અજુગતું

અજુગતું

(વાત પોતાના પ્રેમીને ન્યાય અપાવવાની)


    બપોરના એકાદ વાગ્યાનો સમય થયો હતો, સૂર્ય નારાયણ જાણે વર્ષો જૂનો બદલો લઈ રહ્યા હોય તેવી રીતે આકારો તાપ વરસાવી રહ્યા હતાં, વાતારવરણ એકદમ નિરસ અને નિર્જન લાગી રહ્યું હતું, માનવી તો ઠીક પરંતુ એકપણ પશુ- પક્ષીઓ પણ દૂર સુધી ક્યાંય નજરે પડતા ન હતાં, માત્ર ધૂળની ડમરીઓ જ ઊડતી નજરે ચડતી હતી.એકસમયે તો જોતા એવું લાગી રહ્યું હતું કે કદાચ કોઈએ કરફ્યુ જાહેર કર્યુ હોય.

   વિલાસગઢનાં રેલવે સ્ટેશનની બહાર નિકલતાની સાથે જ રોમિલે આ નજારો જોયો, વિલાસગઢનું રેલવેસ્ટેશન એકદમ જર્જરિત હાલતમાં હતું,સુકાયેલ ઘાસ, તુટેલા લાકડાના બાંકડા, વર્ષોથી બંધ હાલતમાં પાણીનું પરબ,નળીયા ની તો વાત જ ક્યાં કરવી અમુક નળીયા તો હતાં જ નહીં, તો અમુક નળીયા પડવાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું, તો અમુક નળીયા આ જોવા માટે ડોક્યુ કરતા હોય તેવી રીતે લટકતી હાલતમાં હતાં.

   આ બધું જોઈ રોમિલ પોતાની થોડેક દૂર ઉડી રહેલ ધૂળની ડમરીની માફક તેનું મન વિચારોની ડમરીએ ચડી ગયું, કે શું આ ગામમાં પોતે પી.ડબ્લ્યુ. ડી.નો પ્રોજેક્ટ સ્વીકારીને કોઈ ભૂલ તો નથી કરીને..?..શાં માટે આ ગામ આટલું બધું ઉજ્જડ હશે…?.....અત્યાર સુધી શાં માટે આ ગામમાં કોઈ સરકારી બાંધકામ કરવામાં આવ્યા નથી…? જો આ બાબત ધ્યાને આવી પણ હશે તો કેમ કોઈ આ ગામમાં કામ કરવા માટે રાજી નહીં હોય….?......???????......પેલી ધૂળની ડમરી તો એકદમ શાંત થઈ ગઈ પરંતુ રોમિલના મનમાં વિચારોની જે ડમરી ઉઠી હતી એ હજુપણ શાંત થઈ હતી નહી.

    રોમિલે પોતાના ખભે લગાવેલ એડીદાસની બેગ ઉતારી અને પાણીની બોટલ બહાર કાઢી, અને એક પછી એક એમ ઘૂંટડે - ઘૂંટડે પાણી પીવા લાગ્યો, થોડીવાર પછી, પોતાના જીવ માટે બક્ષિસ માંગી રહ્યા હોય અથવા જીવવાના વાંકે જીવી રહ્યા હતાં, તે બાંકડા પર રોમિલે બેગ મૂકી અને પોતાના જીન્સના પોકેટમાં હાથ નાખ્યો, સિગારેટ અને લાઈટર કાઢીને એક પછી એક દમ ખેંચવા લાગ્યો.

સિગારેટ પી લીધા પછી પોતાના પાર્ટી સૂઝ વડે સિગારેટ કચડી ગામ તરફ ચાલવા લાગ્યો……

    રોમિલે પોતાની બાજ નજર આજુબાજુ ફેલાવી પરંતુ જે જગ્યાએ કોઈ પશુ- પક્ષિઓ પણ નહોતા ત્યાં રિક્ષા કે કોઈ અન્ય વાહન  મળે એ કેવી રીતે શક્ય બને….? આવું વિચારી રોમિલે પગપાળા જ ચાલતા જવાનું નક્કી કર્યું. એકાદ કિલોમીટર ચાલ્યા બાદ અચાનક રોમિલની નજર રોડની કિનારી પર આવેલ એક નાનકડી ચા ની ઠેકડી પર પડી, જાણે કોઈ એકદમ ભારે પુરમાં તણાય રહેલા માણસને કોઈ આધાર મળવાથી જેટલો આનંદ નહીં થતો હશે એટલો આનંદ રોમિલને પેલી ચા ની ઠેકડી જોઈને થયો.

    ચા ની ઠેકડી પર પહોંચતા ની સાથે જ રોમિલને કંઇક અજુગતું લાગ્યું, કારણ કે ચાની ઠેકડી પર એક જ વ્યક્તિ બધું કામ કરી રહ્યો હતો, ચા પણ એજ બનાવે, વાસણ પણ એ જ સાફ કરે, ઓર્ડર પણ તે જ લેતો હતો, અને પૈસા પણ એ જ લેતો હતો અને કદાચ રોમિલને એવું લાગ્યું એ સ્વાભાવિક હતું કારણ કે અત્યાર સુધી પોતે હાઈ- ફાઈ હોટલની ચા પીવાથી ટેવાયેલ હતો.

    રોમિલે ઘણી મનોમંથન કર્યું પરંતુ પોતાના પાસે ચા પીવી જ હોય તો આ સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો જ નહી, આમ પણ રોમિલે ઘણું બધું વિચારવા થી થોડુંક માથું પણ ભમી રહ્યું હતું, આથી તેણે પોતાના મનને મનાવી ચા પીવા માટે મનાવી રાજી કરી લીધું, પરંતુ ચાની એક ચુસ્કી લેતાની સાથે જ રોમિલ એકદમ ખુશ - ખુશાલ થઈ ગયો કારણ કે આવો સ્વાદ તો તેને હાઈ - ફાઈ હોટલમાં પણ હજુ સુધી ક્યારેય આવ્યો હતો નહી. પોતાનું માથું જે ભમી રહ્યું હતું તે હવે ધીમે - ધીમે પોતાના ઠેકાણે આવી રહ્યું હોય તેવો અહેસાસ રોમિલને થઈ રહ્યો હતો.

    રોમિલે ચા ના પૈસા આપીને ચા ની ઠેકડી વાળા મધ્યમ વર્ગના દેખાતા કાકાનો આભાર માની, ચા ના વખાણ કર્યા અને ઠેકડી ખોલવાનો અને બંધ કરવાનો સમય પણ પૂછી લીધો ત્યાર બાદ રોમિલ ગામ તરફ જતા રસ્તા પર ફરીથી ચડ્યો…...અને ધૂળની ડમરીઓની સાથે સાથે તે પણ દેખાતો અદર્શય થઈ ગયો.


*************************************************************

    ગામમાં પહોંચતાની સાથે જ રોમિલ પી.ડબલ્યુ. ડી ની ઓફિસે ગયો અને પોતે પોતાની સાથે લાવેલ સરકારી ઓર્ડર બતાવ્યો અને આવતીકાલથી પોતાના કામે લાગી જવાની તૈયારી બતાવી.

    રોમિલ પી.ડબ્લ્યુ. ડી ખાતે સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. વિલાસગઢમાં એક તળાવ આવેલ હતું,જેમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન પાણીનો સંગ્રહ થતો પરંતુ ઉનાળા દરમ્યાન સંપૂર્ણપણે સુકાય જવાને લીધે પાણીની દર વર્ષે ખૂબ જ અછત રહેતી હતી, આથી તે ગામમાં સરપંચશ્રી ની આકરી મહેનત બાદ તે ગામમાં ચેક ડેમ બનાવવા માટેની સરકારશ્રીએ નકકી કર્યું હતું, જેની સંપૂર્ણ જવાબદારી રોમિલને સોંપવામાં આવી હતી.

    બીજે દિવસે રોમિલે તળાવ પર ડેમ બનાવવા માટે જગ્યાનું પરીક્ષણ કરવા માટે ત્યાંની લોકલ ટીમ સાથે રવાના થયો, આખા દિવસે બધી તપાસ કર્યા બાદ, સાંજે રોમિલ જ્યારે પરત ફરતો હતો ત્યારે ગામ તરફ ઉપડતાં પગલાઓ અચાનક થંભી ગયા, અને તેની આંખો પહોળી થઇ ગઇ, તેણે પોતાની આંખો બંને હાથ વડે એકવાર મસળી,કારણ કે તેની આંખોએ જે જોયું તેના પર તેને વિશ્વાસ આવી રહ્યો ન હતો…….

    રોમિલે જોયું કે પોતાની નજર સમક્ષ એક સુંદર, આકર્ષક અને એકદમ મન મોહી લે, તેવી એક સુંદર અપ્સરા જેવી યુવતી ઉભી હતી, જેની યુવાની જાણે કુદરતના બધાજ રંગો લઈને પુર બહારમાં ખીલી ઉઠી હતી,તેનું શરીર એકદમ સુડોળ હતું, તેના કાળા અને રેશમી વાળ, ગાલ એકદમ મોહક લાલાશ પડતા, અને હોઠ એટલે ગુલાબની પાંખડી, એકદમ ભરાવદાર શરીર, હરણ જેવી અણીયારી આંખો, નાજુક અને નમણી કમર, સાડીના એકબાજુના ભાગેથી દેખાતો કમર અને પેટનો ભાગ જેના પરથી નજર હટાવી ના શકીએ એટલી મોહક હતી.

   અચાનક રોમિલ પાસે એક ઉત્સાહ અને ચહેરા પર સ્મિત સાથે ઝડપભેર આવી અને કહ્યું -

“સાહેબ ! તમે જ અયા ડેમ બનાવવા માટે શહેરથી આયવા છો ને?

“હા” - રોમિલે જવાબ આપ્યો…

“સારું ! સાહેબ ઇ બવ જ હારુ કરયુ!” - યુવતી નિસાસો નાખીને બોલી.

“હા ! પણ એતો મારી ફરજનો જ એક ભાગ છે!”

“તોય ! તે સાયબ તમારી અમારા હનધાય ઉપર બવ જ મેં’રબાની કેવાય, અને ખાસ તો મારા અને મારા પરિવાર પર….!”

“કેમ ..? ખાસ કરીને તમારા અને તમારા પરિવાર પર …? મને કઈ સમજાયું નહી..!” - રોમિલે માથું ખંજવાળતા-ખંજવાળા પૂછ્યું.

“સાયબ ! ઈતો તમને ટાણું આયવશે ત્યારે હંધુય હમજાય જાહે” - આટલું બોલી તે યુવતી ત્યાંથી ચાલતી થઈ….રોમિલે તેને પૂછ્યું..

“પણ ? તમારું નામ તો જણાવો ….?”

“મારું નામ સાયબ હું તમને કાલે કઈશ” - આટલું બોલી તે જતી રાતી અને તે ત્યાં સુધી દેખાય ત્યાં સુધી રોમિલ તેને જોતો રહ્યો.


    રોમિલ ઘરે તો પાછો આવ્યો પરંતુ તે પોતાનું મન, હૃદય અને મગજ તે યુવતી પાસે મૂકીને આવ્યો હોય એવું લાગ્યું, રોમિલે લગભગ ડેમની ડિઝાઇન બનાવવા માટે ચાર- પાંચ વાર પ્રયાસ કર્યો પરંતુ બધુંજ વ્યર્થ, જાણે તેના પુરે - પુરા શરીર, મગજ અમે હૃદય પર પેલી યુવતીએ વર્ચસ્વ જમાવી દીધું હોય એવું લાગ્યું, રોમિલ વિચારતો હતો કે શું હું પેલી યુવતી કે હું જેનું નામ પણ નહીં જણાતો હું ક્યાંક એના પ્રેમમાં તો નથી પડી રહ્યો ને ?

    રાતે ઊંઘવાનો પણ પ્રયત્ન કર્યો પણ ઊંઘ આવી જ નહી,લગભગ રાતનાં 1 વાગ્યા સુધી પેલી યુવતીના જ વિચારોમાં રોમિલ ખોવાઈ રહ્યો અને ભારે મથામણ બાદ રોમિલ પેલી યુવતી વિશે વિચારતાં - વિચારતા સુઈ ગયો.


**********************************************************


બીજે દિવસે

રોમિલ માત્ર એટલી જ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે વહેલું કે જલ્દી સવાર પડે અને તે પેલી યુવતીની પાસે જઇને પોતાના દિલની વાત કહી શકે, આથી રોમિલ થોડો વહેલો ઉઠીને પોતાના કામની જગ્યાએ પહોંચી ગયો, પરંતુ તેનું આંખો પેલી યુવતીની એક આછેરી ઝલક માટે ઝંખી રહી.

    એટલી વારમાં દૂરથી રોમિલ જે યુવતીનો પળે - પળ રાહ જોઈ રહ્યો હતો, તે યુવતી પોતાની નજરે પડી, રોમિલના આનંદનો કોઈ પાર ન રહ્યો, તે દોડીને પેલી યુવતી પાસે ગયો ; પૂછયું

“ ગઈકાલે ! આપણે વાત થઈ પરંતુ હું તમને તમારું નામ પૂછવાનું જ ભૂલી ગયો..અ.. અમ… તમારું નામ શું છે?”

“સાયબ ! મારું નામ રૂપલ છે…”

“તમારું નામ પણ તમારી પર્સનાલિટીને અનુરૂપ જ છે.”

“તમે ! અમારા ગામમાં ડેમ બનાવવાનું કામ કે’દી થી ચાલુ કરવાના છો સાહેબ.”

“આજ થી જ તે….પણ..પણ…” - રોમિલ થોડુંક અચકાતા બોલ્યો.

“પણ ..? પણ શું સાયબ ?”

“હું તમને એક વાત કહેવા માગું છું”

“હા ! કયો તમતારે સાયબ”

“તમે ! આજે સાંજે ફ્રી હશો ?”

“હા ! પણ કેમ?”

“જો તમે સાંજે ફ્રી હો તો આપણે સાંજે સાથે ચા પીવા જઈએ?”

“હા ! પણ ! ચાર વાગ્યાથી મોડું નઈ,”

“હા ! ચોક્કસ...તો પોણા ચાર,”

“ હા ! હું આવી જઈશ.” - આટલું બોલી રૂપલ ગામ તરફ જવાના રસ્તે ચાલવા લાગી.

      રોમિલના અંગે અંગમાં જાણે એક નવી શક્તિનો સંચાર થઈ ગયો હોય તેવું લાગ્યો, તેના આનંદનો કોઈ પાર ન રહ્યો, પોતે મનોમન આજે પોતાને રૂપલ પ્રત્યે જે લાગણી છે તે આજે સાંજે જણાવી દેવાનું નક્કી કર્યું હતું, કારણ કે રોમિલને રૂપલ વગર હવે શ્વાસ લેવો પણ નકામો લાગી રહ્યું હતું, રૂપલ વગર જીવન જીવાવાનો કોઈ અર્થ જ નથી તેવું પોતે અનુભવી રહ્યો હતો..કામ અને વિચારોની માયાઝાળમાં ક્યાં 3: 30 વાગી ગયા તે ખબર જ ના પડી.

આથી રોમિલ પેલી ગામને બહાર આવેલ ચાની ઠેકડી પાસે પહોંચી ગયો , અને રૂપલની રાહ જોવા લાગ્યો.

     થોડીવારમાં રૂપલ આવી અને તેની સાથે રોમિલ વાતચીત કરવા લાગ્યો,થોડીવાર પછી બને પેલી હોટલની ઠેકડી પર પહોંચ્યા, પેલા ચાની ઠેકડી વાળા કાકાએ રોમિલની સામે આશ્ચર્ય સાથે જોયું, રોમિલે તેની પાસે જઈ બે કટિંગ ચા માટેનો ઓર્ડર આપ્યો.

“ બે…...ચા…..?????” - નવાઈ સાથે પેલા ચાની ઠેકડી વાળા કાકાએ રોમિલને પૂછ્યું.

“હા ….તમને કહ્યું તો ખરા કે બે….”

“ જી ! સાહેબ” - આટલું બોલી થોડીવાર પછી પેલા કાકા ટેબલ પર બે કટિંગ ચા મૂકીને જતા રહ્યા.

     રોમિલે ચાની ચુસ્કી લેતા - લેતા રૂપલને કહ્યું કે...

“કાલે આપણે મળ્યા...પછી હું જ્યારે ઘરે ગયો ત્યારે મને માત્રને માત્ર તમારા જ વિચાર આવ્યા, મને એવું લાગે છે કે હું તમારા પ્રેમમાં પડી રહ્યો હોય.”

“અરે ! સાહેબ એ મારા માટે શક્ય નથી”

“કેમ?” શું તમારા લગ્ન નક્કી થઈ ગયા છે ? શું તમારા હૃદયમાં બીજા કોઈને સ્થાન આપેલ છે? શું મારા માં કાંઈ કંઈ કમી છે?  - તુટેલા સ્વરમાં રોમિલે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી લીધા.

“એ હું નહિ જણાવી શકું...પણ મારા માટે શક્ય છે જ નહી..” - આટલું બોલી રૂપલ ત્યાંથી જતી રહી…

  રોમિલ પણ પોતાના તુટેલા હૈયા સાથે અને એક આઘાત સાથે નિરાશ થઈ તે પોતાના ઘરે જતો રહ્યો.

  રોમિલ ઘરે પહોંચ્યા બાદ જામ્યો પણ નહીં, અને આખી રાત તેને ઊંઘ પણ આવી નહીં, આખી રાત ઊંઘ ન થાવાને લીધે સવારે જ્યારે રોમિલ જાગ્યો તો એકદમ સખત માથું દુઃખવા લાગ્યું.

  આથી તેણે ફ્રેશ થઈને પેલા ચાની ઠેકડીવાળા કાકાના હાથની એકદમ કડક અને મીઠી ચા પીવાનું નક્કી કર્યું, આથી તે ફ્રેશ થઈ પેલા કાકાની ચા ની ઠેકડીએ પહોંચી ગયો,અને કાકાને કહ્યું કે..

“કાકા તમારા હાથની એક કડક- મીઠી ચા પીવડાવો.” - રોમિલે પોતાના કપાળ પર હાથ ફેરવતા કહ્યું.

“સાહેબ! એક જ ને?”

“અરે હા ! મારા વડીલ એક જ હો.”

“જી ! સાહેબ તમે ત્યાં ટેબલ પર બેસો.”

   થોડીવારમાં પેલા કાકા પાણી અને ચા લઈને રોમિલ પાસે આવ્યા અને રોમિલને પૂછ્યું …

“સાહેબ ! એક વાત પુછું ? જો તમે ખોટું ના લગાડો તો.”

“ હા ! પૂછો..તમે તો વડીલ કહેવાવ તમારું થોડું અમને ખોટું લાગે.

“સાહેબ ! હું તમને છેલ્લા બે દિવસથી જોવ છું પરંતુ આજે તમે થોડાક ઉદાસ અને હતાશ લાગી રહ્યા છો?...શુ અમારા ગામમાં તમને નઇ ગમતું..?”

“ના ! કાકા એવું કંઈ નથી પરંતુ કાલે અહીં તમારી હોટલ પર મારી સાથે જે કાંઈ બન્યું તેણે મારા મન ઉપર ખૂબ જ અસર પડી છે.”

“શુ ! થયું તમારી સાથે કાલે ? મારી હોટલ પર?”

“ કાકા ! હું તમારા ગામની એક યુવતીને દિલોજાનથી પ્રેમ કરવા લાગ્યો હતો, અને કાલે અમે બંને એકસાથે જ તમારી હોટલ પર ચા પીવા માટે આવ્યા હતા, ત્યારે મેં તે યુવતીને મારા મનમાં તેના પ્રત્યે જે કાંઈ લાગણી હતી તે જણાવી પરંતુ તે મારી લાગણીને નિર્દયતાપૂર્વક ઠુકરાવીને જતી રહી…”

“એક મિનિટ ! સાહેબ.” - પેલા કાકાએ રોમિલને અધવચ્ચે અટકાવતા જ પૂછ્યું …..

“ સાહેબ ! તમે કાલે બે વ્યક્તિઓ આવ્યા જ ન હતાં પરંતુ માત્ર તમે એક જ આવ્યા હતા અને તમે એક જ આવ્યા હોવા છતાંપણ તમે બે કટિંગ ચા માટે ઓર્ડર કર્યો હતો, મેં તમને બે વાર પૂછ્યું પણ હતું, પરંતુ તમે ગુસ્સે થઈ જાશો આ વિચારથી મેં તમને કઈ વધારે પૂછ્યું નહીં…તમે ટેબલ પર એકલા જ બેસેલા હતા અને એકલા જ એકલા જ વાતો કરતા હતાં….મેં તમને દૂરથી આવતા જોયા ત્યારે પણ તમે એકલા - એકલા જ વાતો કરતા આવી રહ્યા હતાં, તમારી સાથે તો કોઈ હતું જ નહિ.” - કાકાએ કનફર્મ કરતા હોય તેવી રીતે રોમિલને જણાવ્યું.

“કાકા ! આજ સવારથી હું જ્યારથી જાગ્યો ત્યારથી મારું માથું દુખે છે, હું મજાકના મૂડમાં બિલકુલ નથી , માટે મહેરબાની કરીને મજાક ના કરો”- રોમિલે થોડુંક વ્યાકુળ થતા કહ્યું.

    કાકા પોતાની હોટલની અંદર ગયા અને મંદિરમાં રાખેલ ગીતા જેવા પવિત્ર ગ્રન્થ લઈ આવ્યા અને કહ્યું કે ..

“સાહેબ ! હું આ હિન્દૂ ધર્મના આ પવિત્ર ગ્રન્થ પર હાથ રાખીને કહું છું કે હું પણ તમારી સાથે મજાક નહિ કરી રહ્યો, મેં મારી સગી આંખો વડે જે જોયું એ જ તમને સાચે - સાચું જણાવી રહ્યો છું.”

“ કાકા ! તમારે આ પવિત્ર ગ્રન્થના સોગંધ ખાવાની કાંઈ જરૂર નથી, તમે મારી સાથે શાં માટે ખોટું બોલવાના છો.” -

      આટલું બોલી રોમિલે પેલા કાકાના હાથમાંથી ગીતાનો ગ્રન્થ લેવા માટે પોતાના હાથ લાંબાવ્યો પરંતુ એના બીજા જ ક્ષણે જે બન્યું તે જોઈને રોમિલને પેલા કાકાની વાત પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં, કારણે કે જેવો ગીતાનો ગ્રન્થ રોમિલ પેલા કાકાના હાથમાંથી લેવા ગયો કે તરત જ તેમાંથી એક ફોટો નીચે પડ્યો, આથી રોમિલ તે ફોટો ઉઠાવવા માટે નીચે ઝુક્યો પરંતુ જેવો ફોટો સીધો કર્યો, કે તરત જ તેની પગ નીચેની જમીન સરકી ગઈ હોય તેવો ભાસ થયો, પોતાની આંખો એકદમ પહોળી થઇ ગઇ, અને એકદમ વ્યાકુળ થઈ ગયો, ચિંતાને લીધે તેને પરસેવો થવા લાગ્યો…..કારણ કે એ ફોટો બીજા કોઈનો નહિ પરંતુ રોમિલ જેને પોતાની જાત કરતા પણ વધારે દિલોજાનથી પ્રેમ કરવા લાગ્યો હતો તે …..રૂપલનો જ ફોટો હતો.,

     આથી રોમિલે એકદમ આશ્ચર્ય સાથે પેલા કાકાને પૂછયું કે.,” કાકા આ કોનો ફોટો છે ? તમારે આ યુવતી સાથે શું સબંધ છે? આ યુવતી નો ફોટો તમારી પાસે કયાંથી??? ….આ એજ યુવતી છે કે જેને હું મારી જાત કરતા પણ વધારે પ્રેમ કરું છું,” આ વાત સાંભળી પેલા કાકા એ કહ્યું કે …..

“ સાહેબ ! તમારું મગજ તો ઠેકાણે છે ને ??”

“ હા ! મારું મગજ ઠેકાણે જ છે, પરંતુ મારી સાથે નસીબ કંઇક રમત રમી રહ્યું હોય તેવું લાગે છે..તમે પેલા મારા પ્રશ્નોના જવાબ આપો.”

“ સાહેબ ! એ વાત કોઈ રીતે શકય જ નથી.. એવું બની જ ન શકે..”

“પણ ! કેમ?” - એકદમ આતુરતા સાથે પૂછ્યું.

“ સાહેબ ! આ મારી એકની એક લાડકી દીકરી ...રૂપલનો ફોટો છે...જે અમારા ગામની બાજુમાં આવેલ શહેરમાં નોકરી કરતી હતી અને દરરોજ અપ-ડાઉન કરતી હતી, એક બાપ તરીકે હું ખૂબ જ ખુશ હતો..અને કયો બાપ ખુશ ના થાય કે જે પોતાની એકને એક લાડકી દીકરીને પગભર બનાવી હોય….પરંતુ સાહેબ મારી આ ખુશી કે આનંદ ને કાળની એક લપડાક લાગી હોય કે કોઈની નજર લાગી હોય તેવી જ રીતે મારી આ ખુશી લાંબા સમય સુધી ટકી નહિ…..એક દિવસ હું હોટલ બંધ કર્યા બાદ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે મને એક માઠા સમાચાર મળ્યા કે ગામની બહાર આવેલા તળાવ પાસે મારી દીકરીએ આપઘાત કરી લીધો….સાહેબ એ દિવસ તો હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલું કારણ કે એક પિતા તરીકે મારું મન મને કહી રહ્યું હતું કે મારી દીકરી ક્યારેય આપઘાત કરી જ ન શકે...કારણ કે મને મારી દીકરી અને મારા સંસ્કારો પર પૂરેપૂરો વિશ્વાસ હતો, પરંતુ મારી આંખે જે જોયું એના પર મારી પાસે વિશ્વાસ કરવા સિવાય અન્ય કોઈ રસ્તો હતો જ નહીં…મેં મારા આ હાથે જે તેના નિષ્પ્રાણ શરીરને અગ્નિદાહ આપ્યો છે અને તમે કહો છો કે તમે મારી દીકરી રૂપલ સાથે મારી જ હોટલ પર ચા પીવા માટે આવ્યા હતાં …, હવે તમે જ મને કહો કે હું તમારી વાત પર કેવી રીતે વિશ્વાસ કરું….??”

“ હું પોતે પણ એ સમજવા માટે અસમર્થ છું કે મારી સાથે શું બની રહ્યું છે, અત્યાર સુધી મારી પાસે તમારા પર વિશ્વાસ માટેનું કોઈ કારણ હતું નહીં, પરંતુ હવે તો કારણ છેજ.”

“સારું ! સાહેબ તમે રૂપલને પહેલીવાર કઈ જગ્યાએ મળ્યા હતા? મને એ જગ્યા બતાવશો??”

“હા ! ચોક્કસ, કેમ નહિ,ચાલો હું તમને અત્યારે જ તે જગ્યાએ લઇ જાઉં.”

      ત્યારબાદ રોમિલ અને ચા વાળા કાકા બંનેવ ડેમનું કામ જ્યાં ચાલતું હતું, રોમિલ સૌ પ્રથમ રૂપલને જે જગ્યાએ મળ્યો હતો ત્યાં લઇ ગયો. અને પોતાની આંગળી ચીંધતા પેલા કાકાને કહ્યું કે

“કાકા ! આ જ એ જગ્યા છે, જ્યાં હું અને રૂપલ પહેલીવાર મળ્યા હતાં.”

“સાહેબ ! પાક્કું તમને યાદ છે કે એ આજ જગ્યા હતી?” - નવાઈ અને આશ્ચર્ય સાથે કાકાએ રોમિલને પુછ્યું.

“હા ! કાકા, મને પાક્કી ખાત્રી છે કે હું રૂપલને પહેલીવાર આ જગ્યાએ મળ્યો હતો, પણ તમે કેમ આટલા બધા આશ્ચર્યથી પૂછો છો?”

“સાહેબ ! આ બીજી કોઈ નહિ પરંતુ આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ રૂપલનો નિષ્પ્રાણ દેહ પડેલો મેં મારી પોતાની સગી આંખે જોયું હતું.”

“શુ ! વાત કરો છો ? કાકા, એ શક્ય જ કેવી રીતે બને?” - ગભરાયેલા અવાજ સાથે રોમિલે પૂછ્યું.

“સાહેબ ! મેં મારી જીવથી પણ વધુ વ્હાલી દીકરી ખોઈ છે, હું થોડો ખોટું બોલું.” - કાકાએ વિનમ્રતાપૂર્વક રોમિલને સમજાવ્યો.

    હવે રોમિલના મગજમાં આખે-આખી વાત સ્પષ્ટ થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું, તેને થયું કે કદાચ રૂપલનાં મૃત્યુ બાદ તેના આત્માને શાંતિ ન મળવાથી, ન્યાય મેળવવા માટે ભટકતો હશે, અને આ બધું પોતાની સાથે એટલા માટે બની રહ્યું હશે, કારણ કે ભગવાને રૂપલના નિર્દોષ આત્માને ન્યાય અપાવવાનાં નેક કામમાં પોતાને પસંદગી કરેલ હશે.આથી રોમિલે અને કાકાએ પોતાની આસપાસ કઈક પુરાવો મળે તે આશયથી શોધ- ખોળ આદરી, થોડાક સમયબાદ તપાસ કર્યા બાદ, રોમિલની નજર થોડાક દૂર પડેલ મોબાઈલ પર પડી, આથી તે દોડીને તે મોબાઈલ ઉઠાવ્યો,જેવો મોબાઈલ ઉઠાવ્યો, મોબાઈલ જોઈ કાકા એક ધ્રુસ્કા સાથે ચીસ પાડીને રડવા લાગ્યા અને રોમિલને કહ્યું કે -

“સાહેબ ! આ મારી પુત્રી રૂપલનો જ મોબાઈલ ફોન છે, જેના કવર પર ઝરી વડે ‘આર’ લખેલ હતો.”

“કાકા ! હવે મને તમારી વાત પર સંપૂર્ણપણે વિશ્વાસ આવી ગયો છે, તમે મને કહ્યું હતું કે મારી દીકરી આપઘાત કરે એટલી નબળી હતી નહી, આ વાત સો ટકા સાચી છે, મને પણ મનમાં એવું લાગી રહ્યું છે કે રૂપલે આપઘાત નહીં કર્યો હોય, પરંતુ તેની સાથે ચોક્કસથી કઇ અજુગતું કે અણબનાવ બન્યો હશે.”

“સાહેબ ! મારું મન હજુ એ માનવા તૈયાર નથી કે રૂપલે આપઘાત કર્યો હશે, પરંતુ આપણે કરી પણ શું શકીએ.”

“કાકા ! મને એવું લાગે છે કે આ મોબાઈલમાં કંઈક તો એવું હશે કે જેને લીધે બધી જ ખૂટતી કડીઓ આપોઆપ જોડાય જશે, તમે મારી ઓફિસ પર ચાલો, ત્યાં હું આ મોબાઈલ ચાર્જ કરીને તપાસ કરું.” - આટલું બોલી રોમિલ અને કાકા બંનેવ રોમિલની સાઇટ ઓફિસે ગયાં, અને ત્યાં મોબાઈલ ચાર્જ કર્યો.

   મોબાઈલ સ્વિચ ઓન કરીને રોમિલે તરત જ કેમેરાના મેનુ માં ગયો જેમાં છેલ્લે મોબાઈલમાં એક વિડિઓ હતો જેમાં ગામના સરપંચના પુત્ર અને તેના બે મિત્રોએ રૂપલ સાથે પાશવી બળાત્કાર ગુજારી મોતના મુખમાં ધકેલી દીધી હતી, જેને પાછળથી આપઘાતનું સ્વરૂપ આપવામાં આવેલ હતું.

    આ જોઈ કાકા જમીનપર પોતાના ગોઠળ પર બેશી ગયા અને જોર - જોરથી ધ્રુસકાભેર રડવા લાગ્યાં. અને બોલ્યા.

“સાહેબ ! જોયુને તમે કે પેલા નરભક્ષિ, નરાપીચાછોએ મારી ફૂલ જેવી કોમળ નાજુક દીકરી પર કેવો પાશવી બળાત્કાર ગુજાર્યો, સાહેબ એક પિતા તરીકે મારું હૃદય જે કહેતું હતું એ સાચું જ ઠર્યું.”

    આ બધું જોઈ રોમિલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, ગુસ્સાને લીધે આંખો લાલચોળ થઈ ગઈ હતી, જેને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કર્યો, ભલે તે મળ્યો કે ન મળ્યો એ ગૌણ વસ્તુ છે પરંતુ હવે પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનારાને સજા અપાવવા માટે હવે રોમિલ તાંડવ કરવા તૈયાર થઈ ગયો હતો.

    આથી તેને પોતાના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને બાજુના જિલ્લામાં જ એ.સી.પી ની પોસ્ટ પર ફરજ બજાવતા તેના મિત્ર શુભમને ફોન કર્યો અને આખો બનાવ વિગતવાર જણાવ્યો, આથી તરત જ શુભમ પેલા ત્રણેય નરપીચાશોના નામનું એરેસ્ટ વોરન્ટ લાવ્યો અને તે ત્રણેયને કેદી કરી લીધા, અને એકાદ અઠવાડિયાની કોર્ટની કાર્યવાહી પછી ત્રણેયને બળાત્કાર અને ખૂનમાં કેશમાં ફાંસીને સજા આપવામાં આવી.

    પેલા કાકાને હવે હૈયે ટાઢક વળી, આથી તેણે રોમિલના પગે પદિને તેનો આનંદના આંસુ સાથે આભાર માન્યો, અને રોમિલે તેના એક ફોન માત્રથી તેને મદદ કરવા માટે દોડી આવેલા તેના મિત્ર એ.સી.પી. શુભમનો હૃદયપૂર્વક આભાર માન્યો.

    આ વાતને એક અઠવાડિયું વીતી ગયુ ત્યારબાદ રોમિલ ફરીથી પોતાના કામમાં પોરવાઈ ગયો, એક દિવસ સવારે જ્યારે પોતે ઓફિસ જતો હતો ત્યારે અચાનક જ તેનું ધ્યાન રૂપલ પર પડ્યું, રોમિલને જોઈ રૂપલના આંખમાં આંસુ આવી ગયા અને તે ખુશીથી દોડતી - દોડતી આવી અને રોમિલના ગળે વળગી ગઈ, પરંતુ રોમિલે તેને ગળે વળગાવવા માટે પોતાના હાથ ફેલાવ્યા, એ સાથે જ રોમિલ આશ્ચર્ય મા પડી ગયો કારણ કે રોમિલે રૂપલના મનમોહક અને આકર્ષિત લાગતા શરીરનો સૌ પ્રથમવાર જ સ્પર્શ કર્યો હતો, જે તેના માટે કોઈ એક અવિશ્વસનીય અને અમાનનીય અનુભવ હતો,ત્યાર બાદ રૂપલ રોમિલને કહ્યું કે

“ મેં હંમેશા મારા પતિ માટે કંઈક ધારણા કરેલ હતી તે જે પ્રમાણે તમે મારા માટે એકદમ યોગ્ય છો, જેવી રીતે તમે મને ચાહો છો તેવી જ રીતે હું પણ તમને ચાહું છું પરંતુ આપણાં બનેવનું આ જન્મમાં મિલન થાય એવી કોઈ સંજોગોમાં શક્ય નથી, પરંતુ હું ભગવાનને એટલી પ્રાર્થના જરૂર કરીશ કે મને હવે પછીના બધા જ જન્મોમાં તમે જ મને પતિ તરીકે મળો.”

    આટલું સાંભળી રોમિલ પણ પોતાની લાગણીઓ પર રાખેલો કાબુ ગુમાવી રૂપલને પોતાના ગળે વળગાવવા માટે હાથ લંબાવ્યા પરંતુ તેના હાથમાં માત્ર રહ્યું તો માત્ર હવા કે શૂન્યાવકાશ અને અને આછા વાદળી રંગનો પ્રકાશ, જે ધીમે ધીમે અવકાશ તરફ જઈ રહ્યો હતો,જેને જોઈ રોમિલના મો માંથી આપોઆપ શબ્દો નીકળી ગયા કે

“હે ! ભગવાન, તારા માયા અપરંપાર છે, તારા ખેલ નિરાળા છે, દુનિયામાં અમુક લોકોને તું. પ્રેમના સફળ બનાવે છે, તો અમુક લોકોને નિષ્ફળ પરંતુ તે મને એક નવો જ પ્રેમનો અનુભવ કરાવડાયો  અને ખૂબ જ સારી રીતે સમજાવી દીધું કે “ પ્રેમનો મતલબ માત્ર પામવું નહીં.”

     મિત્રો હાલમાં લોકો એવું માને છે કે પ્રેમમાં સફળતા કે નિષ્ફળતા મળે, પરંતુ ક્યારેક એવો પણ પ્રેમ બે પ્રેમી પંખીડા વચ્ચે પાંગરતો હોય છે જેનો મતલબ મેળવવું એવો ક્યારેય નથી થતો, જો આપણે કાનૂડાનું નામ લઈએ તો પહેલા રાધાનું નામ આવશે, પછી રૂક્ષમણી નું નામ આવશે, કારણ કે રાધા અને કૃષ્ણ વચ્ચે જે પ્રેમ હતો તેનો મતલબ પામવું એવો હતો જ નહિ.


                         સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

                             મકવાણા રાહુલ.એચ
    

   

***

Rate & Review

Verified icon

parash dhulia 3 weeks ago

Verified icon

Ina Shah 3 months ago

Verified icon

Prakash Bhatt 3 months ago

Verified icon

nimisha zala 4 months ago

Verified icon

Devangi Vasava 5 months ago