઘર રમવાનું નાટક શેને માટે? હું સાલો ગધેડાની જેમ આખો દિવસ મહેનત કરું, મેડમની એક એક ઈચ્છા પૂરી કરું, મેડમ પણ રાજી હોં, આખો દિવસ એકેય ફરિયાદ ના હોય, એકેય ઝઘડો ના હોય અને જેવા બેડરૂમમાં દાખલ થયાં કે તરત એનું ડાચું બદલાઈ જાય. હું તે કંઈ સાલો રેપિસ્ટ છું, કોઈ બળાત્કારી પુરુષ છું તે એની ઈચ્છા નથી એમ ચોખ્ખું દેખાઈ આવે તોય એની સાથે બળજબરી કરું? એનો સાવ મોળો રિસ્પોન્સ જોઈ મારી ઈચ્છાય કેટલું ટકી શકે. થોડાંક દિવસોની વાત હોય તો સમજી શકાય હજી પણ આ તો આખી જિંદગી આમ જ જવાની હોય એમ લાગતું હતું.
આ બધું છતાં હું એને ચલવી રહ્યો હતો, સહન કરી રહ્યો હતો, એક કેદાર સિવાય કોઇની આગળ મેં એને વગોવી નહતી અને મારી ભલમનસાઈ નો એણે શું બદલો આપ્યો... સાલી મને જ ચૂ## બનાવી ગઈ!
એ સાંજે મારી ધર્મપત્નીનો લાઈવ સેક્સી વિડીયો જોયા બાદ પણ હું ઘરે આવ્યો ત્યારે શાંત રહેલો. મેં એની સાથે કોઈ માથાકૂટ નહોતી કરી. મારા રૂંવે રૂંવે જાળ લાગી હતી અને તોય મેં એને એક અક્ષરે નહોતો કહ્યો. હું મનમાં ને મનમાં બળતો રહેલો પણ એને કંઈ નહોંતુ કહ્યું. જો કે ત્યારે જ મેં મન બનાવી લીધેલું કે હવે આને વધારે સહન નહીં કરી શકાય.
મેં એને મમ્મી પપ્પાને ત્યાં મૂકી આવવાનું નક્કી કરી લીધું હતું. એ લોકો મહિના માટે જાત્રાએ જઈ રહ્યાં હતાં. મોટા ભાઈ ભાભી પણ બહાર હતાં અને પછીથી એ એમના ફ્લેટમાં રહેવા ચાલી જવાના હતાં. મારે બસ આત્મજાને અમારા એ જૂના ઘરે રહેવા જવા તૈયાર કરવાની હતી. જો કે લવને છોડીને જવા એ રાજી નહીં થાય એવું મને લાગેલું અને એ માટે જરૂરી હતું કે હું એને ઉઘાડી પાડું. પણ કેવી રીતે?
મારે એને નહોતું જણાવવું કે મને વરસોથી તારી પર શક હતો. મારે એને નહોતું જણાવવું કે હું તારો ફૉન, એના બધા મેસેજ જોઈ શકું છું. મેં તારો ફૉનને હેક કરી રાખ્યો છે. મારે એને ઘરમાં છુપાવેલા કેમેરા વિશે પણ જાણ નહોતી કરવી. મારી પાસે હવે એક જ રસ્તો બચતો હતો. મારે એને એનું મોઢું કાળું કરતી રંગેહાથ પકડવી પડે. એ પેલાની જોડે લાગી પડી હોય અને ત્યારે જ હું ઘરમાં આવી ચઢું...
બીજે દિવસે સવારે હું ઓફિસ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પણ હું ઓફિસે નહોતો ગયો. મેં ગાડીને ઘરની નજીકના જ એક માર્કેટમાં પાર્ક કરી મારા ફોનનો સીસીટીવી કેમેરો ચાલું કરેલો. મારા નીકળ્યાં બાદ એ શું કરી રહી હતી એ હું જોઈ રહ્યો હતો. એની એક એક હિલચાલ પર મારી ચાંપતી નજર હતી.
આત્મજાએ વોટ્સેપ પર લવને મેસેજ મોકલ્યો હતો, “હાલ ને હાલ મારા ઘરે આવી જા.” સામે પેલાએ તરત જવાબ આપેલો, “અરે વાહ, ના હાય ને બાય ને સીધું મારા ઘરે આવી જા. લાગે છે કે કાલનો નશો હજી ઉતર્યો નથી.”
આગળનું વાંચવાની મને જરૂર નહોતી લાગી. મેં તરત ગાડી સ્ટાર્ટ કરી હતી અને એને ઘર તરફ વાળી લીધેલી. હું મારા ઘરના દરવાજે પહોંચી ગયેલો ત્યારે એક પળ તો થયેલું કે હાલ જ મને હાર્ટ એટેક આવી જાય અને હું મરી જઈશ તો? મેં મારા મન પર કાબૂ મેળવી અંદરનું દ્રશ્ય જોવા માટે મારી જાતને તૈયાર કરી હતી. તમારી પત્નીને કોઈ બીજા પુરુષ સાથે પથારીમાં મજા કરતી જોવી એના જેવી ભયંકર સજા એક પુરુષ માટે બીજી એકેય નહીં હોય. આજે હું એ સજા ભોગવવાનો હતો. આગલા દિવસે સીસીટીવી પર જે જોયું હતું એ અત્યારે મારી આંખો આગળ ભજવાતું હશે. હું એ સાલા બંને ને મારી નાંખીશ...
મારી પાસે રહેલી બીજી ચાવીથી મેં ઘરનું લૉક ખોલ્યું હતું અને હું અંદર દાખલ થયેલો. મારી નજર સામે જે દ્રશ્ય હતું એ સહેજ અલગ હતું. આમ તો એ મારી કલ્પના મુજબનું જ હતું પણ એમાં એક મોટો ફરક હતો.
મારી પત્નીના શરીર સાથે લવ છેડછાડ કરી રહ્યો હતો. એના કપડાં અસ્તવ્યસ્ત હતાં. પેલો એના અંગો ઉઘાડા કરી એને ચાટી, ચૂમી રહ્યો હતો અને આત્મજા, એ એને દૂર ધકેલી રહી હતી. એને દૂર જવા કહી રહી હતી.
એ બંને મને આમ અચાનક આવેલો જોઈને ચોંકયા હતાં, અલબત મારા કરતા ઓછું, હું એમને દૂર થતાં જોઈ હરકતમાં આવી ગયો હતો. મેં તરત નિર્ણય લીધેલો અને લવ મારી પત્ની સાથે બળજબરી કરી રહ્યો હતો એમ માની એની ધોલાઈ કરવા આગળ વધેલો. મેં એને એક થપ્પડ લગાવી હતી, એની અને મારી વચ્ચે ઝપાઝપી ચાલી જ રહી હતી કે આત્મજાએ કહેલું કે હું લવને છોડી દઉં જે કંઈ ચાલી રહ્યું હતું એ એની મરજીથી ચાલી રહ્યું હતું . એને જરાય ફરક નહોતો પડતો કે એની આ બેવફાઈ, આ નાલાયકી જોઈ મારા પર શું વિતશે? એને મારી જરાય પરવા જ નહતી. એનું દિલ સહેજ પીગળ્યું હતું તો એ લવ માટે, મારા માટે નહીં.
કોઈને અંદાઝ પણ આવી શકે છે કે એ વખતે મારી શું હાલત થઈ હશે? મારી રૂપાળી પત્ની કોઈ બીજા પુરુષની બળજબરીનો સામનો કરી રહી હોય હું એને બચાવવા પ્રયત્ન કરું અને એ પાછી મને કહે કે એને જવા દે એનો કોઈ વાંક નથી. આનો સીધો મતલબ એ જ હતો કે એને એના કર્યા બદલ સહેજ પણ પસ્તાવો કે શરમ નહતી. એને એનું મોઢું કાળું કરતાં મારો જરાય ડર નહોતો લાગતો.
હું ત્યાંથી નીકળી ગયેલો. એ સાંજ સુધી હું તરફડતો રહેલો. મને હતું કે એ એકવાર ફૉન કરીને મને કશુંક પૂછશે, મારી માફી માંગશે કે પછી એ હંમેશા માટે ઘર છોડીને જઈ રહી છે એવું કહેશે, પણ એણે મને એક ફૉન પણ નહોતો કર્યો.
સાંજ સુધી મેં ઓફિસનું બધુ કામ પડતું મૂકી કેદારને મેસેજ કરેલા. એણે અમૂકના જવાબ આપેલા. અમૂકમાં મારી તો અમૂકમાં આત્મજાની સાઈડ લીધેલી. મોટાભાગે મને જ સમજવાનું સૂચવેલું. સાલું લગ્નેતર સંબંધ એ રાખે અને સમજવાનું મારે! નીચ હરકત પર એ ઉતરી આવી હોય અને શાંતિથી કામ લેવાની જવાબદારી મારી. પુરુષ બહાર લફડું કરે તો એમાં એનો જ વાંક હોય અને જો સ્ત્રી મર્યાદા ચૂકે તો એમાંય એક વર્ગ એવું કહેશે કે બાપડીને ઘરે સંતોષ નહીં મળતો હોય. આ સમાજને સમજવો જ સાલો સૌથી મુશ્કેલ છે. સમાજ માટે નિયમો ઘડનાર પુરુષો જ સાલા પુરુષોને અન્યાય કરતા હોય ત્યાં બીજાને શું કહેવું. એ સ્ત્રીઓ પ્રત્યે નરમ બન્યા વગર નથી રહી શકતા, કદાચ એમને એમ કે સ્ત્રીઓને જેટલી છૂટછાટ અપાય એટલો પુરુષોને જ ફાયદો થશે. મારા જેવો સીધો માણસ ના કોઈને કંઈ કહી શકે, ના કંઈ કરી શકે એમણે બસ રાત એનું અંધારું પાથરે એની રાહ જોવાની અને પછી ગોદળામાં મોઢું ઘાલીને રડી લેવાનું...મારી બૈરી મને ત્યજીને બીજા જોડે ચાલું છે એવી ફરિયાદ કરતાંય અમને શરમ આવે, સાલો દરેક પ્રશ્ન છેલ્લે તો હરીફરીને અમારી કાબેલિયત પર આવીને જ ઊભો રહી જાય. કોઈ સ્ત્રીને તો એ ક્યારેય સાબિત નથી કરવું પડતું કે એ સ્ત્રી જ છે જ્યારે અમારે પુરુષોને કેમ અમારું પુરુષપણું દેખાડવું પડે છે? કોઈક બિચારાને ખરેખર પ્રોબ્લેમ હોય તો શું એ પુરુષ નથી રહેતો? સ્ત્રી સાથે સંભોગ કરી શકે એને જ પુરુષ કહેવાય એવી ભંગાર સમજણ અમારા પુરુષોના મનમાં આવી ક્યાંથી?
મારી ઓફિસનો પટાવાળો મારા ટેબલ પર ચા મૂકી ગયો હતો અને જતાં જતાં કહેલું કે લોકોનો પણ ત્રાસ છે ડૉક્ટરને ત્યાં જવાને બદલે આ બાબાઓના ચક્કરમાં શું કરવા પડતાં હશે?
મેં મન હળવું કરવા જ એને શું થયું એમ પૂછેલું અને એણે મને ચાના કપની બાજુમાં પડેલ એક જાહેરાતની ચબરખી દેખાડેલી. એ કદાચ છાપા સાથે આવી હશે. એમાં કોઈ પણ દુખની દવા કે ઈલાજ કરવાની પાક્કી ખાતરી અપાઈ હતી. એ ઈસમ કોઈ ચમત્કારી ભભૂત આપીને ભલભલાને ઠીક કરી આપતો હતો. મને નથી ખબર કે હું કેમ એનાથી આકર્ષાયો હતો પણ મેં મનોમન એ ઇસમને મળવાનું નક્કી કરી લીધું હતું.
******
હું કેદારે મને સમજાવેલો એમ જ વર્તી રહ્યો હતો. મેં ના જરાય ગુસ્સો કર્યો કે ના એને કડવા વેણ સંભળાવ્યાં. મેં એને ફૉન કરી હતું કહ્યું કે મમ્મી પપ્પા જાત્રાએ જઈ રહ્યાં છે અને મહીનો આપણે ત્યાં એ જૂના ઘેર જઈ રહેવું પડશે. એ કોઈ હા, ના કર્યા વગર મારી વાત માની ગઈ હતી. અમે લોકો પછી અમારે જૂના ઘેર રહેવા જતાં રહ્યાં હતાં અને ત્યાં મમ્મી પપ્પાની હાજરીમાં અમારી વચ્ચેનું શિતયુધ્ધ વિરામ પામ્યું હતું.
હું બીજા જ દિવસે એ જાહેરાત વાળા ઈસમને મળ્યો હતો. દેખાવે એ કોઈ ભૂવા કે ફકીર જેવો લાગતો હતો. મેં એને કહ્યું કે મારી બૈરી ગાંડી થઈ ગઈ છે. એ મારા વશમાં નથી. એ ઠીક થઈ જાય એવી કોઈ દવા કે કીમિયો હોય તો મને આપે. એણે આત્મજાને રૂબરૂ મળવાની ઈચ્છા કરી હતી જેની મેં સખતાઇથી મનાઈ કરેલી. એણે મને ચાર પડીકી તૈયાર કરીને આપી હતી અને દર બે દિવસે એક પડીકી મધ સાથે આત્મજાને ચટાડવાનું કહેલું.
જે પડીકી બે દિવસે એક વાર આપવાની હતી, એ પણ મધ સાથે, એને મેં આત્મજાને એક જ દિવસે બે અને એ પણ પાણી સાથે ખવડાવી હતી. બીજા દિવસે બીજી બે. એને સખત એસિડિટી થઈ હતી. ભૂખ મરી ગયેલી. ઊલટી પણ થયેલી અને હું એની એવી હાલત જોઈ રાજી થયેલો. એની કરતૂતો માટે આ સજા યોગ્ય જ હતી. જે સ્ત્રી મારા જેવા ભલા માણસને છેતરીને બીજા પુરુષ સાથે સંબંધ રાખે એને તો મૃત્યુદંડ જ મળવો જોઈએ. મેં ફરી એ ચમત્કારી પડીકી આપનાર ઈસમ પાસે જઈ બીજી પડીકીઓ લીધી હતી. મેં એની આગળ મારું નામ ખોટું કહેલું. એને મળ્યો ત્યારે મોંઢે માસ્ક અને મફલર પણ વીંટાળી રાખ્યું હતું.
કેદાર સાથે મારી વાતચીત ચાલું જ હતી. હું સતત એને મેસેજ કરી રહ્યો હતો. આત્મજા વિશે ફરિયાદ કરતા જણાવી રહ્યો હતો કે એ હવે જરાય મારા કહ્યામાં નથી. છેલ્લે એની તબિયત વધારે ખરાબ થઈ અને એ લગભગ પથારી વશ થઈ ગઈ ત્યારે મને એમ કે હવે એ ના કહેશે. ફરીથી એ પડીકી નથી લેવી, એનાથી મને સારું નથી લાગતું વગેરે વગેરે ફરિયાદ કરશે પણ એ કશું જ નહોતી કહી રહી.
મને એમ હતું કે મારી માફી માંગશે. જે કંઈ થઈ ગયું એ એની ભૂલ હતી અને હું એને માફ કરી દઉં એમ કહી એ મારા પગે પડી જશે પણ એ સ્વાભિમાનની પૂતળી એવું કશું જ નહોતી કરી રહી અને મારા મનમાં એના પ્રત્યે વધારે ને વધારે નફરત જમા થઈ રહી હતી.
એકવાર જો એણે એની ભૂલ બદલ માફી માંગી હોત તો હું એને માફ કરી દેત, પણ એણે મને એવો મોકો જ ના આપ્યો.
એ કશુંક લખી રહી હતી. એની આસપાસ મને એક ડાયરી પડેલી જોવા મળતી હતી. મનમાં જબ્બર કુતૂહલ હતું કે હું એ વાંચી લઉં પણ કોણ જાણે કેમ એની પાસે એ માંગવાની મારી હિંમત નહોતી ચાલતી. ચોરી છૂપેથી એ ડાયરી પડાવી વાંચી લેવાની મારી ઈચ્છા જોર કરી રહી હતી. પાછું મનમાં એમ પણ થતું કે એણે કશુંક એવું ના લખી નાખ્યું હોય કે મને મારા કૃત્ય પર પસ્તાવો થાય...
બની શકે છે ને કે બોલી ના શકતી હોય. એની ઈચ્છા હોય કે આવીને મારા પગે પડીને, રડતાં રડતાં એની ભૂલ કબૂલે, માફી માંગે પણ એવું કરવાની એની હિંમત ના ચાલતી હોય. છેલ્લા ઉપાય તરીકે એ આ ડાયરીમાં બધું લખી રહી હોય અને પછી એ મને વાંચવા આપવાનું વિચારતી હોય!
હું ખયાલી પુલાવ પકાવી મનમાં ને મનમાં મલકાતો હતો. આત્મજા એની જાતે મને ડાયરી વાંચવા આપે એની રાહ જોઈ રહ્યો હતો. એક સાંજે એ બેશુધ્ધ થઈ ગઈ હતી. કદાચ ડાયરીમાં કશુંક લખતાં લખતાં જ બેહોશ થઈ ગયેલી. મેં એને સરખી સુવડાવી હતી અને પછી એની ડાયરી હાથમાં લીધેલી.
પહેલું પાનું વાંચતાં જ મારા મગજની નસો થોડી તંગ થયેલી. મારી બધી જ કલ્પનાનો આ સ્ત્રી ભુક્કો બોલાવી દીધો હતો. એણે મારી માફી માંગવાની વાત તો દૂર રહી મારા માટે એ લખ્યું જ નહતું. આટલી ખરાબ તબિયતમાં પણ એણે કોઈક એના પ્રિયતમને સંબોધીને ડાયરીના પાના ભર્યા હતાં.
જેમ જેમ હું ડાયરી વાંચતો ગયો મારી એના તરફની નફરત બેવડાતી ગયેલી. કજાતે મારી ઈજ્જતના તો લીરેલીરા ઉડાડી મેલ્યા હતાં. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો, થતું હતું કે હાલ જ એનું ગળું દબાવી દઉં. હું એ મનહૂસ ડાયરીના પાના ફેરવે જતો હતો. આત્મજાના મરોડદાર અક્ષરો પહેલાં મારી આંખોમાં કાંટાની જેમ વાગી રહ્યાં હતાં અને પછી એક ધારદાર ખંજરની જેમ મારા કાળજામાં ખુંપાઈ રહ્યાં હતાં.
કઈંક તો હતું સાલું જે મારી નજર આગળ હતું અને હું જોઈ નહોતો શકતો. આ ડાયરી મને જાણે કોઈ મહત્વની વાત જણાવી રહી હતી અને હું એને જોઈ નહોતો શકતો. મેં ફરી આગળના પાના ઉઠલાવ્યાં. ફરી એ અક્ષરોના કાંટા મારી આંખોમાં અને કાળજામાં વાગ્યા અને તરત મને લાઇટ થઈ...
સાલો...! કેદારિયો! થોડીવાર તો હું ખડખડાટ હસી પડ્યો હતો. મને ખ્યાલ આવી ગયો કે મારો પિતરાઇ ભાઈ આટલા વરસોથી જે એની પ્રેમિકાને શોધી રહ્યો છે એ આત્મજા છે. હા, આત્મજા કેદારની પ્રિયતમાં. ઓહ માય ગોડ! મારું આ દોઢ ડાહ્યું બૈરું એના લવરને લઈને મને અન્યાય કરી રહ્યું હતું અને એને એ ખ્યાલ જ ના આવ્યો કે એ કેદાર છે.
ના. આત્મજાને ખબર પડી ગઈ હતી. એણે કેદારને જ ચાહ્યો હતો પણ ક્યારે? એ અમારા લગ્ન થયાં એ પહેલાંથી જાણતી હતી કે એનો પ્રેમ કેદાર છે? જો એવું જ હતું તો એણે મારી સાથે લગ્ન શું કામ કર્યા? એણે કેદારને કેમ કંઈ કહ્યું નહીં? એણે મને વાત કેમ ના કરી? મૂરખ એક નંબરની. અમે આત્મજાને જોઈને આવ્યા ત્યાર બાદ એણે મારી પાસે કેદારનો નંબર માંગ્યો હતો. મતલબ કે એને ત્યારે જ કેદાર સાથે લગ્ન કરવા હતા.
આત્મજાએ કદાચ કેદાર સાથે વાત કરી હશે પણ એ બેવકૂફ કંઈ સમજી નહીં શક્યો હોય. એની આંખો આગળ તો અનુજા નામની એક કાલ્પનિક સ્ત્રીની છવી આકાર લઈ ચૂકી હતી. એને આત્મજાથી કોઈ મતલબ જ નહતો.
બંને બેવકૂફ મારા હા’રા. એક ને એમ કે એ પ્રેમ કરશે અને મનમાં એના પ્રેમીને કહ્યા કરશે કે મારી પાસે આવીજા એટલે એ આવી જશે. એ કુદરત પાસે સંકેત માંગશે અને ખરું જોવાનું એ છે કે કુદરત એને ઈશારો કરે છે તોય એ ઓળખી નથી શકતી. આત્મજા તે તારા પ્રિયતમ રૂપે ફક્ત કેદારની જ કલ્પના કરી એ તારી ભૂલ હતી. તે જરાક લાંબુ વિચારીને એની બાજુમાં નજર કરી હોત તો હું પણ તને ત્યાં, તારા ઘરનાં આંગણે ઊભેલી બોગનવેલ નીચે ઉભેલો દેખાત. તારો પ્રિયતમ હું પણ તો હોય શકતો હતો.
કેદારે નક્કી કર્યું હતું કે એ એની અનુજાને પાતાળમાંથી પણ શોધીને રહેશે અને કેટલા વરસોથી એ એમાં જ રચ્યો પચ્યો છે. એ બેવકૂફ માણસે એકવાર આત્મજાને સીરિયસલી લીધી હોત તો આજ આત્મજા એની પત્ની હોત અને અમે બધાં સુખી હોત. એમની તો ખબર નથી પણ હું કોઈ બીજી સ્ત્રીને પરણ્યો હોત અને જરૂર સુખી હોત.
બીજે દિવસે સવારે પણ આત્મજા બેશુધ્ધ હતી. ઘડીભર માટે હું ડરી ગયો હતો. હાલ પોલીસ તપાસ કરે અને એમને જાણ થઈ જાય કે આત્મજાના મોત પાછળ મારો હાથ છે તો? ના, ના એવું ના જ થવું જોઈએ. એ બિમાર હતી એટલે મરી ગઈ એવું જ બધાને લાગવું જોઈએ. એમ નહીં તો એણે જાતે આત્મહત્યા કરી એવું પણ ચાલી જાય. એણે આત્મહત્યા કરી કે એ બિમાર હતી એ એવું સાબિત કરવા મારા સિવાય પણ કેટલાક સાક્ષી હોવા જરૂરી હતાં. મારા પક્ષે એક મારો નોકર તો હતો જ. એને ખબર હતી કે આત્મજાની તબિયત કેટલી ખરાબ છે એટલે જ તો એને નોકરીએ રાખેલો.
એ દિવસે અચાનક જ વાતાવરણ બદલાયું હતું અને વરસાદ ચાલું થઈ ગયો હતો. વરસતા વરસાદમાં પણ હું એ દિવસે ઓફિસે ગયેલો જેથી આત્મજાની તબિયત લથડી ત્યારે હું ઘરે નહતો એમ કહી શકું. મારા ઘરે કામ કરતા નોકર સિવાય બીજા સાક્ષી તરીકે મને કેદાર યોગ્ય લાગેલો. એ મારો ભાઈ છે. મારી પરિસ્થિતિ સમજે છે અને આ બધા સાથે એને સાલાને લાગેવળગે છે. મેં ઓફિસથી જતા જ એને મેસેજ મોકલેલા અને મોડી સાંજે કૉલ કરી એને બોલાવી લીધેલો. એને મેં એમ જ કહેલું કે આત્મજાએ આત્મહત્યાનો પ્રયત્નો કર્યો છે. એ બેવકૂફ તરત મારી વાતોમાં આવી ગયેલો અને મારા ઘરે આવી ગયેલો.
એ જે રીતે આત્મજાને જોઈ રહ્યો હતો, જે રીતે એની પર જીવ બાળી રહ્યો હતો એ જોઈ મને નહોતું લાગતું કે એને જરાય ખ્યાલ છે કે આત્મજા જ એની અનુજા છે. એને કોઈ અનુજા નામની છોકરીની ચિઠ્ઠી મળી હતી એટલી મને ખબર હતી પણ એણે ચિઠ્ઠી લખનારનું નામ અનુજા કેમ કહ્યું હતું? મને થયું કે એને સાલાને હવે ખબર હોવી જોઈએ કે આત્મજા જ અનુજા છે. અનુજા અનુજા કરીને એણે એની પોતાની તો ઠીક મારી જિંદગીની પણ વાટ લગાડી દીધી હતી. મેં એના હાથમાં એ ડાયરી સોંપી હતી અને પછી હું એના ચહેરાના બદલાતા જતા હાવભાવ જોઈ રહેલો.
એ ચમક્યો હતો. ડાયરીનું પહેલું પાનું જોતાં જ એના મનમાં કંઇક કંઇક થવા લાગેલું. એણે એક બે પાના ફેરવ્યા હતા અને પછી તરત ઘરે જવાનું બહાનું કરીને ચાલ્યો ગયો હતો. ડાયરી પણ એની સાથે લઈ ગયેલો. તારે મને ધન્યવાદ કહેવું જોઈએ આત્મજા, જો હું આ ડાયરી કેદારને ના આપત તો એ ક્યારેય એને હાથ ના લગાવત.
ડાયરી મળતા જ એ ઘરે જઈને શું કરશે એ હવે હું વિચારી શકતો હતો. એ ઘરે જઈને પેલી દરિયા કિનારેથી મળેલી બોટલમાંની ચિઠ્ઠી કાઢી એમાંના અક્ષરો સાથે ડાયરીના અક્ષર મેળવશે. થોડીક જ મિનિટોમાં એને ખ્યાલ આવી જશે કે આત્મજા એટલે જ અનુજા. એને પસ્તાવો થશે. એ રડવા લાગશે. જે પ્રેમિકા એની નજર આગળ હતી એની સામેય ના જોવાનું, એની વિનંતીનો અસ્વીકાર કરવાનું એણે પાપ કર્યું હતું. જેને માટે એ દર દર ભટકી રહ્યો હતો, નવી નવી છોકરીઓને મળતો હતો એ ત્યાં ક્યાંય એને મળવાની ન હતી. જે ખજાનો એની પાસે જ હતો એને એ બહાર શોધી રહ્યો હતો.
ના. ના, આ વાક્યમાં ભૂલ છે. ખજાનો એની પાસે જ હતો એ વાત સાચી પણ એ ખજાનો મારો છે કેદારનો નહીં. એ મારી પાસેથી મારી પત્ની નથી માંગી શકતો. આત્મજા હવે નહીં બચે. એનું મરી જવું જ બધાને માટે સારું છે. કેદાર એની યાદમાં તડપ્યા કરશે. એણે તડપવું જ જોઈએ, મુરખની જેમ પ્રેમ કરવાની ભૂલ કરી છે એણે સજા તો મળવી જ જોઈએ ને. એ પહેલાં પ્રેમિકાને શોધવા રઝળતો હતો હવે એની યાદમાં રઝળશે.
મારા ફોન પર કેદારનો કૉલ આવ્યો હતો.
“આત્મજાને કેમ છે હવે? જો ભાઈ તું જરાય ચિંતા ના કર. પોલીસ કંઈ કહે તો હું જોઈ લઇશ પણ તું એને ડૉક્ટર પાસે લઈ જા.”
હું સાલાની ચિંતા સમજતો હતો. જ્યાં સુધી આત્મજા મરણ પથારીએ હતી એને કોઈ ફરક નહોતો પડતો પણ જેવી એ અનુજા બની કે તરત જ એને ફરક પડવા લાગ્યો હતો! ધારો કે આત્મજા બચી જાય, એને કંઈ ના થાય પછી?
કેદાર મારી સાથે દગો નહીં કરે એની મને ખાતરી છે પણ આ સ્ત્રી પર ભરોસો કેમ કરવો? એણે લવ સાથે પહેલાં જ એનું મોઢું કાળું કર્યું છે અને હવે કેદારને ભોળવીને એની સાથે પણ ચાલું પડી ગઈ તો? ના, ના, ના. એવું હું કદાપિ નહીં થવા દઉં.
મેં આત્મજાની પાસે પડેલું ઓશીકું ઉઠાવ્યું અને એને એના ચહેરા પર મૂકી દબાવી દેવાનું વિચાર્યું. મેં ઓશીકું હાથમાં લીધું અને એક ઘડી બાદ એને પાછું મૂકી દીધું હતું. સાલી મારી હિંમત જ નહોતી ચાલી. મેં એના નાજુક હોઠ પર એક ચુંબન કરેલું. એ બેભાન હતી તોય એણે એના હોઠ ભીડી રાખેલાં, એ સખત હતાં, એ ઇચ્છતી જ નહોતી કે હું એને ચુંબન કરું. એને પેલા લબરમૂછિયા લવને કિસ કરતા શરમ નહોતી આવી, કેદાર એનો પ્રિયતમ હતો એને ચુંબન કરવા તો એ તરસી રહી હતી, એક હું જ...
******
કેદાર ફરી મારા ઘરે ના જાય એટલે મેં એને ફોન કરીને જાણ કરી હતી કે અમે હૉસ્પિટલ જઈ રહ્યાં છીએ અને પછી હું આત્મજાને લઈને હૉસ્પિટલ પહોંચી ગયો હતો. ત્યાં ડોક્ટરે આત્મજાને તપાસી એવું તરત જ કહી દીધેલું કે આઈ એમ સોરી!
થોડી જ વારમાં કેદાર પણ ત્યાં આવી ગયેલો. એ સાલો ગજબનો ચાલાક માણસ હતો. એને મારા પર સહેજ પણ શંકા જાય તો એ તરત મને પોલીસને હવાલે કરી દે એમાંનો હતો. ડૉક્ટર આગળ હું સાવ અજાણ બની રહેલો. એની તબિયત ખરાબ હતી અને એ પછી શું થયું એ વિશે મને કંઈ ખબર નથી. પોલીસ આગળ મેં કહેલું કે મારી પત્નીની તબિયત ખરાબ હતી. અમારે કોઈ બાળક નથી એટલે એ બિચારી વિવિધ ઉપચાર કરી એને ગર્ભ રહે એ માટે પ્રયત્ન કર્યા કરતી હતી. લગ્નના છ વરસ બાદ પણ માતૃત્વ ના મળતા એ દુખી થઈ ગઈ હતી.
જેવી કેદારને જાણ થઈ કે આત્મજા હવે નથી રહી રહી એ આઘાતનો મારો સુન્ન થઈ ગયો હતો. એ જે ઓરડામાં આત્મજાને રાખવામાં આવેલી એની બહારની એક બેન્ચ પર મારી સાથે જ બેઠો હતો. એ શાંત હતો અને એની એ શાંતિ મને અકળાવી રહી હતી.
“એની તબિયત થોડાં દિવસોથી આમેય ઠીક નહોતી. મને લાગે છે કે એ કંટાળી ગઈ હતી.” મેં કેદારનું મન જાણવા કહ્યું હતું.
“મેં એની ડાયરી વાંચી. મને અંદાજ છે કે એની સાથે શું થઈ રહ્યું હતું. એ જે દવા લઈ રહી હતી એ તું જ એને લાવી આપતો હતો.” એણે એકદમ શાંતિથી કહ્યું હતું અને મારા મનમાં ફાળ પડેલી. એ સાલો પોલીસને કહી દે કે હું મારા પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો, એની પર વહેમાતો હતો તો, તો મારું આવી જ બને. મારા બધા મેસેજીસ પણ એની પાસે હતા.
“કેદાર એ બધાં પર આપણે પછી શાંતિથી ચર્ચા કરીએ. હું તને ઘરે જઈને બધું જ સમજાવીશ.” મેં મનમાં ઈચ્છા કરી કે એ પહેલાંની જેમ ચૂપ બેસી રહે. એને બોલતો કરવો મારી જ ભૂલ હતી.
કેદાર ઘડીભર ફરી શૂન્યમનસ્ક બેઠો રહ્યો હતો. આત્મજાના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે એવું ઇન્સપેક્ટરે આવીને કહ્યું અને તરત જ એ ઊભો થઈ ગયો હતો.
એણે સીધા એ પોલીસવાળા સામે જઈને કહ્યું, “મારે મારા ગુનાની કબૂલાત કરવી છે. અંદર જે સ્ત્રી મૃત અવસ્થામાં પડી છે એના મોતનું કારણ હું છું. આજે બપોરે મેં જ એને ઊંઘની ગોળીઓ પાણીમાં ઓગળીને પીવડાવી દીધી હતી. ત્યારબાદ એ ઉઠી નથી. મને પકડી લો ઇન્સ્પેકટર. હું જ ખૂની છું.”
પોલીસવાળો, અંદર આત્મજાના રૂમમાંથી બહાર આવેલ ડૉક્ટર, નર્સ અને હું પોતે બધા સ્તબ્ધ થઈ ગયા હતાં. કેદારે આવું કેમ કહ્યું એ અમારી કોઇની સમજમાં નહોતું આવ્યું. હું જાણતો હતો કે એ થોડો ડોબો છે, પ્રેમમાં ગાંડો થઈ ગયેલો છે પણ તોય શું? આ જે એ કરી રહ્યો હતો એ આત્મહત્યા હતી. એણે એવું કરવાની કોઈ જરૂર નહતી.
જો કે કેદારે ગુનો કબુલી લીધો એની બીજી જ પળે મારા મન પરથી જાણે પાંચસો મણનો બોજો ઉતરી ગયો હતો. હું હવે નિશ્ચિંત હતો. પોલીસ હવે આત્મજાને પોસ્ટમોર્ટમ માટે લઈ જાય તોય મને કોઈ ચિંતા ન હતી.
“કેદાર તું આ શું કહી રહ્યો છે ભાઈ? તું ભલા મારી પત્નીની હત્યા શા માટે કરે?” મેં ઠાવકા થઈને પૂછ્યું હતું. મારે જોવું હતું કે એક મહાન માણસ, એક મહાન પ્રેમી આ વાતનો શું જવાબ આપે છે.
“ઇન્સ્પેકટર હું આત્મજાને ચાહતો હતો પણ એણે હંમેશા આલોકને જ ચાહ્યો હતો. એને બાળક નહોતું રહેતું એટલે એ દુખી હતી. હું એને સમજાવી રહ્યો હતો કે એ આલોકને છોડીને મારી સાથે પરણી જાય. હું એને દુનિયાભરની ખુશીઓ આપવા ઈચ્છતો હતો અને એ હતી કે આલોકને છોડવા રાજી જ નહતી. મને એની પર ખીજ ચઢતી હતી, ગુસ્સો આવતો હતો અને એક દિવસ મેં નક્કી કરી લીધેલું કે એ જો મારી નહીં થાય તો હું એને બીજા કોઇની નહીં થવા દઉં. મારા કાકાકાકી બહાર ગયા હોવાથી એ ઘરમાં એકલી હતી. બપોરે આલોક ઓફિસ જાય પછી હું એને મળવા જતો હતો. છેલ્લીવાર એને મનાવવાનો પ્રયત્ન કરી જોયો પણ એ ના જ માની પછી મેં એને પતાવી દીધી.”
કેદાર બોલતો રહેલો. પોલીસ જે જે સવાલ પૂછે એ દરેકનો એની પાસે જવાબ હતો. મને સમજાઈ નહોતું રહ્યું કે એ જે કહી રહ્યો હતો એ સાચું હતું કે એ ખોટું બોલી રહ્યો હતો. મારું દિલ કહેતું હતું કે કેદાર કોઈની હત્યા ક્યારેય ના કરે. પછી થતું હતું કે શું હું કોઇની હત્યા કરી શકું? તોય મેં એને બિમાર કરવા, એ મરી જાય એને માટે પ્રયત્ન કર્યો જ હતો ને. આત્મજા મારી આપેલી પડીકીઓથી નહીં પણ કેદારે પીવડાવેલી ઊંઘની ગોળીઓથી મરી ગઈ હોય એ શક્ય હતું. મેં એના નાક પર ઓશીકું મૂકવાનું વિચાર્યું હતું ત્યારે એ જીવતી હતી કે મરી ગયેલી? એ ભર ઊંઘમાં હતી. જરાય હલી પણ ન હતી. એ ત્યારે જીવતી હતી કે નહીં એ કોઈ ના કહી શકે.
આત્મજા હંમેશા મારા માટે એક કોયડા સમાન રહેલી. એને જાણે કોઈ વાત સીધી રીતે સમાપ્ત થઈ જાય એ પસંદ જ નહોતું. દરેક વાતે એનું કંઈ નવું જ નાટક હોતું. આજે મરી ગયા બાદ પણ એ સ્ત્રી મારા માટે એક કોયડો બની રહી હતી. એનું મોત કેવી રીતે થયું? એને કોણે મારી? હું, કેદાર અને આત્મજા પોતે પણ એના મોતને માટે જવાબદાર હોય શકે છે. આત્મજા હવે રહી નથી. એ ક્યારેય એની સફાઇ આપવા નહીં આવે. કેદારે બેવકૂફે જાતે જ ગુનો કબૂલી લીધો છે. પોલીસ એને પકડીને લઈ જશે. રહી વાત મારી તો મારે આ આખા ચિત્રમાં આવવાની કોઈ જરૂર જ ક્યાં છે? હું તો મારી નોકરી કરવા ગયો હતો અને ઘરે પાછો આવ્યો ત્યારે આ સ્ત્રી, મારી વહાલી પત્ની, પલંગ પર બેભાન પડી હતી. મેં ગભરાઈને મારા ભાઈ કેદારને મદદ કરવા બોલાવ્યો હતો. એ આવેલો. બધી તપાસ કરીને એણે આત્મજાને દવાખાને લઈ જવા કહ્યું હતું અને એ એના ઘરે ચાલ્યો ગયો હતો. હું આત્મજાને લઈને હૉસ્પિટલ આવ્યો ત્યારે ડોક્ટરે એને મૃત જાહેર કરી હતી. કેદાર પણ પછી હૉસ્પિટલ આવ્યો હતો અને એણે એનો ગુનો કબૂલી લીધો.